અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/વાયરે ઊડી વાત
Revision as of 11:35, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
વાયરે ઊડી વાત
જિતેન્દ્ર કા. વ્યાસ
વાયરે ઊડી વાત —
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
ભમરે પાડી ગાલપે મારા ભાત!
વાયરે ઊડી વાત.
સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય
ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત.
વાયરે ઊડી વાત.
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભરમો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!”
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........'
એય મૂઆને એની શી પંચાત?
વાયરે ઊડી વાત.
(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)