શાંત કોલાહલ/૨ મુગ્ધા
Jump to navigation
Jump to search
‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા
ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં.
‘નહીં નહિ’ વદી વળી, ચિબુક તર્જનીથી ગ્રહી
સુચારુ તવ ઓષ્ઠનું મધુર પાન કીધું તદા.
સલજ્જ તવ લોલ નેત્ર પર ઢાળીને પાંપણ,
કપોલ પરને પ્રસન્ન અનુરાગ સોહામણું
સરોજમુખ તારું બાજુ ભણી કૈંક ઝૂક્યું, પણ
સમીપ સરી ગાત્રથી શિથિલ વીંટળાઈ રહી.
નકાર તવ નૂરી; જેની પર વ્હાલ આરૂઢ થૈ
અનંગ સમ, પુષ્પને શર વીંધી ગયું અંતર
મદીય; નહિ ઘાવ, દંશ ત્યહીં સર્પનો....જે મીણો
ચડ્યો; વિવશ હું તથૈવ સુખની લહી મૂર્છના.
વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ !
સ્મરું :- પુનઃ તે તવ સ્વરૂપનું કરું દર્શન.