સ્વાધ્યાયલોક—૭/બલવન્તરાયની કવિતા

From Ekatra Wiki
Revision as of 20:52, 5 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બલવન્તરાયની કવિતા

જીવન બલવન્તરાયનો જન્મ ૧૮૬૯ના ઑક્ટોબરની ૨૩મીએ ભરૂચમાં. પિતાનું નામ કલ્યાણરાય. માતાનું નામ જમના. પિતા વ્યવસાયે પૂર્વજીવનમાં ભરૂચ અને જૂનાગઢમાં શિક્ષક અને ઉત્તરજીવનમાં રાજકોટમાં વકીલ. સ્વભાવે ભોળા, નરમ, આપકમાઉ અને મિલનસાર. માતામાં તેજસ્વી બુદ્ધિ, સતેજ સ્મૃતિ, સંતાનો પ્રત્યે અતિ ઉદારતા અને પુત્રવધૂ પ્રત્યે અનુદારતા. પ્રપિતામહ અનુપરાય ભરૂચમાં સિંધિયાના સૈન્યમાં અફસર એટલે એમની અટક ઠાકોર નહિ પણ લશ્કરી હતી. પિતામહ ચતુર્ભુજદાસ વ્યવસાયે ભરૂચમાં તલાટી. સ્વભાવે કઠોર, ધાર્મિક, શ્રદ્ધાળુ અને સદાગ્રહી. પોતાના પિતા માત્ર લશ્કરી નહિ પણ સેનાની હતા એવી એમની માન્યતાને કારણે એમની અટક ઠાકોર નહિ, લશ્કરી નહિ, પણ સેહ્ની હતી. એથી બલવન્તરાયનું કવિનામ સેહ્ની હતું. ‘ભણકારા’માં અંતિમ શબ્દ ‘સેહ્ની’ છે. એમણે ૧૯૦૦ લગી પ્રકાશિત કાવ્યોમાં નીચે ‘સેહ્ની’ની સંજ્ઞાનો કવિનામ તરીકે ઉપયોગ કર્યો હતો. ૧૯૦૧માં ‘ખેતી’ પ્રગટ કર્યું ત્યારે એનો ત્યાગ કર્યો હતો. બલવન્તરાયે ૧૮૮૦માં યજ્ઞોપવીત ધારણ કર્યું. ત્યાં લગીનું, વયના અગિયારમા વરસ લગીનું એમનું શાળાનું શિક્ષણ ભરૂચમાં અને પછી રાજકોટમાં કાઠિયાવાડ હાઈસ્કૂલમાં. અહીં એમને નવલરામ પંડ્યા. ગાંધીજી અને કાન્તનો પરિચય થયો. ભરૂચમાં નર્મદામાં તરવાનો ભારે શોખ. શાળાનાં નાટકોમાં સંસ્કૃતમાં ‘વિક્રમોર્વશી’માં ઉર્વશીની અપ્સરા-સખીના ગૌણ સ્ત્રીપાત્ર તરીકે અને ‘વત્સલાહરણ’માં જેને સમગ્ર નાટકમાં એક શબ્દ બોલવાનો ન હતો તે નાયિકા વત્સલાના મુખ્ય સ્ત્રીપાત્ર તરીકે ભૂમિકા ભજવી હતી. ૧૮૮૩માં શાળાઓ વચ્ચેની વાર્ષિક ક્રિકેટસ્પર્ધામાં વયમાં સૌથી નાના ખેલાડી તરીકે ભાગ લીધો હતો. ૧૮૮૧થી રાજકોટ મિશનના વિદ્વાન યુવાન પાદરી હ્યુ આર. સ્કૉટની અસરને કારણે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ થયું હતું. ૧૮૮૩માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. વધુ અભ્યાસ અર્થે વિલાયત જવાનો વિચાર કર્યો પણ વયમર્યાદા આદિ પ્રશ્નોને કારણે એ વિચારનો ત્યાગ કર્યો. બલવન્તરાયે ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ કર્યો. મણિલાલ નભુભાઈ એમના સંસ્કૃતના અધ્યાપક હતા. એમની પ્રેરણાથી ૧૮૮૫માં કાવ્યસ્પર્ધામાં ‘મહાકવિ કાલિદાસનું જીવન અને કવન’ પર સંસ્કૃતમાં વિવિધ છંદોમાં દોઢસો-પોણાબસો પંક્તિનું કાવ્ય રચ્યું. અંગ્રેજીમાં ઇતિહાસ-નિબંધ ‘The Uses of History’ માટે ગગા ઓઝા પારિતોષિક પ્રાપ્ત કર્યું. ૧૮૮૬માં નર્મદશૈલીમાં ચોપાઈ છંદમાં ૨૪ પંક્તિનું પ્રેમવિષયક પ્રથમ કાવ્ય રચ્યું. સમાજસુધારાવિષયક ગદ્યનિબંધ ‘વિધવાવિવાહ’નું પ્રકાશન કર્યું. ખ્રિસ્તી તો નથી જ થવું એવો નિર્ણય કર્યો. ૧૮૮૭માં સંસ્કૃતની મૌખિક પરીક્ષામાં પરીક્ષક અધ્યાપકો — વૈદ્ય અને જિન્સીવાલે-એ જગન્નાથના ‘રસગંગાધર’માંથી પૃથ્વી છંદમાં એક શ્લોકનો અન્વય અને અનુવાદ પૂછ્યો. બલવન્તરાયનો પૃથ્વી છંદનો આ પ્રથમ પરિચય. ત્યારથી પૃથ્વી છંદ એમના ચિત્તમાં રમી રહ્યો. ચન્દ્રમણિ સાથે લગ્ન થયું. ફર્સ્ટ બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. બલવન્તરાયે નવેમ્બર ૧૮૮૭માં મુંબઈમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ એલ્ફિન્સ્ટન કૉલેજમાં કર્યો. ૧૮૮૮માં નવલરામના અવસાન અંગે ઉપજાતિ છંદમાં ૨૦ પંક્તિનું અપૂર્ણ શોકકાવ્ય રચ્યું. એ પૂર્ણ કરવાના પ્રયત્નમાં અકસ્માત્ ‘ભણકારા’નું જેમાં બીજ હોવાનો સંભવ છે તે વાયુ, વાદળ અને સમુદ્ર અંગેનું ભુજંગી છંદમાં, જેને પોતે સૉનેટ કહ્યું છે તે, ૧૪ પંક્તિનું આનંદકાવ્ય રચ્યું. આમ, માત્ર ઓગણીસ વર્ષની યુવાન વયે પોતાનું અને ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ — બલકે ‘ભણકારા’ના બીજરૂપ આ સૉનેટ રચ્યું. ‘આરોહણ’નું ડોળિયું તૈયાર કર્યું. ‘કુસુમમાળા’ અને ‘સરસ્વતીચન્દ્ર’નું વાચન કર્યું. પ્રોફેસર મૅકમિલને, અંગ્રેજીમાં જે સૌથી વધુ ઉદાત્ત પ્રાસરહિત પ્રવાહી છંદમાં છે તે, મિલ્ટનનું મહાકાવ્ય ‘પૅરેડાઇઝ લૉસ્ટ — બુક વન’ ભેટ આપ્યું. મિલ્ટન, મહાકાવ્ય અને બ્લૅંક વર્સનો આ પ્રથમ પરિચય. શિક્ષણ, સમાજ, રાજ્ય, ધર્મ આદિ વિષયોમાં તીવ્ર રસ અને વક્તા — નેતા — લેખક થવાની મહત્ત્વાકાંક્ષા. કાન્ત સાથેની મૈત્રીનો આરંભ ને વિકાસ. સેકન્ડ બી.એ.માં સંસ્કૃતના વિષયની પરીક્ષામાં જાણીજોઈને સ્વેચ્છાએ નાપાસ થયા. બલવન્તરાયે ૧૮૮૯માં પૂનામાં ડેક્કન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખ્યું. પ્રથમ ગુરુ સેલ્બી અને બેઇન સાથે અંગત આત્મીય સંબંધ અને એમનો પ્રબળ પ્રભાવ અનુભવ્યો. સેકન્ડ બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. અંગ્રેજીમાં પ્રથમ સ્થાન માટે એલિસ શિષ્યવૃત્તિ-પુરસ્કાર પ્રાપ્ત થયો. એક ટૂંકી વારતા અને એક નવલકથાનો આરંભ કર્યો. ચન્દ્રમણિ પતિગૃહે વસ્યાં. ‘અદૃષ્ટિદર્શન’ (અસલ નામ ‘પ્રણયસ્મૃતિઓ’) રચ્યું. બલવન્તરાય ૧૮૯૦માં ઉચ્ચ ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરવાની અને આઇ.સી.એસ. થવાની મહત્ત્વાકાંક્ષા સાથે મુંબઈમાં વસ્યા. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ આદિ મુંબઈનાં અંગ્રેજી-ગુજરાતી દૈનિક-સામયિકોમાં અવલોકનો અને કટારલેખો. બેરામજી મલબારીના ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’માં સહાયક તંત્રી તરીકે કાર્ય કર્યું. પદવીદાન સમારંભમાં સ્નાતક-દીક્ષા. આ પ્રસંગે કાન્તે બલવન્તરાયને સંબોધનરૂપ પ્રથમ કાવ્ય ‘રાજહંસને સંબોધન’ રચ્યું. બલવન્તરાયે ૧૮૯૧માં પૂનામાં ડેક્કન કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કર્યો. પુત્રી ચંચલનો જન્મ. ૧૮૯૨માં ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે નિયુક્ત થયા. ‘મૃચ્છકટિક’માં પાર્શ્વપઠન અને પડદા પાડવા-ઉપાડવાનું કાર્ય કર્યું. ગોલ્ડસ્મિથના નાટક ‘She Stoops to Conquer’માં ગૌણ પાત્રની ભૂમિકા ભજવીને અભિનેતા તરીકેનો અનુભવ કર્યો. ‘મરાઠા’ના ઉપતંત્રીપદ માટે ટિળકે આમંત્રણ આપ્યું પણ રાજકીય વિચારભેદને કારણે એનો અસ્વીકાર કર્યો. પૃથ્વી છંદનો પ્રથમ પ્રયોગ કર્યો, એની પ્રવાહિતા અંગેની અંતિમ પ્રતીતિ સાથે. ૧૮૯૩માં રાનડે દ્વારા પ્રાપ્ત અલભ્ય સાધનોની સહાયથી ‘An Account of the First Madhavrao Peshwa’ ઇતિહાસ-નિબંધ માટે માણેકજી લીમજી સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કર્યો અને પોતાની સર્જકશોધક શક્તિઓમાં શ્રદ્ધાનો અને પોતે સંશોધન અને સર્જનકાર્ય કરી શકશે એવા વિશ્વાસનો અનુભવ કર્યો. એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા વિના જ કૉલેજત્યાગ કર્યો. બલવન્તરાય ૧૮૯૪માં મુંબઈમાં દરિયા-મહાલના નારણદાસ દ્વારકાદાસના ટ્યૂટર હતા. ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’માં ફરીથી સહાયક તંત્રી અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ આદિમાં ફરીથી અવલોકનો અને કટારલેખો. ફિરોઝશાહ મહેતા સાથે પરિચય. બલવન્તરાય એલએલ.બી. થાય અને વકીલાત કરે એવો પિતાનો આગ્રહ. ઇંગ્લૅન્ડ જવાની અને આઇ.સી.એસ. થવાની પોતાની ઇચ્છા. પણ પિતાને ભય કે પુત્ર ઇંગ્લૅન્ડમાં જ રહી જશે. પાછો જ નહિ આવે. પુત્રી ગૌરીનો જન્મ. બલવન્તરાય ૧૮૯૫માં કરાંચીમાં ડી. જે. સિંધ કૉલેજમાં ઇતિહાસના કામચલાઉ અધ્યાપક તરીકે નિયુક્ત થયા. ૧૮૯૬માં વડોદરામાં બરોડા કૉલેજમાં અધ્યાપક ઉપરાંત કામચલાઉ આચાર્ય તરીકે નિયુક્ત થયા. એ જ વરસમાં ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસમાં નિયુક્તિ પછી અજમેરની ગવર્નમેન્ટ કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે નિયુક્ત થયા. વિનોદપ્રિય પ્રિન્સિપાલ રીડ સાથે મૈત્રી. વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ જવાની ઇચ્છા. ૧૮૯૭માં માતાનું અવસાન. ૧૮૯૮માં કાન્તના ધર્માન્તરને કારણે એમની સાથેની મૈત્રીનો ભંગ. ૧૮૯૯માં અધ્યાપક ઉપરાંત કામચલાઉ આચાર્ય તરીકે અને મેયો કૉલેજના પ્રિન્સિપાલ તથા અજમેર મ્યુનિસિપાલિટીના ચૅરમૅન વૉડિંગ્ટનના સૂચનથી અજમેર મ્યુનિસિપાલિટીમાં નિયુક્ત સભ્ય તરીકે કાર્ય કર્યું. બલવન્તરાય ૧૮૯૯માં પૂનામાં ડેક્કન કૉલેજમાં ઇતિહાસના કામચલાઉ અધ્યાપક અને કામચલાઉ આચાર્ય તરીકે નિયુક્ત થયા. અંગ્રેજીના અધ્યાપક અને જગતસાહિત્યના સહૃદય ભાવક ફ્રેઝર સાથે મૈત્રી. પુત્ર મુકુન્દનો જન્મ. ૧૯૦૦માં ‘આરોહણ’ની પૂર્ણાહુતિ. ત્યાં લગી આરંભનાં વીસેક વરસ બલવન્તરાય અદ્વૈતવાદી હતા. ૧૯૦૧માં પિતાનું અવસાન. બલવન્તરાય ૧૯૦૨માં અજમેરમાં ગવર્નમેન્ટ કૉલેજમાં ફરીથી ઇતિહાસના અધ્યાપક અને ઉપ-આચાર્ય તરીકે નિયુક્ત થયા. ૧૯૦૩માં પુત્ર દીપકનો જન્મ. ૧૯૦૪માં રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં સેકન્ડ આસિસ્ટંટ તરીકે નિયુક્ત થયા. પ્રિન્સિપાલ મેઇન તથા હાઇડ અને ટર્નરની મૈત્રી. પોતાના મોટામાં મોટા ગુરુ સીતારામ નારાયણ પંડિતનો પ્રબળ પ્રભાવ. ૧૯૦૬માં ‘અભિજ્ઞાન શાકુંતલ’ અને ‘પ્લૂટાર્કનાં જીવનચરિતો’ અનુવાદોનું પ્રકાશન કર્યું. ૧૯૦૭માં પુત્ર પ્રબોધનો જન્મ. ૧૯૦૯માં કાન્ત સાથેની મૈત્રીનું પુનર્જીવન થયું. ૧૯૧૩માં કાઠિયાવાડ એજન્સીમાં એજ્યુકેશનલ ઑફિસર તરીકે નિયુક્ત થયા. બલવન્તરાય ૧૯૧૪માં પૂનામાં ડેક્કન કૉલેજમાં ઇતિહાસના કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત થયા. વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ જવાની ફરીથી ઇચ્છા. ‘Indian Ad-ministration to the Dawn of Responsible Government’ પ્રગટ કર્યું. ૧૯૧૫માં ચન્દ્રમણિનું અવસાન. ૧૯૧૬માં પુત્રી ચંચલનું અવસાન. ૧૯૧૭માં ‘ભણકાર — ધારા ૧’ પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. ૧૯૧૮માં પુત્રી ગૌરીનું અવસાન. ૧૯૧૯માં ગોવર્ધનરામના ‘સાક્ષરજીવન’નું સંપાદન પ્રગટ કર્યું. ૧૯૨૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના પ્રમુખ. એ પદેથી ‘ઇતિહાસ દિગ્દર્શન’ વ્યાખ્યાન આપ્યું. ૧૯૨૨માં ‘The Text of the Sakuntala’ પ્રગટ કર્યું. ૧૯૨૩માં ‘ઊગતી જુવાની’ પ્રથમ નાટક પ્રગટ કર્યું. કાન્તનું અવસાન. ‘પૂર્વાલાપ’નું મરણોત્તર પ્રકાશન થયું. ૧૯૨૪માં ‘કવિતાશિક્ષણ’ પ્રથમ વિવેચનગ્રંથ, ‘દર્શનિયું’ ટૂંકી વારતાઓનો સંગ્રહ પ્રગટ કર્યો. ૧૯૨૪માં આઇ.ઈ.એસ.માંથી નિવૃત્ત થયા અને પેન્શન પ્રાપ્ત કર્યું. કાન્તની સ્મૃતિમાં ‘કાન્તમાલા’નું સંપાદન કર્યું. ડેક્કન કૉલેજમાંથી નિવૃત્ત થયા પણ ૧૯૨૭ લગી પૂનામાં જ નિવાસ કર્યો. બલવન્તરાય ૧૯૨૭માં વડોદરામાં બરોડા કૉલેજમાં ઇતિહાસના અવેજી અધ્યાપક તરીકે નિયુક્ત થયા. ૧૯૨૮માં ‘ભણકાર — ધારા ૨’, ‘લગ્નમાં બ્રહ્મચર્ય’ અને ‘પ્રયોગમાલા’ના મણકા ૧ — ૫, ‘યુનાઇટેડ સ્ટેટ્સનો ઇતિહાસ’, ‘ઇતિહાસ દિગ્દર્શન’, ‘અંબાલાલભાઈ’, ‘પરિષદપ્રવૃત્તિ’ અને ‘લિરિક’ પ્રગટ કર્યાં. ૧૯૨૯માં બરોડા કૉલેજમાંથી નિવૃત્ત થયા પણ ૧૯૩૭ લગી વડોદરામાં જ નિવાસ કર્યો. આ નિવૃત્તિકાળમાં પ્રાચીન ગુજરાતી કવિતાનું સંશોધન-સંપાદન કર્યું. ૧૯૩૧માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’ કાવ્યસંચય પ્રગટ કર્યો. ૧૯૩૩માં ‘માલવિકાગ્નિમિત્ર’ અનુવાદનું પ્રકાશન કર્યું. ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ સૉનેટસંચય અને ‘સોવિયેટ નવજુવાની’ નાટકઅનુવાદ પ્રગટ કર્યાં. બલવન્તરાયે ૧૯૩૭થી આયુષ્યના અંત લગી મુંબઈમાં નિવાસ કર્યો. ૧૯૪૨માં ‘ભણકાર’ કાવ્યસંગ્રહ બૃહદ્ સ્વરૂપે પ્રગટ કર્યો. ૧૯૪૩માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉપક્રમે ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ આપ્યાં. ‘ગોપીહૃદય’ કાવ્ય-અનુવાદ પ્રગટ કર્યો. ૧૯૪૩–૪૪માં ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પૂના અને મુંબઈમાં પંચોતેરમી જન્મતિથિનો ઉત્સવ. ૧૯૪૫માં ‘વિવિધ વ્યાખ્યાનો — ગુચ્છ ૧’ પ્રગટ કર્યો. ૧૯૪૬માં ‘પંચોતેરમે’ મિતાક્ષરી આત્મકથા સમેત ઉક્ત ઉત્સવપ્રસંગનાં વ્યાખ્યાનોનો સંગ્રહ પ્રગટ કર્યો. અંગ્રેજ સરકારે સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સેવાઓ માટે ‘દીવાનબહાદુર’નો ઇલકાબ અર્પણ કર્યો. ૧૯૪૮માં ‘વિવિધ વ્યાખ્યાનો — ગુચ્છ ૨’ પ્રગટ કર્યો. ૧૯૫૧માં ‘ધી બી. સેહેની પ્રકાશન બિરાદરી લિમિટેડ’ પ્રકાશનસંસ્થા સ્થાપી. ‘ભણકાર — ૧૯૫૧’ અને ‘ભણકાર — ૧૯૫૧ વિવરણ’ પ્રગટ કર્યાં. ૧૯૫૨ના જાન્યુઆરીની ૨જીએ મુંબઈમાં અવસાન થયું. બલવન્તરાયનાં મરણોત્તર પ્રકાશનો : વાચક મંગલમાણિક્યવિરચિત ‘અંબડ વિદ્યાધર રાસ’ (૧૯૫૩), ‘વિવિધ વ્યાખ્યાનો — ગુચ્છ ૩’ (૧૯૫૬), ઉદયભાનુવિચરિત ‘વિક્રમચરિત્રરાસ’ (૧૯૫૭), ‘નિરુત્તમા’ (૧૯૫૭), ‘વિક્રમોર્વશી’ (૧૯૫૮), ‘પ્રવેશકો — ગુચ્છ ૧’, (૧૯૫૯), ‘પ્રવેશકો — ગુચ્છ ૨’ (૧૯૬૧), ‘દિન્કી — ભાગ ૧’ (૧૯૬૯), ‘દિન્કી — ભાગ ૨’ (૧૯૭૬). બલવન્તરાયની અપ્રસિદ્ધ કૃતિઓ : પદ્ય — ‘દુષ્કાળ’, ‘પગલી’, ‘ગુરુજી’, ‘વિગ્રહકાવ્યો’. ગદ્ય — ‘ટીપેટીપે’, ‘અવલોકનો’, ‘ઊર્મિમૂર્તિ કલાપી’, ‘મહાકવિ કાલિદાસ : જીવન અને કવન’, ‘પિંગલપાઠ’, ‘અલંકારપાઠ’, ‘ભારતીય કાવ્યમીમાંસા’, ‘યુરોપીય કાવ્યમીમાંસા’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’. બલવન્તરાયના અપ્રસિદ્ધ અનુવાદો : ‘મેઘદૂત’, ‘ગીતા’, ‘રાશેલનો ગૃહત્યાગ’, ‘દેશભક્તિનો વ્યોમકળશ’. બલવન્તરાયનાં અપ્રસિદ્ધ સંપાદનો : ‘ગોવર્ધનરામકૃત અધ્યાત્મજીવન’, ‘પ્રાચીન ગુર્જર રાસાવલિ’, ‘મુગ્ધાવબોધમ્ ઔક્તિકમ્’, ‘માંડણકૃત સિદ્ધચક્રરાસ અથવા શ્રીપાલ રાજાનો રાસ’, ‘વચ્છકૃત મૃગાંકલેખારાસ’. કવિતા ‘ખુદકલમી, ઇતર ન જ લખવું’ — આ છે બલવન્તરાયની કવિપ્રતિજ્ઞા. એમના કવિસાહસનું આદિમ અને એમની કવિતાસિદ્ધિનું અંતિમ રહસ્ય એમની આ કવિપ્રતિજ્ઞા છે. બલવન્તરાયની સર્જક — કવિ — કલાકાર તરીકેની વીરતા અને વિનમ્રતા એકસાથે, એકશ્વાસે એમાં પ્રગટ થાય છે. આરંભમાં એમણે કવિમિત્ર કાન્તની લલિતકોમલ પદાવલિનું અમોઘ આકર્ષણ અનુભવ્યું હતું. પણ એ જ ક્ષણે એમણે એનો સબળ અને સફળ પ્રતિકાર કર્યો હતો. કારણ ‘જે મ્હારી પ્રકૃતિ મૂલથી જ એવી. લખવું તો સ્વકીય બુદ્ધિથી લખવું, પરપ્રત્યયનેય બુદ્ધિથી લખવું એ કરતાં તો ન લખવું બહેતર.’ શું જીવનમાં, શું કવનમાં બલવન્તરાય એટલે ખુદવફાઈ. એમની જીવનયાત્રા અને કાવ્યયાત્રાનો માર્ગ મન:પૂત હતો. એ માર્ગના એ એકલયાત્રી હતા. મનુષ્ય તરીકે અને કવિ તરીકે બલવન્તરાય આત્મનિષ્ઠ, આત્મપ્રતિષ્ઠ હતા. એમનામાં અખૂટ આત્મશ્રદ્ધા હતી, અનન્ય આત્મબળ હતું. એ બલિષ્ઠ બ. ક. ઠા. હતા. બ. ક. ઠા. — એ નામોચ્ચારમાં જ કેટકેટલું બળ છે! કવિ બલવન્તરાયનું એ પરમ સદ્ભાગ્ય કે એમણે કવિજીવનના બ્રાહ્મમુહૂર્તથી જ ‘ખુદકલમી, ઇતર ન જ લખવું’ — એ કવિપ્રતિજ્ઞાનું સાહસ કર્યું અને એમના સર્જનકાળના આદિથી તે અંત લગી સતત આ કવિપ્રતિજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું. બલવન્તરાયનો સર્જનકાળ પણ સુદીર્ઘ હતો. એક તો એમનો જીવનકાળ જ સુદીર્ઘ, બ્યાસી વરસનો. સાક્ષરયુગના અન્ય કોઈ સર્જકને આટલા સુદીર્ઘ જીવનકાળનું સદ્ભાગ્ય સાંપડ્યું ન હતું. વળી બલવન્તરાયના સર્જનનો આરંભ પણ માત્ર ઓગણીસ વરસની વયે, વહેલી વયે થયો હતો અને બ્યાસી વરસની વયે, અતિવૃદ્ધ વયે, આયુષ્યના અંત સાથે જ એનો અંત આવ્યો હતો. કવિ બલવન્તરાયનું આ પણ સદ્ભાગ્ય કે એમનો સર્જનકાળ સુદીર્ઘ હતો, ત્રેસઠ વરસનો, સવા પાંચ તપનો. સામાન્યપણે અન્ય સર્જકોના સમગ્ર જીવનકાળ જેટલો સુદીર્ઘ તો બલવન્તરાયનો સર્જનકાળ હતો. કવિ, નાટકકાર, વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર, ઇતિહાસકાર, વ્યાખ્યાનકાર, પ્રવેશકકાર, અવલોકનકાર, સંચયકાર, વિવેચક, સંશોધક, અનુવાદક — આમ બલવન્તરાયની બહુમુખી, બલકે સર્વતોમુખી સર્જકપ્રતિભા હતી. પણ એમાં કવિ તરીકેની પ્રતિભા પ્રમુખ હતી. બલવન્તરાય મુખ્યત્વે કવિ તરીકે ચિરસ્મરણીય રહેશે. ‘નિશાનચૂક માફ, કિન્તુ નહિ માફ નીચું નિશાન’ — અમેરિકન કવિ જૉન રસેલ લૉવેલરચિત આ સુવાક્ય બલવન્તરાયનું અતિપ્રિય જીવનસૂત્ર હતું. શું કર્મમાં, શું કાવ્યમાં બલવન્તરાયે કદી નીચું નિશાન તાક્યું નથી. કર્મે એ આજીવન શિક્ષક હતા, આદર્શ કવિતાશિક્ષક પણ હતા. રચવું તો મહાકાવ્ય રચવું — કાવ્યમાં એમણે મહાકાવ્યથી નીચું નિશાન તાક્યું ન હતું. લઘુમધ્યમ કદનું ઊર્મિકાવ્ય નહિ પણ સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્ય રચવાની એમની મહત્ત્વાકાંક્ષા હતી. અને આવું કાવ્ય વિચારપ્રધાન જ હોય એવી એમની અંતિમ પ્રતીતિ હતી. એમણે વારંવાર એનું ‘કવિનું કર્તવ્ય’, ‘સાચો કવિ’ આદિ પદ્યમાં અને ‘આપણી કવિતાસમૃદ્ધિ — પ્રવેશક’, ‘ભણકાર ૧૯૪૨ — નિવેદન’, ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનો — દર્શન ૪’ — આદિ ગદ્યમાં પ્રત્યક્ષ તથા અન્યત્ર પરોક્ષ ઉચ્ચારણ કર્યું છે. જેમાં મનુષ્યના આત્માની રિદ્ધિસિદ્ધિ અને શ્રી-સૌરભ હોય, જેમાં વિશ્વવિધાતાના ભવ્યસુન્દર મહાસંગીતના ઋજુમધુર ‘ભણકાર’ હોય, જેમાં માનવતાનું શાન્તકરુણ સંગીત હોય, જેમાં ઉદાત્ત વિચારોનો આનંદ હોય, જેમાં ઊર્જસ્વી અર્થનું ઓજસ હોય, જેમાં પ્રસન્ન ચિત્તનું માધુર્ય હોય, જેમાં પિંડે વિહરતું અને બ્રહ્માંડે વિચરતું ચૈતન્ય હોય એવી કવિતા બલવન્તરાયના કાવ્યવેધનું પરમ અને ચરમ લક્ષ્ય હતું. બલવન્તરાયે એથી નીચું નિશાન તાક્યું જ ન હતું. ટૂંકમાં, બલવન્તરાયના કાવ્યારોહણનું મેરુશિખર હતું મિલ્ટનનું મહાકાવ્ય. પણ ગુજરાતી પદ્યરચનાની પરંપરામાં બલવન્તરાયના આ કાવ્યારોહણના સાધનનું અસ્તિત્વ સુધ્ધાં ન હતું. બલવન્તરાયે આ મહાકાવ્ય સિદ્ધ કરવું હોય તો તે પૂર્વે એમણે એ સાધન સિદ્ધ કરવું અનિવાર્ય હતું. મિલ્ટનના મહાકાવ્યનું સાધન છે બ્લૅંક વર્સ. બલવન્તરાયે ગુજરાતી પદ્યરચનામાં આ સાધન — એટલે કે બ્લૅંક વર્સ અથવા એનું સમકક્ષ એવું કોઈ અન્ય પ્રવાહી પદ્ય — સિદ્ધ કરવું અનિવાર્ય હતું. આ પ્રવાહી પદ્ય એ બલવન્તરાયના કવિપુરુષાર્થમાં પ્રશ્નોનો પ્રશ્ન હતો. સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્ય માટે પદ્ય અનિવાર્ય છે પણ એ પદ્ય અગેય અને પ્રવાહી હોવું જોઈએ એ પ્રથમથી જ એમનું છંદદર્શન હતું. એવું પદ્ય મધ્યકાલીન ગુજરાતી છંદોમાં અશક્ય છે. અન્ય પ્રાચીન સંસ્કૃત છંદોમાં પણ શક્ય નથી. એકમાત્ર પૃથ્વી છંદમાં જ સુશક્ય છે એ બલવન્તરાયને સૂઝ્યું. આ પૃથ્વી-દર્શન એ એમની પિંગલપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એમણે પ્રાસરહિતત્વ અને યતિસ્વાતંત્ર્યસહિતત્વ (એટલે કે યતિભંગ, શ્લોકભંગ) દ્વારા, પૃથ્વી છંદની એકેએક શક્યતા અને ક્ષમતા દ્વારા ગુજરાતી પદ્યરચનામાં અંગ્રેજી બ્લૅંક વર્સ સમું સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્યનું સાધન સિદ્ધ કરવાનો; શુદ્ધ (અગેય) પદ્ય, પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો કવિપુરુષાર્થ કર્યો હતો. બલવન્તરાયે મહાકાવ્ય તો ન રચ્યું પણ એકાદ સુદીર્ઘ કાવ્ય પણ એ રચી શક્યા નહિ. આવાં કાવ્યો રચવાનો એમણે વારંવાર પ્રયત્ન કર્યો હતો પણ એ સૌ કાવ્યો અપૂર્ણ જ રહ્યાં હતાં. એ લઘુમધ્યમ કદનાં કાવ્યો — અને એમાંય મુખ્યત્વે ઊર્મિકાવ્યો — જ રચી શક્યા હતા, બલકે એવાં કાવ્યો રચવાનું — અને વિવેચવાનું પણ — એમનું જાણે કે વિધિનિર્માણ થયું હતું. એમણે આયુષ્યને અંતે ‘ભણકાર — ૧૯૫૧’નું ઉપશીર્ષક ‘…લઘુ અને મધ્યમ કદની કવિતાઓનો… સંગ્રહ’ આપ્યું એમાં એ અંગેની એમની સભાનતા પ્રગટ થાય છે. એમના અનેક ઉદ્ગારોમાં આવાં લઘુમધ્યમ કદનાં કાવ્યો રચાય ન રચાય, પ્રગટ થાય ન થાય, થાય તો ક્યારે કયા સ્વરૂપમાં થાય, ખોવાય — ભુલાય તો પછી શોધાય ન શોધાય એ અંગેની ઉદાસીનતા પ્રગટ થાય છે. પોતે તો સુદીર્ઘ કાવ્ય કે મહાકાવ્ય ન રચ્યું, અન્ય કોઈ કવિએ પણ એવું કાવ્ય ન રચ્યું એટલું જ નહિ પણ જ્યારે એમણે ‘કલામય બુદ્ધિધન કાવ્યસર્જનો લાંબાં કે ટૂંકાંની રચનામાં ગુજરાતે અત્યારે તો સુકવણું બેઠું છે’ એમ આયુષ્યને અંતે અનુભવ્યું ત્યારે ‘ભણકાર — ૧૯૫૧’ના ‘ગુચ્છ ૫’ના નિવેદનમાં ચેતવણીનો શબ્દ ઉચ્ચાર્યો હતો : ‘ખામોશ!’ એમણે સુદીર્ઘ કાવ્ય કે મહાકાવ્ય ભલે ન રચ્યું પણ એમની આ મહત્ત્વાકાંક્ષાને કારણે સ્તો ‘ભણકાર’નાં કાવ્યો એમના એ અણલખ્યા મહાકાવ્યના જાણે કે કાચા મુસદ્દા છે. અને વળી એથી સ્તો એમનાં કેટકેટલાં કાવ્યો અપૂર્ણ છે. ‘એક જવાબ’માં એમણે આ અપૂર્ણતાને અંજલિ અર્પી છે. બલવન્તરાયે સુદીર્ઘ કાવ્ય કે મહાકાવ્ય તો ન રચ્યું પણ એનું સાધન બ્લૅંક વર્સ કે એને સમકક્ષ એવું કોઈ અન્ય પ્રવાહી પદ્ય પણ એ રચી શક્યા નહિ. પૃથ્વી છંદ સંપૂર્ણ અર્થમાં અંગ્રેજી બ્લૅંક વર્સનો પર્યાય છે? પૃથ્વીમાં પ્રાસરહિતત્વ છે, એથી એ સ્થૂલ અર્થમાં બ્લૅંક (પ્રાસશૂન્ય) છે. એમાં અંત્યયતિરહિતત્વ છે, એથી એ સૂક્ષ્મ અર્થમાં પણ બ્લૅંક (પ્રવાહી) છે. એમાં શ્લોકભંગ છે, એથી એમાં પરિચ્છેદ પણ છે. છતાં એ અંગ્રેજી બ્લૅંક વર્સ છે? ગુજરાતી ભાષામાં સ્વરભારનો અભાવ છે અને ગુજરાતી પદ્યરચનામાં ગણવિકલ્પનો અભાવ છે એથી પૃથ્વી કે અન્ય કોઈ છંદમાં પ્રવાહી પદ્ય શક્ય હશે પણ અંગ્રેજી બ્લૅંક વર્સ અશક્ય છે. બલવન્તરાયનો પૃથ્વી, એમના અન્ય છંદો, એમનું પ્રવાહી પદ્ય અંગ્રેજી બ્લૅંક વર્સના સંપૂર્ણ અર્થમાં બ્લૅંક વર્સ નથી. પણ એનું કારણ એમની અશક્તિ કે અકુશળતા નથી, એનું કારણ ગુજરાતી ભાષાની આ વિશિષ્ટતા અને ગુજરાતી પદ્યરચનાની આ લાક્ષણિકતા છે. આમ, પૃથ્વી અંતિમ પરીક્ષામાં નિર્બળ — નિષ્ફળ છે એ અંગે એમને કોઈ ભ્રાંતિ કે શંકા ન હતી. નર્મદથી માંડીને અનેક કવિઓએ અનેક પ્રકારે ગુજરાતીમાં બ્લૅંક વર્સનો પ્રયોગ કર્યો એમાં પૃથ્વી જ સર્વશ્રેષ્ઠ છે, પૃથ્વી બ્લૅંક વર્સની નિકટમાં નિકટ છે, અન્ય કોઈ પ્રકારે પૃથ્વી અંગ્રેજી બ્લૅંક વર્સથી કનિષ્ઠ નથી. પૃથ્વી અંગે એમણે એવો પક્ષપાત કર્યો પણ પછી પૃથ્વીમાં અંગ્રેજી બ્લૅંક વર્સનાં અન્ય સૌ ગુણલક્ષણો છે પણ એમાં એનું શ્રેષ્ઠ ગુણલક્ષણ ગતિવૈવિધ્ય નથી એવો અંતિમ એકરાર પણ કર્યો હતો. એમાં એમની બૌદ્ધિક પ્રામાણિકતાની પ્રતીતિ થાય છે. એથી જ પૃથ્વી સુદીર્ઘ કાવ્ય, પદ્યનાટક કે મહાકાવ્ય માટે પર્યાપ્ત નથી. પણ એમનાં સૉનેટ, ઓડ આદિ લઘુમધ્યમ કદનાં ચિન્તનોર્મિકાવ્ય માટે તો અવશ્ય પર્યાપ્ત હતો. બલવન્તરાયે ‘…તથાપિ કેટલીક નિષ્ફળતા આદરણીય હોય છે.’ આ શબ્દોમાં જાણે કે એમની આ નિષ્ફળતાનો જ સ્વમાનપૂર્વક, સન્માનપૂર્વક આદર કર્યો છે. એમણે ભલે મિલ્ટનનું મહાકાવ્ય અને એ મહાકાવ્યનું સાધન — બ્લૅંક વર્સ સિદ્ધ ન કર્યું, પણ સૉનેટ, ઓડ આદિ ચિન્તનોર્મિકાવ્ય અને પૃથ્વી આદિ પ્રવાહી પદ્ય તો સિદ્ધ કર્યું જ છે. અને કવિતાનાં મહામંદિરો — પદ્યનાટક અને મહાકાવ્ય — ના ગર્ભદ્વારનું ઉદ્ઘાટન કર્યું છે. આ નિષ્ફળતા પણ એમનું નાનુંસૂનું સદ્ભાગ્ય નથી. એનું પણ મોટું મૂલ્ય છે. આ નિષ્ફળતા પણ કાવ્યપુરુષનો અનુગ્રહ છે. ‘રૂડો દેહ ય તુચ્છ, સુન્દર ન જો તે માંહ્ય દેહી વસે’ — સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષાને કારણે જ એમણે કવિતામાં દેહીનો દેહથી વિશેષ મહિમા કર્યો હતો. અને એથી જ અર્થપ્રધાન, વિચારપ્રધાન કવિતાનો, બુદ્ધિપ્રધાન કલાસર્જનનો પુરસ્કાર અને પક્ષપાત કર્યો હતો. સામાન્ય જીવનવ્યવહારમાં અર્થ અને વિચારના સંદર્ભમાં ભાષાની, વાણીની જો મર્યાદા અને મુશ્કેલી હોય તો સર્જનવ્યાપારમાં અને તેમાંય અર્થપ્રધાન, વિચારપ્રધાન કવિતા જેવા સર્જનવ્યાપારમાં તો સવિશેષ હોય. સંગીતનો ઠઠારો, અલંકારની ટાપટીપ અને છંદની ઝડઝમક એ એનો ઉકેલ કે ઉપાય નથી. એમાં જો સુન્દર દેહી ન વસે તો દેહ, રૂડો દેહ પણ તુચ્છ છે. એથી જ એમણે દેહ — ભાષા, શબ્દ, છંદ, લય, શૈલી, રીતિ આદિ બાહ્ય સૌંદર્ય — ગૌણ અને દેહી — અર્થ, વિચાર, વસ્તુ, કલ્પના, પ્રતિભા, દર્શન આદિ આંતરિક સૌંદર્ય — પ્રધાન એવો કવિતામાં ગૌણપ્રધાનનો વિવેક કર્યો. બલવન્તરાયે સૌ પ્રથમ તો કવિતા અને સંગીતનું દ્વૈત છે એ સ્પષ્ટ કર્યું. કવિતામાધુર્ય એ અર્થ અને ભાવના આરોહઅવરોહનું, અર્થ અને ભાવના પ્રવાહના લયનું માધુર્ય છે અને એ સંગીતમાધુર્યથી ભિન્ન છે એ સિદ્ધ કર્યું. આમ, એમણે કવિતા અને સંગીત વચ્ચે વિચ્છેદ દ્વારા દૃઢ અને નિશ્ચિત સીમાનું સ્વચ્છ અને સ્પષ્ટ રેખાંકન કર્યું અને તે પણ જેમાં ભૂતકાળમાં કવિતા અને સંગીતનો અવિચ્છેદ્ય સંબંધ હતો તે ઊર્મિકાવ્યના સ્વરૂપમાં. એમણે એમની કવિતામાં, જેમાં સંસ્કૃત શબ્દો અને લોકબોલીના શબ્દો સાથેસાથે હોય અને આવા શબ્દોનાં ચિત્રવિચિત્ર મિશ્રણો હોય, જેમાં રૂઢ પદાવલિની ભંગિઓ અને બોલચાલની ભાષાની ભંગિઓ સાથેસાથે હોય અને આવી ભંગિઓનાં ચિત્રવિચિત્ર મિશ્રણો હોય એવી ભાષાનો ઉપયોગ કર્યો. શબ્દોની થરડ-મરડ દ્વારા નવા-નવા શબ્દોનું સર્જન કર્યું. વૃદ્ધિ અને અપવૃદ્ધિ દ્વારા છંદોનો વિસ્તાર અને સંકોચ કર્યો અને ભિન્ન-ભિન્ન છંદોનું મિશ્રણ કર્યું. યતિભંગ, શ્લોકભંગ, પરિચ્છેદ દ્વારા પ્રવાહી પદ્ય સિદ્ધ કર્યું તથા શ્રુતિભંગ દ્વારા સહજ સ્વાભાવિક ઉચ્ચારણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. શૈલીમાં ‘નારિકેલસમં વચ:’ અને રીતિમાં અર્થગૌરવ સિદ્ધ કર્યું. અર્થનું ઓજસ અને ભાવનું માધુર્ય, કાવ્યનું સૌંદર્ય વધુ ને વધુ પ્રગટ થાય એ માટે અનેક કાવ્યોમાં સતત — ‘ભણકારા’માં ચાર વાર અને ‘આરોહણ’માં ત્રણ વાર — પાઠાન્તર કર્યું. ‘ભણકાર’ને પાને-પાને કાવ્યદેહની આ સૌ વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓનાં ઉદાહરણો સુલભ છે. જોકે અહીં નોંધવું જોઈએ કે કાવ્યદેહની આ વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓમાં ક્યારેક અતિચાર થયો છે અને ત્યારે કાવ્યદેહ અસુન્દર થયો છે. પાઠાન્તરોમાં ક્યારેક અતિરેક થયો છે અને ત્યારે અસલ પાઠ અમધુર થયો છે. પણ પ્રારંભકાળના સર્જકપ્રયોગોમાં આમ થવું અનિવાર્ય છે. એમનાં સોએ નવ્વાણું કાવ્યોમાં દેહદેહીસંબંધમાં ગૌણપ્રધાનના આ વિવેકને કારણે અર્થભાવસંકુલની સુગ્રથિત એકતા તથા અર્થભાવસંકુલની નાદસંકુલ સાથેની સુશ્લિષ્ટ સંવાદિતા સિદ્ધ થાય છે અને એ દ્વારા દેહ અને દેહીનું અદ્વૈત પ્રગટ થાય છે. એથી કાવ્યમાં મૂર્તતા, વાસ્તવિકતા અને સ્પર્શક્ષમતા સિદ્ધ થાય છે અને કાવ્ય એક કલ્પન રૂપે પ્રગટ થાય છે. બલવન્તરાય ગુજરાતી ભાષાના પ્રથમ કલ્પનવાદી કવિ (imagist poet) છે. વળી એથી કાવ્ય કલા-આકૃતિ, કલાકૃતિ રૂપે પ્રગટ થાય છે અને કાવ્યમાં આકાર પણ સિદ્ધ થાય છે. બલવન્તરાય ગુજરાતી ભાષાના પ્રથમ આકારવાદી કવિ (formalist poet) પણ છે. ‘બુદ્ધિપ્રધાન કલાસર્જનો માટે વિવરણ હોવું જ જોઈએ’ — આ પ્રતીતિ સાથે આવા સૂક્ષ્મ અને માર્મિક કાવ્યદેહ અને દેહી માટે એમણે પ્રત્યેક કાવ્યસંગ્રહને અંતે વિવરણ રચ્યું છે અને આરંભે નિવેદન કર્યું છે. છતાં આરંભમાં કાવ્યદેહ અને દેહીની આ નવીનતાને કારણે એમની કવિતાને અગેયતા અને કર્કશતાનો આક્ષેપ તથા દુર્બોધતાનો અપવાદ સહન કરવાનું થયું હતું. એમની કવિતામાં વર્ણમાધુર્ય અને લયમાધુર્ય છે. સંગીત નહિ, પણ કવિતાનું સંગીત છે. પણ એમાં ઔચિત્યપૂર્વકની અને અનિવાર્યતા-પૂર્વકની કર્કશતા, કઠોરતા અને રુક્ષતા છે અને સાથે-સાથે મૃદુતા, ઋજુતા અને કોમલતા પણ છે. બલવન્તરાયની કવિતા એટલે ‘ભીની બાની’. એમાં શુષ્કતા તો નથી જ નથી. રસાભાસ પણ નથી. સઘન રસ છે. એમાં દુર્બોધતા પણ નથી. પણ અનન્ય અર્થ અને વિરલ વિચારની શ્રમસાધ્ય અને કષ્ટસાધ્ય સુબોધતા છે. ‘સર્જકપ્રયોગ અર્થે નહિ જો જીવન હશે કયાર્થે તો?’ — સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષાને કારણે બલવન્તરાયને જાણે કે સર્જકપ્રયોગો માટે જ જીવન પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષામાં પૂર્વે મહાકાવ્ય અને એના સાધન બ્લૅંક વર્સનો અર્ધસફળ પ્રયોગ પણ થયો ન હતો. એ ભાષામાં આ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવામાં એમને કોઈ પૂર્વકાલીન કવિની સહાય ન હતી. એમને એકડે એકથી જ આરંભ કરવાનો હતો. એમણે ૧૮૮૮માં કાવ્યયાત્રાના પ્રથમ પદે જ જેમાં મહાકાવ્યનો અણસારો છે એવાં ચિન્તનોર્મિકાવ્યનાં બે સ્વરૂપો — સૉનેટ અને ઓડ — તથા પ્રવાહી પદ્ય અને પૃથ્વીના પ્રયોગથી આરંભ કર્યો. ૧૯૦૦માં એક તપ પછી ‘આરોહણ’ની પૂર્ણાહુતિ પછી એમણે સિદ્ધિયોગ અર્થે જીવન સમર્પણ કર્યું હતું અને આયુષ્યના અંત લગી એ સતત પ્રયોગવીર — બલકે પ્રયોગખોર કવિ રહ્યા હતા. એથી એમણે અન્યનાં કાવ્યોનું અનુકરણ કે પોતાનાં કાવ્યોનું પુનરાવર્તન કદી કર્યું નથી. એમના સર્જનોદ્યાનમાં એકનું એક કાવ્યપુષ્પ બે વાર ઊગ્યું-ઊછર્યું નથી, એ અર્થમાં એમનું પ્રત્યેક કાવ્ય અપૂર્વ છે. સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્ય સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષાને કારણે એમનામાં લઘુમધ્યમ કદનાં કાવ્યો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા હતી. એથી એમના કાવ્યસર્જનમાં વિપુલતા નથી પણ વિશિષ્ટતા છે. એમનાં કાવ્યો અલ્પસંખ્ય છે. બલવન્તરાય કાન્તની જેમ ગ્રંથૈક કવિ છે. એમણે કાન્ત-કલાપીનાં કવનો મિષે જાણે પોતાનાં કાવ્યો વિશે ઉદ્બોધન કર્યું છે : ‘કર્યાં કવન કેટલાં નવ ગણો, કર્યાં તે જુઓ!’ એક વાર એક વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું, ‘નેવનાં પાણી નીતરાં નહિ, ને નીતરાં પાણી ઝાઝાં નહિ.’ બલવન્તરાયની કવિતા એટલે નીતરાં પાણી. પણ એમની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતાને કારણે એમનાં કાવ્યોમાં વિવિધતા છે. એમનામાં સિદ્ધિયોગ પ્રાપ્ત ન થાય ત્યાં લગી પ્રયોગ કરવાનો ઉત્સાહ — આનંદ છે અને ક્યારેક એ સિદ્ધિયોગ પ્રાપ્ત થશે એવી આશા છે. ‘નવ્ય કવિતા’માં એમણે એમની આ પ્રયોગવીરતાનું રહસ્ય પ્રગટ કર્યું છે. બલવન્તરાય ગુજરાતી કવિતા અને પોતાની કવિતાના પણ ગતગૌરવથી પ્રસન્ન નથી. એમની સતત ભાવિ પ્રતિ સવેગ ગતિ છે. એ અર્થમાં એ ગુજરાતી ભાષાના પ્રથમ ભવિષ્યવાદી કવિ (futurist poet) છે. ‘પ્રયોગે પ્રયોગે નહીં સિદ્ધિયોગ’ — બલવન્તરાયનો પ્રત્યેક પ્રયોગ, અલબત્ત, સિદ્ધિયોગ નથી. પણ એમનો પ્રત્યેક પ્રયોગ ગુજરાતી ભાષામાં અનુકાલીન કવિનો અમૂલ્ય વારસો છે અને એમનો જે-જે પ્રયોગ સિદ્ધિયોગ છે એ ગુજરાતી ભાષાની સમકાલીન કે સર્વકાલીન કવિતાનો અપૂર્વ વૈભવ છે. બલવન્તરાયના પિતામહ ચતુર્ભુજદાસ ભરૂચમાં ‘મહાદેવ’ના હુલામણા નામે પ્રસિદ્ધ હતા અને ધાર્મિક વૃત્તિના ભક્તજન હતા. પણ એમના પિતા કલ્યાણરાય એથી વિરોધી વૃત્તિના વ્યવહારુ વકીલ હતા. એથી એમનો જન્મ ‘ભક્તિમાર્ગી કુટુંબ’માં અને ઉછેર ‘ભક્તિમાર્ગી આચારપ્રધાન વાતાવરણ’માં થયો ન હતો. તેમાં રાજકોટ મિશનના વિદ્વાન યુવાન પાદરી હ્યુ આર. સ્કૉટના પ્રભાવથી બૌદ્ધિક જીવનમાં હિન્દુત્વવિમુખતાનો પ્રવેશ થયો અને યુરોપીય સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મનું આકર્ષણ થયું. ૧૮૮૬ લગી વડીલોને વહેમ હતો કે છોકરો વટલી જશે. પણ ૧૮૮૬માં બલવન્તરાયે નિર્ણય કર્યો કે ખ્રિસ્તી તો ન જ થવું. મુંબઈ યુનિવર્સિટી એ યુરોપના ૧૫મી સદીના પુનરુત્થાનની સરજત હતી. અને પુનરુત્થાન એ એક મહાન બૌદ્ધિક ક્રાંતિ હતી. એથી એનું શિક્ષણ એ બિન-સાંપ્રદાયિક માનવતાવાદી બૌદ્ધિકતાનું અને વૈજ્ઞાનિકતાનું, તટસ્થ સમતોલ શાસ્ત્રીય પર્યેષક બૌદ્ધિક વૈજ્ઞાનિક દૃષ્ટિનું શિક્ષણ હતું. સાક્ષરયુગના નર્મદથી ન્હાનાલાલ લગીના સૌ સર્જકોનું શિક્ષણ આ યુનિવર્સિટીમાં થયું હતું. આ સૌ સર્જકોના જીવન અને કવન પર એનો પ્રભાવ હતો. એ સૌમાં બલવન્તરાયના જીવન અને કવન પર એનો સૌથી વધુ પ્રબળ પ્રભાવ હતો. બલવન્તરાયે એમનું સમગ્ર ચિત્તતંત્ર અને રસરુચિતંત્ર પ્રાચીન-અર્વાચીન યુરોપની સંસ્કૃતિની ઉત્તમ પરંપરામાંથી મેળવ્યું — કેળવ્યું હતું. એમનું જીવનદર્શન અને સૌન્દર્યદર્શન ભારતીય ન હતું, યુરોપીય હતું. એમનું સમગ્ર માનસ સંપૂર્ણપણે યુરોપીય હતું. આ માનસનું મૂળ ગ્રીસમાં છે. બલવન્તરાય ગુજરાતીઓમાં ગ્રીક હતા. આ વર્ષોમાં એમણે ધર્મ, ફિલસૂફી અને ઇતિહાસનું વાચનમનનચિંતન કર્યું. સાથે-સાથે એમના પ્રથમ ગુરુ સેલ્બી અને બેઇનનો પણ એમના પર પ્રબળ પ્રભાવ હતો. પરિણામે આ સમયમાં એ ‘વૈજ્ઞાનિક બુદ્ધિના અજ્ઞેયવાદી’ થયા. આરંભનાં વીસેક વરસ એ અદ્વૈતવાદી હતા.. મધ્યકાલીન હિન્દુ ધર્મ અને એની ભક્તિપરંપરા પ્રત્યે એમને અભાવ હતો. પણ પ્રાચીન આર્યસંસ્કૃતિ અને વેદાન્તની પરંપરાનો એમના પર પ્રભાવ હતો. પ્રાચીન આર્યો અને અર્વાચીન યુરોપિયનો વચ્ચે અંધશ્રદ્ધા અને ઊર્મિલતા વિનાની તાર્કિકતા અને બૌદ્ધિકતાનું સામ્ય હતું. બલવન્તરાય અદ્વૈતવાદી હતા. એમણે આર્યસંસ્કૃતિ અને વેદાન્તનો પુરસ્કાર કર્યો હતો પણ હિન્દુ ધર્મ અને મધ્યકાલીન લોકમાનસનો તિરસ્કાર કર્યો હતો. એ હિન્દુ રહ્યા ન હતા અને ખ્રિસ્તી થયા ન હતા. થવાય એમ ન હતું, થવું પણ ન હતું. એથી તેઓ અદ્વૈતવાદીમાંથી અજ્ઞેયવાદી થાય એ સહજ, સરલ અને સ્વાભાવિક હતું. એમના મોટામાં મોટા ગુરુ સીતારામ નારાયણ પંડિતનો એમની પર પ્રબળ પ્રભાવ હતો. એથી એમને હિન્દુ ધર્મના ગુણદોષનું પૂર્ણ દર્શન થયું. સંસારમાં અસહ્ય અને અસહાય દુઃખ, અકળ અને અકાળ મૃત્યુ છે. જગતમાં ધર્મ અને ઈશ્વરને નામે અસત્ય અને હિંસા, શ્રદ્ધાને નામે અંધશ્રદ્ધા છે — આ પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવોને કારણે અદ્વૈતવાદ એ હવે ‘મેં વર્જેલ ભોમ’ હતી. કોઈ નિશ્ચિત કાળસીમા આંકી શકાય એમ નથી પણ તેઓ ક્રમે-ક્રમે ઉત્તરોત્તર અદ્વૈતવાદીમાંથી અજ્ઞેયવાદી થયા. એમના જીવનદર્શનની આ પ્રક્રિયા ‘આરોહણ’ પછી પ્રારંભ પામે છે અને ‘શાપું ત્હને’માં લગભગ નાસ્તિકતાના બિન્દુ લગી પરાકાષ્ઠા પામે છે. ‘ભણકારા’, પૃથ્વી અને ‘આરોહણ’નો પ્રાદુર્ભાવ બલવન્તરાયના કવિજીવનમાં ત્રણ તિથિઓ — ૧૮૮૮, ૧૮૯૨ અને ૧૯૦૦ — નો સવિશેષ મહિમા છે. એમણે ૧૮૮૮માં ‘ભણકારા’ — બલકે એના બીજરૂપ એક સૉનેટ રચ્યું અને ‘આરોહણ’નું ડોળિયું તૈયાર કર્યું, ૧૮૯૨માં પૃથ્વીમાં પ્રથમ કાવ્ય (અપૂર્ણ) રચ્યું. કદાચને એના અનુસંધાનમાં ૧૯૦૦માં ‘આરોહણ’ પૂર્ણ કર્યું. આ એક તપ જેટલા સમયમાં એમણે સૉનેટ અને ઓડ — ગુજરાતી ભાષાનું પ્રથમ ચિન્તનોર્મિકાવ્ય — તથા પૃથ્વી — ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાહી પદ્ય — સિદ્ધ કર્યાં. એમણે પોતાનું પ્રથમ સૉનેટ ‘ભણકારા’ ‘૧૮૯૩ કે તે પહેલાં’ રચાયું એમ ૧૯૧૭માં નોંધ્યું છે. પણ પછી “ભણકારા’ની ખરી સાલ ૧૮૮૮ (મે) છે’ એમ ૧૯૪૭માં સુધાર્યું છે. ‘ભણકારા’ એ ૧૮૯૪માં ‘સુદર્શન’માં ‘જલપ્રવાસ’ શીર્ષકથી જે સૉનેટ પ્રસિદ્ધ થયું હતું એનું પાઠાન્તર છે. ૧૮૮૮ના ઑગસ્ટમાં એમણે જે એક સૉનેટ રચ્યું હતું તે ‘જલપ્રવાસ’ જેમાંથી વૃક્ષરૂપે પ્રગટ્યું હોય એના બીજરૂપ હોય એવું અનુમાન બન્ને કાવ્યોમાં વસ્તુવિષયનું અલ્પાતિઅલ્પ પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ જે સામ્ય છે એને કારણે કરી શકાય. ‘ભણકારા’ ૧૯૧૭માં જે સ્વરૂપે પ્રગટ કર્યું તે સ્વરૂપે ભલે ૧૮૮૮માં ન રચ્યું હોય પણ પોતાના અને ગુજરાતી ભાષાના આ પ્રથમ સૉનેટમાં એના બીજસ્વરૂપે તો રચ્યું જ હતું. આમ, પોતાનું પ્રથમ સૉનેટ ૧૮૮૮માં રચ્યું અને ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટ પોતે રચ્યું એ એમનાં બન્ને વિધાનો કંઈક સાધાર અને સ-પ્રમાણ છે. ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટ પારસી કવિ પિતીતે રચ્યું હોય! અથવા કાન્તે રચ્યું હોય! અને બલવન્તરાયે ન રચ્યું હોય! પણ પ્રથમ સૉનેટ કોણે રચ્યું એનો મહિમા નથી. સમર્થ સૉનેટ કોણે રચ્યું એનો મહિમા છે. બલવન્તરાયે શ્લોકભંગ દ્વારા, પ્રવાહી પદ્ય દ્વારા ગુજરાતી ભાષામાં સૉનેટ સ્વરૂપ શક્ય કર્યું અને ૧૬૬ કે એથીયે વધુ (કેટલાંક સૉનેટ હજુ હસ્તપ્રતોમાં કે સામયિકોનાં પૃષ્ઠોમાં અગ્રંથસ્થ હોય એવો સંભવ છે.) સંખ્યામાં સૉનેટ રચીને સ્થિર કર્યું એ કારણે જ નહિ પણ એથીયે વિશેષ તો બુદ્ધિના તેજથી અને હૃદયની ઉષ્માથી એમાં કલામય સૌંદર્ય સિદ્ધ કર્યું અને પોતાની વિશિષ્ટ અને વિરલ કવિપ્રતિભાથી એમાં ચિન્તનોર્મિકાવ્યનું સર્જન કર્યું એથી બલવન્તરાય ગુજરાતી ભાષાના આજ લગીના સર્વશ્રેષ્ઠ સૉનેટસર્જક છે. ‘ભલે ન ભડ કાય, સુંદર તું તો અણૂ યે અણૂ.’ એવી પ્રશસ્તિપૂર્વક એમની સૉનેટસાધના હતી. એમનું પ્રથમ કાવ્ય સૉનેટ, એમની અંતિમ જન્મતિથિએ એમનું અંતિમ કાવ્ય પણ સૉનેટ. બલવન્તરાયે ૧૮૮૮માં મિલ્ટનના મહાકાવ્યનું અને અંગ્રેજી ભાષાના ઉદાત્ત બ્લૅંક વર્સનું વાચન કર્યું હતું. એની પ્રેરણાથી ગુજરાતી ભાષામાં પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો પ્રથમ વિચાર એમને ૧૮૯૦માં આવ્યો હતો. એ માટે અભંગ-તોટક આદિ છંદોમાં છએક પ્રકારે પ્રયોગ કરવાનો પ્રબળ આવેગ અનુભવ્યો હતો. એમણે એક પછી એક એમ પાંચ દિવસમાં પાંચ પત્રો કાન્તને લખ્યા હતા એમાંના બે પત્રો આ પ્રવાહી પદ્ય અને એના પ્રયોગ અંગે હતા. પછી ૧૮૯૨ના આરંભમાં ભરૂચથી પૂનાના ટ્રેનપ્રવાસમાં વિદાયની વેદનાથી પર થવાના પ્રયત્નમાં અને સાથે-સાથે પવનના પ્રહારોમાં વિચાર અને ઊર્મિની વચ્ચે અસ્તિત્વ આંદોલાતું હતું એ પરિસ્થિતિમાં ટ્રેનના લયની પ્રેરણાથી બીજી વાર અભંગ-તોટકમાં નવ પંક્તિનું એક જોડકણું રચ્યું હતું. આ એમનો પ્રવાહી પદ્યનો પ્રથમ પ્રયોગ હતો. પછી કાન્ત સાથે મધુર પત્રવ્યવહાર થયો હતો અને સાત જ દિવસ પછી ૧૮૯૨ના જાન્યુઆરીની ૩૦મીએ એમણે પૃથ્વીમાં એક કાવ્યનો ૧૦ પંક્તિમાં આરંભ કર્યો હતો. પછી ક્રમે-ક્રમે ૩૭ પંક્તિઓ સુધી એનો વિસ્તાર કર્યો હતો અને મેની ૭મીએ આ પ્રયોગનો ત્યાગ કર્યો હતો. પૃથ્વીમાં પ્રવાહી પદ્યનો આ એમનો પ્રથમ પ્રયોગ હતો. ૧૮૮૭માં ભાવનગરમાં ઇન્ટરની સંસ્કૃતના વિષયની મૌખિક પરીક્ષામાં પરીક્ષક અધ્યાપકો — વૈદ્ય અને જિન્સીવાલે-એ જગન્નાથના ‘રસગંગાધર’માંથી પૃથ્વીમાં એક શ્લોક અન્વય અને અનુવાદ માટે પૂછ્યો હતો ત્યારથી પૃથ્વીનો પરિચય થયો હતો અને ત્યારથી પૃથ્વી મનમાં રમી રહ્યો હતો. આ પ્રયોગના અનુસંધાનમાં જ પછી ૧૮૯૭–૯૮માં અજમેરમાં અલબત્ત અપૂર્ણ પણ પ્રથમ મહત્ત્વાકાંક્ષી કાવ્ય ‘અગાસી ઉપર’ રચ્યું હતું અને એના અનુસંધાનમાં ૧૯૦૦માં પૂનામાં એમણે ‘આરોહણ’ પૂર્ણ કર્યું. વચમાં ૧૮૯૬ લગી વડોદરામાં કાન્ત અને ત્રિભુવનદાસ ગજ્જરના ઘરમાં કાન્ત, ગજ્જર, ત્રિભુવન પ્રેમશંકર, મણિલાલ નભુભાઈ વગેરે સાથે પૃથ્વી અને એની પ્રવાહિતા અંગે વારંવાર એમની ચર્ચાઓ ચાલી હતી. ૧૮૯૫માં કરાંચીમાં કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માંથી વર્ષાવર્ણનના પ્રસિદ્ધ કટાવનું વાચન કર્યું હતું. ૧૮૯૬ લગીમાં પ્રવાહી પદ્ય માટે પૃથ્વી અંતિમતાપૂર્વક શ્રદ્ધેય અને પ્રતીતિજનક લાગ્યો હતો. આધુનિક ગુજરાતી કવિતામાં બલવન્તરાયનો પૃથ્વી અ-પૂર્વ ન હતો. પ્રથમ શિવલાલ ધનેશ્વરે અને પછી હરિ હર્ષદ ધ્રુવ તથા કાન્ત આદિએ એનો પ્રયોગ કર્યો હતો. વળી યતિભંગ, શ્લોકભંગ, પ્રાસરહિતતા, પરિચ્છેદ આદિના સંદર્ભમાં પણ બલવન્તરાયનો પૃથ્વી અ-પૂર્વ ન હતો. પ્રાચીન સંસ્કૃત કવિઓ અને સમકાલીન ગુજરાતી કવિઓએ અનેક છંદોમાં એ સર્વનો અનેક પ્રકારે પ્રયોગ કર્યો હતો, પણ તે ક્વચિત્, વિરલ. એમાંથી કોઈએ પ્રવાહી પદ્ય સિદ્ધ કર્યું ન હતું. એક બલવન્તરાયે જ અનેક છંદોમાં પ્રવાહી પદ્ય સિદ્ધ કરવાનો સતત, વિવિધ પ્રયોગ કર્યો હતો. સુદીર્ઘ કાવ્ય, મહાકાવ્યના સાધન તરીકે એમણે પૃથ્વીનો વિચાર કર્યો. આ સંદર્ભ દ્વારા એમણે પૃથ્વીને એક નવો અર્થ, એક નવું મૂલ્ય અર્પણ કર્યું એટલું જ નહિ એમણે પૃથ્વીમાં એમનાં — અને ગુજરાતી ભાષાનાં પણ — મહાન ચિન્તનોર્મિકાવ્યોનું સર્જન પણ કર્યું અને ૧૯૧૭માં ‘ભણકાર — ધારા ૧’માં નિવેદનરૂપ ‘શુદ્ધ (અગેય) પદ્ય’માં એનું તર્કબદ્ધ અને બુદ્ધિપૂત શાસ્ત્ર પણ રચ્યું. પછી પૃથ્વીના અનુસંધાનમાં એમણે અને અનુકાલીન કવિઓએ અન્ય છંદોમાં — મુખ્યત્વે સંસ્કૃત છંદોમાં — પણ પ્રવાહી પદ્ય સિદ્ધ કર્યું. અંગ્રેજી ભાષામાં પ્રથમ પદ્યનાટકમાં, પછી મહાકાવ્યમાં અને ત્યાર પછી ચિન્તનોર્મિકાવ્યમાં બ્લૅંક વર્સનો વિકાસ થયો. ગુજરાતી ભાષામાં એનો વ્યુત્ક્રમ થયો છે. બલવન્તરાયના ચિન્તનોર્મિકાવ્યમાં એનો આરંભ થયો છે. બલવન્તરાયનો પૃથ્વી એ ગુજરાતી ભાષામાં ભાવિ પદ્યનાટક અને મહાકાવ્યના પ્રવાહી પદ્યની નાન્દી છે. એમણે ૧૮૮૮માં ‘આરોહણ’નું ડોળિયું તૈયાર કર્યું એવું વિધાન વારંવાર કર્યું છે. ‘દિન્કી’માં ૧૮૮૮ના જુલાઈની ૨૫મીએ એમણે નોંધ્યું છે કે બપોરના બારથી ત્રણ એમણે કાન્તની સાથે ટેનિસનની કવિતાનું વાચન કર્યું. પછી ત્યાંથી એ નૅશનલ જનરલ લાઇબ્રેરીમાં ગયા. ત્યાં ટાઉનસૅન્ડ નામના કોઈ એક અંગ્રેજનો લેખ વાંચ્યો. એમાં એવા લીન થયા કે આખોયે લેખ ધ્યાનથી પૂરેપૂરો વાંચી જવાનો નિર્ણય કર્યો. એમના ચિત્ત પર આ લેખની અસર અનિર્વચનીય હતી. પૂર્વે એમણે જીવનમાં ક્યારેય આવો અનુભવ કર્યો ન હતો. જાણે લાલચોળ ધગધગતો લોઢાનો સળિયો હૃદયની આરપાર ભોંકાયો ન હોય! પછી એમણે લેખનો સાર આપ્યો છે : ભારતની પ્રજાને કાયદાના શાસન પ્રત્યે તિરસ્કાર છે. એનો પ્રત્યેક પ્રજાજન સ્વચ્છંદી છે. ત્રણેક સદીમાં અંગ્રેજો ભારતમાં કાયદાનું શાસન સ્થાપવાના એમના ભવ્ય પ્રયોગની નિ:સારતા પામી જશે અને ભારતમાંથી વિદાય થશે પછી દસેક વરસમાં ભારત અંગ્રેજોના આગમન પૂર્વે જેવું હતું તેવું પુનશ્ચ સ્વચ્છંદી થશે. આ વાંચીને બલવન્તરાયે તીવ્ર વેદનાનો અનુભવ કર્યો છે. એકશ્વાસે એકસાથે પાંચપંદર પ્રશ્નો પૂછ્યા છે. કારણ કે આ લેખમાં જે વિચાર છે એ અતિચતુર છે એમ સિદ્ધ કરી શકાય, એનો પ્રતિકાર કરી શકાય એ માટેની કોઈ સહાય-સામગ્રી ભારતના ભૂતકાળ અને વર્તમાનના ઇતિહાસમાંથી સુલભ નથી, એથી પોતાને અને પોતાની પ્રજાના ઇતિહાસને એમણે અનેક પ્રશ્નો પૂછ્યા છે અને એના ઉત્તર માટે ભારતના ઇતિહાસનું વાચનમનનચિન્તન કરવાનો નિર્ણય કર્યો છે. કદાચ ધર્મમાં આ પ્રશ્નોનો ઉત્તર હશે એવા આશ્વાસન પછી ભારતના ભાવિ વિશે ચિંતાપૂર્વક ‘હે પરમેશ્વર!’ એવા સંબોધન સાથે અંતિમ પ્રશ્ન પૂછ્યો છે, ‘પણ ભારતમાં ધર્મ પણ ક્યાં છે?’ આ નોંધના અંતિમ પ્રશ્નોમાં ‘આરોહણ’નું બીજ છે. એમણે ૧૮૮૮માં ‘આરોહણ’નું ડોળિયું તૈયાર કર્યું એવું વિધાન વારંવાર કર્યું ત્યારે એમના મનમાં આ ડાયરીનોંધ હશે. ‘આરોહણ’ અને આ ડાયરીનોંધમાં જે સામ્ય છે એને કારણે આ ડાયરીનોંધ એ ‘આરોહણ’નું ડોળિયું — એવું અનુમાન કરી શકાય. ૧૮૮૨થી ૧૮૮૬ લગી રાજકોટમાં એમને હિન્દુત્વવિમુખતા અને ખ્રિસ્તીધર્માભિમુખતાના ધર્મનો અંગત અનુભવ હતો. પછી મુંબઈમાં આ અસહ્ય અનુભવ થયો. આરંભનાં વીસેક વરસ એ અદ્વૈતવાદી હતા. પણ ૧૮૮૮થી ૧૮૯૨ લગીના ઉચ્ચ શિક્ષણના સમયમાં જ એમાં પરિવર્તનનો આરંભ થયો અને અંતે એ અજ્ઞેયવાદી થયા હતા. વળી આ સમયમાં એમણે ધર્મ, ફિલસૂફી અને ઇતિહાસના અનેક મહાન ગ્રંથોનું ઉગ્ર વાચન અને તીવ્ર મનનચિંતન કર્યું. કવિતા અને ઇતિહાસ આદિના આ વાચનમાં એવા તો રચ્યાપચ્યા રહ્યા કે ફર્સ્ટ બી.એ.ની પરીક્ષામાં નાપાસ થયા. પણ એથી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, એની પ્રગતિ, એના ભાગ્યવિધાતા આદિ વિશે સંકુલ અને સઘન ભાવોદ્રેકનો અનુભવ કર્યો. ૧૮૯૮માં મુંબઈ પાસે કાન્હેરીની ગુફાઓ અને એના મધ્યખંડમાં અશોકસ્તંભો તથા બુદ્ધની પ્રતિમાનું દર્શન કર્યું. બુદ્ધિવાદી બલવન્તરાય પર તર્કશુદ્ધ ધર્મભાવનાના પ્રણેતા બુદ્ધનો પ્રબળ પ્રભાવ હતો. પછીથી એમણે ‘પગલી’માં બુદ્ધ વિશે કાવ્યત્રયી રચી હતી. અહીં આ ક્ષણે પણ એમનું વિચારચંક્રમણ ચાલુ જ હતું. ભારતમાં યુગો પૂર્વે એક વાર શાંત આત્મબળની, વીર આત્મશ્રદ્ધાની ભવ્ય સિદ્ધિ હતી, શ્રદ્ધાની સ્વયંભૂ શક્તિ હતી, એ સજીવ અને સક્રિય હતી. સદીઓથી આજે એ અદૃશ્ય છે. ‘શાથી?’ એવા પ્રશ્નાર્થનો અને ત્રણ વાર ‘અરેરે!’ના કરુણ આશ્ચર્યાર્થનો અનુભવ કર્યો હતો. એના અનુસંધાનમાં ભારતમાં ધર્મનો જીવંત આત્મા નથી પણ રૂઢિ, વિધિ, વહેમ, શિષ્ટાચાર આદિનું જડ નિષ્પ્રાણ ખોખું છે; શ્રદ્ધા નથી પણ અંધશ્રદ્ધા છે; હૃદય-મન-આત્મામાં ધર્મ નથી, ધર્મનું શુકપઠન અને જિહ્વારટન છે. ધર્મભાવનાની નવજાગૃતિ થાય, સંસ્કૃતિનું પુનરુત્થાન થાય એ જ ભારતના પ્રશ્નોનો ઉત્તર છે. ૧૮૯૨ના આરંભમાં પૂનામાં પ્રાસરહિત પૃથ્વીમાં ૩૭ પંક્તિનું પૂર્વોક્ત અપૂર્ણ કાવ્ય રચ્યું. પછી આ સમયમાં કાન્ત સાથે એક ઉનાળામાં — કદાચને ૧૮૯૨ના ઉનાળામાં — ગિરનારનો પ્રથમ વાર (?) પ્રવાસ અને ૧૮૯૩માં એપ્રિલમાં મહાબળેશ્વરનો પ્રવાસ કર્યો. ત્યાંથી કાન્તને વર્ષા, વૃક્ષો, પુષ્પો આદિ પ્રકૃતિસૌંદર્યના વર્ણનના ૬ લાંબા પત્રો મોકલ્યા હતા. ‘પંચોતેરમે’માં બલવન્તરાયે નોંધ્યું છે કે ૧૮૯૬ લગી તો ‘આરોહણ’ હજુ ચાક પર પિંડો હતું. આ અપૂર્ણ કાવ્ય અને ‘આરોહણ’માં સામ્ય છે એને કારણે આ અપૂર્ણ કાવ્ય એ ચાક પરનો પિંડો, ‘આરોહણ’નો પ્રથમ કાચો મુસદ્દો એવું અનુમાન કરી શકાય. પછી એના અનુસંધાનમાં ૧૮૯૭–૯૮માં અજમેરમાં પ્રાસસહિત પૃથ્વીમાં અપૂર્ણ કાવ્ય ‘અગાસી ઉપર’નું ‘મંગલાચરણ’ રચ્યું હતું. આ કાવ્યનો આરંભ ૧૮૯૨ પૂર્વે કર્યો હતો એવું એમણે ૧૯૪૨માં નોંધ્યું પણ છે. ૧૮૯૯માં મેની ૨૪મી અને ૨૮મીની વચ્ચે ચારપાંચ દિવસોમાં ગિરનારનો પ્રવાસ એકલાએકલા કર્યો. પ્રવાસ સંપૂર્ણપણે માણ્યો અને કોઈ સારો સંગાથ હોય તો એકાદ માસ માણી શકાય એવું ગિરનાર અત્યંત આહ્લાદક સ્થળ લાગ્યું અને સત્યની શોધમાં આધ્યાત્મિક આરોહણનું રૂપક લાધ્યું. પછી જૂનની ૬ઠ્ઠીએ ‘આરોહણ’ની પ્રથમ ૨૬ પંક્તિઓ કોઈને — કદાચ માળિયામાં કાન્તને — એક પત્રમાં લખીને મોકલી હતી. પછી જૂનની ૮મીથી ૧૮મી લગી કાન્ત રાજકોટમાં બલવન્તરાય સાથે રહ્યા. તેઓ ગિરનારના પ્રવાસે ગયા તે પૂર્વે અને કાન્ત રાજકોટ આવ્યા પછી એમણે કાન્તના સ્વભાવના રોષ, ઝનૂન, અવ્યવહારુતા આદિ દોષોનું અને વ્યક્તિત્વનાં વિચારશૂન્યતા, અંધશ્રદ્ધા, અતાર્કિકતા આદિ દૂષણોનું ક્રૂર-નિષ્ઠુર પણ તટસ્થ-વાસ્તવિક નિરીક્ષણ-વિશ્લેષણ કર્યું અને આ અંગત આત્મીય મિત્રને, ‘આરોહણ’ના ‘સખા’, ‘હૃદય’ને મૃત્યુ પણ હવે વધુ ‘અગમ્ય અને અપરિચિત’ બનાવી નહિ શકે એવી દારુણ વેદનાનો અનુભવ કર્યો. પછી ૧૯૦૦ના ઑગસ્ટની ૧૬મીએ પૂનામાં એમ.એ.ના વર્ગમાં બ્લુંશ્ચલીના પુસ્તકમાં ‘રાષ્ટ્રનો પરમ ઉદ્દેશ’ પ્રકરણના સંદર્ભમાં એક પ્રશ્ન ‘ભારત એકતા પ્રાપ્ત કરે એવી આશા નહિ જ કે?’ના ઉત્તરમાં ધર્મનો પુનરુદ્ધાર થાય, કલા અને ફિલસૂફીમાં ધર્મવિચાર થાય, તો ધર્મ અને વિચારના સમન્વયમાંથી બધું જ સિદ્ધ થાય એવો અનુભવ કર્યો. અને એની સાથે (૧૯૦૦ના મેમાં, ઉનાળામાં નહિ પણ કદાચ ચોમાસામાં) ‘આરોહણ’ પૂર્ણ કર્યું. અને બલવન્તરાયે ‘હું કવિ થઈ શકીશ’ એવા વિશ્વાસનો, પોતાની સર્જકશોધક શક્તિઓમાં અને કલાશક્તિમાં શ્રદ્ધાનો અને જીવનનું સાર્થક્ય આવા વિષયોના સમર્પણમાં છે એવા શૂરાતનનો અનુભવ કર્યો. ‘આરોહણ’ એમનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે. એમાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સંપૂર્ણપણે વ્યક્ત થાય છે. બલવન્તરાયનું ‘આરોહણ’ ચિન્તનોર્મિકાવ્ય એ ગુજરાતી ભાષાનાં ભાવિ પદ્યનાટક અને મહાકાવ્યની નાન્દી છે. ‘ભણકાર’નો પ્રભાવ બલવન્તરાયે ૧૯૦૯માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો પ્રથમ વાર વિચાર કર્યો ત્યારે એમનું ૪૦ વર્ષનું વય હતું. એ માટે અર્પણકાવ્ય પણ રચ્યું. પણ પછીથી લઘુમધ્યમ કદનાં કાવ્યો પ્રત્યે ઉદાસીનતાને કારણે જે ત્રણ સુદીર્ઘ કાવ્યોનો આરંભ કર્યો હતો એમાંથી એકાદ કાવ્ય પણ પૂર્ણ થાય પછી જ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો પુનર્વિચાર કર્યો. એમાંથી ૧૯૧૩માં એક સુદીર્ઘ કાવ્ય ‘પ્રેમનો દિવસ’ પૂર્ણ પણ થયું છતાં અન્ય અંગત કારણે — કદાચને ૧૯૧૫માં પત્ની ચન્દ્રમણિના અવસાનને કારણે — એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૧૭માં ‘ભણકાર — ધારા ૧’ શીર્ષકથી પ્રગટ થયો ત્યારે એમનું ૪૮ વર્ષનું વય હતું. કાવ્યસંગ્રહના પ્રકાશનના સંદર્ભમાં માત્ર નરસિંહરાવ અને ન્હાનાલાલ જ સદ્ભાગી હતા. કલાપી, કાન્ત અને ક્લાન્તના કાવ્યસંગ્રહોનું તો મરણોત્તર પ્રકાશન જ થયું હતું. એમની કાવ્યસાધનાના ત્રણેક દાયકા દરમિયાન એમનાં ત્રીસેક જેટલાં કાવ્યો એ સમયના ત્રણ મહાન વિવેચકો રમણભાઈ, મણિલાલ અને આનંદશંકરના તંત્રીપદે ‘જ્ઞાનસુધા’, ‘સુદર્શન’ અને ‘વસન્ત’ સમેત કુલ આઠેક સામયિકોમાં પ્રસિદ્ધિ પામી ચૂક્યાં હતાં. છતાં બલવન્તરાયની મુખ્યત્વે વિદ્વાન, સાક્ષર, ઇતિહાસકાર તરીકે પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા હતી, કવિ તરીકે નહિ. આ સમયમાં નરસિંહરાવ, કાન્ત, કલાપી અને ન્હાનાલાલ કવિ તરીકે અતિ લોકપ્રિય હતા. એમનો એક વિશાળ વાચકવર્ગ અસ્તિત્વમાં હતો. વળી નરસિંહરાવને રમણભાઈ અને આનંદશંકરના વિવેચનનો, કાન્તને નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ અને સ્વયં બલવન્તરાયના વિવેચનનો, કલાપીને કાન્ત અને ન્હાનાલાલના વિવેચનનો તથા ન્હાનાલાલને નરસિંહરાવ, કાન્ત અને રણજિતરામના વિવેચનનો જાહેરમાં લાભ થયો હતો. બલવન્તરાયને એક પણ સમકાલીન કવિ કે વિવેચકનો આવો કોઈ લાભ થયો ન હતો. આરંભમાં કાન્તના વિવેચનનો ખાનગીમાં લાભ થયો હતો ત્યારે પણ પદ્યરચના આદિ અંગે બન્નેમાં રસરુચિભેદ હતો. વળી નરસિંહરાવમાં પદ્યનો સ્વીકાર, ગેયતાનો સ્વીકાર અને પદ્યમાં ગેયતાનું અનિવાર્ય બંધન; કાન્ત અને કલાપીમાં પદ્યનો સ્વીકાર પણ પ્રવાહી પદ્યનો અસ્વીકાર અને પદ્યમાં નહિ બંધન, નહિ મુક્તિ : ન્હાનાલાલમાં ડોલનમાં પદ્યનો અસ્વીકાર, ગેયતાનો અસ્વીકાર અને પદ્યમાંથી મુક્તિ; બલવન્તરાયમાં પદ્યનો સ્વીકાર, ગેયતાનો અસ્વીકાર અને પદ્યમાં મુક્તિ — આ પાંચ સમકાલીન કવિઓની પદ્યરચના અંગેની આ અત્યાગ્રહી અને અંતિમતાપૂર્વકની પ્રતીતિઓ હતી. આ સમયમાં નરસિંહરાવ, કાન્ત, કલાપી અને ન્હાનાલાલમાંથી કોઈ ને કોઈનું એમની અતિલોકપ્રિયતાને કારણે કવિતાના જગતમાં શાસન હતું. એથી બલવન્તરાયને સમકાલીન કવિસભામાં વિરોધપક્ષના આજીવન સભ્ય અને પછીથી નેતા રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ‘ભણકાર — ધારા ૧’માં પ્રવાહી પદ્યમાં વિચારપ્રધાન કવિતા હતી. આમ, શૈલીસ્વરૂપ અને વસ્તુવિષય બન્નેમાં એકસાથે અનેક પ્રકારની નવીનતાને કારણે એની વિરુદ્ધ બહુસંખ્ય વાચકો અને વિવેચકોએ અગેયતા, દુર્બોધતા અને કર્કશતાનો અપવાદ અને આક્ષેપ કર્યો હતો. ક્યારેક તો ઉપાલંભ અને ઉપહાસ પણ કર્યો હતો. ‘ભણકાર — ધારા ૧’માં આરંભે જ એમણે ‘શુદ્ધ (અગેય) પદ્ય’ લઘુનિબંધમાં નવીન કવિતાનું ઘોષણાપત્ર વાચકો અને વિવેચકો સમક્ષ રજૂ કર્યું હતું. પછીથી ‘પૂછું, મ્હને કટેવ’ અને ‘નવ્ય કવિતા’માં રસિક વિવેકી સુપાત્રને એમણે સકુતુક પ્રશ્નો પણ પૂછ્યા હતા. આવી કવિતા અને કવિતાભાવનાનો ભાવકવર્ગ અધિકારી પણ અલ્પસંખ્ય હોય એ વિશે એમને સહેજ પણ શંકા ન હતી, તો એ સદાય અલ્પસંખ્ય ન હોય એ વિશે એમને સંપૂર્ણ શ્રદ્ધા પણ હતી. ૧૯૦૩માં હિંમતલાલ ગણેશજી અંજારિયાનો અર્વાચીન ગુજરાતી કવિતાનો સુવર્ણસંચય ‘કાવ્યમાધુર્ય’ પ્રગટ થયો. એમાં બલવન્તરાયની કવિતાને સ્થાન પ્રાપ્ત થયું. પણ એ અનેકમાંના એક તરીકેનું સ્થાન હતું. પણ ‘ભણકાર — ધારા ૧’ના આગમનની સાથે-સાથે જ એક મહાત્માના મહાકાર્યનું આગમન થયું. અને એ ધન્યવિરલ સુયોગથી બલવન્તરાયની કવિતાને અનન્ય સ્થાન, ગુજરાતના કાવ્યરથના સારથિનું સ્થાન પ્રાપ્ત થયું. કશુંક ભવ્ય, કશુંક સુંદર હવે સ્વપ્નલોકમાં શોધવાનું, મહાકાવ્યમાં કલ્પવાનું ન રહ્યું, એ હવે ગાંધીને નામે સાકાર થયું હતું, આ ભૂતલ પર સદેહે વિચરતું હતું, વાસ્તવલોકમાં સાક્ષાત્ વિહરતું હતું. ગુજરાતમાં સમગ્ર વાતાવરણમાં જાણે વિદ્યુત્સંચાર થયો. એના પુણ્યોજ્જ્વલ પ્રકાશમાં બલવન્તરાયની મૂર્ત, સઘન, સ્પર્શક્ષમ, વાસ્તવપ્રિય કવિતાનું સંપૂર્ણ ગૌરવ સહસા સ્વયંસ્પષ્ટ થયું. હવે અનુકાલીન કવિઓની સંવેદના અને સહાનુભૂતિનો વિસ્તાર થયો હતો, દેશ અને દુનિયાના સંદર્ભમાં એમના અનુભવોનો અને એમની વૈશ્વિક સભાનતાનો વિકાસ થયો હતો. હવે પછીની ગુજરાતી ભાષાની કવિતા માટે બલવન્તરાયનું પ્રવાહી પદ્ય અને ચિન્તનોર્મિકાવ્ય અનુરૂપ અને અનુકૂળ જ નહિ, અનિવાર્ય હતું. સુન્દરમ્‌-ઉમાશંકર આદિ કવિઓએ એનું હૃદયથી સ્વાગત કર્યું, રામનારાયણ આદિ વિવેચકોએ એનો આદર-સત્કાર કર્યો અને અસંખ્ય વાચકોએ એનો સંપૂર્ણ સ્વીકાર કર્યો. સાથે-સાથે બલવન્તરાયે પણ બે કાવ્યસંગ્રહોની વચ્ચે- વચ્ચે વિવેચન દ્વારા સક્રિય કવિ-વિવેચક તરીકેના ક્ષત્રિયધર્મનું પાલન કર્યું હતું. ૧૯૧૭માં ‘ભણકાર — ધારા ૧’માં ‘શુદ્ધ (અગેય) પદ્ય’માં પ્રવાહી પદ્ય વિશે, ૧૯૨૪માં ‘કવિતાશિક્ષણ’માં વિચારપ્રધાન કવિતા વિશે, ૧૯૨૮માં ‘લિરિક’માં અંગ્રેજી કાવ્યોનાં ઉદાહરણોની સહાયથી ઊર્મિકાવ્ય વિશે વિવેચન કર્યું અને યુદ્ધનું આહ્વાન કર્યું. ૧૯૩૧માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં યુદ્ધનો વ્યૂહ રચ્યો અને ૧૯૪૨માં ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ગુજરાતી કાવ્યોનાં ઉદાહરણોની સહાયથી યુદ્ધનો વિજયોત્સવ રચ્યો. પરિણામે બલવન્તરાય ગુજરાતના વાચક-વિવેચકોના આદર્શ કવિતાશિક્ષક થયા, નવીન કવિઓના અનન્ય કવિકુલગુરુ થયા. ‘ભણકાર’ની પ્રતિભા ‘ભણકાર — ધારા ૧’, ‘ભણકાર — ધારા ૨’, ‘મ્હારાં સૉનેટ’, ‘ભણકાર — ૧૯૪૨’, ‘ભણકાર — ૧૯૫૧’, ‘મ્હારાં સૉનેટ’ (સંવર્ધિત, મરણોત્તર) — આમ, છએક દાયકાના સુદીર્ઘ સર્જનકાળમાં બલવન્તરાયના આ છ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ઉપરાંત ‘ગોપીહૃદય’ કથાકાવ્યનું અનુસર્જન પણ પ્રસિદ્ધ થયું છે. ૧૯૫૦ પછીનાં કાવ્યોનો સંગ્રહ ‘ભણકારોત્તર’ શીર્ષકથી પ્રસિદ્ધ કરવાનું એમણે અંતિમ વર્ષોમાં વિચાર્યું હતું. અન્ય કેટલાંક કાવ્યો હસ્તપ્રતમાં છે. એમાંથી ‘નિરુત્તમા’ કથાકાવ્ય અપૂર્ણ સ્વરૂપમાં મરણોત્તર પ્રસિદ્ધ થયું છે. ભવિષ્યમાં એમનાં સમગ્ર કાવ્યોનો સંચય (Collected Poems) થશે ત્યારે એનું ‘ભણકાર’ શીર્ષક સૌથી વધુ સુયોગ્ય અને સાર્થક હશે. અને ‘ભણકારા’ સૉનેટ એમાં પ્રસ્તાવનારૂપ કાવ્ય હશે. બલવન્તરાયે એમની સમગ્ર કવિતાના રહસ્યનું એમના પ્રથમ કાવ્યસંગ્રહના શીર્ષકમાં અને એમના પ્રથમ સૉનેટના વિષયમાં જ સૂચન કર્યું છે, ‘મ્હારી કવિતાઓને ‘ભણકાર’ નામ આપું છું, આ સૉનેટનો વિષય છે તે અર્થમાં.’ આમ, બલવન્તરાયની વિચારપ્રધાન કવિતા એ ‘ભીની’ અને ‘નીતરી’ બાની તો છે, પણ અંતે એ ‘છાની’ બાની, ‘શી ય’ બાની છે. બલવન્તરાયની કવિતાના કેન્દ્રમાં અનેક વિરોધાભાસો છે, એ સૌના મૂળમાં આ વિરોધાભાસ (paradox) છે. ‘ભણકાર’નાં કાવ્યો કોઈ વૈશ્વિક ભવ્યતાના, વૈશ્વિક સૌંદર્યના ભણકાર છે, પ્રકૃતિ અને પરમેશ્વરનો આશીર્વાદ અને અનુગ્રહ છે, પ્રસાદ છે. બલવન્તરાયે ‘ભણકાર — ૧૯૪૨’માં એમનાં કાવ્યોને વસ્તુવિષયના સંદર્ભમાં સાત ગુચ્છ રૂપે પ્રથમ વાર રજૂ કર્યાં છે. પછી ‘ભણકાર — ૧૯૫૧’માં પણ વસ્તુવિષયના સંદર્ભમાં જ, પણ નવાં સંયોજનો-મિશ્રણો સાથે અને સાત ગુચ્છ રૂપે જ રજૂ કર્યાં છે. જોકે એમાં એક ગુચ્છનું કાવ્ય અન્ય ગુચ્છમાં સ્થાન પામી શકે એવું પણ એમનું સૂચન છે. બલવન્તરાયના આ સાત ગુચ્છમાં બે પ્રકારનાં કાવ્યો છે : આત્મલક્ષી કાવ્યો અને પરલક્ષી કાવ્યો. અંગત આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુવિષયક કાવ્યો છે; પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વરવિષયક કાવ્યો છે. એક વિષય કે વર્ગના કાવ્યનું અન્ય વિષય કે વર્ગમાં સ્થાન હોય, એટલી આ વિષયવાર વર્ગીકરણમાં સ્થિતિસ્થાપકતા હોય એ ભાગ્યે જ કહેવાનું હોય, વળી એમનું પ્રત્યેક ઊર્મિકાવ્ય મુખ્યત્વે ચિન્તનોર્મિકાવ્ય છે એથી એમનું આત્મલક્ષી કાવ્ય પણ અંતે તો પરલક્ષી કાવ્ય જ હોય, એ પણ ભાગ્યે જ કહેવાનું હોય. પ્રેમ : ‘પ્રેમનો દિવસ’નો ૧૮૮૯માં પૂનામાં બલવન્તરાયે આરંભ કર્યો ત્યારે ડી. જી. રૉસેટીની સૉનેટમાલા ‘The House of Life’ (‘જીવનનું મંદિર’)ની પ્રેરણાથી સૉનેટમાલા રૂપે રચવાનું વિચાર્યું હતું. પછી ૧૯૦૯માં એ વિચારનો ત્યાગ કર્યો અને અંતે ૧૯૧૩માં ૪ સૉનેટેતર મણકા સાથે કુલ ૧૮ મણકામાં કાવ્ય પૂર્ણ કર્યું. પછીથી એક વધુ મણકો ‘છંદોમંગે’ યોગ્ય સ્થાને ઉમેર્યો હતો એથી કાવ્યમાં કુલ ૧૯ મણકા છે. ‘અર્પણ’માં ‘ઇંદુલેખા’ દ્વારા સૂચન છે તેમ આ કાવ્ય પત્ની ચન્દ્રમણિને અર્પણ કર્યું છે. એમને આમ આરંભથી જ સૉનેટમાલા રચવાની જીવનભરની મહત્ત્વાકાંક્ષા હતી. પછીથી ‘આઝાદી વધશે જ’ અને ‘સુખદુઃખ’ એમ બે સૉનેટમાલા રચવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો. આ બન્ને સૉનેટમાલા અપૂર્ણ છે. એમણે ‘પ્રેમનો દિવસ’ને પરલક્ષી સર્વાનુભવનું કાવ્ય કહ્યું છે. પણ એમાં ક્યાંક-ક્યાંક કોઈ-કોઈ અંગત આત્મલક્ષી સ્વાનુભવ પણ ઉપસ્થિત છે. સૌથી પ્રથમ ‘અદૃષ્ટિ દર્શન’ ૧૮૮૯માં પૂનામાં ચન્દ્રમણિ પ્રથમ વાર પાંચેક અઠવાડિયાં માટે પતિગૃહે રહ્યાં અને પિયર વિદાય થયાં પછી પ્રેમ રૂપે નહિ તો એક ગહન વાસ્તવ રૂપે સહજીવનનો આ જે પ્રથમ અનુભવ થયો એની ઊર્મિઓ — પ્રણયસ્મૃતિઓની પ્રેરણાથી રચ્યું હતું. ‘નાયકનું ચિંતવન’ ૧૮૯૯માં રાજકોટમાં કાન્ત બલવન્તરાય અને એમના કુટુંબ સાથે દસેક દિવસ રહ્યા ત્યારે એમની મનોદશાનો જે અનુભવ થયો એના પ્રતિભાવની પ્રેરણાથી રચ્યું હતું. ‘ફૉયસાગર’ ૧૮૯૯માં અજમેરમાં પાસેના ગિરિપ્રદેશમાં વર્ષાઋતુમાં એ નામના સરોવરના સૌંદર્યનો અનુભવ કર્યો એની પ્રેરણાથી રચ્યું હતું. વર્ષો પછી ફૉયસાગરનું પરિવર્તન થયું એ નિમિત્તે શીર્ષકનું પણ ‘વર્ષાની એક સુંદર સાંઝ’ એવું પરિવર્તન કર્યું અને કાવ્યમાંથી આત્મલક્ષી સ્વાનુભવ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છતાં સમગ્ર કાવ્યમાં ક્યાંક-ક્યાંક કોઈ- કોઈ અંગત આત્મલક્ષી સ્વાનુભવનો અણસારો આવ્યા વિના રહેતો નથી. કાવ્યમાં ‘એક કલ્પિત યુગ્મના હૃદયજીવનમાંની કેટલીક ક્ષણોનાં ચિત્રો’ છે. પ્રત્યેક મણકામાં એક ક્ષણનું ચિત્ર છે એથી ૧૮ ક્ષણોનાં ચિત્રો છે. એક કલ્પિત દંપતીના જીવનમાંથી પ્રકીર્ણ ક્ષણો દ્વારા એમની પ્રેમસમુત્ક્રાંતિનું છાયાચિત્ર છે. કાવ્યમાં નાયક અને નાયિકા બે જ પાત્રો છે, અને તે કવિ અને કવિપત્ની નથી, કલ્પિત છે; નાયક અને નાયિકાનાં નામ નથી; નાયક, નાયિકા જે ગણો તે પ્રેમ જ છે, ‘કેવાં તું હું? અસલ રસમાં એક સો’હં શિવો’હં.’ એ અર્થમાં આ પરલક્ષી સર્વાનુભવનું કાવ્ય છે. એમાં નાયક-નાયિકાની સતત સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે. એ અર્થમાં આ નાટ્યાત્મક ઊર્મિકાવ્ય છે. નાયકની ઉદાસીનતા, મલિનતા અને નાયકનું પ્રાયશ્ચિત્ત, પછી નાયિકાની ક્ષમા, પ્રાર્થના અને આત્મૈક્ય દ્વારા પ્રેમ, પછી સંતાનનો જન્મ, સંતાનનું મૃત્યુ, નાયિકાની બહેનનું મૃત્યુ, નાયકનું મૃત્યુ અને અંતે નાયિકાનું આત્મહત્યાથી મૃત્યુ — કાવ્યમાં આટલા કલ્પિત પ્રસંગો છે. પણ શક્ય એટલા સાદા, સરલ, વાસ્તવિક, સ્વાભાવિક સર્વાનુભવના પ્રસંગો છે. આ કથાકાવ્ય નથી, એથી પ્રસંગો અલ્પસંખ્ય છે, કથાવસ્તુ નહિવત્ છે. પ્રત્યેક મણકો એક ચિત્ર છે. આ વર્ણનકાવ્ય નથી, એથી ચિત્રનું વિગતે વર્ણન નથી, પ્રત્યેક ચિત્ર છાયાચિત્ર છે. પ્રત્યેક ચિત્ર સ્વતંત્ર છે પણ પૂર્વના ચિત્રનું એમાં અનુસંધાન છે. એ અર્થમાં કાવ્યમાં એકતા છે. કાવ્યમાં હૃદયજીવનની ક્ષણોનાં ભાવપ્રધાન ચિત્રો છે. એ અર્થમાં આ ઊર્મિકાવ્ય છે. એમાં ભાવની ઉત્કટતા છે. કાવ્ય પ્રેમવિષયક ફિલસૂફી રૂપે નથી પણ પ્રેમવિષયક ફિલસૂફી કાવ્ય રૂપે, રસ રૂપે છે. એમાં રસની ઉગ્રતા છે. એ અર્થમાં કાવ્યમાં સ્થળ, કાળ અને કાર્યની એકતા નથી, ભાવ અને રસની એકતા છે. બલવન્તરાયે આ કાવ્યમાં કાળસંકોચ કર્યો છે, દાંપત્યના સમગ્ર જીવનકાળને એક દિવસ લેખે રજૂ કર્યો છે, જેમ ન્હાનાલાલે ‘શરદપૂનમ’માં એક રાત લેખે રજૂ કર્યો છે. ભિન્ન-ભિન્ન ક્ષણે, ભિન્ન-ભિન્ન પ્રસંગે, ભિન્ન- ભિન્ન પરિસ્થિતિમાં નાયક-નાયિકાના વ્યક્તિત્વનો અને પ્રેમનો વિકાસ થાય છે અને દેહ-મન-આત્માનું પૂર્ણ ઐક્ય થાય છે. બલવન્તરાયે પછીથી ‘મ્હારાં સૉનેટ’(૧૯૩૫)માં વિવરણમાં અને ‘ભણકાર — ૧૯૫૧’માં ગુચ્છ ૩ના નિવેદનમાં આ કાવ્યના અંતનું ગ્રીક વક્રતા અને અજ્ઞેયવાદના સંદર્ભમાં અર્થઘટન અને રહસ્યોદ્ઘાટન કર્યું છે. કાવ્યના અંતભાગમાં ચાર મૃત્યુ થાય છે. એમાં ‘સતી’માં નાયકનું મૃત્યુ થાય છે અને પછી નાયિકાનું આત્મહત્યાથી મૃત્યુ થાય છે. ‘માનવ જેવા જંતુને ન્હાને મોંએ ન છાજે એવડો મોટો દાવો — એવું અતિ અભિમાન — તેને દંડવા જ જાણે દેવો માણસને માથે મૃત્યુ અને બીજાં દુઃખો નાખતા’ — આ ગ્રીક વક્રતાના સંદર્ભમાં ‘પ્રેમનું નિર્વાણ’માં મનુષ્યનો અહમ્ છે એથી ‘સતી’માં એની શિક્ષા રૂપે મૃત્યુ છે. ‘પ્રેમ પણ મૃત્યુથી મર્યાદિત હોઈ કેટલો તો અપર્યાપ્ત છે, એ છે ‘પ્રેમનો દિવસ’નું તાત્પર્ય.’ અને એથી જ ‘શંકાનું નિરૂપણ આ કૃતિમાં નબળું હશે — પણ છે ખરું એટલું જરૂર જોઈ લેવું.’ (‘પ્રેમનું નિર્વાણ’ ઉપરાંત ‘પ્રેમનો પ્રાત:કાલ’ અને ‘પ્રેમનો મધ્યાહ્ન’ — જ્યાં જ્યાં નાયકની આત્માના ઐક્ય અંગેની ઉક્તિ છે ત્યાં-ત્યાં પ્રેમ અંગે આત્મપ્રતારણા અને નાયકનો અહમ્ હોય એવી શંકાનું નિરૂપણ છે). આ અજ્ઞેયવાદના સંદર્ભમાં ‘પ્રેમનું નિર્વાણ’માં જે શ્રદ્ધા છે એને વિશે ‘સતી’માં શંકા છે. ‘પ્રેમનું નિર્વાણ’માં નાયક-નાયિકાનો પ્રેમ અદ્વૈતવાદના બિન્દુ લગી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે પણ પછી બલવન્તરાયનો અજ્ઞેયવાદ નાસ્તિકતાના બિન્દુ લગી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે એથી એમણે અંતે ‘પ્રેમનો દિવસ’માં પ્રેમમાં મૃત્યુને કારણે દ્વૈત છે, અદ્વૈત અને અમૃત નથી એવી શંકાદૃષ્ટિથી પ્રેમનું દર્શન કર્યું છે. ‘પ્રેમનો દિવસ’ની પતાકામાં અને કાવ્યને અંતે અંગ્રેજી રહસ્યવાદી કવિ બ્લેઇકની પ્રસિદ્ધ પંક્તિઓના અનુવાદમાં પ્રેમમાં અંતે અદ્વૈત અને અમૃત નથી, પણ મૃત્યુ અને દ્વૈત છે એનું સૂચન છે. બલવન્તરાયે ૧૯૧૩માં ‘પ્રેમનો દિવસ’, પ્રેમનું કાવ્ય પૂરું કર્યું અને તરત જ ૧૯૧૪માં ‘વિરહ’નો મૃત્યુના કાવ્યનો આરંભ કર્યો એ કેટલું સૂચક છે! ‘પ્રેમનો દિવસ’માં અંતે મૃત્યુ છે, ‘વિરહ’માં આરંભે મૃત્યુ છે. પ્રેમ પછી મૃત્યુ, પ્રેમનું મૃત્યુ, પ્રેમ = મૃત્યુ. આમ, પ્રેમ અને મૃત્યુ એ બે ભિન્ન-ભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એનું એમાં સૂચન છે. ‘વિરહ’માં ‘પૂર્વાર્ધ — શૂળ’ અને ‘ઉત્તરાર્ધ — કાલક્રમે શાંતિ’ એમ બે ભાગ છે. ૮ મણકાનો પૂર્વાર્ધ ૧૯૧૭ લગીમાં રચ્યો હતો. પછી ૮ મણકાનો ઉત્તરાર્ધ ૧૯૩૭ લગીમાં રચ્યો હતો. એમાં પછી ઉત્તરાર્ધમાં ૧૯૫૧ લગીમાં પ્રસિદ્ધ કાવ્યો ‘ચકરડું’ અને ‘શાંતિ’ યોગ્ય સ્થાને યોજીને અને એક નવો મણકો ‘પ્રલાપ’ યોજીને ત્રણ મણકા ઉમેર્યા હતા એથી અંતે ‘વિરહ’માં કુલ ૧૯ મણકા છે. ‘વિરહ’માં કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચન્દ્રમણિ નાયિકા છે. ૧૯૧૫માં ચન્દ્રમણિનું ૪૦ વર્ષની અતિ કાચી વયે અવસાન થયું. લગ્ન ૧૮૮૭માં થયું હતું. ૧૯૧૪માં ચન્દ્રમણિ વિદ્યમાન હતાં ત્યારે જ ‘વિરહ’નો આરંભ કર્યો હતો. — એથી ‘પચ્ચીશી મહાલ્યાં પૂરી’ — ૨૫ વર્ષનું દાંપત્ય એ ‘વિરહ’ની પૂર્વભૂમિકા છે. ૧૯૧૪માં કૅન્સરના રોગનું નિદાન થયું ત્યારથી મૃત્યુ નિશ્ચિત હતું. એથી ‘વિરહ’નો આરંભ મૃત્યુની ગાઢ છાયામાં થયો છે. મૃત્યુ ૬ઠ્ઠા મણકામાં થાય છે. એથી નાયકના વિરહનો, વિરહશૂળનો આરંભ ૭મા મણકાથી થાય છે. ‘પ્રેમનો દિવસ’ અને ‘વિરહ’ કાવ્યયુગ્મ છે. એમાં શૈલીસ્વરૂપ અને વસ્તુવિષયનું ક્યાંક સામ્ય અને ક્યાંય અસામ્ય છે. ‘પ્રેમનો દિવસ’ પરલક્ષી સર્વાનુભવનું કાવ્ય છે. ‘વિરહ’ અંગત આત્મલક્ષી સ્વાનુભવનું કાવ્ય છે, અને એમનાં આ પ્રકારનાં