ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વાસુપૂજ્યમનોરમફાગ’
Revision as of 16:23, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
‘વાસુપૂજ્યમનોરમફાગ’ [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને રજૂ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું થયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભાષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રોટકો ઉપરાંત ફાગની, અઢૈયાની અને અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતા આ કાવ્યમાં કેટલીક ઢાળોમાં મનોરમ ધ્રુવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેયતાની છાપ ઉપસાવે છે. [જ.કો.]