ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં ગ્રન્થાવલોકન પ્રવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતીમાં ગ્રંથાવલોકન પ્રવૃત્તિ: ગ્રંથાવલોકન એ સાહિત્ય પ્રવૃત્તિનું જીવંત અંગ છે. ઉત્તમ સર્જકોની કે સાહિત્યક્ષેત્રમાં પ્રવેશવા ઇચ્છુક નવસર્જકોની કૃતિ સમીક્ષાઓથી એક વાતાવરણ બંધાતુ હોય છે. સમર્થ કૃતિની સમર્થ હાથે થયેલી સમીક્ષા કૃતિ વાંચ્યા જેટલો આનંદ આપનારી નીવડતી હોય છે. ગ્રંથાવલોકન, ગ્રંથસમીક્ષા, પુસ્તક પરિચયમાંથી પરીક્ષણ, સારસંગ્રહ, અભિપ્રાયદર્શન, વિશ્લેષણ જેવા વિવિધ અર્થો આપણે તારવીએ છીએ પણ એમાં ગ્રંથને ફરીફરીને જોવો, પુસ્તકનું સઘન વાચન કરીને એનાં રસસ્થાનો અને ગુણદોષોને માર્મિક રીતિએ ચીંધી આપવાં એ કેન્દ્રમાં છે. વિવેચન લેખ જેવી જેમાં શાસ્ત્રીયતા ન હોય પણ સાહિત્યિક કૃતિની ગુણવત્તા જે પ્રસ્થાપિત કરી આપે એવું મૂલ્યાંકન જેમાં હોય એને આપણે ગ્રંથાવલોકનની ઓળખ આપી છે. પુસ્તકનું સ્વરૂપ, સમકાલીન સાહિત્યિક સંદર્ભો અને સમીક્ષકની સજ્જતા ઉપરાંત એને મળતી જગા ગ્રંથાવલોકનના રૂપને આકાર આપતી હોય છે. કોઈ સંવાદથી, પત્રરૂપે, કોઈ લેખકના જીવન-પરિચયથી, કોઈ વળી એમણે લખેલી નોંધપાત્ર કૃતિઓનું સ્મરણ કરીને ગ્રંથાવલોકન કરે છે. આમ ગુજરાતીમાં ગ્રંથાવલોકનના વૈવિધ્યપૂર્ણ નમૂનાઓ ગ્રંથાવલોકનની વિશિષ્ટ ભાતનો સંકેત રચે છે. સમકાલીન સાહિત્યના સર્જનમાં, આસ્વાદનમાં, મૂલ્યાંકનમાં, પ્રકાશનમાં, સંશોધન અને સંપાદનમાં તેમ ભાષાના વિકાસમાં આપણી ગ્રંથાવલોકન પ્રવૃત્તિનો મહત્ત્વનો હિસ્સો છે. ગ્રંથસમીક્ષાનું પ્રકાશન સાહિત્યિક પત્રકારત્વ વિના અશક્ય છે. દૈનિકો, પાક્ષિકો અને માસિકોમાં ગ્રંથસમીક્ષાનો વિભાગ રાખવામાં આવે છે. પુસ્તક પરિચય, નવાં પુસ્તકો, મિતાક્ષરી મતદર્શન, પરિચાયિકા જેવાં શીર્ષકો હેઠળ મર્યાદિત જગામાં, એક કે વધારે સમીક્ષકો દ્વારા ગ્રંથ સમીક્ષાતા હોય છે. વધુ ને વધુ પુસ્તકોની સમીક્ષા આપી શકાય એ માટે પત્રકારત્વ સમીક્ષાઓને શબ્દોથી નિયંત્રિત કરતું હોય છે. સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થતી સમીક્ષાઓ મોટાભાગે સાહિત્યિક ગુણવત્તા ધરાવતી હોય છે જ્યારે અખબારોમાં શાસ્ત્રીયતાને ગાળી નાખી સામાન્ય વાચકના દૃષ્ટિબિંદુને સામે રખાતું હોય છે. ગુજરાતી ભાષામાં ગ્રંથોને અવલોકવાની પરંપરા સુધારકયુગના પત્રકારત્વ સાથે આરંભાઈ છે. ‘મુંબઈ સમાચાર’ અખબારનું પ્રકાશન શરૂ થયું એ સમયગાળામાં જ સાહિત્યિક સંસ્થાઓએ જોશભેર જુદાજુદા ગ્રંથો પર ચર્ચા કરવાનું આરંભી દીધું હતું. સાહિત્યિક સામયિકોના પગરણ શરૂ થતાં એમણે આ દિશામાં માતબર કામ કરવા માંડ્યું. ઇચ્છારામ દેસાઈએ ‘ગુજરાતી’ પત્રમાં જૂનાં કાવ્યોનું સંશોધન અને પ્રકાશન હાથ ધર્યું. ‘ગુજરાતી’નો ભાષાશુદ્ધિનો આગ્રહ જેમ એની ઓળખ હતી તેમ બૃહદ કાવ્યદોહનના આઠ ભાગની સામગ્રીની ચર્ચા ‘ગુજરાતી’નાં પાને ઝીલાયેલી છે. ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં ચુનીલાલ વ. શાહે સાહિત્યપ્રિય સંજ્ઞાથી ગ્રંથસમીક્ષા કરીને સાહિત્ય અને પત્રકારત્વની મહત્ત્વપૂર્ણ સેવા કરી છે. ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક દ્વારા ‘નવો ફાલ શીર્ષક હેઠળ મુનિકુમાર ભટ્ટ અને બીજા લેખકો ગ્રંથસમીક્ષા કરતાં હતા. કકલભાઈ કોઠારી અને ઝવેરચંદ મેઘાણીના સંપાદનગાળામાં ‘ફૂલછાબ’માં સાહિત્યની દુનિયા નામે પ્રગટ થતાં વિભાગના લેખક તરીકે નિજમનું નામ અપાતું. આ નિજમ એટલે નિરંજન વર્મા, જયમલ્લ પરમાર અને મગનભાઈ સતીકુમાર. ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘દિવ્યભાસ્કર’ અને સુરતનાં ‘ગુજરાત મિત્ર’ જેવાં અખબારોમાં આજે પણ કેટલાક અંશે આ સાહિત્યસંસ્કારો જળવાઈ રહ્યા છે. વાચનના આનંદને વહેંચવામાં અને વિવિધ વિષયોમાં રસરુચિ ધરાવતા વાચકોને ગ્રંથોનો પરિચય પૂરો પાડવામાં આવી સમીક્ષાઓ નિમિત્ત બનતી હોય છે. વિષયવૈવિધ્યને, વાચકોના મિજાજને પણ પારખતા રહેવો પડે છે. પ્રયોગશીલ રીતિએ કે વિશદતાથી સમીક્ષા કરવાને બદલે સમીક્ષક રોચક શૈલીને અહીં અજમાવતો જોવા મળે છે. એના લીધે એ સરળતા ક્યારેક રંગદર્શી શૈલીમાં જઈને ઠરે છે. કેટલીકવાર સમીક્ષાઓ ઉભડક કે માહિતીલક્ષી બની જાય છે. તેની પાછળ લોકરુચિ જ કામ કરતી દેખાશે. અખબારોમાં પ્રકાશિત સમીક્ષાઓ લોકભોગ્ય વિવેચનને પુરસ્કારતી હોવાનું વલણ છતાં સરળ પરિભાષા, લાઘવ અને બહોળા પ્રસારનાં એમાં લાભ પડેલા છે. આપણી ભાષામાં ગ્રંથાવલોકન કર્યું ન હોય એવા ભાગ્યે જ કોઈ વિદ્વાનો આપણને મળવાના. સુધારકયુગથી લગભગ તમામ સર્જકો-વિવેચકોએ પ્રત્યક્ષ વિવેચનને પોતાનો ધર્મ માન્યો છે. કેવળ ગ્રંથાવલોકન આપતા પુસ્તકોનું પ્રકાશન પણ આપણે ત્યાં માતબર સંખ્યામાં મળે છે. સાહિત્યની સંસ્થાઓ પુસ્તકપરિચયનાં વ્યાખ્યાનો યોજે કે આકાશવાણી અને દૂરદર્શનમાં પુસ્તકપરિચય વિભાગ અંતર્ગત એકથી વધારે કૃતિઓની ચર્ચા ઝીલાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓએ સાહિત્યિક કાર્યક્રમોમાં ગ્રંથાવલોકનો-સરવૈયાને પણ એટલું જ પ્રાધાન્ય આપેલું છે. સાહિત્ય સામયિકોનાં વિશેષાંકો પર જો નજર નાખીએ તો વિસ્ફારિત થઈ જવાય એટલા ને એવા વૈવિધ્યપૂર્ણ વિશેષાંકો મળ્યા છે જેમકે ‘એતદ્’ના ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’, ‘ગ્રંથના વિશેષાંકો ‘આજનું ‘ગુજરાતી સાહિત્ય’, વાર્ષિક સમીક્ષા, ‘જીવનમાધુરી’નો વાર્તા-નવલકથા