આત્માની માતૃભાષા/54

From Ekatra Wiki
Revision as of 07:47, 15 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


ધારાવસ્ત્ર: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર

અજિત ઠાકોર

ધારાવસ્ત્ર

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
દિલ્હી, ૧૯-૮-૧૯૭૫


ઉમાશંકર, થોડીક રણકતી કવિતાના કવિ. વર્ષાકાળ એમને ગમતો કાળ. કવિને રણઝણાતો, અમથું અમથું અજ્ઞાતની ઝંખાએ વ્યાકુળ કરી દેતો કાળ. કવિનેય એની પતીજ પડી ગઈ છે: મારી ઋતુ વર્ષા છે એમ અગાઉ મેં કહેલું છે. ‘ધારાવસ્ત્ર’ કૃતિ ખ્યાલ આપશે કે એના રહસ્યને પકડવું એ કેટલું વસમું છે.’: વાતે ય સાચી છે. જે આપણી મુઠ્ઠીમાં પકડાતું નથી, એને પામવા આપણી ચેતના વિહ્વળ થઈ જાય છે. તેથી સ્તો ‘ધારાવસ્ત્ર’ વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસારા આપતી રચના છે. જેમાં કવિચેતના અસ્તિત્વના બૃહદ્ મુદામય પ્રસારબિંદુએથી ઝરી હોય એવી કવિતાઓમાં આ કાવ્ય મુખડાની જેમ શોભે છે. કવિનેય એની જાણ છે. એટલે જ તો એમણે એ ગાળાની કવિચેતનાને વ્યક્ત કરતા આખાય કાવ્યસંગ્રહનું ‘ધારાવસ્ત્ર’ એવું નામકરણ કરી આ કાવ્યની અગ્રપ્રસ્તુતિ કરી છે. રિલ્કેએ વરસાદની અવિરત ધારાને કારાગારના સળિયા જેવી અનુભવી હતી. તો ઉમાશંકર ચાલી જતા વિરાટ પર્જન્યપુરુષના ધારાવસ્ત્ર રૂપે અનુભવે છે. એકમાં છે રૂંધી નાંખતી, ખિન્ન કરી મૂકતી એકતાનતા તો બીજામાં છે શિશુસહજ ઉચ્છલ વિસ્મય. ધારાને વસ્ત્ર રૂપે નિહાળતો કવિ ધારામાં નિબીડતા, ચંચલતાને આવરિત કરી દેવાના ગુણોને પ્રત્યક્ષ કરે છે. આ ધારાવસ્ત્ર કંઈ કબાટમાં ગડી કરી મૂકેલું કે વળગણીએ સૂકવવા નાંખેલું કે પછી કોઈકે પહેરી ઉતારી ખીંટીએ લટકાવેલ વસ્ત્ર નથી. આ વસ્ત્ર તો ફરફરતું લહેરાતું કોઈક ઓજસ્વી પુરુષે ધારણ કરેલું વસ્ત્ર છે. અહીં તો વસ્ત્રને મિષે વસ્ત્રધારીનું વ્યક્તિત્વ, અવસ્થા ને ગતિવિધિ ઓળખાવે છે. કહો કે નિરાકાર આકારિત થયો છે. કાવ્યનો ઉપાડ થાય છે દ્રુત ઉધ્ધત ગતિવંતા પુરુષના અપટીક્ષેપેણ પ્રવેશ અને નિર્ગમનથી. એમાં આરભટી વૃત્તિનો લય ઝિલાયો છે: કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, ક્યાંથી, અચાનક… પ્રથમ પંક્તિમાં અપરિચિતના ઝપાટાભેર ચાલ્યા જવાની અસાહજિક