ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યભિચારી ભાવ

From Ekatra Wiki
Revision as of 12:23, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યભિચારી ભાવ : ભરતના રસસૂત્રમાં નિર્દેશાયેલો રસનિષ્પત્તિનો એક ઘટક. વ્યભિચારી ભાવ રસને સહાયક કે ઉપકારક છે. અહીં મનની ક્ષણિક સ્થિતિ કે અસ્થિર ચિત્તવૃત્તિનો સંદર્ભ છે. સ્થાયીભાવને રસાવસ્થા સુધી પહોંચાડવામાં એની કામગીરી છે. પરંતુ એની વિશેષતા અસ્થિર રહેવામાં છે. સ્થાયીભાવની જેમ આ ભાવ રસસિદ્ધિ સુધી સ્થિર રહેતા નથી પરંતુ વિશેષ સ્થિતિમાં ઉત્પન્ન થઈ, પ્રયોજન સિદ્ધ કરીને લુપ્ત થઈ જાય છે. સંસ્કૃત આચાર્યોએ એમની સરખામણી સમુદ્રની લહેરો સાથે કરી છે. સ્થાયીભાવની અંતર્ગત આવિર્ભૂત થઈ, એમાં તિરોહિત થતાં આ ભાવો સ્થાયીભાવને પુષ્ટિ આપે છે. વ્યભિચારી ભાવો રસના સંદર્ભમાં અન્ય વસ્તુઓની અભિમુખ સંચરણ કરે છે તેથી એને સંચારીભાવો પણ કહેવામાં આવે છે. આમ તો વ્યભિચારી ભાવ અગણિત હોઈ શકે પરંતુ સંસ્કૃત આચાર્યોએ શાસ્ત્રચર્ચાની સુગમતા ખાતર એની સંખ્યા પરિમિત કરી છે. ક્યારેક એમાં નવા વ્યભિચારી ભાવને ઉમેરવાનો અને સંખ્યા વધારવાનો પ્રયત્ન થયો છે ખરો પરંતુ ભરતે આપેલી ૩૩ની સંખ્યા લગભગ માન્ય રહી છે. ભરતે આપેલા વ્યભિચારી ભાવો આ પ્રમાણે છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, ખેદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચાપલ્ય, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિંદા, અપસ્માર, સ્વપ્ન, વિબોધ, અમર્ષ (અપમાનથી ઉત્પન્ન પ્રતિકાર), અવહિત્થ (લજ્જા વગેરેનું ગોપન), ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક. ચં.ટો.