રચનાવલી/૧૨૦

From Ekatra Wiki
Revision as of 15:23, 15 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨૦. કેનોપનિષદ્


કોઈપણ પ્રજાએ વિશ્વને કેવી રીતે સંવેદ્યું, પ્રજાચેતનામાં વિશ્વ અંગેનો શો તત્ત્વસાર બંધાયો, એ જે તે પ્રજાના રાષ્ટ્રની કીમતી મૂડી છે. ભારતીય પ્રજાએ એના વેદો અને ઉપનિષદોમાં વિશ્વ, વિશ્વનો ઉદ્ગમ, વિશ્વનું ધારણ, વિશ્વનું વિલયન, વિશ્વનું બંધારણ, વિશ્વ સાથેનો પોતાનો સંબંધ, વિશ્વનો પોતા સાથેનો સંદર્ભ આ બધા વિશે વારંવાર વિચાર્યું છે. એટલું જ નહીં એને ખાસ્સું સંવેદ્યું છે. આપણું ભારતદર્શન અથવા આપણો ભારતીય તત્ત્વવિચાર વૈશ્વિક પરિબળો, વૈશ્વક ગતિ અને વૈશ્વિક જીવનસંચાર પર કેન્દ્રિત છે. આનંદની વાત એ છે કે એમાં કેવળ તર્કની ભૂમિકા નથી, શ્રદ્ધા અને સંવેદનનું માનવીય પાસું એમાં ઊતર્યું છે. આમ છતાં વિશ્વ જેટલું સમજાયું છે, એથી કરોડો ગણું અણસમજાયું રહ્યું છે. એનાં રહસ્યો અપાર છે. એ સતત ખૂલતાં જાય છે અને આપણને મુગ્ધ કરતાં રહે છે. આ બધાં રહસ્યોના પાછળ પડેલા કોઈ પરમ રહસ્યની આપણે હંમેશા અટકળ કર્યા કરી છે. આ રહસ્ય અંદર બહાર, પાસે અને દૂર, ચારેબાજુ છવાઈને પડ્યું છે. આવા રહસ્યને આપણાં ઉપનિષદો જાતજાતની રીતે પ્રગટ કરવા મથે છે; એમાં ‘કેનોપનિષદ’ પણ એક મહત્ત્વનો પ્રયત્ન છે. ‘ઈશાવાસ્યોપનિષદ’નું નામ જેમ એ ઉપનિષદમાં આવતા પહેલા શબ્દ ‘ઈશ'ને કારણે પડ્યું, એમ ‘કેનોપનિષદ'નું નામ પણ એના પહેલા શબ્દ ‘કેન'ને કારણે પડ્યું છે. ‘કેન’ પ્રશ્ન છે : ‘કોના દ્વારા? કોનાથી?’ એવો એનો અર્થ થાય છે. આપણી અંદર અને આપણી બહાર જે રીતે વિશ્વને ધબકતું જોઈએ છીએ એ રીતે કોઈપણ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે આ બધું શાને આધારે છે. આ જિજ્ઞાસાને વચમાં રાખી પ્રશ્નોત્તરી રૂપે ‘કેનોપનિષદ’ રજૂ થયું છે. ‘કેનોપનિષદ’ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા બે વિભાગમાં પ્રશ્ન અને એના ઉત્તર છે. સર્વ ઇન્દ્રિયો અને મનના ચાલક બળને સમજવાની એમાં મથામણ છે. ત્રીજા વિભાગમાં પહેલા બે વિભાગમાં રજૂ થયેલી વાતને એક કથાના સ્વરૂપમાં મૂકવામાં આવી છે. છેલ્લો ચોથો વિભાગ બહારના