બાળનાટકો/4 સોનાપરી

From Ekatra Wiki
Revision as of 11:01, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
4 સોનાપરી

સ્થળ : ટેકરી ઉપરની ફૂલવાડી કાળ : પૂર્ણિમાની રાત


(એકદંડિયા મહેલ ફરતી રાજાની ફૂલવાડી છે. જૂઈ, ચંપા, ચમેલી, જાઈ, જાસૂદ, શેવતી ગુલછડી, ગુલમહો2, રજનીગંધા, કરેણ, કેવડો, પલાશ, ગુલાબ, ગુલદાવરી, બકુલ, મંદાર, કુંદ ને પારિજાતક વગેરે ભાતભાતનાં ફૂલોના રોપાઓની વાડી ઉપર રંગોળી પુરાઈ છે. વચ્ચોવચ સંગેમરમરનો હોજ છે ને એમાં ફુવારાઓ ઊડી રહ્યા છે. આસપાસ કાંચન ફૂલોની હાર છે. હોજની એક બાજુ બટમોગરાનો એક સુંદર છોડ ઊભો છે. એને વીંટળાઈને બે રાજકુમાર ને ત્રણ કુંવરીઓ બેઠાં છે. ચંદ્ર ઊંચે ચડ્યો છે. દાસી આવે છે.) દાસી : અરે! અહીં એકઠાં મળી બધાં શું કરો છો? તમને ગોતવા તો આખી ફૂલવાડી ફરી વળી! ઝાડવે-ઝાડવે જોઈ વળી ને પાંદડે પાંદડે પૂછી લીધું. પારુલ : (દસ વરસની સોનેરી વાળવાળી રાજકન્યા) તે એવું તે શું કામ છે? દાસી : શું કામ છે? વાહ રે, બેનબા! તમેય જબરાં લાગો છો. આ ચાંદામામાએ આકાશમાં ચોથું પગલું ભર્યું તેનુંય ભાન નથી લાગતું! હવે કાંઈ ઊંઘબૂંઘ આવે છે કે નહિ? બાસાહેબ તો વાટ જોઈ બેસી જ રહ્યાં છે. કિરણ : (આઠ વરસનો માંજરી આંખવાળો રાજપુત્ર) તે જા; તારાં બાસાહેબને સુવાડી દે. દાસી : બાસાહેબ તો પોતાની મેળે સૂઈ શકે તેવાં છે. મારે સુવાડવાનાં તો તમને સૌને છે. અને તોય તે તમારી વિના બાસાહેબને ઊંઘ કેમ આવે? અંજની : (બાર વરસની ગુલાબી હોઠવાળી રાજકુમારી) અમારા વિના ઊંઘ કેમ ન આવે? ને ન આવે તોય શું. ભલે આખી રાત ઉજાગરો કરે! બાકી આજે અમે આ બટમોગરાને છોડીને ઊઠવાનાં નથી. પ્રદીપ : (ચૌદ વરસનો ચંદ્રમુખી પાટવીકુમાર) ના, નથી ઊઠવાના તે નથી ઊઠવાના! તું જાને અહીંથી, દાસી! કોઈ મોટું હશે તો પરી બહાર નહિ નીકળે. જા, જલદી કર! દાસી : પરી! શું ગાંડાં કાઢો છો, ભાઈ! અહીં તો કોઈ પરીયે નથી અને બરીયે નથી. ચાલો, ઊઠો છો કે બાસાબેહને બોલાવું? (રાણી પ્રવેશ કરે છે.) રાણી : શી ધમાલ છે આ બધી? અહીં શું કરો છો આટલે મોડે સુધી? ઊંઘ નથી આવતી તમને કોઈને? પ્રદીપ : તું ખીજા મા, બા! અમારે સૌને અહીં થોડું કામ છે. કામ પૂરું થશે કે તરત જ અંદર આવતાં રહેશું. રાણી : એવું તે શું કામ છે, બેટા? (છ વરસની કુંદકળી જેવી રાજબાળા) કહું? કઉં, બા? (બધાં એની સામે આંખ તાણે છે, એટલે શરમથી નીચું જોઈ જાય છે.) રાણી : કેમ એને ડરાવો છો સહુ? બોલ, બેટા! એમ ડરીએ નહિ, હો! અબોલા : એ તો મોટી બહેન કહેતાં હતાં ને કે બટમોગરાના ફૂલમાં સોનાપરી રહે છે, તે અમે આખી રાત ઉજાગરો કરવાનાં. રોજ રાતે ફૂલ ઊઘડે ને એ અંદરથી નીકળી અલોપ થઈ જાય છે. આજે તો અમે સહુ જાગતા રહેવાનાં ને ફૂલમાંથી નીકળે કે પાંખો પકડી લેવાનાં! કિરણ : હું નહોતો કહેતો કે અબોલાને સાથે રાખવામાં માલ નથી? બધું બોલી નાખ્યું. પારુલ : અને બધું બોળી નાખ્યું ! હવે તે બા કંઈ જાગતાં રહેવા દે! અંજની : અને જાગતાં રહેવા દે તોય કાંઈ હવે સોનાપરી બહાર નીકળે? એ તો આજે પાતાળમાં ને પાતાળમાં રહેવાની! પ્રદીપ : બિચારી રોજ પાતાળમાંથી મૂળમાં ને મૂળમાંથી થડમાં આવતી; થડમાંની ડાળી વાટે ફૂલમાં પ્રવેશતી અને ફૂલ ઊઘડતાં નીકળી આકાશમાં ઊડી જતી! આજે બિચારીને અંદરનું અંદર પુરાઈ રહેવું પડશે. અરેરે! એને કેટલો મૂંઝારો થશે? રાણી : બહુ ડાહ્યાં તમે તો! ચાલો ચાલો, ચિંતા કરો મા! હું અબોલાને લઈને આ ચાલી. તમે તમારે જાગરણ કરજો. ચાલ દાસી; ચાહ અબોલા બેટા! (અબોલા કચવાતી ઊભી થાય છે અને રાણી કને જાય છે. આજેય તે પરી નીકળશે. એને શો વાંધો છે? પાંખ પકડીને થાકો ત્યારે આવજો પાછાં. અને અવાજ કર્યા વિના ઊંઘી જજો. (રાણી, અબોલા અને દાસી જાય છે) કિરણ : હાશ! હવે નિરાંત. હવે સોનાપરી જરૂર નીકળશે. અંજની : જરૂર, જરૂર! આપણે સૌ તો નાનાં છીએ. મોટીબહેન કહેતાં હતાં કે કોઈ મોટું હોય તો જ એ ન નીકળે! પારુલ : અને જુઓને, ચાંદામામાય તે બહુ ઊંચે ચડી ગયા! પ્રદીપ : અને જુઓ, બટમોગરાની એક પાંખડી તો ઊઘડીય તે! (બધાં સાવ નજીક ઘેરકો વળીને બટમોગરાનું ફૂલ જોવા લાગે છે.) કિરણ : હા...આ...ને ભાઈ ! અંજની : કેવી સુવાસ મહેકે છે? જાણે અત્તરની શીશી ઊઘડી! પ્રદીપ : બહુ બોલો મા. અવાજ થશે તો સોનાપરી ડાળી સુધી આવી હશે તોય પાછી ફરી જશે. પારુલ : ગાંડો રે ગાંડો! એમ કાંઈ અવાજ અંદર જતો હશે? અંજની : કેમ ન જાય? તો તો પછી પરી બહાર કેમ આવી શકતી હશે? આવવા-જવાનું ફૂલમાં એકાદ કાણું તો હશે ને? પારુલ : અંજની તો મૂરખી! કાણું તો હોય, પણ પાંખડીઓથી ઢંકાયેલું હોય ને? પરીના મહેલને પાંખડીનાં બારણાં હોય. એ ઊઘડે એટલે એ બહાર આવી શકે. પણ એ બંધ હોય ત્યાં સુધી અંદર કશું ન આવે કે જાય! કિરણ : (હાથમાંથી બટમોગરાની ડાળને છોડી દઈ) આપણને તો ભાઈ ઊંઘ આવે છે. કાંઈ ચોખ્ખું નથી સંભળાતું, પણ કોઈ ધીમું-ધીમું ગાતું હોય એમ લાગ્યા કરે છે. પ્રદીપ : (કાન માંડી) એલા હા...આ...ને ભાઈ! કંઈ સંભળાય છે તો ખરું! (ગીતના સૂર આવે છે. કિરણ ઝોકે ચડે છે.) સાતમે પાતાળ મારા દાદાના ડુંગરા, રોજ રોજ એમાં ગાતી ફરું! રજનીના ઓળા ઊગે જરી ત્યાં, આભની મુસાફરી ઝટ આદરું!) કિરણ : આપણાથી તો હવે નથી જગાતું. (આળસ મરડી) આંખ ચોળી ચોળીને ઉઘાડવા પ્રયત્ન કરુંં છું. પણ કેમે કરી મટકું માર્યા વિના નથી રહેવાતું. આપણે તો આ સૂતા લાંબા થઈ ને! જાગવું હોય તે જાગજો. (બટમોગરાની એક બાજુએ ઢળી પડે છે.) અંજની : કિરણભાઈ તો ઊંઘીયે ગયા, અને પારુલનીય આંખો ઘેરાતી લાગે છે. ચાંદામામાય માથા ઉપર આવી ગયા. સોનાપરી તો કોણ જાણે ક્યારેય આવશે! (ફરી સંગીતના સૂર આવે છે. પારુલ ઝોકે ચડે છે.) ધરણીનું પેટ ચીરી મોગરાનાં મૂળિયાં, ડાળી સ્વરૂપે બા’ર ડોકું કરે! લીલમડા પાંદડેથી દેખીને તારલા, ફૂલડાં સ્વરૂપે સહેજ મરકી પડે!) પારુલ : (આળસ મરડીને ઊભા થતાં) કેમે કરીને આંખ ઊઘડતી નથી. વારેવારે ઝોકું આવી જાય છે, એને પાંપણ પ2 પર્વતો બેસી જાય