અનપેક્ષિત ઘટના એકીશ્વાસે કહેવાઈ છે. કોણ આવ્યું, ક્યાંથી આવ્યું, અચાનક આ રીતે કેમ આવ્યું — એવા વિસ્ફારિત વિસ્મયનું તર્કભાષામાં અંકન થયું છે. અહીં વાક્યને અડધું છોડી દઈને કવિએ વૈખરીની મૌનમાં સરી પડવાની ક્ષણને પ્રત્યક્ષ કરી દીધી છે. કવિ પર્જન્યપુરુષની, ધરતીના ધણી મેહુલાની ઝપાટાભેર ચાલ્યા જવાની ઘટનાને એક આનુષંગિક ઘટના વડે પુષ્ટ કરે છે: સૂર્ય પણ જાણે ક્ષણ હડસેલાઈ જાય. ધડાક બારણાં ભિડાય. સૂર્ય આમ તો પૃથ્વીલોકનું સંચાલનકેન્દ્ર. એની ગતિવિધિ સર્વપ્રભાવી. એનું વ્યક્તિત્વ અદમ્ય જ નહીં બલ્કે સર્વદમન વ્યક્તિત્વ. આવો સૂર્ય પણ પર્જન્યપુરુષની અડફેટે ચડતાં ક્ષણભર તો બાજુએ હડસેલાઈ જાય છે. અહીં ‘સૂર્ય પણ જાણે'માં સંભાવનાની ભાવમુદ્રામાં સૂર્યના હડસેલાવાની મહદ્ ઘટના ઉત્પ્રેક્ષાની વાક્ભંગિમાએ કરી પ્રકટી છે. સર્વસંચાલક, સર્વપ્રભાવક અને સર્વદમન સૂર્યની હડસેલાવાની આ ઘટનાને ‘પણ’ — પદ યોજી અતિશયતાનો પ્રાસ અપાયો છે. જો સૂર્ય જેવા સૂર્યની આ દશા હોય તો બીજા પદાર્થો તો આ વિરાટ પર્જન્યપુરુષની અબાધિત દ્રુત ગતિ આગળ કશી જ વિસાતમાં નથી, એવો ધ્વનિ પણ અહીં પ્રકટ્યો છે. અને એમ પર્જન્યપુરુષની દુર્ઘર્ષ પ્રભાવકતા સૂચવાઈ છે. ‘ધડાક બારણા ભિડાય'-માં વીજળી સાથે મેઘકડાકો થવાની ઘટનાને ‘ધડાક બારણા ભિડાય.’ — એમ ઉપમેયને ઉપમાન પાછળ તિરોહિત કરી દઈ અતિશયોક્તિ અલંકાર થકી અદ્ભુત અભિવ્યક્તિ આપી છે. અહીં કવિવાણી ઉપમેયમાં ઉપમાનની સંભાવના રૂપે રચાતી સાધ્યાધ્યવસાયની ચેતોવસ્થાએથી ઉપર ઊઠી ઉપમેયના ઉપમાનમાં થતા નિગરણરૂપ સિદ્ધાધ્યવસાનમાં પરિણતિ પામે છે. નાદ અને અર્થ — એમ બંનેથી સંવલિત ‘ધડાક’ — જેવા પદની યોજનાથી બારણાં ભિડાવાની ક્રિયા શ્રવ્ય-દૃશ્ય અસર જન્માવે છે. કાવ્યોનો બીજો ખંડ પ્રસન્નરમણીય ભાવમુદ્રાથી ભાવપલટો સાધે છે: આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર સૃષ્ટિને લેતું ઝપટમાં ઓ…પણે લહેરાય. આકાશે પર્જન્યપુરુષનું, મેહુલાનું ધારાવસ્ત્ર-ઉત્તરીય દુકૂલ ફરફરી રહ્યું છે. ‘ફરફરતું’ જેવું રવાનુકારી ક્રિયાપદ ધારાવસ્ત્રની ચંચલ ગતિને પ્રત્યક્ષ કરે છે. ‘આકાશમાં’ પદ પર્જન્યપુરુષના દુકૂલના મહદ્ પરિમાણનો સંકેત કરે છે. આવા ગગનવિહારી પર્જન્યપુરુષના આકાશેથી છેક ભોંયે અડતાં ધારાવસ્ત્રની ઝપટે આખીય સૃષ્ટિ ચડી જાય છે. અહીં સહસા ધારાવસ્ત્રની ઝપટે ચડતી સકળ સૃષ્ટિની સંભ્રમિત મનોદશાય સૂચવાઈ ગઈ છે. ‘ઓ…પણે લહેરાય.'-માં ગતિમાન પર્જન્યપુરુષની દ્રુતગતિ સ્થળગત દૂરતાના અણસારે પ્રકટે છે. ‘ઓ…પણે'-માં રહેલી કવિચેતનાની તત્ક્ષણતા પણ હ્ય્દ્ય છે. ‘ઝપટમાં’ પદમાં પ્રકટતો સંભ્રમ ‘લહેરાય'-પદમાં ઓગળી રમતિયાળ પ્રસન્નતામાં પલટાઈ જાય છે. પ્રથમ ખંડની રૌદ્ર ઉર્જસ્વી ભાવમુદ્રા બીજા ખંડમાં પ્રસન્નમધુર ભાવમુદ્રામાં સંક્રમિત થઈ ગઈ છે. ને એમ પર્જન્યપુરુષ રૌદ્રરમ્ય ઉભયવિધ છબિ ઊપસી છે. કાવ્યના ત્રીજા ખંડમાં પર્જન્યપુરુષની ગતિ સામે પૃથ્વીરોપ્યાં વૃક્ષોની સ્થાવર સ્થિતિને, નિયતિને મૂકીને અતૃપ્ત રહેવા સર્જાયેલી મિલનઝંખનાનો વ્યગ્ર સૂર પ્રકટ્યો છે: પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યા કરે… ધારાવસ્ત્ર લહેરાઈ રહ્યું છે, એવા કથનમાં ધારાવસ્ત્રનું રમતિયાળ ચંચલ છટકિયાળ રૂપ સૂચવાયું છે. એ જ વસ્તુ ત્રીજા ખંડમાં થતી ઘટનાને પ્રતીતિકર બનાવે છે. ધરતીને અડું અડું થતું ધારાવસ્ત્ર ફરફરતું ને એથીય વધુ તો લહેરાતુ હોઈ ‘પૃથ્વીરોપ્યાં’ વૃક્ષથી ઝલાતું નથી. એક તરફ ધારાવસ્ત્ર લહેરાઈ રહ્યું છે, એની ચલચંચલ દ્રુતગતિ છે તો બીજી તરફ ધરતીરોપ્યાં, સ્થાવર-ખોડાયેલાં વૃક્ષ છે. વૃક્ષ એમનાં ડાળ-પાંદડાંથી ગમે તેટલાં મથે તોય ચલચંચલ, છટકિયાળ, પ્રવાહિત ધારાએ કરી વણેલું ધારાવસ્ત્ર એમની પકડમાં આવતું નથી. એ તો માયાવી વસ્ત્ર છે. એટલે ભગ્નાશ વૃક્ષો વ્યર્થ હાથ વીંઝ્યાં કરે છે. વૃક્ષ આમ તો ધરતીની ઊર્ધ્વારોહણ કરવાની, આકાશને મળવાની ઝંખાનું જ બીજું નામ છે. વૃક્ષ એટલે ધરતીએ આકાશ તરફ લંબાવેલો હાથ. તોય ધરતીના ધણી મેહુલાને ધરતી પર લઈ આવવાની ઇચ્છા પૂરી થતી નથી. અંતિમ પંક્તિમાં રાહ જોતી ધરણી અને એના ભરથાર મેહુલાનો મેળાપ ન થયાનો નૈરાશ્યભર્યો વ્યગ્ર સૂર પ્રકટ્યો છે. આમ ‘ધારાવસ્ત્ર’ કોઈ યોગીસદૃશ ગૃહસ્થ આંગણે આવે ન આવે ને સ્વકર્તવ્યની દિશામાં ગમન કરી જાય — એવી સાંસારિક ઘટનાનો અધ્યાસ રચતું, સજીવારોપણે કરી પ્રાકૃતિક ઘટનામાં સાંસારિક ઘટનાના ઇંગિત પ્રકટાવતું કદમાં લઘુ પણ ધ્વનિપરિમાણે ભૂમાસદૃશ કાવ્ય છે, તોષબુંદમાં આકાશને આળખી લેતી રચના છે.