ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરાંત સંપ્રદાય
નિરાંત સંપ્રદાય : મરાઠાકાળમાં (સત્તરમી અને અઢારમી સદી) હિન્દુ-મુસ્લિમ અને તેની અનેકવિધ શાખાઓ એક બીજાના સંપર્કમાં આવતી હતી અને તેમાંથી નાનાવિધ અસંખ્ય ધર્મસંપ્રદાયો નાનામોટા વર્તુલમાં જે તે પ્રદેશખંડોમાં પોતાનાં ગાદી તકિયા સ્થાપીને કાર્યરત બન્યા હતા. આવા સંપ્રદાયોમાં દક્ષિણ ગુજરાતનો નિરાંત સંપ્રદાય ખાસ તો એની કવિ પરંપરાથી જાણીતો છે. નિરાંત સંપ્રદાયની સ્થાપના કરનાર નિરાંત મહારાજ (૧૭૪૭-૧૮૫૨). મૂળનામ હરિદાસ કે હરિસિંહ, ભરુચ જિલ્લાના હેથાણ ગામના હરિદાસ હિન્દુ-મુસ્લિમ બન્ને ધર્મગુરુઓના પરિચયમાં આવેલા જણાય છે. ખાસ કરીને વૈષ્ણવભક્તિ અને સૂફીધારાની ચિસ્તીશાખાના પ્રભાવથી ‘નિરાંતપદ’ની પ્રાપ્તિ થાય છે અને ‘નિરાંત’ ઉપનામથી ગુરુપદ તથા સાહિત્યસર્જન આરંભે છે. કહે છે કે નિરાંત મહારાજ સંપ્રદાય સ્થાપવાની વિરુદ્ધમાં હતા પરંતુ જ્ઞાન અને ભક્તિની જાળવણી અર્થે કુલ સોળ શિષ્યોને જુદાજુદા સ્થળે ગાદી સ્થાપવાનો આદેશ આપી નિવૃત્તિમાર્ગનો ઉપદેશ આપ્યો. આ સોળ શિષ્યોમાં બાપુસાહેબ ગાયકવાડ જેવા કવિ અને વણારશીમા જેવાં સ્ત્રીરત્ન પણ છે, જે સહુએ પોતપોતાની રીતે પદરચના કરેલી છે. નિરાંત સંપ્રદાય ભક્તિને મહત્ત્વ આપતો હોવા છતાંય જ્ઞાનનું પ્રાધાન્ય સ્વીકારે છે. અને નિવૃત્તિમાર્ગી આચારવિચાર ધરાવે છે. ગાદીસ્થાને ગુરુની ચાખડી અને માળાની પૂજા-આરતી થાય છે. નામનું મહત્ત્વ અને નિરભિમાની જીવનવહેવાર આ સંપ્રદાયનું મૂળ ધ્યેય મનાય છે. ન.પ.