છે! ચાંદામામા માથા ઉ52થી ખસી આથમણી તરફ પગલાં પાડી ચૂક્યા; બટમોગરાની કળીની કેટલીય પાંખડી ઊઘડી ગઈ; તોય સોનાપરી ન આવી! મને તો મોટીબહેનમાં વિશ્વાસ નથી. આપણે તો આ સૂતા! (બીજી બાજુ ઢળી પડે છે.) પ્રદીપ : હવે તો આપણે બે જ બાકી રહ્યાં, અંજની! અંજની : અને હવે તો મનેય ઝોકાં આવે છે! પ્રદીપ : અરે, થોડી વાર ખમી જજે! મોટીબહેન કહેતાં હતાં! બટમોગરાને સો પાંખડી હોય. પચીશ પાંખડીની ચાર ચકરડીમાંથી બે તો ઊઘડી પણ ગઈ! હવે બે બાકી છે. થોડી વારમાં એય ઊઘડી જશે અને અંદરથી મુક્ત થઈ કૂદી પડશે! આપણે બન્ને તેની એકએક પાંખ ઉપર ચડી બેસશું, અને તારાઓના દેશમાં જશું! અંજની : અને પછી હીરામાણેકના મહેલમાં રત્નડિત હીંચકાઓ ઉપર હીંચકશું. કેવી મજા! (વધારે નજીક ગીત આવે છે. અંજની છેકે ચડે છે.) મોગરાના મુખડેથી ફરકી-સરકીને આભલાના ઉંબરમાં ઊડવા ચડું! તારલાના ટોળામાં ફૂદડી ફરંતી, એકને હસું એક ખોટું વઢું!) અંજની : પ્રદીપભાઈ! હું આ ચાલી. હવે મારાથી નહિ જગાય. જાણે કોઈ આવીને પાંપણ ઉપર તાળા મારી ગયું! આ પચીશ પાંખડીની ત્રીજી ચકરડી પણ ઊઘડી, પણ સોનાપરી ન નીકળી! તું જાગજે જાગવું હોય તો, અને જજે તારાઓના દેશમાં એની પાંખે ચડી! ઇચ્છા થાય તો એકાદ સોનેરી પીછું લેતો આવજે મારે માટે! (ત્રીજી બાજુ ઢળી પડે છે.) પ્રદીપ : હવે તો હું એકલો જ રહ્યો! અને મારી આંખ ઘેરાવા લાગી સોનાપરી તો કોણ જાણે ક્યારેય આવશે! (સાવ નજીકથી અવાજ આવે છે. પ્રદીપ ઝોકે ચડે છે. નીંદરને હંસલે બેસીને ઊડતી, બાળકોની દુનિયામાં ફરતી ફરું! ઘારણના સુરમા આંગળે ચડાવી, એક એકની આંખ આછી ભરું!) પ્રદીપ : એ આપણેય ચાલ્યા! (ચોથી બાજુ ઢળી પડે છે.) (બટમોગરાની ચોથી ચકરડી ખીલે છે, અને સૌ પાંખડીઓનો ડોડવો ડોલી રહે છે. સોનાપરી કિલકિલતી કૂદી પડે છે, અને નાચતી ગાતી ફૂદડી ફરે છે.) સોનાપરી : સાતમે પાતાળ મારા દાદાના ડુંગરા, રોજ રોજ એમાં ગાતી ફરું! રજનીના ઓળા આવે જરી ત્યાં, આભની મુસાફરી ઝટ આદરું! ધરણીનું પેટ ચીરી મોગરાનાં મૂળિયાં, ડાળી સ્વરૂપે બા’ર ડોકું કરે! લીલમડા પાંદડેથી દેખીને તારલા, ફૂલડાં સ્વરૂપે સહેજ મરકી પડું! મોગરાને મુખડેથી ફરકી-સરકીને આભલાના ઉંબરમાં ઊડવા ચડું! તારલાના ટોળામાં ફૂદડી ફરંતી, એકને હસું એકને ખોટું વઢું! નીંદરને હંસલે બેસીને ઊડતી, બાળકોની દુનિયામાં ફરતી ફરું! ઘારણના સુરમા આંગળે ચડાવી, એક એકની આંખ આછી ભરું! માતાની ગોદમાં પોઢેલા બાળના, ભાલ પર સોણલાનાં ચુંબન કરું! (ચાર દિશામાં ઢળી પડેલાં ચારે બાળકોને કપાળે ચુંબન કરે છે.) સૂરજના સારથિના ડચકારા આવતાં, ફૂલ વાટે ધરણીમાં પાછી ફરું! રૂપેરી વાળ મારે સોનાની પાંખ બે, પાતળી કન્યકા હું સોનાપરી! બાળકોની મશ્કરી હું રોજ રોજ આદરું, આથમતી રાત કેરી મુસાફરી! (ગાતી નાચતી ચાલી જાય છે. ચંદ્રમા અસ્ત થાય છે. ફૂલવાડીને છેડેથી રાજબા આવે છે. એના હાથમાં ફૂલછાબ છે. એક પછી એક ફૂલ તોડતી ઝોળી ભરતી એ બટમોગરા પાસે આવી લાગે છે.)

