ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગાંધીજી
ગાંધીજીનું જીવન એ કર્મ દ્વારા પોતાના અંતઃસત્યને પ્રગટ કરવા ઝંખતી એક કવિચેતનાની વિકાસકથા છે. બાળપણમાં એમની કલ્પનામાં સત્યનો જે આદર્શ સ્ફુર્યો તે જીવનપર્યંત વિકાસ પામતો રહ્યો અને એમના હૃદયને આત્મસમર્પણને અહંશૂન્યતાની નવી નવી ક્ષિતિજો પ્રત્યે આકર્ષતો રહ્યો. કિશોરાવસ્થામાં એમણે લૌકિક અર્થમાં ધાર્મિક શ્રદ્ધા ગુમાવી દીધી હતી. ત્યારે પણ ‘આત્મકથા’માં તેમણે નેાંધ્યું છે. એક વિચારે એમને મનમાં જડ ઘાલી હતી, કે આ જગત નીતિ ઉપર નભેલું છે.” અને નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે.” અને તેથી એમણે સંકલ્પ કર્યો હતો. કે સત્ય તો શોધવું જ રહ્યું.” “દિવસે દિવસે સત્યનો મહિમા.” તેઓ લખે છે, “મારી નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તાર પામતી ગઈ અને હજુ પામતી રહી છે” (પૃ. ૩૫). ગાંધીજીની સત્યની વ્યાખ્યા માત્ર બૌદ્ધિક અર્થમાં જ વિસ્તાર પામતી નહોતી રહી પરંતુ એમના સમગ્ર જીવનવિકાસનું પ્રેરક બળ બની હતી. એ વિકાસપ્રક્રિયાનું કાવ્યમય ચિત્ર આપતાં તેઓ ‘આત્મકથા’માં લખે છે : “સત્ય એક વિશાળ વૃક્ષ છે, તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે... જેમ જેમ એમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યાં કરે છે...” (પૃ. ૨૧૯). ગાંધીજીનું જીવન અને તેમની લેખનપ્રવૃત્તિ, બાળપણમાં રોપાયેલા બીજમાંથી ઊગેલા સત્યવૃક્ષ ઉપર કેવાં ફળ આવ્યા અને એવા સત્યપ્રેરિત ચિંતનના સમુદ્રમાંથી એમને કેવાં રત્ન મળ્યાં તેની એક વિસ્મયપ્રેરક કથા છે. ગાંધીજીનો જન્મ સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો. જન્મસમયે પિતા કરમચંદ પોરબંદરમાં દીવાન હતા, પરંતુ ગાંધીજીની સાત વર્ષની ઉંમર થતાં ૧૮૭૬માં તેઓ રાજકોટમાં દીવાન થયા અને ગાંધીજીની કિશોર ને તરુણ વયનાં વર્ષ રાજકોટમાં પસાર થયાં. સને ૧૮૮૧માં ૧૨ વર્ષની વયે લગભગ એટલી જ ઉંમરનાં કસ્તૂરબા સાથે એમનાં લગ્ન થયાં અને તે પછી ૧૮૮૭ના ડિસેમ્બર માસમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. શાળામાં વિદ્યાર્થી તરીકેની ગાંધીજીની કારકિર્દી બહુ તેજસ્વી નહોતી અને કૉલેજના પહેલા સત્ર દરમિયાન જ તેઓ મૂંઝવણ અનુભવવા લાગ્યા. કુટુંબના એક વડીલ હિતેચ્છુના સૂચનથી યુવાન ગાંધીજી બૅરિસ્ટરીના અભ્યાસ માટે ૧૮૮૮ના સપ્ટેમ્બર માસમાં ઇંગ્લંડ ગયા, જ્યાંથી તેઓ ૧૮૯૧ના જુલાઈ માસમાં પાછા ફર્યા અને રાજકોટ તથા મુંબઈમાં વકીલાત કરવાના બેએક વર્ષના નિષ્ફળ પ્રયાસ પછી, તે સમયના કાઠિયાવાડના ખટપટી વાતાવરણથી કંટાળી પોરબંદરની એક મેમણ પેઢીના આમંત્રણે ૧૮૯૩ના એપ્રિલ માસમાં એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં પહોંચતાં જ લોકનેતા ને લોકસેવક તરીકે ગાંધીજીની કારકિર્દી શરૂ થઈ ગઈ અને તે પછીનું એમનું જીવન આધુનિક ભારતના ઇતિહાસનો ભાગ બની ગયું. એક શરમાળ યુવકમાંથી લોકસેવક બની જવાની બાહ્ય દૃષ્ટિએ ચમત્કારી લાગે એવી આ ઘટના અત્યાર સુધીના ગાંધીજીના આંતરવિકાસના ફળરૂપ હતી. બાળપણમાં માતાપિતાનો પ્રેમ, વૈષ્ણવ કુટુંબના આચારવિચારો, ‘શ્રવણપિતૃભક્તિ’ ને હરિશ્ચંદ્રઆખ્યાનનાં નાટકો, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો ઉપદેશ આપતો શામળભટ્ટનો “ચમત્કારી છપ્પો” અને ‘રામચરિતમાનસ’નું શ્રવણ, આ સર્વે સંસ્કારોએ ગાંધીજીના ભાવનાશીલ માનસને સત્ય ને પ્રેમના આદર્શો પ્રત્યે આકર્ષ્યું હતું સાથે સાથે કિશોર માનસને એક કે બીજી રીતે પજવતી વિદ્રોહવૃત્તિઓ પણ ગાંધીજીમાં હતી, પરંતુ એમના સત્યપ્રેમે એ વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યો હતો. અભ્યાસ માટે લંડન જતાં માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન કરવાની મથામણોએ ગાંધીજીની સત્યનિષ્ઠાની વધુ કસોટી કરી અને એમાંથી એમની અંતરદૃષ્ટિને સત્યનાં વધુ સૂક્ષ્મ રૂપ પ્રગટવાં શરૂ થયાં. અંગ્રેજી સભ્યતાનાં બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવાનો પ્રયત્ન આરંભ્યો હતો તેને છોડી દઈ એમણે પોતાની રહેણીકરણીમાં ફેરફાર કરી નાખ્યા, જેને પરિણામે, ‘આત્મકથા’માં તેઓ લખે છે, “મારી આંતરિક ને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી”, “કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો”, “જીવન વધારે સારમય બન્યું” અને એમના “આત્માનંદનો પાર ન રહ્યો” (પૃ. ૫૬). પરિચયમાં આવેલા એક અંગ્રેજ કુટુંબથી પોતે પરિણીત હોવાની હકીકત છુપાવી હતી તે "અસત્યનું ઝેર” પણ ગાંધીજીએ હિંમતપૂર્વક કાઢી નાખ્યું. સ્વભાવમાં રહેલી વિષયાસક્તિ, જેનો પિતાના મૃત્યુ પ્રસંગે એમને અનુભવ થયો હતો, તેનો એમને ઇંગ્લંડમાં ફરી એક વાર અનુભવ થયો, પરંતુ મિત્રની સદ્બુદ્ધિથી તેઓ પતનમાંથી બચી ગયા અને પોતાની નિર્બળતા પ્રત્યે સભાન બન્યા. થિયૉસૉફિસ્ટ મિત્રોના પરિચયે ગાંધીજીમાં થોડી ધર્મજિજ્ઞાસા પણ જાગ્રત થઈ અને ભગવદ્ગીતા, બાઈબલના ‘નવા કરાર’નું ‘ગિરિપ્રવચન’ અને એડવિન આર્નલ્ડનું ‘બુદ્ધચરિત’ વાંથી તેઓ ત્યાગ ને અહિંસાના આદર્શો પ્રત્યે વધુ આકર્ષાયા. ભવિષ્યમાં બધા મુખ્ય ધર્મોનો પરિચય મેળવી લેવો જોઈએ એવી, ‘આત્મકથા’માં તેઓ લખે છે, એમના “મને નોંધ કરી” (પૃ. ૭૧). આમ લંડનવાસનાં વર્ષો દરમિયાન ગાંધીજીનું વ્યક્તિત્વ ચોક્કસ, સ્વનિષ્ઠાપ્રેરિત આકાર લઈ રહ્યું હતું, પરંતુ હજુ એમને પોતાનું જીવનધ્યેય સ્પષ્ટ નહોતું થયું. તેઓ બૅરિસ્ટરીનો અભ્યાસ કરવા લંડન આવ્યા હતા, પરંતુ અભ્યાસ પૂરો કરી સ્વદેશ પાછા ફરતાં બૅરિસ્ટર તરીકે પોતે સફળ થશે કે કેમ એ વિશે ઊંડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા; કદાચ એ કારકિર્દી એમના હૃદયને આકર્ષતી જ નહોતી. રાજકોટમાં કિશોરાવસ્થા દરમિયાન જ સ્વદેશપ્રેમ ને સમાજસુધારાનો પવન એમને સ્પર્શી ચૂક્યો હતો. દેશના મધ્યમ વર્ગે કવિ દલપતરામની જેમ “ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર" એમ માની શરૂઆતમાં અંગ્રેજી શાસનને આવકાર્યું હતું. પરંતુ ગાંધીજીના વિદ્યાર્થીકાળ સુધીમાં પવન બદલાઈ ગયો હતો અને રાજકોટની શાળામાં હવે નવલરામની (ગાંધીજીએ એને સરતચૂકથી નર્મદની કહી છે) “અગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ” એ કાવ્યપંક્તિઓ ગવાતી, જેમાંથી કિશોર વિદ્યાર્થીઓને, નવલરામને કદાચ અભિપ્રેત નહિ હોય એવી, પ્રેરણા મળતી હશે અને તેઓ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત જોવાનાં સ્વપ્ન સેવતા હશે. ગાંધીજીના કલ્પનાશીલ સ્વભાવે એ પવનનો બીજા વિદ્યાર્થીઓ કરતાં વધુ પ્રબળ પ્રભાવ અનુભવ્યો હોય એમ જણાય છે. અંગ્રેજોને હરાવી દેશમાંથી હાંકી કાઢવા માટે જરૂરી બળ મેળવવા પ્રજાએ માંસાહાર કરવો જોઈએ એ દલીલથી પ્રભાવિત બની તેઓ માંસાહાર કરવા લલચાયા, અને માતાને ન છેતરવાની ભાવનાથી તેમણે એ પ્રયોગ બંધ કર્યો તોપણ મનમાં સંકલ્પ કર્યો કે મોટા થઈ સ્વતંત્ર થયે તેઓ ખુલ્લી રીતે માંસાહાર કરશે. આ સંકલ્પમાં અંગ્રેજો જેવા બળવાન બનવાની ઇચ્છા સાથે વ્યક્તિની સ્વતંત્રતા રૂંધતા રીતરિવાજોનો ભંગ કરી સમાજસુધારો કરવાની વૃત્તિ પણ ભળી હશે અને એ ધગશે જ, કદાચ, ગાંધીજીને ઇંગ્લંડ જવા પ્રેર્યા હશે. જવાના સમયે રાજકોટની શાળાના શિક્ષકો ને વિદ્યાર્થીઓએ યોજેલા વિદાયસમારંભમાં તેઓ પોતાના વિદ્યાર્થીમિત્રોને સલાહ આપે છે: “હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લંડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે” (૧–૨. ૧). અભ્યાસ પૂરો કરી ભારત પાછા આવી રહ્યા હતા ત્યારે આગબોટમાં પોતે દેશમાં વકીલાત કરી શકશે કે નહિ એ ચિંતાની સાથે, ‘આત્મકથા’માં તેઓ લખે છે તેમ, કુટુંબજીવનમાં પોતે “કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા” તે કેવી રીતે અમલમાં મૂકવા એની પણ ચિંતા કરી રહ્યા હતા (પૃ. ૮૭). રાજકોટ પહોંચી ગાંધીજીએ પહેરવેશ ને રહેણીકરણીમાં કેટલાક સુધારા તો અમલમાં મૂક્યા, પરંતુ વકીલાતમાં તેઓ સફળ ન થયા. લંડનવાસ દરમિયાન તીવ્ર બનેલી સત્યનિષ્ઠાએ એમનામાં જે સ્વમાનભાવના કેળવી હતી તેનું રક્ષણ કરી શકાય એવું વાતાવરણ તેમણે રાજકોટ કે મુંબઈ શહેરોમાં અનુભવ્યું નહિ, અને વકીલાત માટે જરૂરી આત્મશ્રદ્ધા પણ તેમનામાં આવી નહિ. આ મૂંઝવણમાં દક્ષિણ આફ્રિકા જવાનું આમંત્રણ આવ્યું, જે તેમણે બહુ વિચાર કર્યા વિના સ્વીકારી લીધું. ત્યાં પહોંચ્યા પછી એકાદ અઠવાડિયામાં જ નાતાલની રાજધાની પીટરમૅરિત્ઝ્બર્ગ સ્ટેશને ગાંધીજીનું અપમાન થયું તે પ્રસંગે એમનાં સ્વમાનભાવના ને સ્વદેશપ્રેમને ઉત્તેજી તેમને હિંદી કોમ વતી ગોરાઓના રંગદ્વેષનો સામનો કરવા કૃતસંકલ્પ કર્યા. એમનાં સંકોચ ને શરમાળપણું હવે અદૃશ્ય થઈ ગયાં અને તેઓ તદ્દન સ્વાભાવિક રીતે દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના નેતા બની ગયા. આવ્યા હતા એક વર્ષ માટે, પણ રહી પડ્યા વીસ વર્ષ સુધી. આમ અનાયાસે આવી પડેલી રાજકીય સેવામાં ધર્મપ્રેરણા ભળી, અને ગાંધીજીની સેવાપ્રવૃત્તિ એમને માટે ભારતને સર્વાંગી નવસર્જનમાં પોતાનો ફાળો આપવાની કર્મયોગની આધ્યાત્મિક સાધના બની ગઈ. લંડનવાસ દરમિયાન ધર્મજિજ્ઞાસા જાગ્રત થઈ હતી અને બધા મુખ્ય ધર્મોંનો પરિચય મેળવવાનો ગાંધીજીએ વિચાર કર્યો હતો તેને દક્ષિણ આફ્રિકામાં અમલમાં મૂકવાના સંયોગો ઉપસ્થિત થયા. જે મેમણ પેઢીના આમંત્રણથી તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તેના વકીલ મિ. બેકર એક ખ્રિસ્તી મિશનના સંચાલક હતા અને પહેલી મુલાકાત વેળા જ તેમણે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો. મિ. બેકર દ્વારા ગાંધીજીને બીજા ખ્રિસ્તી પરિચયો પણ થયા અને એ બધાની પ્રેરણાથી તેમણે ખ્રિસ્તી ધર્મનો વિગતે અભ્યાસ કર્યો. ઈશુના વ્યક્તિત્વથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા, પરંતુ ખ્રિસ્તી ધર્મને એકમાત્ર સંપૂર્ણ કે સાચા ઉત્તમ ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. મેમણ પેઢીના ભાગીદાર દાદા અબદુલ્લાની પ્રેરણાથી ગાંધીજીએ કુરાન અને બીજાં ઇસ્લામી પુસ્તકો પણ વાંચ્યાં. રાજકોટમાં વિદ્યાર્થીકાળ દરમિયાન હિંદુ ધર્મની કેટલીક માન્યતાઓ પ્રત્યે કંઈક અણગમો કેળવાયો હતો, પરંતુ લંડનમાં થિયૉસૉફિસ્ટ મિત્રોની પ્રેરણાથી ભગવદ્ગીતા, ‘બુદ્ધચરિત’ ને મૅડમ બ્લૅવૅટ્સ્કીનું ‘કી ટુ થિયૉસૉફિ’ વાંચ્યા પછી તે ઓછો થઈ ગયો હતો અને હવે શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી ગાંધીજીએ હિંદુ ધર્મનો કંઈક વ્યવસ્થિત અભ્યાસ કર્યો. શ્રીમદે સૂચવેલાં પુસ્તકોના તથા તૉલ્સતૉયના “વૈકુંઠ તારા હૃદયમાં છે’ એ પુસ્તકના વાંચને ગાંધીજીને આધ્યાત્મિકતા પ્રત્યે નવી દૃષ્ટિ આપી અને તેમનું ધર્મવાંચન ને ચિંતન વધારી મૂક્યું. ઇંગ્લંડથી પાછા ફરતાં આગબોટમાં જેઓ સમાજસુધારાના સ્વપ્ન સેવતા હતા તેઓ હવે આત્મદર્શનના અભિલાષી બની ગયા અને સેવાપ્રવૃત્તિને તેના એક સાધન રૂપે જોવા લાગ્યા. કર્મયોગની આ ભાવનાને ૧૯૦૩માં શરૂ કરેલા ભગવદ્ગીતાના અભ્યાસે સ્પષ્ટ સ્વરૂપ આપ્યું, અને તે સાથે ગાંધીજીની આધ્યાત્મિક યાત્રા ભારતીય પરંપરામાં દૃઢ થઈ. દક્ષિણ આફ્રિકામાં પહેલા વર્ષ દરમિયાન ગાંધીજીએ હિંદી કૉમની અવદશા જોઈ લીધી હતી અને જે કાનૂની કાર્યવાહી અંગે તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે પૂરી થતાં કૉમના રાજકીય સ્વમાન માટે લડવાની તક મળી તે તેમણે આવકારી લીધી. દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી અને વર્તમાનપત્રોમાં પત્ર ને સત્તાધીશોને વિનંતીપત્રો દ્વારા હિંદી કૉમ વિરુદ્ધ પ્રવર્તતા પૂર્વગ્રહો ને દ્વેષની સામે તેમણે લડત ઉપાડી. ત્રણ વર્ષના વસવાટ પછી ગાંધીજી ૧૮૯૬ના જૂન માસમાં કુટુંબને દક્ષિણ આફ્રિકા લઈ જવા ભારત આવ્યા અને છ માસ રહી ડિસેમ્બર માસમાં પાછા ફર્યા. ભારતમાં એમણે કરેલાં ભાષણોના ને દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની હાડમારીઓનું વર્ણન કરતા એક ચોપાનિયા વિશેના ખોટા અહેવાલોથી દક્ષિણ આફ્રિકાના ગોરાઓ ઉશ્કેરાયા હતા અને ગાંધીજી ડરબન બંદરે ઊતરતાં એક ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો. ગાંધીજીએ એ ટોળાના નેતાઓ ઉપર કામ ચલાવવાનો ઇનકાર કરી જાહેર જીવનમાં અહિંસાનો પહેલો પ્રયોગ કર્યો. સન ૧૮૯૯-૧૯૦૦માં બોઅર યુદ્ધ થયું, જેમાં સારવાર ટુકડીના નેતા તરીકે સેવા આપી ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરી. એ યુદ્ધ પૂરું થતાં ૧૯૦૧ના ઑક્ટોબર માસમાં ગાંધીજી સ્વદેશમાં જાહેર સેવાના કાર્યમાં જોડાવાની ભાવનાથી ભારતમાં પાછા ફર્યા પરંતુ એક વર્ષમાં જ દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની વિનંતીને માન આપી તેઓ વળી પાછા, ડિસેમ્બર ૧૯૦૨માં, દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને ૧૯૧૪ની સાલ સુધી ત્યાંની હિંદી કૉમના હકો માટે પહેલાં બંધારણીય માર્ગે અને પછી સત્યાગ્રહની લડતો દ્વારા લડતા રહ્યા. લડતનો સફળ અંત આવતાં ૧૯૧૪ના જુલાઈ માસમાં ગાંધીજી કાયમ માટે ભારત આવવા નીકળ્યા અને ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા લંડન જઈ ૧૯૧૫ના જાન્યુઆરી માસની ૯મી તારીખે, માતૃભૂમિના દર્શને આનંદ અનુભવતા, મુંબઈ ઊતર્યા. ગાંધીજીની ગુજરાતી લેખનપ્રવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં એમની આ રાજકીય સેવાપ્રવૃત્તિ અંગે, એક પત્રકાર તરીકે, શરૂ થઈ. સને ૧૯૦૩ની ૪થી જૂને ‘ઇન્ડિયન ઓપિનિયન’નો પ્રથમ અંક બહાર પડ્યો ત્યારથી ૧૯૧૪ના જુલાઈ માસમાં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં સુધી તેઓ એ સાપ્તાહિકમાં નિયમિત લખતા રહ્યા. સાપ્તાહિકનો ઉદ્દેશ ગોરાઓમાં હિંદીઓના હકો વિશે જાહેર મત કેળવવાનો હતો, પરંતુ ગાંધીજીએ તેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમને પ્રજાજીવનનું શિક્ષણ આપવા માટે પણ કર્યો અને એ હેતુથી તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં અંગ્રેજીની સાથે ગુજરાતી વિભાગ શરૂ કર્યો. એ વિભાગમાં ગાંધીજીએ વાચકોને ગોવર્ધનરામના જેવી, સત્યદૃષ્ટિના મિશ્રણવાળી સાત્ત્વિક સ્વદેશપ્રેમની ભાવનાના સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણે ત્રણ અંતિમમાર્ગી વર્ગો ઉત્પન્ન કર્યા હતા. એક વર્ગ અંગ્રેજી સમાજ ને સંસ્કૃતિની સરખામણીમાં ભારતમાં અજ્ઞાન ને વહેમ સિવાય કશું જોતો નહિ અને અંગ્રેજી જીવનરીતિનું અનુકરણ કરીને જ દેશ સંસ્કારી બની શકે એમ માનતો, જ્યારે એ પ્રવાહની પ્રતિક્રિયા રૂપે બીજો વર્ગ પ્રાચીન ભારતની મહાનતાના ખ્યાલમાં રાચતો અને અંગ્રેજી આચારવિચારોના “પવન”નો આવેશભર્યો પ્રતિકાર કરતો. ત્રીજો વર્ગ રાજકીય સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપતો અને ગમે તે ઉપાયે પ્રથમ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત કરવાનું સ્વપ્ન સેવતો. ગાંધીજીનો સ્વદેશપ્રેમ આ ત્રણે પ્રકારની આત્યંતિકતાથી મુક્ત હતો. શ્રીમદ્ રાજચંદ્રે પ્રેરેલાં વાંચન ને ચિંતનના પ્રતાપે તેઓ ભારતીય આધ્યાત્મિકતાના પ્રેમી બન્યા હતા, પરંતુ એમની સત્યદૃષ્ટિ વર્તમાન ભારતની અવદશા પણ જોતી અને દેશની ઉન્નતિ માટે રાજકીય સ્વમાનની સાથે આંતરિક સુધારાનું મહત્ત્વ પણ સમજતી. સાપ્તાહિકના પ્રથમ અંકમાં જ તેની જરૂર ને હેતુ સમજાવતાં ગાંધીજીએ કબૂલ કર્યું કે હિંદીઓ ઉપર આરોપવામાં આવતા બધા દોષ કલ્પિત નહોતા અને જણાવ્યું કે જે કોઈ દોષ એમને દેખાશે તેને સુધારવાનો એમનો પ્રયત્ન રહેશે. પ્રજાને કડવો ઘૂંટડો પાવો તેને તેઓ પત્રકાર તરીકે પોતાની ફરજ માનતા (૫. ૧૨૩) અને એ ઘૂંટડો પ્રેમપૂર્વક પાવાની ગાંધીજીએ એમના લેખોમાં એક વિશિષ્ટ શૈલી વિકસાવી. ગાંધીજીની દૃષ્ટિએ હિંદી કોમની સૌથી ગંભીર નિર્બળતા એનામાં જાહેર સેવાની ભાવનાનો અભાવ હતો તે હતી અને પ્રજાની નૈતિક ઉન્નતિ અંગેનો પહેલો જ લેખ ‘ભોગ’ (“આત્મભોગ”, “સ્વાર્થત્યાગ”ના અર્થમાં) ઉપર લખ્યો. વ્યક્તિઓમાં આત્મભોગની ભાવનાથી જ સમાજ ટકી રહે છે એમ સમજાવી તેમણે ગોરાઓના આક્રમણથી કોમનું રક્ષણ કરવા દરેકને સમય ને પૈસાનો ભોગ આપવા તૈયાર રહેવાનો અનુરોધ કર્યો (૪. ૧૩૧-૨, ૧૩૭-૮). દેશસેવા ને લોકસેવા માટે સ્વાર્થત્યાગની આ ભાવના ગાંધીજીના કવિહૃદયને એટલી આકર્ષક લાગી હતી કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના તા. ૧-૭-૧૯૦૫ના અંકથી શરૂ થતી એક લેખમાળામાં તેમણે સાપ્તાહિકના ગુજરાતી વિભાગમાં કેટલાંક જાણીતાં પશ્ચિમી લોકસેવકો ને સેવિકાઓનાં ટૂંકાં પણ માહિતીપૂર્ણ, સુગ્રથિત નિબંધો જેવાં પરિચયચિત્રો આપ્યાં. આ ૫રિચયલેખોમાં ગાંધીજીની સેવાપ્રવૃત્તિને જીવનભર પ્રેરી રહેલા આદર્શોનું પહેલું દર્શન થાય છે. એવો પહેલો લેખ કોઈ અંગ્રેજ લોકસેવક વિશે નહિ પણ રશિયન લેખક મૅકિસમ ગૉર્કી વિશે છે. “લોકોને પડતા જુલમો સામે ઉશ્કેરવા” પોતાની કલમનો ઉપયોગ કરનાર, “લોકોના હકનો બચાવ” કરવા હંમેશાં તૈયાર રહેનાર અને લોકસેવા અંગે “કેદને માન” સમજનાર એ ક્રાન્તિવીર માટેનો ગાંધીજીનો અહોભાવ (૫.૬-૭) એમની ભવિષ્યની કારકિર્દીની દૃષ્ટિએ સૂચક ગણી શકાય એવો છે. ગાંધીજીની કલમ પણ રાજ્યના અન્યાયનો પ્રતિકાર કરવા જ પ્રવૃત્ત થઈ હતી અને જીવનભર લોકહિત ને લોકકલ્યાણને સમર્પિત રહી હતી, તથા તેઓ પણ લોકસેવા અંગે મળતી જેલને “મહેલ” ગણવાનું શીખ્યા હતા, અને પ્રજાને શીખવતા રહ્યા હતા. “સ્વાર્થ વિનાનો, અહંકાર વિનાનો, અત્યંત પવિત્ર ધર્મચુસ્ત” અને પોતાના મનોબળથી ને “અત્યંત ભક્તિ”થી સ્વદેશનો ઉદ્ધાર કરનાર જોસેફ મૅઝિની જીવનભર ઇટાલીની સેવા કરતો રહ્યો, પણ “તેનું મન એવું ઉદાર હતું કે તે દરેક દેશનો રહીશ ગણી શકાય” (૫. ૨૯-૩૦) સ્વદેશની સેવા કરવાની ભાવનાથી પ્રેરાઈ અબ્રાહામ લિંકન ગુલામીની પ્રથા નાબૂદ કરવા પોતાના જ દેશબાંધવોની સાથે લડ્યો અને છેવટે “પારકાનાં દુ:ખને સારુ પોતાની જિંદગી અર્પણ કરી અમર થઈ ગયો (૫. ૫૪-૬). અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં “લોકોની સેવા કરવા ખાતર વગર પગારે" સેનાપતિનો હોદ્દો સ્વીકારનાર અને લડાઈમાં “શૂરવીરપણું બતાવ્યું તેમ દેશમાં સુધારા કરવામાં, લોકોને એકઠા રાખવામાં ને દેશની આબરૂ વધારવામાં" બતાવનાર જ્યૉર્જ વૉશિંગ્ટન જેવા “વીર પુરુષ હિંદ પણ જણે” એમ ગાંધીજી ઈચ્છે છે (૫. ૯૧-૨). "મા, બીક શું છે? મેં તે નથી જોઈ” એમ દાદીને પૂછનાર બાળક નેલ્સન નેપોલિયન સામે ટ્રફાલ્ગરના યુદ્ધમાં ઘવાયો ત્યારે “અસહ્ય વેદના સહન કરતાં પણ તેણે હુકમો આપ્યા કર્યા” અને મૃત્યુની ક્ષણ સુધી પોતાની ફરજ બજાવતો રહ્યો. એના જેવા “હીરા" ગાંધીજી લખે છે, “જે પ્રજામાં ઉત્પન્ન થાય અને જે પ્રજા એવા હીરાને આવા જતનથી સાચવે તે પ્રજા કેમ આગળ ન વધે?” કર્તવ્યનિષ્ઠાના એ જ્વલંત દૃષ્ટાંતમાંથી દેશભક્ત ગાંધીજી વાચકોને સાર લેવા પ્રેરે છે : “આપણે નેલ્સનના જેવા હિંમતવાન થઈએ, તેના જેટલી ફરજ સમજીએ. નેલ્સનની પ્રજાની જેમ આપણને પણ દેશાભિમાન આવે. હું હિંદુ, તમે મુસલમાન; હું ગુજરાતી, તમે મદ્રાસી; એ બધું ભૂલી જઈએ. હું અને મારું એ નીકળી હું હિંદી, તમે પણ હિંદી” (૫. ૧૨૫-૬). શૂરવીરતાના આવા પ્રશંસક ગાંધીજી કર્તવ્યનિષ્ઠાનાં શાંત, રચનાત્મક સ્વરૂપોના એવા જ ભક્ત હતા. તેઓ માનતા કે અંગ્રેજો હિંદુસ્તાન ઉપર રાજ્ય કરતા હતા કારણ કે “ઈંગ્રેજી પ્રજામાં હાલના જમાનામાં બહાદુર, ધાર્મિક અને પવિત્ર સ્ત્રીપુરુષો આપણા કરતાં વધારે થયાં જણાય છે’ (૫. ૪૮). તેવી એક સ્ત્રી, ઇલિઝાબેથ ફ્રાય, “પોતે હમેશાં માંદી રહેતી” પરંતુ તેની દરકાર કર્યા વિના તેણે “પોતાની જિંદગી... કેદીઓની દશા સુધારવામાં અર્પણ કરી’ અને “બહુ દુખિયાનાં દુઃખમાં ભાગ લેતી... પોતાનું દુ:ખ ભૂલી જઈ ઈશ્વરનું ભજન કરતી મરણ પામી” (૫. ૪૯). ઇંગ્લંડ ને રશિયા વચ્ચેના ક્રીમિયાના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરનાર “ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! ... પોતે દહાડોરાત મળી ૨૦ કલાક સુધી કામ કરતી.... એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી.... જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોક રડેલા એમ કહેવાય છે.” અને જૂના યુગની ગાંધીજીની ધર્મશ્રદ્ધા ભક્તિભાવથી લખે છે : “ઇંગ્લંડ રાજ્ય કરે છે તે પોતાના બળથી નહીં પણ આવાં સ્ત્રીપુરુષોનાં પુણ્યથી” (૫. ૬૫-૬) ભારતમાં અંગ્રેજી શાસકોની તુમાખી ગાંધીજીએ જોઈ અને અનુભવી હતી, છતાં એમની ઉદાર સત્યદૃષ્ટિ કેટલાક અંગ્રેજ રાજ્યકર્તાઓની સન્નિષ્ઠાની ભાવપૂર્વક કદર કરે છે. પંજાબમાં અંગ્રેજી શાસન સ્થિર કરનાર હેન્રી લૉરેન્સ “હિંદીઓ ઉપર બહુ પ્યાર” રાખતો. તે એમ માનતો કે “દરેક અંગ્રેજ એ હિંદુસ્તાનનો ટ્રસ્ટી છે” અને ટ્રસ્ટી તરીકે અંગ્રેજોનું કામ “લોકોને આબાદ કરવાનું, લોકોને સ્વરાજ્ય શીખવવાનું અને આબાદ મુલક કરીને હિંદીઓને સોંપવાનું હતું” (૫. ૧૧૦-૧). મદ્રાસ ઇલાકામાં પોતાની કર્તવ્યનિષ્ઠાથી નોકરીમાં ઉત્તરોત્તર ચડી છેવટ ગવર્નરની પદવી સુધી પહોંચનાર સર ટૉમસ મનરોની “હિંદીઓ ઉપર અગાધ પ્રીતિ હતી અને તેનો ખરેખરો ઇલકાબ સર નહિ પણ ‘રૈયતનો દોસ્ત’ એ હતો.” “આવા સાદા અને માયાળુ ઈંગ્રેજો” ગાંધીજી લખે છે, “અગાઉ થઈ ગયા અને હજુ પણ નીકળી આવે છે તેથી જ ઇંગ્રેજ રાજ્યનો સતારો ઘણા ડાઘ છતાં ઝળક્યાં કરે છે” (૫. ૧૨૯). ગાંધીજીનો સ્વસ્થ સ્વદેશપ્રેમ આવાં અંગ્રેજ વ્યક્તિવિશેષોનાં ચિત્રો આપતાં કોઈ પ્રકારની લધુતાગ્રંથિ અનુભવતો નથી. એમની શ્રદ્ધા હતી કે યોગ્ય શિક્ષણ મળતાં હિંદીઓ અંગ્રેજોના જેવી સેવાભાવના ને કર્તવ્યનિષ્ઠા કેળવી શકે, અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકોને એમણે નવી કેળવણી પામેલા કેટલાક એવા હિંદીઓનો પણ પરિચય કરાવ્યો. ત્રાવણકોર, ઇંદોર ને વડોદરા એમ એક પછી એક ત્રણ રાજ્યોના દીવાન બનનાર રાજા સર ટી. માધવરાવ, હાઈકોર્ટના પહેલા હિંદી જજ સર ટી. મુતુસામી ઐયાર અને મુસ્લિમ સુધારક, મુંબઈ હાઈકોર્ટના જજ બદરુદ્દીન તૈયબજીની કારકિર્દીનાં પરિચયચિત્રો એ સમયના અર્ધશિક્ષિત વેપારીઓમાં હિંદીઓની શક્તિ વિશે ગૌરવ પ્રેરે એવાં હતાં. પરંતુ ગાંધીજીની પોતાની ભક્તિ બંગાળી લોકસેવક ને સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માટે હતી. વિદ્યાસાગર માત્ર વિદ્યાનો નહિ, પણ “દયાનો, ઉદારતાનો તથા ઘણા સદ્ગુણોનો સાગર” હતા. તેઓ “હિંદુ... અને તેમાં પણ બ્રાહ્મણ” હતા, પણ તેમને “મન બ્રાહ્મણ અને શુદ્ર, હિંદુ અને મુસલમાન સરખા હતા તે” અને એમની રહેણીકરણી એટલી સાદી હતી કે તેઓ ખરેખરા “ફકીર અથવા સંન્યાસી કે યોગી” હતા (પ. ૭૧-૨). સેવા ને કર્તવ્યનિષ્ઠાની આ નવી લાગતી ભાવનાઓ ગાંધીજીના હૃદયમાં સ્થિર થતાં એમની કલ્પનાક્ષિતિજ ઉપર એક નવા આદર્શનો ઉદય થયો, જે એમની જીવનદૃષ્ટિના વિકાસમાં ક્રાન્તિકારી પરિણામ લાવવાનો હતો. ભગવદ્ગીતાના અભ્યાસે તેમને અપરિગ્રહના આદર્શ વિશે વિચાર કરતા કર્યા હતા અને એમનું જીવન સાદાઈ તરફ પ્રગતિ કરી રહ્યું હતું, તેવામાં એમણે ૧૯૦૪ના જૂન માસમાં, અંગ્રેજ લેખક રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યું, જેમાં લેખકે જુસ્સાભરી ભાષામાં પ્રતિપાદન કર્યું હતું કે કોઈ પણ દેશનું ખરું ધન એની બેંકોમાં સંઘરેલું હોતું નથી પણ એના નીચલામાં નીચલા વર્ગની સ્વાસ્થ્ય, આનંદ ને ઉલ્લાસની સમૃદ્ધિમાં રહેલું છે. ‘આત્મકથા’માં એમણે નોંધ્યું છે તેમ ગાંધીજી આ પુસ્તકમાંથી ત્રણ સિદ્ધાંતો સમજ્યા : (૧) ઓગણીસમી સદીના સમાજદર્શનનો આદર્શ “વધુમાં વધુ સંખ્યાનું વધુમાં વધુ સુખ” એ હતો, એટલે કે બની શકે એટલી વધારે પ્રજાસંખ્યા વધુમાં વધુ સુખી થાય એવી સમાજવ્યવસ્થા. આની વિરુદ્ધ રસ્કિનમાંથી ગાંધીજીએ સ્વીકારેલો સિદ્ધાંત સર્વ પ્રજાજનોના સરખા સુખમાં— ‘સર્વોદય’માં માને છે. (૨) આર્થિક દૃષ્ટિએ શરીરના કે બુદ્ધિના દરેક પ્રકારના શ્રમનું સરખું મૂલ્ય અને (૩) નૈતિક દૃષ્ટિએ શરીરશ્રમનું વિશેષ ગૌરવ. પુસ્તકની, ‘આત્મકથા’માં ગાંધીજી નોંધે છે તેમ, એમના મન ઉપર એવી “જાદુઈ અસર” થઈ કે એમણે તુરત એના આદર્શો અમલમાં મૂકે એવા સામૂહિક જીવનની યોજના વિચારી અને ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. આ નવા આદર્શના પ્રકાશે તૉલ્સ્તૉય માટે ગાંધીજીનું આકર્ષણ વધાર્યું. એ રશિયન લેખકનાં પુસ્તકોએ ગાંધીજીને વિશ્વપ્રેમ દ્વારા કેળવવાની આધ્યાત્મિકતાનો આદર્શ આપ્યો હતો અને તેણે ભારતીય આધ્યાત્મિકતાના સંસ્કાર સાથે ભળી ગાંધીજીને અહિંસા ધર્મમાં દૃઢ કર્યા હતા. હવે તેઓ તૉલ્સ્તૉયના ઉપદેશના બીજા એક મહત્ત્વના પાસા વિશે વિચાર કરતા થયા. ‘કાઉન્ટ ટૉલ્સ્ટૉય’ ઉપરના પરિચયલેખમાં તેમણે એ ઉપદેશની ને તૉલ્સ્તૉયના જીવનની આછી રૂપરેખા આપી. તૉલ્સ્તૉય માનતા કે આજીવિકા માટે દરેક વ્યક્તિએ શરીરશ્રમ કરવો એ એક ધાર્મિક કર્તવ્ય છે, “અને મોટાં શહેરો વસાવવાં, તેમાં લાખો માણસોને સંચાકામ વગેરેમાં ગોઠવવાં અને તેવાંઓની ગુલામગીરી અથવા તો ગરીબાઈનો લાભ લઈ થોડા માણસોએ અમીરાત ભોગવવી એ ઈશ્વરી નિયમથી ઊલટું છે” (૫. ૬૦). આ સિદ્ધાંતે સમય જતાં ગાંધીજીની આધ્યાત્મિક અભિલાષાને ક્રાન્તિકારી દિશા આપી અને સત્ય ને પ્રેમની શક્તિ દ્વારા ભારતમાં એક નવા પ્રકારની ન્યાયી ને નીતિમાન સમાજવ્યવસ્થા સર્જવાનો પુરુષાર્થ કરવા એમને પ્રેર્યાં. ગાંધીજીનું ધર્મચિંતન જે દિશામાં વળી રહ્યું હતું તેનું સમર્થન કરતું એક પુસ્તક, અમેરિકન લેખક સૉલ્ટરનું “એથિકલ રિલિજિયન’, એમણે આ અરસામાં વાંચ્યું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકો માટે એને ગુજરાતીમાં ‘નીતિધર્મ’ શીર્ષકની એક લેખમાળામાં સારાનુવાદ આપ્યો. ગાંધીજીના ધર્મદર્શનનું રહસ્યબિંદુ સમજવામાં આ લેખો મહત્ત્વના છે. ભારતની અવનતિનું મુખ્ય કારણ એ હતું કે વ્યાવહારિક જીવનમાં પ્રજાએ શાસ્ત્ર કે રૂઢિને પ્રધાનપદ આપ્યું હતું અને વ્યક્તિની સ્વતંત્ર વિવેકશક્તિ નિર્બળ કે ક્ષીણ બનાવી દીધી હતી. સામાન્ય જનસમાજ માટે ધર્મનો અર્થ દેવદર્શન કે પૂજા એટલો જ રહ્યો હતો, અને ધર્મની પ્રેરણા વધુ તીવ્ર રૂપે અનુભવતા સંતો વ્યાવહારિક કે સામાજિક જીવનનો ત્યાગ કરી એમના પોતાના માર્ગે જતા. મોક્ષના અભિલાષીઓ વેદાંતનો આશ્રય લઈ ધર્મથી પણ વિમુખ બની જતા. ગાંધીજીએ વ્યવહાર, નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે એકસૂત્રતા સ્થાપી. “નીતિધર્મ” ઉપરના લેખોમાં તેઓ, મૂળ લેખકને અનુસરી, પહેલાં ત્રણ વચ્ચેનો ભેદ સમજાવે છે. સમાજવ્યવહાર માટે રૂઢિનું પાલન જરૂરી હોય, પણ રૂઢિ એ નીતિ નથી, શુદ્ધ નીતિ એટલે “આપણું અંતર શું કહે છે” તેનો જ વિચાર કરીને કરેલું વર્તન. એવા વર્તનમાં ઈહલોક કે પરલોકમાં કોઈ લાભ કે ફળની અપેક્ષા ન હોય (૬. ૩૧૮-૯). આવી નીતિભાવનામાં વ્યક્તિની પોતાના પ્રત્યે કર્તવ્યની ભાવના રહેલી છે, અને એ ભાવનાને ધર્મશ્રદ્ધાના અવલંબનની જરૂર રહે છે. “જ્યાં સુધી નીતિબીજને ધર્મરૂપી પાણીનું સિંચન નથી ભળતું, ત્યાં સુધી અંકુર ફૂટતું નથી અને વગર પાણીથી તે બીજ સુકાયેલું રહે છે, અને જો લાંબો વખત પાણી વિના રહે તો નાશ પણ પામે છે... ખરી નીતિમાં ખરા ધર્મનો સમાવેશ થવો જોઈએ;....ધર્મ વિના નીતિ જળવાય નહીં, એટલે નીતિ ધર્મ રૂપે પાળવી જોઈએ” (૬. ૩૪૭-૮). આમ ધર્મદૃષ્ટિ વિનાની નીતિ અધૂરી છે, તો સમાજદૃષ્ટિ વિનાનો ધર્મ પણ અધૂરો છે...“ઊંચ નીતિ તે સાર્વજનિક હોવી જોઈએ” અને તેથી આપણા સંબંધમાં આવનાર દરેક વ્યક્તિ આપણી ઉપર હક ધરાવે છે એમ માની “આપણે સદા તેની સેવા કરવી એવી આપણી ફરજ છે” (૬. ૩૬૬). પ્રાચીન ભારતીય દૃષ્ટિએ પણ અંતઃપ્રેરણા ને સમાજધર્મનું ગૌરવ કર્યું હતું, અને સંભવ છે કે “નીતિધર્મ” ઉપરના આ લેખોમાં રજૂ કરાયેલી અર્વાચીન પશ્ચિમી ભાવનાઓએ ગાંધીજીને ભારતીય ધર્મદર્શનના એ મૂળ સ્વરૂપને સમજવાની દૃષ્ટિ આપી હોય. પરંતુ પ્રાચીન ભારતીય ધર્મદૃષ્ટિ ધર્મને મોક્ષના સાધન રૂપે જોતી અને ગાંધીજી પણ, એમની અંતરદૃષ્ટિનો વિકાસ થતાં, નીતિ ને ધર્મ વચ્ચેના સંબંધની સૉલ્ટરની પશ્ચિમી ભાવનાથી આગળ વધી ‘આત્મકથા’ની પ્રસ્તાવનામાં “ધર્મ એટલે આત્માર્થે પાળેલી નીતિ” એમ કહી નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે પ્રાચીન ભારતીય દૃષ્ટિએ સ્થાપ્યું હતું તે અનુસંધાન સ્થાપિત કરવાના હતા. એ જ ભારતીય દૃષ્ટિને અનુસરીને ગાંધીજીએ ધર્મપાલનને સામાન્ય સમાજવ્યવહારમાં સીમિત નહિ રાખતાં રાજકીય ક્ષેત્રમાં પણ તેનો આગ્રહપૂર્વક અમલ કર્યો. સને ૧૮૮૫માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના સાથે જે રાજકીય જાગૃતિ શરૂ થઈ હતી તે ૧૯૦૫માં બંગાળાના ભાગલા સાથે દેશવ્યાપી બની અને પ્રજાના શિક્ષિત વર્ગમાં સ્વદેશભક્તિનો જુવાળ આવ્યો હોય તેમ લાગ્યું. આ જ અરસામાં જાપાન ને રશિયા વચ્ચે યુદ્ધ થયું અને તેમાં જાપાન જીત્યું. એશિયાની એક પ્રજાએ યુરોપના એક દેશને હરાવ્યો તેનું ભારતના શિક્ષિત વર્ગે રોમાંચપ્રેરક ગૌરવ અનુભવ્યું, અને એ નવો જુસ્સો ગાંધીજીને પણ સ્પર્શ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં યુદ્ધના સમાચાર આપતાં તેઓ જાપાનની પ્રજાનાં સ્વદેશપ્રેમ, તેમની વીરતા, શિસ્ત ને દેશ માટે ભોગ આપવાની શક્તિને બિરદાવે છે તથા હિંદીઓને તેમાંથી પ્રેરણા મેળવવાનો આગ્રહ કરે છે (૪. ૫૨૫-૬, ૫. ૬૦-૧). રશિયામાં પણ ક્રાન્તિનો પવન વાઈ રહ્યો હતો અને પ્રજા રાજ્યના જુલમો સામે માથું ઊંચકી રહી હતી. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં ગાંધીજી આ ઘટનાઓની પણ વિગતે નોંધ લે છે. રશિયા ને ભારતની સરખામણી કરી તેઓ રાજ્યના જુલમ સામે રશિયાની પ્રજાએ અસહકારનું શસ્ત્ર અજમાવ્યું હતું તેમ હિંદીઓને પણ કરવા પ્રેરે છે (૪. ૩૮૪-૫, ૩૯૦-૧, ૫. ૧૪૧-૨). પરંતુ આમ જાપાન ને રશિયાની પ્રજાની બહાદુરીની પ્રશંસા કરવા છતાં ગાંધીજીનું ધર્મપ્રેમી ને માનવતાપ્રેમી હૃદય યુદ્ધનું કે ત્રાસવાદી હિંસાનું અનુમોદન નથી કરી શકતું. તેમની શ્રદ્ધા હજુ ઇંગ્લંડની લોકશાહીના બંધારણીય માર્ગ ઉપર હતી. અને તેથી, દક્ષિણ આફ્રિકાના ગોરાઓના રંગદ્વેષનો તેઓ દસેક વર્ષથી કડવો અનુભવ કરી રહ્યા હોવા છતાં ૧૯૦૬ના જૂન-જુલાઈ માસમાં આફ્રિકાના મૂળ વતની ઝૂલુઓએ નાતાલની સરકાર સામે બંડ કર્યું ત્યારે ગાંધીજીએ સરકારને સક્રિય મદદ કરવાની તૈયારી બતાવી અને એક સારવાર ટુકડી તૈયાર કરી પોતે તેની નેતાગીરી લીધી. ઘવાયેલા અંગ્રેજ ને ઝૂલુ સૈનિકોની સારવાર કરવાના આ અનુભવે ગાંધીજીના હૃદયમાં કેટલાક સમયથી ચાલી રહેલા ધર્મમંથનને તીવ્ર બનાવી મૂક્યું અને બ્રહ્મચર્યવ્રત લઈ તેમણે આજીવન સેવાધર્મની માનસિક દીક્ષા લીધી. સ્વદેશપ્રેમનો જુસ્સો ને ધર્મવૃત્તિની આવી ઝંખનાના મિશ્રણમાંથી ગાંધીજીની કવિચેતનાએ એક અદ્ભુત રસાયણ સર્જ્યું. ઝૂલુ બંડ પૂરું થતાં જ એમની પ્રેરણાથી ટ્રાન્સવાલની હિંદી કોમે એક રંગદ્વેષી ઑર્ડિનન્સની યોજના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. જોહાનિસબર્ગની એમ્પાયર નાટકશાળામાં તા. ૧૧-૯-૧૯૦૬ના રોજ મળેલી હિંદીઓની સભાએ એ ઑર્ડિનન્સ પસાર થાય તો તેને તાબે નહિ થવાનો અને તેમ કરતાં જરૂર પડે તો જેલ જવાનો નિર્ણય કર્યો. એક વર્ષ પછી, જુલાઈ ૧૯૦૭માં, આ ઠરાવનો અમલ થયો. સ્વમાનભાવનાએ પ્રેરેલી હિંદીઓની આ રાજકીય લડતમાં ગાંધીજીએ, જેને તેઓ સર્વ ધર્મોના મૂળમાં રહેલાં સનાતન મૂલ્યો માનતા થયા હતા તે સત્ય ને અહિંસાના સિદ્ધાંતોના પાલનનો આગ્રહ રાખ્યો અને જગતના ઈતિહાસમાં અપૂર્વ એવી એક પ્રતિકારરીતિનો ઉદ્ભવ થયો. ગાંધીજીએ તેને “સત્યાગ્રહ” નામ આપ્યું. પશુબળ સામે આત્મબળના આ પ્રયોગ સાથે યુગપુરુષ તરીકે ગાંધીજીનું જીવનકાર્ય શરૂ થયું. સત્ય ને અહિંસા એ ગાંધીજી માટે માત્ર બુદ્ધિના સિદ્ધાંતો નહિ પણ હૃદયની સ્ફુરણાઓ હોઈ તેમના પાલનના અનુભવે, કવિનું દર્શન જેમ ઉત્તરોત્તર વિકાસ પામે તેમ, એ આદર્શો એમને વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપે હૃદયગત થતા રહ્યા. આંદોલનની શરૂઆતના એમના લેખોમાં ક્ષત્રિય ઉગ્રતાનું તેજ હતું. નર્મદાશંકરની વાણીમાં તેમણે કોમને આહ્વાન આપ્યું હતું કે “સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે” (૬.૫૧૧), અને “શૂરા શું કરે?” એમ શીર્ષકમાં પૂછી તેનો ઉત્તર આપ્યો હતો, “પગલા ભરવા માંડો રે, હવે નવ વાર લગાડો રે;... સજી કરીને સહુ જણ સાથે, રણમાં લડવા ચાલો; શત્રુની સામે ઊભા રહી, ઘુરકાવીને ભાળો” (૭. ૩). એવી વીરતામાં ઊણા ઊતરેલા અને દશ આંગળાની છાપ આપી સર્ટિફિકેટ કઢાવી આવેલા કેટલાક હિંદીઓ ઉપર ભાગ્યે જ અહિંસક ગણી શકાય એવી વાણીમાં કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું: “એવું કહેવાય છે કે મિ. ખમીસાની દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ મધરાતે હાથ ને મોં કાળાં કર્યાં ને હિંદી કોમને બટ્ટો લગાડ્યો” (૭. ૧૩૫). સરકારને ઢીલીપોચી અરજી કરનાર હિંદીઓને તેમણે પૂછયું હતું, “શું તેમને એટલું નથી સૂઝતું કે તેઓની હિચકારી અરજીથી હિંદીનું માન ઘટે છે ને હિંદીની ટેકને ધક્કો લાગે છે?” (૭. ૨૧૯). પરંતુ નવેમ્બર માસમાં શરૂ થયેલી બેએક માસની પકડાપકડી પછી અને ગાંધીજીએ વીસ દિવસની જેલ ભોગવ્યા પછી ૩૦-૧-૧૯૦૮ના રોજ સમાધાની થતાં તેમનો રોષ ઊતરી ગયો અને તેમણે લખ્યું : “આજ લગી અમે બ્લેકલેગને કાળમુખા વગરેની ઉપમા આપી છે.... પણ તે ઉપમા અમે દ્વેષ કરીને નથી આપી, પણ વહાલને લીધે દુઃખ પામીને.” ચુસ્ત રહેલા હિંદીઓને તેમણે “ભલામણ” કરી કે “તેઓએ ખૂની કાયદાને વશ થયેલા ઉપર જરાયે ગુસ્સો નહિ લાવતાં તેઓની સાથે થયેલું અંતર દૂર કરવું, તેઓનો દોષ ભૂલી જવો. તેઓ અને બીજા હિંદી એક જ દેશના છે, એક જ લોહી છે, અને ભાઈ છે. લાકડી મારવાથી પાણી જેમ નોખું નથી પડતું તેમ આપણે પણ નોખા પડી શકતા નથી” (૮. ૬૦). આ ક્ષમાભાવના સાચા હૃદયની હતી તેની થોડા જ દિવસોમાં કસોટી થઈ. સમાધાનીથી હિંદી કોમની નામોશી થઈ હતી એમ માનીને ગાંધીજી ઉપર રોષે ભરાયેલા તેમના એક પઠાણ અસીલ મીરઆલમે તેમની ઉપર હુમલો કર્યો ત્યારે, તેમની સારવાર કરી રહેલા સજ્જન પાદરી જોસેફ ડોકને ઘેર પથારીમાંથી તે જ દિવસે તેમણે મિત્રોને પત્ર લખ્યો ને જણાવ્યું કે “જેઓએ માર માર્યો છે તેઓની ઉપર મને ગુસ્સો નથી. તેઓએ અણસમજથી આ કામ કર્યું છે, તેઓની ઉપર કોઈ કામ ચલાવવાની જરૂર નથી” (૮. ૭૧) સને ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના ટોળાએ એમના ઉપર હુમલો કર્યો હતો ત્યારે પણ ગાંધીજીએ એમાંના કોઈ ઉપર કામ ચલાવવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ આ વેળા એમની ક્ષમાભાવનામાં શુદ્ધ અહિંસાનો જે સ્પર્શ હતો તે એમને માટે એક નવો જ અનુભવ હતો અને તે આ સમયનાં એમનાં લખાણોમાં સૌમ્ય મૃદુતા રૂપે સ્ફુરી રહે છે. હુમલાની વિગતો આપતો અને હુમલો કરનારાઓને દોષમુક્ત ગણાવતો ‘મારો ઇલકાબ’ નામનો લેખ (૮. ૮૬), સમાધાનીનું રહસ્ય સમજાવતો ‘સમાધાની ઉપર સવાલ-જવાબ’ લેખ (૮. ૭૨) તથા વીસ દિવસના જેલનિવાસનું વર્ણન કરતી ‘મારો જેલનો અનુભવ’ લેખમાળા (ખંડ ૮) અહિંસાનું પાલન વ્યક્તિના પોતાના હૃદય માટે કેવું શુદ્ધિપ્રેરક બની રહે છે તેની પ્રતીતિકર સાક્ષી પૂરે છે. અહિંસાનો આ અનુભવ ગાંધીજીની સત્યદૃષ્ટિને આભારી હતો. સમાધાનીમાં એમણે પોતાનો નહિ પણ ‘સત્યનો જય’ જોયો હતો (૮. ૫૪, ૫૮-૯) અને એ જયથી ગર્વ નહિ પણ નમ્રતા અનુભવી હતી, જેને વિરોધીઓના વિરોધે વધુ નમ્ર બનાવી હતી. જેલમાં ગાંધીજીએ ગ્રીક તત્ત્વચિંતક સૉક્રેટીસના મૃત્યુદંડની કથા વાંચી. સૉક્રેટીસ યુવાનોને દરેક માન્યતા બુદ્ધિથી ચકાસવાનું શીખવતો. એટલે ઍથૅન્સની નગરસભામાં તેના ઉપર ગ્રીક પ્રજાનાં દેવદેવીઓનો ઈનકાર કરી કોઈ બીજા દેવ કે તત્ત્વનો પ્રચાર કરવાનો અને યુવાનોના માનસને ભ્રષ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તે માટે તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. સજાનો અમલ કરવાની આગલી રાત્રે સૉક્રેટીસના શિષ્ય ક્રિટોએ તેને જેલમાંથી નાસી જવા માટે સમજાવ્યો અને તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરી, પરંતુ તેણે પોતાની પ્રિય માતૃનગરીના કાયદાનો, તે અન્યાયી હોવા છતાં, છૂપી રીતે ભંગ કરી તેની કાનૂનવ્યવસ્થાનો દ્રોહ કરવાને બદલે પ્રેમપૂર્વક મૃત્યુની સજા સ્વીકારી લીધી. સૉક્રેટીસની એ કથા અને મુકદ્દમા વેળાનો તેનો બચાવ તથા જેલમાં તેની ને ક્રીટો વચ્ચેનો સંવાદ પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં સત્યનિષ્ઠાનાં ચિરંજીવ ઉદાહરણ બની રહ્યાં છે. ગાંધીજીએ તેમાં પોતાની સત્યાગ્રહભાવનાનું એક રૂપ જોયું, જેમ પ્રહ્લાદની કથામાં જોયું હતું, અને એ નવી શોધના ઉત્સાહથી પ્રેરાઈ જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘એક સત્યવીરની કથા’ એ શીર્ષકની લેખમાળામાં (ખંડ ૮) સૉક્રેટીસના બચાવનો અને ક્રીટો સાથેના તેના સંવાદનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો. સત્યાગ્રહ એ માત્ર અન્યાયનો પ્રતિકાર નથી, પણ એક વિશિષ્ટ જીવનરીતિ છે, એ ભાવના પણ ગાંધીજીના હૃદયમાં દૃઢ થઈ રહી હતી અને ૧૯૦૪માં સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તેઓ એવી જીવનરીતિનો પ્રયોગ કરી રહ્યા હતા. રસ્કિનના જે પુસ્તકમાંથી તેમને એ આશ્રમની પ્રેરણા મળી હતી તેનો પણ ગાંધીજીએ ‘સર્વોદય’ શીર્ષકથી ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો (ખંડ ૮). આમ પહેલા સત્યાગ્રહના અનુભવ પછી ગાંધીજીની સત્યદૃષ્ટિની ક્ષિતિજો નવી નવી દિશામાં વિસ્તરતી રહી. જનરલ સ્મટ્સે સમાધાનીને ભંગ કર્યો અને લડત ફરી ઊપડતાં ગાંધીજીને ફરી બે વાર (૧૯૦૮ના ઑક્ટોબરમાં ને ૧૯૦૯ના ફેબ્રુઆરીમાં) જેલમાં જવાનું થયું. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વાચકો માટે એ જેલનિવાસના અનુભવનું વર્ણન કરતી લેખમાળાઓમાં ગાંધીજીની વિકસી રહેલી સત્યાગ્રહભાવનાની સ્પષ્ટ છાપ ઊઠે છે. સત્યાગ્રહી પોતાની સિદ્ધાંતનિષ્ઠાને પરિણામે આવી પડેલું કષ્ટ લેશમાત્ર કટુતા વિના, પ્રેમપૂર્વક સહન કરે. એવો સત્યાગ્રહી કેમ વર્તે એનું બુદ્ધિની ભાષામાં પૃથક્કરણ ન થઈ શકે, પણ એવા વર્તનનાં વાચકની કલ્પનામાં અંકિત થઈ જાય એવાં વર્ણન-ચિત્રો આપી શકાય. ગાંધીજીની કલમે એ સફળતાપૂર્વક કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી મહાત્મા નહોતા બન્યા, અને તેથી એમને પણ જેલમાં કોઈ સામાન્ય કેદીને થાય એવા અનુભવ થયા હતા. બીજી વારની જેલ સખત મજૂરીની હતી, અને જેલમાં પહોંચ્યા પછી બીજે જ દિવસે એમને બીજા હિંદી કેદીઓની સાથે જમીન ખોદવાનું કામ કરવાનું આવ્યું. સખત મજૂરીથી નહિ ટેવાયેલા હિંદીઓ દારોગાના “ચલાવો ચલાવો” પોકારથી ગભરાઈ કામ કરતા હતા અને કેટલાક રડી પણ પડ્યા. એમનું દુ:ખ જોઈ, ગાંધીજી લખે છે, “મારું દિલ રડતું હતું”, પણ સૌને સાચા દિલથી કામ કરવા તેઓ પ્રેરતા રહ્યા. છેવટે તેઓ પોતે પણ થાક્યા. “હાથમાં ફોલ્લા સખત પડ્યા, તેમાંથી પાણી ચાલ્યાં. વાંકું વળવું એ મુશ્કેલ લાગતું હતું, અને કોદાળીનો ભાર મણ જેટલો લાગતો જણાયો” (૯. ૧૫૭). થોડા દિવસ પછી ગાંધીજીને એક શહેરની જેલમાંથી બીજા શહેરની જેલમાં લઈ ગયા. કેદીના પોશાકમાં, પોતાનો સામાન માથે ઊંચકી જેલથી સ્ટેશન ને સ્ટેશનથી જેલ ચાલતા જવું પડ્યું અને એ દૃશ્ય જોઈ સહકાર્યકર્તાઓની આંખમાં પાણી આવ્યાં (૯. ૧૭૦). નવી જેલમાં રાત્રે તેમને હબસી કેદીઓ સાથે એક કોટડીમાં રાખ્યા, જેમાં બીજા કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા અને ગાંધીજીને જોઈ તેઓ એમની મશ્કરી કરવા અને પછી એકબીજાની સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરવા લાગ્યા. એક દિવસ ગાંધીજી પાયખાનામાં બેઠા તેવો જ "એક જબરો મજબૂત વિકરાળ કાફરો આવ્યો. તેણે મને ઊઠી જવા કહ્યું ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું હમણાં જ ઊઠું છું. તેટલામાં તો મને બાથ ભીડી ઊંચક્યો ને બહાર ફેંક્યો.” ગાંધીજીએ બારસાખ પકડી લીધી એટલે તેમને કંઈ ઈજા ન થઈ અને ગભરાયા વિના તેઓ હસીને ચાલતા થયા, પરંતુ એકબે હિંદીઓ શું બન્યું તે જોઈ ગયા અને રડી પડ્યા (૯. ૧૮૫). ત્રીજા જેલનિવાસ દરમિયાન ગાંધીજીને પ્રિટોરિયાની જેલમાં એક ૧૦×૭ ફૂટની નાની કોટડીમાં એકલા રાખ્યા હતા. પાસેની કોટડીઓમાં પડોશી તરીકે ખૂનના કે સજાતીય કૃત્યોના આરોપીઓ હતા. કોટડીમાં બેસવાનું કંઈ સાધન ન હોવાથી પહેલા દિવસે “બપોરના ખાવાનું આવ્યું તે પણ બંધ દરવાજે... ઊભા ઊભા ખાવું પડ્યું” (૯.૨૮૧) એ અંધારી કોટડીમાં ગાંધીજીને થોડા દિવસ બે તૂટેલી કામળીને સીવીને એક કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આખો દિવસ નીચે બેસીને વાંસો નમાવીને કામ કરવું પડતું તેથી સાંજ પડ્યે કેડ દુખવા આવતી અને આંખને થાક લાગતો (૯. ૨૮૩). પાયખાનાની પણ એવી જ તકલીફ. એક દરોગો ચોકી કરવા ઊભો રહે. તે ગાંધીજીને ઓળખે નહિ તો બોલે : “સામ, હવે નીકળ.” પણ સામને તો, ગાંધીજી લખે છે, “પાયખાનામાં વખત પૂરો લેવાની બૂરી આદત; તે સામ એમ કેમ ઊઠે? અને ઊઠે તો તેની હાજત પૂરી કેમ થાય? કોઈ વેળા દરોગો નહીં તો કાફરો આમ ઊભી ડોકિયાં કરે અથવા ‘ઊઠ ઊઠ’નું ગાન કરે” (૯.૨૮૧). આ જેલમાંથી એક દિવસ ગાંધીજીને સાક્ષી આપવા કોર્ટમાં લઈ ગયા ત્યારે એમને હાથકડી પણ પહેરાવવામાં આવી (૯. ૨૮૯). આ સર્વે કષ્ટો ને અપમાનો ગાંધીજી ધીરજથી ને સ્વસ્થ ચિત્તથી સહન કરતાં શીખ્યા. શરૂઆતમાં, તેઓ કબૂલ કરે છે, “હું કંઈક વિચારમાં ઊતરી જતો, દુ:ખથી કંટાળતો. વળી મન વાળું ને વળી વાંદરાની માફક મન તરફડિયાં મારે” (૯. ૨૯૦). પરંતુ કેટલાંક પુસ્તકો વાંચવાનાં મળ્યાં તેમાંથી ગાંધીજીએ શાંતિ મેળવી. એમાં રસ્કિન, થૉરો ને તૉલ્સ્તોયનાં પુસ્તકો ઉપરાંત ઉપનિષદો, પાતંજલ યોગદર્શન, ભગવદ્ગીતા ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો હતાં. આ પુસ્તકોએ એમને અંતર્મુખ બનાવ્યા ને મનની શાંતિ આપી, વિશેષે ઉપનિષદો ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોએ. “કોઈ વેળા નિરાશા આવે” ત્યારે, ગાંધીજી લખે છે, “વાંચેલાનો વિચાર થાય કે તુરત હસતો થઈ જાઉં, તથા ઈશ્વરનો ઉપકાર માનું” (૯. ૨૯૧). ચિત્તની આ સ્વસ્થતા લેખમાળાના ગદ્યમાં જ વરતાઈ આવે છે. અનુભવોના વર્ણનમાં કટુતા કે આવેશનો લેશમાત્ર સ્પર્શ નથી. જે કંઈ બન્યું તેનો ગાંધીજી તટસ્થતાથી, દૃષ્ટાભાવે, ક્યારેક વિનોદથી, ચિતાર આપતા જાય છે અને સત્યાગ્રહીનું વર્તન કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરતા જાય છે. પોતાની એ નવી પ્રાપ્તિનો નિર્દેશ કરતા હોય તેમ ત્રીજા જેલઅનુભવની લેખમાળા પૂરી કરતાં તેઓ કોઈ ભજનની પંક્તિઓ ટાંકે છે,
“કરના ફકીરી કયા દિલગીરી
સદા મગન મન રહેના જી”,
અને કવિના અભિલાષને યાદ કરે છે,
“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે
મારું જીવ્યું સફળ તવ લેખું રે”; (૯, ૨૯૧)
સત્ય ને અહિંસા દ્વારા નિર્મમત્વનો આવો અનુભવ ગાંધીજીની જીવનદૃષ્ટિમાં મૂળગામી પરિવર્તન લાવ્યો. સને ૧૮૯૪માં શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી એમણે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી અર્વાચીન પશ્ચિમી સંસ્કૃતિ માટેનો એમનો કિશોરાવસ્થા ને યુવાવસ્થાનો મુગ્ધ અહોભાવ મોળો પડવા માંડ્યો હતો, અને બીજા ને ત્રીજા જેલઅનુભવ પછી ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પૂરેપૂરું બદલાઈ જાય છે. એ જેલનિવાસ દરમિયાન એમને ભગવદ્ગીતાના “अन्तःसुखोऽन्तरारामः” એવા યોગીની સ્થિતિની જે ઝાંખી થઈ તેની સરખામણીમાં અર્વાચીન સંસ્કૃતિએ પ્રાપ્ય બનાવેલી ભૌતિક સુખસગવડોનો આનંદ ભ્રાન્તિરૂપ લાગ્યો. સને ૧૯૦૯ના જુલાઈ માસમાં હિંદી કોમ વતી એક ડેપ્યુટેશનના સભ્ય તરીકે સ્ટીમરમાં લંડન જઈ રહ્યા હતા ત્યારે પહેલા વર્ગની સુખસગવડોનો નિર્દેશ કરી તેઓ લખે છે: “જે શાંતિ હું જેલમાં ભોગવતો હતો તે અહીં નથી... જેટલું વાંચ્યું છે ને વાંચું છું તે અનુભવું છું. એવું શીખ્યો છું કે જેઓ ખુદાને ભજવા માગે છે તેઓને આળપંપાળ ન ઘટે, રંગવિલાસ ન ઘટે. જ્યાં મોજમજા છે ત્યાં ખુદાનું નામ બરોબર નથી લઈ શકાતું... આ હું પ્રત્યક્ષ અનુભવું છું” (૯. ૩૩૫). લંડન પહોંચ્યા પછી ત્યાંની પ્રજાનું જીવન તેમણે આ પલટાયેલી દૃષ્ટિએ જોયું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ને વાચકોને “સુધારાની ઘેલછા”નો કંઈક ૫રિચય કરાવતાં લખ્યું: “આપણી નીચે જુઓ તો ગાડીઓ ચાલે છે, ઉપર તારનાં દોરડા તો લટકી રહ્યાં છે, રસ્તામાં ગાડીઓનો અવાજ કાનને બહેરા કરી મૂકે છે. હવે હવામાં પણ વહાણ ચાલે એટલે લોકો મૂએલા જ સમજવા. આ મુલક જોઈને હું પોતે તો પશ્ચિમના સુધારાથી કંટાળેલો છું. લોકો રસ્તામાં મળે તે અર્ધઘેલા જેવા લાગે છે.... યા તો સુધારાનાં જે સાધનો છે તે દૂર થવાં જોઈએ, અથવા તો લોકો પતંગિયાંની જેમ મરી રહેશે” (૯. ૪૪૭). માત્ર સામાન્ય જનસમાજ જ નહિ, “હું જેમ જેમ અનુભવ લેતો જાઉં છું”, ગાંધીજી લખે છે, “તેમ તેમ મોટા ગણાતા ને મોટા હોય તેવા માણસોને મળીને કંટાળતો જાઉં છું” (૯. ૩૭૧). આમ અર્વાચીન સંસ્કૃતિની ભૌતિક સિદ્ધિઓ અને જે ઇંગ્લંડના જાહેર જીવનનાં ધોરણો વિશે એમણે અત્યાર સુધી ઊંડો આદર સેવ્યો હતો તે બંન્ને વિશે નિર્ભ્રાન્તિ અનુભવી રહેલા ગાંધીજીએ એક અંગ્રેજ લેખક એડવર્ડ કારપેન્ટરનું અર્વાચીન સંસ્કૃતિને રોગ રૂપે ઓળખાવતું ‘સિવિલિઝેશન, ઇટ્સ કૉઝ ઍન્ડ ક્યૉર’ નામનું પુસ્તક વાંચ્યું, અને વર્ષોથી એમના મનમાં જે વિચાર સ્ફુરી રહ્યા હતા તેમણે પ્રતીતિ રૂપે સ્પષ્ટ આકાર ધારણ કર્યો. પુસ્તકનો પહેલો ભાગ વાંચ્યા પછી બીજે જ દિવસે, તા. ૮-૯-૧૯૦૯ના રોજ, ભારતનો પ્રવાસ કરી રહેલા સહકાર્યકર્તા શ્રી પોલાકને લખેલા પત્રમાં પોતાના દૃષ્ટિપરિવર્તનનો નિર્દેશ કરી તેઓ લખે છે, “હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે" (૯. ૪૫૫). એમના એ નવા વિચારોને ગાંધીજીએ તા. ૧૩-૧૦-૧૯૦૯ના રોજ હેમ્પ્સ્ટેડની એક સભામાં નિશ્ચયાત્મક રૂપે રજૂ કર્યા અને કહ્યું : “...જ્યાં સુધી સંસ્કૃતિની આ ઉન્માદભરી દોડ, જેમાં શરીરનું જ ગૌરવ કરવામાં આવે છે, તે ચાલુ રહેશે ત્યાં સુધી શરીરમાં રહેલો અમર આત્મા નબળો જ રહેવાનો” (૯. ૫૩૫). અર્વાચીન સંસ્કૃતિ વિશેનાં આ મનોમંથનોનો ‘હિંદ સ્વરાજ’માં પરિપાક આવ્યો, જેમાં ગાંધીજીએ સત્ય ને અહિંસાના પાલનમાંથી એમને જે આધ્યાત્મિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ રહી હતી તેને અનુસરી ભારતના નવનિર્માણ માટે એક નવો કાર્યક્રમ આપ્યો. રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપકોનું ધ્યેય બ્રિટિશ રાજકર્તાઓના સહકારથી દેશમાં લોકશાહી પ્રણાલિકાઓનો વિકાસ કરવાનું હતું, પરંતુ થોડા જ સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું કે એમની એ અભિલાષામાં સહકાર આપવાનો રાજકર્તાઓનો કોઈ ઈરાદો નહોતો. સત્તાનાં સૂત્રો કોઈ દિવસ પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં આવશે એની કલ્પના કરવા પણ તેઓ તૈયાર નહોતા. રાજકર્તાઓના આ સામ્રાજ્યવાદી માનસની પ્રતિક્રિયા રૂપે ઉદ્દામવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો, જેનો ઉદ્દેશ કોઈ પણ ભોગે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવાનો હતો. દક્ષિણ આફ્રિકામાં રહ્યા રહ્યા ગાંધીજી રાષ્ટ્રીય નવજાગૃતિની આ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા હતા. તેઓ દાદાભાઈ નવરોજી ને ગોપાળ કૃષ્ણ ગોખલેની બંધારણીય આંદોલનરીતિમાં શ્રદ્ધા રાખતા, પરંતુ દક્ષિણ આફ્રિકાના અનુભવ ઉપરથી એમને વધુ સક્રિય પ્રતિકારની આવશ્યકતા પણ સમજાઈ હશે. અને તેથી જ્યારે બંગાળના ભાગલા પછી ઉદ્દામવાદી પક્ષના પ્રચારથી દેશના શિક્ષિત વર્ગમાં માતૃભક્તિના સંસ્કારવાળી દેશભક્તિનો નવો જુસ્સો ફેલાયો ત્યારે તેનાથી ઉત્સાહિત બની તેમણે સ્વદેશીના કાર્યક્રમને આવકાર્યો હતો (પ. ૪૮, ૧૬૬, ૪૨૭), પરંતુ આંદોલને જ્યારે ત્રાસવાદી સ્વરૂપ લીધું ત્યારે ગાંધીજી તેનું અનુમોદન ન કરી શક્યા. ખુદીરામ બોઝે ભારતમાં તા. ૩૦-૪-૧૯૦૮ના રોજ એક મૅજિસ્ટ્રેટ ઉપર બૉમ્બ ફેંક્યાના સમાચાર આવ્યા ત્યારે તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકોને ચેતવણી આપી કે “રશિયાની પદ્ધતિ હિંદમાં દાખલ થઈ એ ઉપરથી આપણે રાજી થવાનું નથી.... આવા બનાવોથી લોકો પોતાનું કર્તવ્ય ભૂલશે એવો સંભવ છે. હકો મેળવવાના જે સહેલા ને સીધા રસ્તા છે તે ભુલાઈ જશે ને છેવટે જે ઉપાયો હાલ પારકાની સામે વાપર્યા માનીએ છીએ તે આપણી જ સામે વપરાશે” (૮. ૨૧૪) બાળ ગંગાધર તિલકને છ વર્ષની સજા થઈ તે બદલ એમને અભિનંદન આપ્યાં, પણ ઉમેર્યું: “આપણે વિચાર એટલો કરવો રહ્યો કે મિ. તિલક અને તે પક્ષના વિચારો હિંદીને માન્ય કરવા જેવા છે કે નહીં; અમે ઘણા વિચારપૂર્વક લખીએ છીએ કે મિ. તિલકના વિચાર માન્ય કરવા જેવા નથી.” “અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જ હિંદનું ભલું નથી. અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જોર વાપરવું, મારામારી કરવી એ નુકસાનકારક છે, અને વગર જરૂરનું છે... લોકો તો એક ગુલામીમાંથી બીજી ગુલામીમાં જશે” (૮. ૩૯૪-૫). ગાંધીજીએ આ ૧-૮-૧૯૦૮ના ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખ્યું. તે પછી એક વર્ષે તેઓ લંડન પહોંચ્યા ત્યાં તેમને ત્રાસવાદી પ્રવૃત્તિઓનો નજીકથી પરિચય થયો. બીજી જુલાઈએ એક પંજાબી મદનલાલ ધીંગરાએ નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનની સભામાં ભારત નોકરી કરી આવેલા એક અંગ્રેજ અમલદારનું ખૂન કર્યું હતું તેણે ઈંગ્લેંડભરમાં સનસનાટી ફેલાવી હતી. એ ઘટનાએ ગાંધીજીને ભારત ને ઇંગ્લેન્ડના સંબંધો વિશે ગંભીર વિચાર કરતા કરી મૂક્યા. લંડનથી ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગ માટે લખેલા પત્રમાં તેમણે લખ્યું : "આ ખૂન ઉપર ધીરજપૂર્વક દરેક હિંદીએ વિચાર કરવાનો છે.... આવા ખૂનથી હિન્દુસ્તાનને ફાયદો થાય, એમ માનનારા અણસમજુ છે એમ મારે કહેવું જોઈએ.... આવા ખૂનથી અંગ્રેજો કદી હિંદુસ્તાનમાંથી જશે તો પછી રાજ્ય કોણ કરશે? જવાબ તો એ જ આવે કે ખૂનીઓ જ રાજ્ય કરશે. તો સુખ કોણ ભોગવશે?... એવા રાજ્યની અંદર હિંદુસ્તાન વેરાન અને પાયમાલ થઈ જાય, આમાંથી ઘણા વિચારો ઉત્પન્ન થાય છે; પણ તે અહીં લખવા જેટલો મને વખત નથી" (૯. ૩૬૦-૧). એમના એ વિચારોની ગાંધીજીએ લંડનમાં રહેતા કેટલાક ઉદ્દામવાદીઓ સાથે ચર્ચા કરી. ઉદ્દામવાદીઓના નેતા શ્યામજી કૃષ્ણવર્માને તેઓ ત્રણ વર્ષ ઉપર ૧૯૦૬ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં પહેલા હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે આવ્યા હતા ત્યારે મળ્યા હતા અને એમના વિચારો કંઈક જાણતા હતા (૬.૪૫) આ વેળા શ્યામજી કૃષ્ણવર્મા તો નહોતા, પરંતુ બીજાઓ સાથે એમણે વધારે વિગતે ચર્ચાઓ કરી અને લંડનથી પાછા ફરતાં આગબોટ ઉપર એ ચર્ચાઓને અધિપતિ ને વાચક વચ્ચે સંવાદ રૂપે સાર આપતી ‘હિંદ સ્વરાજ’ની પુસ્તિકા લખી. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં તે બે હપતે, ૧૧-૧૨-૧૯૦૯ના ને ૧૮-૧૨-૧૯૦૯ના અંકોમાં છપાઈ અને ૧૯૧૦ના માર્ચ માસમાં મુંબઈ સરકારે તેની નકલો જપ્ત કરતાં ગાંધીજીએ પોતે તેનો અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો હતો તેને એપ્રિલ માસમાં પ્રસિદ્ધ કર્યો. સંવાદનો સંદર્ભ ગાંધીજીના સમયની રાજકીય પરિસ્થિતિનો છે, પરંતુ ‘હિંદ સ્વરાજ’નો કાર્યક્રમ માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી. તેમાં માનવજીવન ને સંસ્કૃતિ પ્રત્યે એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે અને કૃતિનું ચિરંજીવ મહત્ત્વ એ દૃષ્ટિમાં છે. સમગ્ર ચર્ચાનું આયોજન એવી કુશળતાથી કરવામાં આવ્યું છે કે રાજકીય ચર્ચા ને મૂળભૂત મૂલ્યોની ચર્ચા એક જ ચર્ચાતંતુમાં વણાઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત ગાંધીજીએ રાષ્ટ્રીય જાગૃતિના ઇતિહાસથી કરી છે, કારણ કે ઉદ્દામવાદીઓ, જેમના પ્રતિનિધિરૂપ ‘વાચક’ સાથે ગાંધીજી સંવાદ ચલાવી રહ્યા છે, કૉંગ્રેસના પહેલી પેઢીના નેતાઓ અને તેમની બંધારણીય નીતિ ચાલુ રાખનાર ગોપાળ કૃષ્ણ ગોખલે જેવા વિનીત નેતાઓની અવગણના કરતા, ક્યારેક એમનો તિરસ્કાર પણ કરતા, અને ૧૯૦૭ના સુરત અધિવેશનમાં કૉંગ્રેસના ભાગલા પડતાં બે પક્ષ વચ્ચે લગભગ વૈમનસ્ય જેવું થઈ ગયું હતું. ગાંધીજીની સત્યદૃષ્ટિ દરેક પક્ષમાં રહેલું સત્ય જોઈ અને સ્વીકારી શકતી. પહેલી પેઢીના નેતાઓમાં હિંદના કેટલાક અંગ્રેજ હિતેચ્છુઓ પણ હતા. ગાંધીજી તેમની સેવાઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. એમનાં ઉદ્દેશો ને રીતો પછીની પેઢીને અસ્વીકાર્ય લાગે, પરંતુ ઇતિહાસક્રમમાં અગાઉના તબક્કાનું દૃષ્ટિબિંદુ પાછળના તબક્કાને અપૂર્ણ લાગવાનું જ અને માત્ર તે કારણે જ તેનો અનાદર ન ઘટે. શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિના આ મહત્ત્વના સત્યને ગાંધીજીએ એક સચોટ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. “આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે", તેઓ લખે છે, “બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ” (પૃ. ૬). જીવનનો વિકાસક્રમ સમજવાની આ દૃષ્ટિમાં ગાંધીજીની અહિંસાભાવના સર્જક કલ્પનાની યાદ આપે એવા રોચક રૂપે પ્રગટ થઈ છે. જૂની ને નવી પેઢી વચ્ચે સાતત્ય વિના શુદ્ધ પ્રજાભાવના શક્ય નથી. એટલે ગાંધીજી લખે છે : “સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી” (પૃ. ૬). વડીલો પ્રત્યે ભારતીય સંસ્કારની આ આદરભાવના સાથે ગાંધીજીમાં અર્વાચીન લોકશાહી ભાવના પણ ભળી હતી, અને તેથી તેઓ કહે છે કે આપણે શુદ્ધ બુદ્ધિથી વડીલો સાથે અસંમત થતા હોઈએ તો આપણી બુદ્ધિને જ અનુસરીએ, પણ, તેઓ ઉમેરે છે, “તેમના વિચારો ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે. એમ ગણી લેવું તે ખરાબ વૃત્તિ છે” (પૃ. ૭). શુદ્ધ લોકશાહીના મૂળમાં આવી અહિંસક સત્યદૃષ્ટિ રહેલી છે. ગાંધીજી માનતા કે એ અર્થોમાં પશ્ચિમની લોકશાહી શુદ્ધ નહોતી અને એમની અભિલાષા હતી કે ભારત એવી શુદ્ધ લોકશાહી વિકસાવે. અંગ્રેજો સાથેના સંબંધમાં ગાંધીજી એવી જ અહિંસાભાવનાને અનુસરે છે. જો અંગ્રેજો ભારતનું શોષણ બંધ કરે અને રાજ્યસત્તાનાં સૂત્રો હિંદીઓને સોંપી પ્રજાના નમ્ર સેવકો બની રહે તો એમની સાથે સંબંધ ચાલુ રાખવામાં અને સહકાર કરવામાં ગાંધીજીને વાંધો નથી. ઉદ્દામવાદી ‘વાચક’ એ સ્વીકારી શકતો નથી. એ તો અંગ્રેજો હિંદ છોડીને જાય એ જ માગે છે, અને એમના ગયા પછી ભારતને ઇંગ્લંડ ને જાપાન જેવું આધુનિક રાષ્ટ્ર બનાવવાનો ઈરાદો રાખે છે. “આનો અર્થ તો એ થયો”, ગાંધીજી લખે છે, “કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી.” ‘વાચક’ને ઈરાદો ફળે તો હિંદુસ્તાન “હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઇંગ્લિસ્તાન કહેવાશે” (પૃ. ૧૬-૭). ગાંધીજીને એવું સ્વરાજ નથી જોઈતું. અંગ્રેજો પ્રત્યે એમને દ્વેષ નથી, પરંતુ એમણે વિકસાવેલી સંસ્કૃતિનો એમનો પૂરો વિરોધ છે. દેશના શિક્ષિત વર્ગને ઇંગ્લંડની લોકશાહીનું અને તેની પાર્લમેન્ટનું સવિશેષ આકર્ષણ હતું. ગાંધીજીને પહેલાં તે હતું, પણ હવે નથી. એમણે ઇંગ્લંડની લોકશાહીને કામ કરતી નજીકથી નિહાળી છે, અને તેમણે જોયું છે કે પાર્લમેન્ટમાં કશુંય સમગ્ર પ્રજાના હિતની દૃષ્ટિએ થતું નથી, સભ્યો કોઈ પ્રશ્ન ઉપર પ્રમાણિકપણે ને સ્વતંત્ર વિચાર કરતા નથી, પ્રજામત પણ વર્ગીય હિતોને વરેલાં છાપાંઓ દ્વારા ઘડાય છે અને મુખ્ય પ્રધાન લાગવગને વશ થાય છે તેમ ઇલકાબ ઇત્યાદિની લાંચ પણ આપે છે. બ્રિટિશ લોકશાહીનું આ ચિત્ર કોઈ માકર્સવાદી જ આપે. જો હિંદુસ્તાન એની નકલ કરે તો, ગાંધીજી લખે છે, “હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે” (પૃ. ૨૨). બ્રિટિશ લોકશાહીનાં આ અનિષ્ટ, ગાંધીજીની દૃષ્ટિએ, પશ્ચિમની પ્રજા જેને “સુધારો” માની બેઠી છે તેનાં ફળ છે. ગાંધીજીના મતે તે “સુધારો” નથી પણ “કુધારો” છે, “એક પ્રકારનો રોગ છે.” તેમાં “માણસો બહિરની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય ને પુરુષાર્થ માને છે.” વિજ્ઞાનની નવી નવી શોધોને પરિણામે એક સમય એવો આવશે, ગાંધીજી કલ્પે છે, કે “માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાને પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે, બધું સંચાથી જ કામ લેવાશે.” આ ભૌતિક સુખસગવડની કિંમત એ ચૂકવવી પડશે કે “અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે.” ગાંધીજીએ કલ્પેલી ભૌતિક સુખસગવડો હજુ વિજ્ઞાન નથી આપી શક્યું, પરંતુ વિનાશક સાધનોની શોધમાં તો તે ગાંધીજી સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શક્યા હોત એટલું આગળ વધી ગયું છે. અને આ બધું શ્રમજીવીઓને ભોગે. “તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે... અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.” આ સુધારામાં “નીતિની કે ધર્મની વાત છે જ નહીં. સુધારાના હિમાયતી ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે. કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે. નીતિની વાર્તા પણ કરે છે...” પણ, ગાંધીજી કહે છે, “નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે.” એટલે “આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધગાંડા જેવા જોવામાં આવે છે” (પૃ. ૨૩-૬). “સુધારા”ના નામે આવા રોગમાં સપડાયેલા અંગ્રેજો હિંદુસ્તાન કેમ જીતી શક્યા? ‘વાચકની આ શંકાનો ગાંધીજી ઉત્તર આપે છે : “હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે.” બ્રિટિશોએ હિંદુસ્તાન લશ્કરી બળથી નહોતું જીત્યું, હિંદીઓના સહકારથી અને તેમની જ મદદથી જીત્યું હતું. એમની સાથે વેપાર કરવાના લોભે આપણે તેમને સહકાર ને મદદ આપ્યાં. (પૃ. ૨૮-૯), અને પરિણામે હવે હિંદુસ્તાનની દશા “રાંકડી” થઈ પડી છે, જેનું વર્ણન કરતાં પણ, ગાંધીજી લખે છે, “મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે.” અંગ્રેજોનો રંગ હિંદુસ્તાનને પણ લાગુ પડ્યો છે અને તે “આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં આવી ગયું છે.” એ “સુધારા"ના મોહમાં "હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતુ ચાલ્યું છે”. ધર્મ એટલે જુદા જુદા ધર્મસંપ્રદાયો નહિ, “પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે... આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ” (પૃ. ૩૨). ગાંધીજી કબૂલ કરે છે કે જૂના સમયમાં ધર્મને નામે પાખંડ ને વહેમો ચાલતાં. એમને એ વહેમો કાયમ નથી રાખવા. “...તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરીને લેવાશે” (પૃ. ૩૪). વ્યાવહારિક દૃષ્ટિએ પણ સામાન્ય રીતે જે બ્રિટિશ શાસનના લાભ મનાતા તે ખરેખર લાભ નહોતા. દેશમાં શાંતિ ફેલાઈ હતી, પણ “તે માત્ર નામની જ” હતી. “...આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ.” (પૃ. ૩૪). “રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે.” વળી “રેલવેથી દુષ્ટતા વધે છે” કારણ કે “ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે” જ્યારે “સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે” (પૃ. ૩૭). રેલવેએ પ્રચારનાં જે સાધનો શક્ય બનાવ્યાં છે તેનાથી પ્રજામાં કેવાં વેરઝેર ફેલાવી શકાય છે તેનો ભવિષ્યમાં દેશને પૂરો અનુભવ થવાનો હતો. એમ મનાતું કે કંઈ નહિ તો રેલવેએ હિંદની પ્રજાને એકતાની ભાવના આપી. પરંતુ ગાંધીજીના મત અનુસાર આ પણ એક ભ્રમ હતો. પ્રજા તરીકે આપણે હંમેશાં એક હતા (પૃ. ૩૮-૯), અને હિંદુ-મુસલમાનો શરૂઆતમાં લડ્યા પણ પાછળથી સંપીને રહેતાં શીખ્યા. “કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા” (પૃ. ૪૨). “તેઓને ઇતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતરિવાજો જાણવાનો ડોળ રહ્યો.” એટલે તેમણે હિંદુ-મુસલમાન વચ્ચે દ્વેષ વધારે એવો ભારતનો ઇતિહાસ લખ્યો અને “આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ” (પૃ. ૪૫). શાંતિ જાળવવા બ્રિટિશ સરકારે અદાલતો સ્થાપી, પણ તે અદાલતો લોકોમાં ઝઘડા વધારવામાં કારણભૂત બની છે. વકીલો વિના અદાલતો ચાલે નહિ, અને “વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે” (પૃ. ૪૯). આથી પણ વધારે નુકસાન તો એ થયું છે કે અદાલતો દ્વારા “અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજજડ પેસી ગઈ.” અદાલતો વિના અંગ્રેજો રાજ્ય ચલાવી જ ન શકત, અને એ અદાલતો ચલાવવામાં આપણે વકીલ બની સહકાર આપીએ છીએ (પૃ. ૫૦-૧). ડૉક્ટરો ને હૉસ્પિટલોએ પણ પ્રજાને નિર્બળ બનાવી છે. આરોગ્ય જાળવવા સંયમ કેળવવાને બદલે દવા લઈ પોતાની ભૂલોનાં પરિણામ આપણે તત્કાલ પૂરતાં નિવારીએ છીએ, અને એમ જીવન વધુ ને વધુ અસંયમી બનતું જાય છે. વળી માણસને બચાવવા ડૉક્ટરો પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગ પણ કરે છે (પૃ. ૫૩-૪). આમ ગાંધીજીએ જે વસ્તુઓ સામાન્ય રીતે અંગ્રેજી શાસનની બક્ષિસ રૂપે મનાતી તે બધીને મોહરૂપ ગણવી. તો, સંવાદનો ‘વાચક’ એમને પૂછે છે, ખરો સુધારો કોને કહેવો? ગાંધીજીના મનમાં ઉત્તર વિશે કોઈ શંકા નથી. “…..જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી.” પ્રાચીન સંસ્કૃતિઓમાંથી ઇજિપ્ત, ગ્રીસ ને રોમ નામશેષ થઈ ગયાં, “જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું” છે અને “ચીનનું કંઈ કહેવાય નહીં.” “પણ પડ્યું આખડ્યું તોપણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.” સુધારો, ગાંધીજી કહે છે, “એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ.” એટલે કે જે જીવનરીતિ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે તે સુધારો, “તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.” સુધારાની આ વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને પશ્ચિમ પાસેથી “કંઈ જ શીખવાનું નથી રહેતું.” આપણા પૂર્વજોએ ભૌતિક સુખસગવડોની હદ બાંધી અને સંયમને પ્રધાનપદ આપ્યું. “આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા.” ભોગસામગ્રીનું ઉત્પાદન વધારવાનો કોઈ લોભ રાખ્યો નહિ, મોટાં શહેરો સ્થાપવાનો પ્રયત્ન કર્યો નહિ, “નાનાં ગામડાંઓથી સંતોષ રાખ્યો.” તલવારબળ કરતાં નીતિબળની વધારે પ્રતિષ્ઠા કરી અને “રાજાને નીતિવાન પુરુષો –ઋષિઓ અને ફકીરો—ના કરતાં ઊતરતા ગણ્યા.” “...પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા”, પણ “વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા” (પૃ. ૫૬-૭). ગાંધીજી કબૂલ કરે છે કે આ આકર્ષક ચિત્રને બીજી બાજુ પણ હતીઃ બાળલગ્નો, બાળવિધવાઓ, દેવદાસીઓ, પૂજા નિમિત્તે પ્રાણીવધ ઇત્યાદિ. પણ, તેઓ કહે છે, “તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે, ને થયા જ કરશે.” અને “આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.” કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી, પણ “હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દૃઢ કરવા તરફ છે... પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારો સેશ્વરી છે.” એટલે “હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેમ વળગી રહેવું ઘટે” (પૃ. ૫૮-૯). હિંદુસ્તાનનો સુધારો આવો ઉત્તમ હોવા છતાં “હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો.” પણ ગાંધીજીની શ્રદ્ધા છે કે “ઘેરાવામાંથી છૂટવાની તેની તાકાત છે...” ગુલામી માત્ર રાજકીય નહોતી, માનસિક હતી, અને તે શિક્ષિત વર્ગની હતી. શિક્ષિત વર્ગ પશ્ચિમી સુધારાના મોહમાંથી છૂટે અને તેની માનસિક ગુલામી જાય તો આપોઆપ દેશ સ્વતંત્ર થાય. આ જ, ગાંધીજીની દૃષ્ટિએ, ખરું સ્વરાજ છે. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.” અને એ એવું છે કે “તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યન્ત યત્ન કરશો.” એ સ્વરાજ માટે સામૂહિક પ્રયત્ન ગૌણ છે. “...મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” એટલે કે વ્યક્તિએ પોતાને માટે એ સિદ્ધ કરવાનું છે. “ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે.” જે દેશનો શિક્ષિત વર્ગ આવું સ્વરાજ ભોગવતો થઈ જાય તો બળપૂર્વક અંગ્રેજોને હાંકી કાઢવાની કોઈ જરૂર ન રહે. તેઓ પણ આપણી સંસ્કૃતિએ રંગાશે, અને એ રીતે તેઓ “જો હિંદી થઈને રહે તો આપણે તેનો સમાસ કરી શકીએ છીએ.” અને જે અંગ્રેજો એમ કરવા તૈયાર નહિ હોય તેઓ પોતાની મેળે ચાલ્યા જશે (પૃ. ૬૦–૧). ચર્ચા હવે મુખ્ય મુદ્દા ઉપર આવે છે. અંગ્રેજો હિંદી બની જાય અથવા પોતાની મેળે ચાલ્યા જાય એ ‘વાચક’ને અસંભવિત લાગે છે. ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું જાણ્યું નથી, એ કહે છે. પણ ઇતિહાસમાં ન બન્યું હોય એટલે ન જ બની શકે એમ માનવાની જરૂર નથી. હિંદુસ્તાનની સ્થિતિ બીજા દેશો કરતાં જુદી છે. ગાંધીજીની શ્રદ્ધા છે કે બીજા દેશો ન કરી શક્યા હોય તે હિંદુસ્તાન કરી શકે એવું એનું આધ્યાત્મિક બળ છે. (પૃ. ૬૧-૨). વળી ઇટાલી જેવા યુરોપના જે દેશો હિંસાથી સ્વતંત્ર થયા છે તેમની સ્થિતિ સુધરી નથી (પૃ. ૬૪). આપણા દેશી રાજાઓ અંગ્રેજો કરતાં વધુ જુલમી હતા. એમના જુલમ નીચે રહેવા કરતાં અંગ્રેજો હિંદી બનીને રહે તો ગાંધીજી તેમને સ્વીકારે. વળી હિંસાથી અંગ્રેજોને હરાવવા હોય તો આખા દેશને હથિયાર વાપરતાં શીખવવું પડે. એમ થાય તો હિંદુસ્તાનની દશા પણ યુરોપના જેવી જ થાય. પણ, ગાંધીજી કહે છે, “વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે. ન કરે એ ઠીક જ છે” (પૃ. ૬૫). ‘વાચક’ સૂચવે છે કે એમ કરવાની જરૂર નહિ પડે. પ્રથમ કેટલાંક છૂટાંછવાયાં ખૂન દ્વારા દેશમાં ત્રાસનું વાતાવરણ ફેલાવી થોડા માણસો હથિયાર ધારણ કરશે અને ગેરીલા લડાઈ લડી અંગ્રેજોને હાંકી કાઢશે. પણ આવાં ખૂનનો વિચારમાત્ર ગાંધીજીને અસહ્ય બની જાય છે. “તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે,” તેઓ આવેશપૂર્વક કહે છે. “ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ... હિંદી પ્રજા એવું કદી ઈચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને સુખી કરવાના નથી” (પૃ. ૬૬). સ્વરાજ માટે હિંસાનો આશ્રય લેવાની વિરુદ્ધ આ જ ગાંધીજીની મુખ્ય દલીલ છે. એવું સ્વરાજ સાચું સ્વરાજ નહિ હોય. એવી આશા રાખવી “એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઈચ્છા રાખવા જેવું થયું.” શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે સાધન પણ શુદ્ધ જોઈએ. “સાધન એ બીજ છે; અને સાધ્ય — મેળવવાનું—એ ઝાડ છે” (પૃ. ૬૯). જેવું બીજ તેવું વૃક્ષ; એ જ રીતે, જેવું સાધન તેવી સિદ્ધિ. ગાંધીજીની જીવનદૃષ્ટિનું આ આધ્યાત્મિક મધ્યબિંદુ. મનુષ્યના નૈતિક ને આધ્યાત્મિક વિકાસ વિશે એમાં ઊંડી સમજ ને શ્રદ્ધા રહેલાં છે. સત્યાગ્રહની ભાવનાનું એ પ્રેરણાબીજ, અને તેનું પ્રતિપાદન કરવા ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું. સત્યાગ્રહ એટલે અન્યાય આચરનારની સાથે અહિંસક અસહકાર, એની પ્રત્યે દ્વેષ રાખ્યા વિના એની આજ્ઞાને વશ થવાનો ઈનકાર. આ આત્મબળ કે પ્રેમબળનો (‘હિંદ સ્વરાજ’માં ગાંધીજી એને “દયાબળ” કહે છે) પ્રયોગ છે. એની શક્તિનાં પ્રમાણ ઇતિહાસમાંથી ન મળે, કારણ કે પ્રચલિત અર્થમાં ઇતિહાસ એટલે “દુનિયાના કોલાહલની જ કહાણી” પરંતુ જીવનમાં હિંસા જ મુખ્ય બળ હોય તો “દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય.” પરંતુ એમ બન્યું નથી. એટલે “દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે.” કરોડો લોકો “પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે... એની નોંધ ‘હિસ્ટરી’ લેતી નથી, ‘હિસ્ટરી’ લઈ પણ ન શકે. જ્યારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. ‘હિસ્ટરી’ એ અસ્વાભાવિક બીનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી” (પૃ. ૭૭). જેમ કુટુંબજીવનમાં તેમ રાજ્યસત્તાની સામે પણ સત્યાગ્રહના બળનો પ્રયોગ થઈ શકે છે. શરીરબળથી અન્યાયી કાયદાની સામે થવાને બદલે તેનું પાલન ન કરવું અને તેમ કરતાં જે સજા થાય તે ભોગવી લેવી તે સત્યાગ્રહ. ભારતની પ્રજા હંમેશાં આવો સત્યાગ્રહ આચરતી આવી છે. “આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરી લઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ ન હતું. કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષણ મર્દાઈથી વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે” (પૃ. ૭૮-૯). સત્યાગ્રહ એ નિર્બળનું નહિ પણ બહાદુરનું હથિયાર છે, અને બ્રહ્મચર્ય, સાદાઈ સત્ય ને નિર્ભયતાનું નિયમિત પાલન કરનાર જ એવું આત્મબળ પ્રગટાવી શકે. એવું બળ કેળવવા માટે શાળાકૉલેજનું શિક્ષણ નિરુપયોગી છે. એ શિક્ષણથી “આપણે માણસ નથી બનતા — તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા” (પૃ. ૮૯). અંગ્રેજીના જ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયેાગ થઈ શકે, પણ આખી પ્રજા માટે તે જરૂરનું નથી. બધી કેળવણી માતૃભાષા દ્વારા જ હોવી જોઈએ, અને ધાર્મિક શિક્ષણને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. “હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી.” એટલે ધર્મશ્રદ્ધાનો નાશ કરવાનો પ્રયત્ન કરવાને બદલે ધાર્મિક આચારવિચારોમાં દૂષણો પેસી ગયાં હતાં તેમની શુદ્ધિ કરવી રહી. બ્રાહ્મણો ને મુલ્લાઓ તેમાં સહકાર ન આપે તો, ગાંધીજી લખે છે, “અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ" (પૃ. ૯૩-૪). મુખ્ય જરૂર પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની છે. “બીજું તેની મેળે આવી રહેશે” (પૃ. ૯૫). પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો હોય તો યંત્રો પણ ન જ જોઈએ ને?-’વાચક’ પૂછે છે. યંત્રોનો વિચારમાત્ર ગાંધીજીને દુઃખી કરે છે. માન્ચેસ્ટરના મિલ ઉદ્યોગે જ હિંદુસ્તાનની આર્થિક પાયમાલી કરી હતી. રમેશચંદ્ર દત્તના પુસ્તકમાં એ પાયમાલીનો ઇતિહાસ વાંચીને ગાંધીજી રડ્યા હતા. અને તેથી બંગાળાના ભાગલાની વિરુદ્ધ અઆંદોલનમાં જ્યારે સ્વદેશીનો કાર્યક્રમ સ્વીકારવામાં આવ્યો ત્યારે ગાંધીજીને હર્ષ થયો હતો. પરંતુ એમની દૃષ્ટિએ માત્ર સ્વદેશી પૂરતું નથી. એમનો વાંધો યંત્રો સામે છે, પછી તે યુરોપનાં હોય કે ભારતનાં. “સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે...” (પૃ. ૯૬), કારણ કે તે ગરીબોના શોષણનું સાધન છે. હિંદુસ્તાનમાં મિલો સ્થાપવાથી દેશનું ધન પરદેશ જતું બચે ખરું. પણ, ગાંધીજી કહે છે, “તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે.” મૂડીવાદનાં દૂષણો હિંદુસ્તાનમાં પણ આવશે. “અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાન છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર જ નથી” (પૃ. ૯૫-૬). પોતાની કલ્પનાનું આવું સ્વરાજ સ્થાપવામાં ગાંધીજી બધા વર્ગોનો સહકાર માગે છે. અંતિમવાદીઓને તેઓ હથિયારબળને બદલે સત્યાગ્રહ ઉપર શ્રદ્ધા રાખવાનું સૂચવે છે, તો વિનીતોને અંગ્રેજી સંબંધ વિના ન જ ચાલે એ વિચાર છોડી પ્રજામાં સહકાર કેળવવાનું સૂચવે છે (પૃ. ૧૦૦-૧). અંગ્રેજોને ગાંધીજી પ્રજાના સેવકો થઈને રહેવાનું અને અર્વાચીન સુધારાનો ત્યાગ કરી નૈતિક ને ધાર્મિક મૂલ્યોને અનુસરવાનું સૂચવે છે, એમ તેઓ રહે તો, ગાંધીજી કહે છે, “તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો.” અંગ્રેજો ને હિંદીઓનો આવો પરસ્પર સહકાર એ બેને અને જગતને પણ લાભ કરશે. પણ, ગાંધીજી ઉમેરે છે, “તે તો આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને", એટલે કે બન્ને પ્રજાઓ પોતાના સ્વાર્થનો વિચાર કરવાને બદલે પરસ્પરના સંબંધમાં નૈતિક મૂલ્યોને અનુસરે (પૃ. ૧૦૨-૪); શિક્ષિત હિંદીઓને ગાંધીજી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખવાનું અને ભારતીયતાનું ગૌરવ કરવાનું સૂચવે છે. એમ ન કરવાથી જ ભારતની અવદશા થઈ છે. એટલે બધા હિંદી સમજશે કે “આ સમય પશ્ચાત્તાપનો, પ્રાયશ્ચિત્તનો, શોકનો છે”, અને “શોકદશામાં મોજશોખ હોઈ ન શકે...” (પૃ. ૧૦૭). અને એ ભાવનાથી પ્રેરાઈ ગાંધીજી પ્રતિજ્ઞા કરે છે. “સ્વરાજને”, તેઓ કહે છે, “જેવું હું સમજ્યો છું તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે એમ મન સાક્ષી પૂરે છે" (પૃ. ૧૦૯). ગાંધીજીના જીવનકાળ દરમિયાન સ્વરાજનો આ કાર્યક્રમ ક્યારેય સ્વીકારવામાં આવ્યો નહોતો; એમના પરમ મિત્ર ને રાજકીય ગુરુ ગોપાળ કૃષ્ણ ગોખલેએ તો, ગાંધીજીએ પોતે એક સંદેશામાં નોંધ્યું હતું તેમ, ‘હિંદ સ્વરાજ’ને એક “મૂરખ માણસની કૃતિ” કહી હતી (પૃ. ૨૩). ‘હિંદ સ્વરાજ’ એ અમલમાં મૂકી શકાય એવો કાર્યક્રમ નથી, તે એક કવિદૃષ્ટાનું દર્શન છે, અને એ કવિની દૃષ્ટિએ જોયું છે કે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિએ અમર્યાદ બનાવી મૂકેલી ભૌતિક સમૃદ્ધિ માટેની ઘેલછા મનુષ્યના મનુષ્યત્વનો હ્રાસ કરે છે. એ ઘેલછામાંથી ઉદ્ભવેલા મૂડીવાદ ને શાહીવાદની વિનાશક હરીફાઈઓ ‘હિંદ સ્વરાજ’ લખાયું ત્યારે સ્પષ્ટ થઈ ગઈ હતી, અને થોડાં જ વર્ષોમાં પહેલા વિશ્વયુદ્ધની જ્વાળાઓ પ્રગટવાની હતી, જેમાંથી આવવાની હતી નાઝીવાદ ને ફાસીવાદની રાક્ષસી ભયાનકતા ને સામ્યવાદી ક્રાન્તિની યાતનાઓ, અને તે પછી પહેલા યુદ્ધ કરતાં પણ વધુ વિનાશક બીજું વિશ્વયુદ્ધ અને कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो એ કૃષ્ણવચનની યાદ આપતો અણુબૉમ્બ. ગાંધીજીની પ્રતીતિ હતી કે મનુષ્યજીવનની સાર્થકતા નૈતિક ને આધ્યાત્મિક વિકાસમાં છે, એના હૃદયની સત્ય ને પ્રેમની ઝંખનાઓના પોષણમાં છે, જે ભૌતિક તૃષ્ણાઓને સંયમમાં રાખીને જ બની શકે. કઠોપનિષદ કહે છે તેમ મનુષ્યે શ્રેય ને પ્રેય વચ્ચે પસંદગી કરવી જ રહી, અને ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજી મહાભારતના વ્યાસની જેમ બેય હાથ ઊંચા કરીને ભારતને અર્વાચીન પશ્ચિમનું અનુકરણ કરી પ્રેયનો માર્ગ સ્વીકારવાની વિરુદ્ધ ગંભીર ચેતવણી આપે છે. પરંતુ ગાંધીજીની દલીલમાં એક નિર્બળતા રહી ગઈ છે. મુદ્દો અંતર્મુખ જીવન ને બહિર્મુખ જીવન વચ્ચેના, અંતરવિકાસ ને ઇન્દ્રિયસુખ વચ્ચેના ભેદનો છે; ગાંધીજીની દલીલમાં તે ભારતીય સંસ્કૃતિ ને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ બની ગયો છે. ગાંધીજી માને છે કે બ્રિટિશો આવ્યા તે પહેલાંના ભારતમાં એમને ઇષ્ટ છે એવી જીવનરીતિ હતી, અને જે કંઈ અનિષ્ટો હતાં તે આકસ્મિક હતાં અને અંગ્રેજી શિક્ષણમાંથી જે નવી દૃષ્ટિ, નવો “જુસ્સો" ને “ઉત્સાહ” આવ્યાં હતાં તેમની મદદથી સુધારી શકાય એવાં હતાં (પૃ. ૫૯, ૯૪). પરંતુ એ અનિષ્ટો સુધારવાની શક્તિ પરંપરાગત ભારતીય જીવનરીતિમાં કેમ ન પ્રગટી અને અંગ્રેજી શિક્ષણમાં એવું શું હતું કે એણે અનિષ્ટો જોવાની દૃષ્ટિ અને તેમને સુધારવાનો “જુસ્સો” ને “ઉત્સાહ" આપ્યાં, એ પ્રશ્ન ગાંધીજીએ ન પૂછ્યો. હકીકતમાં જે બુદ્ધિએ ભૌતિક વિજ્ઞાન અને તેણે સર્જેલી સમૃદ્ધિ આપ્યાં હતાં તે જ બુદ્ધિના પ્રકાશે ધર્મઝનૂન, રૂઢિગત જડતા, અજ્ઞાન ને વહેમનાં આવરણ દૂર કર્યાં હતાં અને આર્થિક ને સામાજિક ન્યાયના આદર્શ આપ્યા હતા. સામે પક્ષે, જો ધર્મશ્રદ્ધાએ મનુષ્યને આંતરિક સુખનો અનુભવ કરાવ્યો હતો તો સાથે સાથે તેણે એને પ્રકૃતિની સામે નિઃસહાય બનાવી મૂક્યો હતો. તેથી જ ઈશોપનિષદ કહે છે કે જે અવિદ્યાની ઉપાસના કરે છે તે અંધકારમાં પ્રવેશે છે, અને જે વિદ્યામાં રત રહે છે તે એનાથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. ભારત સદીઓ સુધી વિદ્યાના અંધકારમાં રહ્યું, તો અર્વાચીન પશ્ચિમ અવિદ્યાના મોહમાં પડ્યું છે. અવિદ્યાની ને વિદ્યાની બન્ને સૃષ્ટિ સ્વીકારે તે જ ખરું જ્ઞાન. ગાંધીજીને એ જ દૃષ્ટિ ઇષ્ટ હતી, પરંતુ ‘હિંદ સ્વરાજ’ લખાયું તે સમયે એ એમને સ્પષ્ટ નહોતી થઈ. દક્ષિણ આફ્રિકા છોડી તેઓ ભારત આવ્યા ને દેશની અસહ્ય ગરીબી જોઈ ત્યારે તેઓ સમજ્યા કે ભૂખ્યાંની સમક્ષ ઈશ્વર અન્ન રૂપે જ પ્રગટ થઈ શકે (21. 289, 48. 74) ભૂખ્યાંને ઈશ્વરનો ઉપદેશ આપીએ તો તેઓ આપણને શયતાન જ કહે (34. 453). પણ ભૂખ્યાંને પૂરતા પ્રમાણમાં અન્ન ને વસ્ત્ર પૂરાં પાડવાં હોય તો વિજ્ઞાનની મદદ લેવી જ રહી. એટલે પાછળથી ગાંધીજી ‘હિંદ સ્વરાજ’માં તેઓ કરે છે તેમ યંત્રોનો સમૂળો વિરોધ કરવાને બદલે તેમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા. માણસનાં ભૌતિક કષ્ટ ઓછાં કરવા છતાં સુખવાદની અતિશયતામાંથી બચવું અને અંતરજીવનને પ્રાધાન્ય આપવું, ધર્મશ્રદ્ધા કેળવવી છતાં સ્વતંત્ર વિવેકશક્તિ કુંઠિન ન થવા દેવી, આ સમતુલા કેવી રીતે સિદ્ધ કરવી તે આજના યુગનો મહાપ્રશ્ન છે અને ‘હિંદ સ્વરાજ’નું મહત્ત્વ તે આપણને એ પ્રશ્ન પ્રત્યે જાગ્રત કરે છે તેમાં રહેલું છે. ‘હિંદ સ્વરાજ’ લખાયું તે પછીનાં ત્રણ વર્ષ ગાંધીજીના જીવનમાં માનસિક સ્વસ્થતા ને આત્મવિશ્વાસનો ઉત્તમ સમય બની રહ્યો, વિચારોની અસ્પષ્ટતા ને હૃદયની અનિશ્ચિતતા હવે દૂર થયાં હતાં, લગભગ વીસ વર્ષના મનોમંથન પછી તેમણે સ્વ-અભિજ્ઞા (self-identity) સિદ્ધ કરી હતી અને તે અનુસાર પોતાનો જીવનક્રમ ગોઠવવાની નૈતિક હિંમત પણ કેળવી હતી. ‘હિંદ સ્વરાજ’ના વિચારો એમના મનમાં આકાર લઈ રહ્યા હતા તે જ અરસામાં, ૧૯૦૯ની ૧લી ઑક્ટોબરે, ગાંધીજીએ તૉલ્સ્તૉય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો અને ૧૯૧૦ના ઑગસ્ટ માસ સુધીમાં એમને ચારેક પત્રો લખી એ સમયે જગવિખ્યાત બની ચૂકેલા એ રશિયન લેખકનું એમણે પોતાના આદર્શો માટે અનુમોદન મેળવ્યું હતું. રાજકીય ક્ષેત્રે ૧૯૦૭-૮નો જુસ્સો ઓસરી ગયો હતો, પરંતુ થોડા ચુનંદા સત્યાગ્રહીઓ શાંત નિશ્ચયબળથી લડત ચાલુ રાખી રહ્યા હતા. ગાંધીજીને પોતાને સરકાર પકડતી ન હતી, એટલે એમણે સત્યાગ્રહીઓનાં કુટુંબ સાથે ૧૯૧૦ના જૂન માસથી એમના જર્મન મિત્ર કૅલનબૅકના વિશાળ ફાર્મ ઉપર એક નવા પ્રકારનું આશ્રમજીવન શરૂ કર્યું, એ ફાર્મને એમણે તૉલ્સ્તૉય ફાર્મ નામ આપ્યું. સને ૧૯૧૧ના મે માસમાં કામચલાઉ સમાધાન થતાં સત્યાગ્રહ મોકૂફ રહ્યો, પણ તૉલ્સ્તૉય ફાર્મ તે પછી પણ દોઢ વર્ષ ચાલુ રહ્યું અને તે બધો સમય ગાંધીજીએ પોતાના અને આશ્રમવાસીઓના જીવનને નિયમબદ્ધ કરવાની સાધનામાં ગાળ્યો. એ સાધનાની વિગતો એમણે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ ને ‘આત્મકથા’ બન્નેમાં આપી છે. પ્રયોગમાં સ્વાશ્રય, શરીરશ્રમને ખોરાકનો સંયમ એ મુખ્ય હતાં. ઘરકામ, વાડીનું કે બાંધકામ બધું બને તેટલું જાતે જ કરવાનો આગ્રહ હતો, એટલે પાયખાનાથી માંડીને રસોઈ સુધીનું બધું કામ હાથે જ કરવાનું હતું. ખોરાકના પ્રયોગોમાં ગાંધીજી ને કૅલનબૅક બન્નેએ દૂધનો ત્યાગ કર્યો, રાંધેલો ખોરાક પણ બંધ કર્યો અને છેવટે કેવળ લીલાં ને સૂકાં ફળ ઉપર રહેવાનું શરૂ કર્યું. તૉલ્સ્તૉય ફાર્મ ઉપરનું આ પ્રયોગમય જીવન (જૂન ૧૯૧૦થી ડિસેમ્બર ૧૯૧૨) ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં મૂલ્યવાન નીવડ્યું. છેલ્લાં ત્રણેક વર્ષના સત્ય ને અહિંસાના પ્રયોગ દ્વારા એમને જે આત્માનુભૂતિની ઝાંખી થઈ હતી તેની ઉપર હવે, રાજકીય પ્રવૃત્તિનો વેગ મંદ પડી જતાં, ચિંતનનો અવકાશ મળ્યો. શરીરશ્રમનો નિત્યક્રમ પણ એમાં ઉપકારક નીવડ્યો હશે. શરીરશ્રમનું મહત્ત્વ ગાંધીજી પ્રથમ રસ્કિનના ‘અન્ટુ ધિસ લાસ્ટ’માંથી સમજ્યા હતા, અને એ પુસ્તકની પ્રેરણાથી સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તે કેન્દ્રસ્થાને હતું. પરંતુ સત્યમય જીવન માટે શરીરશ્રમની આવશ્યકતા ગાંધીજી તૉલ્સ્તૉયનાં લખાણોમાંથી વધુ સારી રીતે સમજ્યા. શરીરશ્રમનો વિચાર પહેલો બૉન્ડારોફ નામના એક રશિયન લેખકે ‘બ્રેડ લેબર’ની સંજ્ઞાથી રજૂ કર્યો હતો. એનાં મૂળ ખ્રિસ્તી સાંપ્રદાયિક માન્યતામાં હતાં. એ માન્યતા અનુસાર પૅરડાઇઝમાં નિષિદ્ધ ફળ ખાવા સારુ આદમ ને ઈવને ઈશ્વરનો શાપ હતો કે પૃથ્વી ઉપર તેમને કષ્ટમય શ્રમ દ્વારા નિભાવ કરવો પડશે. તૉલ્સ્તૉયે શરીરશ્રમના નિયમની આર્થિક ને નૈતિક આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. તેઓ માનતા કે ગરીબોની ગરીબીનું કારણ ધનપતિઓનું ધન છે; અર્થાત્, ગરીબો ગરીબ છે કારણ કે તેમને પોતાના નિભાવ ઉપરાંત એશઆરામમાં રહેતા ધનપતિઓની જરૂરિયાતો પૂરી પાડવા માટે પણ શ્રમ કરવો પડે છે. એટલે ગરીબીના નિવારણનો એકમાત્ર ઉપાય દરેક વ્યક્તિએ પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરતો શારીરિક શ્રમ કરવો એ છે, અને એમ કરીને જ વ્યક્તિ ઈશ્વરાભિમુખ જીવન તરફ પ્રથમ પગલું ભરી શકે. ગાંધીજીએ શરીરશ્રમની આ નૈતિક ભાવના સ્વીકારી લીધી, પરંતુ લેટિનમાં સૂત્ર છે કે શ્રમ એ પ્રાર્થનાનું એક રૂપ છે, અને એ સૂત્ર અનુસાર શરીરશ્રમના નિત્યક્રમમાં ગાંધીજીએ શુદ્ધ આધ્યાત્મિક સ્થિતિની કંઈક ઝાંખી પણ કરી હોય એમ જણાય છે. એ સમયના એમના અનેક પત્રોમાં તેઓ મોક્ષની ચર્ચા કરે છે, અને એક પત્રમાં તો તેઓ પોતાને પારસમણિ જડ્યો હોવાના આનંદનો ઉલ્લેખ કરે છે (૧૧. ૧૪૭). શરીરશ્રમનો સિદ્ધાંત આમ ગાંધીજી માટે પોતાની કર્મયોગની સાધનાનું સાધન બની ગયો. ભારતમાં તેઓ રેંટિયા ઉપર કાંતવા બેસતા ત્યારે સમાધિસ્થ યોગીની જેમ ચિત્તની એકાગ્રતા કેળવી અન્ય સર્વે પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના વિચારો તથા તેમને વિશેની ચિંતાઓ ભૂલી જતા. એકાગ્ર ચિત્તે સેવાનું કામ કરવાની આવી કળાને જ ગાંધીજી સમાધિ અથવા ભગવદ્ગીતામાં વર્ણવેલા कर्मेसु कौशलम् યોગ તરીકે ઓળખાવતા. ત્રણેક વર્ષ સુધી ગાંધીજીની કલમ રાજકીય વિષયોમાં રોકાયેલી રહ્યા પછી તે હવે ફરી પાછી બિનરાજકીય વિષયો તરફ વળે છે. સન ૧૯૦૫ના ડિસેમ્બર માસમાં તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં તૉલ્સ્તૉયની એક વાર્તાનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો હતો. હવે તેમણે એમની એક બીજી વાર્તાનો ‘મૂરખરાજ ને તેના ભાઈઓ’ એ શીર્ષક નીચે સારાનુવાદ આપ્યો (૧૧. ૧૭૬–૯૫). વાર્તાનો ઉદ્દેશ શરીરશ્રમનું ગૌરવ કરવાનો છે, પરંતુ એક બોધવાર્તા હોવા છતાં તે ગાંધીજીની કલમમાં વાર્તા કહેવાની કળા હોવાની પ્રતીતિ કરાવે છે, વાચકને લાગે છે કે એમણે પોતાની એ શક્તિ કેળવી હોત તો ગાંધીજી જરૂર એક સારા વાર્તાકાર બની શક્યા હોત. વાર્તાકારને માટે જરૂરી એવી પાત્રાલેખનશક્તિ પણ તેમની કલમમાં હતી. ‘મિ. ગાંધીની નજરકેદ’ (૧૧. ૩૭૧-૩) નામના એક લેખમાં તેઓ એક પ્રસંગે પોતાનું ચિત્ત કેવું ક્ષુબ્ધ થઈ ગયું અને અંતે વળી પાછું કેવી રીતે શાંત થયું તેનો તાદૃશ ચિતાર આપે છે. બીજા એક લેખમાં (૧૨. ૧૯૫) ગાંધીજી તેમના એક મિત્ર ને સહકાર્યકર્તાના યુવાન, ભાવનાશાળી પુત્ર હાજી હુસેન દાઉદ મહમદના અકાળ મૃત્યુના પ્રસંગે એને પ્રેમભરી અંજલિ આપે છે અને એ લેખ પણ કોઈ પાત્રને જીવંત બનાવવાની ગાંધીજીની શક્તિનો પરિચય કરાવી જાય છે. ગાંધીજીની સત્યસાધનાનો એક વિષય આરોગ્ય ને ખોરાક અંગેના પ્રયોગોનો હતો. ઇંગ્લંડમાં માંસ નહિ ખાવાની માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાએ ગાંધીજીને શરૂઆતમાં ખૂબ મૂંઝવ્યા હતા, પરંતુ અન્નાહારની હિમાયત કરતું એક અંગ્રેજી પુસ્તક વાંચ્યા પછી તેઓ વિચારથી અન્નાહારમાં માનતા થયા અને સન ૧૯૦૪-૫માં જર્મન લેખક જુસ્ટનું ‘રિટર્ન ટુ નેચર’ પુસ્તક વાંચ્યા પછી કુદરતી જીવન અને આરોગ્ય વિશે તેમને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. સને ૧૯૦૬માં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ ભળી. ભારતીય પરંપરાની એક સર્વસ્વીકૃત માન્યતા છે કે મનની શુદ્ધિ માટે આહારની શુદ્ધિ આવશ્યક છે. પ્રાચીન ઋષિમુનિઓ ફળમૂળ ખાઈને જીવતા અને તેથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતા એમ મનાયું છે. બ્રહ્મચર્ય પાળવાના પ્રયત્ને ગાંધીજીને પણ શરીર ને મનના સંબંધ વિશે વિચાર કરતા કર્યા, અને એમની કવિદૃષ્ટિએ એ સંબંધમાં ઊંડી રહસ્યમયતા અનુભવી. આ બધા વાંચનચિંતનનો એમણે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’ ઉપર એક લેખમાળામાં સાર આપ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સને ૧૯૧૩ના જાન્યુઆરીથી ઑગસ્ટ માસ સુધીના ગાળામાં પ્રસિદ્ધ થયેલા એ લેખો (ખંડ ૧૧ ને ૧૨) “નીરોગી શરીરમાં નીરોગી મન” કેવી રીતે કેળવી ને જાળવી શકાય એ વિશે સરળ ગુજરાતીમાં સમજૂતી આપે છે. શરીર ઇન્દ્રિયભોગ માટે નહિ પરંતુ ઈશ્વરની સેવા સારું છે, સત્યમય જીવન સારુ છે, અને ધર્મના સાધન તરીકે જ એનું રક્ષણ કરવું જોઈએ એ દૃષ્ટિ સ્પષ્ટ કરતાં ગાંધીજી ઉપસંહારમાં લખે છે : “રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્ટ નથી બાઈબલમાં તે બધા માણસના ચારિત્ર્યમાં છે. ચારિત્ર્ય તે નીતિમાં છે. નીતિ સત્યમાં છે. સત્ય એ જ શિવ છે. એ જે કહીએ તે છે. આ પદાર્થ છૂટોછવાયો પણ આરોગ્યનાં પ્રકરણોમાં જોવામાં આવે એ આ પ્રયાસનો મૂળ હેતુ છે” (૧૨. ૧૩૮). તૉલ્સ્તૉય ફાર્મની સાધના સત્યાગ્રહની છેલ્લી લડત દરમિયાન ફળી. એ સાધનાએ ગાંધીજીની સેવાભાવનાને વધુ ઊંડી ને નિર્મળ બનાવી હતી. “એ છેવટના યુદ્ધને સારું”, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ગાંધીજી લખે છે, “ટૉલ્સ્ટૉય ફાર્મ એ આધ્યાત્મિક શુદ્ધિનું અને તપશ્ચર્યાનું સ્થાન નીવડ્યું” (પૃ. ૨૪૩). તૉલ્સ્તૉય ફાર્મનો જીવનક્રમ ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં ફાર્મ બંધ કર્યા પછી ફિનિકસમાં પણ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્રણેક વર્ષના એ નિયમબદ્ધ જીવને આશ્રમવાસીઓમાં જે આત્મશ્રદ્ધા ને હિંમત કેળવ્યાં હતાં અને તેમને હિંદી કોમમાં પ્રતિષ્ઠા અપાવી હતી તેનો પૂરો લાભ ૧૯૧૩ના સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલી લડતને મળ્યો. લડતની શરૂઆત કસ્તૂરબાની નેતાગીરી નીચે ૧૨ પુરુષો ને ૪ સ્ત્રીઓની એક નાની ટુકડીથી થઈ, અને એ ટુકડીને જેલની સજા મળતાં હિંદી કોમમાં વીજળીનો સંચાર થયો હોય તેમ તામિલ સ્ત્રીઓની એક બીજી ટુકડી નાતાલના ખાણમજૂરોમાં હડતાળના પ્રચાર માટે નીકળી પડી ત્યારે થોડા દિવસોમાં હજારો મજૂરો ખાણો છોડી ચાલી નીકળ્યા. એમની આગેવાની લઈ ગાંધીજીએ જંગી કૂચ આરંભી, અને તેમની ધરપકડ થયા પછી મજૂરો ઉપર જે સરકારી દમન ચાલ્યું તેના સમાચાર ભારતમાં ફેલાતાં પ્રજામત ઉત્તેજિત થઈ ગયો અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંજને સત્યાગ્રહીઓને જાહેરમાં ટેકો આપવાની ફરજ પડી. આ વેળાનો કોમનો ઉત્સાહ ગાંધીજી માટે એક નવો જ અનુભવ હતો. નિરક્ષર, ગરીબ મજૂરોનું વીરત્વ ને તેમની આત્મભોગની શક્તિ જોઈ ગાંધીજી તેમને માટે પ્રેમ ને પૂજ્યભાવ અનુભવી રહ્યા, અને જેલમાંથી છૂટ્યા પછી ગિરમીટિયા મજૂરોની એક જાહેર સભામાં તેમણે પોતાને ભારતની ત્રીસ કરોડ પ્રજાના જીવનપર્યંતના ગિરમીટિયા તરીકે ઓળખાવ્યા અને પોતાનું જીવન તેમની સેવામાં અર્પણ કર્યું (૧૨. ૪૦૬). લડતનો સફળ અંત આવ્યા પછી ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સુવર્ણ અંક માટે લખેલા ‘સત્યાગ્રહની છેલ્લી લડતનો મારો અનુભવ’ લેખમાં ગાંધીજીએ મજૂરોના ઉત્સાહનો તાદૃશ ચિતાર આપ્યો. ‘સુખદુ:ખ મનમાં ન આણીએ’ એ અને બીજાં ભજનો ગાતાં આશ્રમવાસી સ્ત્રીપુરુષો નીકળી પડ્યા હતાં તે આરંભઘડીનું દૃશ્ય, ગાંધીજી જુલાઈ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડી ઇંગ્લંડ જતાં આગબોટમાં લેખ લખી રહ્યા હતા ત્યારે પણ ભૂલી શક્યા નહોતા (૧૨. ૪૪૫). યાત્રાએ નીકળ્યા હોય તેમ દરરોજ ન્યૂકૅસલમાંથી આવતાં સેંકડો મજૂર સ્ત્રીપુરુષો ને બાળકો, એ બધાંની શિસ્ત ને સહનશીલતા, એમનો સંતોષ, ગાંધીજીના હૃદયના પ્રેમતારને એવાં સ્પર્શી ગયાં હતાં કે એ મજૂર સ્ત્રીપુરુષોમાં એમણે સ્વર્ગનાં દેવદેવીઓનું દર્શન કર્યું હતું (૧૨. ૪૪૭-૮). અને કોઈ વિરલ આધ્યાત્મિક અનુભવક્ષણનું વર્ણન કરતા હોય એવા ઉત્સાહથી ગાંધીજી લેખને અંતે દયારામનું કાવ્ય ઉતારે છે : ‘મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા.’ દક્ષિણ આફ્રિકાના છેલ્લા વિદાયદિવસોનો અનુભવ ગાંધીજીના હૃદયને એટલો જ હલાવી ગયો હતો. “હજારો હિંદી ભાઈઓની પ્રીતિ”, લેખની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, “તેઓએ કરેલો આદરસત્કાર અમારા મનમાં રમી રહ્યો છે. એ પ્રેમ આત્માની અદ્ભુત શક્તિનું, તેના મહાન ગુણોનું ભાન કરાવે છે” (૧૨. ૪૪૩). ભારતીય આધ્યાત્મિક પરંપરામાંથી તેમને આ દૃષ્ટિ મળી હતી અને દક્ષિણ આફ્રિકા છોડતા પહેલાં એક વિદાયસમારંભમાં તેમણે કહ્યું હતું: “હું હવે ભોગભૂમિમાંથી કર્મભૂમિમાં જાઉં છું. મારો મોક્ષ હિંદ વિના બીજી જગો નથી. માણસે મોક્ષ મેળવવો હોય તો તેણે હિંદની પવિત્ર ભૂમિમાં જવું જ જોઈએ, મારે માટે તેમ જ દરેકને માટે હિંદની ભૂમિ ‘દુખિયાનો વિસામો’ છે. તેથી સ્વદેશ જવાને હું ઉત્સુક છું” (૧૨. ૩૯૫). ભારતની આધ્યાત્મિક શક્તિ વિશેની આ શ્રદ્ધાને અનુસરીને દેશના નવનિર્માણમાં પોતાનો ફાળો આપવાની મહેચ્છા સાથે ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરી માસમાં મુંબઈ ઊતર્યા, અને તુરત પૂર્ણ વિનમ્રતાથી એમણે પોતાના વિચારોનો પ્રચાર શરૂ કર્યો. ભારત આવતાં પહેલાં એમણે ગોખલેને વચન આપ્યું હતું કે એક વર્ષ માટે તેઓ કોઈ જાહેર પ્રશ્ન વિશે પોતાનો અભિપ્રાય નહિ દર્શાવે–ગોખલે કદાચ માનતા હશે કે હિંદુસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી ગાંધીજીના વિચારો બદલાશે. —પરંતુ કોઈ રાજકીય વિષયને સ્પર્શ્યા વિના ગાંધીજીએ પોતાની રાજકીય વિચારસરણીની પાછળ રહેલી વિશિષ્ટ સ્વદેશપ્રેમની ભાવનાનો પ્રજાને પરિચય આપવાનું શરૂ કર્યું. મુંબઈ ઊતર્યાં પછી પાંચમા દિવસે મુંબઈની ગૂર્જર સભાએ તેમના માનમાં સમારંભ યોજ્યો તેમાં બીજા વક્તાઓ, મહમદઅલી ઝીણા ને કનૈયાલાલ મુનશી, અંગ્રેજીમાં બોલ્યા તેમને ગાંધીજીએ ગુજરાતીમાં ઉત્તર આપ્યો, અને તે પછી જ્યારે પ્રસંગ મળે ત્યારે તેઓ અંગ્રેજીને બદલે માતૃભાષા કે હિંદીના ઉપયોગનો અનુરોધ કરતા રહ્યા. એમ કરવામાં સંકુચિત દેશાભિમાને પ્રેરેલો અંગ્રેજીદ્વેષ નહોતો, પણ ભારતની પ્રજા ને ભારતની સંસ્કારપરંપરા સાથે આત્મીયતાનો ભાવ હતો, અને એ જ ભાવથી પ્રેરાઈ તેમણે આર્થિક ક્ષેત્રે પણ સ્વદેશીને પ્રચાર શરૂ કર્યો. સાથે સાથે ગાંધીજીએ ગોખલેના રાજકીય પ્રવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાના – to spiritualize politics –– મંત્રનો પ્રચાર પણ શરૂ કર્યો. ગાંધીજીની દૃષ્ટિએ આધ્યાત્મિક એટલે યોગની ઇન્દ્રિયાતીત અનુભૂતિ નહિ, પરંતુ નિર્મમ આત્મસમર્પણની ભાવના. એ ભાવના એમનાં વાણી ને વર્તનમાં પારદર્શક રીતે મૂર્ત થતી અને પ્રજાને સેવાના એક નવા આદર્શની ઝાંખી કરાવતી. બે વર્ષ પછી, ૧૯૧૭ના એપ્રિલ માસમાં, ગાંધીજીને ચંપારણમાં પોતાના સેવાઆદર્શને અમલમાં મૂકવાનો પ્રસંગ પ્રાપ્ત થયો અને એમણે દેશને સત્યાગ્રહની અહિંસક પ્રતિકારની રીત ને રચનાત્મક સેવાની કાર્ય પદ્ધતિનો એકસાથે પરિચય કરાવ્યો. ભારતમાં સત્યાગ્રહના આ પહેલા સફળ પ્રયોગ પછી એ જ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીએ ગુજરાતમાં ભરાયેલી બે પરિષદોમાં પ્રમુખસ્થાનેથી દેશના સર્વાંગી નવનિર્માણ વિશે પોતાના વિચાર વિસ્તારથી રજૂ કર્યા. ઑક્ટોબરની ૨૦મીએ ભરૂચમાં બીજી કેળવણી પરિષદના પ્રમુખ તરીકે બોલતાં (૧૪. ૧૪-૩૫) એમણે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીને બદલે માતૃભાષાનો અને અંઆંતરપ્રાંતીય વ્યવહારમાં હિંદીનો આગ્રહભર્યો પક્ષ કર્યો. શિક્ષણના માધ્યમ તરીકે તેઓ અંગ્રેજી ને માતૃભાષા બન્નેના પક્ષકારોનો હેતુ પવિત્ર હોવાનું સ્વીકારે છે, અને અંગ્રેજીને પક્ષે આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય ટાંકે છે, પરંતુ તેઓ દૃઢપણે માને છે કે અંગ્રેજીનો ઉપયોગ દેશના હિતમાં નહોતો ને નથી. સમગ્ર પ્રશ્નને ગાંધીજી શુદ્ધ શૈક્ષણિક દૃષ્ટિએ અને વ્યક્તિ તથા રાષ્ટ્રજીવનના સ્વસ્થ વિકાસની દૃષ્ટિએ તપાસે છે. જ્ઞાનસંપાદન માટે અને વ્યાપારી ક્ષેત્રે તેઓ અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારે છે, પરંતુ માને છે કે એ માટે જરૂરી પ્રવીણતા અંગ્રેજીનો શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ કર્યા વિના કેળવી શકાય. માધ્યમ તરીકે અંગ્રેજીનો ઉપયોગ, તેઓ કહે છે, વિદ્યાર્થીઓના મગજ ઉપર બોજો વધારે છે અને અભ્યાસની ગતિ ધીમી પાડી વિદ્યાર્થીનાં કેટલાંક વર્ષ બગાડે છે તથા શિક્ષિત વર્ગ ને પ્રજા વચ્ચે અંતર ઊભું કરે છે. ગાંધીજીની દૃષ્ટિએ આ છેલ્લો મુદ્દો સવિશેષ મહત્ત્વનો હતો. અંગ્રેજી દ્વારા વિદ્યાર્થી જે વિચારસૃષ્ટિમાં પ્રવેશ કરે છે તેનો વ્યાવહારિક જીવન સાથે સંબંધ રહેતો નથી અને તેથી વિદ્યાર્થીનો બૌદ્ધિક વિકાસ કૃત્રિમ બની જાય છે. ગાંધીજી કહે છે તેમ “માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે” (૧૪. ૨૦). એટલે કે, વ્યક્તિની વિચારસૃષ્ટિ ને તેની ભાવનાસૃષ્ટિ વચ્ચે જે જીવંત સંબંધ રહેવો જેઈએ તે અંગ્રેજી શિક્ષણથી તૂટે છે અને પરિણામે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ ખંડિત બને છે. રાષ્ટ્રચેતનાના વિકાસને પણ એવું જ નુકસાન થાય છે. અંગ્રેજીના અભ્યાસથી શિક્ષિત વર્ગમાં જે કંઈ રાજકીય જાગૃતિ આવી હતી તે આમજનતાને સ્પર્શી નહોતી. ગાંધીજી કહે છે તેમ “અંગ્રેજી સ્વદેશાભિમાન ચેપી” ન નીવડ્યું. “ખરું સ્વદેશાભિમાન”, તેઓ લખે છે, “વ્યાપક હોવું જોઈએ" (૧૪. ૨૧). માતૃભાષા દ્વારા કેળવાયેલું એવું વ્યાપક સ્વદેશાભિમાન જ, ભારતનું આધ્યાત્મિક સત્ત્વ પ્રગટ કરે એવા હિંદ સ્વરાજનું ગાંધીજી જે સ્વપ્ન સેવી રહ્યા હતા તેને સિદ્ધ કરી શકે, અને તેથી જ પરિષદના બીજે દિવસે ઉપસંહાર ભાષણમાં ગાંધીજી કહે છે તેમ એમને “માતૃભાષા ઉપર મોહ ચઢેલો છે – રંગ ચઢેલો છે” (૧૪. ૪૧). પ્રચલિત શિક્ષણપદ્ધતિની બીજી ત્રુટિઓ પણ એ શિક્ષણને જીવન માટે નિરુપયોગી બનાવતી. દેશનાં ઇતિહાસ ને ભૂગોળનાં વર્તમાન જીવન સાથેના સંબંધ વિશે કે પ્રજાના વિશાળ વર્ગના મુખ્ય આર્થિક વ્યવસાય ખેતી વિશે વિદ્યાર્થીને કોઈ જ્ઞાન મળતું નહિ. કોઈ હુન્નરકળાની પણ તાલીમ મળતી નહિ. ગાંધીજીનો કળાપ્રેમ સંગીતની ઉપેક્ષા પણ નોંધે છે. સંગીતનો ચારિત્ર્ય-ઘડતર માટે ઉપયોગ કરી શકાય છે એટલું જ નહિ, વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં પણ તે ઉપકારક બને છે. “મધુર સંગીત”, પોતાના અનુભવ ઉપરથી ગાંધીજી સમજે છે ને કહે છે, “આત્માના તાપને શાંત કરી શકે છે.” માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ કરતાં તેઓ પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકે છે અને તે માટે, કદાચ ફિનિકસ ને તૉલ્સ્તૉય ફાર્મનાં વર્ષોની સુખદ સ્મૃતિથી પ્રેરાઈ “સૃષ્ટિસૌંદય”ના વાતાવરણનો આગ્રહ રાખે છે (૧૪. ૩૩). એ જ સાલની (૧૯૧૭ની) ૩જી નવેમ્બરે ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ દેશસેવાનો એમનો કાર્યક્રમ અને તેની પાછળ રહેલી વિચારસરણી ઉત્સાહપ્રેરક વાણીમાં પ્રજા સમક્ષ મૂકયાં. સામાન્ય રીતે પરિષદોમાં ભાષણો ને ઠરાવો થતા, પરંતુ ઠરાવોનો અમલ કરવાનો ભાગ્યે જ કોઈ ઉત્સાહ બતાવતા. ગાંધીજીની હૃદયપ્રેરણાઓ સતત કાર્યમાં પ્રગટ થતી અને વાણી એ માટે એક સાધનરૂપે હતી. એટલે એમણે પહેલી જ વાત પરિષદ જે ઠરાવો કરે તેના અમલની કરી. અને તે માટે “સેવા એ જ ધર્મ માનનારા” દેશસેવકની જરૂર જણાવી. “દેશસેવામાં આ કાળે ધર્મની પરિસીમા છે” એ ભાવના ફેલાય તો જ દેશની સર્વતોમુખી ઉન્નતિ શક્ય બને. રાજકીય સ્વતંત્રતા એ જ દેશસેવાનો એકમાત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ. દેશમાં ખરેખર નવા પ્રાણનો સંચાર થયો હોય તો તેની અસર બધાં ક્ષેત્રોમાં દેખાવી જોઈએ. “વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે. નવયૌવન આખી ભૂમિને વિષે જોવામાં આવે છે, તેમ જ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કોઈ આવી ચડેલો મુસાકર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકો પોતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે” (૧૪. ૪૭, ૫૬). આવી દેશવ્યાપી જાગૃતિ માટે પ્રજાની પરંપરાગત ધર્મશક્તિ સચેત કરવી જોઈએ. એ સમયના સંયોગોમાં ગાંધીજી નિર્ભયતા કેળવવા પ્રજાને લશ્કરમાં જોડાવાની સલાહ આપતા, પણ એમની પોતાની શ્રદ્ધા ભારતની આધ્યાત્મિક શક્તિમાં હતી. “હિંદુસ્તાન યુરોપ નથી, જાપાન નથી, ચીન નથી, એ મારાથી ભુલાતું નથી.... જેવી તપશ્ચર્યા આ દેશમાં થઈ છે તેવી બીજે ક્યાંય નથી થઈ. હિંદુસ્તાનને લોખંડનાં શસ્ત્રોની ઓછી જરૂર છે, તે દિવ્યાસ્ત્રથી લડતું આવ્યું છે; હજુ લડી શકે છે... હિંદુસ્તાન આત્મબળ વડે સર્વે જીતી શકે છે” (૧૪. ૫૦) આત્મબળ વડે લડવાનું શસ્ત્ર તે સત્યાગ્રહ. “... સત્યાગ્રહ હિંદુસ્તાનનું ખાસ શસ્ત્ર છે... એ સર્વવ્યાપક શક્તિ છે. સર્વ કાળે વપરાય એવી શક્તિ છે. સર્વ સ્થિતિમાં વાપરવાની છે” (૧૪, ૫૮). જેને સત્યાગ્રહની શક્તિ ઉપર શ્રદ્ધા છે તે મુશ્કેલીઓથી મૂંઝાશે નહિ. દેશની મુશ્કેલીઓ “હિમાલય જેવડી છે. પણ જેવી આપણી મુશ્કેલીઓ છે તેવાં જ રૂડાં સાધનો તે દૂર કરવાને સારુ આપણી પાસે છે.” આપણી સંસ્કૃતિને “સમુદ્રના પાણી જેમ ભરતીઓટ થયાં છે. પણ તે સમુદ્રની જેમ અચળ રહેલ છે.” પ્રજામાં આત્મશ્રદ્ધા ને પુરુષાર્થ પ્રેરે એવી બધી સંપત્તિ દેશમાં છે. “... તેમાં મહાન પર્વતો છે, નદીઓ છે, તેમાં ભારે સૃષ્ટિસૌંદર્ય છે. તેના સંતાનો મહાપરાક્રમનો વારસો મૂકી ગયાં છે. આ મુલક ત૫શ્ચર્યાનો ભંડાર છે. અહીં જ સર્વ ધર્મો સાથે રહે છે, અહીં જ સર્વ દેવતાને માન અપાય છે.” એટલે ગાંધીજીની શ્રદ્ધા હતી કે પોતાની “સાત્ત્વિક પ્રવૃત્તિથી” ભારત અંગ્રેજ પ્રજાને જીતી શકે અને “કંઈ અલૌકિક કાર્ય કરી દુનિયાને શાંતિ” આપી શકે, અને “એ મહત્કાર્ય કરવામાં આ પરિષદ સંપૂર્ણ ભાગ લઈ પોતાની, ગુજરાતની અને ભારતવર્ષની કીર્તિ ઉજજવળ કરો” એવી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે (૧૪. ૬૦). ભારતના નવસર્જનના આ સ્વપ્નમાં જે કાવ્યત્વ પ્રગટ થાય છે તેનો પ્રવાહ બન્ને ભાષણોમાં ગાંધીજીની વાણીમાં પણ વહેતો અનુભવાય છે. કોઈ પણ પ્રકારનાં આવેશ કે ઉત્તેજનાના સ્પર્શ વિનાનો અને નમ્ર આદર્શનિષ્ઠાની પ્રતીતિ કરાવતો એ વાણીપ્રવાહ નિર્મળ પાણીના ઝરા જેવો આહ્લાદક બન્યો છે અને થોડા જ સમયમાં એમની નેતાગીરી પ્રજામાં ઉત્સાહની જે ભરતી પ્રેરવાની હતી તેનું રહસ્ય પ્રગટ કરી જાય છે. એમના હૃદયનો પ્રેમ નિરક્ષર જનતાને કેવો સ્પર્શી જતો તેનો ગાંધીજીને ચંપારણમાં અનુભવ થઈ ચૂક્યો હતો અને એ અનુભવમાં તેમણે, ‘આત્મકથા”માં તેઓ સૂચવે છે તેમ, “અહિંસાદેવી”નો સાક્ષાત્કાર કર્યો હતો (પૃ. ૪૧૪). બે વર્ષ પછી ગાંધીજીએ પ્રેમની એ જાદુઈ શક્તિનો વધુ ઉત્સાહપ્રેરક અનુભવ કર્યો. સને ૧૯૧૯ના એપ્રિલ માસમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ગાંધીજી પંજાબના પ્રવાસે ગયા ત્યારે વર્ષોના વિયોગ પછી કોઈ સ્વજન ઘેર આવતો હોય તેમ લાહોર ને અમૃતસરની જનતા તેમના દર્શન માટે ઊમટી પડી. એ પ્રવાસનું ‘નવજીવન’ માટે વર્ણન કરતી ‘પંજાબનો પત્ર’ લેખમાળામાં વાચક તે સમયે પ્રજામાં ઊભરાયેલી ઉત્સાહભરતીનો આજે પણ અનુભવ કરી શકે છે. સ્ત્રીઓનો પ્રેમ ગાંધીજીને સવિશેષ સ્પર્શી ગયો. એમના દર્શન માટે નીકળી પડી હતી એટલી સ્ત્રીઓ, અમૃતસરવાસીઓએ એમને કહ્યું હતું, ક્યારેય બહાર દેખાઈ નહોતી (૧૬. ૨૮૩). પુરુષોનો પ્રેમ કદાચ નિર્મળ નહોતો એમ ગાંધીજીને લાગ્યું હતું, પણ, તેઓ લખે છે, “સ્ત્રીઓને વિષે તો એવું સ્વપ્નમાંય નથી થતું.... હજારોની મેદનીમાં તેઓની હાજરી મને શાંતિ આપે છે, અને સત્યાગ્રહ તેમ જ સ્વદેશી ઉપર મારી શ્રદ્ધાને વધારી મારી દૃઢતાને વધારે દૃઢ કરી મને વધારે જુસ્સો આપે છે. સ્ત્રીઓના જેટલો જ નિર્મળ ભાવ જો હું પુરુષોમાં પેદા કરી શકું તો એક વર્ષની અંદર હિંદુસ્તાન કેટલે ઊંચે જઈ શકે તેનો આંક મેલી નહીં શકાય.” (૧૭. ૩૫) જેમ ભારતની જનતાના પ્રેમનો તેમ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રહેલી સૌંદર્યદૃષ્ટિનો પણ પ્રવાસ દરમિયાન એક પ્રસંગે ગાંધીજીને આનંદપ્રેરક અનુભવ થયો. કાશીમાં પંડિત મદનમેહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીરે અરુણોદયની રમણીય ભવ્યતા જોઈ એમની કલ્પના વેદયુગની ભાવનાસૃષ્ટિનો સ્પર્શ અનુભવી રહી. એ દૃશ્ય જોતાં, તેઓ લખે છે, “આંખ ધરાય જ નહીં ને ભક્તજનોના કંઠમાં તો ગાયત્રીનો મંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓનો મહિમા, ગાયત્રી મંત્રનો અર્થ આ ભવ્ય દેખાવ જોયા પછી કંઈક વધારે સમજાયાં’ (૧૭. ૫૭) ગાંધીજીની સર્વ પ્રવૃત્તિઓની પ્રેરણા ભારત ને ભારતની પ્રજા માટે એમના હૃદયમાં ઊભરાતા આ પ્રેમમાં હતી. પ્રજાના સર્વ વર્ગોને એ પ્રેમનો અનુભવ કરાવી તેમને સત્ય ને શ્રેયના માર્ગે વાળવાનો એમનો અભિલાષ હતો. એ ઉદ્દેશથી જલિયાંવાલા બાગની દુર્ઘટના પછી પ્રજામત કેળવવા તેમણે જૂન-જુલાઈમાં મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી ‘યંગ ઇન્ડિયા’ અને ઇન્દુલાલ યાજ્ઞિકના “નવજીવન ને સત્ય’નું સંચાલન સ્વીકાર્યું હતું અને ગુજરાતી સાપ્તાહિકને “નવજીવન’ નામ આપી તા. ૭-૯-૧૯૧૯થી તેના તથા તા. ૮-૧૦-૧૯૧૯થી ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી બન્યા હતા. ‘નવજીવન’ના પહેલા અંકમાં પોતાનો ઉદ્દેશ સમજાવતાં તેઓ લખે છે: “ઘણા પ્રયત્ને મેં કેટલાક સિદ્ધાંતો મારા જીવનમાં ગોઠવ્યા છે ને તેને અમલમાં મૂક્યા છે. તેથી મને જે સુખ મળ્યું તે મેં બીજામાં નથી જોયું એમ મને ભાસ્યું છે....એ સિદ્ધાંતો હિંદને આપી મારા સુખનો અનુભવ હિંદને કરાવવાની મને ભારે અભિલાષા છે.” પોતાની આ મહત્ત્વાકાંક્ષાનો સાર આપતા તેઓ લખે છે: “... ‘નવજીવન’ની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજાપ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ-મુસલમાન વચ્ચે અન્તઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંય ઉત્પત્તિ ભરી છે” (૧૬. ૯૧–૨). ‘નાશમાંય ઉત્પત્તિ ભરી છે, બલ્કે ઉત્પત્તિ અથવા સર્જન માટે નાશ આવશ્યક છે, એ વિચારસરણીને અનુસરી ગાંધીજીએ પ્રજાને એકસાથે નાશ ને નવસર્જનનો કાર્યક્રમ આપ્યો. વિનાશાત્મક કાર્યક્રમ બ્રિટિશ સરકાર સાથે અસહકારનો હતો. દેશની રાજકીય પ્રગતિ માટે ગાંધીજી બ્રિટિશ પ્રજાની ન્યાયપ્રિયતા ઉપર શ્રદ્ધા રાખતા આવ્યા હતા, પરંતુ જલિયાંવાલા બાગની કત્લ અને તે પછી પંજાબમાં લાદવામાં આવેલા લશ્કરી રાજ દરમ્યાન થયેલા અત્યાચારો અંગે બ્રિટિશ સરકારે અપનાવેલી નીતિએ ગાંધીજીની એ શ્રદ્ધાને આઘાત આપ્યો. તે જ સમયે ઉપસ્થિત થયેલા ખિલાફતના પ્રશ્નમાં પણ ગાંધીજીને બ્રિટિશ સરકારની નીતિ અન્યાયી અને ભારતના મુસલમાનોને આપેલા વચનનો ભંગ કરતી લાગી. દેશની ગરીબીનો ને પ્રજાની નૈતિક ભીરુતાનો પણ એમને ઠીક ઠીક અનુભવ થઈ ચૂક્યો હતો. એટલે ભારતમાં બ્રિટિશ શાસનનાં પરિણામોને તેઓ હવે નવી જ દૃષ્ટિએ જોતા થયા અને દેશની આર્થિક તારાજી ને નૈતિક અધઃપતન માટે એ શાસનને જવાબદાર ગણી તેનો જેમ બને તેમ વહેલો અંત લાવવા અધીરા બન્યા. એ ઉદ્દેશથી ગાંધીજીએ પ્રજાને ધારાસભાઓ, કોર્ટો, શાળાકૉલેજો ને પરદેશી કાપડનો એમ ચતુર્વિધ બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો. આ વિનાશાત્મક કાર્યક્રમની સાથે ગાંધીજીએ પ્રજાને રાષ્ટ્રીય કેળવણી, હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી પ્રચાર ને અસ્પૃશ્યતાનિવારણ દ્વારા નવસર્જનનો રચનાત્મક કાર્યક્રમ પણ આપ્યો, અને બહિષ્કારનો તથા રચનાત્મક બંને કાર્યક્રમ સફળ થાય તો એક વર્ષમાં સ્વરાજ મળે એવી શ્રદ્ધા આપી. સને ૧૯૨૦ની ૧લી ઑગસ્ટથી શરૂ થયેલા આ દ્વિવિધ આંદોલન અંગે ગાંધીજી લગભગ એક વર્ષ સુધી ભારતભરનો પ્રવાસ કરતા રહ્યા અને પ્રજાને બ્રિટિશ શાસનનાં અનિષ્ટો પ્રત્યે જાગ્રત કરી એ શાસનનો અંત લાવવા અને રચનાત્મક કાર્યક્રમ અપનાવવા પ્રેરતા રહ્યા. રચનાત્મક કાર્યક્રમ પ્રજાજીવનની સર્વાંગી શુદ્ધિ માટે હતો. અંગ્રેજી શિક્ષણના મોહમાં પડી શિક્ષિત વર્ગ દેશના સંસ્કારપ્રવાહથી વિમુખ બનતો જતો હતો અને આમજનતા સાથે આત્મીયતા અનુભવવા માટે અશક્ત બનતો જતો હતો. રાષ્ટ્રીય કેળવણીમાં ગાંધીજીએ સ્વદેશી ભાવનાને કેન્દ્રસ્થાને મૂકી અને ભારતીય જીવન ને ભારતીય સંસ્કારપરંપરાને સમૃદ્ધ કરે એવા શિક્ષણની કલ્પના કરી. હિંદુ-મુસ્લિમ ઐક્યનો કાર્યક્રમ બાહ્ય દૃષ્ટિએ રાજકીય લાગે, પરંતુ તેની પાછળ પણ પ્રચલિત સાંપ્રદાયિકતાને સંસ્કારી તેમાંથી વ્યા૫ક ધર્મભાવના પ્રગટાવવાની દૃષ્ટિ હતી. ખાદીનો કાર્યક્રમ આર્થિક દૃષ્ટિથી આપવામાં આવ્યો હતો. દેશમાં પ્રવર્તતી બેરોજગારી ને ગરીબી ઇંગ્લંડે ભારતના કાપડઉદ્યોગનો નાશ કર્યો હતો તેને આભારી હતી અને તેનો ઉપાય કરવો હોય તો દેશે કાપડમાં ફરી સ્વાવલંબી બનવું જોઈએ એમ ગાંધીજી માનતા. પરંતુ વધુ કાપડની મિલો સ્થાપવાથી તે ન બની શકે. એથી તો ગ્રામપ્રજાનું શોષણ ચાલુ જ રહે. એટલે કાપડના ઉત્પાદનને ફરી ગૃહઉદ્યોગ બનાવવામાં આવે તો જ ગ્રામપ્રજાની ગરીબીનું નિવારણ થઈ શકે. પરંતુ ખાદીના કાર્યક્રમની પાછળ આ આર્થિક દૃષ્ટિની સાથે સ્વસ્થ વ્યક્તિજીવન ને સમાજજીવન વિશેની નૈતિક દૃષ્ટિ પણ રહેલી હતી, જે ગાંધીજીને પોતાને શરૂઆતમાં સ્પષ્ટ નહોતી થઈ. સને ૧૯૩૪ પછી તેમણે ખાદીની સાથે બીજા ગ્રામોદ્યોગોની પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી એમનું શ્રમલક્ષી ને ગ્રામકેન્દ્રી સમાજદર્શન વધુ સ્પષ્ટ થતું ગયું. અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ ગાંધીજી માટે સૌથી વધુ મૂંઝવણભર્યો બન્યો. સને ૧૯૨૦ ઑકટોબર માસમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે પછી તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં અસ્પૃશ્યતાને સ્થાન નહિ હોય એવો તેણે ઠરાવ કર્યો તેનો સનતાની વર્ગે ઉગ્ર વિરોધ કર્યો, અને ગાંધીજીના પોતાને હિંદુ કહેવડાવવાના દાવા વિશે પણ શંકા કરવામાં આવી. ગાંધીજી હિંદુ ધર્મના સનાતન તત્ત્વને જુદી દૃષ્ટિથી જોતા, અને તેમણે પોતાને માત્ર હિંદુ નહિ પણ સનાતની હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવાનો આગ્રહ રાખ્યો. તા. ૬-૩-૧૯૨૧ના ‘નવજીવન’માં તેમણે ‘સનાનની હિંદુ એટલે?’ લેખમાં હિંદુની વ્યાખ્યા આપી : "... જે માણસ હિંદુસ્તાનમાં હિંદુ કુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથરૂપે માને; જે માણસ સત્ય-અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મોક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને; જે વર્ણાશ્રમ ને ગોરક્ષા ધર્મને માને તે હિંદુ છે” (૧૯. ૨૮૯). આ માનવા ઉપરાંત જે વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યો છે અને નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના ગુણો કેળવવા પ્રયત્નશીલ છે તે વૈષ્ણવ છે. હિંદુને વૈષ્ણવની આ વ્યાખ્યા સાંપ્રદાયિકતાની સંકુચિતતામાંથી સંપૂર્ણપણે મુક્ત નથી રહી શકી. હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવા માટે વ્યક્તિ હિંદુ ને વૈષ્ણવ કુટુંબમાં જન્મી હોવી જોઈએ, વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથ તરીકે સ્વીકારતી હોવી જોઈએ અને વર્ણાશ્રમ ને ગોરક્ષામાં માનતી હોવી જોઈએ. વળી સૈદ્ધાંતિક દૃષ્ટિએ વર્ણો ફક્ત ચાર હોવા છતાં જ્ઞાતિવ્યવસ્થાનાં ભોજન ને લગ્નવિષયક બંધનોને ગાંધીજી નિંદ્ય નથી ગણતા; બલ્કે, ઊંચનીંચની ભાવના વિના માત્ર સંયમના ઉદ્દેશથી એમનું પાલન કરવામાં આવે તો તેઓ એમને શિષ્ટાચાર પણ ગણે છે, જો કે તેઓ પોતે અથવા બીજા આશ્રમવાસીઓ ભોજન અંગેના પ્રતિબંધનું પાલન નહોતા કરતા. સને ૧૯૦૫ના માર્ચ માસમાં ગાંધીજીએ જોહાનિસબર્ગની થિયૉસૉફિકલ સોસાયટીના ઉપક્રમે હિંદુ ધર્મ ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં અને એ વ્યાખ્યાનોનો ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં સાર આપ્યો હતો. તેમાં એમણે બ્રહ્મ, આત્મા, માયા, પુનર્જન્મ મોક્ષ ને નિષ્કામ કર્મના સિદ્ધાંતોને હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ગણાવ્યા છે (૪.૪૬૨), અને હિંદુ કુટુંબમાં જન્મ, ધર્મગ્રંથોમાં શ્રદ્ધા, વર્ણાશ્રમ, ગોરક્ષા ઇત્યાદિ કોઈ માન્યતાઓનો ઉલ્લેખ નથી. આ ભેદનું કારણ એ હોવાનો સંભવ છે કે ‘નવજીવન’ના લેખમાં ગાંધીજીનો ઉદ્દેશ અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંતર્ગત અંગ નથી એમ સનાતની વર્ગને પ્રેમપૂર્વક સમજાવવાનો હતો અને તેથી એ વર્ગની બીજી પ્રચલિત માન્યતાઓને સ્વીકારી તેમનો બને તેટલો ઉદાર અર્થ કરે છે. વેદ, ઉપનિષદ, પુરાણાદિને ધર્મગ્રંથો તરીકે સ્વીકારવા છતાં ગાંધીજી એમના જે કંઈ અંશો બુદ્ધિગ્રાહ્ય ન હોય અથવા સત્ય, અહિંસા ને બ્રહ્મચર્યના વિરોધી હોય તેમનો અસ્વીકાર કરે છે. એ દૃષ્ટિએ વિચારતાં અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું અંગ ન જ ગણી શકાય. વર્ણધર્મનો પણ ગાંધીજી બીજા પ્રસંગોએ ઉદાર અર્થ કરે છે. તેમના મતે વર્ણ વ્યવસ્થાનો હેતુ વ્યક્તિની આજીવિકાનું સાધન નિશ્ચિત કરી આર્થિક ક્ષેત્રમાંથી લોભ ને હરીફાઈને દૂર રાખવાનો હતો. આજીવિકા માટે દરેક વ્યક્તિ પોતાના વારસાગત વ્યવસાયને વળગી રહે, પરંતુ સર્વ વ્યવસાયોનું આર્થિક ને સામાજિક મૂલ્ય સરખું ગણાય. રોટીબેટી-વ્યવહારના પ્રતિબંધોને આ વ્યવસ્થા સાથે કશો સંબંધ ન હતો, અને અસહકારનાં વર્ષોમાં ગાંધીજીએ એમને સંયમના સાધન રૂપે ઓળખાવ્યા હતા પરંતુ પાછળથી તેઓ એમનું અનિષ્ટ સમજતા થયા હતા (51. 343), અને તે એટલે સુધી કે ૧૯૪૦ પછી સેવાગ્રામ આશ્રમમાં લગ્નપ્રસંગે બે પક્ષમાંથી એક હરિજન હોય તેને તેઓ આગ્રહ રાખતા. વર્ણધર્મ વિશે ગાંધીજીની દૃષ્ટિમાં આવેલું આ પરિવર્તન એમની સત્યદૃષ્ટિની વિકાસશીલતાનું નોંધપાત્ર ઉદાહરણ છે. આ વિષય ઉપરના એમના ૧૯૨૧ની સાલના વિચારો ને ૧૯૩૨ની સાલના વિચારો વચ્ચેના વિરોધ પ્રત્યે ધ્યાન દોરનાર એક પત્રલેખકને ઉત્તર આપતાં તેમણે લખ્યું હતું: “... મને સર્વે કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં; પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે, એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે” (55. 61) સત્યનારાયણની વાણીને અનુસરવાની ગાંધીજીની તત્પરતા અસહકારના આંદોલનની નિષ્ફળતાએ નાટ્યાત્મક રીતે સાબિત કરી, પ્રજાની અવદશા વિશે એમણે જે જોયું ને અનુભવ્યું હતું તેનું એમને એટલું ઊંડું દુઃખ હતું કે એ સમયની એમની વાણીમાં ક્યારેક પુણ્યપ્રકોપના તણખા ઝરતા જણાતા. પ્રજાએ એમનો રોષ જોયો, પરંતુ એ રોષની પાછળ રહેલો અહિંસાભાવ તે ન સમજી શકી, અને દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણુ ફેલાતું લાગ્યું. શ્રી નરસિંહરાવ દિવેટિયા તથા રવીન્દ્રનાથ ઠાકુરે એમને એ વિશે જાહેરમાં ચેતવણી આપી, પરંતુ ગાંધીજી પ્રજાનો મિજાજ ન સમજી શક્યા. છેવટે ૧૯૨૧ના નવેમ્બર માસમાં મુંબઈએ, ૧૯૨૨ના જાન્યુઆરીમાં મદ્રાસે ને ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશના ચૌરીચૌરા ગામે ગાંધીજીને પ્રજાના હિંસાત્મક મિજાજની પ્રત્યક્ષ સાબિતી આપી અને તેમની આંખ ઊઘડી ગઈ એમણે તુરત લડત થંભાવી દીધી અને માર્ચ માસમાં એમની ધરપકડ થયા પછી અમદાવાદની સેશન્સ કોર્ટમાં એમની ઉપર કામ ચાલ્યું ત્યારે પ્રજાની હિંસા માટે પોતાની પૂરી જવાબદારી સ્વીકારી, જોકે એમના હૃદયમાં ગ્રામપ્રજાની ગરીબીના દર્શને જે જ્વાળાઓ સળગી રહી હતી તેનો પણ એમણે પોતાના નિવેદનમાં ચિતાર આપ્યો. જેલનિવાસ દરમિયાન એ જ્વાળાઓ કંઈક શાંત થઈ અને ૧૯૨૪ના ફેબ્રુઆરી માસમાં ઍપેન્ડિસાઈટિસની શસ્ત્રક્રિયા પછી સરકારે એમને છોડી મૂક્યા ત્યારે તેઓ વધુ ઊંડી બનેલી સત્યદૃષ્ટિ અને અહિંસાભાવના સાથે બહાર આવ્યા. ગાંધીજીની આધ્યાત્મિક ક્ષિતિજોના આ વિસ્તારની પાછળ રામનામનો પ્રભાવ રહ્યો હોય એમ લાગે છે. ‘આત્મકથા’માં એમણે નોંધ્યું છે કે શુદ્ધ બ્રહ્મચર્ય “કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” એ તેઓ ભારતમાં આવીને સમજ્યા (પૃ. ૨૧૧–૨). આ દૃષ્ટિ એમને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન પ્રાપ્ત થઈ હશે. તેઓ શ્રી રામને શ્રીરામચંદ્રપ્રભુ કહેવાને બદલે માત્ર રામ કેમ કહેતા એવા એક પત્રલેખકના પ્રશ્નના ઉત્તરમાં જૂન ૧૯૨૪માં ‘નવજીવન’ના એક લેખમાં તેઓ લખે છેઃ “એવો અવસર મારી જિંદગીમાં હતો કે જ્યારે હું રામને શ્રીરામચંદ્રપ્રભુ રૂપે ઓળખતો. પણ એ અવસર વીતી ગયો છે. રામ તો મારે ઘેર આવ્યા છે... તે જ રામને હું ભંગીમાં ને બ્રાહ્મણમાં જોઉં છું તેથી બંનેને વંદન કરું છું” (૨૪. ૧૮૪). એક વર્ષ પછી એમણે ‘રામનામ મહિમા’ ઉપર બીજો એક લેખ લખ્યો (૨૭. ૯૩). ગાંધીજીના હૃદય ઉપર રામનામનો આ પ્રચાર એમની કવિચેતનાનો જ અનુભવ હતો. કવિઓએ રામ ને સીતાનો અરણ્યની વનસ્પતિસૃષ્ટિ ને પ્રાણીસૃષ્ટિ સાથે આત્મીયતાનો સંબંધ કલ્પ્યો છે અને તેમનો પ્રેમ એ સૃષ્ટિના સૌંદર્ય સાથે એકરૂપ બની જતો લાગે છે. રામાયણની ભાવનાસૃષ્ટિમાં પ્રેમ ને સૌંદર્યનાં આવા મિશ્રણનું પૂર્ણ જાદુ ગાંધીજીએ અનુભવ્યું હતું. સને ૧૯૩૧માં એક પ્રસંગે લંડનમાં ભાષણ કરતાં તેઓ કહે છે : “હું ઈશ્વરને ‘ઈશ્વર’ નામે ભજી શકતો નથી. એ નામ મારા હૃદયને સ્પર્શ કરતું નથી. પરંતુ જ્યારે હું ઈશ્વરનું રામરૂપે સ્મરણ કરું છું ત્યારે શરીર આનંદથી પુલકિત બની જાય છે. એમાં કાવ્યનું જાદુ ભર્યું છે” (48. 127). એ જાદુના ઉત્સાહથી પ્રેરાઈ સને ૧૯૩૪માં એક બીજા પ્રસંગે ગાંધીજી કાવ્યમય વાણીમાં શ્રેતાઓને ઉદ્બોધે છે: “રામનામ આ દેશનાં પશુપંખીઓને અને શિલાઓને પણ હજારો વર્ષથી પરિચિત છે. તમે એ પવિત્ર નામનું એવી મધુરતાથી અને એવા ભક્તિભાવથી રટણ કરતાં શીખો કે પંખીઓ એમનું ગાન બંધ કરી તમને સાંભળી રહે અને વૃક્ષો પણ એ નામના દિવ્ય સંગીતથી પ્રફુલ્લિત બની એમનાં પત્રરૂપી કર્ણોને તમારી તરફ નમાવે” (57.446). રામનામના આવા પ્રભાવે સૃષ્ટિસૌંદર્ય પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિને પણ પ્રેમ ને ધર્મભક્તિના રંગે રંગી હતી. સને ૧૯૨૧ના એપ્રિલ માસમાં તેઓ સિંધના અને ઑગસ્ટ માસમાં આસામના પ્રવાસે ગયા હતા, ત્યાં સિંધુ ને બ્રહ્મપુત્રા નદીના સૌંદર્ય એમના મનમાં જે વિચારો ને ભાવ પ્રેર્યા હતા તેના વર્ણનમાં (૨૦. ૪૫, ૨૧. ૫૦, ૭૬) ગાંધીજીની સૌંદર્યદૃષ્ટિની આ ભાવના પ્રગટ થઈ છે. પરંતુ ૧૯૨૫ના માર્ચ માસમાં તેઓ કન્યાકુમારીની યાત્રાએ ગયા હતા તે અનુભવના વર્ણનમાં (૨૬. ૨૭૭-૮) સૃષ્ટિસૌંદર્યનો અનુભવ ગાંધીજી માટે શુદ્ધ ધર્મપ્રેરણાનો અનુભવ બની જતો જણાય છે. બીજે દિવસે એ અનુભવની સ્મૃતિએ ગાંધીજીના હૃદયમાં એવી ઉત્કટ સેવાભાવના ઊભરાય છે કે એનું વર્ણન કરતાં પણ એમની કલમ ધ્રૂજે છે (૨૬. ૨૮૫). રામાયણકથાના સંસ્કારે ગાંધીજીના હૃદયની એક બીજી ભાવનાને પણ પોષી હશે. ત્યાગશીલ સ્ત્રીઓ પ્રત્યે તેઓ હમેશાં પૂજ્યભાવ અનુભવતા અને સ્વેચ્છાએ પાળેલા વૈધવ્યનું ભક્તિપૂર્વક ગૌરવ કરતા. એમને એ હૃદયભાવ આ અરસામાં લખાયેલા બે લેખો, ‘ત્યાગમૂર્તિ’ (૨૩. ૫૦૧-૪)ને ‘ગં.સ્વ. વાસંતીદેવી’ (૨૭. ૨૭૨-૪),માં આકર્ષક રૂપે પ્રગટ થયો છે. પરંતુ પવિત્ર સ્ત્રીઓ પ્રત્યેનો ગાંધીજીનો ભક્તિભાવ, સદીઓ સુધી હિંદુ સમાજમાં બની રહ્યો હતો તેમ, વિકૃત નથી બનતો અને તેમને બળાત્કારે પળાવેલા વૈધવ્યનું પણ ગૌરવ કરવા નથી પ્રેરતો; બલકે, એવા વૈધવ્યનો તેઓ દૃઢતાપૂર્વક વિરોધ કરતા રહ્યા હતા (૧૬. ૨૨૧-૩, ૧૭, ૪૦૮-૧૦, ૨૭, ૩૨૫-૬, ૩૦. ૩૫-૬, ૩૪. ૧૩૪–૫). રામાયણકથાના સૌંદર્યસંસ્કારે ગાંધીજીને જે વિનમ્ર ભક્તિભાવની ઝાંખી કરાવી તે એમને માટે સર્જનપ્રેરક નીવડી. સને ૧૯૨૪થી ૧૯૩૦ સુધીના છ વર્ષના ગાળામાં એમની કલમે તેની ચાર શ્રેષ્ઠ સિદ્ધિઓ, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘અનાસક્તિયોગ’ ને ‘મંગળપ્રભાત’ આપી, જેમાં એમની નવપ્રાપ્ત નિર્મમતા ને ચિત્તપ્રસન્નતા સ્વચ્છ ગદ્યપ્રવાહ રૂપે વહે છે અને વાચકને કોઈ વિલક્ષણ પ્રકારના સાત્ત્વિક, શીતળ અંતરપ્રકાશનો અનુભવ કરાવે છે. વ્યવહારુ જીવનની અહંકેન્દ્રી ચેતનાની મૃદુ ને પારદર્શક બનેલી સપાટી તળેથી સ્ફુરી રહેલો એ પ્રકાશ ભારતીય આધ્યાત્મિક પરંપરાના એક નવા ઉન્મેષ જેવો લાગે છે અને ગાંધીજીના શબ્દસર્જનને કાવ્યની વાણીની ચમત્કૃતિનો સ્પર્શ આપે છે. ‘દ.આ.સ.ઇ.’ને ‘આત્મકથા’માં તેમણે સત્યાગ્રહના પહેલા પ્રયોગની અને પોતાના જીવનમાં પ્રગટ થયેલી નવીન સત્યભાવનાની વિકાસકથા આલેખી અને કવિના અનાસક્તભાવે એ ભૂતકાળને તાદૃશ બનાવી સત્યપૂજાને વરેલા એક જીવનનું ચિરંજીવ ચિત્ર આપ્યું. એ ચિત્ર ઐતિહાસિક છે એટલું જ કલ્પનાનું સર્જન છે, પરંતુ તેથી તે અયથાર્થ નથી. ઇતિહાસકાર કરતાં કવિની દૃષ્ટિ હમેશાં સત્યનું વધુ ઊંડું દર્શન કરતી હોય છે. ઇતિહાસકાર વાસ્તવિક ઘટનાઓની વિગતોને પ્રાધાન્ય આપે છે: કવિ બનેલી કે કલ્પેલી ઘટનાઓને પ્રેરતા હૃદયભાવોને પ્રત્યક્ષ કરવા-કરાવવા ઇચ્છતો હોય છે અને એના આલેખનમાં ક્યારેક ઘટનાઓના વિગતદોષો આવી જાય છે ત્યારે પણ તે મનુષ્યહૃદયની સૂક્ષ્મ સ્ફુરણાઓને સાકાર કરતો હોય છે. ‘દ.આ.સ.ઇ.’ને ‘આત્મકથા’માં ગાંધીજીએ પોતાના ભૂતકાળનું આપેલું ચિત્ર એવું એક કવિદૃષ્ટિના ઇતિહાસલેખકે આલેખેલું ચિત્ર છે અને મનુષ્યની આંતરખોજની યાત્રામાં તે એક નવા ઉપક્રમની સિદ્ધિ બની રહ્યું છે. ‘દ.આ.સ.ઈ.’નાં પ્રકરણો ગાંધીજીએ તા.૨૬-૧૧-૧૯૨૩ના રોજ યરવડા જેલમાં લખવાનાં શરૂ કર્યા. અને તે તા.૧૩-૪-૧૯૨૪થી ૨૨-૧૧-૧૯૨૫ સુધીના ગાળામાં ‘નવજીવન’ના અંકમાં છપાયાં. અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી સત્યાગ્રહની અસરકારકતા વિશે પ્રજામાં શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી; ગાંધીજીએ એ પણ જોયું કે પ્રજા સત્યાગ્રહનું સ્વરૂપ સમજી જ નહોતી. એટલે ‘દ.આ.સ.ઈ.’માં એમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજી માનતા ને કહેતા કે એમની સર્વ લડતોમાં દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સૌથી શુદ્ધ ને સફળ રહ્યો હતો. એમના પોતાના આધ્યાત્મિક વિકાસમાં પણ દક્ષિણ આફ્રિકાનાં વીસ વર્ષ મૂલ્યવાન નીવડ્યાં હતાં. એટલે એ વર્ષોની ગાંધીજીને સુખદ સ્મૃતિ રહી હતી અને તેમની કલમે એવા પ્રેમ અને ઉત્સાહના ઉમળકાથી લડતનો ઇતિહાસ આલેખ્યો છે કે કૃતિ માત્ર રાજકીય ઇતિહાસનો દસ્તાવેજ બનવાને બદલે, કળાકૃતિ હોવી જોઈએ તેમ, અનુભવકથા બની છે, જેમાંથી સત્યાગ્રહના સિદ્ધાંતોનું સ્વરૂપ સરળતાથી સ્પષ્ટ થતું જાય છે. એ સિદ્ધાંતોની ગાંધીજીએ પ્રસંગોપાત્ત ચર્ચા કરી છે, અને સત્યાગ્રહ ને પૅસિવ રેસિસ્ટન્સ વચ્ચેનો ભેદ સમજાવવા એક આખું પ્રકરણ રોક્યું છે, પરંતુ સત્યાગ્રહ એ માત્ર બુદ્ધિએ ગોઠવેલો કોઈ આચરણ-નિયમ નથી, હૃદયની ઊંડી ભાવના છે, અને તેનું સ્વરૂપ એ ભાવનાની પ્રેરણાને અનુસરનાર કોઈ વ્યક્તિના જીવનમાંથી સમજાય. ‘દુ.આ.સઈ.’માં ગાંધીજીની કલમે એમના વ્યક્તિત્વનું એવું સર્જનાત્મક ચિત્ર આલેખ્યું છે, એમનો સત્યપ્રેમ ને એમની અહિંસા, એ ચિત્રમાંથી જ પ્રગટ થાય છે અને વાચકની કલ્પનાને કોઈ નવા જીવન આદર્શની પ્રતીતિ કરાવે છે. રાજકીય ઇતિહાસ શરૂ કરતા પહેલાં ગાંધીજીએ જે દેશમાં ને જે પ્રજા વચ્ચે હિંદી કોમની લડત ચાલી હતી તેમનું વર્ણન આપ્યું છે. એ વર્ણનમાં જ એક જીવંત વ્યક્તિત્વનો સ્પર્શ શરૂ થઈ જાય છે. જોહાનિસબર્ગ, જ્યાં રહી ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી હતી, તે માત્ર ટ્રાન્સવાલનું સૌથી ધનાઢ્ય શહેર નહોતું પણ “વિશાળ સુશોભિત બંગલાઓ”વાળી “દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી હતું” જેના “શહેરીઓ ચાલતા નથી પણ દોડતા જેવા લાગે છે” “અને સહુ કેમ વધારેમાં વધારે ધન થોડામાં થોડા વખતમાં મેળવી શકે એ જ વિચારમાં ગરકાવ થઈ ગયેલા જોવામાં આવે છે!” નાતાલની જમીન એટલી ફળદ્રુપ છે કે ત્યાં “ઘણી જાતનાં અને ઘણાં સરસ કેળાં, પપૈયાં અને અનનાસ પાકે છે”, નાતાલમાં તેમ જ બીજા પ્રદેશોમાં નારંગી, સંતરાં, “પીચ” અને એપ્રિકોટ (જરદાળુ) તથા કેપ કૉલોનીમાં લીલી દ્રાક્ષ ને પ્લમ વિપુલ પ્રમાણમાં પાકતાં. “મુંબઈની આફૂસ પાયરી સાથે.....હરીફાઈ કરી શકે” એવી કેરી પાકતી અને “રસિયા હિંદીઓએ હિંદુસ્તાનનો લગભગ બધો ભાજીપાલો ત્યાં ઉગાડેલો...” ગાંધીજીની સૌંદર્યપ્રેમી દૃષ્ટિ એ પણ નોંધે છે કે “કુદરતે પોતાની બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી.” સૌથી સુંદર દૃશ્ય જેની તળેટીએ કેપટાઉન વસેલું છે તે ‘ટેબલ માઉન્ટ’નું હતું. તેના એક સ્ત્રીકવિએ કરેલા વર્ણન સાથે સંમત થતાં ગાંધીજી લખે છે: “... અને કેવળ દરિયાકિનારે હોવાથી સમુદ્ર પોતાના સ્વચ્છ જળથી હંમેશા તેનું પાદપૂજન કરે છે. અને ચરણામૃત પીએ છે.... એમાં વિશાળ ઝાડો, સુગંધી અને રંગબેરંગી પુષ્પો આખા પહાડને એટલો બધો શણગારે છે કે માણસને જોતાં ને ફરતાં તૃપ્તિ જ ન થાય” (પૃ. ૧–૭). આ વર્ણનો એટલી સ્વાભાવિકતાથી ગાંધીજીની કલમમાંથી વહેતાં જણાય છે કે વાચકને એક સતત જાગ્રત ને સૌંદર્યપ્રેમી ચેતનાનો સ્પર્શ કરાવે છે. જે ઉમળકાથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ભૂમિપ્રદેશ વર્ણનનું કર્યું છે તેવા જ ઉમળકાથી તેમણે ત્યાંની બે પ્રજાઓ વલંદા અથવા બોઅર અને ઝૂલુઓનું વર્ણન કર્યું છે. નિર્દોષ, કુદરતનાં બાળકો જેવા ઝૂલુઓની ગોળ ને તેજસ્વી આંખો, તેમનું ચપટું ને મોટા મોઢાને શોભે એવું નાક અને સીસમ જેવી કાળી ને ચળકતી ચામડી ઉપર શોભી નીકળતા માથાના ગૂંચળિયા વાળમાં તેઓ એક નવા પ્રકારનું સૌંદર્ય જુએ છે અને લખે છે, “ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે.” ઘાસમાટીની ગોળ દીવાલો ને ઘાસનાં છાપરાંવાળાં એમનાં ઝૂંપડાંઓ ગાંધીજીને મહેલ જેવાં લાગે છે અને ઝૂલુઓની નિર્વસ્ત્ર સ્થિતિમાં તેઓ શુકદેવજીની નિર્દોષતા જુએ છે. એમની “અત્યંત મધુર... ભાષાના અવાજ" ગાંધીજીના “કાનને હળવા ને મધુર લાગે છે અને તેના શબ્દોમાં, તેમની કાવ્યદૃષ્ટિ કહે છે, “અર્થ ને કાવ્ય બંને રહેલાં” હોય છે. અને એમની “સ્વાભાવિક અવસ્થામાં જેટલે દરજ્જે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજજે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ”, ગાંધીજી નમ્રતાથી લખે છે, “શંકા ભરેલી વાત છે” (પૃ. ૮-૧૧). ઝૂલુઓ પ્રત્યેની આ માનવતાભરી દૃષ્ટિ પાછળથી ગાંધીજીના જીવનમાં એક મહાન પરિવર્તન લાવી. સને ૧૯૦૬ના ઝૂલુબંડ વેળા હિંદીઓની સારવાર ટુકડીને ઘવાયેલા ઝૂલુઓની સારવાર કરવાનું આવ્યું હતું. ઝૂલુઓની દયાજનક સ્થિતિનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે: “હબસીઓાની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા, કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું.” આ સેવાકાર્યે ગાંધીજીને શુદ્ધ કરુણાનો અનુભવ કરાવ્યો અને તેમની સેવાવૃત્તિને તીવ્ર કરી મૂકી. એમણે બે નિર્ણયો કર્યા: “એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો એ કે સેવાધર્મ’ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જેઈએ” (પૃ. ૯૨). જેમની સામે ગાંધીજીએ દર્શ વર્ષ, ૧૯૦૩થી ૧૯૧૩, સુધી લડત ચલાવી તે બોઅર પ્રજાના સદ્ગુણોનું પણ એમણે ઝુલુઓનું કર્યું છે એટલે જ ઉમળકાથી વર્ણન કર્યું છે. એ પ્રજાએ, ગાંધીજી લખે છે, “પોતાની ભાષા તો જેમ બાળક માતાને સેવે છે તેવી રીતે જાળવી રાખી છે” અને “તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની ઉપર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે.” બોઅર સ્ત્રીઓ પણ એટલી જ બહાદુર હતી. સને ૧૮૯૯-૧૯૦૦ના બોઅર યુદ્ધ વેળા એમને ખાસ જુદા વાડાઓમાં રાખવામાં આવી હતી, જ્યાં તેમના ઉપર “અસહ્ય વિપત્તિઓ" પડી પણ તે નમી નહિ, અને તેમની યાતનાઓના સમાચાર સાંભળી એક અંગ્રેજ રાજપુરુષે જાહેરમાં પ્રાર્થના કરી કે “એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે” (પૃ. ૧૪-૭). બોઅર પ્રજાના હિંદીઓ પ્રત્યેના દ્વેષનો ગાંધીજીએ કંઈક વિગતે ઈતિહાસ આપ્યો છે, પરંતુ તે એટલી સ્વસ્થતાથી કે તેમાં ક્યાંય કડવાશનો સ્પર્શ નથી. ઊલટું, એમણે પરિસ્થિતિને બોઅરોની દૃષ્ટિએ પણ જોવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રાન્સવાલમાં પ્રેસિડન્ટ ક્રૂગરે એક પ્રસંગે એને મળવા ગયેલા હિંદી પ્રતિનિધિઓને ઘરમાં પણ નહોતા બોલાવ્યા અને કહ્યું હતું: “તમે તો ઇસ્માઈલની ઓલાદ છો એટલે તમે ઇસોની ઓલાદની ગુલામી કરવાને જ જન્મેલા છો.” આમાં, ગાંધીજીની અહિંસક સત્યબુદ્ધિ કહે છે, “દ્વેષ કે રોષ હતો એમ આપણાથી નહીં કહી શકાય” પ્રેસિડન્ટ ક્રૂગરની કેળવણી જ એવી હતી કે તેણે જે કહ્યું તેમાં તે માનતો, “અને જે માણસ જેવું માનતો હોય તેવું જ નિખાલસ દિલથી કહે તેમાં તેનો દોષ શો કાઢી શકાય?” (પૃ. ૩૨). જનરલ સ્મટ્સ ને બીજા ચારિત્ર્યવાન ગોરાઓ રંગભેદના કાયદાઓના સમર્થનમાં પૂર્વની સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ માટે ભયરૂપ હોવાની તત્ત્વજ્ઞાનના આડંબર જેવી દલીલ કરતા તેનો ગાંધીજી નિષ્પક્ષપાતપણે સાર આપે છે અને લખે છે: “આટલી ઝીણવટમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. હું ઇચ્છું કે વાંચનાર જુદી જુદી દૃષ્ટિઓ સમજે અને જેઓ આજ લગી તેમ ન કરતા આવ્યા હોય તેઓ જુદી જુદી દૃષ્ટિઓને માન આપવાની અને સમજવાની ટેવ પાડે” (પૃ. ૮૭). અને નાતાલના અંગ્રેજો પણ, એમના અજ્ઞાનમાં, હિંદુસ્તાનની આખી વસ્તી નાતાલમાં ઠલવાય તો એમનું શું થાય એવો ભય રાખતા તેનો ઉલ્લેખ કરી ગાંધીજી લખે છે, “તેમાં તેમનો દોષ કેમ કાઢી શકાય?” (પૃ. ૨૯). ગાંધીજીની આ સત્યદૃષ્ટિ વાચકને એ પણ યાદ દેવડાવે છે કે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ કરતા હતા તે દોષ આપણે પણ ભારતમાં કરીએ છીએ. હિંદીઓ માટે જુદા રાખવામાં આવેલા વાડાઓની ગંદકીનો ઉલ્લેખ કરી તેઓ લખે છે, “એટલે આપણે ટ્રાન્સવાલની પંચમ જાતિ બન્યા” (પૃ. ૩૩). ગાંધીજીની સત્યદૃષ્ટિ ને અહિંસાભાવના તેમને ગોરાઓ પ્રત્યે કડવાશ નહોતી અનુભવવા દેતી એટલું જ નહિ, કોઈ ગોરાઓમાં ઉમદા ગુણો જોતા ત્યારે તેમની પ્રત્યે તેઓ પૂરા હૃદયનો આદર અનુભવતા. ક્રેપ કલોનીનાં કેટલાક “પ્રૌઢ, વિનયી અને ઉદાર દિલના" ગોરાઓનો એમને એવો સુખદ અનુભવ થયો હતો કે તેઓ ઉત્સાહથી લખે છે : “મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન થઈ ન શકે.” એવા એક મનુષ્યપુષ્પનું વર્ણન કરતાં ગાંધીજીનું હૃદય પ્રેમથી ઊભરાઈ રહે છે. ઑલિવ શ્રાઈનર નામની એક “વિદુષી બાઈ”નો “મનુષ્યમાત્ર પરનો પ્રેમ... અનહદ હતો. તેની આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમનો ઝરો જ વરસતો હોય” (પૃ. ૩૫). એવા એક બીજા અંગ્રેજ ‘મનુષ્યપુષ્પ’નું નામ સિમંડ્ઝ હતું. એ એવો “પરદુઃખભંજન” હતો કે ૧૮૯૭ની સાલમાં તે મુંબઈ હતો ત્યારે “મરકીના હિંદી દર્દીઓમાં તે બેધડક થઈને રખડેલ, અને તેઓને તેણે મદદ કરેલ. ચેપી રોગવાળાઓને સહાય કરતાં લેશમાત્ર પણ ડર ન રાખેવો એ તો તેના ખમીરમાં ઘડાઈ ગયું હતું.” ગાંધીજીને એનો દક્ષિણ આફ્રિકામાં પરિચય થયો હતો અને ૧૯૦૬માં તેઓ હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે ઇંગ્લંડ ગયા ત્યારે સિમંડ્ઝે પોતે એમને ખોળી કાઢ્યા અને કારકુન, ટાઇપિસ્ટ, પટાવાળો, ગાંધીજીને જે સેવાની જરૂર પડી તે બધી કંઈ ફી લીધા વિના તેણે આપી. “પરોપકાર એ”, ગાંધીજી લખે છે, “ઘઉંવર્ણી ચામડીનો જ વારસો નથી એ મેં તો ઘણે પ્રસંગે અનુભવેલું છે” (પૃ. ૧૧૪-૫). આવાં પવિત્ર સ્મરણોમાં ગાંધીજીને સૌથી પ્રેમભર્યું સ્મરણ ખ્રિસ્તી પાદરી રેવરન્ડ જે. ડોકનું બની રહ્યું હતું. ગાંધીજીએ એમનામાં ઈશુનો પ્રેમઉપદેશ મૂર્તિમંત થયેલો જોયો હતો. હિંદી કોમની જે કંઈ સેવા થઈ શકે તે કરવા તેઓ ઉત્સુક હતા, કારણ કે, તેઓ ગાંધીજીને કહે છે, “ઈશુના જીવનનું ચિંતન કરીને હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દુખિયારાંના દુઃખમાં ભાગ લેવો.” સને ૧૯૦૮ના ફેબ્રુઆરી માસમાં મીરઆલમે ગાંધીજી ઉપર હુમલો કર્યો ત્યારે સારવાર માટે તેમણે કોઈ હૉસ્પિટલમાં જવાને બદલે ડોકને ઘેર રહેવાનું પંસદ કર્યું હતું, અને એમના કુટુંબે જે પ્રેમથી ગાંધીજીની સેવા કરી હતી તે તેઓ ક્યારેય ભૂલી શક્યા નહોતા. એમની વિનંતીથી ડોકની કિશોર પુત્રીએ ગાંધીજીનું પ્રિય ભજન ‘Lead Kindly Light’ ગાયું હતું. “એ આખું દૃશ્ય”, તેઓ લખે છે, “મારી નજર આગળ તરે છે અને ઑલિવના દિવ્ય સૂરના ભણકારા હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યા છે” (પૃ. ૧૬૦). પ્રેમના આવા આકર્ષણની સાથે ગાંધીજીમાં દ્વેષ કે હિંસાનો ઉત્તર દ્વેષ કે હિંસાથી નહિ આપવાની અસાધારણ શક્તિ હતી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી પહેલા જ અઠવાડિયા દરમિયાન એમને જે અનુભવ થયા હતા તે, તેઓ લખે છે, “એમના હાડમાં પેસી ગયા” હતા (પૃ. ૩૯). પરંતુ જન્મજાત બક્ષિસ જેવી એમના સ્વભાવની અહિંસાવૃત્તિને તે સ્પર્શી શક્યા નહોતા. એક પ્રસંગના વર્ણનમાં ગાંધીજીએ એ અહિંસાવૃત્તિની આશ્ચર્યકારક શક્તિની પ્રતીતિ કરાવી છે. સને ૧૮૯૬માં છ માસ માટે ભારત ગયા હતા ત્યાંથી કુટુંબ સાથે તેઓ પાછા ફર્યા ત્યારે, ભારતમાં એમની પ્રવૃત્તિઓના અતિશયોક્તિભર્યા છાપાંના અહેવાલો ઉપરથી ઉશ્કેરાયેલા ગોરાઓએ એમને ૨૩ દિવસ સુધી વહાણમાંથી ઊતરવા ન દીધા અને છેવટે તેઓ ઊતરી શક્યા ત્યારે તોફાને ચઢેલા ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો હતો તેનો ગાંધીજીએ તાદૃશ, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતાથી ને કંઈક વિનોદવૃત્તિથી ચિતાર આપ્યો છે. પ્રસંગનું વર્ણન એક ટૂંકી વાર્તા જેવું બન્યું છે. એના આલેખનમાં કળાકારની જે તટસ્થતા પ્રગટ થાય છે તે ઉચ્ચ કક્ષાની અહિંસાનો જ આવિર્ભાવ છે. ગાંધીજી પોતે પણ લખે છે કે તેમણે જીવતા ઘેર પહોંચવાની આશા લગભગ છોડી દીધી હતી ત્યારે પણ “મને એટલું બરાબર યાદ છે કે... મારું હૃદય આ મારનારાઓનો દોષ લેશમાત્ર કાઢતું ન હતું” (પૃ. ૫૫). હુમલો કરનારાઓ ઉપર કામ ચલાવવાની લંડનથી સૂચના આવી, અને નાતાલના ન્યાયપ્રધાને ગાંધીજીને તેઓ હુમલાખોરોમાંથી કોઈને ઓળખી શકે એમ પૂછયું, તેનો એમણે ઉત્તર આપ્યો: “મારે વિષે જે તેઓએ સાંભળ્યું તે બધું ખરું હોય તો તેઓ ઉશ્કેરાઈ જાય અને ગુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખે, એમાં હું તેમનો દોષ ન કાઢું. ઉશ્કેરાયેલાં ટોળાં એ જ રીતે ઈન્સાફ લેતાં આવ્યાં છે” (પૃ. ૫૯). એવી જ અહિંસાભાવનાથી ગાંધીજીએ મીરઆલમ ઉપર કામ ચલાવવાની ના પાડી. રેવ. ડોકને ઘેર ભાન આવતાં જ એમણે પૂછયું, “મીરઆલમ ક્યાં છે?” અને તે અને તેના સાથીઓ પકડાઈ ગયા છે જાણી કહ્યું, “તેઓ છૂટવા જોઈએ” (પૃ. ૧૫૯). આવી અહિંસાવૃત્તિ સામાન્ય રીતે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ટાળવા પ્રેરે છે. ભારતીય ને ખ્રિસ્તી પરંપરાઓમાં શુદ્ધ આધ્યાત્મિક જીવનના અભિલાષી માટે શાંતિમય જીવન આવશ્યક મનાયું છે. પણ ગાંધીજીના સ્વભાવમાં અહિંસાના બ્રાહ્મણધર્મની સાથે અન્યાયની અસહિષ્ણુતાનો ક્ષત્રિયગુણ ભળ્યો હતો અને ‘દ. આ. સ. ઇ’માં એમની કલમે પરસ્પરવિરોધી દેખાતા એ ગુણોના વિરલ મિશ્રણનું ચિત્ર આપ્યું છે. ઝૂલું બંડ વેળા હિંદી કોમે સરકારને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી હતી તેની કદર કરવાને બદલે ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ હિંદી કોમના સ્વમાન ઉપર પ્રહાર કરતા એક રજિસ્ટ્રેશન ઑર્ડિનન્સનો મુસદ્દો તૈયાર કર્યો. એ ઑર્ડિનન્સ ગાંધીજીને એટલો અપમાનજનક લાગ્યો કે “જેમ જેમ” તેઓ લખે છે, “એની કલમો હું વાંચતો ગયો તેમ તેમ હું કાંપતો હતો. હું એમાં હિંદીઓના દ્વેષ સિવાય કંઈ જ જોઈ ન શક્યો” (પૃ. ૯૩). દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના અપમાનમાં એમણે સમગ્ર હિંદુસ્તાનનું અપમાન જોયું અને તેમની સ્વદેશભક્તિ એ કોઈ રીતે સહન કરી શકે એમ નહોતું. એમના વિરોધની ઉગ્રતા એટલી હતી કે તેમણે ઑર્ડિનન્સને ખૂની કાયદા તરીકે એળખાવ્યો. એમના જુસ્સાએ બીજા નેતાઓને પણ ઉત્તેજિત કર્યા અને ગાંધીજીની પ્રેરણાથી તેમણે ઑર્ડિનન્સ મંજૂર થાય તો તેનો ભંગ કરવાનો ઠરાવ કરવા જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં તા.૧૧-૯-૧૯૦૬ના રોજ હિંદીઓની એક સભા બોલાવી, એ સભામાં એક નેતા એવા આવેશમાં આવી ગયા કે એમણે ખુદાને સાક્ષી રાખી ઑર્ડિનન્સને તાબે નહિ થવાની પ્રતિજ્ઞા કરવાનું સૂચન કર્યું, અને ગાંધીજીએ એવી પ્રતિજ્ઞાની ગંભીરતા સમજાવ્યા છતાં “છેવટે આખી સભાએ ઊભા રહીને, હાથ ઊંચા કરીને, ઈશ્વરને સાક્ષી ગણીને, કાયદો પસાર થાય તો તેને શરણ ન થવાની પ્રતિજ્ઞા કરી.” “એ દેખાવ”, ગાંધીજી લખે છે, “હું તો કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. લોકોના ઉત્સાહનો પાર નહોતો” (પૃ. ૧૦૧). વાચક પણ એ ઉત્સાહનો અનુભવ કરે એવી રીતે ગાંધીજીએ આખા પ્રસંગનું વર્ણન કર્યું છે. દશેક માસ પછી ઠરાવનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં સભા ભરાઈ તેમાં એટલો જ ઉત્સાહ હતો. ગાંધીજીએ એને અહમદ મહમદ કાછલિયા નામના એક વક્તાના ચિત્રમાં તાદૃશ કર્યો છે. કાછલિયાએ ટૂંકું પણ જુસ્સાભર્યું ભાષણ કર્યું : “જેલમાં નાખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી દેશે. એ બધું સહન થઈ શકે, પણ આ કાયદો તો સહન ન જ થાય.” “...આ બધું બોલતાં”, ગાંધીજી લખે છે, “અહમદ મહમદ કાછલિયા ખૂબ ઉશ્કેરાતા જતા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગળાની ને માથાની રગો લોહીના જોરથી ઊપસી નીકળી હતી. શરીર કાંપતું હતું. પોતાનાં જમણા હાથનાં ખુલ્લાં આંગળા ગળા ઉપર ફેરવતા તે ગરજી ઊઠ્યા, ‘હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં ..." ગાંધીજીની દૃષ્ટિએ લડતના નાયક હવે આ “પુરુષસિંહ” બની રહ્યા (પૃ. ૧૨૪-૬). કોમનો ઉત્સાહ એટલો બધો હતો કે તેની સામે કેવાં પગલાં લેવાં તેનો સરકાર નિર્ણય ન કરી શકી. છ માસ પછી પહેલી ધરપકડ થઈ અને કોમમાં “ખળભળાટ થયો.” એ “પહેલો સત્યાગ્રહી” પંડિત રામસુંદર "ફૂટી બદામ” નીવડ્યો (પૃ. ૧૩૦-૧), પરંતુ કોમના ઉત્સાહમાં તેથી ફેર ન પડ્યો અને “પકડાપકડી” શરુ થઈ ગઈ(પૃ. ૧૩૬). ગાંધીજીને પણ પકડ્યા. તેમની ધરપકડ પછી વીસેક દિવસે કંઈક સમાધાન જેવું થયું, પરન્તુ તે ભાંગી પડ્યું. ઘણા હિંદી નેતાઓને લાગ્યું હતું કે સમાધાન કરવામાં ગાંધીજીએ ભૂલ કરી છે, તોપણ તેમની નેતાગીરીમાં શ્રદ્ધા રાખી તેઓ ફરી સત્યાગ્રહ કરવા તૈયાર થયા. સમાધાનીની શરત પ્રમાણે હિંદી કોમે મરજિયાત પરવાના કઢાવ્યા હતા તેની જાહેરમાં હોળી કરવા એક સભા બોલાવવામાં આવી. તે પ્રસંગનાં ઉત્સાહ ને ઉત્તેજના પહેલી બે સભાઓને કરતાં પણ વધારે હતાં અને ગાંધીજીની કલમે તેમને પૂરો ન્યાય આપ્યો છે. તાત્કાલિક ઉત્તેજના શમી જતાં સત્યાગ્રહીઓની સંખ્યા ઓછી થઈ ગઈ, પરંતુ જેઓ રહ્યા તેઓ કસોટીમાંથી સફળ પાર ઊતર્યા અને એમની નિષ્ઠાનું ગાંધીજીએ અહોભાવપૂર્વક વર્ણન કર્યું છે. “તેઓની બહાદુરીનો પાર ન હતો”, ગાંધીજી લખે છે. “ તેમાંના કેટલાક હસતે ચહેરે ફાંસીએ પણ ચડે એવા હતા” (પૃ. ૨૧૧). એમનો જુસ્સો તોડવા સરકાર બધું કરી છૂટી. “જેલમાં સત્તાવાળાઓએ દુઃખ દેવામાં બાકી ન રાખી. પાયખાનાં સાફ કરાવ્યાં... પથ્થર ફોડાવ્યા... તળાવો ખોદાવ્યાં. પથ્થરવાળી જમીનો ખોદાવી. હાથમાં આંટણો પડ્યાં, કોઈ અસહ્ય દુઃખથી મૂર્છા પણ પામ્યા; પણ હાર્યા નહીં (પૃ. ૨૦૯). સત્યાગ્રહીઓનો આ જુસ્સો ગાંધીજીને આનંદ આપે છે. તેમાંના એક, સોરાબજી શાપુરજી અડાજણિયા, “પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા” અને ગાંધીજીએ તેમનો પરિચય આપવામાં એક આખું પ્રકરણ રોક્યું છે (પૃ. ૨૦૦-૫) એક બીજા સત્યાગ્રહી, ઇમામસાહેબ અબ્દુલ કાદર બાવાઝીર, આરામમાં રહેવા ટેવાયેલા હોવા છતાં “આદર્શ કેદી તરીકે રહ્યા” અને નાજુક તબિયતે પણ તેમણે જેલનાં બધાં કષ્ટ સહ્યાં. જેલની તપશ્ચર્યાંથી શુદ્ધ થઈ તેઓ ગાંધીજીના કાયમના સાથી બન્યા અને ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમની સાથે સત્યાગ્રહ આશ્રમમાં પણ આવીને રહ્યા (પૃ. ૨૦૮). એક ગરીબ તામિલ નવયુવાન નાગાપને પણ “જેલના નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવી તે મજૂરી કરી" અને પરિણામે માંદા પડી “પોતાનો વહાલો પ્રાણ આપ્યો.” અંત સુધી તે “લડતનું જ સ્તવન” કરતો રહ્યો. “જેલ જવાથી તેને પશ્ચાત્તાપ ન થયો. દેશને ખાતર મળેલા મોતની તેણે મિત્રની જેમ ભેટ કરી.” એની વીરતાને અંજલિ આપતાં ગાંધીજી લખે છે : "ભારે વિદ્વાનો ન ભળ્યા છતાં ટ્રાન્સવાલની લડત ચાલી શકી. પણ નાગાપન જેવા સિપાહી ન મળ્યા હોત તો લડાઈ ચાલી શકત?” (પૃ. ૨૧૩-૪). એના જેવા બીજા ઘણા ગરીબ સત્યાગ્રહીઓને હિંદુસ્તાન દેશપાર કરવામાં આવ્યા હતા, જેમાંનો એક, નારાયણસ્વામી, વહાણ ઉપર માંદો પડી મૃત્યુ પામ્યો. આવા બધા સત્યાગ્રહીઓ ગાંધીજીના પ્રેમથી આકર્ષાઈને જ લડતમાં જોડાયા હતા. “મેં અનુભવે જોયું છે”, ગાંધીજી લખે છે, “કે લાગણી, મીઠો બોલ, મીઠી નજર જે કામ સાધે છે તે પૈસો નથી સાધી શકતો... પ્રેમને વશ રહેલા અનેક સંકટો સહન કરવા તૈયાર રહે છે” (પૃ. ૨૧૧). એવા પ્રેમબળના પ્રભાવે જ ગાંધીજી તૉલ્સ્તૉય ફાર્મ ઉપરના પ્રયોગો કરી શક્યા હતા. ફાર્મ ઉપર કેટલીક ખ્રિસ્તી બહેનો પણ હતી. તેમને માટે માંસની વ્યવસ્થા કરવી કે નહિ એ પ્રશ્ને ગાંધીજીને મૂંઝવ્યા. એમણે પોતાની મૂંઝવણ બહેનો સમક્ષ રજૂ કરી અને તેમણે, ગાંધીજી લખે છે, “પ્રેમભાવથી માંસ ન ખાવાનું સ્વીકાર્યું” (પૃ. ૨૨૪). બીજા કેટલાક નિયમો પણ કડક હતા. જોહાનિસબર્ગ તૉલ્સ્તૉય ફાર્મથી ૨૧ માઈલ દૂર હતું, પરંતુ ફાર્મવાસીઓમાંથી જેમને ત્યાં જવાની ઈચ્છા થાય તેમણે ચાલીને જવું એવો નિયમ હતો. આ નિયમનું પણ, ગાંધીજી લખે છે, “સહુ.... પ્રેમપૂર્વક પાલન કરતા. બળાત્કારે હું એક પણ માણસને ન રાખી શક્ત. યુવકો મુસાફરીમાં બધું કામ હસમુખે વદને ને કલ્લોલ કરતાં કરતા.” મજૂરીનું કામ તેમને “રીઝવીને લઈ શકાય એટલું જ... લેવાનો નિયમ રાખ્યો હતો” (પૃ. ૨૨૫-૬). પરંતુ એક પ્રસંગે ગાંધીજીની અહિંસા નિષ્ફળ ગઈ હતી એમ આજના વાચકને લાગશે. બાળકોની નિર્દોષતા ઉપર શ્રદ્ધા રાખી ગાંધીજી છોકરાછોકરીઓને છૂટથી હળવાભળવા દેતા. થોડે દૂર ઝરામાં નાહવા પણ તે સાથે જતાં. એક દિવસ એમાંના એક છોકરાએ બે છોકરીઓની મશ્કરી કરી. વાત સાંભળતાં જ ગાંધીજી ધ્રુજી ઊઠ્યા, અને ફરી કોઈ દિવસ કોઈ છોકરાને એવી વૃત્તિ ન થાય એ હેતુથી એમણે, એ બે છોકરીઓની માતાઓની સંમતિ મેળવી એમના વાળ કાપી નાખ્યા. માતાઓથી, ગાંધીજી લખે છે, “મારી સૂચના સહન તો ન થઈ પણ તેઓ મારો હેતુ સમજી શકી હતી.” અને “છોકરીઓ બંને ભવ્ય હતી..... છેવટે તે બંને સમજી” (પૃ. ૨૩૧). ગાંધીજીનો પ્રેમ અહીં બળાત્કાર બનતો લાગે છે, અને એવા બળાત્કારનાં પરિણામ હંમેશાં ઇષ્ટ નહોતાં આવ્યાં. ગાંધીજી પોતે જ લખે છે : “જે છૂટ હું ત્યાં આપી તેમ જ કેળવી શક્યો હતો તે છૂટ આપવાની કે કેળવવાની મારી હિંમત પણ આજે ન ચાલે, તે વેળા મારું મન આજ છે તેના કરતાં વધારે નિર્દોષ હતું એમ મને લાગ્યા કર્યું છે... ત્યાર બાદ હું ડંભાયો છું. મને કડવા અનુભવો થયા છે. જેને હું છેક નિર્દોષ સમજતો તે દોષિત નીવડ્યા છે. મારામાં પણ મેં ઊંડે ઊંડે વિકારો ભાળ્યા છે” “અને તેથી મન રાંક બન્યું છે” (પૃ. ૨૨૯). છેવટે ગાંધીજીની પ્રેમતપશ્ચર્યા ફળી. સને ૧૯૧૧ના મે માસમાં થયેલી કામચલાઉ સમાધાની ચાલુ હતી તે દરમિયાન, ૧૯૧૨ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીના સૂચનથી ગોપાળ કૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે આવ્યા અને તેમની સાથેની ચર્ચામાં દક્ષિણ આફ્રિકાના પ્રધાનોએ હિંદી કોમની બધી માગણીઓ સ્વીકારાશે એવું વચન આપ્યું. એ વચનનું સરકારે જ્યારે પૂરું પાલન ન કર્યું અને ગિરમીટમુક્ત મજૂરો ઉપરનો ૩ પાઉન્ડનો કર નાબૂદ ન કર્યો તથા એક કોર્ટના નિર્ણયના પરિણામે દક્ષિણ આફ્રિકામાં નોંધાયા ન હોય એવાં બધાં હિંદુ-મુસ્લિમ લગ્નો ગેરકાયદેસર ઠર્યાં ત્યારે લડત ફરી ઊપડી. જે વેપારી વર્ગના હિત માટે અને જેમના ટેકાથી અત્યાર સુધી લડત ચલાવવામાં આવી હતી તે વર્ગ આ છેલ્લી લડતમાં ન ભળ્યો, પરંતુ તેને બદલે તૉલ્સ્તૉય ફાર્મ ને ફિનિક્સમાં તાલીમ પામેલી સ્ત્રીઓ અને નાતાલની ખાણોના મજૂરોએ ગાંધીજીની પ્રેરણાનો ઉત્સાહભર્યો ઉત્તર આપ્યો અને લડતનો સફળ અંત આવ્યો. એ સ્ત્રીઓ ને મજૂરોનાં વીરતા ને આત્મભોગ ગાંધીજી માટે એક પ્રેરક સ્મૃતિ બની રહ્યાં. જેલમાં ગયેલી સ્ત્રીઓમાંની એક અઢાર વર્ષની યુવતી, વાલિયામા, “જીવલેણ તાવ લઈને નીકળી” અને થોડા દિવસમાં મૃત્યુ પામી. “એને હું કેમ ભૂલું?” — ગાંધીજી લખે છે. એની યાદગીરીમાં “પથ્થર ને ચૂનાનો હૉલ બંધાઓ વા ન બંધાઓ, એ સેવાનો હૉલ તો તેણે પોતાને હાથે જ બાંધ્યો છે. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરોમાં આજે પણ બિરાજે છે. અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામા છે” (પૃ. ૨૬૬). ગાંધીજીના હૃદયમંદિરમાં બિરાજેલી એ યજ્ઞમૂર્તિ એમની શ્રદ્ધાને પ્રેરે છે. “ઘણાના જેલ જવાથી ફળ નયે આવો, પણ એક જ શુદ્ધ આત્માએ ભક્તિપૂર્વક કરેલું અર્પણ કોઈ કાળે અફળ જાય નહીં. કોણ જાણે છે કે આફ્રિકામાં કોનો કોનો યજ્ઞ ફળ્યો? પણ એટલું તો આપણે જાણીએ છીએ કે વાલિયામાનો તો ફળ્યો જ. બહેનોનો તો ફળ્યો જ.” તે ફળ્યો કારણ કે “પૃથ્વી સત્યના બળ ઉપર ટકેલ છે.... અસતને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે” (પૃ. ૨૬૬-૭). દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહનું આ રહસ્ય સમજ્યા, અને તેથી, લડતનો સફળ અંત આવ્યા પછી પણ, જ્યાં, તેઓ લખે છે, “એકવીસ વર્ષ મેં નિવાસ કર્યો અને અસંખ્ય કડવા ને મીઠા અનુભવો લીધા અને જ્યાં મારા પોતાના જીવનનું નિશાન જોઈ શક્યો, તે દેશને છોડવાનું મને બહુ દોહ્યલું લાગ્યું અને દિલગીર થયો" (પૃ. ૩૧૧). ‘દ. આ. સ. ઈ.’ની સાહિત્યકૃતિ તરીકે એ મુખ્ય સિદ્ધિ છે કે વાચક ગાંધીજીનો આ હૃદયભાવ પૂરેપૂરો સમજી શકે છે. ‘દ. આ. સ. ઈ.’ની જેમ, ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’નાં પ્રકરણો પણ ‘નવજીવન’માં છપાયાં. પહેલો હપતો ૨૯-૧૧-૧૯૨૫ના ને છેલ્લો ૩-૨-૧૯૨૯ના અંકમાં છપાયો. ‘નવજીવન’માં છપાય તે પ્રકરણનો અંગ્રેજી અનુવાદ તે પછીના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં છપાતો. પ્રકરણમાળા શરૂ થઈ ત્યારથી આજ સુધી ગાંધીજીની કલમના ઉત્તમ સર્જન તરીકે પ્રખ્યાત બની રહી છે અને એમના વ્યક્તિત્વનું આકર્ષણ જીવતું રાખી રહી છે. તેની કથનશૈલીમાં શાંત વહી રહેલી નદીના જળની પ્રવાહિતા છે, પ્રસંગોના ઘટકાંશોનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કરવામાં વાર્તાકારનું કૌશલ છે, કથાને અહંકેન્દ્રી બનતી બચાવે એવી નર્મદૃષ્ટિ છે અને બાહ્ય દૃષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર એવા પ્રસંગોને ધર્મનિષ્ઠા ને સત્યનિષ્ઠાના સૂત્રમાં પરોવી તેમની એક સળંગ માળા બનાવવાની અને તે દ્વારા પોતાનો અંતરવિકાસ આલેખવાની કળા છે, તથા તેનો ગદ્યમાં ગાંધીજીની આંતરિક સ્વસ્થતાની સંપૂર્ણ છાયા છે. અને ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા દરેક વિગત કે વિચારને સામાન્ય સમજના વાચક માટે પણ ગ્રહણક્ષમ બનાવવાની વિશદતા છે. પરંતુ કૃતિની કળાસિદ્ધિ માત્ર તેની કથનશૈલી કે તેના ગદ્યની આકર્ષકતામાં નથી રહેલી; તે તો જે રીતે ગાંધીજીએ એમના હૃદયની ઊંડી બનતી જતી સત્યધર્મની ઝંખનાને મૂર્ત કરતું, આધુનિક યુગનું એક પ્રભાવક કલ્પનચિત્ર સર્જ્યું છે તેમાં છે. એ ચિત્ર જિજ્ઞાસુ વાચકને ગાંધીજીના આંતરિક વિકાસના અભ્યાસ માટે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે અને એક દ્વારા માનવીની ધર્મચેતનાના એક નવા ઉન્મેષનું સૂચન કરી જાય છે. પ્રાતઃકાળે પોતાના હૃદયમાં સ્ફુરતા જે આત્મતત્ત્વનું અદ્વૈતવાદી મુમુક્ષુ સ્મરણ કરે છે તેણે પ્રેરેલી ધર્મબુદ્ધિ યુગે યુગે જગતની પ્રજાઓનાં હૃદય ઉપર વ્યાપક પકડ જમાવતાં કલ્પનચિત્રો દ્વારા નવાં નવાં રૂપે સાકાર થાય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આદિના પ્રાચીન ભારતના અને તેમનાં જેવાં અન્ય પ્રજાઓમાં પ્રચાર પામેલાં કલ્પનચિત્રો તે તે પ્રજાઓમાં તે તે યુગમાં સ્ફુરી રહેલી ધર્મબુદ્ધિને એક ચમત્કારી જીવનકથા દ્વારા મૂર્ત દેહ આપે છે. એવી કોઈ કથામાં રૂઢ અર્થનું ઐતિહાસિક સત્ય હોય કે ન હોય, પરંતુ જે પ્રજામાં તે પ્રચલિત બની અને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારાઈ તે પ્રજાની માનવજીવનના ઉત્કર્ષ વિશેની શ્રદ્ધાના પ્રતીક તરીકે તેનામાં ઐતિહાસિક સત્ય કરતાં પણ વધારે ઊંડું સત્ય રહેલું હોય છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજીની કલમે આધુનિક યુગ માટે કોઈ એવા સત્યનું પ્રતીક બની રહે એવું કલ્પનચિત્ર સર્જ્યું છે. આધુનિક યુગની મોટામાં મોટી સમસ્યા પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાને સ્થાને કોઈ નવી જીવનશ્રદ્ધા કેળવવાની છે. પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધા શાસ્ત્રવચન ઉપર આધાર રાખતી હોઈ એના પુરાણા રૂપમાં તે આજના વૈજ્ઞાનિક દૃષ્ટિના પ્રભાવવાળા વાતાવરણમાં શક્ય રહી નથી. પરંતુ આત્મસમર્પણની જે ઉન્નત ભાવનાઓમાંથી તે ઉદ્ભવી હતી અને જેમને તે પોષતી તેમને માનવહૃદયમાંથી દેશનિકાલ કરી શકાય એમ નથી. એટલે કેટલાક આધુનિક ચિંતકોએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો સંપૂર્ણ ઇનકાર કરી તેમને સ્થાને જે નવાં, બુદ્ધિપ્રમાણિત દર્શનો વિકસાવવાનો પ્રયાસ કર્યો છે તે આપણી તર્કબુદ્ધિને ગમે તેટલાં આકર્ષક લાગે, આપણાં હૃદયને તે સંતોષી શકતાં નથી. ગાંધીજીએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો ઇનકાર કરવાને બદલે તેનું નવસંસ્કરણ કર્યું અને આધુનિક યુગની ભાવનાશીલતાને સ્પર્શે એવી જીવનશ્રદ્ધા કેળવી. ‘સત્યના પ્રયોગો’માં તેઓ કહે છે તેમ, જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને એમણે પોતાની કરી લીધી હતી (પૃ. ૨૭૯), પરંતુ એ શ્રદ્ધાની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક માન્યતાઓને બાજુએ રાખી તેમને સ્થાને તેમણે ઈશ્વરની નવી વ્યાખ્યા આપી અને કહ્યું, “સત્ય એ જ ઈશ્વર છે.” ગાંધીજીનું એ ઈશ્વરરૂપી સત્ય એટલે વૈજ્ઞાનિક ભૌતિક સૃષ્ટિનાં સત્યોને ઓળખે ને અનુસરે છે એવી સ્વાભાવિકતા ને નમ્રતાથી પોતાના હૃદયની ઊંડામાં ઊંડી ભાવનાને ઓળખી તેને અનુસરવાની વૃત્તિ. ગાંધીજીમાં બાળપણથી જ એ વૃત્તિની બક્ષિસ હતી, અને કિશોરાવસ્થાની સ્વૈરવૃત્તિઓનો સામનો કરી તેમણે સ્વ-ભાવનાઓની શુદ્ધ પ્રેરણાઓને અનુસરવાની શરૂઆત કરી. એ રીતે ક્રિયાશીલ બનેલું હૃદયનું સત્ય, અંધકારમાં પ્રકાશનું કિરણ વૃદ્ધિ પામતું વધુ ને વધુ પ્રકાશ પાથરતું જાય તેમ ઉત્તરોત્તર વિકાસ પામતું રહ્યું, અને ‘સત્યના પ્રયોગો’ લખતી વેળા, કૃતિની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, તેઓ “દૂર દૂરથી વિશુદ્ધ સત્યની—ઈશ્વરની—ઝાંખી” કરી રહ્યા હોવાની સ્થિતિ સુધી પહોંચ્યા હતા. પોતાની એ ચમત્કારી સત્યયાત્રા વિશે ગાંધીજીને ગર્વનો લેશમાત્ર ભાવ નથી. ભારતીય પરંપરામાં દૃષ્ટાનું નહિ પણ દર્શનનું મહત્ત્વ છે, અને તેથી પશ્ચિમમાં પ્રચલિત બનેલી આત્મકથાનું તેમાં સ્થાન નથી. એ દૃષ્ટિને અનુસરી ગાંધીજી ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખે છે. “પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.” એ કથા વાચકની દૃષ્ટિએ અસામાન્ય ને આશ્ચર્યજનક છે, પરંતુ ગાંધીજી પોતે માને છે કે “જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે.” એટલે “જે પ્રકરણો” તેઓ લખવાના છે “તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનાં નીર સમાન છે.... મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી.” પરંતુ વ્યક્તિ પોતાનો સૌથી ઉત્તમ મિત્ર છે, અને તેથી તે પોતાના દરેક કૃત્યનો, જેને તે દોષમય કે શરમજનક ગણે છે તેનો પણ, ઉદાર અર્થ કરે છે અને વાચકને તેની પ્રત્યે સદ્ભાવ થાય એ રીતે તે એ કૃત્યની રજૂઆત કરે છે. ગાંધીજી આ ભય પ્રત્યે સજાગ છે. "આત્મકથામાત્રની ઇતિહાસ તરીકે અપૂર્ણતા”, તેઓ લખે છે, “ને તેની મુશ્કેલીઓ વિષે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધુંય હું નથી જ આપતો એ હું જાણું છું.... લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે?” તેથી આત્મકથાનું લેખન પણ, ગાંધીજી કહે છે, “સત્યના પ્રયોગોમાંનો... એક પ્રયોગ જ છે.” અને એમના બીજા પ્રયોગો વિશે તેમ આ પ્રયોગ વિશે પણ તેઓ સંપૂર્ણ સફળતાનો દાવો નથી કરતા (પૃ. ૨૮૦). નિઃશેષ સત્યસમર્પણનો આ નિરહંભાવ મનુષ્યચેતનાના વિકાસમાં એક નવી ક્ષિતિજ પ્રગટ કરી આપે છે અને ‘સત્યના પ્રયોગો’ને માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્ત્વનો દસ્તાવેજ બનાવે છે. પોતાની આ વિકાસયાત્રાને ગાંધીજીએ એક જીવતી અનુભવપ્રક્રિયા રૂપે આલેખી છે. કથાના પ્રસંગો ને વિષયની ગોઠવણી એમણે બુદ્ધિથી વિચારીને નથી કરી. પ્રકરણો કેવી રીતે લખાઈ રહ્યાં હતાં તે સમજાવતાં તેઓ લખે છે : "જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી... લખવાને દિવસે જેમ અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય.” (પૃ. ૨૭૯). એ અંતર્યામી એટલે ગાંધીજીની કવિચેતનાની પ્રેરણા, અને તેને અનુસરી એમની કલમે અનુભવ ને ચિંતનની ક્રિયા-પ્રક્રિયા રૂપે સતત વિસ્તરતી આંતરક્ષિતિજોનું એક સજીવ ચિત્ર સર્જ્યું છે જે વ્યક્તિચેતનાના વિકાસની રહસ્યમયતાની ઝાંખી કરાવી જાય છે. આધુનિક મનોવિજ્ઞાન માનવમનના આંતરિક સંઘર્ષો સમજવા-સમજાવવાનો દાવો કે પ્રયત્ન કરે છે, પરંતુ વ્યક્તિના મનની પરસ્પરવિરોધી વૃત્તિઓમાંથી કેટલીક દબાઈ જાય છે અથવા મોળી પડી જાય છે અને બીજી એના ચારિત્ર્યવિકાસમાં પ્રધાન અસર બની રહે છે એ પ્રક્રિયાની આશ્ચર્યમયતા કોઈ વિરલ કવિદૃષ્ટિ જ અનુભવી શકે. ગાંધીજીએ એ અનુભવી છે. આદિથી અંત સુધી તેમણે હૃદયની સત્યસ્ફુરણાઓ ને સંયોગોના અકસ્માતોને પોતાના જીવનને કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરાવતાં જોયાં ને નિરૂપ્યાં છે. ભૂતકાળની કેટલીક સ્મૃતિઓ ગાંધીજીના ઊમિંતંત્રમાં હજુ જીવતી છે અને કેટલીકથી તે મુક્ત બની ગયું છે, પરંતુ એમની કલમે આલેખેલા સર્વે પ્રસંગો એમના અંતરચક્ષુને પ્રત્યક્ષ હોય એવી રીતે પુનર્જીવિત થયા છે. એ પ્રસંગોને એમણે ક્યારેક શાંત ભાવોદ્વેકથી, ક્યારેક આહ્લાદક નર્મદૃષ્ટિથી અને ક્યારેક બેના વિસ્મયપ્રેરક મિશ્રણથી નિરૂપ્યા છે. શબ્દસર્જનનો આ જાદુ એવો અનાયાસ લાગે છે કે બીજા કવિઓનું સર્જન એમની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક હોય છે એવો આભાસ આવે છે તેને બદલે ગાંધીજીની ચેતના સ્વાભાવિક રીતે જ, કર્મમાં તેમ શબ્દમાં, સર્જન રૂપે વહેતી હોય એમ પ્રતીતિ થાય છે. ગાંધીજીની અહિંસાને પણ વાચક એમના આવા મુક્ત ચૈતન્યના આવિર્ભાવ રૂપે અનુભવે છે. એમની ચેતનામાં સત્ય ને અહિંસાની આવી એકરૂપતા તે જ ગાંધીજીનું ખરું મહાત્માપણું, અને ‘સત્યના પ્રયોગો’એ એ પ્રગટ કર્યું છે તે એની સાહિત્યકૃતિ તરીકે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ગાંધીજીની આ ચમત્કારી જીવનકથા નિર્દોષ, સુખી બાળપણની સ્મૃતિથી શરૂ થાય છે. “સાધ્વી” માતા માટે પ્રેમ ને પૂજ્યભાવની સ્મૃતિ ગાંધીજીને એટલી આનંદદાયક છે કે તે એમની તોફાની વિનોદવૃત્તિને ૫ણ સચેત કરે છે. નિશાળનાં બાળકો સાથે તેઓ શિક્ષકને ગાળ આપતી જે કડી ગાતા તેની લીટીઓ, તેઓ લખે છે, “મારે આપવી જ જોઈએ.” શા માટે? નિર્દોષ બાળજીવનના આ આનંદમાં ‘શ્રવણપિતૃભક્તિ” અને “હરિશ્ચન્દ્ર આખ્યાન’ નાટકની ભાવનાસૃષ્ટિનો આનંદ ભળ્યો અને તેણે ગાંધીજીના ખૂલતા ચિત્તકમળને આદર્શપ્રેમનો પ્રેરક સ્પર્શ કરાવ્યો. પરંતુ જીવનપ્રભાતનો આ અમૃતમય આનંદ લાંબો ટક્યો નહિ. બાળપણ જેટલું નિર્દોષ ને આનંદભર્યું હતું તેટલી જ કિશોરાવસ્થા કલેશભરી બની. માંસાહારનો પ્રયોગ, બાળલગ્ને ઉત્તેજેલી વિષાયાસક્તિ ને ચોરીનું અપસાહસ ગાંધીજીના બાળપણની નિર્દોષતાને મોહના આવરણથી ઢાંકી દે છે અને જો એ વાદળ વિખેરાઈ ન ગયું હોત તો એમના જીવનને તે નૈતિક વિનાશના માર્ગે ખેંચી જાત. ગાંધીજીના માતૃપ્રેમ ને પિતૃભક્તિએ એ ચમત્કાર કર્યો અને એમને સ્વવિદ્રોહના વિનાશમાંથી બચાવી લીધા. માતાને ન છેતરવાના શુભ ઇરાદાથી તેમણે માંસાહારનો પ્રયોગ બંધ કર્યો, અને પિતા પાસે ચોરીનો ગુનો કબૂલ કરી શિક્ષા માગી લીધી. પિતાએ આંસુભરી આંખે એમને ક્ષમા આપી. ગુનાહિત ભાવથી પીડાતા ગાંધીજીના હૃદયને એ અનુભવ ઔષધ સમાન નીવડ્યો અને તેઓ, પોતે લખે છે તેમ, “શુદ્ધ” થયા.—એટલે કે સ્વભાવની જે ચંચળ વૃત્તિઓ એમને નકારાત્મક માર્ગે પ્રેરી રહી હતી તે શાંત થઈ અને માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસો જેવી પ્રેમ ને સત્યની ભાવનાઓને વિકસવાનો અવકાશ મળ્યો. વિષયાસક્તિનો દોષ ઘર કરી જતો હતો તેને પણ પિતાના મૃત્યુના આઘાતે રોક્યો. અંતરશુદ્ધિની આ પ્રક્રિયામાં ‘રામચરિતમાનસ’ના સંસ્કારે અને દાઈ રંભા તરફથી મળેલા રામનામના મંત્રે પણ ગાંધીજીની ચેતનાના સૂક્ષ્મ સ્તરે ફાળો આપ્યો હશે. સત્ય ને પ્રેમની ભાવનાઓને એમણે સૌંદર્યના રંગે રંગી અને એમની ચેતનાની સર્જકતાને જીવનભર તાજી રાખે એવી શક્તિની ગાંધીજીને બક્ષિસ આપી. એ ચમત્કારી શક્તિનો ઉલ્લેખ કરતાં સન ૧૯૩૬માં એક પ્રસંગે તેઓ કહે છે : “બાળપણમાં મળેલી એ વસ્તુ મારા માનસિક આકાશમાં ભવ્ય વસ્તુ બની રહી છે. એ સૂર્યે ઘોર નિરાશાની મારી અંધકારમય ક્ષણોને પ્રકાશથી અજવાળી છે” (64. 74). બાળપણ ને કિશોરાવસ્થાનું આ ધ્વનિસમૃદ્ધ ચિત્ર ગાંધીજીની કલમનું એક ઉત્તમ સર્જન બન્યું છે. તેમાં વિષાદનો અંતરપ્રવાહ— undercurrent — વહેતો લાગે છે, પરંતુ ગાંધીજીની અવારનવાર ચમકારા કરી જતી નર્મદૃષ્ટિ તેને અતિગાંભીર્યના દોષમાંથી બચાવી લે છે. એ ચિત્ર સત્ય, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય ને રામનામ એ ગાંધીજીની આંતરિક જીવનવાર્તાના મુખ્ય વિષયતંતુઓ — themes—તે સ્પષ્ટ કરી દે છે એટલું જ નહિ, એમની શ્રેયયાત્રાના મૂળમાં રહેલો માતાપિતા પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ પણ પ્રગટ કરે છે. ગાંધીજીનું સૌથી પહેલું (તેઓ ‘મહાત્મા’ બન્યા તેનાં દશેક વર્ષ પહેલાં, સને ૧૯૦૯માં લખાયેલું) જીવનચરિત્ર લખનાર રેવ. જે. જે. ડોકે નોંધ્યું છે કે તેઓ એમનાં માતાપિતા વિશે બોલતા ત્યારે સાંભળનારને પોતે કોઈ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરી રહ્યો છે એવો ભાવ થતો. ‘સત્યના પ્રયોગો’નાં આ શરૂઆતનાં પ્રકરણોમાં વાચક એનો પૂરો અનુભવ કરે છે. લંડનવાસનાં વર્ષ દરમિયાન પણ ગાંધીજીના માતૃપ્રેમનો ચમત્કાર ચાલુ રહ્યો. માંસ નહિ ખાવાની માતા સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી તેનો તેઓ બુદ્ધિથી બચાવ ન કરી શક્યા, પણ પ્રેમપૂર્વક તેને વળગી રહ્યા. આ શ્રદ્ધા એમને અણકલ્પી રીતે ફળી. શાહાકારી ભોજનગૃહની શોધ કરતાં તેમને સૉલ્ટનું ‘શાહાકારની હિમાયત’ પુસ્તક મળ્યું, અને તે વાંચ્યા પછી તેઓ વિચારપૂર્વક શાકાહારમાં માનતા થયા. આમ બુદ્ધિ ને હૃદય વચ્ચેના વિસંવાદનો અંત આવ્યો. વળી બીજાંઓની દૃષ્ટિએ પોતે કેવા દેખાશે એનો વિચાર કર્યા વિના પોતે પસંદ કરેલા માર્ગે દૃઢ રહેવાની ગાંધીજીમાં હિંમત આવી, અને તેમાંથી તેમણે એક બીજી સત્યસ્ફુરણાનો ચમત્કાર અનુભવ્યો. અંગ્રેજી સમાજની સભ્ય ગણાતી રીતરસમો શીખવાનો તેઓ પોતાની શક્તિ ઉપરાંતનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને તે માટે તેમણે બેલ નામના એક લેખકનું વકતૃત્વકળા ઉપરનું પુસ્તક ખરીદ્યું હતું. એ બેલસાહેબે, ગાંધીજી લખે છે, એમના “કાનમાં ઘંટ વગાડ્યો” અને તેઓ જાગ્યા. સત્યાર્થીએ સમાજના ખોટા પ્રભાવમાંથી મુક્ત થવું જ રહ્યું. એ મુક્તિ મેળવી ગાંધીજીએ જીવનક્રમમાં સાદાઈના પ્રયોગો કર્યા અને તેમાંથી એમણે સૂક્ષ્મ આનંદનો અનુભવ કર્યો. જીવનના એક ક્ષેત્રમાં સત્યનું આચરણ કરનારને બીજા ક્ષેત્રોમાં પણ તેનું પાલન કરવાનું બળ મળી રહે છે. ગાંધીજીને એવું બળ મળ્યું અને પોતાના પરિચયમાં આવેલા એક કુટુંબથી એમણે અપરિણીત યુવતીઓ સાથેના સમાગમના લોભે, પોતે પરણેલા હોવાની હકીકત છુપાવી હતી તે જાહેર કરી અને પોતાનામાંથી અસત્યરૂપી ઝેર કાઢી નાખ્યું. વળી અન્નાહારના પ્રયોગોએ ગાંધીજીને બે થિયૉસૉફિસ્ટ મિત્રોનો પરિચય કરાવ્યો જેણે એમને ભગવદ્ગીતા ને ‘બુદ્ધચરિત’ વાંચવા પ્રેર્યા, અને એક “ભલા ખ્રિસ્તી”નો પણ પરિચય કરાવ્યો જેણે એમને બાઇબલ વાંચવા પ્રેર્યા. બાઇબલના ‘નવા કરાર’નું ગિરિપ્રવચન ગાંધીજીના હૃદયમાં ઊતરી ગયું અને બાળપણથી અહિંસાના જે સંસ્કાર પરોક્ષ-અપરોક્ષ રીતે એમની હૃદયભૂમિ ઉપર પડતા રહ્યા હતા તેમનું એક નવી, આકર્ષક પ્રેમભાવનાથી સિંચન કર્યું. માતૃપ્રેમ ને પિતૃભક્તિએ પ્રેરેલી આ શ્રેયયાત્રામાં વિષયાસક્તિના અંતરાયનો ગંભીર ભય હતો, તેને પણ એક બીજા ચમત્કારે દૂર કર્યો. અસંખ્ય સંતો ને સાધકોનો અનુભવ છે કે ઈશ્વરકૃપા વિના માત્ર પુરુષપ્રયત્નથી શ્રેયયાત્રામાં પ્રગતિ થતી નથી. ગાંધીજીને પણ એવો અનુભવ થયો. એક સ્ત્રી સાથે પાનાં રમતાં તેઓ “વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની” તૈયારીમાં હતા, એવામાં સાથે બેઠેલા મિત્રના મનમાં રામ વસ્યા અને તેણે ગાંધીજીને ચેતવ્યા (પૃ. ૭૪). સામાન્ય માણસ આવી ઘટનામાં માત્ર અકસ્માત જુએ; ગાંધીજીની શ્રદ્ધા તેમાં ઈશ્વરકૃપાનો ચમત્કાર જુએ છે અને તેમાંથી ઉપાસના, પ્રાર્થનાનું કાવ્યમય રહસ્ય તારવે છે (પૃ. ૭૫). શ્રેયયાત્રાના બીજા તબક્કાના આ ચિત્રમાં પહેલા ચિત્રમાં છે એવી વિષાદની છાયા નથી; તેને બદલે તેમાં પ્રાપ્તિનો સંતોષ છે, અને તે એટલો ઊંડો છે કે ચિત્રના આલેખનમાં ગાંધીજીની નર્મદૃષ્ટિને મુક્ત અવકાશ મળ્યો છે. બૅરિસ્ટરીનો અભ્યાસ પૂરો કરી ગાંધીજી પોતે વકીલાત કરી શકશે કે કેમ અને રહેણીકરણીમાં કેટલાક સુધારા કરવા ધાર્યા હતા તે કેવી રીતે કરી શકશે એ વિશે ચિંતા કરતા મુંબઈના બારામાં ઊતર્યા ત્યારે, તેઓ લખે છે, “બંદર ઉપર દરિયો ગરમ હતો.” પણ, તેઓ ઉમેરે છે, “બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિશે પણ કહી શકાય” (પૃ. ૮૬-૭). સક્રિય જીવનને ઊમરે ઊભેલા ગાંધીજીનો “અંતર્યામી” અહીં જાણે કે અનેક લડતોભર્યા એમના જીવનની બાહ્ય ગરમી ને એ ગરમીમાં પણ અક્ષુબ્ધ રહેતી અંતરની શાંતિની આગાહી કરી જાય છે. એ શાંતિ કેળવવામાં જેઓ અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડવાના હતા તે શ્રીમદ્ રાજચંદ્રનો તેઓ મુંબઈ ઊતર્યા તે જ દિવસે એમને પરિચય થયો. ગાંધીજીની ચમત્કારભરી શ્રેયયાત્રામાં માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસ પછી આ બીજું સૌથી મોટું સદ્ભાગ્ય હતું. શ્રીમદ્માં ગાંધીજીએ પ્રવૃત્તિમય છતાં મોક્ષલક્ષી, અનાસક્ત જીવનનો આદર્શ જોયો અને તે પાછળથી ગાંધીજીની ધાર્મિક ને આધ્યાત્મિક મૂંઝવણોમાં પ્રેરણારૂપ બની રહ્યો. ત્રીજા સૌભાગ્યરૂપે તે સમયના સૌરાષ્ટ્રના ને મુંબઈના વાતાવરણમાં ગૂંગળામણ અનુભવી રહેલા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાની તક મળી. ભારતમાં ગાંધીજીની અંતરભાવનાઓને અવકાશ મળે એવો કોઈ સંભવ નહોતો, એટલે જાણે કે એમની વિધિનિર્મિતિ — destiny —એ ગાંધીજીને વકીલાતમાં નિષ્ફળ રાખ્યા અને સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટે તેમનું અપમાન કરી સૌરાષ્ટ્રમાં રહેવું તેમને માટે અશક્ય બનાવી મૂક્યું. દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજીને શ્રેયમાર્ગે આગળ ને આગળ ધકેલતી ચમત્કારી અકસ્માતપરંપરા ચાલુ રહી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી બીજે કે ત્રીજે જ દિવસે કોર્ટમાં થયેલા અનુભવ ઉપરથી ગાંધીજીએ જોયું કે “મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી” (પૃ. ૧૦૭). અન્યાયની સામે લડતાં લડતાં જ ગાંધીજીની વિશિષ્ટ જીવનદૃષ્ટિ ઘડાવાની હતી અને એમની આંતરક્ષિતિજો વિસ્તરવાની હતી. બાહ્ય અકસ્માતોની જેમ નિર્ણયસ્ફુરણાની ક્ષણોની ઝાંખી ૫ણ ગાંધીજીની શ્રેયયાત્રાને આશ્ચર્યમયતાનો આભાસ આપે છે. કોર્ટના અનુભવ પછી ત્રણચાર દિવસમાં ગાંધીજીને મૅરિત્ઝબર્ગ સ્ટેશને રંગદ્વેષનો વધુ કડવો અનુભવ થયો, અને તે રાત્રે તેમણે ઊંડા મનોમંથન પછી પોતાનો ધર્મ વિચારી લીધો. રંગદ્વેષનો “ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉ૫યોગ કરવો” અને “તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવા” (પૃ. ૧૧૩). રસ્તામાં વધુ અપમાનો સહન કરતા તેઓ પ્રિટોરિયા પહોંચ્યા અને એક હોટેલમાં રૂમ મળી તેમાં “એકાંત મળ્યે ખાણાની રાહ” જોતા “વિચારગ્રસ્ત” થયા (પૃ. ૧૨૦). પોતાને થઈ રહેલા નવા અનુભવોનો કેવી રીતે સામનો કરવો તેના જ વિચારમાં ગાંધીજી પડ્યા હશે. બીજા દિવસે પણ મિ. બેકરને મળ્યા પછી સાંજે વાળુ કરી પોતાની “કોટડીમાં જઈ વિચારના વમળમાં” પડ્યા. મિ. બેકરે એમને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીએ નિર્ણય કર્યો : “મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાતપણે કરવો... મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યાં લગી બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો.” “આમ વિચારતા”, ગાંધીજી લખે છે, “હું નિદ્રાવશ થયો” (૧૨૨-૩). એમની અંતઃપ્રેરણાઓને સાકાર કરતી આવી નિર્ણયક્ષણોનાં ચિત્રોમાં ગાંધીજીની સત્યશીલતા સૂક્ષ્મતમ રૂપે પ્રગટ થતી જણાય છે. દાદા અબદુલ્લાના જે મુકદ્દમાં અંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે એક વર્ષમાં પૂરો થયો. પરંતુ ભારતમાં પોતાના જીવનકાર્ય માટે તૈયાર થવા ગાંધીજીને હજુ વર્ષો સુધી દક્ષિણ આફ્રિકા રહેવાનું હતું. એટલે કેસ પૂરો થયે તેઓ ભારત પાછા આવવા નીકળી રહ્યા હતા ત્યારે એમના માનમાં યોજાયેલા વિદાયસમારંભમાં હિંદીઓનો મતાધિકાર લઈ લેવાના બિલ વિશે ચર્ચા નીકળી અને ગાંધીજીએ એક માસ રહી જવાનો નિર્ણય કર્યો. “આમ”, ગાંધીજી લખે છે, “દક્ષિણ આફ્રિકામાં મારા સ્થાયી રહેઠાણનો પાયો ઈશ્વરે રચ્યો ને સ્વમાનની લડતનું બીજ રોપાયું” (પૃ. ૧૪૨). એક માસને બદલે ગાંધીજી બે વર્ષ રહ્યા અને તે પછી પણ ભારત જઈ કુટુંબ લઈ આવ્યા અને બીજાં પાંચ વર્ષ રહ્યા. એ સાત વર્ષોના અનુભવોએ ગાંધીજીની સેવાભાવનાને પોષી અને તેની પ્રગતિના માર્ગમાં મોહનો એક ગંભીર અંતરાય હતો તેને દૂર કર્યો. જેની પ્રેરણાથી ગાંધીજીએ કિશારાવસ્થામાં માંસાહારનો પ્રયોગ કર્યો હતો તે મિત્રને એમણે, એની નિર્બળતાઓ કંઈક જાણતા હોવા છતાં, પોતાની સાથે રાખ્યો હતો. એક દિવસ સદ્ભાગ્યે એમની આંખ પૂરી ઊઘડી ગઈ અને એ “મોહરૂપ” સંબંધમાંથી તેઓ મુક્ત થયા. “જો મજકૂર અકસ્માતથી”, ગાંધીજી લખે છે, “મારી આંખ ઊઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે, જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત.” એમની આંખ ઉઘાડનાર “રસોઈયાને”, તેઓ લખે છે, “જાણે ઈશ્વરે જ પ્રેર્યો હોય નહીં!” એ બેત્રણ દિવસથી જ આવ્યો હતો અને “આટલી સેવા કરી” તેણે “તે જ દડાડે ને તે જ ક્ષણે રજા માગી” (પૃ. ૧૬૫). સ્વાર્પણનું ગાંધીજીનું પહેલું ક્ષેત્ર રાજકીય પ્રવૃત્તિનું હતું, અને તે સમયની એમની પ્રવૃત્તિઓના વર્ણનમાં વાચક ગાંધીજીની વિશિષ્ટ રાજકીય નેતૃત્વશૈલીને વિકસતી જોઈ શકે છે. સત્યની ઉપાસના મોટાં કાર્યોમાં જ નહિ, પણ ઝીણામાં ઝીણી વિગતો વિશે ચીવટભરી કર્તવ્યનિષ્ઠા માગી લે છે, અને નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના તથા તેના સંચાલનમાં ગાંધીજીની એવી સતત જાગ્રત સત્યનિષ્ઠાને પૂર્ણ અવકાશ મળ્યો. ફ્રેન્ચાઈઝ બિલ વિરુદ્ધ લોર્ડ રિપનને કરવાની “અરજીની પાછળ”, તેઓ લખે છે, “મેં બહુ મહેનત લીધી. મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું” (પૃ. ૧૪૪). સહકાર્યકર્તાઓના પ્રેમને વશ થઈ એમણે એક માસથી વધારે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે “મનની સાથે... નિશ્ચય કર્યો કે... જાહેર ખરચે ન જ રહેવું” (પૃ. ૧૪૫). કૉંગ્રેસની દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે મીટિંગો થતી, અને તેમાં સભ્યોને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ પાડવાનો આગ્રહ રખાતો. દરેક ખર્ચમાં કરકસરભરી ચીવટ રખાતી અને હિસાબ પણ “પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો...” “હર કોઈ સંસ્થાનો”, ગાંધીજી લખે છે, “ઝીણવટથી રખાયેલો ઇતિહાસ તેનું નાક છે.... શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.” સંસ્થાના રાજકીય કાર્ય અંગે પણ ગાંધીજીની શૈલી વિશિષ્ટ હતી. તેમનો હેતુ વિરોધીઓને ઉતારી પાડવાનો નહિ પણ હમેશાં જાહેર મત પોતાને પક્ષે કેળવવાનો રહેતો. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિ વિશે શરૂઆતમાં એમણે જે બે ચોપાનિયાં લખ્યાં, તેમાં “હિંદી મતાધિકારનો ઇતિહાસ આંકડાઓ અને પુરાવા સહિત આપવામાં આવ્યો હતો” અને તેમની “પાછળ ખૂબ મહેનત અને અભ્યાસ હતાં. તેનું ફળ પણ તેવું જ આવ્યું... દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના મિત્રો ઉત્પન્ન થયા. ઇંગ્લેન્ડમાં અને હિંદુસ્તાનમાં બધા પક્ષ તરફથી મદદ મળી...” (પૃ. ૧૫૨-૩). છ માસ માટે સહકાર્યકર્તાઓની રજા લઈને કુટુંબને લાવવા ગાંધીજી ભારત ગયા ત્યાં પણ તેમની પારદર્શક સત્યનિષ્ઠાએ એવી છાપ પાડી કે છવ્વીસ સત્તાવીસ વર્ષના એ અજાણ્યા યુવાનને ફિરોજશા મહેતા, બાળ ગંગાધર તિલક, ગોપાળ કૃષ્ણ ગોખલે ને રામકૃષ્ણ ભાંડારકર જેવા પ્રતિષ્ઠિત ને સન્માન્ય નેતાઓએ પ્રેમપૂર્વક આવકાર્યો અને ગાંધીજીને મુંબઈ, પૂના ને મદ્રાસમાં જાહેર સભાઓ ભરવા માટે બધા પક્ષોનો સહકાર મળી રહ્યો. ગોખલેની સાથે તો ગાંધીજીને જીવનભરનો સ્નેહસંબંધ થઈ ગયો. કલકત્તામાં એક અંગ્રેજી છાપાના અધિપતિ સાથે પણ એમને કાયમનો “સ્નેહ બંધાયો.” તેનું કારણ સમજાવતાં ગાંધીજી લખે છે: “મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં.... તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી” (પૃ. ૧૮૩). આમ દક્ષિણ આફ્રિકામાં અકસ્માત સંયોગોએ પ્રાપ્ત કરાવી આપેલી રાજકીય સેવાએ ગાંધીજીને જાહેર જીવનમાં સત્યની શક્તિનો અનુભવ કરાવ્યો અને સમય જતાં એમની સ્વભાવગત સત્યનિષ્ઠા એક આધ્યાત્મિક સાધના બની ગઈ. પરંતુ ગાંધીજીની સ્વાર્પણભાવના રાજકીય સેવાથી સંતોષાય એમ નહોતી, તેનું મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં ગરીબોની સેવા બનવાનું હતું, અને તેના વિકાસમાં પણ ગાંધીજી ઈશ્વરી સંકેત જુએ છે, તેની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પહેલા નિવાસ દરમિયાન જ થઈ. “જેની જેવી ભાવના", ગાંધીજી લખે છે, “તેવું તેને થાય, એ નિયમ મારે વિષે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે” (પૃ. ૧૫૪). એ નિયમ અનુસાર તેમને બાલાસુંદરમ નામના એક ગિરમિટિયાની સેવા કરવાની તક મળી. એના “કેસની વાત”, તેઓ લખે છે, “ગિરમીટિયાઓમાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો.... મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી” (પૃ. ૧૫૫). દક્ષિણ આફ્રિકામાં સાતેક વર્ષના નિવાસ પછી ત્યાંનું સેવાક્ષેત્ર ગાંધીજીની વિસ્તાર પામતી જતી સેવાભાવનાને મર્યાદિત લાગ્યું, એટલે તેઓ સને ૧૯૦૧ના અંતમાં ભારત પાછા ફર્યા અને ગોખલેની સાથે રહી જાહેર સેવાની પ્રવૃત્તિઓમાં જોડાવાના હેતુથી તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી, પણ ત્યાં તેઓ સ્થિર ન થઈ શક્યા. તેમને ફરીથી દક્ષિણ આફ્રિકા બોલાવતો તાર મળ્યો. ગાંધીજીની શ્રદ્ધાદૃષ્ટિ આમાં પણ ઈશ્વરી સંકેત જુએ છે. “...મારા ભવિષ્યની બાબતમાં", તેઓ લખે છે, “મારું ધાર્યું કંઈ જ ઈશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે" (પૃ. ૨૫૧). એમની આધ્યાત્મિક શક્તિ પૂર્ણ વિકસે તે માટે હજુ દક્ષિણ આફ્રિકાના અનુભવોની જરૂર હતી. ત્યાં પાછા જવાનો નિર્ણય જ ગાંધીજીના આંતરિક વિકાસમાં એક મહત્ત્વના વળાંકબિંદુ જેવો બન્યો. એમની સ્વાર્પણભાવના કંઈક વિશ્રાંતિ લેતી હોય તેમ એમનામાં ગૃહસ્થાશ્રમ પ્રત્યે આસક્તિ કેળવાઈ રહી હતી અને તેથી, તેઓ લખે છે તેમ, “બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્ચિત વસ્તુમાંથી અનિશ્ચિતતામાં પ્રવેશ — આ બધું ક્ષણભર સાલ્યું.” ગાંધીજીની શ્રેયબુદ્ધિ આ ક્ષણિક નિર્બળતા તરી ગઈ. “પણ હું તો”, તેઓ લખે છે, “અનિશ્ચિત જિંદગીથી ટેવાઈ ગયો હતો. આ જગતમાં જ્યાં ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્યાલ કરવો એ જ દોષમય લાગે છે” (પૃ. ૨૫૨). ગૃહસ્થાશ્રમ તરફથી વાનપ્રસ્થાશ્રમ તરફનું આ પ્રયાણ દક્ષિણ આફ્રિકામાં દૃઢ થયું અને ગાંધીજીની શ્રેયયાત્રા એક નવા તબક્કામાં પ્રવેશી. એમાં નિમિત્ત થિયૉસૉફિસ્ટ મિત્રો બન્યા. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં પણ બે થિયૉસૉફિસ્ટ મિત્રોએ એમને ભગવદ્ગીતાનો પ્રથમ પરિચય કરાવ્યો હતો, અને આ વેળા બીજા એવા મિત્રોએ એમને ભગવદ્ગીતાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની ફરજ પાડી. પરિણામ, ગાંધીજી માટે, ક્રાન્તિકારી આવ્યું. “આ ગીતાવાચનની અસર”, તેઓ લખે છે, “મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે ખરી? મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું.” ગીતાએ ઉપદેશેલી અપરિગ્રહ ને સમભાવની ભાવનાઓ ઉપર ઊંડો વિચાર કરતાં તેમણે જોયું કે "ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં” (પૃ. ૨૬૩). તીર્થ કરવા માટે ઘર બાળવાની ગાંધીજીની ભાવના અણધારી રીતે ચરિતાર્થ થઈ. હિંદીઓ માટે અલગ રાખવામાં આવેલા એક વસવાટમાં ગંદકીને કારણે મરકી ફાટી નીકળી હતી તે અંગે મ્યુનિસિપાલિટીની બેદરકારી વિશે ગાંધીજીએ છાપામાં એક પત્ર લખ્યો હતો તે વાંચી હેન્રી પોલાક નામના એક અંગ્રેજ એમને મળવા ઉત્સુક બન્યા અને મુલાકાત પછી તેમના મિત્ર બની ગયા. પોલાકે ગાંધીજીને જોહાનિસબર્ગથી ડરબન સુધીની રેલવે મુસાફરી દરમિયાન વાંચવા માટે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક આપ્યું, જેની “જાદુઈ અસર”ને પરિણામે ગાંધીજીએ ફિનિક્સમાં સામૂહિક જીવનનો પ્રયોગ શરૂ કર્યો. એ પ્રયોગ શરૂ કર્યા પહેલાં પણ ગાંધીજી અવારનવાર હિંદી ને અંગ્રેજ સહકાર્યકર્તાઓને કુટુંબીજન કરી સાથે રાખતા, એટલે કૌટુંબિક જીવનની સાંસારિક ભાવનાથી તેઓ કંઈક મુક્ત થયા હતા. ફિનિક્સ આશ્રમમાં તેમણે એ ભાવનાની મર્યાદાઓ કાયમને માટે ઓળંગી અને આશ્રમવાસીઓમાં એક કુટુંબની ભાવના કેળવવાનો પ્રયત્ન કર્યો. સામૂહિક જીવનનો આ પ્રયોગ ૧૯૧૦-૧૨માં તૉલ્સ્તૉય ફાર્મમાં ચાલુ રહ્યો અને ૧૯૧૫ના જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યાર પછી પ્રથમ સાબરમતીના અને તે પછી વર્ધા ને સેવાગ્રામના આશ્રમોમાં કાયમનો બની ગયો. આ આશ્રમોના વ્યક્તિગત સંઘર્ષોએ અનેક વાર ગાંધીજીની પ્રેમશક્તિ ને અનાસક્તિને કસેટીએ ચડાવી તેમની તપશ્ચર્યાને વધુ ને વધુ ઊંડી બનાવી. સત્યાગ્રહને ગાંધીજી કૌટુંબિક સંઘર્ષોનો જે પ્રેમભાવથી ઉકેલ લાવવામાં આવે છે તેવા જ ભાવથી જાહેર જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું શસ્ત્ર માનતા. આશ્રમજીવનના પ્રયોગો ગાંધીજીને અનાસક્તભાવે એવું પ્રેમબળ કેળવવામાં ખૂબ ઉપકારક બની રહ્યા અને તેથી તેઓ પોતાની આધ્યાત્મિક સાધનામાં એ પ્રયોગોને અતિમહત્ત્વના ગણાતા. માત્ર કુટુંબીજનો કે આશ્રમવાસીઓ પ્રત્યે જ નહિ, એમના સંબંધમાં આવતી દરેક વ્યક્તિ પ્રત્યે ગાંધીજી એકસાથે પ્રેમ ને અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન કરતા. અપરિચિત વ્યક્તિઓને કુટુંબીજન બનાવતાં તેમને કેટલાક કડવા અનુભવો થયા હતા તેને ઉલ્લેખ કરતાં તેઓ લખે છે: “મારી એવી માન્યતા છે કે આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુની જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ અને તે શક્તિ, જ્યાં જ્યાં અણશોધ્યા અવસર આવે ત્યાં ત્યાં, તેથી દૂર ન ભાગતાં, માત્ર નવા નવા સંબંધોમાં પડીને અને તેમાં પડતાં છતાં રાગદ્વેષરહિત રહીને જ કેળવી શકાય” (પૃ. ૨૮૧). વિરોધીઓ પ્રત્યે પણ ગાંધીજીએ આવી જ અદ્વૈતદૃષ્ટિ કેળવી હતી. બે લાંચિયા અમલદારો ઉપર કામ ચલાવ્યા પછી, સરકારી નોકરીમાંથી તેઓ બરતરફ થતાં ગાંધીજીએ પોતે તેમને મ્યુનિસિપાલિટીમાં નોકરી મેળવવા મદદ કરી હતી એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ લખે છે: “સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે.... તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરે તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ” (પૃ. ૨૭૫). કુટુંબનો ત્યાગ કર્યા વિના આમ ગાંધીજી કુટુંબની ભાવનાનો વિસ્તાર કરતા રહ્યા. સર્વની સાથે ઐક્ય અનુભવવાની ગાંધીજીની તમન્નાએ એમની ત્યાગવૃત્તિને પણ તીવ્ર બનાવી મૂકી. “આજ લગી”, તેઓ લખે છે, “કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઈચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું” (પૃ. ૨૬૦). હવે સ્વાર્થનો ત્યાગ શરૂ થયો. વીમાની પૉલિસી કઢાવી હતી તે તેમણે કુટુંબના ભવિષ્યની ચિંતા ઈશ્વરને સોંપી બંધ કરાવી દીધી, અને વડીલ ભાઈને પણ લખી દીધું: “આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું. હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે” (પૃ. ૨૬૩-૪). ભાઈએ અબોલા લીધા. ગાંધીજીના પ્રેમાળ હૃદયને તેથી ખૂબ દુઃખ થયું, પરંતુ તેમની ધર્મબુદ્ધિએ તે અનિવાર્ય માની સહી લીધું. રાજકીય ક્ષેત્રે ગાંધીજી જે આત્મબળનો પ્રયોગ કરી શકતા તેની પાછળ આવી અદૃષ્ટ તપશ્ચર્યા રહી હતી. કસ્તૂરબા ને પુત્રો સાથેના સંબંધોમાં પણ ગાંધીજીએ એવી જ તપશ્ચર્યા સહી હતી. સ્વદેશપ્રેમની ભાવનાથી પ્રેરાઈ તેમણે પોતાના પુત્રોને ડરબનની ગોરાં બાળકો માટેની શાળામાં ન મોકલ્યા અને તેમને માટે ઘેર ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી તે બહુ સફળ ન રહી. પુત્રોને જીવનભર શાળાના શિક્ષણના અભાવનો અસંતોષ રહી ગયો અને જયેષ્ઠ પુત્ર હરિલાલ વિશે તેનું અતિ કરુણ પરિણામ આવ્યું. કસ્તૂરબા પાસે બળાત્કારે મિત્રોની ને સહકાર્યકર્તાઓની સેવા કરાવી, જાહેર સેવા માટે બક્ષિસો મળી હતી તેનું કસ્તૂરબાની ઇચ્છા વિરુદ્ધ સાર્વજનિક ઉપયોગ માટે ટ્રસ્ટ કર્યું, બીજા પુત્ર મણિલાલ અને કસ્તૂરબાની માંદગીના પ્રસંગોએ ડૉક્ટરોની સલાહ અવગણી તેમને માંસનો સેરવો ન આપવાનો આગ્રહ રાખીને તેમની જિંદગી ભયમાં મૂકી— આ સર્વ ‘પ્રયોગો’નું ગાંધીજીએ નમ્રભાવે, અને કસ્તૂરબા પ્રત્યેના કઠોર વર્તન માટે જાહેરમાં એમની ક્ષમા માગતા હોય એવા પ્રાયશ્ચિત્તભાવથી વર્ણન કર્યું છે. ગાંધીજીની ત્યાગવૃત્તિએ એક બીજું રૂપ પણ લીધું. શરીર પ્રત્યેની આસક્તિ જીતી તેઓ તેને ધર્મદૃષ્ટિએ જોતા અને આરાગ્ય જાળવવા દવાઓનો આશ્રય લેવાને બદલે નિસર્ગોપચારની પદ્ધતિઓના પ્રયોગો કરતા થયા. દવાઓના ઉપયોગથી, તેઓ લખે છે, માણસ “પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે” (પૃ. ૨૬૮). શરીરના સ્વામી બની તેને ઈશ્વરનું મંદિર બનાવવાના ઉદ્દેશે ગાંધીજીને પાછળથી ખોરાકના વિવિધ પ્રયોગો કરવા પ્રેર્યા, થોડાં વર્ષ તેઓ દૂધ ને અન્નનો પણ ત્યાગ કરી માત્ર ફળાહાર ઉપર રહ્યા, અને એ પ્રયોગ નિષ્ફળ જતાં તેમને દૂધના ત્યાગનું વ્રત તોડવું પડ્યું અને બકરીનું દૂધ લેવાનું શરૂ કરવું પડ્યું તે અનુભવે તેમને નમ્રતાનો વળી એક બીજો પાઠ આપ્યો. “જીવવાની આશાએ” તેઓ લખે છે, “મેં મનને જેમતેમ ફોસલાવી લીધું..... મારા વ્રતનો આત્મા હણાયો... પણ મારે રૉલેટ એકટ સામે ગૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો” (પૃ. ૨૭૧). ભગવદ્ગીતાના અભ્યાસે આમ ગાંધીજીની સેવાવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાનું શરૂ કર્યું તેનું સૌથી મહત્ત્વનું પરિણામ તેમણે ૧૯૦૬ની સાલમાં ઝૂલુ બંડ વેળા બ્રહ્મચર્યનું વ્રત લીધું તેમાં આવ્યું. એ વ્રત લેવાના સંયોગ, ગાંધીજીની દૃષ્ટિએ, એમની શ્રેયયાત્રાની સૌથી વધુ આશ્ચર્યમય ઘટના જેવા હતા. તે સમયે ગાંધીજી અંગ્રેજ સલ્તનતને જગત માટે કલ્યાણકર માનતા હોવાથી તેમણે બંડ દરમિયાન હિંદી કોમની સેવાઓ આપવા માટે એક સારવાર ટુકડી તૈયાર કરી અને પોતે તેની નેતાગીરી લીધી. પરંતુ ગાંધીજીનું હૃદય ઝૂલુઓ તરફ હતું અને લડાઈ દરમિયાન એમના પ્રત્યેની ક્રૂરતા તેમને અસહ્ય લાગી. “અહીં લડાઈ નહીં”, તેઓ લખે છે, “પણ મનુષ્યનો શિકાર હતો...” ગાંધીજીના સદ્ભાગ્યે એમની ટુકડીને મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું આવ્યું. નિર્દોષ ઝૂલુઓની એ સેવાનો અનુભવ ગાંધીજી માટે આશીર્વાદ સમાન નીવડ્યો. એમના હૃદયની કરુણાને તેણે પૂર્ણપણે જાગ્રત કરી અને તીવ્ર બનેલી સેવાભાવનાને વ્રત રૂપે દૃઢ કરી. વ્રત લેવાના સમયની એમની મન:સ્થિતિને ગાંધીજીની કલમે તાદૃશ કરી બતાવી છે : “અહીં વસ્તી બહુ ઓછી હતી. પહાડો ને ખીણોમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૃબાઓ સિવાય બીજું કંઈ નહોતું. તેથી દૃશ્ય ભવ્ય લાગતું હતું. માઈલોના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો” (પૃ. ૩૨૦). એવી વિચારગ્રસ્ત સ્થિતિમાં એમને અંતરની સ્ફુરણા થઈ કે “જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિતૈષણાનો ત્યાગ કરવો જોઈએ, અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ” (પૃ. ૨૦૭). “આવા વિચારોના વમળમાં પડી” ગાંધીજી બ્રહ્મચર્યવ્રત લેવા અધીરા બન્યા. “આ વિચારોથી”, તેઓ લખે છે, “મને એક પ્રકારનો આનંદ આવ્યો ને મારો ઉત્સાહ વધ્યો. કલ્પનાએ સેવાનું ક્ષેત્ર વિશાળ કરી મૂક્યું” (પૃ. ૩૨૧). વ્રતે માત્ર સેવાનું ક્ષેત્ર વિશાળ ન કરી મૂક્યું, સમય જતાં તેણે ગાંધીજીની અંતરદૃષ્ટિને પણ અતિસૂક્ષ્મ બનાવી અને એમની સત્યસાધનાને ઊંડી આધ્યાત્મિકતાના સ્તરે મૂકી આપી. કાયિક બ્રહ્મચર્યના પાલનમાં, તેઓ લખે છે, “હું નિર્ભય બન્યો છું”, “પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી.... ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઈચ્છીએ તે વિચારો આપણી ઉપર ચડાઈ કરે છે તે હું હજુ જાણી શક્યો નથી” (પૃ. ૩૨૨). સંપૂર્ણ બ્રહ્મચર્યની ગાંધીજીની વ્યાખ્યા પણ સૂક્ષ્મ બની. “વિચારમાત્ર વિકાર છે", તેઓ લખે છે, એટલે “જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી.” અને અનુભવે ગાંધીજી એ પણ સમજ્યા કે “આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને તેથી “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” (પૃ. ૨૧૧-૨). એમના જીવનનાં અંતિમ વર્ષોમાં ગાંધીજીએ રામનામનો પૂર્ણ ચમત્કાર અનુભવ્યો હતો. બ્રહ્મચર્યવ્રતની દીક્ષા સાથે ગાંધીજીની સત્યાગ્રહદર્શન માટેની તૈયારી પૂરી થઈ. “કેમ જાણે આ બ્રહ્મચર્યવ્રત”, તેઓ લખે છે, સત્યાગ્રહને “સારુ મને તૈયાર કરવા જ ન આવ્યું હોય! સત્યાગ્રહની કલ્પના મેં કંઈ રચી નહોતી રાખી. તેની ઉત્પત્તિ અનાયાસે, અનિચ્છાએ થઈ. પણ મેં જોયું કે તે અગાઉના મારાં બધાં પગલાં... જાણે તેની તૈયારીરૂપે હતાં” (પૃ. ૨૦૮-૯). તેથી પણ આગળ વધીને ગાંધીજી લખે છે, “બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને જ સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું” (પૃ. ૩૨૩). અને સત્યાગ્રહની ઉત્પત્તિની સાથે ગાંધીજીનું વિશિષ્ટ જીવનકાર્ય શરૂ થયું. સત્યાગ્રહની ઉત્પત્તિ ને તેના વિકાસનો ઇતિહાસ ગાંધીજીએ ‘દ. આ. સ. ઈ.’માં આપી દીધો છે એટલે ‘સત્યના પ્રયોગો’માં તેને છોડી દીધો છે. એ લડત સફળ રહી હતી; ભારતમાં ગાંધીજીના પ્રયોગો મૂંઝવણભર્યા, ક્યારેક અતિમૂંઝવણભર્યા બન્યા, પરંતુ એ મૂંઝવણોમાંય ગાંધીજીની આશ્ચર્યમય આધ્યાત્મિક વિકાસયાત્રા ચાલુ રહી અને તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંડી સત્યદૃષ્ટિ ને અહિંસા તરફ પ્રગતિ કરતા રહ્યા. દક્ષિણ આફ્રિકા છોડ્યા પછી તેઓ ભારત પહોંચ્યા તે પહેલાં જ, ઇંગ્લંડમાં, તેમની અહિંસાની મૂંઝવણભરી કસોટી થઈ. ગાંધીજી ઇંગ્લંડ પહોંચ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું, અને દક્ષિણ આફ્રિકામાં એમણે બોઅર યુદ્ધ ને ઝૂલુ બંડ વેળા કર્યું હતું તેમ આ પ્રસંગે પણ બ્રિટિશ સરકારને ઇંગ્લંડમાં વસતા હિંદીઓની સેવાઓ આપવા એક સારવાર ટુકડી તૈયાર કરી. પરંતુ પરિસ્થિતિ હવે જુદી હતી. ગાંધીજીની ધર્મભાવના વધુ ઊંડી બની હતી અને તેમાં સત્યની સાથે અહિંસા પણ કેન્દ્રસ્થાને હતી. એટલે એમણે યુદ્ધમાં કશો પણ ભાગ લેવાની યોગ્યતા વિશે પહેલાં કરતાં વધુ તીવ્ર રૂપે પ્રશ્ન ઉપસ્થિત થયો. “યુદ્ધમાં ભાગ લેવો”, ગાંધીજી લખે છે, “એ અહિંસાની સાથે ગડ બેસે એવું નથી એ બરોબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે" (પૃ. ૩૫૫). આ મૂંઝવણમાંથી ગાંધીજી નમ્રતાનો પાઠ ઘટાવે છે. પોતાનો નિર્ણય તેઓ મિત્રોને ગળે નહોતા ઉતારી શક્યા એ વિશે લખતાં તેઓ કહે છે: “સત્યને આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પોતાના વિચારોને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હમેશાં માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત્ત કરે” (પૃ. ૩૫૭). ભારતમાં ગાંધીજીને આમ કરવાના વારંવાર પ્રસંગો આવ્યા. ગોખલેના માર્ગદર્શન નીચે દેશની સેવા કરવાની “હોંશ સાથે” ગાંધીજી મુંબઈ પહોંચ્યા, પણ, તેઓ લખે છે, “વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો” (પૃ. ૩૬૭). એકાદ માસમાં જ ગોખલેનું મૃત્યુ થયું, અને પોતાનો સેવામાર્ગ પોતે જ શોધી લેવાનું ગાંધીજીને આવ્યું. નિર્ણય સહેલો નહોતો. ભારતના પ્રજાજીવનની અવદશા ગાંધીજી જાણતા હતા. પરંતુ હવે ભારતીય આધ્યાત્મિકતા વિશે ઉત્સાહભરી શ્રદ્ધા અનુભવતી એમની દૃષ્ટિને એ દર્શન અસહ્ય થઈ પડ્યું. રંગૂન જતાં સ્ટીમર ઉપર, રેલવે મુસાફરીઓ દરમિયાન અને કુંભમેળા પ્રસંગે હરદ્વારમાં એમણે જે ગંદકી, અવ્યવસ્થા ને નાગરિક શિસ્તનો સંપૂર્ણ અભાવ જોયાં તેથી તેમનું ભારતપ્રેમી હૃદય અકળાઈ ઊઠ્યું. કુંભમાં “ચાલતા પાપનું” પોતે જ આત્મશુદ્ધિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાનો તેમણે નિર્ણય કર્યો અને ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓથી વધારે નહિ ખાવાનું અને રાત્રિભોજનનો ત્યાગ કરવાનું વ્રત લીધું. એવી જ આત્મશુદ્ધિની ભાવનાથી તેમણે સ્વજનોનો, સાથી કાર્યકરોનો ને ધર્મચુસ્ત પ્રજાવર્ગનો વિરોધ વહોરીને પણ એક અંત્યજ કુટુંબને આશ્રમમાં પ્રવેશ આપ્યો. તેને પરિણામે ધનિક ટેકેદારોની મદદ બંધ થઈ અને આશ્રમ બંધ કરવાની સ્થિતિ આવી. ગાંધીજી દૃઢ રહ્યા, જરૂર પડે તો અંત્યજોની વચ્ચે જઈને રહેવા તેઓ તૈયાર થયા. એમની શ્રદ્ધા ફળી અને અણધારી મદદ આવી મળી. જાહેર સેવાના ક્ષેત્રે પણ ગાંધીજીનો અનુભવ મિશ્ર રહ્યો, અને દક્ષિણ આફ્રિકામાં તેમણે ક્યારેય નહોતી અનુભવી એવી નિષ્ફળતાઓ હવે અનુભવી. પહેલો, ચંપારણનો, સત્યાગ્રહ ગરીબ ખેડૂતોની માગણી પૂરતો સફળ રહ્યો, અને તેમનામાં જે જાગૃતિ આવી તેમાં ગાંધીજીએ “ઈશ્વરનો, અહિંસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો” (પૃ. ૪૧૬). પરંતુ સત્યાગ્રહની સાથે શરૂ કરેલો રચનાત્મક કાર્યક્રમ અધૂરો રહ્યો, અને એ કાર્યક્રમનો અમલ કરાવતાં ગાંધીજીને ભારતની પ્રજાની ગરીબીનો પ્રથમ હૃદયદ્રાવક અનુભવ થયો. ગરીબ સ્ત્રીઓને પોતાનાં કપડાં ધોવાનું સમજાવતાં કરતૂરબાને એક સ્ત્રી એની ઝૂંપડીમાં લઈ ગઈ અને બતાવ્યું : “તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ” (પૃ. ૪૨૭). આ પ્રસંગ ગાંધીજીની સ્મૃતિમાં એવો અંકાઈ ગયો કે સ્ત્રીઓની કેટલીય સભાઓમાં તેમણે એનો ઉલ્લેખ કરેલો. દેશની આવી અસહ્ય ગરીબીનો એકમાત્ર ઉપાય ગાંધીજીએ ખાદીમાં જોયો, અને રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે ઉપાય યોજતા તેટલા જ ઉત્સાહથી તેમણે ખાદી ઉત્પન્ન કરવાનાં સાધનોની શોધ કરી અને એ શોધ સફળ થતાં ખાદી પ્રચારનું કામ આરંભ્યું. ગાંધીજીની બીજી જાહેર લડત, અમદાવાદના મિલમજૂરોની, વ્યાવહારિક દૃષ્ટિએ સફળ રહી ગણાય, પરંતુ તેને બચાવવા ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો તે એમને પોતાને દોષિત લાગ્યો હતો અને તેની દુ:ખદ સ્મૃતિ એમને રહી ગઈ. ત્રીજી, ખેડાની, લડતમાં પણ ખેડૂતોની માગણી કબૂલ રાખવામાં આવી, પરંતુ, ગાંધીજી લખે છે, “આ અંતથી અમે કોઈ રાજી ન થઈ શક્યા.” લડતને અંતે તેમણે વધારે તેજ ને શક્તિ ન જોયાં, અને “તેથી અંતનો ઉત્સવ મનાયો” છતાં ગાંધીજીને તે “નિસ્તેજ લાગ્યો" (પૃ. ૪૪૨). લડતને અંતે રંગરૂટોની ભરતી માટે ગાંધીજી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ફર્યા ત્યારે તેમને પ્રજાની નિર્બળતાનો એક વધુ દુઃખજનક અનુભવ થયો, અને તેમાં મરડાની વ્યાધિએ ઉત્પન્ન કરેલી વેદના ભળી. સને ૧૯૧૮ના જુલાઈથી ૧૯૧૯ના જાન્યુઆરી સુધીના એ સાત માસ ગાંધીજી માટે એમણે પહેલાં ક્યારેય નહિ અનુભવેલા એવા કષ્ટભર્યા બન્યા. અને એ સર્વે કષ્ટને અંતે એમણે દૂધ નહિ લેવાના વ્રતનો ભંગ કરી બકરીનું દૂધ લેવાની લાચારી અનુભવી. આ વ્યક્તિગત આઘાતોમાંથી ગાંધીજી બહાર આવ્યા તેવા જ રાજકીય આઘાત શરૂ થયા. પોતાના અંતરના અવાજને રૂંધીને તથા લોકમાન્ય તિલક અને એની બેસન્ટ જેવા પ્રતિષ્ઠિત નેતાઓની વિરુદ્ધ જઈને ગાંધીજી યુદ્ધમાં સરકારને મદદ કરવાના પક્ષે રહ્યા હતા એ સરકારને તેમણે યુદ્ધને અંતે ઉગ્ર પ્રજામતની અવગણના કરી રૉલેટ કાયદાઓ પસાર કરતી જોઈ. “મેં વાઈસરૉયને મળીને ખૂબ વીનવ્યા”, ગાંધીજી લખે છે, “ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું” (પૃ. ૪૫૯). પણ જેમ સરકાર ગાંધીજીને ન સમજી, તેમ પ્રજા પણ ન સમજી, અને સત્યાગ્રહનું શસ્ત્ર અવળું પડ્યું. ગુજરાત, દિલ્હી, પંજાબ ને મુંબઈ બધે વત્તાઓછા પ્રમાણમાં રમખાણો થયાં અને તે દાબી દેવા સરકારે અમાનુષી દમનનો માર્ગ લીધો, જેમાંથી જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો. ગાંધીજીએ જોયું કે એમણે પહાડ જેવડી ભૂલ કરી હતી અને સત્યાગ્રહ મોકૂફ રાખ્યો. વર્ષને અંતે અમૃતસર કૉંગ્રેસમાં સરકારનાં બધાં દુષ્કૃત્યો ભૂલી જઈ ગાંધીજીએ નવા જાહેર કરવામાં આવેલા, દેશબંધુ ચિત્તરંજન દાસ જેવા નેતાઓની દૃષ્ટિએ તદ્દન અસંતોષકારક, સુધારાઓ સાથે સહકાર કરવાનો અનુરોધ કર્યો. પરંતુ સરકારે તેની પણ કદર ન કરી અને પંજાબના અન્યાયો અંગે ગાંધીજીની માગણી ન સ્વીકારી. સાથે સાથે ખિલાફતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો, અને ભારતના મુસલમાનો પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ગાંધીજીએ એ પ્રશ્નમાં એમને ટેકો આપ્યો. પંજાબ ને ખિલાફતના એ બે પ્રશ્નોમાં સરકાર પાસેથી ન્યાય મેળવવામાં નિષ્ફળ જતાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું અને તુરત તેઓ ભારતની રાષ્ટ્રીય લડતના નેતા બની ગયા. સત્યના પ્રયોગોની કથા ગાંધીજીએ અહીં સમાપ્ત કરી છે. પરંતુ જે ગાંધીજી એ લખી રહ્યા છે તે કથાની સમાપ્તિ વેળાના ગાંધીજી નથી. અસહકારની કરુણ નિષ્ફળતાએ એમને અતિનમ્ર બનાવ્યા હતા અને આદિથી અંત સુધીની કથા એમની એ નમ્ર બનેલી દૃષ્ટિએ આલેખી છે. એ નમ્રતાપ્રેર્યા તેઓ ‘પૂર્ણહુતિ’માં લખે છે: “મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે.... મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે... એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણો બંધ કરું છું” (પૃ. ૫૦૨). અગ્રેજ કવિ કીટ્સે માણસના જીવનને "a vale of soul-making", “આત્માને ઘડવાનું ક્ષેત્ર”, કહ્યું છે. ‘સત્યના પ્રયોગો’ આત્માના એવા ઘડતરની કથા બની છે, અને ‘પૂર્ણાહુતિ’માં વાચક એ ઘડતરના સુફળની મધુરતા અનુભવે છે. જે સંસ્કારોએ ગાંધીજીની ચેતનાને આવી આશ્ચર્યજનક વિકાસશીલતા બક્ષી હતી તેમાં ભગવદ્ગીતાનો મહત્ત્વનો ફાળો હતો. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં એનો પ્રથમ પરિચય કર્યો ત્યારથી તેમણે એનું આકર્ષણ અનુભવ્યું હતું. સને ૧૯૦૩માં એમણે એનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન અનુભવે પરિપકવ બનેલી દૃષ્ટિએ એનો ફરીથી અભ્યાસ કર્યો. જેલમાંથી છૂટ્યા પછી સને ૧૯૨૬માં એક વર્ષ માટે રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ તેઓ પહેલી વાર આશ્રમમાં સ્થિર થઈને રહ્યા અને દરરોજનાં પ્રાર્થનાપ્રવચનમાં તેમણે આશ્રમવાસીઓને પોતાના ગીતાઅભ્યાસનો લાભ આપ્યો. એ પ્રવચનોની મહાદેવ દેસાઈ અને શ્રી પૂંજાલાલ શાહે લીધેલી નોંધો શ્રી નરહરિ પરીખે સંપાદિત કરી છે અને તે ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ નામથી પ્રસિદ્ધ થઈ છે. તે પછી ગાંધીજીએ અસહકારના દિવસોમાં સ્વામી આનંદે કરેલી વિનંતીને માન આપી ભગવદ્ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો, જે ૧૯૩૦ની ૧૨મી માર્ચે દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે ‘અનાસક્તિયોગ’ નામે પ્રસિદ્ધ થયો. હિમાલયમાં અલમોડા પાસે કૌસાનીમાં રહી લખેલી તેની પ્રસ્તાવનામાં ગાંધીજીએ પોતાનું મૌલિક ગીતાદર્શન હિમાલયની પ્રસન્ન શાંતિની સંપૂર્ણ છાયા ઝીલતા ગદ્યમાં સમજાવ્યું છે. સને ૧૯૩૦ ને ૧૯૩૨ના જેલનિવાસ દરમિયાન વળી પાછા એમણે આશ્રમવાસીઓ માટે ગીતા ઉપર પ્રવચનલેખો લખી મોકલ્યા, જે પાછળથી ‘ગીતાબોધ’ નામે પ્રસિદ્ધ થયા. ગીતાના ઉપદેશમાં ગાંધીજીએ ધર્મ ને મોક્ષ વિશેની પ્રાચીન ભારતીય દૃષ્ટિનું નવું રહસ્ય જોયું છે. ગીતાકારનો ઉદ્દેશ એના સમયમાં પ્રચલિત દર્શનોનો સમન્વય સાધી એક નવો સાધનામાર્ગ ઉપદેશવાનો હતો. વૈદિક યજ્ઞમાર્ગ ઇહલૌકિક સુખસમૃદ્ધિ માટે દૈવી શક્તિઓની આરાધનાનો હતો, જ્યારે સાંખ્યદર્શને દૃશ્ય સૃષ્ટિને અજ્ઞાનજન્ય ગણી તેની ઉપેક્ષા ઉપદેશી. ઉપનિષદોએ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહેલા પરમતત્ત્વની શોધ આરંભી, પરંતુ એ શોધ માનવજીવનને સ્વીકારીને કે તેનો ત્યાગ કરીને કરવી એ વિશે એમનું દૃષ્ટિબિંદુ અસ્પષ્ટ રહ્યું. ગીતાએ વૈદિક યજ્ઞમાર્ગને બાજુએ રાખ્યો, સાંખ્યના પુરુષ-પ્રકૃતિ તત્ત્વજ્ઞાનને સ્વીકાર્યું પરંતુ તે બન્નેને સૃષ્ટિના અંતિમ રહસ્યરૂપ પુરુષોત્તમતત્ત્વનાં આવિર્ભાવો માન્યા અને માનવજીવનનો સ્વીકાર કરીને તેની દ્વારા જ એ તત્ત્વ સાથે ઐક્ય અનુભવવાનો માર્ગ દર્શાવ્યો. એ હેતુથી તેણે સાંખ્ય ને ઉપનિષદોના જ્ઞાનની સાથે ભક્તિનો સંયોગ કર્યો અને વૈદિક કર્મકાંડને સ્થાને એક નવી, નિષ્કામ કર્તવ્યકર્મની ભાવના આપી. ગીતાની આ સમન્વયદૃષ્ટિનું પૂરું રહસ્ય પાછળની પેઢીઓને સમજાયું નહિ, અને જ્ઞાન, ભક્તિ ને કર્મની ત્રિવેણીમાંથી અદ્વૈતમાર્ગીઓએ જ્ઞાન ઉપર અને વૈષ્ણવ સંપ્રદાયે ભક્તિ ઉપર ભાર મૂક્યો, અને બન્ને દર્શનોએ લોકસંગ્રહરૂપ કર્મને લોકોમાં જ્ઞાન ને ભક્તિના પ્રચારાર્થે કરેલા કર્મ પૂરતું મર્યાદિત કર્યું. પરિણામે પ્રજા એના વ્યાવહારિક જીવનમાં શુદ્ધ ધર્મભાવના કે નીતિભાવનાના માર્ગદર્શનથી વંચિત રહી, અને પ્રાચીન દૃષ્ટાઓએ કલ્પેલા ધર્મ, અર્થ, કામ ને મોક્ષના આદર્શનો ખરો અર્થ ભુલાઈ ગયો. ગાંધીજીનું ગીતાદર્શન જ્ઞાન ને ભક્તિની સાથે કર્મનું પૂરું મહત્ત્વ સ્વીકારી ધર્મ ને મોક્ષનો પરસ્પર સંબંધ પુનઃસ્થાપિત કરે છે અને બન્ને વિશેની ભાવનાઓનું નવસર્જન કરે છે. ભગવદ્ગીતા મોક્ષના અભિલાષીને સામાન્ય વ્યવહારજીવનની કર્તવ્ય-ભાવનાની ભૂમિકાથી શરૂ કરી છેક બ્રાહ્મી સ્થિતિની “પરા શાંતિ”ના અનુભવ સુધી લઈ જાય છે, જે સ્થિતિમાં, ગીતાના શબ્દોમાં, જે બીજાં પ્રાણીઓની રાત્રિ હોય છે તેમાં સંયમી જાગતો હોય છે, અને જેમાં તે જાગતાં હોય છે તે અંતરદૃષ્ટિવાળા યોગીને રાત્રિ હોય છે” (૨.૬૯), યોગીની ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય છે અને એની ચેતના વાયુરહિત સ્થળમાં દીવાની જ્યોત જેવી સ્થિર બની જાય છે (૬.૨૯). એ આંતરયાત્રામાં ગીતા સાધકને ઈશ્વરની આશ્ચર્યમય વિભૂતિઓનું અને તેના વિશ્વરૂપનું પણ દર્શન કરાવે છે. ગાંધીજીને એવી અતીન્દ્રિય સ્થિતિના અનુભવમાં રસ નથી. તેમને બહુજનસમાજની જાગ્રત ચેતનાસૃષ્ટિમાં રહીને જ અહંવિલોપનનો અનુભવ કરવો છે. એમનું પણ અંતિમ લક્ષ્ય મોક્ષ હતું, પરંતુ મોક્ષને અર્થે તેમને માનવજીવનના પ્રવાહથી વિમુખતા ઇષ્ટ નહોતી. રામાયણસંસ્કારે એમને માનવવ્યવહારમાં સત્ય ને પ્રેમનું આકર્ષણ આપ્યું હતું, અને ઈશુના જીવન ને ઉપદેશમાં એમણે સેવાધર્મનું આકર્ષણ અનુભવ્યું હતું. ભગવદ્ગીતાને ઉપદેશમાં એમણે પોતાની એ સત્ય, પ્રેમ ને સેવાની ભાવનાઓને મોક્ષનાં સાધન બનાવવાનો માર્ગ જોયો. એ માર્ગ હતો અનાસક્તભાવે કર્તવ્યકર્મનો. અનાસક્તિનો અર્થ ગાંધીજી પોતાના અનુભવ ઉપરથી જ સમજ્યા હશે. લંડનમાં એમણે પહેલી વાર ગીતા વાંચી ત્યારે ઈન્દ્રિયવિષયો પ્રત્યે આસક્તિનાં ગંભીર પરિણામોનું વર્ણન કરતા બીજા અધ્યાયના બે શ્લોકો (૬૨-૩) એમની સ્મૃતિમાં એવા અંકિત થઈ ગયા કે, ‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, “તેના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે” (પૃ. ૭૦). ગાંધીજીને વિષયાસક્તિનો અનુભવ હતો જ, અને ગીતાના એ શ્લોકોએ જાણે કે એમના રોગનું નિદાન કરી આપ્યું અને તેમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. જેમ ઇન્દ્રિયવિષયો પ્રત્યે, તેમ સાંસારિક અર્થો વિશે અને નીતિ ને ધર્મના આદર્શો વિશે ૫ણ આસક્તિ બંધાય છે, જે વ્યક્તિની ચેતનાને અમુક અનુભવોના વર્તુળમાં પકડી રાખે છે અને તેના પૂર્ણ વિકાસમાં અવરોધરૂપ બની રહે છે. ગાંધીજી આસક્તિનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો જોઈ શક્યા અને આશ્ચર્યજનક માત્રામાં તેમણે એમનામાંથી મુક્તિ સિદ્ધ કરી. આસક્તિનું સૂક્ષ્મતમ રૂપ અહમ્નું હોય છે, અને એ ક્ષીણ થતાં વ્યક્તિ પોતાના હૃદયની સર્વ વૃત્તિઓને કોઈ અદૃશ્ય તત્ત્વની પ્રેરણા રૂપે અને પોતાને એ તત્ત્વના નિમિત્ત રૂપે અનુભવે છે. દરિદ્રનારાયણની સેવામાં ગાંધીજીએ એવા નિર્મમત્વની ઝાંખી કરી, અને એ અનુભવ એમના ગીતાદર્શનનું મધ્યબિંદુ બની રહ્યો. અર્થાત્, ગાંધીજીનો કર્મયોગ એટલે, પ્રથમ યજ્ઞાર્થે, ઈશ્વરસમર્પણભાવે અને અંતે માત્ર નિમિત્તભાવે સેવાકર્મ. આવી રીતે કર્તૃત્વભાવનાના ત્યાગમાં બે ભયસ્થાનો રહેલાં છે. એક દૃષ્ટિ, જે સાંખ્યની છે, વ્યક્તિની સ્વભાવવૃત્તિઓને પ્રકૃતિની પ્રેરણા રૂપે જુએ છે. સાંખ્યમાર્ગનો સાધક એ પ્રકૃતિલીલા પ્રત્યે ઉદાસીન બની તેનું શમન કરવા ઇચ્છે છે, પરંતુ ભૌતિકતાવાદીઓ એ વિચારસરણીનો વિપરીત અર્થ કરી સંયમની નિરર્થકતા પ્રતિપાદિત કરે છે અને સ્વૈરવર્તનની હિમાયત કરે છે. આધુનિક મનોવિજ્ઞાનમાંથી ક્યારેક એવો સૂર નીકળતો હોય છે. ભક્તિમાર્ગીઓ પોતાની સર્વ હૃદયવૃત્તિઓને ઈશ્વરની પ્રેરણા રૂપે જુએ છે અને તેમાંના કોઈ કોઈ એ વિચારસરણીનો પણ વિપરીત અર્થ કરી ધર્મ-અધર્મના વિવેકની ઉપેક્ષા કરે છે. ગાંધીજી ધર્મ ને સંયમના સિદ્ધાંત ઉપર દૃઢ છે. વ્યક્તિનાં કર્મ એનાં પોતાનાં હોય કે પ્રકૃતિ અથવા ઈશ્વરની પ્રેરણા હોય, કોઈ સ્ત્રીપુરુષ પોતાની ધર્મબુદ્ધિની ઉપેક્ષા કરી શકે જ નહિ — સર્વ કર્મો શુદ્ધ ધર્મબુદ્ધિથી, સંયમપૂર્વક, ગીતાના શબ્દમાં “નિયત” રહી, કરવાનો વ્યક્તિનો સતત પ્રયત્ન રહેવો જોઈએ અને છતાં તેણે એવાં કર્મ વિષે અકર્તૃત્વભાવ કેળવી એમનાં પરિણામ વિશે અનાસક્ત રહેવું જોઈએ. જેને સંપૂર્ણ નિર્મમત્વ સિદ્ધ થયું છે તેને માણસની ધર્મબુદ્ધિને આઘાત આપે એવું કોઈ કર્મ કરવાની વૃત્તિ થશે જ નહિ. ગીતાનો એક શ્લોક (૧૮. ૧૭) કહે છે કે જે અહંકારભાવથી મુક્ત થઈ ગયો છે તે જગતને હણતો છતો નથી હણતો. ‘અનાસક્તિયોગ’માં તે શ્લોક ઉપરની ટીકામાં ગાંધીજી લખે છે : “ગીતાના ઘણા શ્લોકો કાલ્પનિક આદર્શને અવલંબનારા છે. તેનો સચોટ નમૂનો જગતમાં ન મળે.... જેનામાં અહંતા નથી તેને શરીર જ નથી. જેની બુદ્ધિ વિશુદ્ધ છે તે ત્રિકાળદર્શી છે. આવો પુરુષ તો કેવળ એક ભગવાન છે.... તેથી મનુષ્ય પાસે તો એક ન હણવાનો અને શિષ્ટાચાર — શાસ્ત્ર — નો માર્ગ જ છે” (પૃ. ૧૭૩-૪). અને સદેહે કર્તૃત્વભાવનાનું સંપૂર્ણ વિલોપન શક્ય હોય તોપણ, ગાંધીજી એમ કહે કે એવી વ્યક્તિ કેવી રીતે વર્તે એની કલ્પના કરી એવી સ્થિતિ જેને સિદ્ધ નથી થઈ તે એનું અનુકરણ ન કરી શકે. એટલે મોક્ષના અભિલાષીએ પોતાની વૃત્તિઓમાં શુભ-અશુભનો વિવેક કરવો જ રહ્યો, અને અશુભ વૃત્તિઓનો ત્યાગ કરી શુભ વૃત્તિઓને ઈશ્વરપ્રેરિત માની નિર્મમભાવે, ફલાસક્તિરહિત, તેમને અનુસરવું જોઈએ. એવી અનાસક્ત પ્રવૃત્તિમાં સત્ય ને અહિંસાનું પાલન જ સંભવે. “ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને” ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે, “સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની.” (પૃ. ૨૫). એટલે પોતે શુભ માનેલી કોઈ પ્રવૃત્તિને બીજાંઓ એ રૂપે ન જુએ તો એમના વિરોધનો બળ કે રોષપૂર્વક સામનો કરવાને બદલે તેને પ્રેમથી સહન કરી લેવો જોઈએ. આમ ગીતાના ઉપદેશમાંથી ગાંધીજી પોતાના સત્યાગ્રહમાર્ગની પણ પ્રેરણા મેળવે છે. આત્મબળ દ્વારા ભારતમાં સાચું સ્વરાજ સ્થાપવાના પોતાના પ્રયોગમાં મુખ્ય સાધન તરીકે ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ભાવના કે આદર્શ ગમે તેટલાં ઊંચાં હોય, તેમનું ચુસ્ત પાલન કરવાનો અડગ નિશ્ચય ન હોય તો વ્યક્તિ કે સંસ્થાની નૈતિક શક્તિ કેળવવામાં ને પ્રગટ કરવામાં તે બહુ ઉપકારક નથી નીવડતાં. એટલે સત્યાગ્રહ આશ્રમ માટે ગાંધીજીએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય ને અપરિગ્રહ એ પાંચ પરંપરાપ્રાપ્ત યમોમાં એમના સમયની દેશની સ્થિતિને અનુલક્ષીને અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ છ વ્રતો ઉમેરીને કુલ અગિયાર વ્રતોની શિસ્ત સ્વીકારી હતી. સને ૧૯૨૦-૨૧ના અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની લડત શરૂ થઈ ત્યારે યરવડા જેલમાંથી ગાંધીજીએ પાછળ રહેલાં આશ્રમવાસીઓની આશ્રમવ્રતો ઉપર શ્રદ્ધા દૃઢ કરવાના હેતુથી નારણદાસ ગાંધીને એ વ્રતો વિશે સાપ્તાહિક પ્રવચન૫ત્રો લખી મોકલ્યા. એ પત્રો દર મંગળવારે લખાતા, એટલે પાછળથી તે ‘મંગળપ્રભાત’ નામથી પ્રસિદ્ધ થયા. આ પત્રોમાં ગાંધીજીએ પોતાની વ્રતસાધનાનું સંક્ષેપમાં પણ સૂક્ષ્મતાથી રહસ્ય સમજાવ્યું છે. એમને માટે આશ્રમનાં એ વ્રતો માત્ર બાહ્યાચારમાં પાળવાના યાંત્રિક નિયમો નહોતા, પરંતુ સ્વાર્પણની જે ભાવના એમના હૃદયમાં દક્ષિણ આફ્રિકામાં સ્ફુરી હતી અને જે ઉત્તરોત્તર વધુ એકાગ્ર ને ઊંડી બનતી રહી હતી તેને પૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારવાનાં સાધન હતાં. બ્રહ્મચર્યની જરૂર જોયા પછી તે પાળવાની મુશ્કેલીના અનુભવ ઉપરથી ગાંધીજી વ્રતની આવશ્યકતા સમજતા થયા હતા, અને ઝૂલુ બળવા દરમિયાન ઘાયલ ઝૂલુઓની સારવાર કરતાં તેમણે છેવટનો નિર્ણય કર્યો અને વ્રત લીધું. વ્રતની આવશ્યકતા સમજાવતાં તેઓ ‘સત્યના પ્રયોગો’માં લખે છે કે “વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે" (પૃ. ૨૦૭). માણસની સ્વાભાવિક નિર્બળતા વારંવાર એના મનને છેતરે છે અને પોતાના શુભ સંકલ્પોને ચુસ્તતાથી નહિ વળગી રહેવા લલચાવે છે. પોતાની એવી નિર્બળતાને વશ થવામાં વ્યક્તિ પોતાની સ્વતંત્રતા અનુભવે, પણ તે સાચી સ્વતંત્રતા નથી, ટેવનું બંધન છે. વ્રત વ્યક્તિને એવા બંધનમાંથી મુક્ત કરે છે, પોતાના શુભ સંકલ્પને વળગી રહેવું કે તત્ક્ષણની પ્રેરણાને અનુસરવું એવો પ્રસંગે પ્રસંગે નિર્ણય કરવાની આવશ્યકતામાંથી મુક્ત કરી હૃદયની ઉચ્ચ વૃત્તિઓને અનુસરવાનો માર્ગ સરળ કરી આપે છે. એવી સરળતા એ જ સાચી સ્વતંત્રતા. સંયમ એમ સ્વાભાવિક બની જાય ત્યારે જ તે બોજારૂપ મટી જાય અને આત્મનિષ્ઠાના સૂક્ષ્મ, નિર્મળ આનંદનો અનુભવ કરાવી શકે. એટલે ‘મંગળપ્રભાત’માં ‘વ્રતની આવશ્યકતા’ ઉપરના લેખમાં ગાંધીજી લખે છે : “દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્રય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ કાળે કરી શકે છે” (પૃ. ૪૨), ગાંધીજીનાં વ્રતો કોઈ વર્તુળના પરિઘ ઉપર ભિન્ન ભિન્ન બિંદુઓ જેવાં છે. તેમાંના કોઈ બિંદુએથી ૯૦ અંશે દોરેલી સીધી લીટી એક જ મધ્યબિંદુએ પહોંચે. એ જ રીતે ગાંધીજી દરેક વ્રતના સ્થૂળ વાચ્યાર્થમાંથી વધુ ને વધુ સૂક્ષ્મ અર્થો ઘટાવતા સંપૂર્ણ આત્મસમર્પણની સ્થિતિની ઝાંખી કરાવે છે. એવી સ્થિતિનો અનુભવ તે જ, એમની દૃષ્ટિએ, વિશુદ્ધ સત્ય કે ઈશ્વરનું દર્શન. બધાં વ્રતો એ સંપૂર્ણ સત્યની આરાધનામાંથી જ ફલિત થાય છે. “આ સત્યની આરાધનાને ખાતર જ”, ગાંધીજી લખે છે, “આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ.... આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે.” એટલે એ સત્યરૂપ પરમેશ્વરને ગાંધીજી પારસમણિ કે રત્નચિંતામણિ રૂપે ઓળખાવે છે. તેને પહોંચવા માટે વ્યક્તિ પોતાની માનવીય દૃષ્ટિને દેખાતા મર્યાદિત સત્યને ચુસ્તતાથી પણ નિ:સ્વાર્થભાવે અનુસરે અને તેમ કરતાં જે દુઃખ આવી પડે તે સ્વીકારી લે (પૃ. ૧-૩). આવી નિર્મમ, નિરહમ્ સત્યનિષ્ઠા બીજાંઓ માટે પ્રેમ ને કરુણા વિના શક્ય નથી. અર્થાત્, વ્યક્તિદૃષ્ટિના મર્યાદિત સત્યની શુદ્ધિ માટે અહિંસાનું પાલન આવશ્યક છે. પરંતુ “અહિંસા કોઈને માત્ર ન મારવામાં નથી રહી, વિચારમાં પણ કોઈની પ્રત્યે દ્વેષ ન રાખવો જરૂરી છે” (પૃ. ૫-૬). એવી પૂર્ણ અહિંસા, ગાંધીજીના મતે, બ્રહ્મચર્ય વિના શક્ય નથી, અને બ્રહ્મચર્યનું પાલન બોજારૂપ ન થઈ પડે તે માટે તેને ‘સર્વેન્દ્રિયસંયમ’ એવો વિશાળ અર્થ કરી વિષયમાત્રનો નિરોધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ (પૃ. ૧૦). એવા સર્વેન્દ્રિયસંયમમાં સ્વાદેન્દ્રિયસંયમને બ્રહ્મચર્યપાલન સાથે સવિશેષ સંબંધ છે (પૃ. ૧૧). અસ્તેયવ્રત સત્યવ્રતનું જ એક રૂપ છે. તેનો અર્થ કોઈની વસ્તુ ન ચોરવી એટલો જ નથી. “ન જોઈતી એક પણ વસ્તુ ન લેવી જોઈએ.” આ નિયમની પાછળ સામાજિક ભાવના પણ રહેલી છે, કારણ કે, ગાંધીજી કહે છે તેમ, “આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે” (પૃ. ૧૬). ચોરી માત્ર સ્થૂળ વસ્તુઓની જ નથી હોતી, માનસિક પણ હોય છે. બીજાંઓથી છુપાવવો પડે એવો વિચાર પણ ચોરી છે. આવા સૂક્ષ્મ અસ્તેયવ્રતનું પાલન કરનારે, ગાંધીજી લખે છે તેમ, “બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે” (પૃ. ૧૭). અપરિગ્રહનો ગાંધીજી આથી પણ વધુ સૂક્ષ્મ અર્થ કરે છે. ભવિષ્યની જરૂરિયાતનો વિચાર કરી સંગ્રહ ન કરવો એ અપરિગ્રહવ્રતનો સ્થૂળ અર્થ. પરંતુ “કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણુ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ....આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય?" આમ વિચાર કરતાં આપણે "શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે.” અને “જેમ વસ્તુઓ તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ... ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય” એવા સર્વ વિચારો ત્યાજ્ય છે (પૃ. ૧૯-૨૦) અભયનું પાલન પણ વ્યક્તિને ત્યાગ પ્રતિ લઈ જાય છે. “પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી, ‘મારા’પણું કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે?... એ ઈશ્વરનાં છે; હું પણ તેનો છું;... એટલે આપણે તેના રખેવાળ રહીએ…. સ્વામી મટીને સેવક થઈએ...” આમ “શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ” (પૃ. ૨૩). અસ્પૃશ્યતાનિવારણને પણ ગાંધીજી એવી જ સૂક્ષ્મતાથી જુએ છે. “... અસ્પૃશ્યતાનિવારણ કરનાર... જીવમાત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગત માત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું” (પૃ. ૨૫). જાતમહેનતના વ્રતને ગાંધીજીએ ભગવદ્ગીતાની યજ્ઞભાવના સાથે જોડ્યું છે અને વ્યક્તિ ને સમાજ બન્નેના હિત માટે આવશ્યક ગણ્યું છે. સર્વધર્મસમભાવના વ્રતમાં ગાંધીજીની ભારતીય સત્યદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ હિંદુ ધર્મના પ્રેમી હતા, પરંતુ પ્રાચીન ભારતીય દૃષ્ટિને અનુસરી તેઓ કહે છે: “ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે” (પૃ. ૩૧). આ પ્રાચીન દૃષ્ટિમાં અર્વાચીન દૃષ્ટિનો સંસ્કાર પણ ભળ્યો છે : “બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે” (પૃ. ૩૦). સ્વદેશી જેવા, પહેલી નજરે રાજકીય દેખાતા વ્રતને ૫ણ ગાંધીજી ધર્મદૃષ્ટિએ જુએ છે. સ્વદેશીનો ખરો અર્થ "આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઈ રહેવું” એ છે. એવી સેવા મોહપ્રેરિત ન હોય. “મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે, તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે,” આ અર્થમાં “શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.” એટલે સ્વદેશી “એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી — અહિંસામાંથી — ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે” (પૃ. ૩૮-૪૦) નમ્રતાનું વ્રત ન હોઈ શકે, કારણ કે એ કેળવી શકાતી નથી. પરંતુ બધાં વ્રતો તેને અર્થે જ છે. “નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.” એવી નમ્રતા, ગાંધીજી લખે છે, “આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાપર્ણની આશા રાખે છે.... આ સ્થિતિનું વણુંન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે... બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે” (પૃ. ૩૫-૬). એવી અવર્ણનીય, અનુભવગમ્ય નમ્રતાના સ્પર્શમાં જ ગાંધીજીના ગદ્યની રમ્યતાનું રહસ્ય રહેલું છે. ગાંધીજીના અનેક સત્યના પ્રયોગોમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પણ એક સાહસભર્યો પ્રયોગ હતો, અને ૧૯૧૫ના મે માસથી ૧૯૩૩ના જુલાઈ સુધીનો એનો ઈતિહાસ ગાંધીજીની આંતરકથામાં અતિમહત્ત્વનો તંતુ હતો. સવિનય કાનૂનભંગની લડત અંગેના ૧૯૩૨-૩૩ના બીજા યરવડાનિવાસ દરમિયાન ૫-૪-૧૯૩૨થી ૧૧-૭-૧૯૩૨ના સમયગાળામાં ગાંધીજીએ આશ્રમના ઇતિહાસનો એક અપૂર્ણ મુસદ્દો તૈયાર કર્યો, જેને તેઓ પાછળથી પૂરો ન કરી શક્યા અને એમના મૃત્યુ પછી તે અપૂર્ણ રૂપે જ પ્રસિદ્ધ થયો. એ લેખમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ અને તેની પાછળ રહેલી જીવનદૃષ્ટિ તથા વિચારસરણી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશ્રમનો ઉદ્દેશ વ્રતબદ્ધ સામૂહિક જીવન દ્વારા પ્રજાજીવનના ધાર્મિક, આર્થિક, રાજ્યપ્રકરણી, સર્વ ક્ષેત્રોમાં “જે જે દોષો” તેણે “માન્યા તે તે દોષો દૂર કરવાનો” હતો (પૃ. ૯). એ મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશની પાછળ વ્યક્તિજીવન ને સમાજજીવનનું એક ક્રાન્તિકારી દર્શન રહેલું હતું. પૂર્વ ને પશ્ચિમ બન્નેમાં મઠ કે સંઘોમાં સામૂહિક ધર્મજીવનના પ્રયોગો થયા છે, પરંતુ તે પ્રયોગોનો ઉદ્દેશ વ્યક્તિ-ઉત્કર્ષનો રહ્યો છે. સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ વ્યક્તિની સાધનાને સમાજની ઉન્નતિનું સાધન બનાવવાનો પ્રયોગ કર્યો. ગાંધીજી માનતા કે “ગુફામાં બેસીને સત્યની શોધ ન થાય” (પૃ. ૧૩). અપૂર્ણ મનુષ્યે બીજાં અપૂર્ણ મનુષ્યોની વચ્ચે રહીને જ સત્યની શેંધ કરવી રહી, અને એમ કરતાં કરતાં એ અપૂર્ણ મનુષ્યોની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો. એ પ્રયોગ કરતાં ગાંધીજીને વ્રતોના પાલનમાં ઠીક ઠીક મૂંઝવણો અનુભવવી પડી હતી, જેમાંની કેટલીક એમણે ‘સત્યાગ્રહાશ્રમનો ઈતિહાસ’માં વર્ણવી છે. ગાંધીજીના પ્રયોગનું એક ક્રાન્તિકારી અંગ સ્ત્રીપુરુષોના પરસ્પર વ્યવહારને લગતું હતું. સામાન્ય રીતે બ્રહ્મચર્યપાલન માટે સ્ત્રીપુરુષોએ એકબીજાથી અલગ રહેવાનું ઇષ્ટ માનવામાં આવ્યું છે, પરંતુ આશ્રમમાં એવો નિયમ નહોતો રાખવામાં આવ્યો. પરિણામે કેટલાંક સ્ત્રીપુરુષો પડ્યાં હતાં, પરંતુ ગાંધીજીની દૃષ્ટિએ એકંદરે લાભ જ થયો હતો, વિશેષે સ્ત્રીઓને. “બધા પ્રયોગો”, ગાંધીજી લખે છે, “સત્યરૂપ પરમેશ્વરને નામે છે. તે કુંભાર છે, અમે તેના હાથમાં માટીરૂપ છીએ” (પૃ. ૪૩). આ નમ્રતાએ ગાંધીજીને આશ્રમની સર્વ નિષ્ફળતાઓ સ્વીકારી લેવાની શક્તિ આપી અને તેમની અનાસક્તિને શુદ્ધ બનાવી. સને ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડતમાં આશ્રમે જ્વલંત ફાળો આપ્યો હતો અને ગાંધીજીનો પ્રયોગ સફળતાની ટોચે પહોંચતો જણાયો હતો. પરંતુ ૧૯૩૧ના માર્ચ માસમાં ગાંધી-અરવિન થઈ તે સંધિણે ઉત્પન્ન કરેલી આશા ન ફળી. ઑગસ્ટ માસમાં ગાંધીજી ગોળમેજી પરિષદ માટે લંડન ગયા, અને પરિષદ નિષ્ફળ ગયા પછી ડિસેમ્બરને અંતે તેઓ ભારત પાછા ફર્યા અને થોડા જ દિવસોમાં તેમની ધરપકડ થઈ. સવિનય કાનૂનભંગની લડત ફરી શરૂ થઈ, પરંતુ તે અધૂરી રહી. અસ્પૃશ્યોને અલગ મતદારમંડળો આપવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે ગાંધીજીએ ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં એમનો પ્રસિદ્ધ ઉપવાસ કર્યો, અને તેનો સફળ અંત આવ્યા પછી તેમણે પોતાની બધી શક્તિ અસ્પૃશ્યતાનિવારણના આંદોલનમાં રોકી. એ આંદોલન અંગે ૧૯૩૩ના ફેબ્રુઆરી માસમાં પ્રથમ અંગ્રેજી ‘હરિજન’, પછી હિંદી ‘હરિજનસેવક’ તથા માર્ચ માસમાં ગુજરાતી ‘હરિજનબંધુ’ સાપ્તાહિકો શરૂ કર્યાં. મે માસમાં પોતાની ને સહકાર્યકર્તાઓની શુદ્ધિ અર્થે ૨૧ દિવસનો ઉપવાસ કર્યો, જૂન માસમાં સામુદાયિક કાનૂનભંગ બંધ રાખી ઑગસ્ટમાં વ્યક્તિગત કાનૂનભંગ શરૂ કર્યો અને તે અંગે સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખી તેનાં મકાનો સરકારને સોંપી દેવાનો ઇરાદો જાહેર કર્યો. પરંતુ સરકારે તેમનો કબજો ન લીધો એટલે થોડા માસ ઉપર સ્થાપવામાં આવેલા હરિજન સેવક સંઘને તે સોંપી દીધાં. નવેમ્બર માસમાં ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે દેશનો પ્રવાસ શરૂ કર્યો, પ્રવાસ દરમિયાન વ્યક્તિગત કાનૂનભંગ પણ બંધ રાખ્યો અને કૉંગ્રેસના મોટા ભાગના સભ્યોને પોતાના સિદ્ધાંતો ને કાર્યક્રમોમાં શ્રદ્ધા નહિ હોવાનું લાગતાં તેઓ ઑક્ટોબર માસમાં મુંબઈના કૉંગ્રેસ અધિવેશન વેળા કૉંગ્રેસમાંથી છૂટા થયા અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરાવી તેની પ્રવૃત્તિઓ દ્વારા તેમણે અહિંસાનો રચનાત્મક પ્રયોગ આરંભ્યો. એ પ્રયોગમાં તેઓ દેશની નિરક્ષર ગ્રામપ્રજા સાથે એવી આત્મીયતા અનુભવી રહ્યા કે સન ૧૯૩૬ના ઑક્ટોબરની ૩૧મીએ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી સાહિત્યકારોને મૂક જનતાની સંસ્કારિતાને પોષે એવું સાહિત્ય સર્જવાનો અનુરોધ કરતાં તેમનું હૃદય ભરાઈ આવ્યું અને, મહાદેવ દેસાઈ નોંધે છે, તેઓ ગદ્ગદ બની ગયા. સને ૧૯૩૯ના માર્ચ માસમાં રાજકોટ પ્રકરણે ગાંધીજીની અહિંસાની આકરી કસોટી કરી અને તેને વિશુદ્ધ બનાવી. સપ્ટેમ્બર માસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં અહિંસક પ્રતિકારની રીતમાં ગાંધીજીની શ્રદ્ધા વધુ દૃઢ થઈ, અને બ્રિટિશ પ્રજા પ્રત્યે એમની પૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં, પહેલા વિશ્વયુદ્ધ વેળા એમણે કર્યું હતું તેમ, બ્રિટિશ સરકારને યુદ્ધ પ્રયાસમાં મદદ કરવાને બદલે કોઈ પણ શરતે તેમાં સક્રિય સહકાર આપવાનો ઇનકાર કર્યો. જો બ્રિટિશ સરકાર યુદ્ધ પછી ભારતને સ્વતંત્ર કરવાનું વચન આપે ને તાત્કાલિક રાષ્ટ્રીય સરકારની રચના કરે તો કોંગ્રેસે યુદ્ધપ્રયાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી, અને એવું વચન ન મળતાં ગાંધીજીએ પોતાને ને કૉંગ્રેસને માટે યુદ્ધમાં સહકાર આપવાની વિરુદ્ધ પ્રચાર કરવાની સ્વંત્રતતા માગી. તે ન મળતાં તેમણે ૧૯૪૦ના ઑક્ટોબર માસમાં વિનોબા ભાવેને પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કરી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. આ વેળાનો સત્યાગ્રહ ગાંધીજીની અહિંસાનો એક નવો જ પ્રયોગ હતો અને અગાઉની બધી લડતો કરતાં જુદા પ્રકારનો હતો. સરકારને મૂંઝવણમાં મૂકે એવું કોઈ પગલું ભરવાનું નહોતું. ગાંધીજીનો ઉદ્દેશ યુદ્ધની હિંસા અને તેની પાછળ રહેલી શોષણલાલસા વિરુદ્ધ જગતની પ્રજાઓમાં લોકમત કેળવવાનો હતો, અને તે અર્થે મર્યાદિત સંખ્યામાં પસંદ કરેલા સત્યાગ્રહીઓને જ જેલમાં મોકલવાનો હતો. સત્યાગ્રહ સફળ થાય તે માટે દેશમાં અહિંસાનું વાતાવરણ ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ આપ્યો. અસહકાર ને સવિનય કાનૂનભંગની લડતો વેળા પણ ગાંધીજીએ ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા, સ્વદેશી, મદ્યત્યાગ ઇત્યાદિના રચનાત્મક કાર્યક્રમનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ એ લડતોમાં સરકાર વિરુદ્ધનું રાજકીય અઆંદોલન પ્રધાન સ્થાને હતું અને રચનાત્મક કાર્યક્રમ ગૌણ હતો. આ વેળા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમને મુખ્ય સ્થાન આપ્યું અને પ્રતિકારાત્મક સત્યાગ્રહને ગૌણ બનાવ્યો. વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ થયો તે પહેલાં ઑગસ્ટ માસમાં તેમણે ૧૩ મુદ્દાના એક કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને તેમાં એક વધુ મુદ્દો ઉમેરી ૧૯૪૧ના ડિસેમ્બર માસમાં ૧૪ મુદ્દાના કાર્યક્રમની વિગતે સમજ આપતી ‘રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય ને સ્થાન’ નામની પુસ્તિકા તૈયાર કરી. અને ૧૯૪૫ના નવેમ્બરમાં પુસ્તિકાની સુધારેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, જેમાં કાર્યક્રમે ૧૮ મુદ્દાનું છેવટનું રૂપ લીધું. ‘રચનાત્મક કાર્યક્રમ’ની પાછળ નૈતિક બળ કે આત્મબળ વિશે ગાંધીજીની એક નવી દૃષ્ટિ રહેલી છે. પહેલાંની લડતોમાં આત્મબળનો પ્રયોગ સત્ય અને અહિંસાની મર્યાદામાં રહી અન્યાયનો પ્રતિકાર કરવામાં રહ્યો હતો, જોકે એવો પ્રયોગ કરનારને સત્યાગ્રહનો અધિકાર કેળવવા માટે આત્મશુદ્ધિની જરૂર સ્વીકારવામાં આવી હતી. રચનાત્મક કાર્યક્રમ એ સર્વાંગી પ્રજાકીય ને રાષ્ટ્રીય આત્મશુદ્ધિનો કાર્યક્રમ હતો, અને ગાંધીજીની શ્રદ્ધા હતી કે એનો સફળ અમલ કરવામાં આવે તો તેમાંથી જે નૈતિક વાતાવરણ સર્જાય તેમાં બ્રિટિશ સરકાર પ્રજાની માગણીની અવગણના કરી શકે જ નહિ. કાર્યક્રમમાં પ્રજાકીય ઐક્યની ભાવનાને પોષતી હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ ને આદિવાસીઓની ઉન્નતિની પ્રવૃત્તિઓ, પ્રજાકીય ને રાષ્ટ્રીય સ્વમાન માટે માતૃભાષા ને રાષ્ટ્રભાષા હિંદીને ઉત્તેજન, મદ્યત્યાગ ને સ્ત્રીઉન્નતિના નૈતિક ને સામાજિક સુધારાઓ, ખાદી, ગ્રામોદ્યોગો ને ટ્રસ્ટીશિપની ભાવનાના પ્રચાર દ્વારા આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતા તરફ પ્રગતિ, ગ્રામસફાઈ, બુનિયાદી તાલીમ ને પ્રૌઢશિક્ષણ દ્વારા ગ્રામજીવનની ઉન્નતિ, કિસાનો ને મજૂરોનું બિનરાજકીય, અહિંસક સંગઠન, રક્તપિત્તના રોગીઓની સેવા, વિદ્યાર્થીઓની જાગૃતિ દ્વારા દેશની યુવાશક્તિનો સદુપયોગ, એવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એનો સફળ અમલ કરી દેશ બ્રિટિશ સરકાર સાથે લડ્યા વિના નવા સમાજની રચના કરી શકે જેને રાજકીય સ્વતંત્રતા આપોઆપ આવી મળે. “...રચનાત્મક કાર્યક્રમ”, આમુખમાં ગાંધીજી લખે છે, “એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પૂર્ણ અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે.” એ કાર્યક્રમનો અમલ કર્યા સિવાય હિંસા દ્વારા કદાચ સ્વરાજ મેળવી શકાય, પરંતુ એ રીતે મેળવેલા સ્વરાજમાં જે પક્ષ વધારેમાં વધારે હિંસક બળનો પ્રયોગ કરી શકે તેનું શાસન રહેવાનું અને “રાષ્ટ્રના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતા” અશક્ય રહેવાની (પૃ. ૮). એવું સ્વરાજ તો રચનાત્મક કાર્યક્રમમાં યોજવામાં આવેલી નિઃસ્વાર્થ સેવાની નૈતિક શક્તિ દ્વારા જ સિદ્ધ થઈ શકે. રચનાત્મક સેવા દ્વારા પ્રજાજીવનનું નવસર્જન કરવાના આ કાર્યક્રમને ગાંધીજી વ્યવસ્થિત રીતે અમલમાં ન મૂકી શક્યા. ‘રચનાત્મક કાર્યક્રમ’ની પુસ્તિકા તૈયાર થઈ રહી હતી તે અરસામાં જ જાપાન યુદ્ધમાં જોડાયું અને યુદ્ધનો ભય ભારતની પૂર્વ સરહદ તરફ દોડતો આવતો જણાયો. ગાંધીજી ને કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે બ્રિટિશ સરકારનો કાબૂ ચાલુ રહેશે ત્યાં સુધી ભારતની પ્રજાને જાપાનના આક્રમણનો સામનો કરવાનો જુસ્સો નહિ આવે, અને તેથી તેમણે ‘હિંદ છોડો’ની લડતની તૈયારી કરી. પરંતુ લડત શરૂ થાય તે પહેલાં જ, ૧૯૪૨ના ઑગસ્ટની ૯મી તારીખે, સરકારે ગાંધીજીને ને કૉંગ્રેસના બીજા નેતાઓને પકડી લીધા. ગાંધીજીને પૂનામાં આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં ૨૭-૮-૧૯૪૨થી ૧૮-૧૨-૧૯૪૨ના શરૂઆતના ચારેક માસ દરમિયાન, તેમણે સને ૧૯૧૩માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’નાં પ્રકરણો લખ્યાં હતાં તેનો સાર આપતી એક નાની પુસ્તિકા તૈયાર કરી, જે એમના મૃત્યુ પછી ‘આરોગ્યની ચાવી’ નામથી પ્રસિદ્ધ થઈ. શરીર આત્માનું મંદિર છે અને ધર્મના સાધન તરીકે જ તેનું રક્ષણ કરવું જોઈએ એવી જે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી તેમણે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન’નાં પ્રકરણો લખ્યાં તે જ દૃષ્ટિથી આ પુસ્તિકા લખી છે, પરંતુ તેના ગદ્યમાં હવે રાજકીય ઝંઝાવાતોમાં પણ અક્ષુબ્ધ રહેલી અંતરની ઊંડી શાંતિની છાયા છે જે ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં કોઈ નવી ક્ષિતિજનું સૂચન કરી જાય છે. આકાશ ઉપરના પ્રકરણમાં એ ક્ષિતિજનો સ્પષ્ટ અણસાર મળી રહે છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે સર્વવ્યાપી આકાશ—અવકાશ—ને જ સૃષ્ટિનું ઉપાદાનતત્ત્વ કહ્યું છે; ગાંધીજીની આધ્યાત્મિક દૃષ્ટિએ પણ કોઈ એવા જ સત્યનો અનુભવ કર્યો હોય તેમ જણાય છે. વૈજ્ઞાનિકોએ કલ્પેલું ઈશ્વર તત્ત્વ પણ, તેઓ લખે છે, “જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય” (પૃ. ૫૯). સંપૂર્ણ આરોગ્ય માટે ગાંધીજી આ રહસ્યમય, એકસાથે “સુદૂર અને અદૂર તત્ત્વની” સાથે અનુસંધાનને આવશ્યક ગણે છે : “... જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે.” એ આદર્શને આપણે સંપૂર્ણ રીતે ન પહોંચી શકીએ, પણ “તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ ને સંતોષ ભોગવીશું” એને સંપૂર્ણપણે પહોંચવા માટે તો “શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિષે આપણે તટસ્થ રહીએ” (પૃ. ૬૦). એવાં જે સ્ત્રીપુરુષો રાત્રે “અગણિત તારાઓથી” જડેલા આકાશ સાથે અને નિરંતર ફરતા દેખાતા “તારાઓના ભવ્ય સંઘ” સાથે “અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે” (પૃ. ૬૨). પોણા ત્રણ વર્ષના જેલનિવાસ પછી ૧૯૪૪ના મે માસમાં ગાંધીજી છૂટ્યા ત્યારે દેશની સ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ હતીઃ કોમી તંગદિલી વધી ગઈ હતી, રાષ્ટ્રીય બળો વેરવિખેર થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારનું માનસ પહેલાં કરતાં પણ વધુ આપખુદીભર્યું બન્યું દેખાતું હતું. એક વર્ષ પછી યુદ્ધ પૂરું થતાં પરિસ્થિતિ બદલાઈ અને છેવટે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ સ્વરાજ આવ્યું, પરંતુ તે પહેલાં ગાંધીજીના સંવેદનશીલ હૃદયને આઘાત ઉપર આઘાત આપે એવાં કોમી રમખાણોએ ભારતની માનવતાનો ક્રૂર ભોગ લીધો હતો. એ શોકઘેરાં બે-અઢી વર્ષ દરમિયાનની ગાંધીજીની અંતરકથાની ટ્રૅજિડી આપણે કલ્પવી જ રહી. તેની કંઈક ઝાંખી એ સમયનાં પ્રાર્થનાપ્રવચનો ને પત્રો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ની ગ્રંથશ્રેણીમાં પ્રસિદ્ધ થશે ત્યારે મળી રહેશે. ચોમેર ચાલી રહેલી રુદ્રલીલાના દર્શને પ્રેરેલી માનવીય વેદના અને નિ:શેષ ઈશ્વરસમર્પણના નિર્મમત્વ વચ્ચેની એ સતત ખેંચમાંથી છેવટે ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીએ નથુરામ ગોડસેની ગોળીએ ગાંધીજીને મુક્તિ અપાવી. “હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?” એ ધૂનથી શરૂ થતી અને ‘રામ રામ !’ના કરુણભવ્ય ઉદ્ગારથી સમાપ્ત થતી ગાંધીજીની આશ્ચર્યમય શ્રેયયાત્રાને આમ પારદર્શક બનાવતું એમનું ગુજરાતી અક્ષરસર્જન ગુજરાતી સાહિત્યનો અને ભારતની પ્રજાનો ચિરંજીવ વારસો બની રહેશે.