બાળનાટકો/1 વડલો
જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે.
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. ‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.
(1931)—કૃo શ્રીo
તારે મંદિરિયે ફૂલ ધરવાને
બાળકને કેમ જાવું પડે?
વિશ્વ ભર્યું તારા પગલામાં,
જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે.
તારે મંદિરિયે નૈવેદ ધરવા,
નિત નિત જાવું ગમતું ના:
ભૂખ્યા જનોમાં તુજને પેખી
કહેશું કે ‘‘લે લે, ભાઈ! ખા.’’
તારે મંદિરિયે દીપ ધરવાને,
જાવું ઠીક નહિ અમને :
જ્યાં જ્યાં વિશ્વ મહીં અંધારું,
ત્યાં ધરશું દીપક તમને.
તારે મંદિરિયે ફૂલ ધરવાને,
બાળકને કેમ જાવું પડે?
વિશ્વ ભર્યું તારા પગલામાં,
જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે,
સમય : જ્યારે પ્રકૃતિ અને પ્રાણીમાત્રને વાચા ફૂટી હશે એવા કોઈ વર્ષના ઊતરતા ભાદરવાના કોઈ પણ ચોવીશ કલાક. સ્થળ: સુંદર ગામનું સુંદર પાદર.
લીલા મખમલનો ગાલીચો પાથર્યો હોય એવું ખડ જમીન ઉપર પથરાયું છે. વચ્ચેવચ્ચે ગુલાબી, ભૂરાં અને પીળાં ફૂલોનાં ભરતગૂંથણાં ભર્યાં છે. વચમાં એક વિશાળ વડલો ઊભો છે. વડવાઈઓ વધીવધીને જમીનમાં ઊતરી ગઈ છે. પાસે જ એક ઝરણી ખળખળ વહે છે. પડખે એક ખાડામાં ઝરણીનાં જળ સ્થિર પડ્યાં છે; અને એમાં કમલિનીના અને કુમુદિનીના ડોડવા છે. કાંઠે એક ચંપાનું ઝાડ છે અને થોડે દૂર સૂર્યમુખીનો છોડ ઊભો છે. વડલાની ઘટા નીચે. વડલાની અવગણના કરતો, ભાદરવા માસના ફાટેલા ભીંડાનો એક છોડ ઊભો છે. તેનાં મોટાંમોટાં પાન વડલાની હાંસી કરતાં ઉપર ઊઘડ્યાં છે. આખું દૃશ્ય વનસ્પતિશ્રીથી પથરાઈ પડ્યું છે. ધીમેધીમે આકાશમાં ઉઘાડ થાય છે. તારાઓ એક પછી એક બુઝાય છે. પૂર્વમાં પો શટે છે અને કમલિની ખીલે છે.
પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.કૂકડો : અમે તો સૂરજના છડીદાર
- અમે તો પ્રભાતના પોકાર!... ધ્રુવo
- સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર!
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર! ...અમેo
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી શૂનકાર!
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર! ...અમેo
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર!
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ-રસ પાનાર! ...અમેo
[વડલા પાસે આવી અટકે છે.]
વડલા ભાભા, વડલા ભાભા! હવે તો જાગો!
વડલો : વાહ રે કૂકડાભાઈ! રોજરોજ ભૂલી જાવ છો શું? ખોળામાં
બાળક પોઢ્યું હોય અને માને ઊંઘ આવે કે? મારે તો ડાળીએ-
ડાળીએ પંખી પોઢ્યાં છે. આખી રાત હું તો તેઓની ઉપર ઝઝૂંબી
રહું છું. મા થયો ત્યારથી એકે મટકું માર્યું નથી.
ફાટતાં જ નેકી પોકારવાની હોય તોય રાત્રે તો ઘસઘસાટ ઊંઘવાના.
અમે સૌથી વહેલા ઊઠનારા ખરા, પણ તમે તો સદાના જાગનારા!
[ઉતાવળો થતાં] પણ ક્ષમા કરજો, વડલાભાભા! હમણાં તો હું
જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે
આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન!
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.<Poem2Close}}
કૂકડો : [ગાતો ગાતો જાય છે.]
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂર બનો તૈયાર!
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર! ...અમેo
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]
કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે? વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે? કોયલ : તમે તો એવા ને એવા રહ્યા, વડદાદા! મોડાં પડશું અને બચ્ચાંઓ માટે પૂરા દાણા નહિ પામીએ તો? વડલો : [આછુંઆછું મરકતો] વાહ રે કોયલબાઈ! દાદાનેય બનાવતાં શીખ્યાં? તમારે વળી બચ્ચાંની શી ચિંતા? કાગડીના માળામાં મૂકી આવ્યાં એટલે પત્યું. કોયલ : [ખોટો રોષ કરતી] મૂછો વધીવધીને જમીનમાં પહોંચી તોય તમારો મશ્કરો સ્વભાવ ન ગયો, દાદાસાહેબ! વારું વાતો કરતાં-કરતાં વધારે મોડું થશે. ચાલ સૌને ઉઠાડું (મોટેથી ટહુકે છે.) કૂઊ...ઊ, કૂઊ...ઊ, પંખીગણ! ઊઠો ઊઠો. પ્રભાતની ઉપાસનાનો સમય થઈ ગયો. કૂઊ...ઊ, કૂઊ...ઊ પોપટ : (ઊઠીને આળસ મરડતાં) ભરચોમાસે તમનેય ઠીક સૂઝ્યું, કોયલબાઈ! કેમ, હજી કોઈકોઈ આંબે કેરી મળે છે કે? કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ? પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ.
(પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.)પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,
શારદાની વીણા શબ્દ સાધે;
એકલો ઊડતો આભથી ઊતરી,
આદિ-પંખી ત્યહીં ગીત લાધે!
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,
શારદાની વીણા શબ્દ સાધે!
પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં,
શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં !
ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં,
સાત સાગર પરે કેલિ કરતાં!
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે!
કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!
કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે.
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.
કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો! કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ. પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.)
વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!
કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે,
એક ઊગ્યો છે આભમાં મશાલી.
આપું હું પાંદડાંને તાલી રે,
સરી આપું હું પાંદડાંને તાલી.
સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી,
પોપચાં ઉઘાડું પ્રભાતનાં;
પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2)
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo
કિરણ : (સાંભળ્યું ન હોય તેમ)
ઝરણીના અંકમાં મદભર નાચે,
સવિતા પ્રભુની એક રાણી;
નીચા નમીનમી કમિલની કાનમાં (2)
પૂછું હું વાત એ કાલી ...એકo
કિરણ : (કમલિનીની વાત છાનીછાની સાંભળીને)
ભાનુની રાણીને સોને મઢે હું,
હીરાની એક દઉં વાળી;
રાણીની માતાને રૂપે નવરાવું (2)
રૂપાની રેલ જાય ચાલી રે...એકo
વડલો : (કટાક્ષ કરતો) ઝરણીબહેન સવિતાદેવે મારે પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; પણ તમારી કમલિનીને તો સોને મઢી અને તમને રૂપે નવરાવ્યાં. હવે તો સંતોષાયાં ને? (ઝરણી શરમાય છે.) કિરણ : વડલાભાઈ! તમે એમને શરમાવો નહિ. એમાં એમનો વાંક નથી. જગતની તમામ સાસુઓ અધીરી હોય છે. પ્રેમીનો સંદેશો સૌથી પાછળ હોય એ પ્રીતિની રીતિની એ બિચારીને સ્મૃતિ ક્યાંથી રહે? હોય એ તો; ચાલો હું જાઉં. ચાર પ્રહરમાં તો મારે ફલડે ફૂલડે અડી આવવાનું હોય છે. કમલિનીદેવી! દૈવ માટે કાંઈ સંદેશો? કમલિની : (શરમાઈને) શું કહું? કિરણ : એ બે શબ્દોમાં તો તમે આખું બ્રહ્માંડ બોલી નાખ્યું, બહેન! હું બધું પહોંચાડીશ. પ્રણામ, દેવી! (સૂરજ ઊંચે ચડે છે, અને કિરણ સરવા લાગે છે.) સૂર્યમુખી : (સૂર્યના ફરવાની સાથે મોઢું ફેરવતું) કિરણરાય! સવિતા પ્રભુને ભક્તની વંદના પહોંચાડશો? કિરણ : જરૂર, જરૂર; કેમ નહિ? પ્રણામ, વડલાભાઈ! ફરી કાલે મળશું. વડલો : કાલની કોને ખબર છે? આવજો, કિરણરાય (કિરણ અદૃશ્ય થાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. ઝરણી : (મલકતી, સૂર્યમુખીની ટોળ કરતી) પુષ્પરાજ! સવિતાએ મારી કમલિનીને સોને મઢી, મને રૂપે નવરાવી અને વડદાદાની ઘટમાં દીપમાળ પ્રગટાવી; તોય તમારી તરફ તો એક નજ2 સરખી પણ ન કરી? સૂર્યમુખી : કાંઈ નહિ, ઝરણીબહેન! મને એવી આશા જ નથી થતી. ઝરણી : તમે તો બહુ શરમાળ, સૂર્યમુખી! મારી જેમ મોઢે ચડીને માગી લો તો શું ન મળે? સૂર્યમુખી : (ટોળ કરતાં) એ તો સાસુને શોભે! ભક્ત અને પ્રેમીનો ભેદ તમે ભૂલો છો, ઝરણીબહેન! ભક્તને મન સામા પ્રેમની અપેક્ષા નથી હોતી. ભક્તો તો પ્રભુ તરફના પોતાના પ્રેમથી જ ભરેલા હોય છે. પ્રેમી પ્રતિપ્રેમ વિના કરમાઈ જાય, બહેન! હું તો ભાસ્કરનું ભક્ત રહ્યું. ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં.
વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.