અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/પુષ્પ થૈ આવીશ
સુન્દરમ્
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં
તું બાળ નાનું ખેલતું હોશે તરુની હેઠળે,
હું ટપ થઈ તારા શિરે ટપકીશ,
તારી આંખનો ભોળો અચંબો પીશ,
તારા હાથનું નાનું રમકડું થૈ રહીશ રમી, ભલે
તું પાંદડી પીંખી પીંખી મેલે ઉડાડી આભમાં.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના,
હું કેશ તારે લાડિલી વેણી બની ઝુલીશ,
તારા કાનમાં ઝૂલી કપોલે તાહરે ગેલીશ,
કે ગજરો બની તારા કરે સોહીશ, મોહીશ સર્વનાં મન,
તું ભલે હો સ્વપ્નની ડાળે ચડી મુજને જતી બસ વિસ્મરી.
હું પુષ્પ પથૈ આવીશ તારી પાસમાં.
તું હશે જોબનછટાળો છેલ કો સોહામણો,
હું હૃદય પર તારે બટન આવી જઈ બેસીશ,
તારી આંગળીનાં ટેરવાં હા પળપળે ચૂમીશ,
તારું ચિત્ત ચોર્યાસી દિશે ભમતું ભલે હોશે છતાં,
શી ખબર તુજને અરે કે હૃદયરસ તારો પિનાર જ એક હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું હશે ગૌરવઘટાળો કો મહાજન માનીતો,
હું કંઠ તારે હાર ભરચક સૌરભે મ્હેકીશ,
હું આજાનું તારે અંગ ઝૂલતો કદમ કદમે,
સંગ તવ આંદોલતો ડોલીશ,
તારું ચિત્ત કોઈ ઉદાર પ્રેમળ નિશ્ચયે રહેશે વહ્યું,
એ વહનમાં તવ સંગ આખું જગત જે ઘૂમીશ હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું હશે કો માનવોત્તર દેવચિતિ સંબુદ્ધ જન,
હું ચરણ તારે શ્વેત જૂઈ પુષ્પ પુંજ થઈ ઠરીશ,
એ ચરણની રજશું ભળી, રજને સુગંધે સંભરીશ,
તવ આત્મ હા પરમાત્મ સંગે ગુફતગૂમાં લીન તબ,
તવ દ્વારરક્ષક ધવલતમ પાવિત્ર્યધન્વા થૈશ હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.