‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પરિષદની આરપાર’

From Ekatra Foundation
Revision as of 02:48, 13 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પરિષદની આરપાર :

[સંદર્ભ : ઑક્ટો-ડિસે, ૨૦૦૫, ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પણ પછી?]

૭ ક
રસિક શાહ

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’નો ૫૬મો સળંગ અંક સાંજે ૭-૦૦ વાગે મળ્યો. તમારો ‘પ્રત્યક્ષીય’ વાંચીને તરત લખવા બેસી ગયો. આ મારો પ્રાથમિક પ્રતિભાવ– પહેલાં તો અભિનંદન. (સુમન, ‘આરપાર’ના તંત્રીસંપાદક, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી – આ સૌને અભિનંદન.) ધીરુબેને ઘણી વાર ‘પરિષદ’ના વહીવટી દાબ વિશે ફરિયાદ કરી હતી, એમનો વસવસો જાહેર કર્યો હતો. એમની શક્તિ-મર્યાદામાં રહીને એમની રુચિને અનુકૂળ રહીને ‘પરિષદ’ના જ આશ્રયે પણ ‘પરિષદ’થી સ્વતંત્ર રહીને થોડા કાર્યક્રમો એમણે યોજ્યા. પણ she is not a literary activist. એટલે ‘નર્યું ભાવનાઓનું ગદ્‌ગદ ગાન’ કહીને એમના વિચારોનો છેદ ઉડાડવા જેવો નથી જ. લંડનથી આવેલા વિપુલ કલ્યાણીએ પોતાના વિષયની ભલે બહાર જઈને પણ પરિષદનાં કેટલાંક વહીવટી પાસાંની આકરી ટીકા કરી. ત્રણે પ્રમુખોની હાજરીમાં. એનો નવા પ્રમુખ બકુલ ત્રિપાઠીએ જે રીતે બચાવ કર્યો એથી પરિસ્થિતિમાં ધરમૂળનો સુધારો થશે એવી કોઈ આશા જન્મતી નથી. Diasporaના સાહિત્ય વિશેના લેખો ‘પરબ’માં નહિ છપાય એવું બંને નિમંત્રિત વક્તાઓએ બીજા દિવસે પિન્કી દલાલ અને નંદિની ત્રિવેદી (મુંબઈ સમાચારવાળાં)ની હાજરીમાં કહેલું એનો હું સાક્ષી છું. આ પરિસ્થિતિ શોચનીય છે. જે લેખકોને, વિચારકોને, વિવેચકોને આ પરિસ્થિતિ ખૂંચતી હોય એ પરિષદના વહીવટદારોને એક વખત લેખિત વિનંતી કરે. પરિષદની વહીવટી પાંખ એનો પ્રતિભાવ ઉદાસીનતાથી આપે તો ઓછામાં ઓછું ‘પરબ’માં એમનું લખાણ ન મોકલવું એવો અસહકારનો માર્ગ અપનાવે. ઘણા બધા ચૂંટાયેલા સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિ શેની મધ્યસ્થી કરે છે એવો મજાકિયો સવાલ મેં એક સભ્યને કરેલો. એણે કહ્યું, ‘જ્ઞાનસત્રમાં અને પરિષદમાં કોને વ્યાખ્યાન માટે કે પેપર રજૂ કરવા માટે બોલાવવા એની ચર્ચા અમે કરીએ છીએ. એ સિવાય બીજું કંઈ નહિ.’ આવી ચૂંટણી માટે ઊભા ન રહેવું એ પણ અસહકારનો માર્ગ હોઈ શકે. સબળ પ્રતિકાર કે વૈકલ્પિક સંગીન પ્રોગ્રામ આપવા જેટલા સાહિત્યકારો સંગઠિત નથી એટલે આવું ચાલ્યા જ કરવાનું. જેમ સરકાર માટે કહેવાય છે એમ સાહિત્ય-સંસ્થાઓ વિશે પણ કહી શકાય : we get the Parishad that we deserve. પરિષદની પ્રતિમા ઊજળી બને એ માટે સાહિત્યકારોએ એમની પ્રતિમાને થોડી ઊજળી કરવી પડે – તમે ચીંધેલા કાર્યક્રમમાંથી થોડા ઉપાડી લઈને.

મુંબઈઃ ૨૪-૧-૦૬

– રસિક શાહનાં સ્મરણ

૭ ખ
ચંદ્રકાન્ત ટોપીવાળા

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ (ઑક્ટો., ડિસે., ૨૦૦૫)માં તમે ગુજરાતી સાહિત્ય પરિષદનાં સો વર્ષ પૂરાં થયે ‘પરિષદની આરપાર’ એવું નિસ્બત અને સૂઝપૂર્વકનું પ્રાસ્તાવિક આપ્યું અને એમાં તટસ્થપણે એનાં આજ સુધીનાં કાર્યોનું અને કરવા જેવાં કાર્યોનું વિવરણ આપ્યું, તે સમયસરનું છે. આ સંસ્થા સાથે – હું લગભગ બાર વર્ષ સક્રિય જોડાયેલો રહ્યો છું. તમે આથી મારી પ્રતિક્રિયા જાણવા ઇચ્છો એ સ્વાભાવિક છે. તમે આ સંસ્થાની મંદ પડેલી વિદ્યાપ્રવૃત્તિ પર, એના કથળેલા વહીવટી ઢાંચા પર અને બીજાઓની ક્ષમતાને માર્ગ ન આપનારી એકકેન્દ્રી પરિપાટી પર યોગ્ય રીતે આંગળી મૂકી છે. તમારાં નિરીક્ષણોને પુષ્ટિ આપતા કેટલાક મુદ્દાઓને અહીં રજૂ કર્યા છે : ૧. ‘સાહિત્યનો ઇતિહાસ’ અંગે એક વ્યાપક સલાહકાર સમિતિની રચના કરાયેલી. એની બેત્રણ સભાઓ થયેલી. સૂચનો પણ મળેલાં. પણ પરિષદ હંમેશાં કરે છે તેમ સમિતિને નિષ્ક્રિય કરી દીધેલી. કોઈપણ સમિતિની રચના કાર્યદિશા અને કાર્યવેગ માટે હોય છે. કાર્યને ઠેલવા કે મર્યાદાને છાવરવા માટે નહીં. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૫’ નવ વર્ષે બહાર પાડ્યો છે તે પૂરા સ્વરૂપમાં નથી. મૂળની યોજનાને બાજુએ રાખી ઇતિહાસની સંકલના વગરના કેટલાક ઊભડક આસ્વાદલેખોનો પણ સંચય થયો છે. લખાણની પૂરી સંગતતા પણ જળવાયેલી નથી. મારું નામ સલાહકાર સમિતિ પર હોવાથી આ વાત મારે માટે દુઃખદ છે. ૨. સ્વાધ્યાયપીઠો અને અભ્યાસકેન્દ્રો પ્રવૃત્તિ ગણાવાનાં સાધનો તરીકે શરૂ કરવાનો કોઈ અર્થ નથી. પરિષદનું અનુવાદકેન્દ્ર સૌથી વધુ કાર્યક્ષમ હોવું ઘટે એને સ્થાને કોઈ નિવૃત્ત અધિકારીના હાથમાં એ ઉત્સાહહીન અને નહીંવત્‌ બની ગયું છે. સ્વાધ્યાયપીઠમાં બબ્બે અભ્યાસીઓએ મધ્યકાળ પર બબ્બે વર્ષ લગી નાણાકીય વ્યવસ્થા હેઠળ કાર્ય કર્યું છે પણ આજદિન સુધી જાહેરમાં એનો કોઈ હિસાબ રજૂ થયો નથી. મધ્યકાળમાં જ્યારે સંશોધન લગભગ અટકી ગયું છે ત્યારે આવો હિસાબ મોટી ગરજ સારે તેમ છે. ૩. પરિષદમાં અમેરિકાનિવાસી શ્રી મણિલાલ જોશીની આર્થિક સહાયથી એક શ્રુતિદૃશ્ય ખંડ સંચાલિત હતો. એમાં રેકોર્ડિંગની પ્રાથમિક સુવિધા હતી. પરિષદમાં આજે એની કોઈ ભાળ મળતી નથી. પરિષદ જેવી સંસ્થા પાસે આ પ્રકારની વ્યવસ્થા એનું અનિવાર્ય અંગ લેખાવું જોઈએ. ૪. ‘જ્ઞાનસત્ર’નું માળખું બદલવાની તાકીદની જરૂર છે. જ્ઞાનસત્રને અધિવેશનની જેમ મંડપ વચ્ચે મેળાવડો માનવાની ભૂલ થઈ છે. સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને નજીકથી તપાસવાનો અને નવી દિશાઓનાં સૂચનો પકડવાનો એક મહત્ત્વનો મંચ જ્ઞાનસત્રે ઊભો કરવાનો છે. તમે યોગ્ય રીતે ‘લોકાભિમુખ’ પછી તરત જ ‘સાહિત્યરસિકાભિમુખ’ શબ્દ મૂક્યો છે, તે માર્મિક છે. લોકાભિમુખનો અર્થ સાહિત્યને લોકાભિમુખ કરવાનો નહીં પણ લોકોને સાહિત્યાભિમુખ કરવાનો માર્ગ છે એમાં લોક અભિમુખ બને તે ઇચ્છવા જોગ છે. સાહિત્ય દ્વારા લોકોનું સંવનન કરવાનું નથી પણ લોકોને સાહિત્યના સંવનન તરફ વાળવાના છે. ગુજરાતી પ્રજાની તાસીર વાણિજ્ય બુદ્ધિની છે એને પરિષદની નક્કર સાહિત્યસિદ્ધિઓથી સાહિત્યરસિક-સાહિત્ય-બુદ્ધિવાળી બનાવી શકાય. સાહિત્યક્ષેત્રે સંખ્યાબળ નહીં પણ ગુણવત્તા એની પારાશીશી છે. ૫. સમયબદ્ધ દૃષ્ટિપૂર્વકના કાર્યક્રમો, કાર્યક્રમોનું ચુસ્ત સમાયોજન, પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત પ્રતિભાલક્ષી માનવસંસાધનનો યોગ્ય વિનિયોગ, વગેરે – કોઈ પણ સંસ્થાના વિકાસ માટે અને એની સફળતા માટે મહત્ત્વનાં છે. એમાં પ્રચ્છન્ન ‘શાખ ભ્રષ્ટાચાર’ – goodwill corruption (આ પરેશ નાયકે સૂચવેલો શબ્દ છે) સંસ્થાને અંદરથી કોરી નાખે છે. ઉદાહરણ તરીકે પરિષદ જેવી સંસ્થા પુસ્તકભંડાર માટે કોઈ ટ્રસ્ટને, એ ટ્રસ્ટ હોવાને કારણે આશ્રમ રોડ પર આવેલા પોતાના મકાનમાં તદ્દન નજીવા ભાડે જગા ફાળવે (ક્યાંય સુધી આ ટ્રસ્ટે ફર્નિચર પણ સંસ્થાનું વાપર્યું છે) – અને, એ બરાબર પણ પરિષદનાં પ્રકાશનો વેચવા માટે પરિષદ પાછી ટ્રસ્ટને વેપારી ધોરણે કમિશન આપે એ કોઈપણ રીતે બુદ્ધિમાં ઊતરે એવું નથી. વળી, પરિષદના કર્તાહર્તા હોવાને નાતે [તમે કહો છો એમ] અનેક સમિતિઓ અને મંડળોમાં પ્રવેશી પોતાની અંગત માન્યતાઓને આધારે હિતલાભ લેવો અને આપવો એ દૂષિત પ્રવૃત્તિ છે અને છેવટે પરિષદને આથી હાનિ પહોંચી જ છે. એકંદરે તમે નિર્દેશી છે તેવી કલ્પનાશીલ યોજનાઓ થવી જોઈએ. પ્રવૃત્તિ હાથમાં લઈ એનો જેમતેમ વીંટો વાળી દેવાની અને પોતાનો હાથ ઊંચો રાખવાની પ્રવૃત્તિ ચાલે છે એથી ઉપર ઊઠવું જરૂરી બન્યું છે. આવું નહીં થાય ત્યાં સુધી સાહિત્યસંસ્થાનો ભલીવાર નથી. આવાં ધોવાણો વહેલીતકે અટકવાં જોઈએ. એક વ્યાપક હિતના અનુસંધાનમાં તમે મને સંડોવ્યો એ માટે હું આભારી છું.

અમદાવાદ, ૭-૨-૨૦૦૬

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

૭ ગ
લાભશંકર ઠાકર

પ્રિય શ્રી રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના અંક ૫૬માં તમે ‘પ્રત્યક્ષીય’માં ગુ.સા. પરિષદ વિશે જે નિસબતથી, વિગતે લખ્યું છે તે વાંચીને મને આનંદ થયો. તમે અનેક સૂચનો કર્યાં છે અને આ ‘આપણી’ સંસ્થા છે અને તે યથાશક્ય નિર્મળ બનીને સુપેરે કર્તવ્યપરાયણ થાય તેવી સચ્ચાઈભરી સમજણથી અને લાગણીથી લખ્યું છે. તમારા આ સંપાદકીય નીચે હું સહી કરી દઉં, રમણભાઈ. અન્યથા હમણાંથી જે કંઈ લખાયું-છપાયું છે, પરિષદ વિશે, તેમાં પરિષદ સાથે સીધા સંકળાયેલાઓએ તો અંદરના ક્લેશને બહાર ચોકમાં લાવીને ‘જોણું’ કર્યા જેવું જ છે, હાસ્યજનક, વિરૂપ અને તેથી કરુણ. હું મારી નિસબતથી ઘણી વાર લખી ચૂક્યો છે. અલબત્ત, તે મારી શૈલીથી. પ્રશંસા તો હું તમારા ચીવટભરી નિસબતથી અને વિગતભર્યાં સૂચનોથી લખાયેલાં સંપાદકીયની જ કરું. એવો ભાવ અનુભવું છું કે પરિષદના આજના તંત્રવાહકો તમારા જેવા થોડા મિત્રોને નિમંત્રે. સહુ સાથે બેસીને આ માતૃસંસ્થા વિશે સમ્ભાષા (ડાયલૉગ) કરે. એમાં શું શું કરી શકાય આ આપણી માતૃસંસ્થામાં, તે વિશેનો એક સહિયારો આલેખ તૈયાર કરી શકાય. એમ થતાં યથાશક્ય સંસ્થાને કર્તવ્યપરાયણ કરવામાં સહભાગી બની શકાય. આ માટે બહાર હોવા છતાં સાચી નિસબત ધરાવતા મિત્રોને પરિષદે ઇજન આપવું જોઈએ. ‘ખેવના’માં મારાં [પરિષદ વિશેનાં] બે લાંબાં લખાણોને એડિટ કરીને શ્રી સુમનભાઈએ છાપ્યાં છે. મેં ઘણી વાર યદ્વાતદ્વા શૈલીમાં ગુ. સા. ૫. વિશે લખ્યું છે. હવે થાક અને કં-ટા-ળો પણ આવે છે. તમે મજામાં હશો. ‘પ્રત્યક્ષ’ સુપેરે ૧૪મા વર્ષમાં પણ આમ પ્રત્યક્ષ થતું રહે છે તેનો આનંદ.

