ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સીતાહરણ’

From Ekatra Wiki
Revision as of 10:13, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સીતાહરણ’ [ર.ઈ.૧૪૭૦] : મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવચિત્ ચોપાઈ, છપ્પાને ગીતના પદબંધનો વિનિયોગ કરતી કર્મણમંત્રીની ૪૯૫ કડીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌણમુખ્યનો વિવેક કરી ને સંક્ષેપ કર્યો છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત ક્યાંક અછડતું રહી જાય છે, પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દૃષ્ટાંત રૂપે છે. લક્ષ્મણ-શૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક લીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો અપરાધ કર્યો-એમ કહેતો રાવણ તથા વાલિના વધ માટે રામને ઉપાલંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યક્તિત્વ-નિરૂપણો પણ આકર્ષક છે. કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં કૈકેયી એને મોમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્ણણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે. ત્રિજટાને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જ વર્ણવતાં પાંચ ધોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિએ ઉદ્ધૃત કરેલા સંસ્કૃત સુભાષિતો કવિની સંસ્કૃતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે.[ર.સો.]