હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું

Revision as of 09:32, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)



અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું
અમે પાણો છીએ એક લાત મારી તો જુઓ તમને અમે સમજાઈ જાશું

અમે તો વહેણ છીએ ધસતું ને ધસમસતું ને રેલાતું ને રેલાઈ જાતું
અમે શું નાનુંઅમથું ઝરણું છીએ કે તમે રોકો તો ત્યાં રોકાઈ જાશું

અમે તો મૂળિયાં છીએ હલાવી હલમલાવી શકશો નહિ કેમેય અમને
અમે શું પાંદડું છીએ તમે શું ફૂંક મારો તો અમે ગભરાઈ જાશું

અમે આંખોમાં આંખો નાખી પૂનમરાત જેવી વાત અજવાળી જ કરીએ
તમારી કાળી વાતોમાં અમે શું આંખો મીંચી લેશું ને ભરમાઈ જાશું

અમારી સાફસૂથરી કેડી બારોબાર ખળખળ પર અમે કંડારી લઈએ
તમારા ધૂળિયા વગડાના ફૂવડ ફાંટેફાંટે શું અમે ફંટાઈ જાશું

(છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા)