રચનાવલી/૧૬

From Ekatra Wiki
Revision as of 15:16, 27 April 2023 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


૧૬. ગિરધરરામાયણ (ગિરધર)


ઉત્તર ભારતમાં ઘેર ઘેર ‘રામચરિત માનસ’ વાંચવાનો ચાલ છે તો એક વાર ગુજરાતમાં ઘરે ધરે ‘ગિરધર રામાયણ’ વાંચવાનો ચાલ હતો. ગુજરાતી ભાષામાં મધ્યકાળમાં સ્વતંત્રપણે રામાયણની પૂરી કથા કવિ ગિરધરે આખ્યાનમાં રચી આપી અને એનો ગુજરાતમાં પ્રચાર થયો. ઈ.સ. ૧૭૮૨માં જન્મી અને ઈ.સ. ૧૮૫૨માં અવસાન પામનાર કવિ ગિરધર વડોદરાના પાદરા તાલુકાના માસર ગામનો વતની હતો. પછીથી એ વડોદરા આવીને વસેલો. કહેવાય છે કે બહુ વહેલી વયે એણે પોતાનાં માતાપિતા ગુમાવેલાં, ગામઠી શાળામાં ખપ પૂરતી કેળવણી લીધેલી પણ વલ્લભ સંપ્રદાયના મહારાજો પાસેથી આ કવિએ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરેલો. વળી, જાણકારો પાસેથી એણે મહાભારત, હરિવંશ જેવા ગ્રંથો સમજવા જેટલું સંસ્કૃતનું જ્ઞાન પણ મેળવી લીધેલું. આ બધો એનો અભ્યાસ એના ‘ગિરધર રામાયણ’માં જોઈ શકાય છે તેથી જ એની રચનામાં વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટકમ્ ઉપરાંત આનંદ રામાયણ, શ્રીમદ્ ભાગવત, પદ્મપુરાણ, શિવપુરાણ જેવાં પુરાણોનો પાસ બેઠેલો છે. આમ તો એણે છૂટક પદો લખ્યાં છે અને કૃષ્ણભક્તિ સાથે ચરિત્રો રજૂ કરતી બીજી ‘તુલસીવિવાહ’, ‘રાજસૂય યજ્ઞ’ જેવી તેરેક કૃતિઓ આપી છે પણ એ બધામાં એનું ‘ગિરધર રામાયણ’ મોખરે છે. ‘ગિરધર રામાયણ’માં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુન્દરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ એમ સાત કાંડ છે અને એનું સ્વરૂપ મોટા આખ્યાનનું છે. લાંબા પટ ઉપર કવિએ ઘણી નાની નાની ઉપકથાઓ રજૂ કરી છે. કવિનું ધ્યેય રામકથાને સરસ બનાવવાનું અને લોકોને ઝટ પહોંચી જાય એ માટે સાદી ભાષામાં રસ પડે એમ મૂકવાનું છે. એમાં કવિએ અનેક પ્રચલિત રામકથાઓનો આધાર લીધો છે પરંતુ માલતીબેન નાયકના ‘ગિરધર રામાયણ’ પુસ્તકમાં એમણે કરેલા સંશોધન મુજબ ગિરધરે સૌથી વધુ આધાર સંત એકનાથના રચેલા મરાઠી ‘શ્રી ભાવાર્થ રામાયણ’ પર રાખ્યો છે. વડોદરામાં કવિનો નિવાસ હોવાથી મરાઠી પ્રજાની આ જાણીતી રામાયણ રચનાના પરિચયમાં આવવાનું શક્ય બન્યું હશે. એકવારના ગુજરાતમાં સ્થપાયેલા મરાઠી રાજ્યના અને પડોશી પ્રજાના આદાનપ્રદાનનું આ સારું ઉદાહરણ છે. ‘વાલ્મીકિ રામાયણ’માં રામને મનુષ્ય તરીકે વર્ણવ્યા છે. રામને અવતાર માનવાની પરંપરા પ્રમાણે ગિરધરે રામને અવતાર તરીકે રજૂ કર્યા છે અને રામની માનુષી લીલા દર્શાવવા માટે પ્રયત્ન કર્યો છે. બીજાઓએ રાવણને ઘમંડી, જ્ઞાની કે ભક્ત તરીકે વર્ણવ્યો છે, તો ગિરધર રાવણને પરાક્રમી તરીકે વર્ણવે છે. લક્ષ્મણનું એક સેવક તરીકેનું ચરિત્ર લગભગ બધાએ આપ્યું છે પણ ગિરધર ‘શ્રી ભાવાર્થ રામાયણ"ને અનુસરીને બતાવે છે કે લક્ષ્મણને ગર્ભમાંથી એના સંસ્કાર સાંપડેલા હતા. તો, ગિરધરે મંદોદરીના પાત્રને પણ રાવણ પર પ્રભાવ પાડતું હોય એ રીતે રજૂ કર્યું