સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મહાભારત-યુદ્ધનો તણખો

From Ekatra Foundation
Revision as of 04:59, 31 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મહાભારત-યુદ્ધનો તણખો

નાકર

વોળાવીને પાંડવ વળ્યા; માતા કુંતાને આવી મળ્યા;
પેરે પેરે પૂરણ કર્યા પરબ્રહ્મ રે.
ઢાળ
પૂરણ કીધા પરબ્રહ્મ રે, પાંડુ પિતા ઉદ્ધરિયા,
ધર્મરાજની સભા થકા તે મુક્તિમાર્ગે પરવરિયા.
ધૃતરાષ્ટ્રને વોળાવી પાછા આવ્યા દુર્યોધન,
સભા તણી મંડલી મને જોવા; સાથે દુશાસન.
અર્જુને અતિ રૂડું મનાવ્યો : ‘(તમે) ભલે પધાર્યા, ભ્રાત.
કૃતાર્થ તાં અમે કીધા.’ હરખ્યો સઘળો સાથ.
એક પંક્તિએ બેસારી પીરસ્યું કુંતાએ તેણી વાર,
આરોગીને જોવા આવ્યા સભામંડપ મોઝાર.
અનેક ચિત્ર દેખે બહુ પેરનાં દુઃશાસન ભડ સાથ.
પાંચે મણિ પીરોજા જડિયાં; ઝળકે રત્ન બહુ ભાત.
સોમકાંત મણિ, પદ્મકાંત મણિ, પોખરાજની રચના,
હયશાળા, માતંગ મદે ઝરતા, ખુરાસાણી અશ્વ કચ્છના.
મકરાણી માતા બહુ બુહુકે, હૂકે વૃષભ અનેક,
એવું આશ્ચર્ય રાજા જોતો કેમે નવ પામે છેક.
અનેક વનફૂલ બહુ દેખે, કૂપ, સરોવર, વાપી,
તે આગળ મંડપની રચના ઇંદ્રપુરી ઉછાપી.
તે માંહે ચાલ્યો દુર્યોધન જેવા લીલવિલાસ,
પદ્મકાંતની બદ્ધ પીઠણી ઊર્ધ્વ વ્યોમપ્રકાશ.
કનક તણી પટશાળા પહોળી મણિમય ભોમ કરાવી;
ગોખ જાળિયાં જડિત ઝવેરે, મોતીડે ચોક પુરાવી.
સ્થળ-સ્થાનકે જલ દીસે માંહે, જળ-સ્થાનકે સ્થળ દીસે;
તે દેખી રાજા મોહ પામ્યો; જોવાને ચિત્ત હીંસે.
પવન-પ્રહારે કમળ અતિ ડોલે; બોલે હંસ ચકોર.
કલવચન પંખી અને સારસ, કોકિલ, ચાતક, મોર.
ભ્રમ થયો ભૂપતિને; ભૂદેખી, ચાલ્યો તે મોઝાર;
જળ જાણી વસ્ત્ર કરે ગ્રહ્યાં, નીર નહિ તેણે ઠાર.
સ્થળ-સ્થાનકે જળ દીઠું રાજાએ; જાણ્યું કૃત્રિમ એહ.
નિર્ભે થકો ભડ પડ્યો પાણીમાં; ભીનો આખો દેહ.
બારસાખ પ્રતિબિંબ પ્રકાશે; ભીંત ભણી રાય ભૂલ્યો.
આક્રમે ત્યાં શિર ઠબકાણું, તેમ જોઈ રાય ભૂલ્યો.
તે દેખી પાંડવ તવ હસિયા; ધસિયા ભીમ ભડ ભ્રાત.
દુર્યોધન દુ:શાસન બેહુ બાંધવ સાહ્યા હાથ્ય.
સભા મંડળ મધ્યે લઈ આવ્યા; વસ્ત્ર બીજાં પહેરાવ્યાં.
દુર્યોધનને વાગ્યું સાંભળી કુંતા દ્રૌપદી આવ્યાં.
અર્જુન કહે : ‘તમે સુણો, દુર્યોધન, કહાવો ચતુરસુજાણ.
સ્થળે વસ્ત્ર ગ્રહી પડ્યા પાણીમાં, શિર ઠબકાણું પહાણ્ય.’
ભરી સભા મધ્ય ભીમ તવ હસિયા : ‘અંધ તણા અંધ જાણો.’
હસ્યા વીર તવ હસ્યાં દ્રૌપદી; ભૂપતિ ક્રોધે ભરાણો.
ભ્રમે કોદંડ ચઢાવી નીલવટે; હાથ ઘસે; શિર હાલે;
‘શું કરું, જે સૌ સાથ છે એનો? મારું કાંઈ નવ ચાલે.
હવડાં હસ્તિનાપુર જઈ હાંકું કટક મહાભડ શૂર;
ઇંદ્રપ્રસ્થમાં હરણ જ વાસું; પાંડવને કરું ચૂર.’
એમ જાણીને ચાલ્યો રાજા; હસ્તિનાપુરમાં જાય;
શકુનિ માતુલ સામો મળ્યો; બેઠા; મંત્ર રચાય.
હાથે હૈયું હણે પોતાનું, મુખે મેલે નિઃશ્વાસ.
વૈરીની સ્થિતિ નયણે નીરખી, રાહુ ઇંદુ-રવિ-પ્રકાશ્ય.
“પાંડવને સ્થિતિ મુજની જોતાં હૈડે હરખ અપાર.
પાંડવ હસ્યા તવ હસ્યાં દ્રૌપદી; કહ્યું : ‘અંધ તણો કુમાર.’
મેં જાણ્યું : હું કાળ જ આણું; પાંડવને મારું ઠામ્ય,
પણ પહોંચો પાંચે કરીને સબળો; એક તણું નહિ કામ."

સ્વાધ્યાય

૧. દુર્યોધન ઘેર જઈને બધી ઘટના પિતા આગળ કહેતો હોય એ રીતે આખા પ્રસંગનું વર્ણન કરો.
૨. ભવિષ્યના મહાભારત-યુદ્ધનો તણખો આમાં છે એ બતાવો.
૩. આમાંની તમને ગમતી કોઈ પણ છ લીટી સમજાવો.
૪. લીટી ૩૩માં (૧) ‘હસિયા’-’ધસિયા’, (૨) ‘ભીમ ભડ ભ્રાત’ —માં કયા અલંકાર છે તે બતાવો. એવાં બીજાં દૃષ્ટાંત છે?