અમદાવાદ, ૧૬-૨-૦૬

– લાભશંકર ઠાકર

૭ ઘ
રાધેશ્યામ શર્મા

સંપાદકશ્રી, ‘પ્રત્યક્ષ’ના ૫૬મા અંકના સંપાદકીય લેખ માટે જોરદાર અભિનંદન તમને આપ્યા સિવાય રહી શકતો નથી – એ એક યાદગાર જાગૃતિપ્રેરક લેખ છે. ‘પછી?’ લખીને અત્યંત જરૂરી પ્રશ્નો તમે પ્રસ્તુત કર્યા છે. ‘ખેવના’ના તંત્રી સુમન શાહે ધુમાડો ચીંધ્યો. પછી અન્ય કોઈ સામયિકે આવા વહ્નિ-સ્ફુલ્લિંગ વેરવાની હિંમતભરી નૈતિકતા દેખાડી નથી! યુનિવર્સિટી, સા. પરિષદ, દિલ્હી/ગુજરાત સા. અકાદમી જેવાં તંત્રોમાં જે કાંઈ ધખારા-તિખારા ઊડી રહ્યા હોય એ બાબતોમાં મારું ઘોર અજ્ઞાન ધરાર સ્વીકારું છું. પણ આ ‘પ્રત્યક્ષીય’ની દીપશિખા મને થોડુંક લખવા દોરી ગઈ ખરી. સર્વપ્રથમ, રમણભાઈ, તમારી મુદ્દાપકડ, અભ્યાસમંડિત, સુચિંતિત અને પ્રશ્નપરક ગદ્યશૈલી ગમી ગઈ. પીઢ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એક કાળે ‘ચિંતનાત્મક ગદ્ય’ ગ્રંથ પ્રગટ કરેલો. મારું સર્જનાત્મક વલણ વધુ એટલે એવું ગજું તો નહીં, પણ તમારા જવાબદારીભર્યા હાથે જે વિગતો રમતી મેલાઈ છે એ ચિંતન ઉપરાંત પરિષદ વિશે, ચિંતા પ્રેરે એવી પણ છે. ગાંધીધારાના નવજીવન પ્રકાશને આખું પુસ્તક પ્રકાશિત કરેલું : ‘ત્યારે કરીશું શું? એ રીતે, કરણીય શું એનો તમે ઉપયોગી નકશો આરેખ્યો છે તે હાલના તંત્રવાહકોને કિંચિત્‌ પણ હલાવશે? તો બાત બન જાયે...’ તાતા તીર જેવો તમારો પ્રશ્ન : ‘ક. લા. સ્વાધ્યાય મંદિરના સંશોધકોએ’ (નામો કેમ ન દીધાં?) ‘આ દાયકામાં શું પ્રગટ કર્યું? ક્યાં પ્રકાશનો કર્યાં? આનો તો સંલગ્ન સંશોધકોએ જ ખણીખોતરીને જવાબ દેવાનો છે – ગુજરાતી સાહિત્યરસિક જનતાને. દાન-સહાય-ગ્રાન્ટ દેતી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓએ પણ આ સવાલનો ભારો ઉપાડવો ઘટે, એટલું જ નહીં જ્યાં તમસ્‌ અને તામસી-રાજસી પરિબળોના કરોળિયા જામ્યા હોય ત્યાં સંમાર્જન કરવું પડે. પરિષદના પૂર્વ-પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલે, તમે નોંધ્યું છે, તેમ નર્યું ભાવનાઓનું ગદ્‌ગદ ગાન કરી કરીને સાહિત્યની સૂક્ષ્મ અને પરિષદની સ્થૂલ સેવા કેટલી કરી? સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાને અનુસરી તંત્રાનુરાગીઓ, કવીશ્વર દલપતરામને સ્મરીને ‘ધીરે ધીરે’ સુધારાના ધીરગંભીર સાદને કદાચ યાદ કરતા હશે! એની સાથે, તમારું સમાપન-વાક્ય (‘આધાર વિનાની ભાવનાઓનાં દેવાલયો રચવાં... એ હવે સાવ અપ્રસ્તુત કાલગ્રસ્ત ચેષ્ટા હશે) જોડવાની તક એટલા માટે ઝડપું છું કે એમાં પૂર્વોક્ત ચિંતાત્મક ભાવિના ભેંકાર ભણકારા ભળાય-સંભળાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો વ્યક્તિલક્ષી નહીં એવો તટસ્થ ઇતિહાસ લખાશે ત્યારે આ ‘મંદયુગ’ ભેખડની ધારે લટકી ઝૂલી રહ્યો હોવાનું દૃશ્ય અતિ વાસ્તવિક લાગશે. આમ છતાં આશાતંતુને સાહિરની પંક્તિઓ વડે વળગી રહેવાનું ગમાડું : ‘રાત જિતની હી સંગીન હોગી, સુબહા જિતની હી રંગીન હોગી.’

અમદાવાદ, ૧૯-૨-૦૬

– રાધેશ્યામ શર્મા

૭ ચ
સુમન શાહ

પ્રિય રમણભાઈ, મને સારું-સારું ખાવું ગમે, સારું-સારું પહેરવું ગમે. ફૂલ-છોડવાઓને અડવું ગમે, પાણી પાઉં. શેપમાં રહેવું ગમે, વાળ રંગું. ત્રણ વાર બ્રશ કરું. હસવામાં બહુ જ મજા પડે. આ બધું કહેવાનો અર્થ એટલો જ છે કે હું રસિક જીવ છું અને મને જીવન નામના રહસ્યમાંથી સૌંદર્ય જે પ્રગટી આવે છે તેની બહુ લગની રહે છે. એટલે કલાસૌંદર્ય ભોગવવામાં, વળી મારા વડે એ રચાય એટલું રચવામાંય મને ખાસ રસ છે. આ મૂળભૂત બાબત વિશેનાં ધોરણો મને જ્યાં જ્યાં ન જળવાતાં જણાય ત્યાં ત્યાં હું બોલ્યા વિના રહી ન શકું. હવે તમે જણાવો છો એમ, જો ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘વહીવટીતંત્ર પર વધુ ભાર’, તેને લઈને ‘વહીવટી દાબ’નો અનુભવ, ‘તંત્ર-પરકતા’, ‘સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ’ વગેરે બધું થયું હોય કે થવા માંડ્યું હોય, તો મને એ બધા બખડજન્તરતન્તરમાં રસ નથી. કેમકે હું એ બધાંથી મને બહુ દૂર પડી ગયેલો અનુભવું છું. આ કશી ડંફાશ નથી, હકીકત છે. પરિષદ સાહિત્યની સંસ્થા છે. સાહિત્યની છે માટે સંલગ્ન દરેકને પોતાનો આગવો ચહેરો હોવો જોઈએ – જે એની સાહિત્યસમ્પદાનું ફળ હોય. એ સંસ્થા છે માટે સંલગ્ન દરેક પાસે આગવો અવાજ હોવો જોઈએ – જે એની સાહિત્યકલા નિસબતનું ફળ હોય. ઉમાશંકર-કાળે એવો ચહેરો અને એવો અવાજ ધરાવનારાઓની સંખ્યા ઠીક ઠીક મોટી હતી. એ સંખ્યા ક્રમે ક્રમે ઘટતી ચાલી : વચ્ચેનાં વરસોમાં ચહેરાવાળા ઓછા થતા ગયા ને વર્તમાન લગીમાં તો સાવ જ ઓછા; વળી, અવાજ વગરના વધારે ને વધારે વધતા રહ્યા. મારું આ નિરીક્ષણ કોઈ ને કોઈ રીતે તમારાં મંતવ્યોને પુષ્ટ કરનારું લાગશે. તમારાં નિરીક્ષણોનો સાર, ધોવાણ છે અને હું આવું કહીને એ ધોવાણના મૂળમાં રહેલી પાયાની અછતને ચીંધી રહ્યો છું. પરિષદમાં લોકશાહી છે કે લોકશાહીનું માત્ર ખોખું? જો લોકશાહી છે તો તેમાં દરેક બગાડને સુધારવાની કે કાયમ માટે નષ્ટ કરવાની જોગવાઈઓ હોવી જોઈએ. એ જોગવાઈઓનો સંલગ્ન સૌએ હમેશાં ઉપયોગ કરવો ઘટે છે. મેં જોયું હતું કે ચહેરા અને અવાજવાળાઓ ઘટી ગયેલા તે છતાં, ચાર-છ જણા પાસે તો એ બંને વસ હતી, આજે પણ છે. પરંતુ તમે કહો છો એવા વહીવટી-દાબે એવા રાજકારણને પ્રસરાવ્યું કે એ રહીસહી ચાર-છ વ્યક્તિઓ પણ સામસામે આવી ગઈ, એમની મોરાલિટી સામે પ્રશ્નો થયા, એમના સ્વત્વ પર સીધા કે આડકતરા પ્રહારો કરાયા. લોકશાહી જ્યારે દાવપેચ ને ઝીણી ઝીણી રમતો વડે જ નભતી હોય છે ત્યારે હકીકતમાં એ ભાયાતો વડે ચાલતી ઠકરાત હોય છે કે પછી હજૂરિયાઓ વડે નભતી બાદશાહત. એનું બીજું નામ છે, લોકશાહીનું ખોખું. પરિષદનાં સો વર્ષ પૂરાં થતાં, એવી આશા બંધાયેલી કે એમાં આમૂલ પરિવર્તનનું પ્રભાત ઊઘડશે, પણ એ ન થયું. છેલ્લી ચૂંટણીઓએ દર્શાવી દીધું છે કે આ સંસ્થા હવે માત્ર મતદારોને હવાલે છે – એટલે કે મતદાર –બુદ્ધિને હવાલે છે. નહીં કે તેમની સાહિત્ય-સૂઝબૂઝને હવાલે – આમૂલ પરિવર્તનની આશા હવે આમ નિર્મૂળ થઈ ગઈ છે. ઘણાને તો બધું બરાબર જ લાગે છે – શેનું પરિવર્તન, શા માટે વગેરે એમની દલીલો છે. જ્યારે તમારા-મારા જેવા કે આપણા જેવા ને આપણા જેવાના થોડાક મિત્રો નિરાશ થઈ ગયા છે ને માને છે કે આ સંસ્થાને હવે કોઈ પોલિટિકલ ઍક્શન જ ઉગારી શકશે – એટલે કે, જલદ અને સર્વવ્યાપી કશુંક આંદોલન. પણ તરતમાં એની કોઈ શક્યતા નથી. ચહેરા અને અવાજ વગરનાઓની વધતી વસ્તી વચ્ચે, સાથેસાથ, વાંઝણી ફરિયાદો કરનારા ને તકવાદી વચેટિયા પણ ઘૂસ્યા છે. તેઓ પણ ફાવતા રહ્યા છે તે હવેનાં વરસોમાં ફાવતા રહેશે, કેમકે પેલા પણ વધતા રહેશે. માટે આશા કે નિરાશા, અસ્થાને છે. છતાં, વાત તો ઊભી જ રહે છે. તમારો લેખ ‘શું કરવું જોઈતું હતું ને હજી પણ શું કરવું જોઈએ’ – જેવી અત્યંત વિધાયક ભાવનાથી રસબસ છે. એનું જેટલું મૂલ્ય કરીએ એટલું ઓછું. તમે ચીંધેલી ઊણપો અને તમે કરેલાં સૂચનો તમારી નિસબત બતાવે છે એ તો ખરું જ પણ એ નિસબત સંસ્થાઓ વડે થનારાં કઠિન કામોને વિશેની છે તેથી મૂલ્યવાન છે. મેં પણ અગાઉ કરવાનાં કામોની યાદી આપી છે (-જિજ્ઞાસુએ જોઈ હશે. ન જોઈ હોય તેવા જો જોવા ચાહે તો જુએ ‘ખેવના’-૬૩, સપ્ટેમ્બર, ૧૯૯૯). તમારાં સૂચનોનો એક – ઑર વિશેષ પણ દર્શાવું. તમે જેટલાં કંઈ કામોની વાત કરી છે એ કાં તો આ સંસ્થાએ કર્યા છે, શરૂ કર્યા છે કે અધૂરાં – છોડ્યાં છે. તમે વળી એણે કરવા સરખાં નવાં ચીંધ્યાં પણ છે. એટલે કે તમે સીધું અને પૂરું કહી શકાય તેવું કરેકશન સૂચવ્યું છે – ડાયરેકટ ઍન્ડ ઇન ટોટલ. એટલે જો તમને ન – સાંભળે તો પરિષદ ભીંત ભૂલે, એટલી મોટી છે એ વાત. – હું ઇચ્છું કે સંકળાયેલા સૌ એમાં ધ્યાન પરોવે, તે-તેનો અભ્યાસ કરે ને બગાડાને સુધારવાનું ઝટ શરૂ કરી દે. હું ઇચ્છું કે પરિષદનાં પ્રમુખ-સહિતનાં બદલાયેલાં સૌ સત્તામંડળોને તમારી વાતમાં પૂરો માલ છે એ વાતનું તાબડતોબ જ્ઞાન લાધે. હું એમ ઇચ્છું કે તમારા આ લેખ સંદર્ભે ખાસ મિટિંગ બોલાવાય ને તે માટે બધું એજન્ડા પર મુકાય. કોઈ વીરભદ્ર મિટિંગ માગે; હા, માગવી પડશે. જોઈએ શું થાય છે... કુશળતા તો લક્ષમાં રહેવી જ જોઈશે, ખરું ને?

અમદાવાદ, હોળી-ધુળેટી; ૧૫ માર્ચ ૨૦૦૬

– સુમન શાહ

૭ છ
જયંત ગાડીત

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના ઑક્ટો.-ડિસે. ૨૦૦૫ના અંકમાં છપાયેલો તમારો સંપાદકીય લેખ વાંચ્યો. તમે વખતોવખત ‘પ્રત્યક્ષીય’માં આપણા સાહિત્યિક જીવન સાથે સંબંધિત કોઈ ને કોઈ પ્રશ્ન વિશે બને તેટલા તટસ્થ અને તર્કબદ્ધ રહી ચર્ચા કરો છો તેથી એ લેખો વાંચવા ગમે છે. આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ વિશે તમે કેટલુંક નિર્ભીક નિરીક્ષણ કરી વિધાયક સૂચનો કર્યાં છે તે ખરેખર ધ્યાનાર્હ છે. આમ તો તમારો લેખ વાંચી ઘણા વિચારો ઉદ્‌ભવે છે. એ બધાને મૂકવા જાઉં તો એક લેખ થઈ જાય. પરંતુ મારી એ ઇચ્છાને રોકી પ્રારંભમાં તમે કરેલા એક નિરીક્ષણ વિશે થોડી વાત કરીશ. તમે જણાવ્યું છે કે છેલ્લા એકાદ દાયકામાં પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિ મંદ પડી એનું કારણ પરિષદમાં વહીવટીતંત્ર પર વધુ ભાર મુકાવા માંડ્યો એ છે. તમારા આ અભિપ્રાયથી હું જુદો પડું છું. મારા ખ્યાલથી કોઈ પણ સંસ્થા કે કંપનીએ ઉત્તમ ફળ આપવું હોય તો એનું વહીવટીતંત્ર મજબૂત હોવું અનિવાર્ય છે. સાચો વહીવટકાર હંમેશ એ વસ્તુ પર ધ્યાન આપે છે, કારણ કે એનું લક્ષ્ય છે ઉત્તમ ફળ આપવું. એ માટે તે પોતાના ક્ષેત્રના ઉત્તમ માણસોને પોતાની પાસે બોલાવે છે, એમને બરોબર સાચવે છે અને એ માણસો પોતાની શક્તિનો ઉત્તમ હિસાબ આપી શકે એવું વહીવટી માળખું ઊભું કરે છે. હવે પરિષદ વિશે વિચારીએ. એનું લક્ષ્ય શું હોય? ઉત્તમ સાહિત્યના સર્જન, વિવેચન અને સંશોધનનું. એ માટેનું વાતાવરણ પરિષદ ઊભું કરી શકે તો એનું વહીવટીતંત્ર ઉત્તમ કહેવાય. એના સૂત્રધારોએ પહેલાં ઉત્તમ માણસોને ભેગા કરવાની દિશામાં ડગ માંડ્યાં હતાં. પરિષદ ઉત્તમ માણસોને લાવી તો શકી, પણ એ માણસો પોતાની શક્તિઓનું ઉત્તમ પરિણામ આપી શકે એવું વાતાવરણ ઊભું ન કરી શકી. એમને સાચવી પણ ન શકી. એટલે ઉત્તમ માણસો કાં તો મનમાં કડવાશ લઈને ખસી ગયા, કાં તો ત્યાં રહીને કુંઠિત થઈ ગયા. એટલે પરિષદને પોતાનાં કામ બીજી, ત્રીજી, ચોથી હરોળના માણસો પાસે કરાવવાં પડ્યાં. એમાંથી જે ફળ મળ્યાં તે આપણી સામે છે. પરિષદ ઉત્તમ ફળ ન આપી શકે તે માટે વહીવટીતંત્રનો દાબ નહીં, નબળું વહીવટીતંત્ર જવાબદાર છે. પ્રશ્ન થાય કે પરિષદનું વહીવટીતંત્ર નબળું કેમ બન્યું? મને લાગે છે વહીવટકારોનું લક્ષ્ય સાહિત્ય પરથી ખસી ક્યાંક બીજે કેન્દ્રિત થઈ ગયું છે. જ્યારે વ્યાપક હિત પરથી ખસી સંકુચિત હિતો તરફ વહીવટકારનું ધ્યાન કેન્દ્રિત થાય ત્યારે એ સંસ્થા ઉત્તમ ફળ ન આપી શકે. પણ રમણભાઈ, પરિષદ જ શા માટે, આપણી ઘણી જાહેર સંસ્થાઓ ઉત્તમ ફળ નથી આપી શકતી, કારણ કે વહીવટકારો સંસ્થાના મૂળ લક્ષ્યને ચૂકી જતા હોય છે. અને ઘણી વખત તો પોતે લક્ષ્ય ચૂકી ગયા છે એની સભાનતા પણ એમનામાંથી ચાલી ગઈ હોય છે.

વડોદરા, ૧૭-૨-૦૬

– જયંત ગાડીત

[* એક ‘ઈ-ઉ’માં લખાયેલો પત્ર, લેખકની સંમતિથી, પ્રચલિત જોડણીમાં કરી લીધો છે. – સંપા.]

૭ જ
પરેશ નાયક

પ્રિય રમણભાઈ, સળંગ અંક પ૬ના ‘પ્રત્યક્ષીય’ બદલ તમને વિચારપૂર્વકના અભિનંદન! તમારાં મોટા ભાગનાં નિરીક્ષણો સાથે મારે સહમત થવાનું બને છે. જોકે અસહમતિ એકબે પાયાના મુદ્દાઓએ છે. તમે આરંભે ૧૯૭૩-૧૯૯૬ દરમિયાનની પરિષદની વિદ્યાકીય પ્રવૃત્તિઓનો જે ચિતાર આપ્યો છે તે સાચો જ છે. એ પછી વિદ્યાપ્રવૃત્તિ મંદ પડતી ગઈ એ પણ સાચું. પણ એ તંત્ર-પરકતા વધવાને કારણે? આયોજનપૂર્વકનું તંત્ર તો પરિષદમાં કે દહાડે હતું? ને તોય તમે દર્શાવેલા ગાળામાં વિદ્યાપ્રવૃત્તિ તો થઈ જ શકી હતી. તંત્રનો સામનો કરીને કરાઈ હતી! તમે જ કહો છો કે ચંદ્રકાન્ત ટોપાવીળાએ ‘વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો.’ તો એમના અનુગામીના હાથે શું ઓછું આવ્યું? એમ કહોની કે ટૂંકા પડ્યા! છેલ્લા દાયકામાં વિદ્યાપ્રવૃત્તિ મંદ પડી તેનો દોષ તંત્રનો નથી. એ પરિષદના ત્રણ કાયમી વિદ્વાનોનું મૌલિક પ્રદાન છે! ને તંત્ર વિદ્યાપરક ન બન્યું તે પરિષદના તાંત્રિકોની ખૂબી છે! તમે કહો છો કે સંસ્થાએ આનો હિસાબ કેમ ન માંગ્યો. સંસ્થાએ એટલે કોણે? સંસ્થાવતી હિસાબ તો પરામર્શકશ્રી ચિમનલાલ ત્રિવેદીએ માંગવાનો હતો. ને એમની પાસેથી સંસ્થાએ. આજેય એમણે એ હિસાબ આપવો બાકી છે. સવિશેષ તો, અધૂરા હિસાબને નામે જે કવિઓનો ઇતિહાસ પ્રગટ કરાયો છે તે અંગેનો! એ વાત ઉપર ફરી આવીશું. પણ પરિષદની મૂળભૂત સમસ્યા તો છે, દસકાઓથી એડહોક પદ્ધતિએ ચલાવાયેલો ચલાવવા દેવાયેલો પરિષદનો વહીવટ. તંત્ર-પરકતા અને વિદ્યાપ્રવૃત્તિની મંદી એ બન્ને અલગ પ્રશ્નોનાં મૂળ મને પરિષદની વહીવટી શૈલીમાં જડે છે. રઘુવીરનું એમાં કેન્દ્રસ્થાને હોવું એ અગત્યની બાબત જરૂર છે. પણ હું એ અંગે રઘુવીરને સ્વેચ્છાએ એમાં નિમિત્ત બનનાર અને પરિષદના બહોળા વિદ્વદ્‌ગણને, અનુકૂળ માધ્યમ જાણી રઘુવીરને સતત કેન્દ્રસ્થાને જાળવી રાખનાર બે સ્વતંત્ર પરિબળો તરીકે જોઉં છું. જરા વિગતમાં ઊતરીએ – આઠમાથી દસમા દાયકા દરમિયાનની પરિષદની વિદ્યાકીય તેમ જ લોકાભિમુખ પ્રવૃત્તિઓના સંકલનનું શ્રેય તમે પરિષદમંત્રી રઘુવીરને આપો છો તેમાં જે વિગતદોષ છે તે અંડરલાઈન કરીને એક ઉમેરણ એ પણ કરું, કે વચગાળાનાં ચાર વર્ષ દરમિયાન રઘુવીર પરિષદના કોઈ જ હોદ્દા ઉપર નહોતા. એ ચાર વર્ષો દરમિયાન ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાના વડપણ હેઠળની ક.લા. સ્વાધ્યાયમંદિરની સીધી કામગીરીને બાદ કરતાં સંસ્થાની કામગીરી લગભગ થીજી ગયેલી. તે એટલી હદે, કે બેઠકોમાં કોરમ પણ નહોતું થતું! સાર એટલો, કે રઘુવીરના સીધા દોરીસંચાર વિના પરિષદમાં ડગલુંય ભરી શકવાની ક્ષમતા નથી એવો સર્વાનુમત વર્ષોથી કેળવાયેલો છે. જયંત કોઠારી કે ચંદ્રકાન્ત ટોપીવાળા જેવા અપવાદોમાંથી પ્રેરણા લેવાની તત્પરતા ચૂંટાયેલા સભ્યોમાં ઝાઝેભાગે ગેરહાજર જ રહી છે. હવે તમે જ કહો કે ‘અગ્રણી’ ‘અગ્રણી’ ન રહે તો કેમ ન રહે? જે સંસ્થામાં ઉમેદવારી નોંધાવીને ચૂંટાયેલા હોદ્દેદારો પણ ‘અગ્રણી’ની છત્રી પકડીને ચાલવાની પરંપરા પાળતા હોય એ સંસ્થાને તો ગોવર્ધન પણ કેમ બચાવે? રઘુવીર અને પરિષદના સંબંધ વિશે ગુજરાતી સાહિત્ય પ્રદેશમાં જાણીતું પદ છે : ‘રઘુ કરે સો હોય.’ જ્યાં પદ છે ત્યાં પૂજા પણ હશે. વ્યક્તિ રઘુવીરનો સામનો કરવાને બદલે તેમની મૂર્તિ સ્થપાઈ. કોણે સ્થાપી આ મૂર્તિ? વેલ, એ રહસ્ય ભાંગવા કરતાં જેટલી વહેલી એ મૂર્તિ ભાંગીએ એટલું પરિષદ ને સર્જક રઘુવીર બેઉ માટે લાભકર્તા થશે. છેલ્લા ત્રણ દાયકાથી રઘુવીરે મંત્રીથી ટ્રસ્ટી સુધીનાં વિવિધ પદો ઉપર રહીને જે-તે મુદત દરમિયાન તે-તે પદની મર્યાદાસરનાં જ કામો કર્યાં છે? કે પછી, પદ કોઈ પણ હોય, પરિષદના તમામ વિભાગોના વહીવટને લગતા નાનામોટા તમામ નિર્ણયો એમની સૂચના કે આદેશથી જ લઈ શકાયા છે? જો એમ જ થયું છે તો એમાં હું સ્વતંત્ર નિર્ણય ન લઈ શકતા હોદ્દેદારોનો દોષ મોટો ગણીશ. આ રીતે સતત પરિષદના કેન્દ્રમાં રહેવાની રઘુવીરની હોંશ હતી એમ ધારી લઈએ તોપણ, એક વ્યક્તિની આ જાતની હોંશ પૂરી કરવામાં જૂજ અપવાદોને બાદ કરતાં કેટલાએ બંધારણીય રાહે સ્પષ્ટ વિરોધ કર્યો? કેટલાં રાજીનામાં પડ્યાં? સત્તાના આવા વિઘાતક કેન્દ્રીકરણ તરફ આંખ આડા કાન કરવામાં પરિષદના ચૂંટાયેલા સભ્યોની માનસિકતા ઉઘાડી નથી પડતી? સૌને સાચવીને સત્તા સાચવવાની રઘુવીરની આવડતના મૂળમાં સચવાઈ જવા તત્પર સભ્યોનું ભારોભાર યોગદાન ખરું કે નહીં? સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓને માર્ગ કરી આપે એવી ‘ઇષ્ટ પરંપરા ના ન પળાઈ.’ એનો તમે ખરખરો કરો છો. ખરો ખરખરો તો એ વાતે કરવો રહ્યો કે લોકશાહી ઢબે ને બંધારણીય રાહે તે કામ કરવા વચનબદ્ધ સંસ્થાને ત્રણત્રણ દાયકાથી ડગલે ને પગલે એકના એક ‘અગ્રણી’નો ખપ શા સારુ પડે? ને જે સંસ્થામાં ચૂંટાયેલા સભ્યોને પોતાનાં કામો ‘અગ્રણી’ના દોરીસંચાર વિના કરવાં જ ન હોય એ વળી સંસ્થા કેવી? તમારી પાસેથી જાણેલું અવતરણ ઉપયોગમાં લઉં તો ‘સંઘે શક્તિ કલૌ યુગે’ એ પરિષદ માટે કેમ સાચું નહીં? કે પરિષદમાં હજી કલિયુગ નથી બેઠો એમ માનવું? છેલ્લાં ચાર વર્ષ દરમિયાન (૨૦૦૨-૨૦૦૫) પરિષદની કારોબારી સમિતિના કેટલાક સક્રિય સભ્યોએ એકમેકથી પણ સ્વતંત્ર રહીને પરિષદના વહીવટી પ્રશ્નોને સુલઝાવવાની નક્કર મથામણ કરી છે એવો મારો દાવો છે. ‘અગ્રણી’ના દોરીસંચારની પરવા ન કરીને કામે વળગેલા ચૂંટાયેલા સભ્યોના રસ્તામાં અસહકારથી માંડીને બદનક્ષી સુધીનાં વૈવિધ્યપૂર્ણ રોડાં નાખનાર એ ‘અગ્રણી’ નહીં, પણ એ ‘અગ્રણી’ની આડમાં પોતાનો પ્રમાદ પોષતા પરિષદના કાર્યકરો અને કર્મચારીઓ હતા. ને તેમ છતાં આ ગાળામાં પરિષદ રચનાત્મક રાહે પ્રશ્નોની જેટલી મોંઢામોંઢ થઈ શકી છે એટલી અગાઉ ભાગ્યે જ થઈ હતી. આ કેવી રીતે શક્ય બન્યું? – – વાતેવાતે રઘુવીર પાસે દોડી ન જતાં, ઠરાવો અને બંધારણને અનુસરવાથી. – પરિષદપ્રમુખને શિરે સંસ્થાના વહીવટી વડા તરીકેનો અને કારોબારી સમિતિને માથે કામનો ભાર છે તે સ્થિતિ સ્વીકારીને તથા તે મુજબના બંધારણીય સમીકરણને સપાટી ઉપર લાવીને. – પરિષદની વહીવટી અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને તથા તે ઉપર સતત નજર રાખીને. – સ્વતંત્ર અભિપ્રાયો પ્રગટપણે વિવિધ બેઠકોમાં સ્પષ્ટપણે રજૂ કરીને. અને તેની ચર્ચા દરમિયાન વખત આવ્યે પ્રમુખ અને અથવા રઘુવીરથી વિરુદ્ધના મને મક્કમ રહીને. – પરિષદનો વહીવટ પારદર્શક બને તે માટે લોકશાહી રાહે સતત મથતા રહીને. – વખતોવખત મુદ્દાસર લેખિત રજૂઆત કરીને. આના સામા પક્ષે દસકાઓ જૂની સ્થિતિ એ રહી છે કે મોટા ભાગના ચૂંટાયેલા સભ્યો પરિષદના બંધારણનો કે એજન્ડા, ઠરાવો અને મિનિટ્‌સનો અભ્યાસ કરવા જેટલી પણ તસ્દી લેતા નથી. મધ્યસ્થ સમિતિના મોટા ભાગના સભ્યો વક્તાઓનાં નામો સૂચવવાથી વિશેષ કશી કાર્યવાહી અંગે ચર્ચા કરવા જેટલો પણ રસ દાખવતા નથી. ચૂંટાયેલા સભ્યોની આ પ્રકારની નિષ્ક્રિયતાને પરિણામે સંસ્થાનો વહીવટ વ્યક્તિકેન્દ્રી બને ને સંસ્થા ‘અન્યોન્યહિતવર્ધક સભા તરીકે હ્રસ્વ’ થતી ચાલે એમાં કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. હકીકતમાં તો, મુનશી કે ઉમાશંકર કે રઘુવીર કે યદુવીર કે કોઈ પણ વ્યક્તિ કે જૂથ નહીં, સંસ્થાના બંધારણીય હેતુઓ કેન્દ્રમાં હોવા ખપે. પરિષદપ્રમુખ પણ ટોચ ઉપર ભલે, પણ કેન્દ્રમાં ન જ હોય. રઘુવીરમાં પરિષદના તમામ નાનામોટા દોષો ઓઢવા જેટલી મહત્તા નથી એ મારો સ્પષ્ટ મત છે. સંસ્થાને વિકસાવવા અંગેનું એમનું દર્શન રોમેન્ટિક અને અવ્યવહારુ હોઈને હંમેશાં મર્યાદિત જ રહ્યું છે એમ પણ મને લાગ્યું છે. પણ એ માત્ર એમનું વ્યક્તિગત જ નહીં, પણ એ ગાળાની લાગલગાટ સાતથી આઠ મધ્યસ્થ સમિતિઓના ચૂંટાયેલા સભ્યોનું સહિયારું દર્શન હતું એમ જ હું તો માનું. એટલે કે, ઉમાશંકરથી માંડીને તમારામારા સૌના દર્શનની આ ઝાંખપ હતી. માટે, આજપર્યંત જેમણે રઘુવીરના યશમાં ભાગ પડાવ્યો છે એ તેમના ગુરુલઘુમિત્રોએ સૌએ પરિષદની હાલની સ્થિતિ માટે પોતાને ભાગે આવતો દોષ કબૂલ કરવો જોઈએ. મૂર્તિવંત રઘુવીરમાં ભોળાભાવે, ને પરિષદનું હિત સાધવાના ગ્રામીણ સંસ્થા-સંયોજન-વિભાવથી પરિષદની ભૂલો પરત્વે ઢાંકપિછોડો કરવાનો પણ મહાદોષ રહેલો છે. તેવે પ્રસંગે પણ એમના સમવયસ્કો કે વડીલોને પરિષદનું હિત આગળ ધરી પહેલ કરવાનું સૂઝ્યું નથી. ઉદાહરણથી આ મુદ્દો સ્પષ્ટ થશે. ઇતિહાસનો કહેવાતો પાંચમો ભાગ પ્રગટ થયો તે શું સાચેસાચ આખેઆખો પાંચમો ભાગ છે? ના. એ સાડાચારમો છે. એટલે કે ક. લા. સ્વાધ્યાયમંદિરની છેલ્લા દાયકાની કામગીરી ભલે ઓછી પણ એક આખા ભાગ જેવડી તો છે એવો ભ્રમ ઊભો કરી એનું ક્ષમાપાસું ઉપસાવી પ્રજાને છેતરવાનો આ નિર્ણય આમ તો પરામર્શન સમિતિનો હોઈ શકે. પણ તપાસ કરશો તો આ પાપનું નૈવેદ્ય પણ ‘કૃષ્ણાર્પણ’ કરવામાં આવશે એવી મને આશંકા છે. ઉપરના ઉદાહરણથી એ સ્પષ્ટ થશે કે રઘુવીરની મૂર્તિ સ્થપાઈ એમાં રઘુવીરથી વિશેષ એમની મૂર્તિના બગભગતોએ એનો વધુ ગેરલાભ ઉઠાવ્યો છે એ બાબત કારણરૂપ છે. પરિષદનું હિત એ મૂર્તિ અને પેલા બગભગતો બેઉને રિવરફન્ટ પ્રોજેક્ટમાં દાન કરી દેવામાં છે. રઘુવીરે, સંસ્થાની સામૂહિક હેસિયતને અભાવે પણ, પોતાના મુત્સદ્દીપણાના બળે, અંગત કલ્પના મુજબનું ઊડાન કરવા-કરાવવાની જે રોમેન્ટિક ખેવના સતત રાખ્યા કરી તે તેમનો વધુ એક મહાદોષ! જેને પરિણામે, એમણે હંમેશાં સ્વેચ્છાએ એકલે હાથે ખેતર ખેડવાનો ઉપાડો લીધો, અને પરિષદના અન્ય સૌ સભ્યોએ ખેડટાણે આંખ આડા કાન કરતા રહીને સીઝન બેસતાં વરસોવરસ લીલોસૂકો પોંક ખાધો. કેટલાકે વળી પોંકને ખોરો પણ જાહેર કર્યો. ને કેટલાક આસપાસનાં બીજાં ખેતરો ભણી પણ વળ્યા. પણ પરિષદના ખેતરની વાત કરીએ તો ક્યારેક જ્યારે કેટલાકને ઓછો તો કેટલાકને વધુ પોંક મળ્યો, ત્યારે લાગતાવળગતાઓએ, ને એકલદોકલ, ખેડૂતસાહેબ પાસે પહોંચી જઈ પોતપોતાના ખોબા જેવડી રાવ નાંખી. ને મુત્સદ્દી ખેડૂતશ્રીએ એ અંગે પછીના વર્ષે ન્યાય કરવાનું વચન દઈ છૂટાછૂટા હોઈને પણ ભેગા જણાતા સૌને ખેતરને શેઢે બેસાડી રાખ્યા. આમ, સૌ કાલની આશાએ સાંકડમૂકડ અને અડખેપડખે ખેતરશેઢે બેસી રહ્યા. પણ કાલ કોણે દીઠી? જેને તમે ‘ખેવના’થી ‘આરપાર’ લગી વિસ્તરેલી ‘કમનસીબ’ ‘પરિષદગાથા’ કહો છો તે ‘નિરીક્ષક’ સુધી જે રીતે વિસ્તરી એમાં પરિષદના વિરૂપીકરણના એ યોજનાબદ્ધ તરકટનું રહસ્ય સમાયેલું છે એ કડી તમે સાવ ચૂકી ગયા છો. વળી, આ છમકલાને તમે તેજાબ-પરીક્ષણ ગણાવતા હો તો શાસ્ત્રીય ઢબે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને અંગે સચોટ ઉપાયો સૂચવવા સુધીની મારા જેવા એક અદના કારોબારી સભ્યની કોર કમિટીના હેવાલ અંગેની મહિનાઓની કામગીરીને તો તમે શું કહેશો? પરિષદનું પોસ્ટમોર્ટમ? રમણભાઈ, પરિષદ અંગેની તમારી ટીકાના મુદ્દાઓ ‘આરપાર-નિરીક્ષક’ની પેલી ‘પરિષદગાથા’ના કાંકરા-કાદવથી સાવ ભિન્ન, ને ભિન્ન સ્તરના છે. તો પછી લાલ આંખે પરિષદની પ્રત્યક્ષ થવાને બદલે પીળા પત્રકારોની શૈલીમાં તમારી જ નિર્ભેળ દૃષ્ટિને તમે ‘પરિષદની આરપાર’ એવું શીર્ષક શી રીતે સોંપી શક્યા? નહીંતર પછી, એ તમામ કાદવાસ્થળીની સાદ્યંત છણાવટ કરી દૂધ ને પાણી અલગ તારવી બતાવવાની જવાબદારીમાંથી કેમ અળગા રહ્યા? શાહી પ્રકાશના વાતોડિયા વાયરસ તમને પણ આમ અમસ્તા જ અડી લાગ્યાં કે શું? હું તો આને નિરીક્ષકદોષ કહીશ. સરવાળે, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આપણા વતી હું તો સ્વીકારીશ કે પરિષદનો સ્પષ્ટ ને વાજબી વિરોધ કરવામાં આપણે એક દાયકો મોડા પડ્યા છીએ. તોય, બેટર લેટ ધેન નેવર! પરિષદે હવે શું કરવું તે વિશેના તમારા વિચારો સાચે જ મહત્ત્વના છે. શતાબ્દી પ્રકાશનશ્રેણી, વાર્ષિક ગ્રંથસૂચિ, સાહિત્યકોશ-સંવર્ધન, પરબ, સ્વાધ્યાયપીઠો, એચ. એમ. પટેલ અનુવાદકેન્દ્ર, પુસ્તકપ્રદર્શનો, પરીક્ષાપ્રવૃત્તિ અને છેવટે પરિષદના ઇતિહાસ વિશેનાં તમારાં તમામ નિરીક્ષણો સાથે હું સંપૂર્ણપણે સહમત છું. પણ... ...જો પરિષદ પાસે સમ ખાવા જેવડું પણ સધ્ધર વહીવટી માળખું બચ્યું હોય, તો તો હાલ ને હાલ આ બધાં નિરીક્ષણોને અમલમાં મૂકવા જેવાં છે. પણ, શું વાસ્તવિક ભોંય ઉપર આજે આમાંનું દસમા ભાગનું કામ કરવુંય સંભવ છે? છેલ્લા દાયકામાં વિદ્યાકીય પ્રવૃત્તિઓના બારામાં ક. લા. સ્વાધ્યાયમંદિરે જે ભોપાળું કાઢી બતાવ્યું છે એ પછી એ અંગે કશી આશા રાખવાને આપણી પાસે કારણ રહેતું નથી. તમારી અપેક્ષા મુજબ પરિષદ માટે સાહિત્ય અને વિદ્યાવિસ્તાર માટેની કલ્પનાશીલ યોજનાઓ અંગે જ સક્રિય રહેવાનું હાલ એટલે અસંભવ છે કે તમે જેને વહીવટ-તંત્રની ‘આંતરિક ઘડભાંજ કહો છો તે કોઈ મામૂલી જ્વર નથી, બર્ડ ફલૂ છે! ગુજરાતની આ શતાયુ સંસ્થાને નામશેષ કરી શકવા એ પૂરેપૂરો સમર્થ અને સજ્જ છે! આજના દિવસે જે કામ તાકીદનું બની રહે છે તે છે, ‘સંઘે શક્તિ કલૌ યુગે’ એ ન્યાયે નવેસરથી ખેતર ખેડવાનું. એ માટે પહેલાં બીજ, ને હળ અને પછી હાંકનારા ને વેંઢારનારા જોઈશે. ને પછી સારા વરસાદની ઉમેદ... અન્યથા, જેમ ગુજરાતી ભાષા અને સાહિત્યનું, તેમ, ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવિષ્ય પણ ધૂંધળું ને વધુ ધૂંધળું જ બનતું રહેવાનું એ વિશે મને લેશમાત્ર આશંકા નથી. અમદાવાદ, ૨૪-૨-૦૬ – પરેશ નાયક તા.ક. ક્યારેક પરિષદના ટ્રસ્ટીમંડળ અને ચૂંટાયેલી સમિતિઓ વચ્ચેની વિઘાતક ખાઈ વિશે પણ લખવું છે. શું કરું? વખત નથી બચતો. બચે છે તે વીતંડાવાદી ‘નિરીક્ષકો’ ખાઈ જાય છે. એમને તમારી પેઠે ‘પ્રત્યક્ષ’ થતાં શીખવો ને!

– પરેશ.

૭ ઝ
ડંકેશ ઓઝા

સ્નેહી મુ. રમણભાઈ, ‘પરિષદની આરપાર’ જોવાની ફરજ પડી અને એ પણ શતાબ્દીટાણે જ. સમૂહમાધ્યમોનો આભાર માનવો જોઈએ! તમારા પ્રત્યક્ષીય’ (અગ્રલેખ)માં એક ઊંડી નિસબત ચોક્કસ વરતાય છે જે તમારા પરિષદ સાથેના પૂર્વાનુસંધાનને કારણે તેમજ એક સાહિત્યિક ગ્રંથસમીક્ષાસામયિકના સંપાદકના નાતે હોવાનું પણ સમજાય છે. મારા મતે પ્રશ્નની તેજાબપરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવી જ હોય તો હજુ થોડા આગળ જવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યકારની કોઈ ઊંચેરી ઇમેજ કેમ ઊભી થઈ આવતી નથી? સાહિત્યકારોની જમાતને સમાજ કેમ ગંભીરતાથી લેતો નથી? સમાજના જાહેર પ્રશ્નોની વેળાએ એ સ્વતંત્ર, સ્વાયત્ત અને ઊંચેરો બનીને બહાર આવેલો કદી દેખાયો છે ખરો? હા, નામપૂરતા ઠરાવો કરીને તેણે ફાઇલ ઠીકઠાક જાળવી છે જે પુરાવારૂપે રજૂ કરી શકાય! પરિષદ ગુણવત્તાનિયમનતંત્રની કામગીરી બજાવે તે અવશ્ય અપેક્ષિત છે. પરંતુ તેમ કરવા જતાં તેણે ચારેબાજુથી ઘણી બાદબાકી કરી છે અને તેનું આ પરિણામ છે. સુરેશ જોષી, નિરંજન ભગત, લાભશંકર ઠાકર જેવા ખરા સાહિત્યકારો એકકાળે વિમુખ હતા. તો બીજી તરફ ચંદ્રકાંત બક્ષી, સુરેશ દલાલ, ગુણવંત શાહ જેવા લોકપ્રિય-પ્રજાપ્રિય સાહિત્યકારોને પણ વિમુખ કરાયા. રામમનોહર લોહિયા જેમને બગાઈ (gadfly) કહેતા તેવા હિંમત ખાટસૂરિયા, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી, મનીષી જાની, નીરવ પટેલ જેઓ સાહિત્યનો સામાજિક અનુબંધ સાબૂત રાખવા સક્રિય હતા તેમના મુદ્દાઓને સભાનપણે નજરઅંદાજ કરવામાં આવ્યા. આજે હવે પરિષદ અમદાવાદમાં અને અધ્યાપકોમાં અટવાઈ ગઈ છે એમ કહીએ તો બહુમતીવર્ગને માઠું જ લાગશે. અધિવેશન અને જ્ઞાનસત્રના મેળાવડા જરૂર થતા રહે છે પરંતુ સાહિત્યકારનો સ્વતંત્ર અવાજ તમને ક્યાંય સંભળાય છે ખરો? આ હોય ને તો વહીવટ અને બીજા પ્રશ્નો ગૌણ બની જાય. મકાન ને હૉલ ને પ્રદર્શન ને ‘પરબ’ ને પ્રકાશન આ બધાં તો વાનાં છે પણ હું વાત ‘પ્રાણ’ની કરું છું. ઘણા બધા તો ભાગબટાઈમાં પડ્યા છે. આ વ્યાખ્યાન અને આ નિમણૂક, આ ઇનામ અને આ પુસ્તક કે સંપાદન. વળી આ બધું ગુજરાતી અસ્મિતા મુજબ સૌજન્યપૂર્વક ને સિફતથી થાય છે. નહીં તો જાહેરજીવનને વરેલા અગ્રણીનો પગ સુધ્ધાં ‘ખોખરી ઝાલર’ને ઇનામ આપવાના કૂંડાળામાં કેવી રીતે પડે? એચ. એમ. પટેલ અનુવાદ પ્રકાશન કેન્દ્રનો ખ્યાલ સર્જનાત્મક ગુજરાતી સાહિત્યને બિનગુજરાતીઓ સુધી પહોંચાડવાનો હતો. ભંડોળ પણ ઊભું કરવાનું હતું. ડૉ. ભોગીલાલ સાંડેસરાના વિદેશસ્થિત કુટુંબીજનોએ દાન આપ્યું. બિનસર્જનાત્મક કૃતિઓના અનુવાદો અને અંગ્રેજીમાંથી ગુજરાતી અને ભારતની અન્ય ભાષાઓમાંથી ગુજરાતી કરવાની દરખાસ્તો ઘણી આવતી રહી જે કામ કેન્દ્રએ નહોતું કરવાનું. વળી પ્રકાશનો કરીએ તો તેના વેચાણનું શું એવો હરહંમેશનો પ્રશ્ન તો મોં ફાડીને ઊભો જ હતો. મારે અનુવાદકળા વિશે પ્રકાશન તથા અત્યાર સુધીમાં અંગ્રેજીમાં મુકાયેલા ગુજરાતી સાહિત્યની સૂચિનું કામ કરવું હતું. પછી કયું ગુજરાતી સાહિત્ય અગ્રિમતાના ધોરણે હાથ પર લેવું તેની યાદી તજ્‌જ્ઞોની મદદથી તૈયાર કરવી હતી. લાલુભાની સહાય મળતી હતી. વિનોદ મેઘાણીએ કરેલો અનુવાદ આવી દ્વિધાભરી પરિસ્થિતિમાં હાથ પર ન લઈ શકાયો તેનો રંજ મને કાયમ માટે રહેશે. નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યોનો અનુવાદ પ્રકાશિત કરી શકાયો તેનો બધો યશ કવિ અને અનુવાદકને જાય છે. પરિષદની અંદરોઅંદરની ખટપટ અને એમાં મિત્રોની સામેલગીરીએ મને અંદરથી ઘણો વ્યથિત કર્યો. હું માત્ર સમયાવધિ પૂરી થાય એની રાહ જોતો રહ્યો અને અંતે રાજીનામું મોકલી આપ્યું. જે પરિષદને બે-ત્રણ હજાર સભ્યો-ગ્રાહકોવાળું મુખપત્ર ‘પરબ’ હોય તે પોતાની સફાઈ પેશ કરવા બસો-પાંચસો શુભેચ્છક-ગ્રાહકોવાળા ‘નિરીક્ષક’ના મંચનો ઉપયોગ કરવા જાય અને પેલા અગ્રણી વળી તેમ હોંશેહોંશે પરિષદપ્રીત્યર્થે બધું કરવા દે! ઘણાબધા હિસાબો ગુજરાતના સાપ્તાહિક વિચારપત્રના ધોબીઘાટ પર ચૂકતે થયા હોવાનું કોણ નથી જાણતું? જેમ પરિષદનું, તેમ ગુજરાતી સાહિત્યકારોનું અને તેમ જ ગુજરાતના બૌદ્ધિકોનું અને તેના વિચારપત્રનું. આ malaise (અ-સ્વસ્થતા)ના મૂળિયાં ક્યાં ક્યાં ફેલાય છે તે જોઈ-જાણીને છળી મરાય તેવું છે. ‘પરબ’ તો નહીં કરી શકે કારણ તેની એક પરંપરા છે. ‘પ્રત્યક્ષ’ તેના નામને સાર્થક કરવાનો ધર્મ સુપેરે બજાવવા તત્પર જણાય છે ત્યારે તેને અભિનંદન અને આ થોડુંક લાંબું અને દૂરનું દર્શન નજરઅંદાજ ન થાય તે હેતુથી.

વડોદરા, ૨૦-૨-૦૬

– ડંકેશ ઓઝા

૭ ટ
મહેન્દ્ર મેઘાણી

તંત્રીશ્રી, ‘પ્રત્યક્ષ’ (૫૬), ભાવનગર થઈને [અહીં મળ્યું ‘પ્રત્યક્ષીય’માં ‘ભાવનાઓનું ગદ્‌ગદ ગાન’ કહ્યું છે તે મેં પણ ‘પરબ’માં અનુભવેલું. પરિષદ વિશે તમે લખ્યું તેમ [સ્થિતિ] ‘કમનસીબ’ છે. મારા જેવાને દૂરથી જોતાં થાય કે આ કે તે વ્યક્તિને બદલે બીજી આવે તોય અત્યારે આથી વિશેષ કેટલુંક થઈ શકે એમ છે? ઉ.જો.એ ‘સંસ્કૃતિ’ વિશે એવું કાંઈક લખેલું કે આપણા સમગ્ર લેખકસમૂહનું જે સ્તર [-મૂળમાં ‘નૂર’] છે તેથી ઊંચું કોઈ સામયિકનું ન હોઈ શકે. પરિષદ કે આપણી બીજી સંસ્થાઓ પણ એકંદરે આપણા સમાજનું જે સ્તર અત્યારે છે તેનાથી ઊંચે બહુ ન ઊડી શકે. સમાજનું એ સ્તર ઊંચું લાવવાના પ્રયાસો જેઓ કરે છે તેમણે જ વધુ જોર લગાવવું રહ્યું.

