સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા

From Ekatra Wiki
Revision as of 07:58, 19 October 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ભાઈબંધી
[જન્મ : સં. 1826: મૃત્યુ : સં. 1883]

સોરઠમાં એ સમે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભર થઈને વોળદાનને બિરદાવી રહ્યો છે કે — “ભલો! ભલો વોળદાન! વોળદાન, તેં તો કોઈથી ન થાય તેવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે —


નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલાય,
વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.

[રંગમતીને કાંઠે, વોળદાન! તેં જે ટાણે હાથ કર્યો, તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી; અને, વોળદાનિયા! તેં તો મોટી બજારે જઈને તરવાર્યુંના વાઢ દીધા પણ જામની ફોજ તુંને પોગી નહિ. બાપ! બાપ વોળદાન!]


કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,
(પણ) કે’ દિ’ ના’વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.

[અરે બાપ! કૈંક કાઠીઓ જન્મ્યા, કૈંક હજી જન્મશે; કૈંક એના પરાક્રમની રૂડી ભાત્ય આ ભોમકાને માથે પાડશે; પણ, ઓ કાઠીઓ! વોળદાન જે રાતે જન્મ્યો, એ રાત હવે ફરી આવી રહી!] કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામરામ કર્યા. “રામ!” વોળદાને સામા કહ્યા: “ક્યાં રે’વાં?” “રે’વાં તો બરવાળે.” “બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?” “હા, આપા. ઘેલાશાનું બરવાળું.” ‘ઘેલાશાનું બરવાળું’ કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું —


તારા જે ચાચરિયા તણો, (કેથી) ભાગ જ ભરાય ના,
સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.

[ઓ વોળદાન! તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહિ. એ ઈ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ! તારાં ખળાં તો ઈ ભરી રિયો!] ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોળદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઊપડતે પગે બરવાળે પહોંચી ગયો.

બાપનું નામ માધાશા; માનું નામ લીલબાઈ : અસલ વતની મૂળીના : ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા; રાજના કામદાર નિમાયા : એમ કરતાં લીંબડી ઠાકોરે પોતાનાં બાર ગામ બરવાળા પંથકનાં હતાં તેનો વહીવટ કરવા માધાશાને બરવાળે મોકલ્યા. આ બરવાળું ગામ અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી આઠ ગાઉ ઉપર ભાલને કાંઠે એ ગામનાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઊતરી ગયા. વળતી સાલ સોરઠમાં મે સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહિ. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નાખી, પણ કાઠી માન્યા નહિ. છેવટે એ ગામેતી ચારણનાં સ્ત્રી, દીકરો અને દીકરાવહુ — ત્રણેયે ત્યાં ત્રાગું કરીને ઝાંપે લોહી છાંટ્યાં, જીવ કાઢી દીધો. (ત્રણેયના પાળિયા આજે પણ બરવાળાના દરબારગઢમાં મોજૂદ૰ છે.) વાંસેથી કાઠીઓ ઘસાઈ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ અત્યારે બોટાદ પાસે નાગલપરમાં જીવે છે. એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું, એટલે સંવત 1835માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભાં છે. આ માધાશાને ઘેર ઘેલોશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો સમશેર બાંધી પટા શીખ્યો. ભાલો ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યાં. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઈકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો. બરવાળું વેપારવણજનું અડીખમ મથક બન્યું. ઘેલાશાની ફે ફાટી ગઈ. કંઈક સાંઢડાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક વોળદાન રેફડિયો. એમાં આજ પોતાની હીણપના દુહા માયલું —


સીમાડે ગેલોશા વાઢે ખડ, વોળદાનિયા!
— આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી.

“એલા, કયે ગામ રહેવું?” “આંહીં ચાચરિયે.” “આપો વોળદાન ઘેરે છે?” “હા.” “એને કે’જે કે ઘેલોશા કાલ સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રે’જે. તારે સીમાડે ઘેલોશા ખડ વાઢવા આવે છે.” આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યાં હતાં તેનું આણું વળાવવું હતું. તે માટે લૂગડાં અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણાં ઘણાં વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજા દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો; પોતાને સીમાડે મારગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઈ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતાં એ થોભાળો નર વરતાણો : અગાઉ કદી દીઠેલ નહિ, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે-માથાળો નીકળે? આવો હેમર બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા થોભા!


તું થોભા તાણીને મૂછે હાથ નાખછ મરદ!
(તે દી) ગઢપતિયાંને ગામ, ગાઢ વછૂટે, ગેલિયા!

[ઘેલાશા! તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે, તે દિવસ રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ઘેલાશા કોઈકને માથે પડશે.] એવા થોભા બીજા કોના હોય? નક્કી ઘેલોશા : નજીક આવતાં અસવારે પડકાર્યું : “રામ રામ! કોણ, આપો વોળદાન કે?” “હા, રામ રામ! તું ઘેલોશા કે?” “હા, હું જ ઘેલોશા, આપા વોળદાન! આવ્યા ખરા. વચને પળ્યા ખરા.” એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઊતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભોં માથે પાથરી ઉપર બેઠો. ખડિયો લઈને અંદરથી અફીણ કાઢ્યું : “લ્યો, આપા વોળદાન! આજ હું તમારો મે’માન થયો. આ લ્યો, કાઢો કસુંબો, પ્રેમથી પીયેં.” વોળદાન નીરખી રહ્યો. આ તે કઈ જાતનો શત્રુ! આ ટાણે કસુંબો પીવા બેસે છે! આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ઘેલોશા બોલ્યો : “આપા વોળદાન! બેઠા કાં? કાઢો ઝટ કસુંબો. પીધા વગર કાંઈ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી ઓળખાણ કહેવાય. ને વળી હું તમારે સીમાડે મે’માન.” કસુંબો નીકળ્યો. બેય જણાએ સામસામી અંજળિઓ ભરી પિવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઈ. ઠીકાઠીકનો કૅફ આવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી કે “હાં આપા વોળદાન! હવે ઊઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાઢે છે એ નક્કી કરવું છે.” “ત્યારે હવે માટી થાજે, વાણિયા!” આવી સામી હાકલ કરીને વોળદાન રેફડિયે ઘોડી પલાણી. બેય અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કૂંડાળે નાખી. ચક્કર બંધાઈ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગઈ. બરાબર જમાવટ થઈને પડ ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમ ને એમ કૂંડાળે ફરતા ફરતા પોતે નીચે ઊતર્યા. દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો :


ઘોડાંની ઘમસાણમાં, તંગ લીધેલ તાણી,
ફોજુંમાં લાડો ફરે, ગેલો માધાણી.

ઘોડાંની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટડો ઘેલાશા વરલાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાંની વાર લગોલગ થયા કે તુરત જ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો : “હાં વોળદાન! ઘા કરી લે, પે’લો ઘા તારો! જા, પછે મનની મનમાં ન રહી જાય!” “આ લે ત્યારે! પે’લો ઘા સવા લાખનો.” કહી વોળદાને ભાલાનો ઘા કર્યો. કોઈ દિવસ નિશાન ન ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલાશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોળદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો. ઘેલાશાએ ગર્જના કરી : “એ વોળદાન! એમ ઘા ન થાય : જો, ભાલું આમ ફેંકાય.” એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું ભોંયમાં ગયું. ઘોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ. વોળદાન નીચે પડ્યો. ઘેલાશાએ તરવાર ખેંચીને કહ્યું કે “તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના. હું ઘેલોશા! તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો’તો.” દિગ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું : “પણ આપણા મેળાપની નિશાની લેતો જા.” એમ બોલીને વોળદાનના વાંસામાં તરવારની પીંછી (અણી) વડે ચરકા (ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર નજર કરે ત્યાં આંધી ચઢેલી દેખાઈ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો. વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો : “વોળદાન! હવે નાસી છૂટ.” વોળદાન કહે : “શી રીતે નાસું? મારી ઘોડી તો નથી.” “આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.” ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?” બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું. પછી નાસી છૂટ્યો. આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે :