ધીરેન્દ્ર મહેતાની કવિતા/લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને
Jump to navigation
Jump to search
૩૭.
લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને
લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને
ઝૂકીને શું અમળઈ જઈને વળી બેવડી એ,
પીડા કેવી ખદબદ થતી ભૂતરે ના સમાઈ,
ખેંચીને આ રગરગ બધી નીકળી બ્હાર આવીઃ
ટીંગાતા કૈં બરડ સળિયા એમ આ દૃષ્ટિ સામે!
છૂટ્યા પ્હાણા કણકણ મહીં એમ વેરાઈ જાતાં,
તૂટી આ તો તડતડ થતી જાય આખી હયાતી;
ટીંબો થૈ ગૈ પળવિપળમાં ઘાટ આખો ગુમાવીઃ
જખ્મી આખો પરિસર થયો વીંટળાઈ વળીને!
કાઢી લેવા મિલકત બધી એ તળે જે દટાઈ,
ખોદે-ખૂંદે તળ-વિતળ સૌ લોક ટોળે વળીને...
ચાલ્યાં ચાલ્યાં જન સહુ અહીંથી હવે એ પછીયે
ઢૂંઢૂં ઢૂંઢૂં અવિરત બની બ્હાવરો હું અહીંયાં.
ભંડારેલી ક્ષણ સકલ આ ઊછળીને પડી છે,
મારી કોઈ વિગત થઈ એકાદ એમાં કડી છે?
૧૯-૨-૦૨
સંસ્થામાં ચાર વરસના વિદ્યાભ્યાસ અને ત્રીસ વરસના અધ્યાપનકાર્યના સ્મરણ સાથે