કવિની ચોકી/4

From Ekatra Wiki
Revision as of 07:10, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વહેમ વિરુદ્ધ શ્રદ્ધા

15 જાન્યુઆરી, 1934ના રોજ ગાંધીજી કાલિકટમાં હતા તે દિવસે બિહારમાં ભયંકર વિનાશકારી ભૂકંપ થયો. ગાંધીજી ઉપર લોકોનું દબાણ થવા લાગ્યું કે તેઓ હરિજનયાત્રા બંધ રાખી, અસ્પૃશ્યતાનિવારણના કામનું પ્રાધાન્ય ઓછું કરી બિહાર સંકટનિવારણમાં જોડાઈ જાય. ગાંધીજી તો બિહાર સાથે ‘પવિત્ર પ્રેમગ્રંથિ’થી બંધાયેલા હતા, જ્યારે અજાણ્યા મુસાફર હતા ત્યારે ચંપારણ્યે તેમને અપનાવેલા, બાબુ રાજેન્દ્રપ્રસાદ, બાબુ બ્રજકિશોર પ્રસાદ અને આચાર્ય કૃપલાની જેવા સાથીઓ આપ્યા હતા. રાજેન્દ્રપ્રસાદ સંકટનિવારણના કામમાં ગળાડૂબ હતા, આ સમયે ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણનું કામ છોડી બિહાર દોડી જવું ગુમાન જણાયું. તેમણે બિહારના વિનાશ અને અસ્પૃશ્યતા વિશે બીજી ફેબ્રુઆરીના રોજ નિવેદન આપ્યું.[1] ગાંધીજીએ આ નિવેદનમાં બિહારમાં જીવનની નવેસર રચના કરવામાં જે મદદ મોકલાઈ તેનો સદ્ઉપયોગ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે મદદ અસ્પૃશ્યતા કે તેની ઉપર રચાયેલા જાતિભેદને ઉત્તેજન ન આપે. કુદરતે વિનાશ કરવામાં પક્ષપાત નથી રાખ્યો તો નવસર્જનમાં પક્ષપાત શા માટે ? આ વાત પછી તેમણે પાપ અને ઈશ્વરીકોપને સાંકળતું વિધાન કર્યું : ‘‘સુધરેલું અને નહીં સુધરેલું આખું જગત માને છે તેમ હું પણ માનું છું કે બિહાર જેવી આપત્તિ મનુષ્યજાતિ પર તેના પાપની સજા રૂપે આવી પડે છે. જ્યારે એ દૃઢ માન્યતા હૃદયમાંથી ઊગેલી હોય ત્યારે લોકો પ્રાર્થના કરે છે, પશ્ચાત્તાપ કરે છે, ને શુદ્ધ બને છે. હું અસ્પૃશ્યતાને એવું મહાપાતક ગણું છું કે એને સારુ આપણે ઈશ્વરી દંડને પાત્ર થઈએ –‘જુગ જૂના પાપને સારુ દંડ શો ?’ કે ‘એ દંડ દક્ષિણને નહીં ને બિહારને શા માટે ?’ કે ‘બીજી કોઈ સજા નહીં ને ધરતીકંપ શા માટે ?’ એવા કોયડાની મારા પર અસર થતી નથી. મારો જવાબ આ છે : હું ઈશ્વર નથી. એટલે ઈશ્વરના હેતુ વિશેનું મારું જ્ઞાન અતિ મર્યાદિત છે. આવી આફતો એ કંઈ ઈશ્વરના કે કુદરતના મનના તરંગો નથી. જેમ ગ્રહગણ તેમની ગતિને વિશે નિર્મેલા નિયમોને અનુસરીને ફરે છે તે જ પ્રમાણે આ આફતો પણ નિશ્ચિત નિયમોને અનુસરે છે. માત્ર આપણે આ ઘટનાઓને લગતા નિયમ જાણતા નથી, અને તેથી એને આફત અથવા ઉત્પાત કહીએ છીએ. એટલે એમને વિશે