ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં ડાયસ્પોરા સાહિત્ય
ગુજરાતીમાં ડાયસ્પોરા સાહિત્ય: ‘ડાયસ્પોરા’ સંજ્ઞા જેનાં મૂળિયાં બે ભૂમિમાં રોપાયેલાં છે, તેવી વ્યક્તિ કે પ્રજા માટે પ્રયોજાય છે. વળી, આ સંજ્ઞામાં એક જગ્યાએથી ઉખેડીને નવી ભૂમિમાં રોપાવાનો અર્થસંકેત રહેલો છે. આજે કાળાંતરે આ સંજ્ઞા પરિવર્તન પામીને નોકરી, વ્યવસાય, સ્વવિકાસ કે અન્ય કોઈ કારણોસર મૂળ વતન કે દેશ છોડીને પરદેશ વસેલી પ્રજા કે વ્યક્તિ માટે પ્રયોજાઈ રહી છે. મૂળમાં જે કેન્દ્રથી ચ્યુત થયાની, વતનથી વિચ્છેદ થયાની કે વેરવિખેર થયાની સ્થિતિ હતી તે આજે પ્રયોજાતી સંજ્ઞામાં અદૃશ્ય થતી જાય છે. આજે આ સંજ્ઞા બૃહદ અર્થમાં પ્રયોજવામાં આવે છે. ગુજરાતી ડાયસ્પોરા સ્વૈચ્છિક ડાયસ્પોરા છે, દેશ છોડવાનું ફરમાન કે હુકમ નથી. એટલે જ્યૂઇશ (યહૂદી) પ્રજાએ પોતાના મૂળથી ઊખડીને બીજે રોપાવાની અનુભવેલી વ્યથા કે વેદના અહીં નથી, તેમ છતાં વતન છોડતાં તેની સાથેની સ્મૃતિઓ કે ચૈતસિક નાતો અતૂટ રહે છે, તેમજ પરદેશમાં સ્થાયી થવા માટે જે સંઘર્ષ અનુભવાય છે તે ડાયસ્પોરિક બનીને ઊપસી આવે છે. સ્વદેશને છોડવાની અને પરદેશને અપનાવી ન શકવાની સ્થિતિમાંથી સર્જાતો મનોસંઘર્ષ કે મનોવેદના અને પરદેશમાં સ્થાયી થવા છતાં પોતાની મૂળભૂમિ, ભાષા કે સંસ્કૃતિની અતીતની સ્મૃતિઓને કારણે પરદેશમાં અનુભવાતો પરાયાપણાનો ભાવ જ ડાયસ્પોરાને જન્મ આપે છે. ઘણી વાર ડાયસ્પોરા નિમિત્તે ઘર-વતનનો ઝુરાપો વ્યક્ત કરાતો હોય છે પરંતુ એ ઝુરાપા પાછળનાં જવાબદાર સામાજિક-સાંસ્કૃતિક-રાજકીય કારણોની ભૂમિકા રચાવી આવશ્યક અને અનિવાર્ય છે. રશિયન ઇતિહાસકારોએ હિંદુ વેપારીની હાજરી મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં ૧૮મી સદીમાં નોંધી હતી. ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે ભારતમાંથી હજારો લોકોને વેઠિયા મજૂરીકામ માટે આફ્રિકા, સુરીનામ, જમૈકા, ગ્યુએના, મોરિશિયસ, ત્રિનિદાદ ઍન્ડ ટોબેગો, આદિનાં ખેતરોમાં ગિરમીટિયા પ્રથા હેઠળ મોકલ્યા હતા. ભારતીય ડાયસ્પોરાનાં બીજ આ ગિરમીટિયા પ્રજામાં પડેલાં છે. આ સિવાય કેટલાક લોકો પોતાની ઇચ્છાથી પરદેશ ગયા હતા, તેમાં ગુજરાતીઓ પ્રથમ પૂર્વ અને મધ્ય આફ્રિકામાં જઈને વસ્યા હતા. આફ્રિકામાંથી બ્રિટિશ સત્તાનો અંત આવતાં પછી પશ્ચિમના દેશોમાં સ્થાયી થયા. એમાં પણ ઈ.સ. ૧૯૭૦ના અરસામાં ઈદી અમીને જે રીતનો કાયદો ઘડ્યો તેના કારણે રાતોરાત ગુજરાતી પ્રજાએ પોતાનાં ઘર, કુટુંબ, માલ-સામાન, મિલકત વગેરે છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. ગુજરાતી પ્રજાએ પોતાની ઇચ્છાથી વતન છોડીને આફ્રિકામાં સ્થાયી થવાનું પસંદ કર્યું હતું પરંતુ પોતે સ્થાયી થાય ન થાય, ત્યાં તો રાજકીય કારણોસર ફરીથી સ્થળાંતર કરવાની ફરજ પડી. પોતાના વતનમાંથી આફ્રિકા તરફનું તેમનું પ્રથમ સ્થળાંતર હતું અને આફ્રિકાથી પશ્ચિમના દેશો તરફનું પ્રયાણ તેમનું દ્વિતીય સ્થળાંતર હતું. એટલે આ પ્રજા પાસે ત્રણ દેશની સંસ્કૃતિ અને ભૂમિના અનુભવો જોડાયેલાં છે. આફ્રિકામાં વસતા ગુજરાતીઓએ આરંભમાં પોતાની વસાહતોને ટકાવી રાખવા માટે જે મથામણો કરી, જે સંઘર્ષ અનુભવ્યો કે સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનો રચ્યાં તે અનુભવો ડાયસ્પોરા સાહિત્યમાં નોંધાયા નથી. આફ્રિકામાં વસવાટ કરતી અને પછીથી હિજરત કરી બ્રિટનમાં સ્થાયી થયેલ પ્રજાએ આફ્રિકામાં મેળવેલ સિદ્ધિઓ, વિકાસને કે પોતાના સ્વને ટકાવી રાખવાના જે પ્રયત્નો કર્યા, તે અનુભવો આફ્રિકાથી પશ્ચિમ તરફ આવતાં જાણે કે દબાઈ જ ગયા. તેનું સાહિત્ય અલ્પ માત્રામાં રચાયું. આ સમયગાળા દરમિયાન ઇસ્માઇલી વસાહતીઓએ સ્વાહિલી ભાષાને પોતાની માતૃભાષાની જેમ અપનાવી લીધી હતી. આવું સાહિત્યિક, ભાષાકીય અને સાંસ્કૃતિક-આદાન-પ્રદાન થયું તેના ઉલ્લેખો કશે નોંધાયા નહીં, તેમજ આપણા લોકોએ સ્થાનિક આફ્રિકન પ્રજાને ભજન ગાતી કરીને ત્યાં ભક્તિમાર્ગનો આરંભ કર્યો હતો તે બાબત પણ વણનોંધી રહી છે. આફ્રિકામાં ગુજરાતીઓએ સામાજિક સંગઠનો, ધાર્મિક અને સાંપ્રદાયિક મંડળો રચ્યાં ખરાં, પણ સાહિત્યક્ષેત્રે ખાસ કાર્ય થયું નહીં. ભાનુશંકર ઓ. વ્યાસનું ‘ધરતીના ખપ્પરમાં આભ’, ‘પ્રભાતિયાં ગાતા વૃદ્ધો’, વનુભાઈ જીવરાજનું ‘યુગાન્ડાનો હાહાકાર’ જેવાં ઐતિહાસિક દસ્તાવેજી પુસ્તકો લખાયાં તો ભાનુશંકર વ્યાસની ‘સમસ્યાનું નિરાકરણ’, ‘સૂર મિલાવટ’, ‘મિલનનાં આંસુ’ જેવી વાર્તાઓમાં આફ્રિકા નિવાસના ધબકારા પ્રગટ્યા છે. ‘ભર્યું ભર્યું એકાંત’ નેવું દિવસમાં આફ્રિકા છોડવાનું ફરમાનનું તાદૃશ આલેખન છે. બળવંત નાયકે ‘મૂંગા પડછાયા’ અને ‘વેડફાતાં જીવતર’ જેવી નવલકથાઓમાં પોતાના આફ્રિકન વસવાટના અનુભવોને આકારિત કર્યા છે. આફ્રિકામાંથી નિસ્કાસિત થયેલા મોટાભાગના ગુજરાતી સર્જકોએ બ્રિટન સ્થાયી થયા બાદ સર્જન કર્યું છે. એટલે ગુજરાતી ડાયસ્પોરાના બ્રિટિશ અને અમેરિકન એમ મુખ્ય બે પ્રવાહ રહ્યા છે. અદમ ટંકારવીએ ગુજલિશ ગઝલોમાં ગુજરાતી-અંગ્રેજી મિશ્રિત ભાષા દ્વારા બ્રિટન અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને પ્રગટાવ્યો છે. અમેરિકા પ્રવાસના પરિણામે તેમની પાસેથી મળતી અમેરિકન સંસ્કૃતિ અંગેની રચનાઓમાં લોકશાહીના નામે સત્તાની જોહુકમી, તેની છળકપટ, ભોગવિલાસની વૈભવી સંસ્કૃતિ અને તેની અસલિયત અંગેનું માર્મિક પણ નિર્ભીક બયાન છે. તેમની રચનાઓમાં પરદેશી સંસ્કૃતિમાં દેખાતી અનિશ્ચિતતા કે પરાયાપણાનો ભાવ ડાયસ્પોરા કવિતામાં નવીન આયામ સર્જે છે. અહમદ ‘ગુલ’ની કવિતાઓમાંથી ઊપસતો બે સંસ્કૃતિ વચ્ચેનો તીવ્ર વિરોધ નોંધપાત્ર બન્યો છે. ‘બ્રિટનને’ કાવ્યમાં એક વૃક્ષની જેમ પોતાની સ્વ-ભૂમિમાંથી ઉખેડીને પરદેશી ભૂમિ પર રોપાઈ, વિકસીને ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યાની સુખદ લાગણી અનુભવવા છતાં, સતત રહેતી પોતાના નિજના માળાની શોધનો વસવસો અને ‘કેરીની સફર’માં પશ્ચિમી સંસ્કૃતિની ઉપયોગિતાવાદની માનસિકતા આલેખાઈ છે. તો ‘મા’ રચનામાં પરદેશમાં સાલતો અભાવ, પરદેશી સભ્યતા — સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો અને કાવ્યમાંથી ઊપસતું તળગુજરાતનું ચિત્ર ડાયસ્પોરાના ભાવને વ્યંજનાસભર બનાવે છે. જગદીશ દવેના ‘ઠંડો સૂરજ’ સંગ્રહમાં પ્રગટ થતું બ્રિટનનું ભાવવિશ્વ, વાતાવરણ તેમજ પરદેશી સમાજ અને ગુજરાતી સમાજ વચ્ચેની ભિન્નતા દ્વારા સાંસ્કૃતિક ભેદને વાચા મળી છે. ‘અહંગરો’, ‘રેનબસેરા’ અને ‘ઘરઝુરાપો’ જેવા કાવ્યસંગ્રહો આપનાર પંકજ વોરાની ‘હોમકમિંગ’માં પરદેશથી ભારત પાછા ફરતાં પોતાકીપણું અનુભવાશે કે કેમ તેવો પ્રશ્ન ડાયસ્પોરા પ્રજાની મૂળભૂત વ્યથા-પીડાને વાચા આપનાર બની રહે છે. ‘અપનું પરાયું લંડન’માં પરદેશને પોતાનું બનાવ્યા પછી પણ ભીતરથી અનુભવાતો પરાયાપણાનો ભાવ આલેખાયો છે. ભારતી વોરા પાસેથી મળતી રચનાઓ ડાયસ્પોરા અને નારીસંવેદના એમ બેવડી ભૂમિકા ધરાવે છે. પરદેશમાં રહીને પણ પોતાની મૂળ ઓળખ ટકાવી રાખવા મથતી ભારતીય નારીની ભાવસભર સંવેદનાનું સુંદર ચિત્ર ‘વિશ્વનિવાસી ગુર્જરી નારી’, ‘પરવાસી ગુજરાતણ’ જેવી રચનાઓમાં વ્યક્ત થાય છે. ભારત-આફ્રિકા અને ઇંગ્લૅન્ડ એમ ત્રણ ભૂમિ વચ્ચે પોતાની જાતને મૂકતી આ કવયિત્રીની કવિતામાં પડઘાતી વેદના અને ત્રિશંકુ અવસ્થાનો ચિતાર દ્વિસ્તરીય સ્થાનાંતરિત ડાયસ્પોરાનો સંદર્ભ રચે છે. ‘અવાજને ઓશીકે’ અને ‘અધખુલ્લી બારી’ જેવા કાવ્યસંગ્રહો આપનાર અરવિંદ જોશીની કવિતાઓમાં એકલવાયાપણાનો ભાવ અને પરદેશમાં લુપ્ત થતી ગુજરાતી સંસ્કૃતિનું ચિત્ર સાંપડે છે. યોગેશ પટેલ પાસેથી ‘અહીં’ સંગ્રહ મળે છે. તેમની ‘બાકસ’, ‘આશાવાદ’, ‘ખાંભી’ જેવી રચનાઓ, બેદાર લાજપુરીની ‘પરદેશ’, ફારૂખ ઘાંચીની ‘ચાસ’, ‘સમય’, ‘પ્રતીક્ષા’, ‘અભાવ’, ‘સાલું શહેર’ ઉપરાંત કેટલાક સર્જકોની રચનાઓમાં વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ નોંધપાત્ર બન્યો છે. ડાહ્યાભાઈ પટેલ અને વલ્લભ નાંઢા પાસેથી મળતી વાર્તાઓ ડાયસ્પોરા સંદર્ભે વધુ નોંધપાત્ર છે. બ્રિટનની તુલનાએ અમેરિકામાં