સોનાપરી ક્યાં ગઈ? આ તો રાજબા છે!

રાજબા : અહા! કેવું સરસ ફૂલ ખીલ્યું છે? સો પાંખડી જાણે એકબીજાની સરસાઈ કરી રહી છે! મહાદેવને ધરાવીને વરદાન માગી લઈશ. આજે! અને આવું ફૂલ જોઈને એય ના નહિ પાડે. (ફૂલ તોડવા જાય છે.) અરે ! પણ આ અહીં કોણ સૂતાં છે? ચાર દિશાના દિગ્પાલ જેવા ચાર ચોકીદારો ન હોય જાણે આ ફૂલરાણીના! (નીચે નમી ધારીને જુએ છે.) અરે આ તો પ્રદીપ! અને આ અંજની! અને આ કિરણ અને આ તો પારુલ! તે શું તેઓ આખી રાત અહીં સૂતાં રહ્યાં હશે? આમ ને આમ શરદી થશે એમને! ચાલ સૌને જગાડું. ઊઠો ઊઠો, બાળકો! વહાણું વાયું. (આળસ મરડી ચારે ઊભા થાય છે.) પ્રદીપ-અંજની-પારુલ-કિરણ : (ઝબકીને) ક્યાં જાય છે, ક્યાં જાય છે. સોનાપરી? આટલી મજા કરાવી આમ એકલી ચાલી જાય તે ન ચાલે. ચાલ અમારે ત્યાં, ને રહે અમારી સાથે! અમારી બા તનેય દીકરી કરી રાખશે! રાજબા : ગાંડાં થયાં છો ચારેય તમે! પ્રદીપ : અરે, આ તો મોટીબહેન! પારુલ : સોનાપરી ક્યાં ગઈ? આ તો રાજબા છે! કિરણ : અરે પેલો આરસનો મહેલ ક્યાં ગયો? ક્યાં ગયો પેલો મોતી મઢેલો હીંચકો? મને હીંચકે ચડાવી સોનાપરીએ એવો તો ફંગોળ્યો કે હું તો આથમણે ચાંદામામાને હાથ દઈ આવ્યો, અને હું ઉગમણે સૂરજદાદાને અડી આવ્યો! ક્યાં ચાલ્યું ગયું એ બધું? પારુલ : અને મારી વાતની ખબર છે? તારાઓ સાથે હું સંતાકૂકડી રમી વાદળેવાદળું વીંખી માર્યું, પણ હું હાથ ન આવી. અંજની : પણ એક વાત કહું? તમે માનો કે ન માનો, પણ સોનાપરીનું મોઢું મોટીબહેન જેવું હતું! પ્રદીપ : (આગળ આવી રાજબાનું મોઢું નીરખી નીરખી) હા...અ....રે, મનેય એમ લાગે છે! પારુલ : બે પાંખ ખૂટે છે; બાકી તો મોટીબહેન આબાદ સોનાપરી જોઈ લો! કિરણ : હેં, મોટીબહેન? રાજબા : હાસ્તો! એ તો હું સોનાપરી થઈને આવી હતી! પણ હવે તમે સૌ ચાલો, અને હું તમને દહીં-રોટલો ખવરાવું. લ્યો, આ સહેજ બટમોગરાનું ફૂલ તોડી લઉં. (તોડવા જાય છે.) પ્રદીપ-કિરણ-પારુલ-અંજની : ના, ના, ના; તોડશો નહિ એ ફૂલ! એ તો સોનાપરીના મહેલનો દરવાજો છે! રાજબા : ચાલો કાંઈ નહિ. (ચારેને આંગળીએ વળગાડી ચાલવા માંડે છે. બાળકો ગાતા જાય છે. આભલાના રાજા એક વેણ અમે માગીએ રાજબાને દે બે પાંખો મઢી! રૂપાના વાળ એને હીરલાની આંખ બે, પાંખ દે તો એ થાય સોનાપરી!

(અરુણ ઊગે છે.)


અભિલાષ

(એક જ બાળક તખ્તા ઉપર આવી ગાય છે પણ તેની આંગળીએ એક બાળા છે.) તારા! તારા! ત્હારા જેવી મીઠી, મીઠી, આંખ દે! પંખી મીઠા! ત્હારા જેવી ચેતનવંતી પાંખ દે! સાત સમંદર વીંધી જાઉં, હસતી આંખે જોતો જાઉં! મધમાખી, તું ત્હારા જેવી મુજને મીઠી ખંત દે! કોયલબ્હેની! ત્હારા જેવો મીઠો મીઠો કંઠ દે! વિશ્વ તણો મધકોશ ભરું, ચૌદ લોક ટહુકાર કરું! સાગર ઊંડા, ત્હારા જેવો ધીર ઘોર ઘુઘવાટ દે! વેગી વાયુ! ત્હારા જેવો વેગીલો સુસવાટ દે! વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું, સાગર શો હું જ્યાં ગરજું! આશા! ચાલો બાને કહીએ, રમકડાં તું આવાં દે! બ્હેની! બ્હેની! ત્યાર પછી તો જગનાં રાજા આપણ બે! બાળક ન્હાનાં હું ને બ્હેન!

તો ના કરત કશાનું વ્હેન!


સોનાપરી એટલે?

‘‘મળું મળું વ્હાલાને ક્યારે? વીંટળાઉં ક્યારે?’ ઘેલી, કોડભરી આવા ઉરમાં કૈં લળતી આશભરી વેલી. મુખ પર પુષ્પ કરે કેલી! ફૂલરાણી શી ચંબેલી! આરસનોયે અર્ક કરીને બ્રહ્માએ આલેખ્યું રૂપ. સરસ્વતીની વેણીમાંથી, ફૂલમાં પૂર્યા ગંધ અનુપ. ફૂલડાંને ઊડવા આકાશ! પાંખ વિના પૂરે શે આશ? સોનામહોરી પાંખોવાળા પતંગિયાને ભાળી પાસ; ચંબેલી મલકંતી પૂછે, ‘‘એક જ મારી પૂરશો આશ? મારો દેહ તમારી પાંખ—- એક બનીને ઊડશું આભ?’’ ચંબેલીનો દેહ રૂડો, ને પતંગિયાની પાંખ ધરી; અવની, આભ, અનંતે ઊડે, મલકતી મહેકંતી પરી. પતંગિયું ને ચંબેલી!

એક થયાં ને બની પરી!


વિદાય

(નાટ્યપ્રયોગોમાં ભાગ લેનાર પ્રત્યેક જણ તખ્તા ઉપર પોતાના નહિ પણ પાત્રના લેબાસમાં હાજર થાય છે; અને ડોલતાં ડોલતાં આ ગાય છે.)

પધારજો, મહેમાનો વહાલાં! રાત પડી જામ્યો અંધાર! ધણણણ ધણણ મેઘ ધબૂકે, વીજ થશે ને થાશે ધાર! ઘેન અમારી આંખે ચડતું, દુનિયા જાણે ઝોકાં ખાય! ઊંઘ સિતારી બજવે ભાગો!

પરીઓના ડુંગર દેખાય!