જે કંઈ કહેવાય તે બધું અનુમાનરૂપ જ હોઈ શકે પણ અનુમાનને પણ મનુષ્યજીવનમાં નિશ્ચિત સ્થાન છે. બિહારનો ઉત્પાત એ અસ્પૃશ્યતાના પાપને કારણે છે એવું અનુમાન કરવું એ મને ઊંચે લઈ જનાર છે. એ અનુમાન મને નમ્ર બનાવે છે. એના નિવારણને માટે પ્રયાસ કરવા પ્રેરે છે, અને આત્મશુદ્ધિ કરવાનું ઉત્તેજન આપે છે, મને સરજનહારની સમીપ લઈ જાય છે... આ આપત્તિ કેવળ અસ્પૃશ્યતાના પાપના દંડરૂપે જ છે એવો એનો અર્થ હું કરતો નથી. એમાં બીજાં અનેક પાપો પ્રત્યેનો ઈશ્વરી કોપ ભેળવવાની બીજાઓને છૂટ છે. "અસ્પૃશ્યતાનિવારણ કરવા માગનાર સુધારકો આ ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે. મારામાં છે એ શ્રદ્ધા તેમનામાં હશે તો તેઓ આડે રસ્તે નહીં દોરવાય. એ શ્રદ્ધાને લીધે તેઓ બિહારને ઓછી મદદ નહીં કરે પણ વધારે મદદ કરશે; અને પુનર્ઘટનની કોઈ પણ યોજનામાં અસ્પૃશ્યતા ન ઘૂસવા પામે એવું વાતાવરણ પેદા કરવા તેઓ પ્રયત્ન કરશે.’’[2] ગાંધીજી સ્પષ્ટપણે કુદરતી આફત અને ઈશ્વરના કોપને સાંકળી રહ્યા છે. તેમના દર્શન અનુસાર કુદરત, પ્રકૃતિ છેવટે તો ભૌતિક નિયમો પર નહીં પણ ઈશ્વરના હેતુ અને ઈશ્વરેચ્છા પર આધીન છે. ઈશ્વરની ક્રિયા અગમ્ય છે અને માણસ જાતે પોતે કરેલાં કૃત્યોને આધારે ઈશ્વરનો હેતુ સમજવા યત્ન કરવો રહ્યો. જો સમગ્ર જીવન અને વિશ્વ ઈશ્વરની ઇચ્છાને આધીન હોય તો આ વિશ્વ કેવળ નૈતિક નિયમોના આધારે ચાલી શકે. નીતિમત્તાને સત્ય અને ન્યાય સાથે સીધો નાતો છે. આથી જે ન્યાયપૂર્ણ નથી, સત્ય નથી તેને ઈશ્વરના રાજમાં સ્થાન ન હોઈ શકે. ઉપરાંત જે શ્રદ્ધેય છે, આસ્થાવાન છે તેના માટે પાપ અને પુણ્ય પાયાની, મૂળની વિભાવના અને ખ્યાલ બને છે. તેવી વ્યક્તિનું જીવન પાપ નિવારણનું બને છે. ગાંધીજીના આ વિચારવિશ્વની સામે કવિએ પડકાર કર્યો. ગાંધીજીનું ‘બિહાર અને અસ્પૃશ્યતા’એ વિધાન બહાર પડ્યું તે પહેલાં બિહારના ભૂકંપ વિશે તેમણે તિનેવેલીમાં પહેલી વાર ભૂકંપ અને અસ્પૃશ્યતાને સાંકળતું વિધાન કર્યું હતું. આ વિચારોની અખબારોમાં ચર્ચા થવા લાગી હતી. કવિએ 28 જાન્યુઆરી, 1934ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો; જેમાં ગાંધીજીના અસ્પૃશ્યતા, ઈશ્વરનો કોપ અને ધરતીકંપને સાંકળતાં વિધાનોનો સાર આપ્યા બાદ લખ્યું; ‘‘હું આ માનવા તૈયાર નથી, પણ જો આ જ તમારા વિચાર હોય તો મને લાગે છે કે તેનો વિરોધ ન થાય તે યોગ્ય નહીં કહેવાય. આ સાથે મારો પ્રત્યુત્તર સામેલ છે. જો અખબારોએ તમારા વિચારોને પ્રામાણિકપણે રજૂ કર્યા હોય તો તમે આ નિવેદનને અખબારમાં મોકલશો ? મેં જાતે તેને પ્રકાશિત કરવા માટે અખબારોને મોકલ્યું નથી, કારણ તમે ન કરેલાં કૃત્યો બદલ તમારી ટીકા કરનારી હું છેલ્લી વ્યક્તિ હોઈશ.’’