શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૧. કેલૈયોકુંવર તો –
કેલૈયોકુંવર તો આ હાજરાહજૂર
બિલકુલ તૈયાર,
પણ પેલો થનગનતો અધીરો ઘોડીલો અશ્વ ક્યાં?
આ બેલગામ પ્રદૂષણોની હવામાં
એ અશ્વ કેમનો હોય તૈયાર?
પગના દાબડા ઊપડે જ નહીં,
અગ્નિશિખા-શું પુચ્છ કંપે જ નહીં,
ગળામાંથી હણહણાટી કે હાવળ નહીં,
કેશવાળીનો સળવળાટ નહીં,
જાણે સર્વાંગે લકવાયેલો!
જાણે પાળિયામાં પેસીને પૂરો પલટાઈ ગયેલો!
પેંગડે પગ ઘાલી, એડી માર્યા જ કરો,
ભલે ચિરાઈ જાય પેટ, એ નહીં દોડે!
લગામ તંગ કરીને ખેંચ્યે જ જાઓ.
ભલે ચિરાઈ જાય મુખ, એ નહીં દોડે!
સબોડ્યે જાઓ ચાબુક પર ચાબુક
ભલે થઈ જાય એ લોહીલુહાણ, એ નહીં જ દોડે!
ક્યાંક દૂર ગોખે બેઠી
દસ ગાઉ દૂર રહેલા અસવારની
મિલનઝંખામાં ઝુરાપે ઝૂલતી સુંદરી,
એને હવે તો પામી લેવું જોઈએ:
જેવો અશ્વ, એવો જ એનો અસવાર,
હાથ છતાં, હાથ વિનાનો,
પગ છતાં, પગ વિનાનો,
છતે કાને બધિર,
છતી આંખે અંધ,
એની પાસે એકમાત્ર હુંનું ખાલીખમ ખોળિયું!
ભલા, એમાં તે કોઈથીયે કરી શકાય ઉતારા?
ભલે તે કૈલેયોકુંવર હોય,
આંબાની સાખ-શો તડાક તૈયાર!
એનેય હવે તો
અશ્વની જેમ
લઈ લેવો ઘટે ઉતારો કોઈ પાળિયામાં તત્કાલ.
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૩૭)