મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨૦
Revision as of 09:03, 2 February 2023 by Shnehrashmi (talk | contribs)
પદ ૨૦
ગંગાસતી
ગજવાનો લાડવો
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પૂરણ અધિકારીને ઠેરાશે. – ઝીલવો૦
ભાઈ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ,
જુઓને વિચારી તમે મનમાં;
દૃષ્ટ પદારશ નથી રે’વાનું, પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં. – ઝીલવો૦
ભાઈ રે! આ તો ગુંજાનો લાડવો, પાનબાઈ,
અહંભાવ ગયા વિના નો ખવાય;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે
જાતિ રે પણું વયું જાય. – ઝીલવો૦
ભાઈ રે! દૃષ્ટિ રાખો, ગુપત રસ ચાખો, પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
આપમાં આપ મળી જાય. – ઝીલવો૦