સ્વર્ગની નીચે મનુષ્ય/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 15:21, 6 October 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

‘સ્વર્ગેર નીચે માનુષ’ (૧૯૭૩) સુનીલ ગંગોપાધ્યાયની રમણીય અને કલાત્મક લઘુ નવલકથા છે. પુસ્તકરૂપે પ્રગટ થઈ એ પહેલાં એ બંગાળીના જાણીતા સામયિક ‘આનંદબજાર પત્રિકા’માં છપાયેલી. નવલકથાની મુખ્ય વાર્તા-રેખા પણ રસપ્રદ છે : કલકત્તાની કોઈ કંપનીનો યુવાન અને સુદૃઢ ઑફિસર રંજન અને એની સ્વરૂપવાન, મુગ્ધ-સાહસિકા પત્ની ભાસ્વતી – રંજન એને લાડમાં સતી કહે છે – બંને ટૂંકા પ્રવાસે નીકળ્યાં છે. ત્યાં એમની કાર બગડતાં એને રિપેર કરવા આપીને એ જરાક દૂરના પર્વતથી આકર્ષાઈને, બસમાં બેસીને ને પછી ચાલતાં, નદી પાર કરીને આરોહણનો આનંદ માણવા જાય છે પણ ત્યાં એકાએક વરસાદ તૂટી પડતાં અટવાઈ જાય છે. ત્યાં પ્રસેનજિત નામનો એક બંગાળી નવયુવક મળે છે – એ સાપ પકડવાનો વ્યવસાય કરતો હોય છે. એ શાલીન છે પણ ભાસ્વતી જેવી અત્યંત સુંદર સ્ત્રીને જોતાં જ એના શુષ્ક ને કંટાળાભર્યા જીવનમાં એક વ્યગ્રતાભર્યો સંચાર થાય છે ને એને પામવા એ વિહ્વળ બને છે – ભદ્ર વ્યવહાર એ છોડતો નથી પણ એનો કામના-લોભ એ ખાળી શકતો નથી. અને.... આ ત્રણ પાત્રો અને એક વિશિષ્ટ પરિસ્થિતિને ગૂંથીને લેખકે સહજ છતાં સંકુલ સંબંધરેખાઓ રચી છે. પ્રેમ, વિશ્વાસ, સંસ્કાર, કામના, આવેગ, સ્ત્રી-ત્વ – માનવસંવેદના અને સમજનું એક નવું જ રૂપ ઉપસાવે છે. કથા ખૂબ પ્રવાહી અને માર્મિક પણ છે. ભોળાભાઈ પટેલનો આ અનુવાદ ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭, ૨૦૦૨) પણ એવો જ તરલ ને પ્રવાહી છે. આરંભથી જ વાચકને આકર્ષી લેતી આ રૂપકડી કૃતિમાં પ્રવેશીએ...
– રમણ સોની