અમદાવાદ, ૨૪-૧-૦૬

– મહેન્દ્ર મેઘાણી

૭ ઠ
જયેશ ભોગયતા

પ્રિય રમણભાઈ, તમારું ‘પરિષદની આરપાર’ સંપાદકીય સૌ સંપ્રજ્ઞ સાહિત્યપ્રેમી વ્યક્તિને સ્પર્શી શકે તેટલું સજીવ અને મૂળગામી છે. તમે વિદ્યાકીય પ્રવૃત્તિનો ઉત્કર્ષ ઇચ્છનાર એક ચેતનવંતી વ્યક્તિના કેન્દ્રથી ગુજરાતી સાહિત્ય પરિષદના સત્તાવાહી બેડોળ ચહેરાને સંયત સ્વરે હૃદયની ભાષાથી ઉઘાડો પાડ્યો છે. પરિષદની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પડેલાં ગાબડાંઓનાં કારણ જાણવા માટે જે વેધક પ્રશ્નો ઉઠાવ્યા છે તે ખૂબ જ જરૂરી હતા. તમારી ચિંતામાં સહભાગી થવા નિમિત્તે મારા વિચારો રજૂ કરું છું. તમારા સંપાદકીય નિમિત્તે આ વિચારો પ્રગટ કરવાની મને જે તક મળી છે તે બદલ હું તમારો આભારી છું. મને એવું લાગે છે કે આપણે સૌએ ભેગા મળીને એક બૌદ્ધિક મંચની રચના કરવી જોઈએ. આપણે સૌ કલાપ્રિય છીએ પરંતુ દુઃખની વાત એ છે કે આપણી વચ્ચે બૌદ્ધિક સંવાદની કોઈ ભૂમિકા જ રહી નથી. એને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદ હોય કે ગુજરાત સાહિત્ય અકાદમી હોય કે અન્ય કોઈ અંગત સાહિત્યિક વર્તુળો હોય તેમના સંચાલકોની સ્વહિતલક્ષી પ્રવૃત્તિઓનું દબાણ રહેતું હોય છે. સાહિત્ય અકાદમી સત્તા મેળવવાની હોંસાતોંસીને કારણે સરકારી વહીવટદારોના હાથ નીચે એક વહીવટી દફતર બની ગઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ મંત્રીપદ માટેની હોડ વચ્ચે એકબીજા પર થૂંક ઉરાડવામાં જરાય સંકોચ દાખવ્યો નથી. અંગત સાહિત્યિક વર્તુળો સમાન વિચારની ભૂમિકા વિના તેમની પ્રભાવકતા ગુમાવી રહ્યાં છે. તમે નોંધ્યું છે તે મુજબ વહીવટદારોનો દાબ વધતો રહ્યો છે એટલું જ નહીં પણ તેમની પ્રવૃત્તિઓનો વિરોધ કરનારાઓને એ લોકો સતત હાંસિયામાં ધકેલી દે છે. ચેતનશીલ સાહિત્યપ્રેમીનો આત્મવિશ્વાસ ક્ષીણ કરી નાખવાની ક્રૂર રમતો રમે છે. હવે એ સત્તાભૂખ્યા સરમુખત્યારો તેમની તમામ મર્યાદાઓ વટાવી ચૂક્યા છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં માર્ગ કાઢવા માટે એક બૌદ્ધિક મંચની રચના અનિવાર્ય છે. વહીવટકારોની સત્તા માત્ર સાહિત્યિક સંસ્થાઓ પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ ખાનગી ટ્રસ્ટ, ફાઉન્ડેશન, ધર્મ-સંતો અને આચાર્યો સુધી વિસ્તરેલી છે. ભરડો લઈને બેઠી છે. એક સવાલ હમણાં હમણાં મને ખૂબ જ સતાવ્યા કરે છે કે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ આજે ઉમંગ અને ઉલ્લાસથી સાધુસંતો અને આચાર્યોની નિશ્રામાં ભેગા થતા જોવા મળે છે, તો તે બધા એવા કોઈ ટેકાઓ વિના માત્ર સાહિત્યપ્રીતિના બળે શા માટે સંવાદ કરતા નથી? જો એ ધાર્મિક-સાંસ્કૃતિક અનુષ્ઠાનો કે પર્વો નિમિત્તે પરસ્પરથી જુદી જીવનભાવના અને સાહિત્યભાવના ધરાવનારા ભેગા થઈ શકે છે તો તેમાં કોનું ખેંચાણ નિર્ણાયક બનતું હોય છે તેનો વિચાર કરવાની જરૂર છે. એવાં ખેંચાણો વધુ ને વધુ પ્રમાણમાં ગતિમાન બન્યાં છે તેને કારણે વહીવટદારોના હાથ વધુ મજબૂત બન્યા છે. દરેક જૂથ જાણે એવું પુરવાર કરવા તત્પર બનવા લાગ્યું છે કે અમારે માથે પણ સાધુસંતો કે આચાર્યની છત્ર-છાયા છે! સાધુ-સંતો અને આચાર્યો સમાજના મૂળાધારો હોઈ પણ શકે પણ તેમની ભૂમિકા અને સંદર્ભો જુદાં છે. રાજા-મહારાજાઓ અને બાદશાહોના દરબારમાં કવિતાની વાણીનો ખુશામતખોરી માટે વાપરનારા લાલચુ અકવિઓ હતા તેમ આજે સ્પષ્ટવક્તાઓને અસ્પૃશ્ય ગણનારાઓ સાધુસંતોના પગમાં આળોટતા હોય છે. આવી ખોખલી મનોવૃત્તિને કારણે વહીવટાદારોના હાથ મજબૂત બન્યા છે. સંસ્થાઓના હોદ્દેદારો મહત્ત્વાકાંક્ષીઓને તેમ જ ખુશામતખોરોને નાના મોટા લાભો પકડાવીને પોતાના ફાંસલા સખત કરી શકે છે. એ ફાંસલાઓથી ગરદન છોલાતી હોવા છતાં ઝૂકી ઝૂકીને સલામ કરનારાઓને કારણે વહીવટદારોનો દાબ વધ્યો છે. સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીનાં સાહિત્યિક કાર્યોમાં જેમની પસંદગી થતી રહે છે તેમનાં નામોની યાદી બનાવીએ – કે નામસ્મરણ કરીએ તો અંદરનું ચિત્ર બહાર આવી જશે. એક જ નામનાં પુનરાવર્તનો અને કાર્ય કરવા માટે અશક્તિમાનોની ગણતરી કરવામાં પણ વહીવટનો રાજકીય ચહેરો દેખાશે. તેમની સત્તાને ઢીલી પાડવા માટે તેમના દ્વારા અપાતા લાભોનો દૃઢતાપૂર્વક અસ્વીકાર કરવો જોઈએ. ઇનામો અને ઍવૉર્ડની નીતિરીતિને વખોડનારાઓ સંસ્થાઓએ ઇનામ માટે રજૂ કરેલાં ફૉર્મ ભરતા જ હોય છે. ઇનામોના ટેકે વિદ્વાન તરીકે પંકાવા માટે કહેવાતા વિદ્રોહીઓ પણ કંઈ ઓછા નથી. જ્યાં સુધી સરકારી, અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓ તરફથી સાહિત્યેતર ગુણવત્તાના બળે મળતા લાભો લેવાનો બહિષ્કાર કરવાનું વલણ જોર પકડશે નહીં ત્યાં સુધી પરિસ્થિતિમાં કશો ફેર પડશે નહિ. વિનિપાતની આ આંધીથી બચવા માટે એક સંપ્રજ્ઞશીલ સંવેદનસભર બૌદ્ધિક સંવાદ માટે આતુર સહૃદયો મળે તે ખૂબ જ જરૂરી છે. નાનાં નાનાં મન-દુઃખ, ગમા-અણગમા કે કાલ્પનિક સ્પર્ધાભાવથી કુંઠિત બની જવા કરતાં ઉગ્ર મતભેદોની તાર્કિક ભૂમિકાઓ સાથે મળીશું તો જ સત્તાધીશો પર નિયંત્રણ લાવી શકીશું. બાજનજર એવા આ સત્તાધીશો સંનિષ્ઠ સહૃદયની દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખતા હોય છે. સંનિષ્ઠ પ્રવૃત્તિકારોની આંતરિક શક્તિ કેમ તોડી નાખવી તેને માટે સાહિત્યની પ્રવૃત્તિનો અંચળો ઓઢી લાભો આપવાના પેંતરા કરે છે. છેલ્લા દાયકાની આબોહવામાં આ સત્તાધીશોના વર્ચસ્વથી અનેક સહદયોની વચ્ચે લોખંડી દીવાલો ચણાતી રહી છે. પણ આ એકીકરણનો આરંભ ક્યાંથી અને કેવી રીતે થશે તે પ્રશ્ન તો છે. એક સુવ્યવસ્થિત માળખું રચવા માટે તમે એક સંપાદક-આયોજક તરીકે વિચારગોષ્ઠિનું આયોજન કરો તો કેવું! સાહિત્યિક સંસ્થાનાં તમામ જાહેર કાર્યોની તટસ્થ સમીક્ષા નિયમિતપણે કરાવી શકાય. સ્થાપિત હિતો સામે શસ્ત્ર ઉગામનારે સૌ પ્રથમ પોતે મરજીવો છે તે સભાનપણે સ્વીકારી લેવું પડે. દહીં-દૂધમાં પોતાનો પગ રાખીને સવાર-સાંજ રંગરૂપ બદલતા તકવાદીઓના સમૂહથી કશું નક્કર પરિણામ આવી શકે નહીં. ગુજરાતી સાહિત્ય પરિષદની જન્મકુંડલીમાં વારે વારે રાહુ આડે આવવાની ઘટના બનતી જ આવી છે. પરિષદને સત્તાધીશોના પંજામાંથી છોડાવીને સાબરમતીને કિનારે તેનો વસવાટ કરાવ્યાને આજે અર્ધશતાબ્દી થવામાં છે ત્યારે ફરી અનેક રાહુ તેની ચંદ્રકલાને ગળી ગયા છે તો તેને પુનઃ કેવી રીતે મુક્ત કરી શકાય તેને માટે શ્રેણીબદ્ધ ‘વિચારગોષ્ઠિ’નું આયોજન કરવાનું વિચારી શકાય. ‘પરિસંવાદ’, ‘કાર્યશિબિર’, ‘જ્ઞાનસત્ર’, ‘વ્યાખ્યાનમાળા’ જેવી સંજ્ઞાઓએ તેમની ગરિમા ગુમાવી દીધી છે. આ સંજ્ઞાઓ બિનસાહિત્યિક હસ્તક્ષેપોને કારણે માત્ર વિધિવિધાનો બની જવા પામી છે. વેરાન વગડામાં આકરા તાપમાં સળગતાં સુક્કાં ઝાડ જેવો સમય સાચે જ જિરવવો કઠિન છે પણ એવી વાસ્તવિકતાથી ભાંગી પડવું એ જ માનવ નિયતિનો ઇતિહાસ નથી. આરોહણ પણ તેની નિયતિ રહી છે. રહેવી જોઈએ.

વડોદરા, ૮-૩-૨૦૦૬

– જયેશ ભોગાયતા

૭ ડ
માવજી સાવલા

સ્નેહીશ્રી રમણભાઈ, આ વખતના ‘પ્રત્યક્ષીય’માં તમે જાત નીચોવીને લખ્યું છે. ‘પ્રત્યક્ષ’ દ્વારા તમે જે આપી રહ્યા છો તે[નો આનંદ]... મારી અંગત ફિલસૂફી Individualismની. જ્યાં સંસ્થા ત્યાં જડતા, હૂંસાતૂંસી, rivalry, power war હોય. અલબત્ત, મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે Social Institutions (કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધી) વગર ચાલે જ નહીં, પણ ‘પ્રત્યક્ષ’ તમે એક વ્યક્તિની હેસિયતથી ચલાવો છો એટલે જ આ ઊંચાઈએ લઈ જઈ શક્યા છો.

