‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/બાળસાહિત્ય વિશે : યોસેફ મેકવાન


યોસેફ મેકવાન

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૦૬, બાળસાહિત્ય-ચિકિત્સાની આવશ્યકતા]

‘બાળસાહિત્ય વિશે’

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’નો એપ્રિલ-જૂન ૨૦૦૬નો અંક મળ્યો. ‘બાળસાહિત્ય ચિકિત્સાની આવશ્યકતા’ – એ તમારો સંપાદકીય લેખ ખૂબ આવશ્યક અને સમયસરનો લાગ્યો. નાનાં-નવાં-મોટાં બધાં સામયિકોમાં બાળકો માટેનાં વાર્તાઓ – કાવ્યો – લેખો – જીવનકથાઓ વગેરે પ્રગટ થતી રહે છે. વળી છાપાંઓની પૂર્તિઓ દ્વારા પણ બાળસાહિત્ય પીરસાતું રહે છે... એમાં એવું જોવા મળે છે કે આ બધું બાળકોમાં કોઈ પ્રકારનો નવોન્મેષ કે તેમનામાં આનંદકણ જગાડે એવું નથી. તમે કહો છો તેવું ‘લથડતા લયવાળાં, ઢંગધડા વિનાના કથાસંકલન અને કલ્પનાના વિત્ત વિનાનાં...’ એવું જ વધારે પરખાય છે. એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે જે-તે સામયિકના તંત્રી-સંપાદક પાસે બાલસૃષ્ટિ બાલકલ્પના – બાલમાનસ વિશેનો કોઈ અછડતોય અભ્યાસ ન હોઈ તેમનો ઝોક ઉપદેશાત્મક બાળસાહિત્ય તરફનો વિશેષ રહે છે. બાળકોને કૃતિમાંથી જે આનંદ મળવો જોઈએ તે ગૌણ બની જાય છે. વળી બાળકો વિશે લખતા લેખકો-કવિઓ પાસે પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ-રૂઢિઓ – વાતોને યેનકેન પ્રકારેણ વાર્તામાં મઢી લેવાનું મનોવલણ અવરોધક બને છે. પરિણામે બાળસાહિત્ય એક્વેરિયમમાં હરતીફરતી માછલીઓ જેમ જ રહે છે! આમાંથી ઊગરવા તમે વાપરેલો શબ્દ ‘ચિકિત્સક અભિગમ’ જાગૃત લેખકોએ અપનાવવો જોઈએ એવું મને લાગે છે. સુંદર દિશાસૂચન માટે તમોને અભિનંદન. બીજી વાત. શ્રી યશવંત મહેતા એક સજાગ અને નિર્ભીક બાલસાહિત્યકાર છે. ‘બાલસાહિત્ય અકાદમી’ માટે બધું જ કરી છૂટવાની એમની તત્પરતા એક દિવસ રંગ લાવશે. બાલસાહિત્યના અંગે જે જે કંઈ વિધાયક કામો કરવાનાં હોય તેમાં તેઓ કદી પાછી પાની કરતા નથી. બાળકોને માટે શું નવું આપી શકાય... બાળકોને આનંદ પડે એવું સાહિત્ય શી રીતે નિપજાવી શકાય તેની વાતો તેમના મુખેથી ‘બાલસાહિત્ય અકાદમી’ના નેજા નીચે થતાં સંમેલનોમાં મેં સાંભળી છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તેથી તો બાળસાહિત્યને પણ એક વિષય તરીકે સમાવવાની તેમની મનોવાંછના છે. તમે એમનો પત્ર છાપ્યો એ માટે અભિનંદન. પત્રને અંતે ‘યશવંત મહેતા’ને બદલે ‘યશવંત પંડ્યા’ ભૂલથી છપાયું છે એ પેલા બાળનાટ્યકારના નામની ગુંજ હશે... એમ માનું છું.* શ્રી કનુભાઈ જાની અને કવિશ્રી સિતાંશુના પત્રોની માર્મિકતા કેવી તો અસરકારક છે !

અમદાવાદ, ૨૩-૭-૦૬

– યોસેફ મેકવાન

  • પત્ર જ સીધો કંપોઝમાં ગયેલો. છતાં કોઈ સરતચૂકથી નામનો એ ગોટાળો રહી ગયો. એ માટે દિલગીર છીએ. – સંપા.

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૬, પૃ.૩૬]