અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/અમારા મનમાં એવું હતું કે

From Ekatra Wiki
Revision as of 08:59, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમારા મનમાં એવું હતું કે

વેણીભાઈ પુરોહિત

અમારા મનમાં એવું હતું કે
         તમને ઓરતા થાશે :
                  — કે નેણલાં ન્હાશે :
                  — વીંઝણલા વાશે
કે લાગણી ધીમું ધીમું ગાશે,
હો રસિયા! અમારા મનમાં.

અમારા મનમાં એવું હતું કે
         આવશે ઘેર હલકારો :
                  — દિવસનો તારો
                  — કે વાત — વણઝારો :
ખબરની ખારેકડી દઈ જાશે,
હો રસિયા! અમારા મનમાં.

અમારા મનમાં એવું હતું કે
         ગોઠડી કરશે ચીલા :
                  — કે રથના ખીલા,
                  — કે વનની લીલા :
કે પગલાં આઘેથી પરખાશે,
હો રસિયા! અમારા મનમાં.

અમારા મનમાં એવું હતું કે
         ડુંગરિયે પડઘા પડશે :
                  — કે સીમમાં ઢળશે,
                  — કે મેડીએ ચડશે :
કે હીંચકે જાદુઈ ઝોલાં ખાશે,
હો રસિયા! અમારા મનમાં.



આસ્વાદ: જાદુઈ ઝોલો – હરીન્દ્ર દવે

નદી કાંઠે ગાળેલા મીઠા જળના વીરડામાં ધીમી ધીમી પાણીની સરવાણી ફૂટતી જ રહે એવી નાની નાની પંક્તિઓનો ઘાટ લઈને આવેલું કાવ્ય એના લયને કારણે અને શબ્દોના અજબ ઉપયોગને કારણે નવી જ દુનિયાનો ઉઘાડ કરે છે.

આ ઓરતાની કવિતા છેઃ આમ તો કવિતાનો જન્મ જ ઓરતામાંથી થાય છેઃ ક્યારેક આપણા ઓરતાની વાત હોય, ક્યારેક સામી વ્યક્તિના ઓરતાની અપેક્ષા હોય!

પ્રિયતમાના વિરહનું આ કાવ્ય છેઃ પરણ્યો પરગામ ગયો છે. પણ ન તો વાયદા પ્રમાણે પાછો ફર્યો છે, ન એણે કાગળની ચબરખી પણ લખી છે!

પ્રિયતમા પોતાના મનનાં કમાડ ખોલે છે. કહે છેઃ અમને તો હતું કે તમને ઓરતા થશે. તમારી આંખ મારા સ્મરણથી ભીની થશે, એ ભીનાશને સ્પર્શીને આવતો શીતલ વાયુ મને પણ સ્પર્શશે. તમારા પત્રમાં હું શબ્દો નહીં વાંચતી હોઉં, લાગણી ગુંજતી હોઈશ, તમારો પત્ર સ્નેહનો વીંઝણો બનીને આવશે.

આ પત્ર કઈ રીતે આવશે એનું સ્વપ્ન પણ નાયિકાએ ઘડી રાખ્યું છેઃ દિવસે ઊગેલા તારા જેવો હલકારો (ટપાલી) પણ આ એક જ ઉપમા કવિને ઓછી પડે છે, એટલે કહે છે, આ હલકારો તો વાત-વણઝારો છેઃ વણઝારા સૂકા મેવાનો વેપાર કરતા એ વાત આજની પેઢી તો ભૂલી જવા આવી છે, પણ આ નાયિકાને હજી એનું સ્મરણ છે-એટલે જ કહે છેઃ અમને તો હતું કે આ વાતવણઝારો ખબરની ખારેકડી પહોંચાડશે.

ખારેક મીઠી હોય છે, એટલું જ નહિ, એને મમળાવવાની પણ મઝા આવે છે. પ્રિયતમાનો પત્ર વાંચીને ઘડી વાળી ક્યાંક મૂકી દેવા માટે નથી હોતો—એ ઘડી તો વારંવાર ઊઘડ્યા કરે છે. શબ્દેશબ્દને અને લીટીએ લીટીના વળાંકને પ્રિયતમા મમળાવે છે.

પત્ર ન આવ્યો તો હતું કે તમે પોતે આવશો!

પણ આ વાત કવિ સીધી રીતે નાયિકાના મુખમાં મૂકી દેતા નથી. નાયિકા તો કહે છે, અમને એમ હતું કે આ રસ્તો મૂંગોમંતર નહીં પડ્યો રહે. તમારા વિશેની વાત લાવશે, તમારા વાહનનો અવાજ સંભળાવશે. અરે, તમારાં પગલાં, જેને હું આઘેથી પણ ઓળખી જાઉં છું એ સંભળાવશે.

અને એક વાર પ્રિયતમ આવે તો પછી હેતના શિખર પર મનના મોરલાઓનો કેકા સંભળાયા વિના નહીં રહે. તમારો સ્નેહ તો સીમેથી છલંગતો આવતો હશે, અને મેડીના એકાંતમાં બે માણસ હીંચકે બેસશે ત્યારે એ કઈ અમસ્તા ઝોલા નહિ હોય. જાદુઈ ઝોલાં હશે.

અમારા મનમાં એમ કહીને નાયિકા નાયકના મનમાં કેવા ઓરતા હોવા જોઈએ એ વિશેના પોતાના ઓરતા પ્રગટ કરે છે અને લાગણીના હિંચકે લયનો કેફ અનુભવતો ભાવક પણ એકાદ જાદુઈ ઝોલાનો અનુભવ કરી લે છે. (કવિ અને કવિતા)