સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિપ્રતિભા જ મૂલતત્ત્વ
કવિપ્રતિભા જ મૂલતત્ત્વ
આનંદવર્ધન કવિપ્રતિભાનું અસામાન્ય ગૌરવ કરે છે. અવારનવાર એમની વાત કવિપ્રતિભા આગળ આવી થંભે છે. કવિપ્રતિભા એમની દૃષ્ટિએ કાવ્યરચનાનું મૂલતત્ત્વ છે. એ ન હોય તો સઘળો ક્રિયાકલાપ, સઘળો શાસ્ત્રશ્રમ નકામો છે. ધ્વનિમાર્ગ કવિપ્રતિભા આનન્ત્યને પામે એ અર્થે બતાવ્યો છે એમ આનંદવર્ધને કહ્યું છે તેમાં પણ એ ગૃહીત છે કે મૂળમાં કવિપ્રતિભા તો જોઈએ જ અને કવિપ્રતિભામાં અનન્ત રૂપે વિસ્તરવાની ક્ષમતા છે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યનો આશ્રય લેવાથી કાવ્યાર્થનો કોઈ પાર જ રહેતો નથી પણ એ તો જો પ્રતિભાગુણ હોય તો જ એમ એમણે કહ્યું છે (૪.૬). એમણે તો કવિને અપાર કાવ્યસંસારના એકમાત્ર પ્રજાપતિ તરીકે વર્ણવ્યો છે – એને રુચે એવું જ કાવ્યવિશ્વ ઘડાતું હોય છે; એ જો રાગી હોય તો કાવ્યવિશ્વ રસમય બને, એ જો વિરાગી હોય તો કાવ્યવિશ્વ નીરસ બને પોતાની કાવ્યસૃષ્ટિમાં કવિ સ્વતંત્ર પણ હોય છે. એ ઇચ્છે તો ચેતન પદાર્થોને અચેતન રૂપે અને અચેતન પદાર્થોને ચેતન રૂપે વ્યવહાર કરતા બતાવે છે. કવિવાણી પદાર્થોને એ જેવા નથી એવા રૂપે આપણા હૃદયમાં સ્થાપે છે ને એ રીતે જાણે સૃષ્ટિકર્તા બ્રહ્માથી આગળ જાય છે. કવિપ્રતિભા સર્વ કંઈને પોતાને અભિમત રસના અંગ રૂપે નિયોજી બતાવે છે. (૩.૪૨ વૃત્તિ)