સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/દોષવિવેક

Revision as of 15:11, 4 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

દોષવિવેક

અનૌચિત્ય પરત્વે જ નહીં, સર્વ પ્રકારના દોષો પરત્વે આનંદવર્ધન એક ઘણો જ અગત્યનો ભેદ કરે છે – અવ્યુત્પત્તિકૃત દોષ એટલે કવિની જાણકારીના અભાવને કારણે, બરાબર વિચાર્યું નહીં હોવાને કારણે કે બેધ્યાનપણાને કારણે થયેલા દોષ અને અશક્તિકૃત દોષ એટલે કે કવિપ્રતિભાના અભાવને કારણે થયેલા દોષ. આપણા કાવ્યશાસ્ત્રે તો મોટાંમોટાં દોષપ્રકરણ રચ્યાં છે. કવિશિક્ષા માટે એનું મહત્ત્વ ઓછું નથી, પણ પછી નિર્દોષ કાવ્ય શોધવું મુશ્કેલ થઈ જાય એવું છે. દોષો વચ્ચે વિવેક ન કરી શકીએ તો આપણે કાવ્યાસ્વાદ જ ન કરી શકીએ. આનંદવર્ધનનો વિવેક એવો છે કે કાવ્યમાં અવ્યુત્પત્તિકૃત દોષ મહત્ત્વના નથી, અશક્તિકૃત દોષ જ મહત્ત્વના છે. અવ્યુત્પત્તિકૃત દોષ કવિપ્રતિભાને બળે ઢંકાઈ જાય છે – એના તરફ આપણું લક્ષ જતું નથી, એને અવગણીને આપણે કાવ્યનો આસ્વાદ લઈ શકીએ છીએ, પણ અશક્તિકૃત દોષની ઉપેક્ષા કરવી શક્ય નથી, એ તો ઊડીને આંખે વળગે છે અને આપણા કાવ્યાસ્વાદમાં વિઘ્ન ઊભું કરે છે. [1] અહીં આપણને લોંજાઇનસ યાદ આવે, જેમણે એમ કહેલું કે મહાન પ્રતિભાઓ સ્ખલનશીલ હોય છે અને એમનાથી સરતચૂકથી કે બેકાળજીથી થયેલા આકસ્મિક દોષોનું કશું મહત્ત્વ નથી, એ આપણા લક્ષમાંયે આવતા નથી.


  1. ૧૭. અવ્યુત્પત્તિકૃતો દોષઃ શક્યા સંપ્રિયતે કવેઃ ।
    યસ્ત્વશક્તિકૃતસ્ત્વસ્ય સ ઝટિવભાસતે ।।
    (૩.૬ વૃત્તિ)