ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’

From Ekatra Wiki
Revision as of 06:10, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’ [૨. ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર] : જ્ઞાનતિલકશિષ્ય વિનયચંદ્રકૃત, જૈન ધર્મના કર્મફળના સિદ્ધાંતનું માહાત્મ્ય કરતી, ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાલ અને ૮૪૮ કડીની રાસકૃતિ (મુ.). રાજા મકરધ્વજનો શીલવાન પુત્ર ઉત્તમકુમાર દેશાટને નીકળે છે અને શૂન્યદ્વીપના રાક્ષસરાજ ભ્રમરકેતુને હરાવીને દ્વીપની અધિષ્ઠાત્રીએ કરેલી શીલની કસોટીમાં પાર ઊતરી અઢળક રત્નો ભેટ મેળવે છે. તેના ઉપર મોહિત થયેલી ભ્રમરકેતુની પુત્રી મદાલસાને પણ એ પરણે છે. પણ મદાલસા પર મોહિત થયેલો વહાણવટી વેપારી સમુદ્રગુપ્ત ઉત્તમકુમારને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દે છે. આ રીતે જુદાં પડેલાં ઉત્તમકુમાર અને મદાલસા અનેક સંકટોમાંથી પસાર થઈ અંતે ભેગાં થાય છે અને મદાલસા ઉપરાંત ૩ રાણીઓ અને ૪ રાજ્યોનો સ્વામી બનેલ ઉત્તમકુમાર પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળી વૈરાગ્ય ઊપજતાં ૪ રાણીઓ સાથે દીક્ષા લે છે. અદ્ભુત અને વીરરસના પ્રસંગોથી ભરપૂર રોચક કથાનક ધરાવતો આ રાસ પ્રવાહી નિરૂપણ અને ઝડઝમક્યુક્ત ભાષાછટાથી ધ્યાન ખેંચે છે. કૃતિમાંના ભ્રમરકેતુ અને મદાલસાનાં પાત્રોનાં, રાજા વીરસેન અને ભ્રમરકેતુ સાથેના ઉત્તમકુમારના યુદ્ધપ્રસંગોનાં, વસંતઋતુનાં તથા અન્ય વર્ણનો રાસકર્તાની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે.[ર.ર.દ.]