અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/બાઈ રે ! આજે પહેલવ્હેલાં...
જિતેન્દ્ર કા. વ્યાસ
બાઈ રે! આજે પ્હેલવ્હેલાં હું ન્હાઈ રે! માથાબોળ
અલ્લડ સૈયર એમ બોલી કે ‘વ્હેંચ તું આખા ગામમાં એનો ગોળ!’
બાઈ રે! આજે પ્હેલવ્હેલાં હું ન્હાઈ રે! માથાબોળ!
થાય છે ગલી કમખામાં જાણે રેશમી ફરે પીંછું!
રોમેરોમે કોક ડંખતો મને મધથી મીઠું બીંછું!
ફૂલગુલાબી વેદના કેરા દરિયે ડૂબી, તોય હું કોરી, તોય રે! હું તરબોળ!
બાઈ રે! આજે પ્હેલવ્હેલાં હું ન્હાઈ રે! માથાબોળ!
તડકે મારા કેશ સુકાવું, તડકો રમતિયાળ!
આયને ભાળું કેસર કેરી બેસતી આંબાડાળ!
થાય ઘડીમાં આભમાં ઊંડું, થઈને ફૂદું ફૂલડે કૂડું, છલકાઉં થઈ છોળ
બાઈ રે! આજે પ્હેલવ્હેલાં હું ન્હાઈ રે! માથાબોળ!
સાંભરે મને સૈયર મારી કરતી’તી જે વાત —
(કે) “એય ને મેડી માંહ્ય લૂટ્યાં’તાં મધ મેં સારી રાત.”
છેલછબીલા છોકરા કેરી પાઘનું છોગું ભાળતાં ઊઠે હિયથી શા હિલ્લોળ
બાઈ રે! આજે પ્હેલવ્હેલાં હું ન્હાઈ રે! માથાબોળ!
(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૨)