ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદેવ-૨
વિજ્યદેવ-૨ [જ.ઈ.૧૫૭૮-અવ.ઈ.૧૬૫૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં વિજ્યસેનસૂરિના શિષ્ય. ઈડરના વતની. પિતા થિરાતુલ ચંદસિંહ શાહ. માતા રૂપાં. ઈ.૧૫૮૭માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ.૧૬૦૦માં ખંભાતમાં આચાર્યપદ. ઈ.૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા’નું બિરુદ આપ્યું. પ્રખર વિદ્વાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય યશોવિજ્ય અને પદ્મવિજ્યને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં અનશનથી અવસાન. ‘સાધુમર્યાદા-પટ્ટક’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, વૈશાખ સુદ ૭, બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીકલ્પ-સ્તવન/વીરનિર્વાણ-સ્તવન’(મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીકલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯. સંદર્ભ : ૧. જૈઐકાસંચ્ય; ૨. જૈઐરાસમાલા : ૧; ૩. જૈસાઇતિહાસ; ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]