એકોત્તરશતી/૨૯. અભિસાર

From Ekatra Wiki
Revision as of 02:28, 1 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)
Jump to navigation Jump to search


અભિસાર (અભિસાર )


એકવાર સંન્યાસી ઉપગુપ્ત મથુરા નગરીના કોટની રાંગે સૂતા હતા. પવનથી નગરીના દીવા બુઝાઈ ગયા છે. નગરીનાં ઘરોનાં દ્વાર બંધ છે. મધરાતના તારાઓ શ્રાવણના ગગનમાં ગાઢ વાદળોમાં છુપાઈ ગયા છે. કોનો નુપૂરથી રણઝણતો પગ એકાએક છાતી પર વાગ્યો? સંન્યાસી ચમકીને જાગ્યા, એક પલકમાં સ્વપ્નની જડતા ભાંગી ગઇ. ક્ષમાસુન્દર ચક્ષુ પર દીવાનો કઠોર પ્રકાશ પડ્યો. નગરીની નટી યૌવનમદે મત્ત બનીને અભિસારે જાય છે. અંગ પર નીલ રંગનું વસ્ત્ર છે. આભરણ રણઝણ અવાજ કરે છે. સંન્યાસીના શરીર પર પગ પડતાં વાસવદત્તા થંભી ગઈ. દીવો ધરીને એની જુવાન ગૌર કાંતિ જોઈ. સૌમ્ય, હાસવંતું તરુણ મુખ છે. કરુણાકિરણથી વિકસિત નયન છે. શુભ્ર લલાટે ચન્દ્રસમી સ્નિગ્ધ શાંતિ સોહે છે. લજ્જાથી ભરેલા નયને લલિત કંઠે રમણી બોલી, ‘મને ક્ષમા કરો, હે કિશોરકુમાર, દયા કરીને મારે ઘેર ચાલો. ધરાતલ કઠણ ને કઠોર છે, એ તમારી શય્યા ન હોય!’ સન્યાસી કરુણ વચનથી કહે છે, અયિ લાવણ્યપુંજે, હજુ મારો સમય આવ્યો નથી. હે રમણી, તું જ્યાં જવા નીકળી છે ત્યાં જ જા! જે દિવસે મારો સમય આવશે તે દિવસે હું તારી કુંજમાં આપમેળે ચાલ્યો આવીશ. એકાએક વિદ્યુતની શિખાથી ઝંઝાએ એનું વિશાળ મોં ખોલ્યું. રમણી ભયથી કંપી ઊઠી. પવનમાં પ્રલયશંખ વાગ્યા. આકાશમાં વજ્રે ઘોર પરિહાસપૂર્વક અટ્ટહાસ્ય કર્યું. હજુ વર્ષ પૂરું નથી થયું ત્યાં ચૈત્રની સંધ્યા આવી છે. આકુલ પવન ચંચલ બન્યો છે. માર્ગ પરનાં વૃક્ષોની ડાળીઓ પર કળીઓ બેઠી છે. રાજાના ઉપવનમાં બકુલ, પારુલ, રજનીગંધા ખીલ્યાં છે. દૂર દૂરથી પવનમાં બંસીનો મદભર્યો ધ્વનિ આવે છે, નગરી નિર્જન છે. સૌ પુરવાસીઓ મધુવનમાં કુસુમોત્સવમાં ગયાં છે. શૂન્ય નગરીને નીરખીને પૂર્ણચન્દ્ર નીરવે હસી રહ્યો છે. નિર્જન માર્ગે ચાંદનીના ઉજાસમાં સંન્યાસી એકલો ચાલ્યો જાય છે. માથા પર તરુવીથિકાનો કોકિલ વારંવાર કૂંજી ઊઠે છે. આટલે દિવસે શું આજે એમની અભિસારરાત્રિ આવી છે? નગરી છોડીને સંન્યાસી બહાર કોટની રાંગે ગયો. ખાઈની પાર જઈ તે ઊભો, આંબાવાડિયાની છાયાના અંધકારમાં કોણ પેલી સ્ત્રી એમના ચરણ પાસે એકબાજુ પડી છે. જીવલેણ ફોલ્લાથી એનાં અંગ ભરાઈ ગયાં છે. ભયંકર રોગની શાહી જેના પર ઢળી છે એવું એનું કાળું શરીર લઈને લોકોએ એના ઝેરી સંગનો ત્યાગ કરીને નગરીની ખાઈની બહાર ફેંકી દીધું છે. સંન્યાસીએ બેસીને એનું અકડાઈ ગયેલું માથું પોતાના ખોળામાં ઊંચકી લીધું. એના સૂકા હોઠ પર પાણી ટોયું. એના માથા પર એમણે મંત્ર ભણ્યો. પોતાને હાથે શીતળ ચંદનના ગારાથી એના દેહ પર લેપ કર્યો. કુલ ઝરે છે, કોકિલ કૂજે છે, રાત્રિ જ્યોત્સનાથી મત્ત છે. ‘કોણ આવ્યા છે તમે, હે દયામય?’ સ્ત્રીએ પૂછ્યું. સંન્યાસી કહે છે, ‘આ રાત્રે મારો સમય આવ્યો છે, હું આવ્યો છું, વાસવદત્તા!’ ૫ ઑક્ટોબર, ૧૮૯૯ ‘કથા ઓ કાહિની’

(અનુ. નિરંજન ભગત)