ગાંધીધામ, ૩૧-૧-૦૬

– માવજી સાવલા

૭ ઢ
બાબુ સુથાર

પ્રિય રમણભાઈ, તમારું પરિષદ વિશેનું ‘પ્રત્યક્ષીય’ વાંચ્યા પછી આ પત્ર. મારે જે કહેવું છે તે મુદ્દાસર મૂકું : ૧. કોઈ પણ સંસ્થા એ જે હેતુથી શરૂ કરવામાં આવી હોય એ હેતુ સિદ્ધ કરી ન શકે એવી હાલતમાં આવી જાય ત્યારે એ સંસ્થા એક પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે એમ કહેવાય. હું માનું છું કે પરિષદ અત્યારે આ પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે. પરિષદ, તમે કહ્યું છે એમ, ઓછી વિદ્યાપરક અને વધુ તંત્ર-પરક બની ગઈ છે. જો આમ ને આમ ચાલશે તો ભવિષ્યમાં એ એક સરકારી કચેરી બની રહેશે. ૨. સાહિત્ય પરિષદની આ પરિસ્થિતિ માટે કોણ અને શા માટે જવાબદાર છે એની ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ નથી. આપણે બધા જ જાણીએ છીએ તેમ જ્યાં સુધી ચંદ્રકાન્ત ટોપીવાળા પરિષદના નિયામકપદે હતા ત્યાં સુધી પરિષદની વિદ્યાપ્રવૃત્તિઓ પ્રમાણમાં સારી રીતે ચાલી હતી. ત્યાર પછી રમેશ દવે એ ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ૩. પરિષદ પર અત્યારે કોનું શાસન ચાલે છે અને એ શાસન કેટલે અંશે ગુજરાતી સાહિત્યને પોષક બની શકે એમ છે એ વિષે પણ વધુ કંઈ કહેવાની જરૂર મને જણાતી નથી. ઘણાબધા મિત્રોએ એની વાત કરેલી છે અને હું એમની વાત સાથે સંમત છું. રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ અને અન્યો પણ પોતે સર્જક છે, એમને વાણીસ્વાતંત્ર્ય શું છે અને સંસ્થાસ્વાતંત્ર્ય શું છે એની પૂરેપૂરી ખબર છે – એવું હું એમના સાહિત્યને વાંચીને કહી શકું છું. તેમ છતાં તેઓ, ખાસ કરીને રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલ, એ મૂલ્યોનું જતન કરવામાં નિષ્ફળ ગયા છે એની હું સખેદ નોંધ લઉં છું અને એવી આશા પણ રાખું છું કે એ ધર્મનું પાલન કરીને પરિષદને પ્રગતિશીલ બનાવશે. કનૈયાલાલ મુનશીએ પરિષદની શી દશા કરેલી એ વાતમાંથી ધડો લેવો જોઈએ. મુનશીના જમાનાએ એક ઉમાશંકર જોશી ઊભા કરેલા. આજે તો એવા ઉમાશંકર જોશી ઊભા થાય એવું લાગતું નથી. એ પરિસ્થિતિનો ગેરલાભ ન લેવાય એની કાળજી આ વડીલ સાહિત્યકારો લેશે તો યોગ્ય થશે. ૪. કેટલાય સાહિત્યકારો પરિષદથી નારાજ છે. કેટલાક જે રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ કે એમના અનુયાયીઓને મળ્યું છે એ પોતાને નથી મળ્યું એટલા માટે નારાજ છે તો વળી કેટલાક પરિષદની વિચારસરણી અને જે રીતે એ વિચારસરણી અમલમાં મૂકવામાં આવી રહી છે એનાથી નારાજ છે. આમાંના પહેલા પ્રકારના સાહિત્યકારોને બાજુ પર રાખી બીજા પ્રકારના સાહિત્યકારોને પોતાની પડખે લેવા માટે પરિષદે પ્રયાસ કરવા જોઈએ. એ સાહિત્યકારો પરિષદ વગર પણ સારું કામ કરી શકે છે એ વાત પરિષદે ભૂલવી ન જોઈએ. આ સાહિત્યકારોને પરિષદ-વિરોધી સાહિત્યકારો તરીકે ન જોવા જોઈએ. એ સાહિત્યકારોને જો પરિષદની ચિંતા જ ન હોત તો એ એની ટીકા કરત જ નહિ. બની શકે કે એ સાહિત્યકારો પાસે પરિષદને ગતિશીલ બનાવવા માટે કોઈક નવા જ વિચારો હોય. હું માનું છું કે પોતાની ભાષામાં જ સર્જન કરતા સર્જક પાસે જતાં પરિષદે નાનમ ન અનુભવવી જોઈએ. મને બરાબર યાદ છે : વડોદરામાં વર્ષો પૂર્વે સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયેલું ત્યારે રઘુવીર ચૌધરી સુરેશ જોષીને તેડવા આવેલા (હું અહીં જાણી જોઈને આમંત્રવા કે બોલાવવા શબ્દો નથી પ્રયોજતો). આરંભે સુરેશભાઈએ આનાકાની કરેલી. પણ પછી રઘુવીર ચૌધરીના આગ્રહને વશ થઈને એ પરિષદને સંબોધવા ગયા હતા. એ ઐતિહાસિક ઘટના વડોદરાના કેટલાક મિત્રો આજે પણ યાદ કરે છે. (ઇચ્છું કે રઘુવીર ચૌધરીને પણ યાદ હોય.) હું જાણું છું કે પરિષદથી રિસાયેલા બધા જ સાહિત્યકારો સુરેશ જોષી નથી તેમ છતાં એમની પાસે જઈ, એમના અસંતોષનું કારણ સાંભળી, જો એ કારણ વાજબી હોય તો એને દૂર કરવામાં નાનમ શાની? ૫. આ ઉપરાંત એવા કેટલાય સાહિત્યકારો છે જેમની સર્જનશક્તિમાં ઝાઝું કૌવત નથી પણ તેઓ ખડેપગે પરિષદની અર્થાત્‌ પરિષદ સાથે સંકળાયેલા મહાનુભાવોની સેવા કરવા તૈયાર હોય છે. પરિષદે એવા સાહિત્યકારોને આડકતરી રીતે પણ એક સંદેશો તો પહોંચાડી દેવો જોઈએ કે પરિષદમાં ખુશામતનું નહિ, સાચાં મૂલ્યોનું ચલણ ચાલે છે. ૬. પરિષદની સામે જે કંઈ ઊહાપોહ થયો છે એ ઊહાપોહને પરિષદે ગંભીરતાથી લેવો જોઈએ. તમે આટલાં સૂચનો કર્યાં. એ વાંચ્યા પછી મને એમ લાગ્યું કે એ સૂચનોનો અમલ કરવામાં પરિષદને કોઈ વાંધો ન હોવો જોઈએ. અને જો એમ હોય તો તમને એક પત્ર લખવો જોઈએ. ઊહાપોહ કરનારને પરિષદવિરોધી ન ગણવો જોઈએ. મેં એક વાર રઘુવીર ચૌધરીની વિરુદ્ધમાં લખ્યું ત્યારે ઘણાએ મને રઘુવીરવિરોધી/પરિષદ-વિરોધી વગેરે બિરુદોથી નવાજેલો. અને એ પણ ખાનગીમાં કોઈએ મારાં વિધાનોમાં રહેલો આક્રોશ જોયો ન હતો. આપણને આવી ટેવ પડી ગઈ છે. હું તો માનું છું કે પરિષદે પોતાને ગતિશીલ બનાવવા માટે સાહિત્યકારો પાસેથી તેમ જ સમાજના વિવિધ વર્ગો પાસેથી પણ સૂચનો મંગાવવાં જોઈએ અને એ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. હું પરિષદનો પ્રમુખ હોઉં કે નિયામક હોઉં એટલા માત્રથી હું બીજાથી ચડિયાતો છું એવા કોઈ ભ્રમમાં મારે ન રહેવું જોઈએ. ૭. પરિષદે પૈસા નથીની બૂમો પાડવાનું પણ બંધ કરવું જોઈએ. પૈસા તો જોઈએ એટલા મળી રહે જો પરિષદ પુરવાર કરે કે એ પૈસાનો દુરુપયોગ નહિ થાય. અહીં દુરુપયોગનો અર્થ પૈસા ખવાઈ જવા એવો નથી કરવાનો. જે કામ માટે દાન મળ્યું હોય એ કામ જો ઉચ્ચ ગુણવત્તા ન જાળવે તો હું એને પણ પૈસાના દુરુપયોગ તરીકે જ ઓળખાવીશ. પરિષદે બીજું કશું જ નથી કરવાનું, પોતે જે કામ કરવા માગે છે એની એક યાદી બનાવી, એ માટે કેટલા ભંડોળની જરૂર છે અને જો એ ભંડોળ મળશે તો એ કામ પોતે કઈ રીતે પાર પાડવા માગે છે એટલું જ સ્પષ્ટ કહેવાની જરૂર છે. પરિષદ જો એકબે સારાં કામ કરશે તો ઘણા દાન આપવા આગળ આવશે. ૮. પરિષદે ગુજરાતી ભાષા વિકાસ-કેન્દ્ર શરૂ કરવું જોઈએ. અને આ કેન્દ્રના નેજા હેઠળ પી.ટી.સી. યુવાન/યુવતીઓ માટે ગુજરાતી વ્યાકરણનો પ્રમાણપત્ર કોર્સ અને બી.એડ., એમ.એડ. થયેલાં યુવાન/યુવતીઓ માટે ગુજરાતી વ્યાકરણનો ડિપ્લોમા કોર્સ શરૂ કરવા જોઈએ. જે આ કોર્સીસ લે એને નોકરીમાં પાંચ ટકા ગ્રેસ આપવાની નીતિ સ્વીકારવા સરકારને ભલામણ કરવી જોઈએ. જો સરકાર એ ભલામણ સ્વીકારશે તો લોકો ગાંઠના પૈસા ખર્ચીને પણ આ કોર્સ કરવા માટે આવશે. એનાથી આજે નહિ તો કાલે ગુજરાતી ભાષાનું શિક્ષણ સુધરશે. આ ઉપરાંત કૉલેજના અધ્યાપકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનનો કોર્સ પણ આપવો જોઈએ. એટલું જ નહિ, પરિષદે સાહિત્યસિદ્ધાંત પર પણ ઉનાળુ કોર્સીસ શરૂ કરવા જોઈએ. અહીં (અમેરિકામાં) કોર્નેલ યુનિવર્સિટી એવા કોર્સીસ આપે છે જેમાં આખા જગતમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. તે પણ ઊંચી ફી ભરીને. આપણે પણ એવું કેમ ન કરી શકીએ? ૯. છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાતી સાહિત્યમાં પૂર્વ-પશ્ચિમનો ઝઘડો ચાલી રહ્યો છે. આ ઝઘડાએ હવે તો વરવું રૂપ લીધું છે. પૂર્વની તરફેણ કરનારા સુરેશ જોષી કે હરિવલ્લભ ભાયાણી જેવાની બેજવાબદાર ટીકા કરતાં બે વાર વિચારતા પણ નથી. આ પ્રકારના વિવેચકોને, બાકી હોય એમ, ટેકો આપનારા પણ મળી રહેતા હોય છે. આને કારણે ગુજરાતી સાહિત્યમાં એક પ્રકારની અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થયું છે. પરિષદે એ અસહિષ્ણુતાનું પ્રમાણ ઓછું કરવા કંઈક કરવું જોઈએ. બીજું કંઈ નહિ તો પુરોગામી સાહિત્યકારોનાં યોગ્ય મૂલ્યાંકનો થાય એવો સેમિનાર તો યોજાવો જોઈએ. ૧૦. મેં જોયું છે કે પરિષદનાં જ્ઞાનસત્રો અને અધિવેશનો એક પ્રકારનો મેળો બની રહેતાં હોય છે. હું માનું છું કે પરિષદે એમાંથી પણ બહાર આવવું જોઈએ અને જ્ઞાનસત્રો અને અધિવેશનોને ગંભીર સાહિત્યિક પ્રવૃત્તિઓ બનાવવી જોઈએ. ૧૧. ક. મા. મુનશી અને રઘુવીર ચૌધરી તથા ભોળાભાઈ પટેલ જેવા સાહિત્યકારોને કારણે સાહિત્ય પરિષદને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. જે ફાયદો થયો છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. પણ જે નુકસાન ગયું છે એ આપણે સ્પષ્ટ ચીંધી બતાવવું જોઈએ. ૧૨. સાહિત્ય પરિષદની પોતાની વેબસાઈટ હોવી જોઈએ. હવે પરબ અને અન્ય પ્રકાશનો પણ ઇન્ટરનેટ પર મૂકવાં જોઈએ, એટલું જ નહિ, આપણે જે કંઈ પ્રકાશનો કરીએ એમને યુનિકોડમાં કંપોઝ કરાવીને એની સી.ડી. પણ સાચવવી જોઈએ. યુનિકોડમાં સચવાયેલી ગુજરાતી ભાષાના ઘણા ઉપયોગો છે. માનો કે દસ વરસ પછી કોઈએ ગુજરાતી ભાષાનો ડેટા આધારિત શબ્દકોશ બનાવવો હશે તો એને એ પ્રકારની સામગ્રી કામ લાગશે. જે સાહિત્ય ટેક્‌નોલોજીનો સ્વીકાર નહિ કરે એનો વિકાસ અટકી જશે. આપણે એક વાત સ્વીકારવી જોઈએ કે ટેક્નોલોજી એ કેવળ યંત્રો નથી. ટેક્‌નોલોજી માનવજાતની ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલી છે. આશા રાખું કે પરિષદ સાથે સંકળાયેલા મહાનુભાવો આ વણમાગ્યાં સૂચનો વિશે પણ ગંભીરતાપૂર્વક વિચાર કરશે અને પરિષદને બને એટલી વધારે ગતિશીલ બનાવશે.

ફિલાડેલ્ફીયા, ૧૮-૩-૨૦૦૬

– બાબુ સુથાર

૭ ણ ભરત મહેતા

પ્રિય રમણભાઈ, કુશળ હશો. પરિષદ-વિવાદને લક્ષતું તમારું ‘પ્રત્યક્ષીય’ વાંચ્યું. પરિષદની વર્તમાન પરિસ્થિતિથી તમે દુઃખી છો એની સાથે મારા જેવા મિત્રોનેય સામેલ કરશો. પરિષદે સવેળા નહીં કરેલાં કામોની તમે વિગતપ્રચુર યાદી આપી છે તથા કરવા જેવાં કામોનો સંકેત કર્યો છે તેમાં પરિષદ પ્રત્યેની તમારી ખરેખરી નિસબત છતી થાય છે. વળી, સાહિત્યના પરિષદ પ્રકાશિત ઇતિહાસોના પુનઃ સંપાદનમાં કે કારોબારીના સક્રિય સભ્ય તરીકે તમે સંસ્થાને સતત મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેથી તમને પરિષદની નીતિરીતિ સામે ટીકા કરવાનો પૂરો અધિકાર છે. તટે બેસીને તમાશો જોનારાની ટીકાથી તમારું ‘પ્રત્યક્ષીય’ અલગ છે. પ્રવાહમાં ઝુકાવ્યા વિના એની તાણનો અનુભવ ન થાય. પરિષદને એચ. કે. કૉલેજના નાનકડા ખંડમાંથી વિશાળ પ્રાંગણવાળા મહાલયમાં લાવનારાઓ ખરેખરા ધન્યવાદને પાત્ર છે. પ્રકાશ વેગડની મથામણના કારણે ચી. મં. ગ્રંથાલય જેવું નમૂનેદાર ગ્રંથાલય મળ્યું. એમની સેવાઓનો વધુ લાભ ન લઈ શકાયો તે ખરેખર દુઃખદ ઘટના છે. જયંત કોઠારીને પણ પરિષદ પ્રત્યે નારાજગી થઈ જાય એ હદે અનુભવ થયેલો એ પણ અમે જ્યારે વિદ્યાર્થી તરીકે સાંભળતા ત્યારે દુઃખી થતા. સત્ત્વહીનોની ટોળી જમા થતી જાય, પદવાંછુઓ વડીલો ભીષ્મ પિતામહ થતા જાય ત્યારે વસ્ત્રાહરણની ઘટના ઘટે જ. હું એટલું ચોક્કસ માનું છું કે પરિષદ કેવી હોવી જોઈએ એ એક આદર્શ છે. જેનો તુષ્ટિગુણ કદી સંતોષાય નહીં. મૂલ્યહ્રાસના, સાહિત્યરુચિની ઓટના આ દિવસોમાં પરિષદને ઊની-આંચ ન આવે તેવું બને ખરું? સંસ્થાની સિદ્ધિઓ જો સમૂહકાર્યની ફળશ્રુતિ છે તો સંસ્થાની મર્યાદાઓ પણ સામૂહિક જવાબદારીવાળી જ હોવી જોઈએ. એના માટે એકાદ વ્યક્તિની જવાબદારી હોઈ શકે નહીં. અન્ય રાજ્યોની સરખામણીમાં તો આપણી પરિષદ જરાય ઊતરતી નથી. આ જગ્યાએ જુદા જુદા અભિગમો ધરાવતા સર્જક-વિવેચકો એકમેકને હોંશથી મળે છે. પરિષદ સાથે સીધા નહીં સંકળાયેલા સર્જકવિવેચકો પણ પ્રસંગોપાત્ત સહકાર આપે છે. મને જ્યારે સાહિત્ય અકાદમી (દિલ્હી)ની ટ્રાવેલગ્રાંટ મળેલી ત્યારે હું કલકત્તા ગયેલો. ‘બંગીય સાહિત્ય પરિષદ’નું અંધારેભર્યું ગ્રંથાલય, રેઢિયાળ તંત્ર, સાક્ષાત્‌ જોયેલું. એના કર્તાહર્તાઓ એકાદબે ચોપડી લખનારાઓ, વેપારવણજમાં ગ્રસ્ત મહાનુભાવો હતા! ત્યાં મહત્ત્વપૂર્ણ તમામ સર્જકો પરિષદથી વેગળા રહે છે. જો આપણે ત્યાં પણ આવું થશે તો આપણા ગોવર્ધનભવનમાં પણ અંધારું થતાં વાર નહીં લાગે. સંસ્થાઓ ચલાવવી અઘરી છે. એની વહીવટી અને વિદ્યાકીય બેઉ પ્રવૃત્તિઓ ‘જડ’ ન બની જાય તે માટે સહિયારો પ્રયાસ જરૂરી છે. આર્થિક મદદ માટે ઉદાર દાતાઓ ખોળવા, વિદ્યાકીય કામો માટે વિદ્વાનોને મનાવવા - બધું અઘરું હોય છે. વિવિધ અવાજોવાળાને એકીસાથે સાંભળવા/સંભાળવા એ તો એકાદ નાની સંસ્થા સાથે સંકળાયેલા હોઈએ તોપણ ખબર પડે કે કેટલા વીસે સો થાય! પરિષદની સિદ્ધિઓ સહિયારી છે તેથી એની મર્યાદાઓને સહિયારી માનીને નદીકિનારે નહીં પણ મહીં ઝુકાવીને મથીએ એ જ આજની ઘડીએ મને યોગ્ય લાગે છે. બાકી તો મત આપવાની તસ્દી ન લેતા માણસો ભ્રષ્ટ રાજકારણની જ્યાં ત્યાં ચર્ચા કરે છે તેવું લાગે છે. તમારી જેમ સહુ પ્રવેશીને, ચકાસીને પ્રતિક્રિયા આપે તે જ સાચી ટીકા.

