અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ખાંત

From Ekatra Wiki
Revision as of 07:39, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખાંત

પ્રદ્યુમ્ન તન્ના


પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?
ઠીંકરી નથી રે કાંઈ કીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો!

અમને તો ઇંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો!

ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો!
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?...

તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું!
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો ઇ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો!
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?...
૧૯૫૯
સૌરાષ્ટ્રમાં વાનગઢ પાસે તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું સદીઓ પુરાણું સ્થાન છે. લોકવાયકા મુજબ, આ સ્થળે દ્રૌપદીએ યોજ્યા સ્વયંવરની મત્સ્યવેધ-સ્પર્ધા જીતી અર્જુને એનું પાણિગ્રહણ કરેલું. વર્ષોથી, ભાદરવા સુદ પાંચમ-છઠે રબારી, ભરવાડ, કોળી જેવી જનજાતિઓનો એક મનોહારી મેળો અહીં ભરાતો હોય છે. ધાર્મિક સંનિવેશ ધરાવતો આ મેળો વાસ્તવમાં તરુણ પેઢીનું મિલન-સ્થાન હોવાને કારણે રમૂજમાં પરણેતરના મેળા તરીકે ઓળખાતો રહ્યો છે. ૧૯૫૯માં પ્રથમ વાર હું અહીં આવેલો. બનીઠનીને મેળો માણવા આવતાં નર-નારીનાં ભાતીગળ પોશાક અને આભૂષણો ઉપરાંત એમનાં સહિયારાં રાસ-ગરબા, હુડો જેવાં ઝમકભર્યા નૃત્યોને છબીમાં મઢી લેવા. તળાવકાંઠે, દિવસ આખો ફરતાં રહે નાનાવિધ લોકનૃત્યોનાં કૂંડાળાં, માંહી રમવા ઢોલીને દાપુ (લાગો) દેવું પડે. માથાદીઠ એક આનો, જેટલો ઢોલી કાબેલ એટલું એનું કૂંડાળું જામે. આ બધું જોતો ઊભો હતો ત્યાં દસ આંગળીએ વીંટી-વેઢ ને રૂપાળાં ચરમલિયાં ને ગલમેંદી લોબરીમાં સજ્જ બે સૈયરને ગળામાં હાથ નાખી અડોઅડ ઊભેલી દીઠી. એક ભીનેવાન અને બીજી ઊજળી, પણ બેય બહુ નમણી. કૂંડાળે રમવા થનગને. એક બળૂકા ઢોલીને લાગો ચૂકવી એને કૂંડાળે પેસીને રાસ ઉપાડ્યો પણ ધાર્યો ચગે જ નહીં. બહુ મથી. છેવટે, અકળાઈને એ બોલી ઊઠી: ‘હરખું વજાડને ’લ્યા! ઠીકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે... એક આનો’ને આખુંય ગીત ઊભરી આવ્યું એ તરલ, સ્ત્રીસહજ છણકા થકી.’