પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ)

From Ekatra Wiki
Revision as of 06:15, 16 August 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
પદ્મિની

સમય ઈ.સ. 1290ની આસપાસનો

યવનોના એક પછી એક થતા આક્રમણોથી ઉત્તર આર્યાવર્ત ઉજ્જડ થતો જાય છે. ઐશ્વર્ય અને શક્તિવન્તાં સામ્રાજ્યો, તથા દેદીપ્યમાન અને સમૃદ્ધ શહેરો ધીમેધીમે પડતાં જાય છે. અસ્ત થતી સંધ્યા ઘેરો વિષાદ આખા આર્યાવર્ત ઉપર છવાઈ ગયો છે. ભૂતકાલની જાજ્વલ્યમાન સંસ્કૃતિના અવશેષ સમાં જીર્ણ નગરો વચ્ચે, હિન્દુપદ-પાદશાહીના જર્જરિત ધ્વજને મહામહેનતે ટેકવી રાખી, અરાવલીની ટેકરીઓ વચ્ચે ચિતોડગઢ ઉન્નત મસ્તકે ઊભો છે. વેરાન પહાડીઓ વચ્ચે આવેલા એ અજિત દુર્ગમાં આજ પહેલાં થયેલા હુમલાઓના સ્મૃત્યાવશેષ સમાં ભંગાણ પડ્યાં છે. ચિતોડ ઉપર મહારાણા લક્ષ્મણસિંહની આણ વર્તે છે. મહારાણાની સગીરાવસ્થામાં ચિતોડને ટકાવી રાખનાર રાણા ભીમસિંહના હાથમાં હજી પણ અધિકારબળે રાજ્યની લગામ છે. દક્ષિણમાં જીત મેળવીને યવનસમ્રાટ અલાઉદ્દીન ખીલજી ગિરિકૂટ ઉપર છાવણી નાખી ચિતોડને ઘેરો ઘાલી પડ્યો છે. તેના પહેલા હુમલાના ઘા રૂઝાયા નહોતા એવી સ્થિતિમાં આ બીજો હલ્લો ખમવાની ચિતોડમાં તાકાત રહી નથી. છતાં રાજપૂતો જીવની અણી પર આવી લઢે છે અને સ્વાધીનતાની લીલાભૂમિનું સંરક્ષણ કરે છે. દિવસે-દિવસે અલાઉદ્દીનનો મૃત્યુપંજો સખત થતો જાય છે. અને ચિતોડમાં ભૂખમરો ફેલાય છે. ઘનઘોર આકાશમાં વીજળીનો ચમકારો થઈ ઠરી જાય છે અને અંધકાર વિશેષ ઘોર બને તેમ ઇતિહાસમાં પણ બને.

— અને આથમતી જતી આર્યવિભૂતિનો એવો એક ચમકારો એ નાટકનો વિષય છે.

મુખ્ય પાત્રો ઈ. સ. 1290ના સમય વખતે ચિતોડના સિંહાસન ઉપર વિરાજમાન બાપ્પા રાવળના વંશજ મહારાણા લક્ષ્મણસિંહ મહારાણાના બાર પુત્રોમાં બીજા અને મહારાણાને અત્યંત પ્રિય કુમાર અજયસિંહજી મહારાણાના બાર પુત્રોમાંના એક કુમાર અચ્યુતસિંહ મેવાડના મંત્રીશ્વર કેદારનાથ મહારાણાના સગીરાવસ્થામાં ચિતોડને સાચવનાર, અને મહારાણાના રાજ્યારોહણ પછી પણ અધિકારબળે રાજ્યની ધુરા વહેનાર મહારાણાના કાકા ભીમસિંહ રૂપરાણી પદ્મિનીના વીર ભ્રાતા અને ચિતોડના દુર્ગપાળ બાદલ રૂપરાણી પદ્મિનીના કાકા અને ચિતોડના સેનાનાયક ગોરાદેવ ઈ. સ. 1290ના સમય વખતે દિલ્હીના સંહાિસનારૂઢ યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજી દિલ્હીશ્વરના સંધિવિગ્રહક અને કૂટનીતિને બળે શહેનશાહતમાં મોટો અધિકાર ધરાવનાર સરદાર કાજી ચારિત્ર્યમાં આર્યરમણીના આદર્શસમી અને રૂપમાં રતિ સમી રાણી ભીમસિંહની મહારાણી પદ્મિની.

અને બીજાં.

અંક પહેલો

(સ્થળકાળ : રૂપરાણી પદ્મિનીના પ્રતિબિમ્બનું દર્પણમાં પણ દર્શન કરવા દેવામાં આવે તો પોતાને સંતોષ થાય, અને પોતે ઘેરો ઉઠાવી ચાલતો થાય એવી યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજીની માગણીનો રાણા ભીમસિંહે સ્વીકાર કર્યો છે. સંધિ મુજબ અલાઉદ્દીન પ્રતિબિમ્બનું દર્શન કરી ચિતોડગઢમાંથી પાછો ફર્યો છે. રાણા ભીમસિંહ મિત્રભાવે એને સિંહપૌરી સુધી વળાવવા જાય છે. રાજમહાલયની ચંદ્રશાળામાં મહારાણા લક્ષ્મણસિંહ, રાજકુમાર અચ્યુતસિંહ, રાજકુમાર અજયસિંહ, મંત્રીશ્વર કેદારનાથ અને દુર્ગપાળ બાદલ કોઈની રાહ જોતા હોય તેમ દક્ષિણ તરફના કાંગરા પકડી દૂર દૂર નજર કરતા ઊભા છે. ચંદ્રશાળાની નીચે મોટો સભાચોક છે, અને તરત જ ચિતોડનો પડછંદ કિલ્લો શરૂ થાય છે. આઘેઆઘે ટેકરીઓ વચ્ચે લગભગ ક્ષિતિજમાં અલાઉદ્દીનની છાવણીની શિબિરો દેખાય છે. પાછળ ઉત્તર તરફ મહાલયનો ત્રીજો મજલો શરૂ થાય છે. એક બાજુ પર રણવાસ તરફ જવાનો લાંબો માર્ગે છે, અને બીજી બાજુ મહાલયના મોટામોટા પાષાણસ્તંભોની હારમાળા છે. પશ્ચિમ તરફ ચંદ્રશાળામાંથી નીચે ઊતરવાનાં પગથિયાં છે. ચંદ્રશાળાની મધ્યમાં ચિતાચોક છે, અને એનો કઠેડો ઝીણી કારીગરીથી આભૂષિત છે. વચ્ચેવચ્ચે ત્રિશૂળ અને સાથિયાની ભાત ચીતરેલી છે. થોડી વારે અચ્યુતસિંહ પશ્ચિમ તરફ ફરે છે, અને આછી થતી સંધ્યાના રંગોને આંખોથી પી હૃદયમાં ભરે છે. પછી પાછળ ફરી અજયસિંહ પાસે જાય છે.) અચ્યુત : (અજયસિંહને ખભે હાથ મૂકી) અજય! જો તો ખરો. સંધ્યા કેવી ખીલી છે! (બધા નજર ફેરવી કાંગરાને ટેકવાઈ પશ્ચિમાકાશમાં આંખો ઠેરવે છે.) અજય : (થોડી વારે) આખો દિવસ પુણ્યપ્રકોપ વર્ષાવી શક્તિ સતી થવા જાય છે. કેદારનાથ : ચાલમાં વિષાદ છે, છતાં અંગમાં આદ્યાનું ગૌરવનું છે. લક્ષ્મણસિંહ : શક્તિને મરતાં આવડે છે. (બધા મહારાણાની આકાશ તરફ તાકતી કડક આંખો તરફ જુએ છે. મહારાણા એક પળ માટે કેદારનાથની આંખોમાં આંખો પરોવે છે. પછી સહેજ ઓછું ખેદયુક્ત હસી, ઝંખાવાતી સંધ્યા સામે ફરી જોવું શરૂ કરે છે. રૂપરાણી પદ્મિની રણવાસની પગથાર ઊતરી ગૌરવભર્યા ડગલે ઉત્તર તરફના એક બાજુના કાંગરાઓ તરફ જાય છે; અને અરાવતી ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે. ટેકરીઓ પણ એ કૃતાર્થકારી નમણી નજર પામવા પોતાની ડોકો ઊંચીનીચ કરતી ન હોય જાણે! વચ્ચે સીધી સેંથી પાડી મહીં સિન્દૂર પૂર્યો છે. પ્રભાવંતા કપાળ તળે આછીઆછી બીજકલા સમી ભ્રમરછટા, અને તેઓની નીચે પ્રેમસરવર શી મોટી આંખો, પાતળું પોપટિયુ નાક અને કમળદળ જેવા બિડાયેલા હોઠ, ચિતોડની રજપૂતાણીને છાજે એવો છતાં સાદો પહેરવેશ, અને પગમાં મોજડી કોની નજર જતી નથી. કાંગરા ઉપર કોણી ટેકવી, હથેળીમાં વદન કમળ ધરી, પાતળી કટિનો ભંગ કરી એ દૂર દૂર જોઈ રહે છે.) બાદલ : શક્તિને મરવાનું મન નથી. પણ સમજે છે કે જીવવામાં સાર નથી. અજય : જોયું અચ્યુત! શક્તિની પ્રભા વધે છે. લક્ષ્મણસિંહ : હંમેશ માટે હોલવાઈ જતાં પહેલાં એકવાર એને દિવ્ય ચમકારો કરી લેવો છે. અચ્યુત : અને એ ચમકારો અંધકારને વધારે મ્લાન બનાવવા માટે છે. અજય : કેમ કે એ જાણે છે કે એ ચમકારો કરે કે ન કરે, અંધકાર તો આવવાનો જ. (પદ્મિની આંખો ફેરવે છે, અને બેદરકારીથી વાતો સાંભળતી ઊભી રહે છે.) બાદલ : શક્તિ એ જાણે છે છતાં જીવન તરફ શા માટે પાછું ફરી એક નજર નાખી લેતી હશે? લક્ષ્મણસિંહ : પણ આપણે આ શું ગાંડપણ માંડ્યું છે? (મહારાણા લુખ્ખું હસે છે. પદ્મિની આગળ આવી બાદલ પાસે ઊભી રહે છે.) પદ્મિની : એ ગાંડપણ નથી, મહારાણા! બાદલીવર! હમણાં બોલ્યો તે ફરીથી બોલીશ! (બાદલને છાતીએ ચાંપે છે. પદ્મિનીને જોઈ બધા ચમકે છે, અને સ્વસ્થ થાય છે. મહારાણાના મોઢા ઉપર આછી શ્યામરેખા પથરાય છે.) લક્ષ્મણસિંહ : મહાદેવી! હજી એના એ જ વિચારો આવે છે? પદ્મિની : હું શું કરું, મહારાણા! આખો દિવસ આંસુમાં નાહી તોય થાય છે કે અંગને અભડાવનારો જે સૂક્ષ્મ પડછાયો અડી ગયો તે ભૂંસાતો જ નથી. લક્ષ્મણસિંહ : (કચવાતા) પણ તમે તો એને જોયો પણ નથી, અને તમારી ઉપર એ મ્લેચ્છની એઠી નજર પણ પડી નથી. વાત તો માત્ર દર્પણના પ્રતિબંબિની હતી, મહાદેવી! પદ્મિની : શક્તિને વિનાશનું જ્ઞાન છે; છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા? (સહુ અસ્વસ્થ થાય છે.) લક્ષ્મણસિંહ : (થોડી વારે) એવું શા માટે કહો છો, મહાદેવી? (પદ્મિની કંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યાં ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહોંચતી જેમ કાંગરા પર કોણી ટેકવી, હથેલીમાં વદનકમળ ધરી, અરાવલીની ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે.) ધીમે ધીમે બધા કાંગરા પાસે જાય છે અને દૂર દેખાતા અલાઉદ્દીનના પડાવ તરફ નજર નાખે છે.) પદ્મિની : (ઊંઘમાંથી જાગતી હોયતેમ) હજી કેમ નહિ આવ્યા હોય? અજય : વખત તો બહુ વીતી ગયો. રાણા કહેતા હતા કે સુલ્તાનને સિંહપૌરી સુધી પહોંચાડી પોતે તરત જ પાછા ફરશે એટલે ગઢના દરવાજા બંધ ન કરવા. લક્ષ્મણસિંહ : પણ વેળા તો વીતી જવા આવી. કશું થયું તો... (એકદમ અચકાય છે) દુર્ગપાળ, કોટના દરવાજા બંધ કરાવો, અને દરવાનને કહી રાખો કે દરવાજા ઉપર એક સાથે સાત અને પછી એમ ટકોરા થાય એટલે બાજુ-બાર વિના વિલંબે ખોલી દે! બાદલ : જેવી આજ્ઞા મહારાણા! (મહારાણાને પ્રણામ કરી પશ્ચિમ તરફનાં પગથિયાં ઊતરી જાય છે.) કેદારનાથ : દૂર રસ્તા ઉપર ધૂળ ઊડે છે. કોઈ મારતે ઘોડે ઘર તરફ આવે છે. હું ધારતો જ હતો કે રાણાજી રસ્તા ઉપર હશે! (બધા ડોક લંબાવી ઉત્તરમાં નજર નાખે છે.) પદ્મિની : એ દેવનો ઘોડો ન હોય! દેવનો ઘોડો દોડે છે ત્યારે ધરતી ધણધણી ઊઠે છે. એ અશ્વિનીની ચાલ નહિ! અજય : ના. એ અશ્વિનીની ચાલ નહિ! કોઈ બીજું જ જણાય છે. પદ્મિનિ : આજ સવારથી મને માનશુકન થાય છે. હૃદયમાં પારેવું પેઠું છે. અજય : મને એ મ્લેચ્છ ઉપર વિશ્વાસ જ નથી. એ ક્યારે શું કરી બેસે તે કહેવાય નહિ! અને બાપુ એમ જ... (ઉગ્ર થઈ કંઈક બોલવા જાય છે પણ જાતને વારી લઈ મહારાણા તરફ જોઈ રહે છે.) લક્ષ્મણસિંહ : આજે તો સૌ મારી ઉપર તૂટી પડ્યાં છો. અજય, મારા પ્યારા બેટા, તારા મોઢામાં એ શબ્દો ભળતા નથી. આંગણે મિત્રદાવે આવેલા શત્રુને રાજપૂતોને છાજે એવું સન્માન આપવું જોઈએ. અને હવે તો મ્લેચ્છસમ્રાટ સેના ઉઠાવી ચાલ્યો જનાર છે. એવી સ્થિતિમાં... (મહારાણા આગળ બોલવા જાય છે ત્યાં પગથિયાં ચડી દ્વારપાળ આવે છે અને પ્રણામ કરી ઊભો રહે છે.) દ્વારપાળ : મહારાણા! રાણાજી સાથે ગયેલો એક સ્વાર મારતે ઘોડે પાછો આવ્યો છે. એના પેટનાં આંતરડાં તૂટી ગયાં છે. આપને એ સત્વર મળવા ચાહે છે.) લક્ષ્મણસિંહ : એમને જલદી લઈ આવો! પદ્મિની : ઓહ, ભગવાન! આ શું થવા બેઠું છે? મારી જમણી આંખ ફરકે છે. (પગથાર ઉપર બેસી જાય છે. અજયસિંહ અને અચ્યુતસિંહ પાસે જાય છે.) અચ્યુત : ગભરાઓ નહિ, મહાદેવી! બધું ઠીક થઈ રહેશે. અજય : અનેક પ્રહારો ઝીલ્યા છતાં ક્ષત્રિઓની નાડીઓમાં હજી લોહી વહે છે, અંબા! (સૈનિક દ્વારપાળને ખભે ટેકવાઈ ચડી આવે છે, અને પ્રણામ કરવા જાય છે. પેટમાં દુ:ખ થતાં ‘ઓહ!’ કહી પાછો સીધો થાય છે.) લક્ષ્મણસિંહ : બહાદુર સિપાહી! તને આ શું થયું? શા ખબર લાવ્યો છે? રાણાજી ક્યાં છે? સૈનિક : જે બનાવ બની ગયો તેના ખબર આપવા છટકીને હું મારતે ઘોડે અહીં આવ્યો. માર્ગમાં મારાં આંતરડાં તૂટી ગયાં, મહારાણા. લક્ષ્મણસિંહ : શું બની ગયું? સૈનિક : દિલ્હીપતિને સિંહપૌરી સુધી પહોંચાડી રાણાજી વિદાય લેવા ભેટતા હતા ત્યાં આસપાસની ઝાડીમાંથી યવન સૈનિકો તૂટી પડ્યા, અને રાણાજીને તથા તમામ રાજપૂતોને ગિરફતાર કરી લીધા અને... હું... અને મહારાણા! હવે હું વધારે બોલી શકું એમ નથી. પ્રણામ... લક્ષ્મણસિંહ : દ્વારપાળ, એને નીચેના બાજુના ખંડમાં લઈ જઈ સુવાડી દો. વૈદરાજને બોલાવી પૂરતા ઉપચાર કરો. (દ્વારપાળ સૈનિકને લઈને જાય છે. મહારાણા પદ્મિની તરફ એક નજર કરી, નજર ચૂકવી આકાશ સામે જોવા લાગે છે.) પદ્મિની : યવનસમ્રાટ ઘેરો ઉઠાવી ક્યારે ચાલ્યો જાય છે, મહારાણા? લક્ષ્મણસિંહ : મારી ઉપર આટલાં કઠોર કેમ થાવ છો, મહાદેવી? (પદ્મિની નજર ફેરવી ચિતાચોક તરફ જોવા લાગે છે.) કેદારનાથ : મહારાણા, હવે શોક કરવાનો સમય નથી. આપણે શાં પગલાં લેવા માગીએ છીએ તે સત્વર નક્કી થઈ જવું જોઈએ. અજય : મને લાગે છે કે.... (દ્વારપાળ પ્રવેશ કરે છે, અને પ્રણામ કરી ઊભો રહે છે.) દ્વારપાળ : મહારાજ, દિલ્હીશ્વરના કાજી પધાર્યા છે, અને આપને મળવા માગે છે. લક્ષ્મણસિંહ : એમને અહીં મોકલો (દ્વારપાળ જાય છે.) મહાદેવી! દિલ્હીશ્વરના કાજી આવે છે, તમે રણવાસમાં જશો? (મહારાણા ઉત્તરની રાહ જોતા ઊભા રહે છે. પદ્મિની કશો પણ ઉત્તર દીધા સિવાય રણવાસમાં ચાલી જાય છે. દ્વારપાળ : (આવીને પ્રણામ કરી) દિલ્હીશ્વરના કાજી પધારે છે. (પગથિયાં ચડી કાજી આવે છે. એમની શ્વેત દાઢી પાછળ ખૂંધી ગરદન સંતાઈ ગઈ છે. બે ભ્રમર વચ્ચેની કરચલીઓમાં ધર્મઝનૂન છે. એમણે લાંબો ઝભ્ભો પહેર્યો છે. દ્વારપાળ પ્રણામ કરી પગથિયાં ઊતરી પડે છે.) લક્ષ્મણસિંહ : પધારો જનાબ! આજે તો દિવસમાં બે વખત આપને આવવું થયું! કાજી : સ્વેચ્છાએ નથી આવ્યો, મહારાણા! આ ગરદન ઉઠાવવાની હવે હિમ્મત રહી નથી. સમ્રાટનો સંદેશો લઈને આવ્યો છું. અજયસિંહ : ત્યારે કહી નાખો, જનાબ! વિલંબ કર્યે શી વિશેષતા? (મહારાણા અજયસિંહ તરફ જુએ છે.) કાજી : હા, હું કહી જ નાખું. દિલ્હીશ્વર કહેવડાવે છે, કે રાણા ભીમસિંહને મુક્ત કરવાનો અને ચિતોડને ઉગારવાનો હવે એક જ ઉપાય છે. ગૌરવગુમાનની બાલિશ વૃત્તિ છોડી વિચાર કરો... તો... કેદારનાથ : અમારે શું કરવું તે અમે જાણીએ છીએ. આપ આપની ફરજ અદા કરો એટલે ઘણું, જનાબ! કાજી : આટલા ઉગ્ર કેમ બનો છો. મંત્રીશ્વર? વાત વાતમાં ખાંડાં ખખડાવવાથી રાજકારણના પ્રશ્નો ઉકલતા નથી એ તો તમે જાણતા જ હશો. લક્ષ્મણસિંહ : અંધારું થતું જાય છે, જનાબ! આવતી કાલની તૈયારી રૂપે આજની રાત ઉત્સવ કરવા હજી રજપૂતોને આદેશ આપવો પણ બાકી છે. કાજી : તો સાંભળો; આકળા ન થઈ જતા. સમ્રાટ બદલામાં મહારાણી પદ્મિની માગે છે. બધા : શું? કાજી : વીજળીનો આંચકો કેમ લાગે છે? લક્ષ્મણસિંહ : એવી માગણી કહી સંભળાવતાં તમારી જીભ તાળવે કેમ ચોંટી નથી જતી, કાજી? કેદાર : એવું માગતાં તમારું અંગ કંપી કેમ નથી ઊઠતું, જનાબ? અજય : રાજમહેલ માથે દેવી ચતુર્ભુજાનું અંગારા ઝરતું ત્રિશૂળ નથી જોઈ શકાતું, યવનદૂત? કાજી : ગૌરવના ઘેનમાં ઉશ્કેરાઈ ભાન ભૂલવાનો આ સમય નથી એવું સમજો, રાણા! વિચાર કરો! હજારો સ્ત્રીપુરુષોનો અને તમારા પ્યારા કાકાનો સવાલ એમાં સંડોવાયેલો છે. લક્ષ્મણસિંહ : કહેવાનું હતું તે કહી લીધું. કાજી? અજય : જો કહી લીધું હોય તો હવે સિધાવો, જનાબ! અને તમારા મ્લેચ્છમાલેકને કહો કે રજપૂતોએ હાથમાં કંકણ નથી પહેર્યાં. કાજી : તમને એમ કહેવાનો અધિકાર નથી. હજારોના જાનમાલ ઉપર હોડ બકવાનો કોઈને અધિકાર નથી. કેદાર : અને અમારા અધિકાર — અનધિકારનો વિચાર આપને કરવાનો નથી. કાજી : તમે પણ મંત્રીશ્વર ઊકળી ગયા? સ્વસ્થ ચિત્તે વિચાર કરો. એક બાજુ એક રૂપવતી છે અને બીજી બાજુ આખું ક્ષત્રિયકુળ છે. તમે જાણો તો છો જ કે આ માગણીનો અસ્વીકાર થતાં દિલ્હી સમ્રાટનો ખોફ ફાટી નીકળશે, અને ચિતોડગઢને ભસ્મીભૂત કરી મૂકશે. અનેક નિર્દોષ હિમ્મતવાન રજપૂતોનાં લોહી રેડાશે અને અસંખ્ય ક્ષત્રાણીઓ આક્રંદ કરી મૂકશે. પછી પશુ જેવા તુર્કો એમના પવિત્ર દેહને ચૂંથશે! એક શિયળ સાચવવા જતાં અસંખ્ય શિયળોનો ભ્રષ્ટાચાર થશે, એનો તમને વિચાર સરખો નથી આવતો? (થોડી વાર સૌ થંભી જાય છે.) કેદારનાથ : રજપૂતો શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી, જનાબ! અમે જાણીએ છીએ કે હવે અમારો સૂર્ય આથમવા લાગ્યો છે. મહાદેવીનું શિયળ રક્ષવા જતાં અને ક્ષત્રાણીઓનાં શિયળ જોખમમાં છે એ પણ અમારા ખ્યાલ બહાર નથી. પણ ક્ષત્રાણીઓેને પોતાના શિયળનું રક્ષણ કરવાનું શિખવાડવું પડે એમ નથી. આપને એનો યથાસમયે અનુભવ થશે, અને એવું ન બને એમ માની લો! તોય શું? અનિચ્છાએ છતાં સંમતિથી રાજ્યલક્ષ્મીએ સ્વીકારેલો ભ્રષ્ટાચાર અમારા કુળધર્મનો વિનાશ કરે, અને અમારો નૈતિક અધ:પાત થાય. જગતની દૃષ્ટિએ અમે નાશ પામ્યા હશું. ઇતિહાસકારો લખશે કે બેવકૂફ રજપૂતો કુળગૌરવમાં ધૂળભેગા થઈ ગયા, અને એમની અનાથ અબળાઓ ઉપર અત્યાચારોના ડુંગર ઊગ્યા. છતાંય જગતની એ હાંસી વચ્ચે અમારું ચારિત્ર્ય અસ્પૃષ્ટ અને અલૌકિક રહેશે, અને ભયંકર વિનિપાત અને પ્રલયકારી આપત્તિઓમાં પણ અમારી પ્રજામાં એ ચારિત્ર્યબળ, તેજસ્વિતાનું એક એવું સુષુપ્ત અણુ મૂકી જશે કે કોઈ દિવસ, જ્યારે અમારો ફરી અરુણોદય થશે, ત્યારે સહસ્ત્ર સવિતાની જેમ એ ભભૂકી ઊઠશે અને જગતને અંજી દેશે. કાજી : મંત્રીશ્વર, રૂઢિએ ઊભી કરેલી ગૌરવની ઇંદ્રજાળમાં અને પૂર્વજોએ રટી રટીને રૂઢ કરેલી શબ્દોની મોહજાળમાં તમે પણ ફસાઈ પડશો એમ મેં નહોતું ધાર્યું. જગતની શાંતિ તલવારોની પટ્ટાબાજીઓથી નથી સ્થપાવાની. જૂના ગૌરવને સંભારી સંભારી આપણે ક્યાં સુધી એકબીજાનાં ગળાં કાપ્યા કરશું? એક સ્ત્રીથી અનેકના પ્રાણ ઊગરી જતા હોય તો એ સ્ત્રી વધારે કે પ્રજા વધારે? યુદ્ધથી નીતિનાશ કેટલો થાય છે એ મારે તમને સમજાવવાપણું ન હોય. લક્ષ્મણસિંહ : જનાબ, રજપૂતોની એ ભાવના આપ નહિ સમજી શકો. એમાં એક સ્ત્રીનો સવાલ નથી. એક સ્ત્રીના શિયળ પાછળ જીવનનું સનાતન શાશ્વત તત્ત્વ ઊભું છે. એ ગયું પછી જીવ્ય તોય શું અને જીવતા દટાયા તોય શું? કાજી : (હસે છે.) હા... હા... હા....! ભૂતના ઓળાને ભેટવાનાં તમારાં બાથોડિયાં જોઈ મને હસવું આવે છે, રજપૂતો! અજય : આપનો તુર્ક સમ્રાટ નિર્ભયપણે સિંહ જેવા રજપૂતોની વચ્ચે અમારી રાજલક્ષ્મીનું એકલો દર્શન કરવા આવવાની હિમ્મત કરે, અને આપ પણ આવે સમયે એકલા અમારા કિલ્લામાં પ્રવેશી શકો એ પણ અમારા એવા બાથોડિયાઓનો જ પ્રતાપ છે એ ન ભૂલતા જનાબ! કાજી : હા...! હા...! હા...! રજપૂતો! ઇતિહાસનાં પાનાંઓમાં તમારી ઉપર વિચારકોનાં હાસ્ય વેરાશે; તમારી રૂપવતીઓના નિસાસા ગાજશે, અને જીર્ણવિદીર્ણ ચિતોડગઢના પથરાઓ અનંતકાલ સુધી તમારા મૂર્ખાઈ ઉપર દાંતિયા કરી રહેશે! પણ મને નવાઈ નથી થતી. મેં એવું ધાર્યું જ હતું! કેદારનાથ : મને પણ એ જ પ્રશ્ન થતો હતો કે આપે અમારા જીવનમાં એવી કઈ નિર્બળતા જોઈ લીધી, કે જેને પરિણામે અમારા જવાબ વિશે આપને આશંકા ગઈ અને આપને અહીં સુધી આવવાની તકલીફ લેવી પડી? કાજી : (આછું આછું હસી) રજપૂતોની અક્કલમાં હજી થોડો વિશ્વાસ રહી ગયો હતો. હજી લાગતું હતું કે આકાશના ‘વાદળાંઓની’ જેવા અસ્પૃષ્ટ તરંગો ઉપરથી થોડી વારને માટે ઊતરી જીવનની ભીષણ યથાર્થતાનો વિચાર કરવા એકવાર તો હું રજપૂતોને લલચાવી શકીશ. પણ... પણ હવે ખાતરી થઈ ચૂકી. કેદારનાથ : પાથિર્વધર્મી! અમને પણ આપની દયા આવે છે. જેને આપ જીવનની ભીષણ યથાર્થતા કહો છો તેને અમે મૃગજળ, ભૂતના ભડકા, અને માયા કહીએ છીએ, અને જેને આપ આકાશનાં વાદળાંઓ જેવા અસ્પષ્ટ તરંગો કહો છો એને અમે બ્રહ્માંડનાં ત્રિકાલાબાધિત સનાતન સત્યો કહીએ છીએ. કાજી : પણ.... અજય : હવે પણ બણનો સમય નથી રહ્યો, જનાબ! અમારો નિશ્ચય થઈ ચૂક્યો છે, અને હવે અમે નિવૃત્તિ ચાહીએ છીએ. આપ સિધાવો, અને આપના તુર્કપતિને અમારો સંદેશો કહો કે આર્યાવર્તમાંથી હજુ ક્ષત્રિવટને દેશવટો નથી મળ્યો. કાજી : પરંતુ આખી પ્રજાના હિતાહિત ઉપર તમને હોડ બકવાનો શો અધિકાર? આ પ્રશ્ન તમારો નથી. આ પ્રશ્નનો નિર્ણય પ્રજાએ કરવાનો છે. મહારાણી પદ્મિની તમને પ્રાણથીય પ્યારી હશે, પરંતુ અંતે તો એ પ્રજાની મિલકત છે. હું નિર્ણય થતાં પહેલાં પ્રજાનો અવાજ સાંભળવા માંગું છું. લક્ષ્મણસિંહ : પ્રત્યેક હિન્દુ સ્ત્રી અને પુરુષ પ્રજાની મિલકત છે. એની શક્તિઓ, એની સમૃદ્ધિઓ અને એની સેવા પ્રજાને ચરણે છે. પરંતુ નીતિ અને ધર્મ ઉપર કોઈનો અધિકાર નથી. વ્યક્તિના અંતર્નાદ ઉપર એનો નિશ્ચય અવલંબે છે અને છતાં, જો આપને રજપૂતોના હૃદય વિષે શંકા હોય, રજપૂતોનું પારખું કરવું હોય તો... મંત્રીશ્વર દાંડી પીટવો કે મહારાણાને આંગણે આજ સવારની જેવા એક બીજા અતિથિ આવ્યા છે. તમારા હૃદય વિશે હજી એમને શંકા રહી ગઈ છે. તમારો છેલ્લો શબ્દ સાંભળવા માંગે છે. (કાજી તરફ ફરી) હિન્દુઓ સમાજને શરીર વેચે છે, પણ આત્માને મુક્ત રાખે છે, અને શિયળને શરીરના નહિ પણ આત્માના ગુણ તરીકે રજપૂતોએ કેળવ્યું છે. હજી આપને ખાતરી ન થઈ, જનાબ? કેદારનાથ : (પગથિયા પાસે જઈ, નીચે નજર કરી) દ્વારપાળ, દાંડી પીટાવો, સભાચોકમાં સૌએ એકઠા થવાનું છે. (પાછા ફરી સૌ સાથે જોડાય છે.) લક્ષ્મણસિંહ : (ઘૂંટણીએ પડી, હાથ જોડી, આંખો મીંચી, સ્વગત) ભગવાન અંકલંગિજી! મને ક્ષમા કરો. મારી બહુ કસોટી થઈ! મહાદેવી ઉપર કોઈ કુદૃષ્ટિ કરે તો એની આંખોમાં આગ લાગે એવું એમનું પાવિત્ર્યનું કવચ હતું. આજે ચિતોડ અને ક્ષાત્રકુળને બચાવવાના લોભે હું પડ્યો, અને તુર્કપતિને અમારી કુળલક્ષ્મીનો પડછાયો જોવા દીધો, ક્ષમા કરો! ક્ષમા કરો મારા અપરાધો, મહાદેવ! (નીચેથી નગારાનો અવાજ આવ્યા કરે છે. ધીમે ધીમે એકઠી થતી ચિતોડની પ્રજાનો કોલાહલ સંભળાય છે. મહારાણા ઊભા થઈ વિચારમગ્ન રહે છે. પછી) ચાલો તુર્કદૂત! રજપૂતોનું પારખું કરીએ. (સૌ કાંગરા પાસે જાય છે, અને નીચે નજર કરતા ગોઠવાય છે.) બાપા રાવળના વંશજો! યવનસમ્રાટે દૂત મોકલ્યો છે અને કહાવ્યું છે કે જો ચિતોડગઢને, એની વીર પ્રજાને અને રાણા ભીમસિંહને ઉગારવા હોય તો મહાદેવી પદ્મિનીને મારી અંકશાયિની કરો! (નીચે શું?, કોણ?, એને નીચે નાખો!, રજપૂતોની રાજ્યલક્ષ્મીને?, બાપ્પા રાવળના વંશજો શું મરી ખૂટ્યા? એવા એવા અનેક ઉચ્ચારોનો ઘોંઘાટ શરૂ થાય છે.) સાંભળ્યું, જનાબ? કાજી : (મહારાણાને) ઊભા રહો, મને પૂછવા દો! (વચમાં આવે છે અને અવાજ મોટો કરે છે.) રજપૂતો! ઉશ્કેરાઈ જવાનો આ વખત નથી. શાંતિથી વિચાર કરો અને પછી તમારો છેલ્લો શબ્દ ઉચ્ચારો! એક બાજુ એક સ્ત્રી છે, બીજી બાજુ અસંખ્ય નિર્દોષ રજપૂત જુવાનો છે! વિચાર કરો! (નીચેથી એક અવાજ : હિન્દુઓ શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી) ધીરા પડો. અત્યારે તમારામાંથી મોટો ભાગ ભૂખથી પીડાય છે. અર્ધા તો મરી ખૂટ્ટા છે. આવતી કાલે શેષ રહેલાની દિલ્હીશ્વર કતલ કરશે. તમારી વિધૂર અબળાઓના શરીર પશુ જેવા તુર્કો ચૂંથશે. વિચાર કરો. (નીચેથી બીજો અવાજ : — અમારી રાજરાણીના શિયળથી ખરીદેલો રોટલો અમને ગોમાંસ બરાબર છે. અમારી કુળલક્ષ્મીના ચારિત્ર્યના બદલામાં આવેલું જીવદાન અમને ન ખપે, યવનદૂત! અમારી વિધવાઓની તારે દયા ખાવાની નથી! પોતાનું શિયળ કેમ રક્ષવું એ એમને શિખવાડવું પડે તેમ નથી.) અરે ઓ રજપૂતો! તમારી મૂર્ખાઈ ઉપર ઇતિહાસનાં પાનાંઓ અટ્ટહાસ કરશે. જરા વિચાર કરો! એક સ્ત્રીની ખાતર અજય દુર્ગ, અમૂલા પ્રાણ, અને આક્રંદતી રૂપવતીઓને તમે હોમવા બેઠા છો. તમારા ઉપર પ્રભુના શાપ વરસશે. (નીચેથી ત્રીજો અવાજ : — હા... હા... હા....! દૂત! અમને તારી ઉપર દયા આવે છે. અમારી ઉપર ઇતિહાસનાં પાનાંઓ અટ્ટહાસ કરશે, એમ? પણ કાજી! સ્વર્ગના કોઈ એવા ઉત્તુંગ શિખરે અમે બેઠા હશું કે ઊડીઊડીને આવતા એ અટ્ટહાસો અધવચથી જ શિથિલપક્ષ પક્ષીઓની માફક જમીન ઉપર પટકાઈ પડશે. અમારી ઉપર ઈશ્વરના શાપ ઊતરશે તો અમે એ શાપને પણ ધોળીને પી જશું. પણ એની અસર અમૃત સંજીવની જેવી થશે, એવી અમને શ્રદ્ધા છે. રજપૂતો! મને તમારી દયા આવે છે. (નીચેથી અનેક અવાજો : — શું કામ, ભાઈ? લક્ષ્મણસિંહ : કેમ, જનાબ! પ્રજાનો છેલ્લો બોલ સાંભળી લીધો? કાજી : હું જાઉં છું મહારાણા! અજય : હા, સિધાવો, જનાબ! અને તમારા અન્નદાતાને કહેજો કે હજી આર્યોના પુણ્ય પરવાર્યા નથી. કેદારનાથ : અને મારો સંદેશો પણ કહેજો કે શહેનશાહ, આર્યકુળની મહાદેવીને અડકનારની આંગળીમાં આગ લાગે છે. અચ્યુત : અને મહાદેવીને કામનારની સમરભૂમિમાં હોળી ખેલવા રાજકુમાર અચ્યુતસિંહ વાટ જુએ છે એ પણ કહેજો. લક્ષ્મણસિંહ : અને કહેજો કે રજપૂતોનો સૂર્ય સદાને માટે અસ્ત થાય એ પહેલાં તેઓ એક એવો ચમકારો કરી લેવા માગે છે કે જગતના અંત સુધી એનો પ્રકાશ આર્યોના હૃદયમાં આદર્શો કોરતો રહે! કાજી : મહારાજ! હું જાઉં છું મને માફ કરજો. (જવા જાય છે.) પદ્મિની : (વીજળીની ત્વરાથી ધસી આવી) ઊભા રહો, યવનદૂત! (એનું મોઢું સખત થઈ ગયું છે. આંખમાં ભયાનક અને આછો તિરસ્કાર છે. પહેરેગીરો આવીને કાંગરામાં મશાલો ખોડી જાય છે. એના લાલપીળા પ્રકાશ પદ્મિનીના ચહેરા ઉપર પડે છે, અને ખીલી ઊઠે છે. નીચેના ટોળામાં પેટાવેલી મશાલનો પ્રકાશ કાંગરામાંથી ડોકિયાં કરે છે અને વાતાવરણને ભયાનક કરી મૂકે છે.) ઊભા રહો, યનવદૂત! મારો સંદેશો પણ લેતા જાવ! દિલ્હીશ્વરને કહેજો કે પોતાના સ્વામીનાથને મુક્ત કરવા પદ્મિની પોતે જ હાજર થશે. (કાજીનાં મોઢા ઉપર હાસ્ય છવાય છે. બાકીના સૌ ઉગ્ર, અસ્વસ્થ અને કંપતા બની જાય છે.) અજય : અંબા! આપ અહીં કેમ આવ્યાં છો? અહીં પરાયા પણ હાજર છે. કેદારનાથ : મહાદેવી! અહીં રાજ્યપ્રકરણ રમાય છે. આપનાં અહીં કામ નહિ. લક્ષ્મણસિંહ : તમે કુળમર્યાદાનું ઉલ્લંઘન કરો છો; અને ક્ષત્રિયકુળને કપાળે કદી ન ભૂંસાય તેવી કાળી ટીલી કરવા તત્પર થયાં છો, મહાદેવી! પદ્મિની : એ બધું ચૌહાણપતિની પુત્રી બરાબર જાણે છે, મહારાણા! (નીચેથી અવાજો કોણ મહાદેવી?, યવનસમ્રાટને ત્યાં જવાનું કબૂલ કરે છે?, ઓ ભગવાન્! પૃથ્વી ઉપર કેમ વજ્રપાત નથી થતો?, દેવી ચતુર્ભુજાનું પુણ્ય આથમી ગયું?) યવનદૂત! આપ સિધાવો. હું એ સૌને સમજાવી લઈશ. (કાંગરા પાસે જાય છે.) ચિતોડનાં પ્રજાજનો! તમારે શું જોઈએ છે? (નીચેથી એક અવાજ આવે છે : ચિતોડનું ક્ષાત્રકુળ પોતાની કુળલક્ષ્મી પાસે જવાબ માગે છે. શું મહારાણા ભીમસિંહની ધર્મપત્ની એક તરકડાની કદમબોસી કરશે?) હા, એના સ્વામીનાથ ખાતર, એની વહાલી પ્રજા ખાતર, એની કકળતી અનેક કુળવધૂઓ ખાતર! (નીચેથી બીજો અવાજ : તો મહાદેવી! તમારી વચ્ચે અને યવનસમ્રાટની વચ્ચે રજપૂતોનાં શરીરોનો ગગનચુંબી પહાડ ખડો થશે. તમારે અમારા પેટનાં પગથિયાં કરવાં પડશે, મહાદેવી! તો હું તે ઉપરથી પણ જઈશ. (કાજી તરફ ફરી) યવનદૂત! તમે હવે સિધાવો. શહેનશાહને કહેજો કે પદ્મિની આઠ દિવસ પછી પોતાનું વચન પાળશે. કાજી : પ્રણામ, મહારાણા! પ્રણામ, મહાદેવી! હું પ્રસન્ન થયો છું; અને દિલ્હીશ્વર પણ પ્રસન્ન થશે અને પોતાનું વચન પાળશે એવી ખાતરી આપું છું. (કાજી જાય છે. પદ્મિની ગાંડાની માફક અટ્ટહાસ કરે છે. સૌ ચકિત થઈ તેની સામે જોઈ રહે છે. નીચેની પ્રજા પણ અવાક બની ગઈ છે. પદ્મિની આનંદમાં આવી જઈ આમતેમ ફરે છે. થોડી વારે.) મંત્રીશ્વર! કેદારનાથ : મહાદેવી! પદ્મિની : સેનાનાયક, ગોરાદેવને બોલાવશો? મારે એનું સત્વર કામ છે. કેદારનાથ : જેવી આજ્ઞા! (મસ્તક નમાવી જાય છે. પદ્મિની કાંગરા પાસે જાય છે. નીચેથી અવાજો આવે છે : કુળવિનાશિની!, ભ્રષ્ટા!, ક્ષત્રિય કુળમાં વેશ્યા પાકી!) પદ્મિની : ઘડીક પહેલાંની કુળલક્ષ્મી એક ક્ષણમાં કુળવિનાશિની થઈ ગઈ? રજપૂતો! હું તો એની એ જ છું. (નીચેથી એક અવાજ : હા, હા, હા! તમે નહિ, તમારું શરીર એનું એ છે. અમને અમારી મહાદેવીના વિશ્વવિખ્યાત શરીર સાથે કશી પડી નહોતી, અમને તો એમના ઉજ્જ્વલ ચારિત્ર્યનું ગૌરવ હતું, મહારાણી!) વહાલા બાંધવો, જુઓ! હું પાછી તમારી કુળલક્ષ્મી બની જાઉં છું. એ તો નાટક હતું! (થોડી વારે) અહા! તમારા મોઢા ઉપર કેવો સંતોષ કેવો આનંદ ફેલાય છે! તમને સુખી જોઈને મને પણ આનંદ થાય છે. આજે મને ઉન્માદ થયો હોય એમ લાગે છે. (પદ્મિની ઉન્માદમાં આમથી તેમ ફરતી કાંગરાઓ બદલાવે છે. નીચેથી બાપ્પા રાવળની જય!, જય એકલંગિજી!, મહાદેવીનો જય! એવા પોકારો ઊઠે છે. મશાલોના ચલિત પ્રકાશથી ટોળામાં હલચલ મચી છે એવું લાગે છે. લક્ષ્મણસિહ : હૃદયની રંગભૂમિ ઉપર નાટક કરવાનું ન હોય, કુળલક્ષ્મી! પદ્મિની : જગતે શિવનું તાંડવ સહ્યું, અને મહારાણા શક્તિનું લાસ્ય નહિ સહે? (સૌનાં મોઢાં આનંદથી પ્રકાશી ઊઠે છે. સેનાનાયક ગોરાદેવ સાથે મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. ગોરાદેવ મહારાણાને પ્રણામ કરી, મહાદેવી પાસે જાય છે અને નમન કરે છે.) ગોરાદેવ : મને કાંઈ યાદ કર્યો, ચૌહાણ-પુત્રી? પદ્મિની : હા, કાકા! જીવનભરમાં મેં તમારી પાસે કદી કશું માગ્યું નથી. આજે એક એવો પ્રસંગ આવ્યો છે કે મારે ખોળો પાથરવો પડે છે. કાકા, દીકરીની માગણી નહિ સ્વીકારો? ગોરાદેવ : તમે એવું કહીને મારું અપમાન કરો છો, બેટા! પદ્મિની : તો સાંભળો, યવનસમ્રાટને કહાવી દો કે આજથી એક અઠવાડિયા પછી પોતાની સાતસો સખીઓ સાથે પદ્મિની જહાંપનાહની કદમબોસી કરવા આવશે. એને માટે સાતસો પાલખીઓ તૈયાર કરાવો. દરેક પાલખીમાં બેસવા એક એક વીર યોદ્ધો ચૂંટી કાઢો, અને એક પાલખીને ઉપાડવા ચાર ચાર શસ્ત્રસજ્જિત સૈનિકોને ભોઈનો વેશ પહેરાવી તૈયાર કરો. અને... (અચકાય છે) અને મારી પાલખીમાં તમે બેસો. તંબૂમાં રાણાજીની મુલાકાત માગો. એમને ગમે તેમ કરી કોટ તરફ રવાના કરી દ્યો, અને તેઓ કોટમાં સહીસલામત પહોંચી ન જાય ત્યાં સુધી યવનસેનાને ખાળી રાખો... કાકા... (સૌ આશ્ચર્યથી સ્તબ્ધ બની સાંભળી રહ્યા છે.) ગોરાદેવ : (વચમાં) એમ જ થશે. (કાંઈ પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાય છે. પદ્મિની વીર કાકાની અદૃશ્ય થતી મૂતિર્ તરફ જોઈ રહે છે. પછી કાંગરા પાસે જાય છે, ને લોકોને સંબોધે છે.) પદ્મિની : રજપૂતો! વિજય કરો! તમારા રાણાને મુક્ત કરી લાવો. તમે એટલું કરી લાવો! બાકી ચૌહાણ-પુત્રી પદ્મિનીને, ક્ષત્રિયકુળની મહાદેવીને કુળનું ગૌરવ સાચવતાં, પોતાનું શિયળ અસ્પૃષ્ટ રાખતાં આવડે છે. જાવ! મારા આશિષ છે! ફત્તેહ કરો! આજની રાત ઉત્સવ કરો! (બધા કાંગરા પાસે જાય છે, અને ટોળા તરફ જોઈ રહે છે. નીચેથી જય એકલંગિજી!, જય મહાદેવીનો જય! એવા અવાજો આવે છે. લોકો હર્ષમાં નાચતાકૂદતા વીખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે. બધા એ દૂર જતા ટોળાને જોઈ રહે છે.

થોડી વારે મહારાણા અને પદ્મિની ફરે છે. એમની આંખો મળે. મહારાણા આંખો ઢાળી દે છે.)