એકોત્તરશતી/૩૦. કર્ણકુન્તીસંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્ણ કુંતીસંવાદ


કર્ણ : પુણ્ય જાહ્નવીને તીરે સંધ્યાસૂર્યની વંદના કરી રહ્યો છું. રાધાને પેટે જન્મેલો અધિરથ સૂતનો પુત્ર કર્ણ તે હું જ. કહો માતા તમે કોણ છો? કુંતી : બેટા, તારા જીવનના પ્રથમ પ્રભાતે વિશ્વ સાથે તારો પરિચય કરાવ્યો હતો તે જ હું બધી લજ્જા છોડીને આજે તને મારો પરિચય આપવા આવી છું. કર્ણ : દેવી, તમારાં નમેલાં નેત્રોનાં કિરણો પડવાને લીધે સૂર્યકિરણના આઘાતથી પહાડના બરફની પેઠે મારું હૈયુ પીગળી જાય છે. તમારો કંઠસ્વર જાણે પૂર્વ જન્મમાંથી કાન પર આવીને કોઈ અપૂર્વ સંવેદના જગાડે છે. હે અપરિચિતા, મારો જન્મ તમારી સાથે કયા રહસ્યના દોરથી બંધાયેલો છે તે મને કહો. કુંતી: બેટા, ઘડી ધીરજ ધર. પહેલાં સૂર્યદેવને અસ્ત પામવા દે, સંધ્યાનો અંધકાર ગાઢો થવા દે, પછી તને કહું. હું કુંતી છું. કર્ણ : તમે કુંતી! અર્જુનનાં માતા! કુંતી : હું જ અર્જુનની માતા. પણ એ મનમાં આણીને બેટા, તું દ્વેષ ન રાખીશ. આજે પણ મને હસ્તિનાપુરમાંનો અસ્ત્રપરીક્ષાનો દિવસ યાદ આવે છે. નક્ષત્રજડિત પૂર્વ દિશાને છેવાડે નવા ઊગેલા અરુણની પેઠે તેં કુમારરૂપે ધીમે ધીમે રંગભૂમિ ઉપર પ્રવેશ કર્યો હતો. પડદા પાછળ જે સ્ત્રીઓ હતી તેમાં એવી અભાગણી કોણ મૂંગી મૂંગી બેઠી હતી કે જેના જર્જરિત હૈયામાં અતૃપ્ત સ્નેહક્ષુધાની સેંકડો નાગણો જાગતી હતી? જેની આંખોએ તારા સર્વ અંગોને આશિષનાં ચુંબન દીધાં હતાં તે કોણ હતી? અર્જુનની જ જનની. જ્યારે કૃપે આવી હસીને તને પિતાનું નામ પૂછ્યું અને કહ્યું, ‘રાજકુલમાં જે જન્મ્યો નથી તેને અર્જુન સાથે યુદ્ધ કરવાનો અધિકાર નથી.’ ત્યારે તારું મોં લાલ થઈ ગયું, નમી પડ્યું, અને તું મૂંગો થઈને ઊભો રહ્યો. એ તારી લજ્જાની આભાએ અગ્નિ જેવા તેજથી જેના અંતરને દઝાડ્યું હતું તે અભાગિની કોણ હતી? અર્જુનની જ જનની. પુત્ર દુર્યોધનને ધન્ય છે. તેણે તે જ ક્ષણે તારો અંગરાજ-પદે અભિષેક કર્યો. ધન્ય છે તેને. એ અભિષેકની સાથે મારી આંખમાંથી અશ્રુની ધારા તારે શિરે વરસવા ઊભરાઈ આવી. એવામાં આનંદ-વિહ્વલ સૂત અધિરથ રસ્તો કરતા કરતા રંગભૂમિ ઉપર આવ્યા. તરત જ તે રાજાના પોશાક સાથે, ચારે બાજાએથી કુતૂહલપૂર્વક જોઈ રહેલી મેદનીની વચ્ચે ‘પિતા’ એવું સંબોધન કરીને તારું અભિષેક–ભીનું માથું ચરણે ઢાળી તેં સૂતવૃદ્ધને પ્રણામ કર્યા. પાંડવોના મિત્રોએ ક્રર હાસ્ય કરી ધિક્કાર કર્યો, તે ક્ષણે હે વીરશિરોમણિ, પરમ ગર્વપૂર્વક વીર કહીને જેણે તને આશીર્વાદ આપ્યા હતા તે જ હું અર્જુનની માતા છું. કર્ણ : આર્યે, તમને પ્રણામ કરું છું. તમે રાજમાતા છે, અહીં એકલાં કેમ? આ તો રણભૂમિ છે. હું કૌરવોનો