વડોદરા; ૧૨-૨-૦૬

– ભરતનાં વંદન

૭ ત
કિશોર વ્યાસ

આદરણીય રમણભાઈ, તમારો તંત્રીલેખ ‘પરિષદની આરપાર’ પરિષદનાં સો વર્ષે ખરેખર તો દરેક ગુજરાતી સાહિત્યપ્રેમીઓને સ્પર્શે એવો છે. પરિષદનાં સો વર્ષે આ Cultural audit - સાંસ્કૃતિક હિસાબ કરવાનો, મંથન કરવાનો યોગ્ય સમય છે. તમારો લેખ પરિષદની સોઈ ઝાટકીને ટીકા કરી નાખવી એવા આવેશથી દૂર રહ્યો છે એથી આ મંથન પરિષદના તંત્રવાહકો વિધાયકરૂપે લે એમ ઇચ્છીએ. પણ ‘ખેવના’માં પરેશ નાયક લિખિત ‘પરિષદના પ્રાણપ્રશ્નો’ અનુષંગે ચાલેલી પત્રચર્ચા પણ તંત્રવાહકોને પ્રાણરૂપ જણાઈ નથી, કેમકે એમાંના કોઈએ ખુલાસો સુધ્ધાં કરવાની તસ્દી લીધી નથી. મને તમારો લેખ પણ આમ જ એળે જશે કે શું? - એવી ભીતિ રહે છે, કેમકે તેઓ કશીયે ટીકા સાંભળવા ટેવાયેલા લાગતા નથી. સાચી રીત તો એ હતી કે પરિષદ પ્રજાની જ સંસ્થા હોય તો એની સામે ઊઠેલા પ્રશ્નો અંગે જવાબદાર વ્યક્તિએ સઘળી હકીકતોની સંદર્ભ સમેત સ્પષ્ટતા કરી હોત. વિદ્યાપ્રવૃત્તિ જ પરિષદના કેન્દ્રમાં રહેવી જોઈએ. ઊંચી વિવેચન-સંશોધન સજ્જતા ધરાવતા વિદ્વાનો પરિષદથી દૂર થતા ગયા હોય તો એ વિશે પરિષદને કશું વિચારવાનું નથી? વહીવટી માળખા અને નગણ્ય એવાં પરિષદ પદોથી દૂર હટીને આ સજ્જ પેઢીનો જે લાભ લેવાવો જોઈતો હતો એને ઉપેક્ષિત રાખવાનું વલણ સાહિત્યને માટે શોકકારક છે. એવા વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ નવોન્મેષી સાહિત્ય સંશોધકોની પેઢી તૈયાર થાય, પરિષદ એનું પ્રેરકબળ બને, ગુજરાતી ભાષા, સાહિત્યના જિજ્ઞાસુઓને માટે સંસ્થા એક વર્કશોપ જેવી બને એવા પ્રયત્નો થવા જોઈએ. પરિષદ એવું સુનિયોજિત તંત્ર, દર વર્ષે ઓછામાં ઓછી આટલી પ્રવૃત્તિઓ તો કરવી જ એવું સમયપત્રક ધરાવતું હોત તો જુદીજુદી દિશાની કોશપ્રવૃત્તિથી એ ધમધમતું હોત. બાળસાહિત્ય, ભાષાશાસ્ત્ર, લોકસાહિત્યથી માંડીને આધુનિક સાહિત્ય-વિષયક આજ લગી પ્રકાશિત થયા છે એનાથી વધુ સંદર્ભગ્રંથો એ તૈયાર કરી શકી હોત. પરિષદની આંખ સામે જ સદ્ધર થયેલી વિશ્વકોશ સંસ્થાએ વીસ જેટલા દળદાર કોશગ્રંથો અને એટલા જ સંદર્ભગ્રંથો ગુજરાતના હાથમાં મૂકી આપ્યા છે. પરિષદે કરવા જોઈતા પ્રકલ્પો અન્ય સંસ્થાઓએ, વ્યક્તિગત સાહસે શા માટે કરવા પડે ભલા? શક્તિઓને વેરવિખેર કરી નાખવાને બદલે એકસૂત્રે બાંધવાનું કામ પરિષદ દ્વારા થવું જ ઘટે. પ્રકાશિત પુસ્તકોના વ્યાપક પ્રસાર-પ્રચાર ને વેચાણ માટેના કોઈ આયોજન વિના સો પુસ્તકોના પ્રકાશનનો હવાઈ ખ્યાલ ભ્રામક નીવડી શકે એવો જ છે. એના બદલે સાહિત્યના અલભ્ય દસ ગ્રંથો પરિષદ તદ્દન સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી આપે તોય ઘણું. અરે, પાંચેક સાહિત્ય-સંશોધનના અભ્યાસી વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીને, સંશોધનમાં પ્રેરીને એ ગ્રંથોને પ્રકાશિત કરે તોયે બસ છે. એક દાયકાના પ્રકાશિત ગ્રંથોની સંપૂર્ણ સૂચિ પરિષદ પાસેથી મળવાની આશા નથી, કેમકે એવા દસ્તાવેજીકરણની, સંદર્ભ કેન્દ્ર રચવાની એની તૈયારી નથી. પ્રકાશ વેગડના આ બહુમૂલ્ય પ્રદાનને યાદ કરી વિધવિધ સૂચિઓ તૈયાર કરાવવાની પ્રેરકતા ક્યાંથી ઉછીની લાવવાની છે? ૧૯૯૪માં ‘પરબ’ દ્વારા મળેલા ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર’ના વિશેષાંક પછી ૧૯૯૭માં ‘ગ્રંથાવલોકન’ જેવો વિશેષાંક પ્રસિદ્ધ થયો છે. અન્ય સામયિકોની તુલનાને બાજુ પર રાખીએ પણ પરિષદના એક સામયિક લેખે એને ‘જ્ઞાનની અખૂટ પરબ’ કહેવામાં આવતી હોય અને એક પણ સાચવવા યોગ્ય વિશેષાંક ‘પરબ’ આપી ન શકે, કોઈ અતિથિ સંપાદકને પણ યાદ ન કરાય, એ સ્થિતિ જ આપણને સૌને ઘણુંબધું સૂચવી દે છે.

કાલોલ, ૧૫-૨-૦૬

– કિશોર વ્યાસ

૭ થ
મહેશ ધોળકિયા

પ્રિય મિત્ર રમણ સોની, ‘પ્રત્યક્ષ’ ઑક્ટો.-ડિસે. ૦૫ના અંકમાં છપાયેલું ‘પરિષદની આરપાર’ એ તમારું નિરીક્ષણ વાંચ્યું. ગુજરાતી વાઙ્‌મય અને પરિષદના લગભગ તમામ સાચા ચાહકોના મંતવ્યનો એમાં પડઘો પડે છે. જમા-ઉધારનું સરવૈયું તમે તટસ્થતાથી છતાં સંવેદનાથી તારવ્યું છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી પરિષદ ગુજરાતી સાહિત્યરસિક પ્રજાની વાજબી આકાંક્ષાઓને તોષતી નથી અને વિવિધ ‘પ્રપંચો’માં (બંને અર્થમાં) ગૂંચવાઈ ગઈ હોય તેવું તો લાગે જ – તેના સંચાલકોને સુધ્ધાં. બહુ ગંજાવર ભવન બિસ્માર થતું જોવા જેવો આ વ્યથાકર અનુભવ છે. થયું તે થયું. હવે આ કળણમાંથી તેને બહાર કાઢી, વિદ્યા-વિસ્તરણનાં રૂડાં કામ કરતી કરીએ. બે-ચાર સૂચનો – ૧. સમારંભના ઠઠારાથી અને મોજમજાના જલસાથી સંમેલનોને મુક્ત રાખીએ. ૨. ગુજરાતી પ્રજા ધનસમૃદ્ધ છે પણ વાચનદરિદ્ર છે. અહીં ખાસ કોઈ વાચનરસિયા જ નથી. જેનો પનારો સાહિત્ય-સંશોધન સાથે છે, તે શિક્ષકો વાંચે છે? (આ વ્યંગ નથી). જેનું કર્તવ્ય વાંચવાનું છે તે સાહિત્યના લાખો ઉચ્ચ શિક્ષણ કક્ષાના વિદ્યાર્થીઓ વાંચે છે? સંપન્ન ધંધાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓ, ગૃહિણીઓ વાંચે છે? હા, છાપાં! ખાનપાન અને મનોરંજન સિવાય ગુજરાતીને – ગુજરાતના - મુંબઈ ઈ.ના તથા વિદેશ વસતાને – કંઈ રુચતું જણાતું નથી. ૩. પરિષદનું પહેલું અને પરમ કામ ગુજરાતીઓને વાચન કરતા કરવાનું છે. નગદ પુસ્તકો, ઉત્તમ સામયિકો નિષ્પન્ન કરી, પ્રદર્શનો યોજી, શહેરે શહેરમાં કાર્યક્રમો યોજી, કૉલેજો – યુનિ.ઓમાં પહોંચી. રીતસરની ઝૂંબેશ ચલાવવી પડે. અને આ કોણ કરે, જો પરિષદ ન કરે તો? અને આ ન કરે તો પરિષદ બીજું શું કરે? અને આ જો કરે; ઉત્તમ કૃતિઓ વંચાય, ખરીદાય, ચર્ચાય, તો પછી બધું જ આપોઆપ થવાનું – વિવેચન ને સંશોધન ને શિબિર ને સંમેલન ને ભાષાઅધ્યયન ને સંજ્ઞાકોશ વગેરે વગેરે.

રાજકોટ, ૧૩-૨-૨૦૦૬

– મહેશ ધોળકિયા

૭ દ
બાબુલાલ ગોર

માનનીય શ્રી રમણભાઈ, ‘પરિષદની આરપાર’ શીર્ષક હેઠળ આપે પરિષદ વિશે ઘણા સુંદર મુદ્દા ચર્ચામાં આવરીને જે સચોટ માર્ગદર્શનરૂપે દર્શાવ્યા એ માટે ધન્યવાદ. એક વાત ખાસ કે પરિષદ એક અદના ભાવક-ચાહકને પણ પોતીકી સંસ્થા લાગે તેમ કરવાની તાતી જરૂર છે. મેં એકવાર, ‘પરબ’ના વાચકોના પત્રવિભાગમાં ઘણા વિચારણીય વિચારો-મંતવ્યો પ્રગટ થયેલાં છે તે સંકલિત કરીને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાં જોઈએ – એવો એક પત્ર પરિષદના તંત્રવાહકો, ‘પરબ’ના સંપાદક, પરિષદના પ્રમુખને, જવાબી કાર્ડ સાથે, લખેલો. એનો ન તો ઉત્તર સાંપડ્યો કે ન એ પત્ર ‘પરબ’માં પ્રસિદ્ધ થયો. મારા લખવામાં કદાચ સાહિત્યિક ભાષા-શૈલી ન હોય એ વાત સ્વીકારું છું પણ મારા એક સ્પષ્ટ મંતવ્ય અંગે ઉત્તર મળવાની આશા ન રાખીશું? ખેવના, ઉદ્દેશ, પ્રત્યક્ષ, કુમાર, શબ્દસૃષ્ટિ વગેરે સામયિકોના સંપાદકો વાચકોના યોગ્ય મંતવ્યને સ્થાન આપે છે. મારાં મંતવ્યોને પણ સ્થાન મળેલું છે. વળી, ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ પ્રગટ થયો ત્યારે મેં ઉછી-ઉધારના પૈસા મેળવી એ ખરીદેલો ને વાંચીને કેટલાંક સૂચન સંપાદક શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાને લખી જણાવેલાં કે તરત જ એમણે લાગણીભર્યો ઉત્તર લખ્યો તથા કોશનો ઝીણવટથી અભ્યાસ કરવા માટે મને ધન્યવાદ પાઠવવા સાથે આગામી નવી આવૃત્તિવેળા સૂચિત સુધારો કરવાની હૈયાધારણ આપેલી. પરિષદ જો અદના સાહિત્યરસિકની સંસ્થા હોય તો એની પાસેથી પણ આવી ઓછામાં ઓછી અપેક્ષા તો રાખી શકાય ને? પરિષદનાં જ્ઞાનસત્રો, અધિવેશનોની ગતિવિધિ જેવા આખા કાર્યક્રમને માટે તટસ્થ સમીક્ષિત અહેવાલ પ્રસિદ્ધ થાય તો મારા જેવો અદનો ભાવક પણ એનો દિશાદોર પકડી શકે. એટલે આપના એ મુદ્દાને હું સંપૂર્ણ સમર્થન આપું છું.

ભુજ, ૩૧-૧-૨૦૦૬

– બાબુલાલ ગોર

૭ ધ
નરોત્તમ પલાણ
[સંદર્ભ : જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬, ડંકેશ ઓઝાની પત્રચર્ચા]

‘પરિષદ પ્રતિ વધી રહેલી નિરાશા ચિંતાજનક’ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રતિ વધી રહેલી નિરાશા ચિંતાજનક છે. કીમ-અધિવેશનની મધ્યસ્થ સમિતિની બેઠકમાં યજ્ઞેશ દવે જેવા સક્રિય સભ્યે જાહેર કર્યું કે હવે પછી પોતે મધ્યસ્થ સમિતિમાં ઊભા રહેશે નહિ. આજે ‘પ્રત્યક્ષ’ ૭૧માં ડંકેશ ઓઝાના પત્ર નીચેની નોંધમાં ‘પ્રત્યક્ષ’ના સંપાદકના ઉદ્‌ગારો ‘હમણાં તો આ ‘સંસ્થા’ઓ વિશે કશું કહેવાનું મન નથી. -માં યજ્ઞેશ જેવી જ પીછેહઠ છે અને તે – આ જાતનું હટી જવાનું વલણ – સૌથી વધારે આઘાતજનક તથા ભયંકર છે. જરા વિચારો, આજના આપણા રાજકીય ભ્રષ્ટાચારમાં જવાબદાર કોણ છે? નિઃશંક, મતદાર! બીજા શબ્દોમાં કહીએ તો સરકાર નહિ, નાગરિકશ્રી પોતે જ જવાબદાર છે. શું પરિષદ જેવી પ્રવૃત્તિમાંથી હટી જઈને આપણે આપણી બેજવાબદારી સિદ્ધ નથી કરતા? શા માટે હટવાનું? શા માટે કહેવાનું /લખવાનું બંધ કરવાનું? આવી પ્રવૃત્તિઓની અને સરવાળે રાષ્ટ્રની અધોગતિનું મૂળ અહીં છે. નાગરિક, ઉદાસ-નિષ્ક્રિય છે અને પરિણામે હરામખોર (વગર હકનાં પદ/ પારિતોષિક મેળવનાર અને મામકાને અપાવનાર) ‘બાપ’ બની બેસે છે, જે પરિષદ અને જાહેરજીવન માટે શાપ સિદ્ધ થાય છે. ચેતો, મિત્રો, ચેતો! આંગળી ઊંચી કરો, બોલો, સતત બોલો, અવાજ ઊંચો કરીને બોલો! આ જુઓ, મધ્યસ્થ સમિતિનાં પરિણામો : મતદાર ઉદાસ છે એટલે મહેન્દ્રસિંહ પરમાર જેવા હારે છે, પરિણામે માત્ર ચૂંટાવા ખાતર ચૂંટાતા સભ્યો આવે છે અને પ્રવૃત્તિમાં ડેડનેસ વધારે છે. કારણ એક જ છે : ‘યજ્ઞેશ-રમણ-ફોબિયા’ – દૂર રહેવાનું વલણ. વિચારો, નિષ્ક્રિયતામાં વધારો ન કરો, એવી આશા સાથે ડંકેશ ઓઝા જેવા મિત્રોને ધન્યવાદ.

પોરબંદર : નવેમ્બર ૨૦૦૯

– નરોત્તમ પલાણ

* પ્રિય પલાણજી, તમે જાણે કે અભિનિવેશ-મંચ પર ચડીને આપણા લોકશાહી (!) આદર્શ વિશે નાનુંસરખું પ્રવચન કરી દીધું. પરંતુ, તમારા જેવા નિર્દોષ વિચારકે એ ન જોયું કે ‘આ’ લોકશાહી-માયા કેવાં કેવાં રૂપ ધરીને, ભ્રષ્ટ આચાર કરનારને ઊજળા ઝભ્ભા પહેરાવે છે ને તેથી, તમે જેને ‘નાગરિકશ્રી’ કહો છો તે તો, ‘અખા, માયા કરે ફજેત; ખાતા ખાંડ ને ચાવે રેત’ એવો ભોંઠપનો અનુભવ કરે છે! તમે જેમને ‘અવાજ ઊંચો કરીને બોલો!’ એવી હાકલ કરો છો એવા તો, સંસ્થાકીય વહીવટ-વ્યવસ્થામાં સંકળાતા હોય ને ન સંકળાતા હોય એ બધાને ભેગા કરો તોપણ ખૂબ જ ઓછી સંખ્યામાં છે. ને તમે હાકલ કરો કે ન કરો. એમાંના કેટલાક તો બોલ્યા જ છે – ગળું દુખી જાય ને માથું ફાટી જાય એટલું, સતત, બોલ્યા છે; બિલકુલ વિધાયક સૂચનો ને ઉપાયો એમણે ધર્યાં છે, કામ કર્યાં છે. સંસ્થા-વિરતિ કંઈ અમથી નથી આવતી! સરખું-સારું થશે એવી આશાએ, અંદર જઈને વર્ષો સુધી મથામણ કરી છે એ પછી આવી છે. ને જે નથી જ પડ્યા સંસ્થાઓના વહીવટમાં આજ સુધી કદી પણ, તે લેખકો વધુ શાણા છે એની પ્રતીતિ થઈ છે. એ ફોબિયા નથી જ. દૃષ્ટિકોણ છે – નિર્ણય છે : સાહિત્યસંસ્થાની વહીવટ પાંખને ન સ્પર્શવું, વિદ્યાપાંખને જરૂર સ્પર્શવું. લોકશાહીની, ઉત્તમ કાર્યોની, વિડંબના કોણ કરે છે? ઓછી શક્તિવાળા પણ મોટી આકાંક્ષાવાળા લોભીઓ; સર્જકતાએ અને અભ્યાસે કૃપણ, બહુ જ મધ્યમ બરના, એથી શોર્ટકટ શોધનારા સ્વાર્થ-સાધુઓ એવા સાહિત્યિકો (ને એ જ મતદારો) મોટી સંખ્યામાં છે. એમને થોડુંક થોડુંક આપતા જઈને વશમાં રાખનાર એકબે ઇલમીઓ મેદાન મારી જતા હોય છે. તમે તો બહુ જ આકરી રીતે એમને ‘બાપ બની જનાર હરામખોર’ કહ્યા છે. હું એટલું કહીશ : અન્યથાકર્તુમ્‌ સમર્થાઃ... એટલે, તમે કહો છો એથી ઊલટું છે : મતદાર ઉદાસ છે એટલે નહીં પણ (ઉપર ઉલ્લેખેલા) મતદાર ને એમના મત્તાદાર સક્રિય છે એટલે મહેન્દ્રસિંહ સરખાનો મધ્યસ્થ-પ્રવેશ અશક્ય કે અનિશ્ચિત રહી જાય છે. થોડાક સારા ને કર્મઠ માણસો અલબત્ત, પ્રવેશ મેળવે છે (એવા થોડાક છે વહીવટતંત્રમાં), એ પછી ધીરે ધીરે ખસી કે ખરી જાય છે. બાકી, ઝાઝા હાથ કોના માટે રળિયામણા છે એ બહુ સ્પષ્ટ છે. પણ આઘાત પામવા જેવું કે અભિનિવિષ્ટ થવા જેવું નથી : અમૂર્ત સંસ્થા(માત્ર) કેવી તો આકર્ષક હોય છે, ને એનું મૂર્ત રૂપ ક્યારેક કેવું તો અનાકર્ષક! પલાણજી, છોડોને, સંસ્થાથી જ ઉત્તમ કામ થાય છે એવું થોડું છે? (સાહિત્ય અને વિદ્યાની બહાર નીકળી જતો વહીવટી સકંજો ઓછો હોય તો/ત્યારે એ સંસ્થા નિઃશંક ઉત્તમ કામ કરી બતાવે છે.) વળી, ઉત્તમ કામો વ્યક્તિઓએ, ભલે અધિક પરિશ્રમથી, પણ કરી બતાવ્યાં છે. આ તમે, એક વાર ઉપપ્રમુખ હતા. કેટલું પહોંચી વળેલા? અને આજે એય ને નિરાંતે કેવાં સરસ કામ કરો છો ને વળી અમારે માટે થઈને નિર્ભિક, ‘ઊંચા અવાજ’ વાળી નક્કર સમીક્ષાઓ લખી આપો છો! ધન્યવાદ.