છે. ‘શ્રી ભાવાર્થ રામાયણ'ની જેમ ગિરધરે રામ-રાવણના યુદ્ધ પ્રસંગે વીર રસને ઉપસાવવાને બદલે રામના દેખાવ તરફ વધુ ધ્યાન આપ્યું છે. પ્રમાણમાં ગિરધરે કથાપ્રવાહને સ્થગિત કરવાના કે કથામાં પુનરાવર્તનના અવસર ઓછા આવવા દીધા છે અને ‘શ્રી ભાવાર્થ રામાયણ’ને અનુસરતું હોવા છતાં ‘ગિરધર રામાયણ’ એક જ છંદમાં નહીં પણ મધ્યકાલીન આખ્યાન પ્રમાણે વિવિધ દેશીપદબંધમાં વહ્યું છે. એક વાત સાચી કે ‘ગિરધર રામાયણમાં પ્રેમાનંદના આખ્યાન જેવી ઉત્તમ કલાનો અનુભવ ભલે થતો નથી, પરંતુ ગિરધરનું રામકથાને સરસ બનાવી લોકોમાં રસ જગાડવાનું લક્ષ્ય સફળ થયેલું ચોક્કસ જોઈ શકાય છે. હા, રામને મોંએ મંથરાને કહેવાયું છે ‘અરે રંડા! તું તારે મારગ જા, શાને કાજે વઢે છે તું કુબજા.' તે શોભા નથી આપતું. માત્ર પ્રાકૃત લોકરંજન લાગે છે. પણ આ રચનામાં ઘણાં રસપ્રદ સ્થાનો છે, જે ધ્યાન ખેંચે છે. ગિરધરે એક લસરકે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીનાં વ્યક્તિત્વ ઊભાં કર્યાં છે : ‘જ્ઞાનકળા તે કૌશલ્યા, સુમિત્રા ભક્તિ અનૂપ / કૈ? નિશ્ચે જાણજો એ કપટ વૃત્તિ રૂપ’ એ જ રીતે દશરથને હજી પુત્ર નહોતા થયા ત્યારે એની સંતાનહીન સ્થિતિને વર્ણવી છે ઃ ‘શાક્ત પંડિત એમ કહે, પુત્ર વિના ધિક સંસાર / શૂન્ય મંદિર સુત વિના જેમ દીપ વીણ અંધાર / પ્રજા જેમ રાજા વિના ધૃત લવણ પાખે અન્ન / રાકા વિધુ તનુ ફળ વિના સંસાર સુખ નિર્ધન’ રામ સીતા સ્વયંવરમાં આવે છે ત્યારે નગરનું નારીવૃંદ સ્તબ્ધ છે : ‘એવી મોહનરૂપની મોહની, મોહી નગરની નાર / જાણે પુતળીઓ ચિત્રની એમ થઈ તદાકાર’ કવિએ સ્વયંવરમાં આવેલા રાવણને કેવો ઝડપ્યો છે! ‘તે સમે દશમુખ આવિયો અભિમાન સાગરપૂર' સાગરની નજીક લંકામાંથી આવતા રાવણના અભિમાનને વર્ણવતા ‘સાગરપૂર’ સિવાય કોઈ બીજો શબ્દ હોઈ શકે? લગ્ન વખતે આવેલા પિતા દશરથ અને માતાઓને રામલક્ષ્મણ મળે છે ત્યારે પિતા અને માતાઓની અલગ મુદ્રાઓને કવિએ ઝીલી છે : ‘રાયે ચાંપ્યા રૂદે સાથે રામલક્ષ્મણ તંન / સંતોષ પામ્યા રામજી જેમ પામે ધન નિરધન | કૌશલ્યા કૈકૈ, સુમિત્રાએ બેસાડયા ઉમંગ / હૃદે આંખી સૂંઘે શિર જેમ વત્સ ઘેનુ સંગ’ ભરતને એના મામા મોસાળ લઈ જાય છે. તે વખતની ભરતની ઉક્તિ નોંધવા જેવી છે : ‘રામવિજોગે એક ક્ષણું તે કોટિ કલ્પ સમાન / શ્રી રામચન્દ્ર ચકોર ચાતક, રઘુપતિ જળચર રૂપ / મુજ મન કંજ સદા પ્રફુલ્લિત રહે, રાઘવ દિનકર ભૂપ / રામ સુરભિ હું દાસ કહો તે વિજોગ કેમ કરી સહેશે / કલ્પવૃક્ષના વિહંગમ તે વળી બબુલ ઉપર નવ બેસે!’ રાવણના કાઢી મૂકવાથી રામને જઈને મળતા વિભીષણને જોઈ બીજા બધા શંકા વ્યક્ત કરતા હતા ત્યારે વિભીષણ જેવા રાક્ષસનું હનુમાન આ રીતે ચિત્ર દોરે છે : ‘તક્ષો અસુર દેખો છે ઉપરથી માંહે પરમ સાધુ ઇષ્ટ / જેમ ફણસ કંટકનું ભર્યું અંતર મધુર સ્વાદિષ્ટ’ કદાચ ગુજરાતીમાં આ ફણસનું ફળ મરાઠી ‘શ્રી ભાવાર્થ ૨ામાયણ’ના સંસ્કારમાંથી આવ્યું હશે. આમ, ગુજરાતી પ્રજામાં એકવાર એનું પોતાનું બનેલું આ રામ અંગેનું ભક્તિ આખ્યાન વિસરવા જેવું નથી.