અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી
ઉઘાડી રાખજો બારી
પ્રભાશંકર પટ્ટણી
દુ :ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ :ખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારાં શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
(‘મિત્ર’, ૧૯૭૦, પૃ. ૧)