ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃંદગીત
Revision as of 12:18, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વૃંદગીત(Chorus) : પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક ઉત્સવો દરમ્યાન નૃત્ય, સંગીત રજૂ કરતી મંડળી માટે આ સંજ્ઞા પ્રયોજાતી. નાટકના વિકાસ સાથે તેનું મહત્ત્વ ઓછું થતું ગયું. ઇસ્કિલસનાં નાટકમાં ‘કોરસ’ નાટકની ઘટનામાં ભાગ લેતું, સાફોકલીઝનાં નાટકોમાં તેનો ઉપયોગ નાટકની ક્રિયા(Action) વિશે વિવેચન રજૂ કરવામાં થતો. યુરિપિડીઝે તેમાં ઊર્મિતત્ત્વનો વિનિયોગ કર્યો. શેક્સ્પીયરે તેને પાત્રવિશેષનું સ્થાન આપ્યું. આધુનિક નાટકોમાં આ પ્રવિધિનો વિનિયોગ જવલ્લે જ થાય છે. શેક્સ્પીયર અને મિલ્ટન પછી એલિયેટનાં પદ્યનાટકોમાં વિશેષ રૂપે આનો વિનિયોગ કર્યો છે.
પ.ના.