રચાતા સાહિત્યમાં અમેરિકન સમાજ અને સંસ્કૃતિનું ચિત્ર વિશેષ ઊપસી આવે છે. આદિલ મન્સૂરીની ગઝલો, પન્ના નાયકની વાર્તા અને કવિતાઓ, નટવર ગાંધીની સૉનેટરચનાઓ, પ્રીતિ સેનગુપ્તાની કવિતાઓ અને નિબંધો ઉપરાંત બાબુ સુથાર, ભરત ત્રિવેદી ઉપરાંત પ્રીતમ લખલાણી, ઘનશ્યામ ઠક્કર, સુધીર પટેલ, મધુમતી મહેતા, રાહુલ શુક્લ, જયશ્રી મરચંટ, આદિ કવિઓ ગુજરાતી કવિતામાં પોતાની કલમ ચલાવી રહ્યા છે. પન્ના નાયકની કવિતામાં નારીની વિવિધ સંવેદના, તેની સમસ્યાઓ, સ્ત્રી-પુરુષના સંબંધો અનેતેની બીજી બાજુ પરદેશમાં એકલવાયાપણાનો, સ્વજનહીનતાનો, વતનથી દૂર હોવાની વ્યથા-પીડાનો સૂર પ્રગટ્યો છે. અમેરિકા વસવાટના પરિણામે ત્યાંની સંસ્કૃતિ, સમાજના સંદર્ભો અને તેમાં દેખાતો વિરોધ, પરાયાપણું, વતનઝુરાપો આદિના સૂક્ષ્મતમ સંકેતો કાવ્યાત્મક રીતે પ્રગટ્યા છે. મનીષા જોશીની કવિતામાં સ્ત્રીનાં પીડા અને વિદ્રોહનાં સંવેદન વિભિન્ન સાંસ્કૃતિક સંદર્ભના સંકેતો સાથે આલેખાય છે. બાબુ સુથારની કવિતામાં તળચેતનાના સૂક્ષ્મ સંકેતોની સાથે ઇતિહાસ, દંતકથા, લોકકથા, ગ્રામીણ પરિવેશના વિવિધ સંદર્ભોની બીજી બાજુ પરંપરાનું એક નવું અર્થજગત-ભાવજગત દૃષ્ટિગોચર થાય છે. તેમની કવિતામાં વતન-ગામ-ખેતર-સીમ-વગડો વગેરેનાં સાહચર્યો અતીતની સૃષ્ટિ સાથે વાસ્તવ જગતના સંદર્ભોથી સંયોજાઈને સાંકેતિક રીતે ડાયસ્પોરાનો ભાવ રચે છે. આદિલની રચનાઓમાં વ્યક્ત થતું ડાયસ્પોરિક સંવેદન વતનવિચ્છેદની વ્યથા-પીડાની સાથે-સાથે અમેરિકન સંસ્કૃતિની કાળી-ઊજળી બાજુઓ વ્યક્ત થઈ છે. ‘ભારે બરફવર્ષામાં’, ન્યૂયૉર્કનો નાભિશ્વાસ ચાલે છે’, ‘ચાર અેમરિકા કાવ્યો’ તથા ‘અમેરિકા...અમેરિકા’ જેવી રચનાઓમાં અમેરિકાના મિજાજ તેની રંગીનતા અને વૈશ્વિકતાના પરિચયની સાથે સાથે તેનાં અમાનવીય કૃત્યો, ભૌતિક સંસ્કૃતિ અને ચારે બાજુ થતા માર્કેટિંગ અંગેનું ચિત્ર સાંપડે છે. ‘વિશ્વનું રાહબર અમેરિકા’માં સમગ્ર વિશ્વ પર લાલ આંખ કરતું અમેરિકા તેની દશા-અવદશા અને એનાથી થતી વિશ્વની બૂરી દશાનો નિર્દેશ સાંપડે છે. વાર્તાક્ષેત્રે નીલમ દોશી, પન્ના નાયક સારાં પરિણામ સિદ્ધ કરી રહ્યાં છે. ડાયસ્પોરા સાહિત્યને વેગ આપવામાં બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ‘અસ્મિતા’, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નૉર્થ અમેરિકાનું મુખપત્ર ‘દેશ-વિદેશ’, ‘ઓપીનિયન’, પાકિસ્તાનનું ‘વતન ગુજરાતી’ અને ‘ડોન’, ઑસ્ટ્રેલિયાનું ‘માતૃભાષા’, લંડનનું ‘ગુજરાત સમાચાર’ અમેરિકન ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ આદિ સંસ્થાઓનાં મુખપત્રો, સામયિકો અને દૈનિકોએ મોટી ભૂમિકા ભજવી છે. ર. ચૌ.