[3] કવિ ટાગોરનો પત્ર મળ્યો કે તરત જ ગાંધીજીએ તેનો જવાબ લખ્યો; સ્પષ્ટ છે કે તેઓ વિહ્વળ છે. ‘‘આપનો પત્ર મને હમણાં જ મળ્યો. મને બદનામ કરવાની એક ઝુંબેશ ચાલી રહી છે. બિહારના ધરતીકંપ વિશેની મારી ટીકા એમાં ખૂબ કામ લાગી છે. હું ઘણી સભાઓમાં એ વિશે બોલ્યો છું. આ સાથે મારો સુચિંતિત અભિપ્રાય બીડ્યો છે.’’[4] આપના નિવેદન ઉપરથી હું જોઉં છું કે આપણી વચ્ચે કદાચ એક પાયાનો મતભેદ ઊભો થયો છે. પણ હું લાચાર છું. હું એમ જ માનું છું કે ભૌતિક ઘટનામાંથી અભૌતિક પરિણામો નીપજે છે. કેવી રીતે બને છે એની મને ખબર નથી. ‘‘મારો લેખ વાંચ્યા પછી પણ જો આપને આપનું નિવેદન પ્રકટ કરવાની જરૂર લાગે તો તે આપની ઇચ્છા મુજબ અહીં કે ત્યાં તત્કાળ પ્રગટ કરી શકાય એમ છે. આશા રાખું છું કે આપની તબિયત સારી ચાલતી હશે’’. આ છેલ્લી લીટીઓના હસ્તાક્ષર વિશે ગાંધીજીએ ક્ષમા માગી; ‘‘છેલ્લી લીટીઓ શરમ આવે એટલી બધી ખરાબ રીતે લખાઈ છે, પણ હું છેક થાકી ગયો હતો અને અર્ધો ઊંઘમાં હતો. કૃપા કરીને ક્ષમા કરશો. જો મારે આજની ટપાલમાં રવાના કરવો હોય તો ચોખ્ખી નકલ કરવા ન રોકાવું જોઈએ.’’[5] કવિ ટાગોરનું નિવેદન 16 ફેબ્રુઆરી, 1934ના हरिजन અને 18 ફેબ્રુઆરી, 1934ના हरिजनबंधुમાં છપાયું. કવિએ નિવેદનમાં લખ્યું; ‘‘અમુક લોકો અસ્પૃશ્યતાની રૂઢિને અંધપણે અનુસરે છે. એને લીધે એના વિનાશક કોપને સારુ જાણે ખાસ પસંદ કરેલા બિહારના અમુક ભાગ ઉપર ભગવાનનો રોષ ઊતર્યો એમ મહાત્માજીને કહેતાં જાણીને મને સખેદ આશ્ચર્ય થયું છે. આ એટલા માટે વિશેષ દુ:ખની વાત છે કે આપણા દેશબંધુઓનો મોટો ભાગ આવી અશાસ્ત્રીય દૃષ્ટિ સહેજે સ્વીકારે છે. ભૌતિક આપત્તિનું અનિવાર્ય અને એક જ કારણ ભૌતિક જ હોય છે. એવી સીધી વાત મારે કરવી પડે છે તેમાં મને હીનપદ લાગે છે. જેના અમલમાં ભગવાન પોતે વચ્ચે પડતા નથી એવા વિશ્વનિયમની અનિવાર્યતા આપણે ન માનીએ તો આવા સંકટને પ્રસંગે ભગવાનની ગતિમાં આપણે ન્યાય જોઈ શકીએ નહીં.’’[6] કવિ ટાગોરની માંડણી ગાંધીજી કરતાં સાવ જુદી છે. કવિ માટે ભૌતિક વિશ્વના નિયમ ભગવાનના, ઈશ્વરના અમલથી સ્વાયત્ત છે. આ સ્વાયત્ત વિશ્વમાં માન્યતા કવિ માટે અનિવાર્ય છે. આથી તેઓ માટે ભૌતિક ઘટનાનું ભૌતિક જ કારણ હોય, અન્ય કોઈ કલ્પના કરવી તેઓ માટે હીણું છે. ‘‘સૃષ્ટિના બનાવને નીતિનિયમ સાથે સંબંધ છે, એમ માનીએ તો માણસના ભૂંડા હાલ કરીને એને સદાચાર શીખવનારી કુદરત કરતાં માણસ નીતિ દૃષ્ટિએ શ્રેષ્ઠ છે એમ આપણે કબૂલ કરવું પડે. કારણ કે જે વધારે શિક્ષાને પાત્ર હોય એવા દૂર રહેવાને કારણે સુરક્ષિત બીજા લોકો ઉપર છાપ પાડવા સારુ કોઈ સુધરેલો રાજ્યકર્તા અસ્પૃશ્ય જાતિનાં બાળક અને મોટેરાં સહિત જે હાથમાં આવે એના ઉપર અવિવેકીપણે હાથ ચલાવે એમ આપણે કદી કલ્પી શકીએ નહીં. ઘોર અન્યાયથી મુક્ત હોય એવો માનવઇતિહાસનો કોઈ કાળ આપણે બતાવી શકતા નથી તોપણ આપણે જોઈએ છીએ કે દુરાચારના ગઢ હજી અડગ ઊભા છે, દયાજનક દરિદ્રતા અને ભૂખે મરતા ખેડૂતના અજ્ઞાન ઉપર તાગડધિન્ના કરનારાં કારખાનાં તેમ જ જ્યાં જે વારંવાર ગુનો કરવાના પરવાનારૂપ હોય છે એવા ગુનેગારને દંડવાના કાયદા જ્યાં ચાલતા હોય છે એવા જગતના સર્વ ભાગમાંનાં કેદખાનાં હજી અચળ ઊભાં છે. આ ઉપરથી ચોખ્ખું જણાય છે કે સમાજના નૈતિક પાયામાં ભયંકર તરડ દેખાવા મંડે અને સંસ્કૃતિઓની નીચે સુરંગ ફૂટે ત્યાં લગી જેમ નિર્દયતાનો અસહ્ય ભાર ભરાતો જાય છે તે ભારની ગુરુત્વાકર્ષણના નિયમ ઉપર લેશમાત્ર અસર થતી નથી.’[7] કવિ બે પ્રકારની દલીલ કરી રહ્યા છે. એક તો, નીતિમત્તા અને સૃષ્ટિની ઘટનાઓને સંબંધ નથી. જો આવો સંબંધ બનાવવા જઈએ તો આપણને સૃષ્ટિ અન્યાયી લાગશે, કારણ કે સૃષ્ટિની શિક્ષામાં, ઈશ્વરના કોપમાં કોઈ તર્ક જણાતો નથી. આ પણ જો સૃષ્ટિમાં હોય ને તર્કરહિત ગણીએ તો નૈતિક દૃષ્ટિએ માણસ સૃષ્ટિ કરતાં ચડિયાતો પુરવાર થાય કારણ કે કોઈ સુધરેલો રાજ્યર્ક્તા કારણવિના, બીજાના ગુનાને દંડવા માટે પ્રજા સમસ્ત પર દાખલો બેસાડવા માટે અવિવેકીપણે સજા કરતો નથી. બીજું, કવિ કહે છે કે જો ઈશ્વરીકોપ અને માણસના પાપ વચ્ચે સંબંધ હોય તો માનવસમાજના ઘોર અન્યાય, પાપને ઈશ્વરે કે સૃષ્ટિએ વારેવારે દંડવો જોઈએ. આપણાં પાપનો ભાર ગુરુત્વાકર્ષણના ભારથી વધારે હોવો જોઈએ. તેઓ આગળ કહે છે; ‘‘ખરેખર કરુણ વાત તો એ છે કે સૃષ્ટિના બનાવનો મહાત્માજીએ જે દુરુપયોગ કર્યો છે તે એમના કરતાં એમના વિરોધી માનસને વધારે અનુકૂળ છે અને તેઓએ એમના અનુયાયીઓને આ દિવ્યકોપને સારુ જવાબદાર ગણવાને આ તક સાધી હોત તો મને લેશમાત્ર આશ્ચર્ય ન થાત.’’[8] ગાંધીજીનો તર્ક એમના વિરોધીઓ પણ વાપરી શકે. શું એમ દલીલ ન થાય કે આ દિવ્યકોપનું કારણ ગાંધીજી અને તેમના અનુયાયીઓનું સૃષ્ટિના નિયમ વિરુદ્ધનું, પરંપરા, ધર્મશાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય –અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય – જવાબદાર છે ? આ દલીલ કવિને ગાંધીજીની દલીલ જેટલી જ વજૂદભરી જણાય છે, કારણ કે બંનેનો તર્ક સરખો છે. ‘‘આપણે તો એવી શ્રદ્ધામાં પૂરા સુરક્ષિત છીએ કે આપણાં પાપ ગમે તેટલાં પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં. ધર્મી અને પાપી, ધર્માંધ અને રૂઢિભંજક આપણે તેના ઉપર આધાર રાખી શકીએ. એની અદભુત પ્રેરણાથી મહાત્માજીએ એના દેશબંધુઓના મનમાંથી ભય અને દુર્બળતા કાઢી નાખ્યાં છે તેને સારું આપણે એમના અત્યંત ૠણી છીએ, એટલે જે સ્વતંત્રતા અને સ્વમાન સામે આપણને તગડનારી બધી અંધશક્તિનું મૂળ છે તે જડતાને પોષે એવા કોઈ શબ્દ એમના મુખમાંથી નીકળે ત્યારે આપણને બહુ આઘાત થાય છે.’’[9] કવિનો લેખ हरिजन અને हरिजनबंधुના જે અંકમાં છપાયો તે અંકમાં ગાંધીજીનો પ્રત્યુત્તર પણ હતો. ‘વહેમ વિ. શ્રદ્ધા.’ ગાંધીજીએ એમની રીત પ્રમાણે શરૂઆત ગુરુદેવને અંજલિ આપીને કરી, કવિની ચોકી તેમના માટે કેટલી મહત્ત્વની છે તેની યાદ અપાવતાં લખ્યું; ‘‘શાંતિનિકેતનના કવિ જેમ તે મહાન સંસ્થાના તેમ મારા પણ ગુરુદેવ છે. સ્વેચ્છાએ સ્વીકારેલા દક્ષિણ આફ્રિકાના અમારા લાંબા દેશવટાથી અમે પાછા આવ્યા ત્યારે મને અને મારાંને ત્યાં આશરો મળ્યો હતો. પણ અમારી વચ્ચે અમુક દૃષ્ટિભેદ હતા એમ ગુરુદેવ અને મેં તરત જોઈ લીધું હતું; પરંતુ મતભેદને કારણે અમારો પરસ્પર પ્રેમ કદી ઓછો થયો નથી; અને બિહારના ભૂકંપને મેં અસ્પૃશ્યતાના દંડ રૂપે ગણ્યો તે વિશે ગુરુદેવે હમણાં જ નિવેદન કર્યું છે તેનાથી પણ તે ઘટવાનો નથી. એમને મારી ભૂલ થઈ લાગે તો પોતાનો વિરોધ દર્શાવવાનો સંપૂર્ણ અધિકાર હતો. મને એમને વિશે ઊંડું માન છે એટલે બીજા કોઈ ટીકા કરતાં એમની વાત હું વધારે તત્પરતાથી ધ્યાનમાં લઉં એમ છું. પણ એમનું નિવેદન હું ત્રણ વાર વાંચી ગયો તે છતાં જે મેં આ પત્રમાં લખ્યું છે તેને હું વળગી રહું છું...’’[10] આ પછી ગાંધીજીએ કહ્યું કે ભૂકંપ અને અસ્પૃશ્યતાનો એમણે પ્રથમ વાર સંબંધ જોડ્યો ત્યારે તે પૂર્ણ વિચારપૂર્વક અને અંતરના ઊંડાણમાંથી બોલ્યા હતા. ‘‘જે હું માનતો હતો તે મેં કહ્યું. ભૌતિક બનાવનાં ભૌતિક તેમજ આધ્યાત્મિક પરિણામ પણ આવે છે એમ મેં બહુ દિવસથી માન્યું છે. આનાથી ઊલટો સિદ્ધાંત પણ હું એટલો જ સાચો માનું છું. ‘‘ભૂકંપ મારે મન ઈશ્વરનો તરંગ અથવા કેવળ અંધશક્તિઓના મેળાપનું પરિણામ નહોતો. ભગવાનના સર્વ કારણ તેમજ તેનો અમલ આપણે સમજતા નથી. વિદ્વાનમાં વિદ્વાન વિજ્ઞાની કે જ્ઞાનીનું જ્ઞાન રજના પરમાણુ જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યક્તિ નથી તો તે એની કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતમાં એનું શાસન ચાલે છે. પાન પણ એની ઇચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરશ: માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે.’’[11] ગાંધીજી પોતાની ઊંડી, અવિચલ શ્રદ્ધાની વાત કરે છે એમ નહીં, તેઓ જુદી દાર્શનિક ભૂમિકા રચે છે. જે વ્યક્તિ ઈશ્વરને સાક્ષી માનીને, ઈશ્વરની હાજરી સતત અનુભવીને જીવન વ્યતિત કરતી હોય, જેના માટે ઈશ્વરની ઇચ્છાને આધીન થવું તેજ સમર્પિત જીવનનો ખ્યાલ અને તેનું ધ્યેય હોય તો ઈશ્વરનું શાસન કેવળ માનવજીવન પર નહીં પણ તે જે સૃષ્ટિનો નાનો, રજ જેવો ભાગ છે, તેના ઉપર પણ ચાલે તે માન્યતા, તે શ્રદ્ધા સ્વાભાવિક છે. ‘‘તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદો અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવધિ વસ્તુ છે. જેના અમલમાં ભગવાન પોતે વચ્ચે પડતા નથી, એવા વિશ્વનિયમની અનિવાર્યતા ગુરુદેવની સાથે હું પણ માનું છું; કારણ કે ભગવાન જ વિશ્વનિયમ છે. પણ મારું વક્તવ્ય એ છે કે આપણે એ નિયમ જાણતા નથી અથવા પૂરો જાણતા નથી, અને આપણને જે આફત લાગે છે તે કેવળ જ્ઞાનને લીધે જ આફતરૂપ ભાસે છે.’’[12] ગાંધીજી માટે ઈશ્વર જ નિયમ છે. કોઈ નિયમ ઈશ્વરથી અલગ, સ્વાયત્ત ન હોઈ શકે. બીજું, ઈશ્વર પ્રતિ શ્રદ્ધાવાનની પણ એક અવસ્થા છે, તે છે અજ્ઞાનની. શ્રદ્ધેયને પણ ઈશ્વર વિશે પૂરું સંપૂર્ણ જ્ઞાન સંભવ નથી. આથી ઈશ્વરની ઇચ્છાને પૂરેપૂરી જાણી, નાણી, માપી-તોલી શકાતી નથી. ‘‘દુકાળ, રેલ, ધરતીકંપ અને એવા ઉત્પાત ભૌતિક કારણ માત્રથી ઉત્પન્ન થયેલા લાગે તોપણ મારે મન એનો મનુષ્યના આચાર સાથે ગમે તેમ પણ સંબંધ હોય છે. એટલે મને તત્કાળ સ્ફુર્યું કે ભૂકંપ અસ્પૃશ્યતાના પાપની શિક્ષારૂપ હતો. અસ્પૃશ્યતા વિરુદ્ધ પ્રચારરૂપ મારા અપરાધને કારણે ભૂકંપ થયો એમ કહેવાને સનાતનીને અવશ્ય સંપૂર્ણ અધિકાર છે. મારા મંતવ્યમાં પશ્ચાત્તાપ અને આત્મશુદ્ધિ માટે આમંત્રણ છે. કુદરતના કાયદાના અમલ વિશે મારું સંપૂર્ણ અજ્ઞાન હું કબૂલ કરું છું. પણ જોકે નાસ્તિક આગળ ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા હું અશ્કત છું, છતાં જેમ હું ઈશ્વરને માન્યા વિના રહી શકતો નથી, તે જ પ્રમાણે અસ્પૃશ્યતા અને ભૂકંપનો સંબંધ મને સહેજે સૂઝી આવે છે તોપણ હું એને સિદ્ધ કરી શકું એમ નથી. મારું માનવું ખોટું ઠરે તોપણ એનાથી મને અને મારા જેવા શ્રદ્ધાળુને લાભ જ છે. કારણકે અસ્પૃશ્યતા મહાપાતક છે એમ માનીને ચાલતાં આત્મશુદ્ધિ પ્રત્યે અમારો પ્રયત્ન વધારે તીવ્ર બનશે. આવી કલ્પનામાં ભય છે તે હું રૂડી રીતે જાણું છું. પણ મારા સ્વજન ઉપર વિપત્તિ આવે ત્યારે મારા મંતવ્યની ઘોષણા જો હું ઉપહાસની બીકથી ન કરું તો હું અસત્ય અને કાયરતાના દોષે ભરાઉં. ભૂકંપની ભૌતિક અસર તરત ભુલાશે અને થોડે અંશે એનો ઉપાય પણ બનશે. પણ જો તે અસ્પૃશ્યતાના પાપ સારુ ઈશ્વરી કોપરૂપ હોય અને જો આપણે તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરીએ તો બહુ ભૂંડી થાય. ગુરુદેવને જે શ્રદ્ધા છે કે આપણાં પાપ ગમે એટલાં પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં, તે શ્રદ્ધા મને નથી. ઊલટું હું તો એમ માનું છું કે એ મંડાણને ભાંગવામાં કોઈ પણ કેવળ ભૌતિક કારણ કરતાં આપણાં પાપ વધારે મોટો ભાગ ભજવે છે. જડ અને જીવ વચ્ચે અભેદ્ય સંબંધ છે. એનાં પરિણામના આપણા અજ્ઞાનને લીધે તે સંબંધ બહુ મૂઢ લાગે છે અને આપણને ભયભીત કરે છે, પણ અજ્ઞાનથી સંબંધ છૂટી જાય નહીં. એ સંબંધનો જેણે સાક્ષાત્કાર કર્યો છે એવા ઘણાંએ એક-એક ભૌતિક આપત્તિમાંથી આધ્યાત્મિક ઉન્નતિ સિદ્ધ કરી છે. ‘‘સૃષ્ટિના બનાવ અને માણસની નીતિ વચ્ચે જે સંબંધ છે તેમાં મને એવી ગાઢ શ્રદ્ધા છે કે તેથી કરીને હું ભગવાનની વધારે સમીપ જઈ શકું છું, નમ્ર બનું છું, અને એની આગળ ઊભા રહેવા સારુ વધારે તૈયાર બનું છું. મારા અગાધ અજ્ઞાનને કારણે મારા વિરોધીઓ ઉપર પ્રહાર કરવામાં જો એવી માન્યતાને હું વાપરું તો તે માન્યતા અધમ વહેમ ગણાય.’’