ઋણાનુબંધ/સોના વાટકડી જેવું આ કાળજું
Revision as of 10:28, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
સોના વાટકડી જેવું આ કાળજું
સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.
સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.
બારણાની બ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.