વિશેષાંક, ‘પરબ’ના દાયકાની સમીક્ષા કરતા વિશેષાંકો અને ગ્રંથાવલોકન તથા ‘પ્રત્યક્ષ’નો ‘ગ્રંથસમીક્ષા વિશેષાંક’ (૧૯૯૮) તરત સ્મરણમાં આવશે. ‘ગુજરાતી સાહિત્યસભા’એ છેક સને ૧૯૨૯થી વાર્ષિક સમીક્ષાની પરંપરાને જીવંત રાખી હતી. વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા ગુજરાતી ગ્રંથો નિયત થયેલા એક ગુજરાતી સાહિત્યના વિદ્વાનને મોકલાય અને એના હાથે તમામ ગ્રંથોની સમીક્ષા થાય. આવી ગ્રંથાવલોકનની પરંપરા આપણા સાહિત્ય વાતાવરણને સૂચિત કરનારી છે. ગુજરાતી સાહિત્યમાં ગ્રંથાવલોકનનો આરંભ ગદ્યસાહિત્યના આરંભ સાથે જ થયો છે. ‘બુદ્ધિપ્રકાશ’ને કારણે દલપતરામને, ‘ડાંડિયો’ને લીધે નર્મદને તેમ શાળાપત્રને લીધે નવલરામને ગ્રંથાવલોકનની પ્રવૃત્તિ હાથ ધરવાની થઈ. પુસ્તક પરિચય, વિશેષ મુદ્રા ધરાવતા અવલોકનોથી માંડીને કડવી ટીકાઓ થતી. આત્મલક્ષી વાતોને પણ ન ચૂકતી આ સમીક્ષાઓ આજે તો તદ્દન પ્રાથમિક લાગવા સંભવ છે. પણ જેવાં નવલરામનાં ગ્રંથાવલોકનો આવવા માંડ્યાં કે ગુજરાતી સાહિત્યની સમીક્ષાઓમાં એક જાતની પ્રૌઢિ, પરિપક્વતા અને સમતોલ સમીક્ષાઓનો યુગ આરંભાયો. નવલરામની આવી સમીક્ષાઓને કારણે વિવેચક તરીકેની પ્રતિષ્ઠા બંધાઈ. નવલરામના ગ્રંથાવલોકનો અંગેનાં યાદગાર વિધાનો પણ એમના આ પ્રવૃત્તિના જીવંત રસને પ્રગટ કરી આપનારાં છે. પંડિતયુગના સર્જકોએ ભારતીય કાવ્યશાસ્ત્રની સાથે પાશ્ચાત્યદૃષ્ટિનો સમાવેશ કરીને ઉત્તમ અવલોકનો આપ્યા હતા. ‘પ્રિયંવદા અને સુદર્શન’, ‘જ્ઞાનસુધા’, ‘સમાલોચક’ અને ‘વસંત’ જેવાં સામયિકોમાં સૂક્ષ્મ રસદૃષ્ટિ અને સહૃદયતાથી ગ્રંથાવલોકનનું ધોરણ ઊભું થવા પામ્યું હતું. અહીં ‘સિદ્ધાંતસાર, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ જેવા પુસ્તકોની પણ આકરી સમીક્ષા જોવા મળશે જે વાદવિવાદમાં રહેલા રસને ચીંધે છે. સાહિત્યમાં પ્રવેશેલા નવીન પ્રવાહોનું આકલન રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય જેવા વિવેચકોએ સામયિકો દ્વારા જ કર્યું હતું. વિજયરાયે ‘ચેતન’, ‘ગુજરાત’, ‘કૌમુદી’ અને ‘માનસી’ જેવાં સામયિકોમાં પુસ્તક પરિચયને નવો ઘાટ આપ્યો છે. પાંચસોએક શબ્દોમાં, હજારેક શબ્દોમાં એમની ગ્રંથાવલોકન કરવાની પદ્ધતિ એ સમયે વાચકોમાં ચર્ચાનો વિષય હતી. ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં તેમ અન્ય સામયિકોમાં કલાપરકતાથી ગ્રંથાવલોકન કર્યા છે. સંસ્કૃતિમાં સ્વાધ્યાય અને સમીક્ષા જેવા ખાસ વિભાગમાં જુદાજુદા સ્વરૂપની કૃતિઓનું અવલોકન થયું છે. જેમાં કુલ ૨૨૧ કૃતિઓની સમીક્ષા થઈ છે. આમાં નગીનદાસ પારેખની ‘ગ્રંથકીટ’ ઉપનામને સાર્થક કરતી સમીક્ષાઓ ઘણી નોંધપાત્ર છે. આધુનિક અને અનુઆધુનિક સમયગાળામાં અસંખ્ય સામયિકો પ્રકાશિત થયાં. એ સામયિકોના વેગવાન પ્રવાહને લીધે ગ્રંથાવલોકનોને હવે પૂરતી જગા મળતી થઈ છે. તે છતાં અત્યંત મહત્ત્વના ગ્રંથો પણ સંપાદકો ચૂકી જતાં હોય એવું બને છે. ગ્રંથાવલોકનો માટે યોગ્ય સમીક્ષકો મળતા ન હોવાની બૂમ પણ સંભળાય છે. જો કોઈ સમીક્ષક મહત્ત્વના ગ્રંથની સમીક્ષા કરવા રાજી ન થાય તો ખુદ સંપાદકે એવી સમીક્ષાઓ કરવી જોઈએ એવું આપણે ચર્ચામાં સાંભળીએ છીએ ‘કલમ અને કિતાબ’ વિભાગ અંતર્ગત મેઘાણીએ અને કૃષ્ણવીર દીક્ષિતે કરેલી ગ્રંથાવલોકન સેવાને અહીં યાદ કરવી જોઈએ. આવી નિયમિત ગ્રંથાવલોકનપ્રવૃત્તિ જ પ્રજાની ગ્રંથરુચિને વિકસાવતી હોય છે. સુરેશ જોષીએ લોકસત્તા-જનસત્તામાં ‘નવાં કલેવર’ અને ‘માનવીનાં મન’ શીર્ષક હેઠળ કૃતિઓની સમીક્ષા કરેલી છે. આજના ગણમાન્ય અનેક વિદ્વાનોએ પણ અવલોકન લેખનને તાલીમનો ભાગ ગણીને એમાં પોતાનું બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. ગ્રંથસમીક્ષાના ક્ષેત્રે ‘ગ્રંથ’ (સંપાદક યશવંત દોશી) અને ‘પ્રત્યક્ષ’ (સંપાદક રમણ સોની)નું પ્રદાન સીમાચિહ્નરૂપ છે. સુષ્ઠુસુષ્ઠુ નહીં પણ પુસ્તકનાં મર્મને ખોલી આપનારી નિર્ભીક સમીક્ષાઓ સૂઝથી ને પ્રેમાગ્રહથી મેળવી છે. અઢી દાયકા જેવા લાંબા સમય સુધી તટસ્થતાથી અને વૈવિધ્યપૂર્ણ રીતે સમીક્ષાઓ મેળવવી, ખ્યાત વિદ્વાનોને તેમ નવોદિતોને કેળવીને જુદાજુદા વિભાગો અંતર્ગત એને પ્રકાશિત કરવાનું કામ આ બંને સામયિકોનો વિશેષ છે. આવાં સામયિકો નવસમીક્ષકોની એક હરોળ ઊભી કરવાનો યત્ન કરતાં હોય છે. લાગ્યું એવું લખવું-ની ટેકવાળા અભ્યાસીઓને એ મંચ આપે છે. પરિણામે ગ્રંથસમીક્ષાનું એક ધોરણ ઊભું થવા પામે છે. આ બંને સામયિકોના સક્રિય સંપાદકોએ આપેલા ગ્રંથસમીક્ષાના વિશેષાંકો સાહિત્યમાં અનિવાર્ય એવી સમીક્ષાની તાલીમની ચિંતાને કારણે જન્મેલા છે. આ બંને સામયિકોએ સરસ્વતીચંદ્ર જેવી કૃતિને માટે ત્રૈમાસિકની અનિવાર્યતા જોતાં નવલરામને સાર્થક અંજલિ આપી છે એમ કહી શકાય. કોઈની ટીકા ન કરવી, ન ગમે તો મૂંગા રહેવું જેવાં વલણો ગ્રંથસમીક્ષા પ્રવૃત્તિની મર્યાદા છે. સમકાલીનો વિશે લખવામાં પાર વિનાના જોખમો પણ છે. સમીક્ષાઓને ઉદારતાથી લેવાવી જોઈએ. દ્વેષી અને મૈત્રીપૂર્ણ, કશું ન કહેતી ગોળગોળ સમીક્ષાઓનો પ્રવાહ પણ ધોધમાર વરસી રહ્યો છે. સમીક્ષકોની ઉદાસીનતા, પ્રકાશકોનું પુસ્તકો ન મોકલવાનું વ્યવસાયી વલણ, નાની અમથી ટીકાથી ઊકળી ઊઠતાં આળાં લેખકો અને પુસ્તકોનાં જંગી પ્રકાશનો જેવા વિવિધ પ્રશ્નો વચ્ચે ગ્રંથસમીક્ષાની સ્થિતિ નાજુક જરૂર છે પણ સાવ નિરાશાજનક નથી. સમયે સમયે યાદગાર ગ્રંથસમીક્ષાઓ અને એ લખનારા સમીક્ષકો ગુજરાતી સાહિત્યને મળતા રહ્યા છે. કિ. વ્યા.