[13] કવિ ટાગોરે, ગાંધીજીના અસ્પૃશ્યતા અને કુદરતી વિનાશના સમીકરણની ટીકા કરવી પોતાની ફરજ સમજી તો એ જ ફરજના ભાગ રૂપે તેમણે ગાંધીજીની ફરિયાદ, ‘‘મને બદનામ કરવાની એક ઝુંબેશ ચાલી રહી છે,’’ તે પણ ગંભીરતાથી લઈ તેની સામે પોતાનો વિરોધ નોંધાવવાનું આવશ્યક ગણ્યું. તેમણે દેશવાસીઓને આપેલા નિવેદનમાં લખ્યું; ‘‘હું પાછલા થોડા સમયથી મારા દેશવાસીઓના એક જૂથમાં મહાત્મા ગાંધીની પ્રવૃત્તિઓ પ્રત્યે વિરોધની ભાવના જોઈ રહ્યો છું. ન્યાયોચિત ટીકાનો કોઈ વાંધો ન હોઈ શકે પણ ટીકા અને બદનામી વચ્ચે અંતર છે. જે ખરેખર મહાન છે તેના ટોળાની પૂજા કે હલકી ટીખળનો ઝાઝો અર્થ હોતો નથી, અને હું જાણું છું કે મહાત્માજીમાં એ મહાનતા છે. આમ છતાં તેઓને બદનામ કરવાની ઝુંબેશ સામે મારો અવાજ ન ઉઠાવું તો હું મારી ફરજ ચૂકું. કારણ, મહાત્માજી એક એવી વ્યક્તિ છે જેણે સદીઓથી દાસપણાને કારણે નિરાશાએ આત્મઘૃણામાં ખૂંપેલી પ્રજાને ઉપર ઉઠાવવા માટે સૌથી મહત્વનું પ્રદાન કર્યું છે. તેમના આશા અને શ્રદ્ધાના સંદેશાએ રાતોરાત પ્રજાનો દૃષ્ટિકોણ ફેરવ્યો છે. સદીઓથી લાચારપણે અપમાનનો બોજો ઉઠાવતી અને આ અપમાન શાશ્વત છે તેવું માનનારી પ્રજાના હૃદયમાં તેમણે હિંમત અને સ્વમાનનો સંચાર કર્યો છે, અને આવો ચમત્કાર કરનારી વ્યક્તિ કેવળ આપણા માનની અધિકારી છે. ‘‘તેમના જેવા સમર્પિત જીવનને કોઈ મતભેદને કારણે બદનામ કરવું તે જાહેર અવમાનનાને અત્યંત નીચા સ્તરે લઈ જવા જેવું છે. મારે અનેક વાર એમની સાથે જાહેર મતભેદ થયા છે, તાજેતરમાં તેમણે બિહારના ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપ માટેનો ઈશ્વરીય કોપ કહ્યો તેમાં પણ મેં તેઓની ટીકા કરી છે પણ મને એમની ધર્મશ્રદ્ધા પર અને ગરીબો માટેના તેમના અચળ પ્રેમ પર પૂરેપૂરું માન છે આથી આ મતભેદ અત્યંત આદરપૂર્વક ધરાવું છું. ‘‘હું તેઓને બંગાળ આવવા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું અને મારી સાથે બંગાળના લોકોને પણ આપણી માતૃભૂમિ કાજે તેમના અમૂલ્ય જીવનનો આદર કરવા સામેલ થવા ઇજન કરું છું.’’[14]

* * *
  1. ‘બિહાર અને અસ્પૃશ્યતા’, અ. દે., Vol. 57, PP. 89-91
  2. એજન, PP. 90-91
  3. The Mahatma and The Poet, P. 156
  4. ગાંધીજીએ ‘‘બિહાર અને અસ્પૃશ્યતા’’વાળો લેખ પ્રકાશન પહેલાં કવિ ટાગોરને મોકલ્યો.
  5. અ. દે., Vol. 57, P. 98
  6. ‘ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું નિવેદન’, અ. દે., Vol. 57, પરિશિષ્ટ-1, P. 516
  7. એજન
  8. એજન.
  9. એજન
  10. અ. દે., Vol. 57, P. 168
  11. એજન.
  12. એજન, P. 169
  13. એજન
  14. The Mahatma and The Poet, P. 156. તા. ફેબ્રુઆરી, 1934નું નિવેદન.