સેનાપતિ છું. કુંતી: પુત્ર, મારે એક ભિક્ષા માગવાની છે, પાછી ન ઠેલતો. કર્ણ : ભિક્ષા? અને તે મારી પાસે? મારું પૌરુષ અને મારો ધર્મ, એ સિવાય જે કહેશો તે તમારે ચરણે ધરી દઈશ, કુતી : હું તો તને લેવા આવી છું. કર્ણ : ક્યાં લઈ જશો. મને? કુંતી: મારી તરસી છાતીમાં, માતાના ખોળામાં. કર્ણ : હે ભાગ્યવતી, તમે પાંચ પાંચ પુત્રે ધન્ય થયાં છો. હું તો કુલશીલ વગરનો ક્ષુદ્ર રાજા છું, મને ક્યાં સ્થાન આપશો? કુંતી : સૌથી ઊંચે, મારા બધા પુત્રો કરતાં પહેલો હું તને બેસાડીશ, તું જ્યેષ્ઠ પુત્ર છે. કર્ણ : કયા અધિકારના ગુમાનથી હું ત્યાં આવું? જે સામ્રાજ્ય-સંપત્તિથી વંચિત થયા છે, તેમના માતૃસ્નેહરૂપી ધનમાં મારે શી રીતે ભાગ પડાવવો, મને કહો? માતાનું હૃદય કંઈ જૂગટામાં મુકાતું નથી, બાહુબળથી જિતાતું નથી, એ તો વિધાતાનું દાન છે. કુંતી : બેટા મારા, એક વાર તું વિધાતાનો દીધો અધિકાર લઈને જ આ ખોળામાં આવ્યો હતો, તે જ અધિકારપૂર્વક ગૌરવ સાથે તું પાછો આવ, કશો પણ વિચાર કર્યા વગર ચાલ્યો આવ, બધા ભાઈઓની વચમાં, મારા આ માતાના ખોળામાં તારું પોતાનું સ્થાન લઈ લે, કર્ણ : હે દેવી, તમારી વાણી જાણે સ્વપ્નમાં સાંભળતો હોઉં એમ લાગે છે. જુઓ, ચોમેર અંધકાર વ્યાપી ગયો છે, બધી દિશાઓ દેખાતી બંધ થઈ ગઈ છે, ભાગીરથી શબ્દહીન છે. તમે મને કયા માયાઘેર્યા લોકમાં, વિસ્મૃત ઘરમાં, ચેતનાના પરાઢમાં લઈ ગયાં છો? તમારી વાણી પુરાતન સત્યની પેઠે મારા મુગ્ધ ચિત્તને સ્પર્શે છે, જાણે મારો અસ્ફુટ શૈશવકાળ ન આવ્યો હોય, જાણે મારી જનનીના ગર્ભનો અંધકાર મને આજે ઘેરી ન લેતો હોય, એવું લાગે છે. હે રાજમાતા, સાચું હોય કે સ્વપ્ન હોય, પણ હે સ્નેહમયી આવો, તમારો જમણો હાથ ક્ષણભર મારે લલાટે અને ચિબુકે લગાડો. મેં લોકમુખે સાંભળ્યુ છે કે મને મારી માતાએ ત્યજી દીધો હતો. કેટલીય વાર મધરાતે સ્વપ્નમાં મેં જોયું છે કે જાણે મારી માતા મને મળવાને ધીરે ધીરે આવે છે, હું અત્યંત લાગણીપૂર્વક રડીને તેમને કહું છું કે હે જનની, ઘૂમટો ખોલી નાખો, જેથી હું તમારું મુખ જોવા પામું. પણ તે જ ઘડીએ તૃષાર્ત ઉત્સુક સ્વપ્નને છિન્નભિન્ન કરી નાખીને તે મૂર્તિ અલોપ થઈ જાય છે. તે જ સ્વપ્ન શું આજે સંધ્યા સમયે, રણક્ષેત્ર ઉપર, ભાગીરથીને તીરે પાંડવ–જનનીનું રૂપ ધરીને આવ્યું છે કે શું? દેવી, જુઓ, સામે કાંઠે પાંડવોની છાવણીમાં દીવા પ્રગટ્યા છે; આ કાંઠે નજીકમાં જ કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ ઘેાડાની ખરીઓના કઠોર શબ્દો ગાજી રહ્યા છે. કાલે સવારે મહાયુદ્ધ શરૂ થશે. આજે રાતે અર્જુન—જનનીના કંઠથી મારી માતાનો સ્નેહભર્યો સ્વર મેં શાને સાંભળ્યો? મારું નામ તેમને મુખે કેમ આટલા મધુર સંગીતથી ગુંજી ઊઠયું? મારું ચિત્ત એકાએક પાંચ પાંડવો પ્રત્યે ભાઈ ભાઈ કરતું દોડી જાય છે. કુંતી : તો ચાલ્યો આવ, બેટા, ચાલ્યો આવ. કર્ણ : આવીશ, માતા, ચાલ્યો આવીશ. નહિ કશું પૂછું, નહિ કશી શંકા આણું કે નહિં કશી ચિંતા સેવું, દેવી, તમે મારી મા છો. તમારા આહ્વાનથી મારો અંતરાત્મા જાગી ગયો છે. હવે મારે કાને યુદ્ધભેરી કે જયશંખ સંભળાતાં નથી. યુદ્ધ-હિંસા, વીરખ્યાતિ, જયપરાજય મિથ્યા લાગે છે. ક્યાં જઈશું? મને લઈ જાઓ. કુંતી : પેલે કાંઠે જ્યાં ભૂખરી રેતીના પટમાં શાંત રાવટીઓમાં દીવા ટમટમી રહ્યા છે ત્યાં. કર્ણ : ત્યાં માવિહોણાને સદા મા મળી રહેશે? ત્યાં તમારાં સુંદર ઉદાર નેત્રોમાં રાત દિવસ ધ્રુવતારક જાગતો રહેશે! દેવી, ફરી વાર કહો કે હું તમારો પુત્ર છું. કુંતી : બેટા મારા. કર્ણ : તો શા માટે તમે મને અનાત્મીય, અજ્ઞાત અને માતૃનેત્રહીન સંસારમાં કુલશીલમાન વગર અગૌરવમાં દૂર ફેંકી દીધો હતો? શા માટે મને હમેશને માટે અવજ્ઞાના સ્રોતમાં વહેતો મૂકી દીધો હતો? તમે મને અને અર્જુનને વિખૂટા રાખ્યા તેથી નાનપણથી કોઈ એક નિગૂઢ અદૃશ્ય ફાંસો ઈર્ષ્યાના રૂપમાં દુર્નિવાર આકર્ષણથી અમને બંનેને ખેંચ્યા કરે છે. માતા, કેમ જવાબ નથી દેતાં? તમારી લજ્જા અંધકારના થરને ભેદીને મારાં સર્વ અંગોને નીરવે સ્પર્શ કરે છે, મારી આંખોને ઢાંકી દે છે. તો જવા દો, જવા દો, તમે મને શા માટે ત્યજી દીધો હતો તે ન કહેશો. માતૃસ્નેહ એ સંસારમાં વિધિનું પહેલું દાન ગણાય છે. તે દેવદીધું ધન પોતાના સંતાન પાસેથી તમે કેમ ખૂંચવી લીધું હતું તે વાતનો જવાબ ભલે ન આપશો. પણ મને કહો તો ખરાં કે આજે કેમ મને પાછો ગોદમાં લેવા આવ્યાં છો? કુંતી : હે વત્સ, તારી આ ભર્ત્સના સેંકડો વજ્રોની પેઠે મારા આ હૃદયના સેંકડો ટુકડા કરી નાંખો. મેં તારો ત્યાગ કર્યો હતો તેના શાપથી તો પાંચ પાંચ પુત્રો છાતીએ હોવા છતાં મારુ ચિત્ત સદા પુત્રહીણું રહ્યું છે, મારા હાથ આખા વિશ્વમાં તને શોધતા ફરે છે, જે પુત્રને મેં વંચિત રાખ્યો હતો તેને માટે મારું ચિત્ત દીપ્તિમય દીપક પેટાવીને પોતાને બાળી બાળીને વિશ્વદેવતાની આરતી ઉતારી રહ્યું છે. આજે હું ભાગ્યવતી છું કે તને જોવા પામી. જ્યારે તારા મુખમાં વાચા પણ નહોતી ફૂટી ત્યારે મેં ભારે અપરાધ કર્યો હતો. હું વત્સ, તે તારા મુખથી, તું આ કુમાતાને ક્ષમા કર. એ ક્ષમા, મારા અંતરમાં ભર્ત્સના કરતાં પણ વધુ તેજથી અગ્નિ સળગાવો અને મારા પાપને બાળી નાખીને મને નિર્મળ બનાવો. કર્ણ : માતા, ચરણરજ આપો, મને ચરણરજ આપો. મારાં અશ્રુ લો. કુંતી : તને મારી છાતી સરસો લેવાના સુખની આશાએ હું તારે આંગણે નથી આવી. તને તારા અધિકારને સ્થાને પાછો લઈ જવા આવી છું. તું સૂતપુત્ર નથી. રાજાનો પુત્ર છે. હે વત્સ, બધાં અપમાનોને દૂર કરી દઈને જ્યાં તારા પાંચ ભાઇઓ છે ત્યાં ચાલ્યો આવ. કર્ણ : માતા, હું સૂતપુત્ર છું, રાધા મારી માતા છે, એના કરતાં અધિક ગૌરવ મારે કશું નથી. પાંડવ ભલે પાંડવ રહેતા. કૌરવ ભલે કૌરવ રહેતા. મને કોઈની ઈર્ષ્યા નથી. કુંતી : હે વત્સ, તારું રાજ્ય પોતાના બાહુબળથી પાછું જીતી લે, યુધિષ્ઠિર શુભ્ર ચામર ઢોળશે. ભીમ છત્ર ધરશે, વીર ધનંજય તારા રથનો સારથિ બનશે, પુરોહિત ધૌમ્ય વૈદમંત્રો ઉચ્ચારશે. શત્રુઓને જીતીને ભાઈઓની સાથે નિ:સપત્ન રાજ્યમાં અખંડ પ્રતાપપૂર્વક તું રત્નસિંહાસન ઉપર વિરાજમાન રહેશે. કર્ણ : સિંહાસન? જેણે માતૃ-સ્નેહ-પાશને પાછો કાઢ્યો તેને, માતા, તમે રાજ્યની આશા આપો છો? તમે એક દિવસ એને જે સંપદથી વંચિત કર્યો હતો તે તેને પાછી આપવી તમારી શક્તિ બહારની વાત છે. મારી માતા, મારા ભાઈઓ, મારું કુળ, એ બધાંને હે માતા, તમે મારી જન્મક્ષણે એક પળમાં નિમૂર્ળ બનાવી દીધાં હતાં. સૂતજનનીને છેહ દઈને આજે જો હું રાજજનનીને માતા કહું, કૌરવપતિ જોડે હું જે બંધનથી બંધાયેલો છું તેને તોડી નાખીને જો હું સિંહાસન ઉપર દોડી જાઉં તો મને ધિક્કાર છે. કુંતી : પુત્ર, તું વીર છે; ધન્ય છે તને! હાય ધર્મ, આ તે તારો કેવો કઠોર દંડ! તે દિવસે કોને ખબર હતી કે જે ક્ષુદ્ર શિશુને મેં અસહાય અવસ્થામાં છોડી દીધો હતો, તે ક્યારે કોણ જાણે બળ અને વીર્ય પ્રાપ્ત કરીને કોણ જાણે ક્યાંથી અંધારે માર્ગે થઈને પાછો આવશે અને પોતાની માતાના પેટના સંતાનોને પોતાને ક્રૂર હાથે અસ્ત્ર લઈને મારશે! આ તે કેવો અભિશાપ! કર્ણ : માતા, ભય પામશો નહિ, હું તમને કહું છું કે પાંડવોનો વિજય થશે. આજે આ રાત્રિના અંધકાર પટ ઉપર નક્ષત્રના પ્રકાશમાં મે યુદ્ધનું ઘોર પરિણામ પ્રત્યક્ષ વાંચી લીધું છે. આ શાંત સ્તબ્ધ ક્ષણે અનંત આકાશમાંથી મારા અંતરમાં અંતિમ શ્રદ્ધા જેની ક્ષીણ થઈ ગઈ છે અને જે વ્યર્થતામાં ડૂબી ગયેલ છે એવા જયહીન પુરુષાર્થનું સંગીત પ્રવેશ કરી રહ્યું છે. આશાહીન કર્મનો અમે ઉદ્યમ માંડી બેઠા છીએ, અને મને આ બધાનું પરિણામ શાંતિમય શૂન્ય દેખાય છે, જે પક્ષનો પરાજય થવાનો છે તે પક્ષને છોડી દેવાની મને હાકલ કરશો નહિ. પાંડવ સંતાનો ભલે વિજયી થતા, રાજા થતા. હું તો નિષ્ફળ અને હતાશના પક્ષમાં જ રહીશ. મારા જન્મની રાત્રે તમે મને ધરતી ઉપર નામ અને ઘર વગરનો નાખી ગયાં હતાં, તે જ પ્રમાણે આજે પણ હે માતા, મને નિર્મમતાપૂર્વક દીપ્તિ—અને-કીર્તિહીન પરાભવમાં છોડી દ્યો. માત્ર મને એટલો આશીર્વાદ આપતાં જાઓ કે જય, યશ કે રાજ્યના લોભમાં પડીને હું વીરની સદ્ગતિથી ભ્રષ્ટ ન થાઉં. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૦૦ ‘કાહિની’

(અનુ. નગીનદાસ પારેખ)