ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૧

From Ekatra Wiki
Revision as of 06:15, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામ-૧ [ઈ.૧૫૨૭ સુધીમાં] : ‘સોની રામ’ને નામે જાણીતા આ કવિએ વિશિષ્ટ પદ્યબંધવાળા ૨૬ કડીના ‘વસંતવિલાસ’(લે.ઈ.૧૫૨૭; મુ.) એ ફાગુકાવ્યની રચના કરી છે. કૃતિના અંતમાં “ગાયો રે જેહવઉ તેહવઉ સોની રામ વસંત” એવી પંક્તિ છે. એને આધારે કૃતિના કર્તા ‘સોની રામ’ ગણવામાં આવે છે, પરંતુ કૃતિની પ્રારંભની બીજી અને ચોથી કડીમાં ‘રામ ભણઈ’ એવી પંક્તિ છે, એટલે કૃતિના કર્તા કોઈ રામ લાગે છે અને ‘સોની’ શબ્દ નામનો ભાગ નહીં, પરંતુ કર્તાના વ્યવસાય કે તેમની જ્ઞાતિનો સૂચક હોય એમ માનવા પ્રેરે છે. કૃતિના પ્રારંભમાં મુકાયેલા સંસ્કૃત શ્લોક પરથી કવિ સંસ્કૃતના જ્ઞાતા હોય એમ લાગે છે, અને કૃતિમાં નિરૂપાયેલો રુક્મિણીનો કૃષ્ણ માટેનો વિરહભાવ તેઓ કૃષ્ણભક્ત હોવાનું સૂચવે છે. કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તે સં. ૧૭મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. પરંતુ કૃતિની ઈ.૧૫૨૭માં લખાયેલી પ્રત મળી આવી છે. એટલે કર્તા ત્યાં સુધીમાં થયા હોય એમ કહી શકાય. રુક્મિણીવિરહનું આ ફાગુ વસંતની માદકતાનું કમોદ્દીપક વર્ણન ને રુક્મિણીની વિરહવ્યથાના મર્મસ્પર્શી નિરૂપણથી ધ્યાનપાત્ર ફાગુકૃતિ બની રહે છે. કૃતિ : વસંતવિલાસ-ઍન ઑલ્ડ ગુજરાતી ફાગુ. સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૪૨ (અં.) (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. મુપુગૂહસૂચી. [કા.શા. , કી.જો.]