અભિમન્યુ આખ્યાન/કડવું ૧૭

From Ekatra Wiki
Revision as of 12:35, 2 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૧૭
[ભીમ હળધરજી પાસે મોસાળા પ્રસંગે કરવાના વ્યવહારની લાંબી યાદી લખાવડાવે છે. આ આખી જ યાદી ‘મામેરુ’માં કુંવરબાઈની વડસાસુએ કરાવેલી યાદી સાથે સામ્ય ધરાવે છે. માત્ર વિગતસામ્ય નહિ, કડવાના ઢાળનો રાગ પણ એકસરખો જ છે.]


રાગ ગોડી મલ્હાર

ભીમ કહે, ‘લખો કાગળ માંહે : એક સહસ્ર માતંગ,હળધર;
સાજ સંગાથે પાણી પંથા, પાંચ સહસ્ર તોરંગ હળધર.          ૧

રથ સુરભિ, પટકૂળ ને પામરી, ઘટે તે રોકંત હળધર;
આજ ઇન્દ્રાસન માગીએ, આપનાર શ્રીકંત, હળધર.          ૨

કૃપ, દ્રોણ ને ભીષ્મ પિતામહ, કાકાનો પરિવાર, હળધર;
વિદુર, યુધિષ્ઠિર કુંતા માતા, અમો બાંધવ ચાર, હળધર.          ૩

માતાનું મન તો વહુ મનાવશે, વસ્રાદિક ત્યાંહાં જેહ, હળધર;
રોક જોઈએ કાંઈ સોનું રૂપું, પારથને પૂછો તેહ, હળધર.          ૪

છોકલડાં લાખેક લખો, તેનો અહીં શો આંક? હળધર;
ગાય, ભેંશ તો સહુ કો આપે, જે હોય દરિદ્રી રાંક, હળધર.          ૫

કોઈ ગામ ઘટે મામેરા મધ્યે, તો હાથ ઓડે ધર્મરાય, હળધર;
શત ગામ આપવાં કરીને, નમો નરપતિને પાય, હળધર.          ૬

સો કૂડી લખો સાળુની, તો પિછોડી પામે દાસ, હળધર;
જાડાં છાયલ લાખક જોઈએ, કિંકરીઓ કરે આશ, હળધર.          ૭

ભાર કનક આપો ભગિનીને, જેણે બાંધી છે રક્ષાય, હળધર; વ્
બે ભાર આપો બુસટિયાને, જે કારજ ચાલતું થાય, હળધર.          ૮

ભૂરશી દક્ષિણા લખો બ્રાહ્મણને, મળ્યા છે વીસ સહસ્ર, હળધર;
એકેકાને સવાશેર સોનું, એક અબોટિયું વસ્ર, હળધર.          ૯

એટલું તો આશરે લખાવ્યું, જો આપશો આજ, હળધર;
લખ્યાથી અદકું કરો તે તમારા ઘરની લાજ, હળધર.          ૧૦

વલણ
લાજ વધશે તમ તણી, જો લખ્યાથી અદકું કરો રે;
હાથ નવ પહોંચે હળધરજી, તો અમારું લઈ છાબે ભરો રે.          ૧૧