કાવ્યોમાં સૌથી વધુ લાંબું કાવ્ય છે. ‘પ્રેમનો દિવસ’, એના પ્રસંગો, નાયક-નાયિકા કલ્પિત છે — બલકે નાયક-નાયિકા છે જ નહિ, એમને સ્થાને નાયક-નાયિકા જે ગણો તે પ્રેમ છે — વળી પ્રેમ પણ કલ્પિત છે, પ્રેમનું નિર્વાણ પણ કલ્પિત છે. ‘વિરહ’, એના પ્રસંગો નાયક-નાયિકા વાસ્તવિક છે; એમનો પ્રેમ, નાયિકાના મૃત્યુ પછી નાયકનો વિરહ, એનું શૂળ વાસ્તવિક છે. જોકે ‘પ્રેમનો દિવસ’ અને ‘વિરહ’ વચ્ચે, ‘આરોહણ’ અને ‘ચોપાટીને બાંકડે’ વચ્ચે છે તેમ, કાર્યકારણસંબંધ નથી. બલવન્તરાયે ‘પ્રેમનો દિવસ’ ન રચ્યું હોત તોપણ ‘વિરહ’ રચ્યું હોત. પણ આ વાસ્તવિક અનુભવના કાવ્યની પૂર્વે કલ્પિત અનુભવનું કાવ્ય ન રચ્યું હોત તો ‘વિરહ’માં કેટલુંક કલ્પિત કદાચ પ્રવેશ પામ્યું હોત. શૈલીસ્વરૂપમાં ‘પ્રેમનો દિવસ’માં નાયક-નાયિકાની સતત સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે. ‘વિરહ’માં પૂર્વાર્ધમાં નાયક-નાયિકાની સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે. અને નાયિકાના મૃત્યુ પછી નાયકની સ્વગતોક્તિઓ છે. ‘પ્રેમનો દિવસ’માં અલ્પસંખ્ય પ્રસંગો, નહિવત્ કથાવસ્તુ અને છાયાચિત્રાત્મક વર્ણન છે. ‘વિરહ’માં આ સૌનું અસ્તિત્વ જ નથી. વસ્તુવિષયમાં બન્ને કાવ્યોમાં નાયક-નાયિકા ઉભયના સ્વભાવ અને સંબંધનું સામ્ય છે. એથી પણ ‘પ્રેમનો દિવસ’માં ક્યાંક-ક્યાંક કોઈ-કોઈ અંગત આત્મલક્ષી સ્વાનુભવનો અણસારો આવ્યા વિના રહેતો નથી. ‘પ્રેમનો દિવસ’માં દાંપત્યજીવનમાં લગ્નથી મૃત્યુ લગીનો નાયક-નાયિકાના મિલનનો અનુભવ છે, એનો આનંદ અને ઉત્સાહ છે. ‘વિરહ’માં દાંપત્યજીવન પૂર્વભૂમિકારૂપ છે અને નાયિકાના મૃત્યુ પછી નાયકનો વિરહનો અનુભવ છે, એનું શૂળ છે. ‘પ્રેમનો દિવસ’માં પ્રથમ નાયકનું મૃત્યુ પછી નાયિકાનું આત્મહત્યાથી મૃત્યુ છે. ‘વિરહ’માં પ્રથમ નાયિકાનું મૃત્યુ પછી નાયકનું મૃત્યુતુલ્ય જીવન છે. ‘પ્રેમનો દિવસ’માં દિવસ અને પ્રકાશ છે. ‘વિરહ’માં રાત્રિ અને અંધકાર છે. પણ બન્નેમાં પ્રેમ પછી અદ્વૈત અને અમૃત નથી, મૃત્યુ અને દ્વૈત છે. ‘વિરહ’ના પૂર્વાર્ધમાં શૂળ છે. કાવ્યના આરંભે જ નાયકમાં વિરહને સહેવાની, વિશ્વયોજનાને સમજવાની શક્તિ નથી, એને સ્તવવાની શ્રદ્ધા નથી, એથી રુદનનો કોઈ અર્થ નથી એવો નાયકનો એકરાર છે. એમાં બલવન્તરાયનું અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. નાયિકાના મૃત્યુ પૂર્વે નાયક અને નાયિકાનું અદ્વૈત સિદ્ધ થયું નથી. એથી નાયકના જીવનમાં અભેદ્ય એકલતા છે. આ એકલતામાં માત્ર એક જ મનુષ્યને-નાયિકાને — પ્રવેશનો અધિકાર હતો. પણ એનામાં આ એકલતા અને અદ્વૈત વિશેનું સમયસર ‘બુદ્ધિ-પ્રપાત’ — જ્ઞાન ન હતું. એનામાં સમયસર સમજ હોત તો સુખ અને પ્રેમ દ્વારા એણે અદ્વૈત સિદ્ધ કર્યું હોત. પણ હવે એની પાસે સમય નથી. મૃત્યુ અતિ નિકટ છે. એથી હવે અદ્વૈતની કોઈ આશા જ નથી, શક્યતા જ નથી. ‘વિરહ’ના પૂર્વાર્ધમાં આ શૂળ છે. ‘વિરહ’ના ઉત્તરાર્ધમાં કાલક્રમે શાંતિ છે. નાયિકાના મૃત્યુ પછી નાયકને દાંપત્યજીવનના સુખી ગ્રીષ્મનું સ્મરણ થાય છે. પણ આ સ્મરણ એ સુખ કે દુઃખ? આ સ્મરણમાં નિયતિની ક્રૂરતા કે કરુણા? આ પ્રશ્નોનો નાયક પાસે કોઈ ઉત્તર નથી. એમાં પણ બલવન્તરાયનું અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. પછી નાયકને નાયિકાનું એક વાર પૂર્ણિમાની મધ્યરાત્રિમાં પોતાના ખંડની ખુરશીમાં અને બીજી વાર શિશિરના દિવસમાં પોતાના ઝરૂખેથી તરુછાયામાં એમ બે વાર ક્ષણિક દેહદર્શન થાય છે. પછી ક્ષણિક શાન્તિનો અનુભવ થાય છે. અંતે નાયિકાનું વિસ્મરણ થાય છે, દેહ કાલાધીન છે પણ સ્નેહ કાલાતીત ન હોય? — એ અંગે તર્કવિતર્ક, શંકાકુશંકા થાય છે. છતાં નાયકને માનવસ્મૃતિ અંગે પ્રતીતિ છે એથી એને જીવનભર કોઈ- કોઈ ક્ષણે નાયિકાનું દેહદર્શન થશે ત્યારે શાંતિનો અનુભવ થશે. કાવ્યના અંતમાં નાયિકા હવે નાયકની અવચેતનામાં વસે છે. એથી પોતે એના અસીમ, અનંત પ્રેમને પાત્ર અનંતકાલ માટે થયો છે? — એવો પ્રશ્ન પૂછીને નાયક પોતે જ અંતિમ મણકાના શીર્ષક ‘પ્રલાપ’ દ્વારા એને હસે છે. એમાં કવિનું અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. ‘વિરહ’ના ઉત્તરાર્ધમાં કાલક્રમે આ શાંતિ છે. બલવન્તરાયે પછીથી ‘ભણકાર — ૧૯૪૨’માં ‘ટિપ્પણ’માં અને ‘ભણકાર — ૧૯૫૧’માં ગુચ્છ ૩ના નિવેદનમાં આ કાવ્યમાં એકતા અને ધ્વનિ અંગે વિધાન કર્યું છે. ‘બન્ને ભાગમાં ઐક્ય વિરહદુઃખે જેની આખી સૃષ્ટિ મ્લાન થઈ ગઈ છે એવા પતિના પાત્રનું જ છે.’ આ કાવ્યમાં નાયકના વિરહદુઃખના ભાવની ઉત્કટતા છે અને કરુણ રસની ઉગ્રતા છે. એથી એમાં ભાવ અને રસની એકતા છે. આ એકતાના સંદર્ભમાં ‘વિરહ’માં આદિથી અંત લગી નાયકનું વિરહદુઃખ છે, એથી શૂળ અનલ્પ છે એથી ઉત્તરાર્ધમાં કાલક્રમે શાંતિ અલ્પ છે. ‘માણસ છે તો જંતુડું માત્ર તથાપિ તેનું જીવન એને કેટકેટલું અપર્યાપ્ત લાગે જ એવું છે, એ છે ‘વિરહ’નો ધ્વનિ.’ આમેય મનુષ્ય જંતુ છે એથી કાવ્યના આરંભે જ નાયકનો એકરાર છે કે એનામાં વિરહ સહેવાની, વિશ્વયોજનાને સમજવાની શક્તિ નથી, એને સ્તવવાની શ્રદ્ધા નથી, એથી એનું જીવન અપર્યાપ્ત છે. તેમાં વળી નાયિકાના નિયતિનિશ્ચિત મૃત્યુ સામેનો એનો સંઘર્ષ વ્યર્થ થાય છે પછી એનું જીવન દ્વિગુણ વ્યર્થ છે અને મૃત્યુતુલ્ય છે. એથી એનું જીવન સવિશેષ અપર્યાપ્ત છે. ‘શાંતિ’માં નાયકનો શોક કાલક્રમે શાંતિના બિન્દુ લગી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે પણ પછી બલવન્તરાયનો અજ્ઞેયવાદ નાસ્તિકતાના બિન્દુ લગી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. એથી એમણે અંતે ‘વિરહ’માં નાયિકા વર્ષોથી નાયકની છદ્ધિમાં, અવચેતનામાં વસે છે તો હવે પોતે એના અસીમ અને અનંત પ્રેમને પાત્ર અનંતકાલ માટે થયો છે? — એવો નાયકનો પ્રશ્ન એ તો પ્રલાપ છે એવી ઉપહાસદૃષ્ટિથી પ્રેમનું દર્શન કર્યું છે. ‘વિરહ’ની પતાકામાં અને ‘પૂર્વાર્ધ’ અને ‘ઉત્તરાર્ધ’ની વચ્ચે એક સ્વરચિત મુક્તકકાવ્યમાં બલવન્તરાયનું અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. અને એમાં ‘વિરહ’માં ચિરવિરહ છે અને પ્રેમમાં અંતે અદ્વૈત અને અમૃત નથી પણ મૃત્યુના પર્યાય જેવી વિસ્મૃતિને કારણે દ્વૈત છે એવું સૂચન છે. ‘વિરહ’ને અંતે ગ્રીક કવિ કેલિમાક્સના મુક્તકકાવ્યનો અનુવાદ છે. હજુ બુલબુલો તારો મિષ્ટ અવાજ વહે છે. મૃત્યુ જે સૌને પરાજિત કરે છે તે પોતે અહીં પરાજિત છે. ‘તર્કવિતર્ક’માં દેહ અને સ્નેહ બન્ને કાલાધીન હશે પણ મનુષ્યના જીવનમાં કેટલીક ક્ષણો કાલાતીત છે એથી કાલ, મૃત્યુ પણ એનાથી પરાજિત છે. આ ક્ષણો તે સૌંદર્યની ક્ષણો, કવિતા-કલા-સર્જનની ક્ષણો એવું સૂચન છે. પણ સૌંદર્ય અને સર્જનની અમરતાનું આ સત્ય ‘વિરહ’ના અંતિમ મણકામાં, ‘સમાપ્તિ’માં સ્પષ્ટપણે વાચ્યાર્થમાં પ્રગટ થાય છે. એમાં ‘વિરહ’ વાસ્તવિક કાવ્ય છે, અંગત આત્મલક્ષી સ્વાનુભવનું કાવ્ય છે છતાં એ પરલક્ષી સર્વાનુભવનું કાવ્ય પણ છે, એથી વિશ્વનાં સૌ વિરહીજનોને શાંતિ અર્પશે; એમાં વસ્તુવિષય પ્રેમનો વિજય છે, એમાં નાયિકા ચન્દ્રમણિ અક્ષર રૂપે અક્ષર છે, કવિતા રૂપે અમર છે. ‘વિરહ’નાં કાવ્યબુલબુલોના કંઠમાં નાયિકા ચન્દ્રમણિનો મિષ્ટ અવાજ અમર છે, એનું કદી મૃત્યુ નથી, કાળ પણ એને સદા સુણ્યા કરશે. શાંતિ, અદ્વૈત, અમૃત જીવનમાં શક્ય હોય કે ન હોય, કવિતામાં તો શક્ય જ છે. કવિતામાં અજ્ઞેયવાદી બલવન્તરાયની અંતિમ શ્રદ્ધા છે. મૈત્રી : બલવન્તરાયના જીવનમાં અને એમની કવિતામાં પ્રેમ જેવો જ અર્થપૂર્ણ અને મૂલ્યવાન અંગત આત્મલક્ષી સ્વાનુભવ હતો મૈત્રી, કાન્તની મૈત્રી, નિર્દોષ અને નિઃસ્વાર્થ મૈત્રી, કરુણસુન્દર અને કટુમધુર મૈત્રી. એમણે એને ‘સ્વયંભૂ પ્રીતિ’, ‘શ્રદ્ધાન સખ્ય’ અને ‘ભવવૈજયંતી મૈત્રી’ — એવા અર્ઘ્યથી અંજલિ અર્પી છે. માત્ર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ નહિ જગતસાહિત્યના ઇતિહાસમાં આવી મૈત્રી અનન્ય, વિરલ મૈત્રી છે. મૃત્યુમય સંસારમાં આવી મૈત્રી એ અમૃત છે. મનુષ્યજીવનમાં આવી મૈત્રી એ ઈશ્વરનો અનુગ્રહ છે. ‘મણિશંકર અને મ્હને જેવો અમારા બેનો અભેદ લાગતો તેવો એમને કે મ્હને બીજા કોઈ સાથે નહિ.’ ‘મણિભાઈ અને મ્હારી વચ્ચે કેટલો તો ગાઢ સ્નેહ હતો, તે કોઈ પણ માનવી ભાષાના શબ્દો યથાર્થ વર્ણવવાને પર્યાપ્ત નથી.’ ‘મણિશંકર ભટ્ટ મ્હારો અનન્ય મિત્ર. અમારો પરસ્પર ભાવ કોઈ પણ દુન્યવી નીપજ હોઈ શકે એ દરજ્જે નિ:સીમ.’ આમ બલવન્તરાયે જીવનભર આ અનિર્વચનીય મૈત્રીથી કૃતજ્ઞતાપૂર્વક કૃતાર્થતાનો અનુભવ કર્યો હતો. બલવન્તરાયે કાન્તવિષયક કુલ ૧૩ મૈત્રીકાવ્યો રચ્યાં છે. એમાં બે પ્રકાર છે : ચિન્તનપ્રધાન મૈત્રીકાવ્યો અને ભાવપ્રધાન મૈત્રીકાવ્યો. ‘પ્રીતિના સ્વાતંત્ર્યહેલા’ અને ‘શ્રદ્ધાન સખ્ય — એક પત્ર’માં કાવ્યના કેન્દ્રમાં ચિંતન છે. અન્ય કાવ્યોના કેન્દ્રમાં ભાવ છે. બલવન્તરાયનાં મૈત્રીકાવ્યોમાં મિત્રભક્તિ છોટી છે, સત્યભક્તિ જ મોટી છે. એમાં અપ્રિય અને ઉદ્વેગકર સત્ય ઉચ્ચારવાની બૌદ્ધિક પ્રામાણિકતા છે. ‘લોહીગ્રંથિ વગર બનિયું સખ્ય સ્વાતંત્ર્યહેલા.’ મૈત્રી એ સ્વૈચ્છિક સંબંધ છે. મૈત્રી એટલે પૂર્ણ સ્વાતંત્ર્ય. મૈત્રીને ખાતર મિત્રનો પણ ત્યાગ કરવાનું સ્વાતંત્ર્ય. બલવન્તરાયે કાન્તવિષયક મૈત્રીકાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યક્તિત્વના વિકાસહ્રાસનું ઉભયાન્વયી દર્શન કર્યું છે, મૈત્રીનું તટસ્થ, સમતોલ દર્શન કર્યું છે. એથી જ સત્યદર્શન કર્યું છે. એમાં બલવન્તરાયની મિત્રભક્તિ અને સત્યભક્તિ બન્ને પ્રગટ થાય છે. વાર્ધક્ય, મૃત્યુ : યૌવનને જેમ એની કવિતા છે તેમ વાર્ધક્યને પણ એની કવિતા છે. અને છતાં જગતકવિતામાં જેટલાં યૌવનનાં કાવ્યો છે એટલાં વાર્ધક્યનાં કાવ્યો નથી. કારણ એક તો સૌ કવિઓને દીર્ઘાયુષ્યનું સદ્ભાગ્ય હોતું નથી અને બીજું જો હોય છે તો આયુષ્યના અંત લગી કવિતાસર્જનનું સદ્ભાગ્ય હોતું નથી. બલવન્તરાયને આ બેવડું સદ્ભાગ્ય હતું. અને એથી વાર્ધક્યની કવિતા રચવાનું એમને માટે શક્ય હતું. એમણે માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ જગતની કોઈ પણ ભાષામાં વિરલ એવી વાર્ધક્યની કવિતા રચી છે. વાર્ધક્ય આમેય મનુષ્યમાત્રના જીવનમાં વિકટ અને વિષમ અવસ્થા છે, કરુણ અને કપરો કાળ છે. બલવન્તરાયના જીવનમાં સવિશેષ. ચન્દ્રમણિનું મૃત્યુ થયું ત્યારથી જ એમનું જીવન મૃત્યતુલ્ય હતું. એટલું ઓછું હોય તેમ પછી કાન્તનું મૃત્યુ થયું. ‘સ્વપ્નસંગી’ અને ‘ઘણે ઘણે વર્ષે’ સૂચવે છે તેમ ૧૯૫૨ લગીનું એમનું શેષ જીવન મૃત્યુના સ્મરણમાં જ ગયું, પોતાના મૃત્યુની પ્રતીક્ષામાં જ વહ્યું. આ સમયમાં અન્ય કુટુંબીજનો, સ્વજનોનાં મૃત્યુનું દુઃખ પણ સહ્યું. આમેય બલવન્તરાયના જીવનમાં આરંભથી જ એકલતા હતી. ‘હું જન્મથી જ એકલ.’ ‘હું પ્રકૃતિએ રખડૂ માણસ.’ ૧૯૨૪માં એ નિવૃત્ત થયા. હવે કોઈ પ્રવૃત્તિ પણ ન હતી. એ અનેક સ્થળે વસ્યા હતા. ‘ભમતો પંખી’ હતા, વડોદરા-મુંબઈમાં સ્થિર થયા હતા. હવે એમના જીવનના અંતમાં દ્વિગુણ-ત્રિગુણ એકલતા હતી. વાર્ધક્યમાં શરીર શિથિલ હોય છે અને મન મંદ હોય છે. ‘વૃદ્ધોની દશા’, ‘વૃદ્ધનું મોટું દુઃખ’, ‘દુપટ દુઃખદા’, ‘નસીબને’, ‘દુર્દિન,’ ‘જર્જરિત દેહને’, ‘સુખદુઃખ — ૧’, ‘એક હાય’ જેવાં કાવ્યોમાં ક્વચિત્-ક્વચિત્ એની કરુણતા પ્રગટ થાય છે. બલવન્તરાય વાસ્તવવાદી, બુદ્ધિવાદી, સદ્વ્યવહારવાદી અને સમુત્ક્રાંતિવાદી હતા. એ જીવનભર જાગ્રત હતા, સતત સજાગ, સભાન હતા. એથી ‘આશાને’, ‘એક વૃદ્ધતર મિત્રને’, ‘શ્રી ‘કુસુમ’મંડળને’, ‘ભાવિવૈવિધ્ય’, ‘નવા ક્ષેત્રથી ભડકતા મિત્રને’, ‘ઉડ્ડયોન્મુખ નૌજુવાનને’, ‘સાહસોત્સાહ’, ‘ચડ્યે જતો’, ‘નવતેરી દુનિયા’, ‘સમીપ તુજની’ આદિ કાવ્યોમાં ક્યાંય આત્મદયા કે આત્મશ્લાઘા નથી, આત્મનિંદા કે આત્મસ્તુતિ નથી, અસંતોષ કે રોષ નથી, કૃતક-નમ્રતા કે અહમ્ નથી. માન-સ્વમાન છે, શીલ-સંયમ છે, સાહસ-ઉત્સાહ છે, વિશાળતા-ઉદારતા છે, કર્તવ્યપરાયણતા-સમષ્ટિહિતભાવના છે. બલવન્તરાયે વાર્ધક્યનાં વર્ષોમાં પોતાની જન્મતિથિ નિમિત્તે કેટલાંક કાવ્યો રચ્યાં હતાં. તો કેટલાંક કાવ્યો પૂર્વકાલીનો, સમકાલીનો અને અનુકાલીનોને પત્ર રૂપે કે એમના પત્રના પ્રત્યુત્તર રૂપે રચ્યાં હતાં. ‘પૂર્વયાત્રીઓને અંજલિ’, ‘વછેરાને’, “શ્વેતકેશી પિતર’નું ઉત્તર’ આદિમાં અભિનંદન, કૃતજ્ઞતા, શુભાશિષ, શુભેચ્છા, સદ્ભાવ અને સૌજન્ય છે. તો ‘મધ્યમતાષ્ટક’ અને ‘અહો હરખ’માં કૃતાર્થતા અને ચરિતાર્થતા છે. ૧૯૨૩માં વડલાને એટલે કે પૂનાની ડેક્કન કૉલેજને અંતિમ અભિનંદન રૂપે કાવ્ય ‘વડલાને છેલ્લી સલામ’માં યૌવન અને વાર્ધક્ય, ‘વાંકડ કેશ’ અને ‘પાકલ વેશ’ વચ્ચેનું અંતર પ્રગટ થાય છે. એમાં આરંભ અને મધ્યમાં આર્દ્ર ભાવ છે અને ‘અથવા કરવી પ્રીત ને પરહરવાં પ્રેમીજન,/અમ મર્ત્યોની રીત…’ ‘અથવા — ‘અથ વા’ મેલ, સૌ ‘અથ’ અંતે ‘ઇતિ’ ખરૂં.’ — આ અંતમાં આર્ત્ત ચિન્તન છે. તો ‘જર્જરિત દેહ’માં આરંભમાં પોતાના દેહ માટે તુરંગમના રૂપકથી સંત ફ્રાન્સિસના પોતાના દેહ માટે ‘મારા ગર્દભબંધુ’ના સંબોધનનું સ્મરણ થાય છે અને અંતમાં ‘કદી ન તગડીશ, લે વચન! સાથિ સંગી અહો,/જરા ઉચલ ડોક, દૂર નથિ જો વિસામો હવે.’માં મનુષ્ય પોતાના દેહને કેટકેટલી અનાસક્તિ અને આભારવશતાથી, મુલાયમતા અને સુકુમારતાથી અનુનયપૂર્વક પ્રેમ કરી શકે છે એનું અત્યંત કોમલસુન્દર અને કરુણમધુર આલેખન છે. બલવન્તરાયનાં વાર્ધક્યનાં કાવ્યોમાં ‘વડલાને છેલ્લી સલામ’ અને ‘જર્જરિત દેહને’ સર્વશ્રેષ્ઠ છે. ‘એક હાય’માં અન્ય મનુષ્યના વાર્ધક્યની કરુણતા પ્રત્યે કરુણા છે. એમનાં વાર્ધક્યનાં કાવ્યોમાં કરુણરસ અને વીરરસ પ્રધાન છે અને અંતે એ બન્ને રસોનું શાંત રસમાં પર્યવસાન છે. એમણે ‘ભણકાર — ૧૯૫૧’ના ગુચ્છ ૩માં નિવેદનમાં પોતાના વાર્ધક્યનાં કાવ્યોનું અર્થઘટન અને મૂલ્યાંકન કર્યું છે. એમની વાર્ધક્યની કવિતામાં બે પેઢી વચ્ચેની ખાઈ નથી, બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે. બલવન્તરાયની વાર્ધક્યની કવિતા ગુજરાતી ભાષામાં અ-પૂર્વ છે. બલવન્તરાયના જીવનમાં વાર્ધક્યનો સમય એ જાણે કે મૃત્યુ માટેની સજ્જતાનો, મૃત્યુ માટેની પાત્રતા પ્રાપ્ત કરવાની પૂર્વતૈયારીનો સમય હતો. મૃત્યુ એ બલવન્તરાયનાં અંગત આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યોમાં કેન્દ્રનો અનુભવ છે. એમનાં પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં પણ એની ક્યાંક આછી, ક્યાંક ઘેરી છાયા છે. ચંદ્રમણિ અને કાન્તનાં મૃત્યુ વિશેનાં કાવ્યો એ મૃત્યુ વિશેનાં બલવન્તરાયનાં સર્વશ્રેષ્ઠ કાવ્યો છે. એમને અન્ય કેટલાંક કુટુંબીજનો અને સ્વજનોનાં મૃત્યુનો પણ જીવનભર અનુભવ થયો હતો. એમણે ૧૯૩૦માં ‘યમને નિમંત્રણ’ કર્યું હતું અને ૧૯૩૬માં ‘કુદરત અને મોત’માં મૃત્યુનું માતૃસ્વરૂપ વાત્સલ્યથી અનુભવ્યું હતું. એમાં પોતાના અને મનુષ્યમાત્રના મૃત્યુનો સ્વીકાર છે. પણ ૧૯૩૮માં ‘એક મિત્રનું ભરજુવાનીમાં મૃત્યુ’માં અને પછી ‘મો. કા. ની ‘કાર’ને અકસ્માત’માં અન્ય મિત્રોના અને મનુષ્યમાત્રના અકાળ અને અકસ્માત્ મૃત્યુનો અસ્વીકાર છે. ૧૯૪૧માં ‘અનિશ્ચિતતા’ અને પછી ‘આખિર ટપ્પો’માં પોતાના મૃત્યુની પ્રતીક્ષા છે, પણ એની અનિશ્ચિતતાને કારણે એમાં વેદના અને નિર્વેદ છે. ‘એક જવાબ’માં મૃત્યુ માટેની સજ્જતા છે. ૧૯૩૭માં ‘અમદાવાદના મિત્રોને’માં તો મૃત્યુ દ્વારા સ્મૃતિમાંથી પણ અલોપ થવાની ઇચ્છા છે. ‘મૃત્યુ’માં ન્હાનાલાલનું મૃત્યુ થયું એમ જાણ્યું કે તરત પોતાના મૃત્યુને નિમંત્રણ છે. એમાં મૃત્યુને સ્વૈચ્છિક, સંપૂર્ણ અને પૂર્વશરતરહિત આત્મસમર્પણ છે. ‘સમીપ તુજની’માં મૃત્યુ પછીની ગતિ-સ્થિતિ વિશે એક પછી એક નવ પ્રશ્નાર્થો છે. ‘અતિદુઃખિયારાં’માં મિત્રના મૃત્યુની કરુણતા અને એ પ્રત્યે કરુણા છે. બલવન્તરાયના જીવનમાં મૃત્યુનો અનુભવ એ સૌથી માર્મિક અને મર્મભેદક અનુભવ છે. મૃત્યુને તીરે-તીરે એમના જીવનની નાવ વહી છે. એથી એમનામાં જીવનનું ગ્રીક કરુણ દર્શન છે. બલવન્તરાયના અભ્યાસકાળમાં કૉમ્ત, કૅન્ટ, હક્ઝલી, સ્પેન્સર, જેઇમ્સ, ડ્યૂઈ આદિ વિચારકોના વાચનમનનચિન્તનમાં એમના બુદ્ધિવાદ, વાસ્તવવાદ, સદ્વ્યવહારવાદ, સમુત્ક્રાંતિવાદ અને અજ્ઞેયવાદની બૌદ્ધિક પ્રેરણા હતી. પછી ‘ભણકાર — ૧૯૫૧’માં ગુચ્છ ૩માં નિવેદનમાં એમણે નોંધ્યું છે તેમ, પોતાના અને અન્ય કુટુંબીજનો તથા સ્વજનોના વાર્ધક્ય અને મૃત્યુના આ અનુભવમાં એની ભાવાત્મક પ્રેરણાને કારણે કોઈ નિશ્ચિત તિથિ કે કાલ-સીમાથી નહિ પણ ક્રમે-ક્રમે એમનો અજ્ઞેયવાદ સ્થિર, સ્થાયી અને દૃઢમૂલ થયો હતો. સમાજ, રાજ્ય, ઇતિહાસ : બલવન્તરાયનાં પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ, પ્રકૃતિ અને પરમેશ્વરનાં કાવ્યો છે. ઇતિહાસકાર બલવન્તરાયને ભોગે કવિ અને સવિશેષ તો વિવેચક બલવન્તરાયે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. સદ્ભાગ્યે સમાજ, રાજ્ય અને ઇતિહાસ વિશેનાં કાવ્યોમાં ઇતિહાસકાર બલવન્તરાય અને કવિ બલવન્તરાયનું એકરૂપે દર્શન થાય છે. બલવન્તરાય ઇતિહાસકાર હતા એથી જ એમનાં દેશકાવ્યો એ દ્વેષકાવ્યો નથી. એમનામાં ઇતિહાસકારની તટસ્થ, સમતોલ, શાસ્ત્રપૂત, વૈજ્ઞાનિક, પર્યેષક ઇતિહાસદૃષ્ટિ છે. એથી એમનામાં કૃતક-રાષ્ટ્રપ્રેમીઓમાં હોય છે એવો આંગ્લદ્વેષ નથી, સાચો રાષ્ટ્રપ્રેમ છે. ‘માજીનું સ્તોત્ર’, ‘યુગમુબારક’, ‘મૈયાની સેવા’, ‘ખેતી’, ‘ગાંડી ગુજરાત’, ‘અસલનેરનાં નૂર’માં બલવન્તરાયની રાષ્ટ્રભાવના પ્રગટ થાય છે. ‘ખેતી’માં ભારતની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું એની સાથે-સાથે અર્વાચીન યંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. એમાં બલવન્તરાયની આધુનિકતા પ્રગટ થાય છે. ન્હાનાલાલની ઊર્મિલ અને ઉપરછલ્લી ભાવનામયતાની પંક્તિઓ પ્રત્યેના રોષ અને અસંતોષની પ્રેરણાથી ‘અસલનેરનાં નૂર’માં એક આદર્શ સમાજનું સ્વપ્ન રચ્યું છે એમાં બલવન્તરાયની વાસ્તવપ્રિયતા પ્રગટ થાય છે. એમણે ૧૯૦૫માં ‘પ્રિન્સ ઑફ વેલ્સને આવકાર’ આપ્યો હતો. ૧૯૩૯માં આઠમા એડવર્ડના રાજ્યત્યાગની ‘પ્રણયપ્રશસ્તિ’ રચી હતી. એમણે જીવનભર ગાંધીજી તથા એમના સત્ય અને અહિંસાના રાજકીય પ્રયોગ સત્યાગ્રહનું ‘ધર્મપાલન’, ‘હિંસા-અહિંસા’, ‘ત્હને પવન’ આદિમાં સતત વિશ્લેષણ-વિવેચન અને દોષદર્શન કર્યું હતું. પણ પછી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી અંતે બારેક જેટલાં કાવ્યોમાં સ્વાતંત્ર્ય, ગાંધીજી અને ગાંધીજીના વારસ નેહરુનું (સવિશેષ તો એમની ગાંધીશિષ્યને શોભે એવી ઉદારવિશાળ પરદેશનીતિને કારણે) નવા જ પરિમાણમાં અર્થઘટન અને મૂલ્યાંકન કર્યું હતું એમાં એમની ખુલ્લા મગજની બૌદ્ધિક પ્રામાણિકતા પ્રગટ થાય છે. પણ બલવન્તરાયે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે મહાકાવ્યની ભવ્યકક્ષાએ ભારતનું સંસ્કૃતિચિન્તન અને સંસ્કૃતિદર્શન કર્યું હોય તો તે એમની ચિંતનોર્મિકાવ્યની પ્રસિદ્ધ કાવ્યત્રયીમાં — ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ અને ‘ચોપાટીને બાંકડે’માં. ‘એક તોડેલી ડાળ’ અને ‘અગાસી ઉપર’નો આરંભ તો ૧૮૮૨ પૂર્વે કર્યો હતો. એમાં કલ્પિત ઐતિહાસિક વા ઇતિહાસાભાસી વસ્તુવિષયને વાસ્તવિકતા દ્વારા અથવા ઇતિહાસની બાહ્ય અને આંતર વાસ્તવિકતાના વસ્તુવિષયને સ્વપ્નસૃષ્ટિ દ્વારા પ્રગટ કરવાનો વિચાર હતો પણ આરંભમાં યોગ્યતા વિશે શંકા હતી અને અંતે એમાં અર્વાચીન માનવતા અને પ્રાગતિકતા શક્ય નથી એવી પ્રતીતિ હતી, એથી વરસો પછી આ પ્રયત્નનો એમણે ત્યાગ કર્યો હતો અને પ્રયોગ અપૂર્ણ રહ્યો હતો. ‘આરોહણ’માં અંગ્રેજોનું આગમન થયું, વિદેશીઓ અને વિધર્મીઓનું આક્રમણ થયું પછી ભારતની પ્રજા અને સંસ્કૃતિ તથા ભારતના ધર્મના ભાવિ વિશે ચિંતા અને ચિંતન છે. બલવન્તરાય ત્યારે અદ્વૈતવાદી હતા પણ એમણે ખ્રિસ્તી ધર્મનું આકર્ષણ અનુભવ્યું હતું. કાન્તે ધર્માન્તર કર્યું હતું. આમ, આ ઇતિહાસદર્શનમાં સ્વાનુભવ અને સર્વાનુભવ છે. કાવ્યના આરંભમાં ઇતિહાસનું, ક્ષણનું દર્શન છે. ‘નિહાળું જગચિત્રની પલટતી જ છાયાપ્રભા,’ અને ‘વિધિસમુદ્રમાં નિરખું ભંગ સંકલ્પના’. એમાં ‘માનવતાનું શાંતકરુણ સંગીત’ છે. કાવ્યના અંતમાં દિવ્ય શાંતિ અને શાશ્વતનું, પરમેશ્વરનું દર્શન છે. ‘ભલે વિવિધ ખેલ કાલ નટરાજ ખેલ્યા કરે’, ‘વસે તું નિજ રંગમાં, સકલ સૂત્ર તું હાથમાં’. બલવન્તરાયે ‘આરોહણ’ના અનુસંધાનમાં ૧૯૩૦–૪૦માં ‘રાજ્યાભિષેકની રાત’ રચ્યું છે. એમાં પણ ભારતનાં સમાજકારણ, રાજકારણ અને અર્થકારણ વિશે ચિંતા અને ચિંતન છે. એમાં એક અંગ્રેજ વડાગવર્નરને મુખે બલવન્તરાયની દેશભક્તિ અને આંગ્લભક્તિની પ્રામાણિકતાની પ્રતીતિ થાય એમ ઔચિત્યપૂર્વક ઉદ્બોધન છે કે ભારતે ઇંગ્લૅંડનું, યુરોપનું અંધ અનુકરણ ન કરવું કારણ કે ઇંગ્લૅંડ-યુરોપમાં બુદ્ધિબલ, ત્યાગબલ, સંઘબલ છે પણ સ્નેહબલ નથી. બલવન્તરાયે આ બન્ને કાવ્યોના અનુસંધાનમાં પરાકાષ્ઠા રૂપે ૧૯૪૮માં ‘ચોપાટીને બાંકડે’ કાવ્ય રચ્યું હતું. એમાં જે સમુદ્રમાર્ગે અંગ્રેજોનું આગમન થયું હતું તે જ સમુદ્રમાર્ગે અંગ્રેજો હવે વિદાય થયા છે. એ સમુદ્રના તટ પરના બાંકડે બેસીને શ્રાવણની એક સંધ્યાએ એકાદ કલાકથી વધુ સમય કાવ્યનાયક અંતરીક્ષમાં દિવાસ્વપ્નનું દર્શન કરે છે. (૧૮૯૨ની ૩૨ પૃથ્વીપંક્તિઓમાં પણ સ્થળ હતું સમુદ્રતટ, સમય હતો સંધ્યાનો). કાવ્યમાં અંતે પુનશ્ચ ભારતની પ્રજા અને સંસ્કૃતિ તથા ભારતના ધર્મ વિશે ચિંતા અને ચિંતન છે. બલવન્તરાય ત્યારે સદ્વ્યવહારવાદી, સમુત્ક્રાંતિવાદી, અજ્ઞેયવાદી હતા. પ્રાચીન ભારતમાં મહાન પ્રજા અને સંસ્કૃતિ હતી. મહાન ધર્મ હતો. મધ્યકાલીન ભારતમાં એનો હ્રાસનાશ થયો. પછી ઇતિહાસયોગે આધુનિક ઇંગ્લૅંડ-યુરોપની પ્રજા અને સંસ્કૃતિનો, એના ધર્મનો સંબંધ થયો. હવે અંગ્રેજો ગયા. પણ પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિના આ સંગમતીર્થે ભવિષ્યમાં ભારતમાં એક નવી પ્રજા અને સંસ્કૃતિ, એક નવો ધર્મ, વિશ્વપ્રજા, વિશ્વસંસ્કૃતિ, વિશ્વધર્મ પ્રગટશે કે ભારત પુનશ્ચ મધ્યકાલીન ભારત જેવું થશે? બલવન્તરાયે ૧૮૮૮માં ટાઉનસેન્ડનો લેખ વાંચ્યો ત્યારે જે પ્રશ્નો પૂછ્યા હતા એ જ પ્રશ્નો આ કાવ્યને અંતે પૂછ્યા છે. આમ, ઇતિહાસનું એક કાલચક્ર પૂરું થાય છે અને સાથે-સાથે આ ચિંતનોર્મિકાવ્યની આ મહાન ત્રયીનું કાવ્યચક્ર પણ પૂરું થાય છે. પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના ભારે વર્ષાને કારણે વૃદ્ધ બલવન્તરાય ચોપાટીને બાંકડેથી ચાલ્યા ગયા છે. પુનશ્ચ પાછા આવવાના અને ઉત્તર આપવાના વચન સાથે. કોઈક નવા કાલચક્રનો આરંભ થશે ને કોઈક બલવન્તરાય પાછા આવશે ત્યારે કોઈક નવા કાવ્યચક્રનો પણ આરંભ થશે. બલવન્તરાયે ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ૧૬ ‘વિગ્રહકાવ્યો’નું ગુચ્છ રચ્યું હતું. ભારતમાં સૌ (કવિઓ સુધ્ધાં!) ભારતની આઝાદી વિશે ચિંતા અને ચિંતનમાં હતા ત્યારે સાઠ વરસના આ બુઝુર્ગ બલવન્તરાય સમગ્ર મનુષ્યજાતિની મહાઆઝાદી વિશે ચિંતા અને ચિંતનમાં હતા. માનવસંસ્કૃતિના સંહાર અર્થે હિટલર સક્રિય હતો અને એને વિજય પર વિજય પ્રાપ્ત થતો હતો ત્યારે ‘હિટ્લરા-બ્લિટ્ઝરા’માં બલવન્તરાયનો પુણ્યપ્રકોપ પ્રગટ થયો હતો. જર્મનોનો પૅરિસપ્રવેશ થયો અને જે ગ્રીસ અને યુરોપમાંથી પોતાને સૌંદર્યદર્શન લાધ્યું હતું એની સંસ્કૃતિના વારસ સમી અને સૌંદર્યના પિયર સમી પૅરિસ નગરીનું પતન થયું ત્યારે ગુજરાતના આ કવિ ક્ષુદ્રતામાં રચ્યાપચ્યા મહાનગર મુંબઈમાં માર્યા-માર્યા ફર્યા હતા અને સમગ્ર મનુષ્યજાતિ અને એની સંસ્કૃતિના અસ્તિત્વ માટેની પૂર્વશરત સમી ‘આઝાદી વધશે જ’ માત્ર એ આશા અને શ્રદ્ધામાં એમણે એમની આ દારુણ વેદનાનાં ભીષણ વર્ષો પસાર કર્યાં હતાં. બલવન્તરાય આ ‘વિગ્રહકાવ્યો’ને કારણે આધુનિકોમાં આદ્ય છે. ‘આઝાદી વધશે જ’ સૉનેટમાલા અપૂર્ણ છે પણ એના જ અનુસંધાનમાં જાણે એમણે ‘સુખદુઃખ’ સૉનેટમાલા રચી છે. એ પણ અપૂર્ણ છે. એમાં સમગ્ર મનુષ્યજાતિના અનુભવો અને સ્મરણોનું પશ્ચાત્‌દર્શન છે અને સુખ એટલે શું? એ પ્રશ્નનો સમુદાયદૃષ્ટિ દ્વારા વ્યક્તિ અને કુટુંબથી પર અને પાર મનુસંઘઇતિહાસમાં મનુષ્યજાતિના ભૂતકાળમાં ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. પણ ભૂતકાળનું સુખ વર્તમાનમાં શક્ય નથી અને હોય તોપણ ઇષ્ટ નથી. એથી પછી અન્યત્ર ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. અહીં આ પ્રયત્ન અને એથી આ સૉનેટમાલા અપૂર્ણ છે. આ પ્રયત્ન અને પ્રયત્નની અપૂર્ણતા દ્વારા બલવન્તરાયનું સદ્વ્યવહારવાદી, સમુત્ક્રાંતિવાદી, અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. બલવન્તરાયની કવિતાના મુખ્ય વિષયો — પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય, સમાજ, રાજ્ય, ઇતિહાસ આદિનું અને એ વિશેના ચિંતનનું આ સૉનેટમાલામાં મિલન થયું છે. એથી આ સૉનેટમાલા બલવન્તરાયના કવિતાપ્રાસાદના કળશરૂપ છે. કાવ્યત્રયીમાંથી વર્તમાન ભારત, ‘વિગ્રહકાવ્યો’માં વર્તમાન મનુષ્યજાતિ અને ‘સુખદુઃખ’માં મનુષ્યજાતિનો ભૂતકાળ અને ભવિષ્યકાળ — આ છે બલવન્તરાયનો સમાજ, રાજ્ય, ઇતિહાસ અંગેનાં કાવ્યોનો વિકાસક્રમ અને એ દ્વારા એમણે અધુનાને આરેથી અતીત અને અનાગત સાથે સેતુ રચ્યો છે. બલવન્તરાય સાચા અર્થમાં એક મહાન આધુનિક કવિ છે. પ્રકૃતિ : બલવન્તરાયનાં પ્રકૃતિ અને પરમેશ્વર વિશેનાં કાવ્યોમાં એમના કેટલાક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવો છે. એથી એ એકસાથે પરલક્ષી સર્વાનુભવ અને અંગત આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યો છે એમ કહી શકાય. એમાં ‘વર્ષાની એક સુન્દર સાંઝ’ કે ‘પરિષ્વજન’ જેવાં કાવ્યો અપવાદરૂપ કાવ્યો છે. એમાં મનુષ્યનિરપેક્ષ, મનનચિંતનનિરપેક્ષ એવાં કેવળ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનો-ચિત્રણો છે. પણ બલવન્તરાયનાં પ્રકૃતિ વિશેનાં કાવ્યોમાં આવાં કાવ્યો વિરલ છે. એ કાવ્યોમાં પ્રકૃતિનો પ્રકૃતિ ખાતર, એના સ્થૂલ, ભૌતિક, પાર્થિવ સૌંદર્ય ખાતર મહિમા નથી, પણ એમાં સૂક્ષ્મ, નૈતિક શક્તિ છે, ચૈતન્ય છે અને મનુષ્યના આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવોના આરંભમાં એ નિમિત્તરૂપ છે અને એમના વિકાસમાં એનું અર્પણ છે એથી એનો મહિમા છે. એમાં કેન્દ્રમાં મનુષ્ય અને મનુષ્ય વિશેનું, મનુષ્યજીવન વિશેનું મનનચિંતન છે. એથી બલવન્તરાયે પ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કલ્પ્યું છે. ‘ભણકારા’માં પ્રકૃતિ પાસેથી ‘શી ય બાની’નું, દિવ્ય વાણીનું, તો ‘આરોહણ’માં દિવ્ય શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. ‘સર્ગદર્શન’માં દિવ્ય દ્યુતિ-જ્યોતિનું દર્શન, તો ‘રાસ’માં સમગ્ર જીવન અને સમસ્ત ઇતિહાસ અંગેનું, વિશ્વની સમુત્ક્રાંતિ અંગેનું — ગુજરાતી કવિતાના આ સંક્રાંતિયુગમાં પ્રથમ વાર જ — અદ્વૈતવાદી વિરાટ મનનચિંતન પ્રાપ્ત થાય છે. ‘શાંતિ’માં નર્મદાના તટ પર પૂર્ણિમાની રાત્રિમાં જલ-નભ નિશા-જ્યોત્સ્નાદેહા શાંતિનો આશીર્વાદ-અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને એથી વિરલ ક્ષણો માટે હૃદયમાં જયાજય અને રાગદ્વેષથી પર એવી સમાધિરૂપ શાંતિજ્યોતિ, કોઈ પરમ પવિત્ર ચમત્કૃતિ પ્રાપ્ત થાય છે. ‘શાંતિ’ એ બલવન્તરાયનું ‘ટિન્ટર્ન ઍબી’ છે. ‘રેવા’માં તો રાગદ્વેષી વૈયક્તિકતામાંથી સેવાવ્રતે ઉપાધિમુક્ત શાંતિ અને અમરતા લગી આરોહણ સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. બલવન્તરાયે ‘રેવા’ પૂર્ણ કર્યું હોત તો એમાં એમણે એમની આધ્યાત્મિક આત્મકથા રચી હોત, ‘ભણકારા’, ‘આરોહણ’ અને ‘શાંતિ’ના સુભગ સમન્વય સમું એમનું ‘ધ પ્રેલ્યૂડ’ સિદ્ધ કર્યું હોત! બલવન્તરાયે આરંભમાં મિલ્ટનનું મહાકાવ્ય લક્ષ્ય કર્યું હતું પણ (અને એથી સ્તો) અંતે એમણે વર્ડ્ઝવર્થનું ચિંતનોર્મિકાવ્ય સિદ્ધ કર્યું છે. પરમેશ્વર : બલવન્તરાયનાં પરમેશ્વર વિશેનાં કાવ્યોમાં શ્રદ્ધા-અશ્રદ્ધાના પરસ્પર વિરોધી અને વિસંવાદી અનુભવો છે. બલવન્તરાય આરંભમાં વીસેક વરસ અદ્વૈતવાદી હતા. પછી જીવનભર અજ્ઞેયવાદી હતા. આત્મા અને પરમાત્મા અજ્ઞેય એથી એમને વિશે આસ્તિકમાં અને નાસ્તિકમાં ન હોય એવી એમનામાં જિજ્ઞાસા અને શોધ હતી. ‘ભણકારા’, ‘આરોહણ’, ‘સર્ગદર્શન’, ‘રાસ’, ‘શાંતિ’, ‘રેવા’ ઉપરાંત ‘કુદરત પ્રતીક રેવા’, ‘કુદરતની ગોદે’, ‘કુદરત અને મોત’માં પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા છે, એમાં કોઈ માનુષેતર તત્ત્વનું દર્શન છે. ‘અચલ શ્રદ્ધા’માં પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધા છે. ‘પુરો કિરણ’માં પરમેશ્વરને પ્રાર્થના છે. ‘ના લહ્યો તને’માં પ્રભુવિરહની વ્યથા છે, ‘સર્જન : પ્રકૃતિનું અને માનવીનું’, ‘કુદરતનાં વિરાટ તત્ત્વો અને માનવી’, ‘વિરાટ તત્ત્વોને અણુ માનવીનો જવાબ’માં પ્રકૃતિ પ્રત્યે શંકા છે, એમાં કોઈ અમાનુષી તત્ત્વનું દર્શન છે. ‘અતલ નિરાશા’માં નિર્વેદ છે. ‘જગજ્જૂની ચમત્કારકથા’માં નાસ્તિકતા છે. તો ‘શાપું ત્હને’માં તો નાસ્તિકનો પુણ્યપ્રકોપ છે. આમ, બલવન્તરાય નાસ્તિક નથી. એથી એમને પ્રકૃતિ અને પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધા છે. પણ એ આસ્તિક પણ નથી. એથી એમને પ્રકૃતિ અને પરમેશ્વર પ્રત્યે શંકા છે. ટૂંકમાં, કવિતામાં બલવન્તરાય આસ્તિક, નાસ્તિક કે અજ્ઞેયવાદી કે કોઈ વાદી નથી. કવિતામાં બલવન્તરાય કેવળ કવિ છે. કવિતાવાદી, સૌંદર્યવાદી છે. બલવન્તરાયે પદ્યનાટક રચ્યું નથી, પણ ‘દુષ્કાળ’, ‘દામુ વકીલનો કિસ્સો’, ‘ભમતારામ’, ‘બુદ્ધ’, ‘સાધુની સોગઠી’, ‘નિરુત્તમા’ (‘ગુરુજી’ અપ્રસિદ્ધ છે) આદિ કથાકાવ્યો રચ્યાં છે. એમાં પણ કથા નહિવત્ અને વર્ણન અલ્પ છે, ચિન્તન વિશેષ છે. બલવન્તરાયે બાળકાવ્યો, હાસ્યકાવ્યો અને ગેયકાવ્યો રચ્યાં છે. પણ એ જન્મથી જ એકલ અને ગંભીર, એમનામાં બાલવૃત્તિ, હાસ્યવૃત્તિ અને ગેયવૃત્તિ નહિવત્ છે. ‘બંદાની લવરી’ એમાં અપવાદરૂપ છે. આ એક હાસ્યકાવ્યમાં ‘મ્હારી નાચીઝ કલમે નિશાન આબાદ વીંધ્યું છે ખરૂં.’ એમાં ભલભલા આધુનિકોને પણ લગભગ અશક્ય એવી સિદ્ધિ છે. બલવન્તરાયે મુક્તકો રચ્યાં છે. ઉત્તમ મુક્તકો રચ્યાં છે એટલું જ નહિ પણ, આ બુદ્ધિચાતુર્યનો અમૂલ્ય અણુકાવ્યપ્રકાર એમણે આધુનિક યુગમાં લોકપ્રિય કર્યો છે. બલવન્તરાયે બોધકાવ્યો, અર્પણકાવ્યો, અભિનંદનકાવ્યો, પ્રાસંગિક કાવ્યો આદિ પ્રકીર્ણ કાવ્યો રચ્યાં છે. એ સૌમાં અરે, એકપંક્તિકાવ્યમાં પણ બલવન્તરાયની બુદ્ધિનો ચમકારો તો હોય જ. આયુષ્યના અંત લગી એમની બુદ્ધિ સતેજ હતી. માત્ર કવિતામાં જ નહિ, જેમને પણ અંગત અનુભવ છે એ સૌને પ્રતીતિ છે કે વાતચીતમાં પણ બુદ્ધિનો તેજીલો-વેગીલો વીજચમત્કાર થવાનો ન હોય તો કલમ કે જીભ ચલાવે તે બીજા, બલવન્તરાય નહિ! જગતમાં રોજરોજનાં રોદણાં, શૅરસટ્ટાના શોરબકોરો, રાષ્ટ્રવિપ્લવોના રોષઆક્રોશોની વચ્ચે જેમ હૉબ્સનું બૅટ ફરે છે તેમ કવિતામાં બલવન્તરાયની બુદ્ધિ ચમકારો કરે છે. કવિ બલવન્તરાય વિશે શ્રદ્ધા-અશ્રદ્ધાનો તથા ધર્મ અને કવિતાના સંબંધનો પ્રશ્ન વારંવાર ઉપસ્થિત થયો છે, થાય છે અને થશે. મનુષ્ય તરીકે બલવન્તરાય અજ્ઞેયવાદી, નહિ આસ્તિક, નહિ નાસ્તિક. આસ્તિકો એમને આસ્તિક ન ગણે. નાસ્તિકો એમને નાસ્તિક ન ગણે. ‘શ્રદ્ધાળુઓ’ એમને અશ્રદ્ધાળુ ગણે, ‘શ્રદ્ધાળુઓ’ને એ અંધશ્રદ્ધાળુ ગણે. આરંભમાં એ અદ્વૈતવાદી હતા. અજ્ઞેયવાદી થયા પછીથી પણ એમણે પ્રકૃતિ અને પરમેશ્વરમાં શ્રદ્ધાનાં કાવ્યો રચ્યાં છે. એમને શ્રદ્ધા અને ધર્મની સામે વિરોધ ન હતો. એમને મધ્યકાલીન માનસ, અંધશ્રદ્ધા, ધર્મઘેલછા, ધર્મઝનૂન, ધર્મને નામે ઢોંગધતિંગ, દંભ, હિંસા, સત્તાલોલુપતા, સેવાલોલુપતા આદિ સામે વિરોધ હતો. બલવન્તરાય બુદ્ધિવાદી અને વાસ્તવવાદી હતા. એમને માટે આત્મા-પરમાત્મા અજ્ઞેય છે. કારણ કે સત્યનો શોધક-સાધક આત્મા-પરમાત્માનું અસ્તિત્વ સ્વત:સિદ્ધપણે ન સ્વીકારે. સ્વતંત્ર વૈજ્ઞાનિક બુદ્ધિને એ વિશે આધારપ્રમાણ પ્રાપ્ત થાય તો જ સ્વીકારે. આ કારણે બલવન્તરાય અજ્ઞેયવાદી હતા. રહસ્યવાદ એ એમને માટે ‘વર્જેલ ભોમ’ હતી. આત્મા-પરમાત્મા હોય વા ન હોય, પણ મનુષ્ય અને એની બુદ્ધિ તો છે ને! એમને મનુષ્યમાં અને એની બુદ્ધિમાં શ્રદ્ધા હતી. મનુષ્યમાત્ર અલ્પ, પામર, જંતુડું. છતાં કોઈ વિરલ મનુષ્ય સ્વબુદ્ધિથી, સદ્વ્યવહારથી મહાપુરુષપદ પ્રાપ્ત કરી શકે છે; સમુત્ક્રાંતિ સિદ્ધ કરી શકે છે. કાલાન્તરે મનુષ્યમાત્ર — અને એમ તો સમગ્ર પ્રકૃતિ, સમગ્ર વિશ્વ — પણ સમુત્ક્રાંતિ સિદ્ધ કરી શકશે. આમ, બલવન્તરાય સદ્વ્યવહારવાદી અને સમુત્ક્રાંતિવાદી હતા. શ્રદ્ધા — કવિની શ્રદ્ધા — આથી જુદી કોઈ વસ હશે, વારુ? બલવન્તરાયે મનુષ્ય તરીકે જીવનમાં રહસ્યવાદનો અસ્વીકાર કર્યો હતો. પણ એમણે કવિ તરીકે કવિતામાં રહસ્યવાદનો સ્વીકાર કર્યો છે. એમણે ‘હું તો વિચારપ્રધાન કવિતાને કવિતાસૃષ્ટિમાં દ્વિજોત્તમ જ્ઞાતિની માનું છું ને?’ — એવું વિધાન કર્યું હતું, પણ તે ઊર્મિકવિતા વિશેની સમકાલીન વિવેચનાના સંદર્ભમાં. કવિતા ઊર્મિવત્, ઊર્મિપ્રધાન નહિ. તો પછી કવિતામાં પ્રધાન શું? વિચાર. તો પછી કવિતા વિચારપ્રધાન. વિચારપ્રધાન શબ્દપ્રયોગ એમણે આ સંદર્ભમાં કર્યો હતો. પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચાર એટલે કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા એવો અર્થ થાય છે. કવિતા સભાન કલા છે એથી આ બુદ્ધિપ્રધાન, વાસ્તવપ્રધાન, વિચારપ્રધાન હોય, પણ અંતે એ કલ્પનાનો, દર્શનનો, અલૌકિક, લોકોત્તર, નિયતિકૃતનિયમરહિતા અને અનન્યપરતંત્રા એવી પ્રતિભાનો ઈશ્વરદત્ત પ્રસાદ છે. બલવન્તરાય કવિતામાં બુદ્ધિવાદી, વાસ્તવવાદી, વિચારવાદી જ માત્ર ન હતા, પ્રતિભાવાદી હતા. વિચારનું વિચાર તરીકે સ્થાન ઇતિહાસ, શાસ્ત્ર, ફિલસૂફીમાં, ગદ્યમાં છે, કવિતામાં નહિ. વિચારકણ કવિતામાં, અલબત્ત, પ્રવેશ પામે પણ પછી સર્જક-કલ્પનાની રસાયણ-પ્રક્રિયા દ્વારા એનું દ્રાવણ થાય અને અંતે એ નવા સંયોજન રૂપે — રસ રૂપે સિદ્ધ થાય. કવિતામાં એમણે વિચારનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો નથી. વિચાર-પ્રતિપાદનરૂપી શકુંતલાનું પાલનપોષણ કરવાનું થાય ત્યાં જ મેનકારૂપી કવિતા અદૃશ્ય થાય. કવિતા પરી છે, અપ્સરી છે, પાતર નથી. એથી જ ‘ભણકાર’માં ‘શાપું ત્હને’ અને ‘ઍમિલી બ્રૉન્ટેની અદ્વૈતભાવના’ — અનુવાદ કાવ્ય, અજ્ઞેયવાદી કાવ્ય અને અદ્વૈતવાદી કાવ્ય સાથે-સાથે સ્થાન પામ્યાં છે. કીટ્સની જેમ બલવન્તરાય પણ માને છે કે કવિનું એનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી, એનામાં નકારાત્મક શક્તિ છે, કવિમાં નાટ્યશક્તિ છે. કવિ શ્રદ્ધા અને અશ્રદ્ધા બન્નેનું, કોઈ પણ બે વિરોધી, વિસંવાદી વિચાર અને ભાવનું કાવ્ય એકસાથે રચી શકે છે. બલવન્તરાયે પદ્યનાટક રચ્યું નથી. પણ ‘ભણકાર’ એ ચિત્રવિચિત્ર વિચાર અને ભાવની એક સ્વાયત્ત નાટ્યસૃષ્ટિ છે. આ દૃષ્ટિએ પ્રાચીન અને અર્વાચીન સમગ્ર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ‘ભણકાર’ એકમેવ છે. એથી જ બલવન્તરાયે અનેક કાવ્યોમાં અનેક વાર સુધારા-વધારા-ઘટાડા, પાઠાન્તરો કર્યાં છે પણ કાન્ત અને સુન્દરમ્‌‌ની જેમ વિચાર કે ભાવના પરિવર્તન અર્થે નહિ, માત્ર વધુ સૌંદર્યના સર્જન અર્થે. કવિતા જ એમનું ‘ગોકુળ’ અને એમનો ‘નંદકુંવર’. વિચારના વૈકુંઠ માટે એમણે આ ગોકુળ અને નંદકુંવરનો કદી ત્યાગ કર્યો નથી. બલવન્તરાય કવિતાવાદી, સૌંદર્યવાદી હતા. કવિનું અંતિમ કર્તવ્ય છે : ‘રખે વિસરતો ક્ષણે રટણ એક સૌંદર્યનું.’ બલવન્તરાયે જીવનભર ક્ષણેક્ષણ આ કર્તવ્યનું સંપૂર્ણ પાલન કર્યું છે, એક સૌંદર્યનું જ રટણ કર્યું છે. કવિ પાસેથી આથી વિશેષ કોઈ આશા-અપેક્ષા હશે, વારુ? કવિતા સૌ કલાઓમાં સર્વશ્રેષ્ઠ છે, કલારાજ્ઞી છે. અર્થને કારણે અ-ધર લોક લગી ગતિ કરવાની એનામાં શક્તિ છે. કારણ કે એનું અ-ધર લોકમાંથી આગમન થયું છે. બલવન્તરાયે પ્રેમમાં — ‘જૂનું પિયેરઘર’, ‘બ્રાહ્મમુહૂર્તનું સ્વપ્ન’ આદિ કાવ્યોમાં — જેમ રહસ્યવાદનો સ્વીકાર કર્યો છે તેમ કવિતામાં પણ રહસ્યવાદનો સ્વીકાર કર્યો છે. કવિતામાં એંસીનેવું વસા કસબકારીગરી, કલાકૌશલ્ય છે, પણ દસવીસ વસા કાવ્યત્વ છે. ધીચિત્તંત્રશક્તિઓનો એક અષ્ટમાંશ પ્રત્યક્ષ છે, પણ સાત અષ્ટમાંશ પ્રચ્છન્ન છે. પ્રત્યક્ષ છે તે બુદ્ધિ, પ્રચ્છન્ન છે તે છદ્ધિ. કવિતા અંતે છદ્ધિ — અવચેતના — અસંપ્રજ્ઞાત મનનું સર્જન છે. કવિતામાં ઊર્મિ ઉપરાંત રહસ્યમયતાને કારણે, છદ્ધિને કારણે બુદ્ધિની અનિવાર્યતા છે. બુદ્ધિના અભાવે તો કૃતિ છિન્નભિન્ન, શીર્ણવિશીર્ણ થાય; કૃતિની સુગ્રથિતતા, સુશ્લિષ્ટતા માટે બુદ્ધિ આવશ્યક છે. આમ, બુદ્ધિનો પણ માનભંગ નહિ, મોક્ષ થાય એમ કવિતામાં રહસ્યવાદનો સ્વીકાર કર્યો છે. ‘સર્જકપ્રતિભા પણ સ્ફુટ અને શાસ્ત્રીય તત્ત્વાન્વેષણની વિચારણા કરતાં પ્રેરણાને વધારે મળતી આવે છે. એનું સ્વરૂપ પાંડિત્યલીલાનું નથી, બાલોચિત લીલાનું છે, અજબ ચમત્કારનું છે. નિયતિને તોડવાના આભાસ દ્વારા સવિશેષ પળાતા વિધિખેલના જેવું, સૌ અધિકારી પ્રેક્ષકને મોહચકિત કરી મૂકે છે.’ ‘કવિદૃષ્ટિને ઉપરતળે, ડાબેજમણે, બ્હારભીતર, વ્યોમેપાતાલે એવી કઈ ચીજ છે જે ચમત્કારભૂ નથી? કવિને પોતાની કૃતિઓ પણ વારંવાર ચમત્કાર બની જાય એ જાણીતું છે.’ આમ, કવિતા એ કવિકલ્પનાને, કવિને માટે પણ રહસ્યમય વાણી છે. એથી જ બલવન્તરાયે એમની કવિતાના સંગ્રહનું ‘ભણકાર’ એવું નામાભિધાન કર્યું છે. કવિતા એ લોક-પર, કાલ-પર, અ-ધર પ્રાસાદ છે, અભોમદ્યુતિ છે, અનામી છે. રજની ઉર કે નર્મદાવ્હેનમાંથી? સ્વર્ગંગાની રજતરજ કે વાદળીફેનમાંથી? ક્યાંથી? ક્યાંકથી એનું આગમન થાય છે. એ ‘છાની બાની’ છે, ‘શીય’ બાની છે. આયુષ્યના અંતિમ વર્ષમાં એમણે આ લખનારને પૂછ્યું હતું, ‘આઈ ડોન્ટ નો વૉટ પોએટ્રી ઇઝ, ડૂ યૂ?’ એણે કહ્યું, ‘આઇ ડોન્ટ.’ પછી એમણે કહ્યું, ‘આફ્ટર ઑલ ધીઝ ઇયર્સ આઇ ડોન્ટ નો વૉટ ઇટ ઇઝ. ઇટ ઇઝ એ મિસ્ટરી.’ — પંખી ના જાણે. બલવન્તરાયે જેમ સ્વસંબોધન રૂપે કવિતા વિશે સર્જનની પ્રથમ ક્ષણે જ આનંદસભર આશ્ચર્ય અનુભવ્યું હતું તેમ સહૃદયો બલવન્તરાયને સંબોધન રૂપે ‘ભણકાર’ની કવિતા વિશે સદાય આનંદસભર આશ્ચર્ય અનુભવશે : પુષ્પે પાને વિમલ હિમમોતી સરે તેમ છાની 
બાની ભીની નીતરી નીંગળે અંતરે શીય, સેહ્ની!

૧૯૭૮


*