– રમણ સોની
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૯, પૃ. ૪૦-૪૧]

૭ ન
સિતાંશુ યશશ્ચંદ્ર

પરિષદ કટોકટી સંદર્ભે થોડુંક

પ્રિય રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના ૫૬ અને ૫૭મા અંકો વાંચ્યા. ‘પ્રત્યક્ષ’ની તમારી બંને વિચારનોંધો અને ‘પત્રચર્ચા’નાં લખાણો ફરી ફરી વાંચ્યાં. ચર્ચા ગરિમાયુક્ત અને નિર્ભયપણે થઈ છે. પરિષદ વેગેરે સંસ્થાઓમાં પેઠેલી સત્તાખોરીને પરિણામે ગુજરાતી સાહિત્યમાં આજે જે બહુઆયામી કટોકટી ઊભી થઈ છે, એ સંદર્ભે તમે હાથ ધરેલું કામ ઉપયોગી અને તાકીદનું ગણાય. એ અંગે થોડાક વિચારો મનમાં ચાલે છે, તે તમારી પાસે મૂકું. સહુ પ્રથમ તો એ કે ‘પ્રત્યક્ષીય’ અને ‘પત્રચર્ચા’ના લેખકોએ જે કામ હાથમાં લીધું છે, (‘ખેવના’માં અને બીજે પણ જે શરૂ થયું છે), તે કામ જાગતાઓને જગાડવાનું નથી, કે નથી થોડીક વાટાઘાટો અને બાંધછોડોને અંતે પેલી સત્તાખોરી સાથે સમાધાનની કોઈ ભૂમિકા તૈયાર કરવાનું. તમે લખેલા ‘આરપાર’ શબ્દને અને પરેશે લખેલા ‘બર્ડફ્લૂ’ શબ્દને વાંચ્યા, ત્યારે ‘ધોળી ધજા નહીં.’ એ શબ્દો મારા મનમાં ફરી આવ્યા. એ અર્થમાં. આ ઉપક્રમ સમાધાનની ભૂમિકા તૈયાર કરવાનો નથી. બીજું, વાત અંતે ફક્ત પરિષદની નથી. પરિષદને ગડગૂમડ થયાં છે, પણ પાક ત્યાંથી સંસ્કૃતિ-શરીરમાં આઘે સુધી ગાંધીનગર, મુંબઈ, દિલ્લી, વિદેશો સુધી – ફેલાયો છે. પ્રશ્ન ગુજરાતી ભારતીય સંસ્કૃતિનો છે, સંસ્કૃતિના સત્તા સાથેના સંબંધનો. સત્તા વિનાની સંસ્થા, અલબત્ત, ન હોઈ શકે. પણ સંસ્થામાં કામ કરનારાઓ – નિર્ણય કરનારાઓની ત્રણ કસોટીઓ છે : (૧) સત્તા કઈ રીતે ઉપજાવો-ટકાવો છો? (૨) એ સત્તાને એ સંસ્થામાં સ્થાન કયું આપો છોઃ સહાયક તરીકેનું કે શાસક તરીકેનું? (૩) એ સત્તા એ સંસ્થામાં શેને માટેની ભૂમિકા પૂરી પાડે છે : મુક્ત વિચાર-મુક્ત અભિવ્યક્તિ-નિઃસ્વાર્થ આયોજનો માટેની કે સોદાબાજી-શઠતા-પ્રમાદ-ચાલાક જણાતી ખટપટો માટેની? લેખન-સ્વાતંત્ર્ય ખાતર ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપનાર એક યુવકને હું ઓળખતો હતો પણ આજે, પરિષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામના જન્મની અર્ધી શતાબ્દીના અવસરે, શઠતરરાયનું આખું દેશી રજવાડું ગોવર્ધનભવનમાં પેસી ગયું છે, સત્તામદોન્મત્ત. અને બાપડાં ભૂપસિંહો-સિંહણોના તો આપણાં ગામોમાં વરઘોડા નીકળે છે. આ સત્તા? ત્રીજે મુદ્દે એ સવાલ કે આ રજવાડું, ‘પ્રત્યક્ષીય’ અને ‘પત્રચર્ચા’ દ્વારા ‘પ્રત્યક્ષે’ અને અન્યત્ર ‘ખેવના’ વગેરેએ, તથ્યમૂલક ચર્ચાઓ વડે ચીંધી બતાડ્યા એવા પરિષદમાં અંધેર વહીવટ છતાં, સંશોધન-સંપાદન-ગ્રંથપ્રકાશન અંગેના તેમ જ પુસ્તક-મુદ્રણ વગેરે બાબતના આર્થિક વહીવટ અંગેના સંદેહાસ્પદ નિર્ણયો છતાં, રંગેચંગે ટકી કેમ રહ્યું છે? એ સવાલનો જવાબ, જોકે, સાવ સાદો છે : એવા વહીવટ અને એવા નિર્ણયોની તાકાતે જ આ રજવાડું આભા રંગેચંગે ટકી રહ્યું છે. એની અંતિમ કરુણતા એ છે કે એની આ તાકાત જ એની દયાજનક મજબૂરી બની ચૂકી છે. પરિષદમાં આજે તો ઘમંડી શાસકો ઘણી રીતે બાપડા શાસિતો જેવા થઈ ચૂક્યા છે, ને બાપડા જણાતા બહુસંખ્ય શાસિતો મનપસંદ ખેલ ખેલાવતા ખંધા પણ ખરા શાસકો બની બેઠા છે. આ કારાગારમાં કોણ જેલર છે ને કોણ કેદી, એ તો જાણનારા જાણે છે. આ પછીનો મુદ્દો, રમણભાઈ, અડધો’ક કરીને અટકું? પછી આજે પણ લેખન-વાચન-સ્વાતંત્ર્ય ચાહતા પરેશ-જયેશ-કિશોર-મનોજ અને બીજા માત્ર ચામડીએ નહીં, અંદર લોહીએ પણ જુવાન એવા જ્ઞાતા-પ્રમાતા-કર્તા ચૈતન્યો માટે છોડી દઉં? એ અડદો મુદ્દો તે આ : નમાલા દેશીઓના ટેકાથી કે મૂંગી સંમતિથી ચાલતી સંસ્થાનવાદી અંગ્રેજ સત્તાને તાબે ગયેલા હિંદમાં પણ, ‘હિંદ-સ્વરાજ’-કારની તાલીમ લઈને જીવતા-કામ કરતા-અણનમ રહેતા રચનાત્મક કાર્યકરો, પોતાની રીતે પોતાના જોખમે, પોતાની સચ્ચાઈથી સ્વતંત્રતા અનુભવી શકતા હતા. એમણે, પોતાને જીવવા માટે એક વૈકલ્પિક ભારત સરજી લીધું હતું. ત્યાં અંગ્રેજી ઇલ્કાબો નહોતા. પણ એથી જુદા ધોરણે જેને આપવા-મેળવવાના નિર્ણય થાય છે તેવું આત્મ-સન્માન પ્રાપ્ય હતું. ક્રમશઃ, ભારતને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યું તે પહેલાં જ પેલા અંગ્રેજી ઇલ્કાબો લજ્જાજનક બનવા લાગ્યા. આજે ભલે પરિષદ-પાળ્યા વિદૂષકોમાં અને નામના અથવા નાણાંનાં ઇચ્છુક એવા પરિષદ-વડીલોમાં લજ્જાનો લોપ થયો છે, છતાં પરિષદ-વિકલ્પ સરજી લેવાનું કામ, લેખન-વાચન-સ્વાતંત્ર્યના અસંદિગ્ધ લક્ષ્ય માટે, પૂરું કરવા જેવું છે. શરૂ તો, એ કામ, થઈ ગયું છે – ગુજરાતમાં, ભારતમાં અને દેશબહાર વસતા આત્મ-સન્માની સત્તાખોરીના વિરોધી ગુજરાતીઓને હાથે. પરિષદ-વિકલ્પ એટલે આવી સત્તાખોરીનો અને શાસક-શાસિત સંબંધ સંસ્કૃતિક્ષેત્રે વેઠી લેવાની ભય-લાલચ ભરી મનોવૃત્તિનો વિકલ્પ – ન કે ગુજરાતી ભાષાના શરીર પર નવું ગડગૂમડ! જેનું લોહી ગરમ છે, એ માણસ તો પોતાને માટે આ વિકલ્પ સરજી લેવાનું કામ પૂરું કરવાનો જ. એટલે, રમણભાઈ, ત્રીજા પછીનો આ મુદ્દો, એ માણસ માટે, અહીં જ અડધે છોડી દઉં... જોઈએ.

વડોદરા;

– સિતાંશુ યશશ્ચંદ્ર

૫, જૂન ૨૦૦૬ [એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫-૩૬]

૭ પ
કનુભાઈ જાની
[સંદર્ભ : ‘પરિષદની આરપાર’ પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ.]

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના પાછલા (સળંગ ૧૬મા) અંકમાંનું પ્રત્યક્ષીય વાંચીને તરત લખવા ધારેલું ને અંકમાં નોંધો કરેલી પણ પછીના સંજોગોમાં રહી જ ગયું. તમે જે તટસ્થતાથી, કેવળ વિદ્યાપ્રીતિથી, ન-રહેવાયું ત્યારે જ, જે સંયત ભાષામાં, ને છતાં એમાં કશું ગોળગોળ ન રાખતાં કહેવા જેવું બધું જ કહ્યું, કહેવામાં કંઈ જ બાકી નથી રાખ્યું – વિશદતાથી લખ્યું, ને છતાં એમાં ક્યાંય ઉકળાટ નથી, મુદ્દાસર લખ્યું છે ને છતાં ટીકા કરતાં તો વધુ સારાં કામોની યાદી ને કરવાં જેવાંનાં સૂચનો જ વધુ છે, તે, જાહેરજીવનનાં નિરીક્ષણ/પરીક્ષણની ઘડી આવતાં કેમ થવું જોઈએ એનો એક આદર્શ નમૂનો બને તેવું છે. તમે સાહિત્યિક પત્રકારની ફરજ બરાબર બજાવી છે. ખૂબ ખૂબ અભિનંદન! તમારો સમગ્ર અભિગમ ત્યાં ટીકાત્મક ન બનતાં ચિંતા ને નિસબતનો, ને છતાં રચનાત્મક રહ્યો છે. પરિસ્થતિ ચિંતાજનક છે જ. એકહથ્થુ સત્તા (બેત્રણ જણની જ!) ને વગ-વસીલે વ્યવહાર! આ વગવાદ (નેપોટીઝમ્‌) તો જાહેર-સંસ્થાનું મોટું જોખમ – કૅન્સર. મુનશીના જમાનામાં મોટા વિવેચકો ખુદ મુનશીનીય ખબર લઈ નાખતા. વિ. મ. ભટ્ટે એમને ‘ચોરશિરોમણિ’ કહ્યા’તા! ને પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક કેટલા બધા વયસ્ક પ્રખર ને જામેલા સાહિત્યકારો હતા છતાં માત્ર આઠ વરસની ઊગતી કલમને આપવાનો નિર્ણય સૌએ લીધો હતો – એ વાતાવરણ પરિષદ બહારનાએ પણ ઊભું કરેલું હતું! અહીં તો જયંત કોઠારી જેવાને દુઃખી થઈને જવું પડ્યું ને ફરીથી પરિષદને ઉંબરે પગ ન મૂકવાનું નક્કી કરવું પડ્યું! મારો અનુભવ કહું. પરેશ નાયકના આગ્રહે ટેમ્બના એક પુસ્તક (‘Power, Profit & Poetry’) પર મેં બોલવાનું સ્વીકાર્યું. ગયો, તો પરિષદ તંત્રવાહકોમાંથી (લા. ઠા. સિવાય) કોઈ ન ડોકાયું! ને એ બધા ત્યારે ઉપર જ હતા! મને બહુ ખોટું લાગ્યું. દુર્ગારામ પરના વ્યાખ્યાન માટે નિમંત્ર્યો, ગાંધીનગર યોજ્યું; ગયો; ન જ છાપ્યું ‘પરબ’માં! ‘લોકવાઙ્‌મય’ની એક નકલ અવલોકન માટે આપેલી; લેવાયું? હમણાં ‘મૂલ્યો અંગે નેહરુ’ની નકલો પરિષદને મોકલી, પહોંચનો વિવેક પણ ન મળે! મેં ‘દુર્ગારામચરિત્ર’ સંપાદિત કરવાની ઇચ્છા/તૈયારી બતાવેલી મિત્રો દ્વારા. જવાબ જ ન મળે! આવું દુર્લભ પુસ્તક મોડું મળે એમાં હાનિ ગુજરાતને છે. એમના ખ્યાલમાં એમના વળના એક ભાઈ છે; પણ તો એમ કરવું’તું! તમે કરેલાં સૂચનોમાં એક સદ્ય-સંદર્ભ-કેન્દ્રનું છે. પણ ત્યાં જવાનું મન થાય એવું વાતાવરણ હોય તો ને! એક વાર એમ. જે. લાઇબ્રેરીમાં એક દુર્લભ પુસ્તક (કેપ્ટન બેલકૃત કાઠીઆવાડના ઇતિહાસનું) છે એમ જાણીને ગયો, ને ગ્રંથપાલને હું ન ઓળખું, એ મને ન ઓળખે, પણ વાતો પરથી એ મારી જરૂર પારખી ગયા ને સંદર્ભ માટેનું હતું છતાં પોતાને નામે એક અઠવાડિયા માટે ઘેર લઈ જવાની સગવડ કરી આપી. વિદ્યાપીઠમાં હજીયે સારો અનુભવ (ગ્રંથાલયનો જ) થાય છે. ખરું જોતાં પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ (સારા અર્થમાં!). શો ઉપાય? શ્રી ભોગાયતા કહે છે તેવો ‘બૌદ્ધિકમંચ’? પ્રા. સુમન શાહ કહે છે તેવું કોઈ ‘પોલિટિકલ એક્શન’? શ્રી રસિક શાહ કહે છે તેમ ‘પરબ’માં લખાણ ન મોકલવું? – એ તો એમને ફાવતી વાત! ને ‘મંચ’ કે ‘એક્શન’ની આપણી તૈયારી કેટલી? મોટા ભાગનાને લાભમાં લોટવું હોય ને બોલવામાંય બીતા હોય ત્યાં ‘એક્શન’!! નિવૃત્ત થયા પછીનું ‘વ્હીસલ-બ્લોઇંગ’ શા કામનું? શો ઉપાય? વંચાય છે. ગ્રંથાલયોમાં જવાતું નથી. ચાલવાની તકલીફ ને કાન બંધ! જીવનના છેલ્લા અંકની મજા લઉં છું! સૌ મજામાં હશો. છીએ.

અમદાવાદ,
એપ્રિલ, ૦૬

સ્ને.
કનુભાઈ જાની

[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫]