અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/વળતા આજ્યો
મકરન્દ દવે
માધવ, વળતા આજ્યો હો!
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!
રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો!
અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તે સ્હેશું,
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો!
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો!
(તરણાં, પૃ. ૧૪૯)
આ કવિતાનું વાચન આપણને મધ્યકાલીન કવિતાની આબોહવામાં મૂકી દે છેઃ એના ઉદ્ગારમાંનો આર્તસ્વર હૃદયને સ્પર્શી જાય છેઃ એની ભાષામાં ખાસ કરીને ‘આજ્યો’ જેવાં ક્રિયાપદોમાં રહેલી સ્વાભાવિકતા ઉદ્ગાર ને ઉત્કટતાનું પરિમાણ આપે છે.
આમ જોઈએ તો એ કૃષ્ણની વિદાયનું ગીત છે—પણ ઈશ્વર ક્યાં કદીયે કોઈની વિદાય લે છે? એક વાર પણ જો કોઈના જીવનમાં ભગવત-તત્ત્વનો પ્રવેશ થયો, તો પછી એ તો હમેશાં માટે રહેવાનું જ છે.
ગોપીઓના જીવનમાંથી સ્થૂલ રૂપે કૃષ્ણ હટી ગયાઃ માથે મોરમુગટ પહેરી જમુનાને કિનારે વાંસળી વગાડતા નંદકુવર તો આર્યાવર્તના રાજકારણમાં ગૂંથાઈ ગયા. એના મસ્તકે હવે તો રત્નજડિત રાજમુગટ પહેરાવાતો હતો. એના ધનુષ્યનો ટંકાર હવે રણક્ષેત્રોમાં સર્વત્ર ગૂંજ્યા કરતો હતો. છતાં, પેલું યમુના-તટ પરનું વેણુ-ગાન, એ તો હૃદય સાથે જડાયેલું સત્ય છે.
ભક્તના હૃદયમાં આ જ એક રૂપ વાસ કરે છેઃ કદાચ કોઈ કહે, કે તમે ગીતાના ગાયક કે, આર્યાવર્તમાં જેની હાક વાગે છે એવા યોગેશ્વર કૃષ્ણને યાદ નથી કરતા અને માખણ ચોરતા અને ગોપીઓ કહે તેમ નાચ નાચતા નટખટ બાળકને કેમ યાદ કરો છો?
ભક્તહૃદય તરત જ ઉત્તર આપે છેઃ હસે, અમે કદાચ એટલા ગમાર હોઈશું, આર્યાવર્ત પર એકચક્રી શાસન કરતા કૃષ્ણ કરતાં યે યુગયુગો સુધી લોકહૃદય પર જેનું એકચક્રી શાસન ચાલ્યું છે એ શિશુ જ અમને વધારે વહાલો છે.
ઈશ્વર જીવનમાં સ્થૂળ રૂપે આવે અને જાય, છતાં, એનો વાસ એક વાર હૃદયમંદિરમાં થયો, પછી ચિંતા કરવા જેવું હોતું નથી. પછી ભક્ત ભગવાનને શોધવા જતો નથી, પણ ભક્તના વાવડ પૂજતા ભગવાન પોતે આવે છેઃ
એટલે જ કવિ તારસ્વરે પ્રાર્થી શકે છેઃ ‘હે પ્રભુ, તમારી બધી જ પ્રવૃત્તિઓના અંતે એક વાર અમારી ખબર લેવા અચુક આવજો… તમારાં બધા જ કર્મરત જીવનની પરાકાષ્ઠાને અંતે અમે ઝંખીએ છીએ મિલન અને સાક્ષાત્કારની ક્ષણ!’ (કવિ અને કવિતા)