ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાલરડું

From Ekatra Wiki
Revision as of 09:05, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હાલરડું(Lullaby) : બાળકને સુવાડવા માટે પારણું કે ઘોડિયું ઝુલાવતાં ઝુલાવતાં કે ખોળામાં લઈને બાળકને થાબડતાં થાબડતાં ગવાતું ગીત. બાળક નિદ્રાવશ થાય એ માટે એવાં ગીતોમાં સહજ પ્રાસરચના, મધુર લયલહેકો, તેમજ અમુક પ્રકારનું ગાન અપેક્ષિત છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતાં હાલરડાંને કારણે બાળકનું ધ્યાન અહીંતહીં જતું નથી તેમજ બાળકને ધરપત રહે છે કે એ એકલું નથી અને તેથી એ ભયભીત થતું નથી. તાલયુક્ત ધ્વનિ બાળકનાં મનશરીરને સુખ પહોંચાડે છે. હાલરડાં લોકગીતનું એક અંગ છે. માતા દ્વારા ગવાતાં કે ભાઈને પોઢાડવા બહેન દ્વારા ગવાતાં હાલરડાંઓ કે વૈષ્ણવ દેવમંદિરોમાં બાલકૃષ્ણ માટેનાં હાલરડાં પ્રચલિત છે. જુદી જુદી જ્ઞાતિઓમાં અને પ્રદેશોમાં જુદે જુદે સ્વરૂપે હાલરડાં મળે છે. ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું’, પ્રખ્યાત શૌર્યપ્રેરક હાલરડું છે. ચં.ટો.