ધીરેન્દ્ર મહેતાની કવિતા/‘અંધડ’ : રણભૂમિની એક ઘટના

Revision as of 02:31, 5 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૮.
અંધડ*[1] : રણભૂમિની એક ઘટના

અફાટ આકાશ ક્યાં?
ક્યાં દિશાઓ ગૂમ?
ઊંટનાં
એકમેકને તાલ દેતાં થપ્ થપાથપ્ પગલાં
અચાનક સ્ચબ્ધ,
રેતીમાં ગારદ?
ખાંગુ થઈને ઊંચી ડોકે
ખાલીપાને ખેંચીખેંચી
સૂંઘી સૂંઘી
માથું ઢાળી
ઢાંકી દે
ઊંટ પોતાને
વાવર... વાવર...
પોકાર ઊઠ્યા
ફંગોળાઈ
ઊડી ગયા...
એક થંભ
ઘૂમરીઓ લેતો
આભથી ઊતર્યો
ધરતીપટ પર
નીકળ્યો
પટને ફાડીને સોંસરો?
આકાશ વીંધીને?
બ્રહ્માંડ આખું અંધ
પ્રહ્લાદ પેર કોઈ બથમાં ઝાલે ક્યાંથી અહીંયા?
ચૂરેચૂરા
વીંઝાતા રેતકણોમાં
ઘુમરાતો ધગધગતો અહેસાસ
યુગોયુગોનો
હુંકાર કરે
પ્રગટ રણ તગતગે
ચોગરદમ
દિગ્ દિગંતે
આકાશે
પૃથિવી પટે
રણને ચત્તુંપાટ કરી ચપ્પટ
ઉતારી છાતીમાં
ઝોકારેલું ઊંટ ઉઠાડી
સફરમાં વધતો આગે ઊંટ સવાર.

૯-૭-૨૦૨૨
  1. * રણમાં રેતીનો સ્તંભ ઊભો કરતી ઘૂમરી લેતી ઓચિંતી આવી ચઢતી આંધી, એને ‘વાવર’ પણ કહે છે.