અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/પહાડો ઓગળી રહ્યા છે.

From Ekatra Wiki
Revision as of 12:33, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પહાડો ઓગળી રહ્યા છે.

ભાગ્યેશ જહા

પહાડો ઓગળી રહ્યા છે
કૅલેન્ડરમાં હાંફતાં સમયનો ૨૧ સદીનો શુકપાઠ
થીજી ગયેલી નદીઓમાં કેદ થયેલું એક કાંઠાનું ગીત
અને
પંખીની પાંખમાંથી ખરી પડેલો ખાલીપો
બધું જ કાવ્યમય લાગે છે.
ટીવી આંજીને બેઠેલાં બાળકોની સાથે
સાતતાળી રમતી લીમડાની છાયા
હાર સ્વીકારીને નાની થતી જાય છે.
દીવાલોના તૂટવાનો અવાજ,
સંબંધો ફૂટવાનો અવાજ,
આયુષ્ય ખૂટવાનો અવાજ,
આયુષ્ય છૂટવાનો અવાજ–
ભેગો થઈને ઊભો છે બારણે ‘ભિક્ષાંદેહિ’ કહીને!
નકશામાં આંગળીથી દબાઈ ગયેલા
નગરના અમે અવશેષો છીએ —
પૂરી થતી સદીનું મધ્યબિંદુ શોધવા
બીજે ન જશો,
મૌન પર્વતના સંગીતને પહેરીને અમે જ ઊતર્યાં છીએ,
પહાડને આ કાંઠે એક કાંકરી પર દિલ્લો બનાવીને બેઠા છીએ.
જુઓ,
અમારી સામે જ,
અમારે લીધે જ,
પહાડો ઓગળી રહ્યા છે.



આસ્વાદ: સંવેદનાનું શિખર પહાડ પર – રાધેશ્યામ શર્મા

કાવ્યસંચયનું નામ છે ‘પહાડ ઓગળતા રહ્યા’ અને એમાંની એક રચનાનું શીર્ષક છે ‘પહાડો ઓગળી રહ્યા છે. પહાડ એક હોય કે અનેક, પણ ઓગળતા જવાની પ્રક્રિયા સામાન્ય છે.

શીર્ષકનો વિરોધાભાસ પ્રકર્ષક છે. પહાડ તે કદી ઓગળતા પીગળતા ભાળ્યા છે, સાંભળ્યા છે? ઇતિહાસ–ભૂગોળમાં આવા માનો કે ના માનોનાં વિરલ ઉદાહરણો મળી આવે. અહીં તો ‘અમે’ એટલે કે મનુજજાતિના પ્રતિનિધિઓ સમક્ષ, એક આત્મલક્ષી અનુભવ કાવ્યરૂપ પામ્યો છે.

કૃતિ ચાર સ્તબકમાં પ્રસરી છે. પ્રથમ સ્તબકમાં ૬ લીટી, બીજામાં ૩ લીટી, ત્રીજામાં પ લીટી અને ચોથામાં ૧૦ લીટી એમ કુલ ૨૪ પંક્તિની આ ગદ્ય રચના છે.

પ્રથમ સ્તબકમાં કૅલેન્ડરસ્થિત પ્રકૃતિનાં દૃશ્યો સાથે ઉદ્ભવેલ પરિવર્તનો પર્વત, નદી અને પંખીને અનુલક્ષી પ્રવર્ત્યાં છે. બીજામાં, ટીવીના દુષ્પ્રભાવે નિસર્ગસંલગ્ન વૃક્ષના પરાજયનો અફસોસ છે.

દીવાલો, સંબંધો, આયુષ્ય, સદીના વિભિન્ન ‘અવાજ’ એકત્ર થઈને વિસર્જનના અધિષ્ઠાતા દેવ શંકરને યાચક સ્વરૂપે ખડા કરી દીધા છે – ત્રીજા સ્તબકમાં.

દટાઈ ચૂકેલા નગરના ભગ્નાવશેષો લેખે માનવસંસ્કૃતિ–જાણે પર્વતની કાંકરીધારે કિલ્લો બની, મહાડો પીગળી રહ્યાની દારુણ ઘટનામાં પોતાનું ઉત્તરદાયિત્વ સ્વીકારે એ ચોથા સ્તબકની પરાકાષ્ઠા છે.

