અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/પુષ્પ થૈ આવીશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુષ્પ થૈ આવીશ

સુન્દરમ્

હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં
તું બાળ નાનું ખેલતું હોશે તરુની હેઠળે,
હું ટપ થઈ તારા શિરે ટપકીશ,
તારી આંખનો ભોળો અચંબો પીશ,
તારા હાથનું નાનું રમકડું થૈ રહીશ રમી, ભલે
તું પાંદડી પીંખી પીંખી મેલે ઉડાડી આભમાં.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના,
હું કેશ તારે લાડિલી વેણી બની ઝુલીશ,
તારા કાનમાં ઝૂલી કપોલે તાહરે ગેલીશ,
કે ગજરો બની તારા કરે સોહીશ, મોહીશ સર્વનાં મન,
તું ભલે હો સ્વપ્નની ડાળે ચડી મુજને જતી બસ વિસ્મરી.
હું પુષ્પ પથૈ આવીશ તારી પાસમાં.
તું હશે જોબનછટાળો છેલ કો સોહામણો,
હું હૃદય પર તારે બટન આવી જઈ બેસીશ,
તારી આંગળીનાં ટેરવાં હા પળપળે ચૂમીશ,
તારું ચિત્ત ચોર્યાસી દિશે ભમતું ભલે હોશે છતાં,
શી ખબર તુજને અરે કે હૃદયરસ તારો પિનાર જ એક હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું હશે ગૌરવઘટાળો કો મહાજન માનીતો,
હું કંઠ તારે હાર ભરચક સૌરભે મ્હેકીશ,
હું આજાનું તારે અંગ ઝૂલતો કદમ કદમે,
સંગ તવ આંદોલતો ડોલીશ,
તારું ચિત્ત કોઈ ઉદાર પ્રેમળ નિશ્ચયે રહેશે વહ્યું,
એ વહનમાં તવ સંગ આખું જગત જે ઘૂમીશ હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
તું હશે કો માનવોત્તર દેવચિતિ સંબુદ્ધ જન,
હું ચરણ તારે શ્વેત જૂઈ પુષ્પ પુંજ થઈ ઠરીશ,
એ ચરણની રજશું ભળી, રજને સુગંધે સંભરીશ,
તવ આત્મ હા પરમાત્મ સંગે ગુફતગૂમાં લીન તબ,
તવ દ્વારરક્ષક ધવલતમ પાવિત્ર્યધન્વા થૈશ હું.
હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.



આસ્વાદ: એકલક્ષી એકપક્ષી પ્રેમનું પ્રતીક – રાધેશ્યામ શર્મા

સુંદરમ્ આપણા શક્તિસંપન્ન (‘સેમિનલ’) સર્જક છે. શક્તિ હંમેશાં કલ્પમાં પ્રસ્ફુરિત થતી હોય છે. અંગ્રેજી ભાષામાં ‘shall’ના પ્રયોગ કરતાં ‘will’ના પ્રયોગમાં જ સંકલ્પની નિશ્ચિતતા વ્યક્ત થાય છે. ‘હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં’ પંક્તિમાં વિશુદ્ધ સંકલ્પની દૃઢ મુદ્રા ઊપસી આવી છે. કવિતાનો પ્રારંભ થાય છે તો ‘હું’થી, પણ પછીની તમામ પંક્તિઓમાં ‘તું’નું જ મહત્ત્વ છે, ‘તું’નો જ વિસ્તાર છે અને ‘તું’ જે કાંઈ બને છે એને, ‘હું’ અંત સુધી અનુસરે છે.

કવિની ભાવના ‘પુષ્પ’ થઈ આવવાની છે. આ સંકલ્પના ઉદ્ગાર ભાવનામંડિત છે. એક અફર વચન તરીકે જ ઉદ્ગાર આવ્યો છે. મરતા મનુષ્યે જીવતાને અને જીવતા મનુષ્યને મરતાએ આપી પાળવાના વચન જેવો આ સિદ્ધ ઉદ્ગાર ધારદાર છે. એના પરિપાલનમાં કશી શંકાની છાયા પાડતો નથી. કાવ્યના પ્રત્યેક શ્લોકના તબક્કાના જુદા જુદા મણકામાં સૂત્ર રૂપે આ પંક્તિ પરોવાયેલી છે: ‘હું પુષ્પ થૈ આવીશ.’

કવિઓને પ્રથમ પંક્તિ પંક્તિ જાણે કે પ્રભુદીધી હોય છે. એ પ્રાપ્ત થઈ ગયા પછી આગળના ઉકેલ–આગળા ઊઘડતા આવે છે. ‘હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં’ – કહી તો દીધું પણ ક્યારે–ક્યારે, ક્યાં–ક્યાંના ઉલ્લેખો કરતાં કેવાં કેવાં સ્વરૂપે હું હોઈશ ત્યારે પુષ્પ થૈ આવીશ એના પર કવિતાનો મદાર વધુ છે. જાણે એક જ વ્યક્તિ (તું) અનેકવિધ રૂપે વિકસશે અથવા જન્મો લેશે ત્યારે ત્યારે પ્રત્યેક અવસ્થામાં પુષ્પ રૂપે જ મળવાની ખેવના પ્રગટ થઈ છે. નાનું બાળક, નાનકી બાળા, જોબનછટાળો છેલ, ગૌરવઘટાળો મહાજન અને માનવેતર સંબુદ્ધ જન તરીકે ‘તું’ હોઈશ ત્યારે ‘હું’ એને વિવિધ પરિવેશમાં અને ભિન્ન ભિન્ન ભાવનાઓપૂર્વક પુષ્પ રૂપે પામશે – આ જાતની ગૂંથણી રચનામાં થઈ છે. ‘તું’ની પ્રત્યેક અવસ્થામાં તે ભલે પલટાયા કરે, પુષ્પનું સ્મરણ રહે કે ના રહે, કદર મળે કે ના મળે, અરે! ચરણરજ તરીકે રહેવાનું આવે તોયે ‘હું’ કહે છે: ‘રજને સુગંધે ભરીશ.’

પુષ્પ અહીં એકલક્ષી-એકપક્ષી બિનશરતી પ્રેમનું પ્રતીક બની જાય છે. પ્રથમ પંક્તિમાં એ સચોટપણે વ્યક્ત થઈ ગયું છે. નાનું ભોળું બાળ, હોય એની પાસે પુષ્પ કઈ રીતે જશે? ‘હું ટપ દઈ તારા શિરે ટપકીશ. ટપ દઈને ટપકવાની આ ક્રિયા પણ કેટલી સાહજકિતાથી – વર્ણવાઈ છે. બાળકને તો કશી ખબર ના હોય એટલે અજાણતાં રમતાં રમતાં પુષ્પનું ગમે તે કરી કાઢે; વાંધો નહિ.

‘ભલે, તું પાંદડી પીંખી પીંખી મેલે ઉડાડી આભમાં’

આવી ફકીરી અને ફનાગીરી નિર્વ્યાજ સ્નેહસુમનમાંથી જ સાંપડે. એવી જ રીતે નાની બાળા ‘સ્વપ્નની ડાળે ચડી’ પુષ્પને ભૂલી જાય તોયે હરકત નથી. છેલ’ બને ‘માનીતા મહાજન’વાળી પંક્તિઓ એટલી પ્રબળ નથી કવિતાના છેલ્લા શ્લોકમાં, ‘આત્મ’ ‘પરમાત્મા’ લગી પુષ્પને પહોંચાડવાની પેરવીમાં પડવાનો મોહ જતો કરી શકાયો હોત. છતાં અંતિમ કડીમાં સુંદરમ્‌નો સર્જક–સ્પર્શ વરતાય છે અવશ્ય: ‘તવ દ્વારરક્ષક ધવલતમ પાવિત્ર્યધન્વા થૈશ હું.’ આવી સંઘેડાઉતાર પંક્તિમાં જ કાવ્ય, ભાવક પાસે પુષ્પ થૈ આવતું રહે છે. (રચનાને રસ્તે)