અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ને સાહ્યબો આવ્યો નંઈ!
Revision as of 13:09, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ને સાહ્યબો આવ્યો નંઈ!
વિનોદ જોશી
દી આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
સળીયું ભાંગીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઈ!
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાં ઘોર
અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
દી આખ્ખો પોપચામાં સમણું પાળ્યું સખી!
પાંપણ લૂછીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઈ!
ઓશીકે ઊતરીને આળોટી જાય
મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરનાં વહેણ સાવ કોરાંધાકોર
તરે ઓશિયાળાં આંસુની હોડલી,
દી આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
પાંગત છોડીને રાત કાઢી,
ને સાહ્યબો આવ્યો નંઈ!
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૩, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, પૃ. ૫૫)