પહાડ-પર્વતનું નિગરણ, પૂરી કૃતિને વિનષ્ટિની પ્રતીકાત્મક પ્રક્રિયાલેખે પ્રસ્તુત કરે છે, જેનું ન્યૂક્લિઅસ – મધ્યવર્તી વસ્તુ પુનરાવર્તન પામતી પંક્તિઓ છે:

– કૅલેન્ડરમાં હાંફતા સમયનો ૨૧ સદીનો શુકપાઠ’

– ‘સદીના છૂટવાનો અવાજ’

– ‘પૂરી થતી સદીનું મધ્યબિંદુ શોધવા’

‘અવાજ’ સાથેનું સકલ અનુસન્ધાન સક્ષમ પ્રાસયોજનાથી મૂર્ત થયું છે તે પ્રમાણીએ:

દીવાલોના ‘તૂટવાનો’ અવાજ, સંબંધો ‘ફૂટવાનો’ અવાજ, સદીના ‘છૂટવાનો’ અવાજ…

પ્રથમ સ્તબકથી શરૂ થયેલી નિર્ગલનયાત્રા ૨૧મી સદીના હાંફતા સમયનો શુકપાઠ, થીજી ગયેલી નદીઓમાં કેદ થયેલું એક કાંઠાનું ગીત, પંખીની પાંખમાંથી ખરી પડેલો ખાલીપો. બીજામાં, ટીવી, પ્રભાવિત શિશુવિશ્વ ભેળી હાર સ્વીકારી નાની થતી લીમડાની છાયા, ત્રીજામાં ભિક્ષા યાચતો વિભિન્ન ભગ્નાંશોનો એકત્રિત ‘અવાજ’ સુધી ટકી છે.

આ સઘળી ઇમેજરિ–ભાવકલ્પનશ્રેણી સર્જકની સૂક્ષ્મ નિરીક્ષક સંવેદનાનાં વિષયાનુરૂપ ઉદાહરણો છે. એમાંય તે આ પંક્તિ, ‘નકશામાં આંગળીથી દબાઈ ગયેલા નગરના અમે અવશેષો છીએ’ – પૂરી થતી સદીનું મધ્યબિંદુ શોધવા બીજે ના જશો’ સ્વીકૃતિનું કરુણ પેરામિટર છે.

આમ માની લઈએ ત્યાં તો બીજો વળાંક જુદો જ જાયકો દર્શાવે છે: ‘મૌન પર્વતના સંગીતને પહેરીને અમે જ ઊતર્યા છીએ, / પહાડને આ કાંઠે એક કાંકરી પર કિલ્લો બનાવીને બેઠા છીએ…’

અહીં ‘પહાડને આ કાંઠે વર્ણન પહાડ ઓગળીને નદીકાંઠો બની ગયાનો ચિતાર આપે છે! અને ત્યાં એક કાંકરી પર સુરક્ષાનો કિલ્લો બનાવી આસનસ્થ થવાનું તો કો’ક વિરલાને જ સૂઝે! નિસર્ગનું નિકન્દન કાઢવાની જવાબદારક પ્રામાણિકતા સં–વેદનાનું શિખર સંકેતે:

‘જુઓ, અમારી સામે જ અમારે લીધે જ પહાડો ઓગળી રહ્યા છે.’

ગુજરાતી સાહિત્યમાં સઘન પદાર્થ એવા પહાડના ગલનને કદાચ પ્રથમ વાર અછાંદસ શબ્દરૂપ અર્પનાર કવિશ્રી ભાગ્યેશ જહાને સલામ.

વિશેષમાં, આ કવિતા મને લૉર્ડ બાયરનના ‘માઉન્ટન’ પાસે વહી ગઈ તે વાંચીએ:

I live not in myself, but I become / Portion of that around me; and not of me / High mountains are a feeling, but the hum / of humans cities torture.

(Childe Harold’s Pilgrimage, III. ixxii)

બે જુદા જ સમય અને સ્થળના સર્જકોનું પહાડો સાથેનું તાદાત્મ્ય ભાવકો માટે રસનિમગ્નતાનો અવસર છે! (રચનાને રસ્તે)