અને અંદરના વિશ્વનો, સ્થૂલતમ અને સૂક્ષ્મતમ વિશ્વનો સ્પર્શ કરાવે છે. વિશ્વના સારની વાત ‘કેનોપનિષદ’માં અત્યંત રસપ્રદ રીતે મુકાયેલી છે. તત્ત્વજ્ઞાનના વિષય તરીકે તો ‘કેનોપનિષદ' ધ્યાન ખેંચે છે, પણ સાહિત્યની કૃતિ તરીકે પણ એ આપણું ધ્યાન ખેંચે છે. જે રીતે પ્રશ્નોનું પુનરાવર્તન થાય છે, જે રીતે વિરોધી શબ્દોને બાજુબાજુમાં ગોઠવી એમાંથી અર્થ ઉપજાવવામાં આવે છે, જે રીતે દૃષ્ટાંત દ્વારા નાટ્યાત્મક રીતે અગ્નિ, વાયુ, ઇન્દ્ર જેવાં પાત્રોને એક લસરકાથી જીવતાં કરવામાં આવે છે આ બધું ‘કેનોપનિષદ'ને ઊંચું સાહિત્ય સાબિત કરે છે. એની ઘૂંટાયેલી સૂત્રાત્મક વાણીના પડઘા સહેલાઈથી શમે તેવા નથી. ‘કેનોપનિષદ'ની શરૂઆત જ પ્રશ્નોના વિસ્ફોટથી થાય છે. જિજ્ઞાસુ પૂછે છે : ‘આ મન કોને કારણે ઇચ્છિત અને પ્રેરિત થઈ પોતાના વિષયોમાં જઈને પડે છે? કોનાથી સંચાલિત આ પ્રાણ ચાલી રહ્યો છે? કોના દ્વારા ઇચ્છિત વાણી બોલાય છે? કોણ આંખ અને કાનને પ્રેરિત કરી રહ્યું છે?' આના ઉત્તરમાં ગુંજ રૂપે શબ્દો આવે છે. કાનનો કાન, આંખની આંખ, મનનું મન, વાણીની વાણી, પ્રાણના પ્રાણ રૂપે જે છે તેને જાણીને ધીર પુરુષ સંસારથી મુક્ત થઈ અમરત્વને પામે છે. સર્વ ઇન્દ્રિય અને મનની પાછળ રહેલી આ ચેતના જે કાંઈ જાણીએ છીએ એનાથી જુદી છે અને જે કાંઈ અજાણ્યું છે એનાથી પર છે. આ ચેતનાને કારણે જ બોલવું શકય છે, સાંભળવું શકય છે, જોવું શક્ય છે. વારંવાર મંત્રની પેઠે અહીં ‘તદેવ બ્રહ્મ ત્યં વિદ્ધિ' (એ બ્રહ્મને તું જાણી લે) આવ્યા કરે છે અને એક પ્રકારના લયરટણથી બ્રહ્મ અંગેનું સત્ય આપણામાં દૃઢ થાય છે. ‘કેનોપનિષદ’ કહે છે આ બ્રહ્મ જ સત્ય છે. જે એને જાણતું નથી તે મહાવિનાશને નોંતરે છે. પ્રાણીમાત્રમાં, જીવમાત્રમાં, વિશ્વના અણુપરમાણુમાં આ ચેતના – આ બ્રહ્મ · વ્યાપ્ત છે. આની ખાતરી કરાવવા માટે ‘કેનોપનિષદ'માં ત્રીજા વિભાગમાં બ્રહ્મ પોતાને નાટ્યાત્મક રીતે રજૂ કરે છે. બ્રહ્મને ઓળખી ન શકનારા દેવો પહેલા અગ્નિને બ્રહ્મ પાસે મોકલે છે. દેવો કહે છે : ‘અગ્નિ, જઈને જાણો કે આ કોણ છે?’ અગ્નિ કહે છે ‘સારું, જાઉં છું.’ ઝડપથી અગ્નિ બ્રહ્મ પાસે પહોંચ્યો. બ્રહ્મ પૂછે છે ‘તું કોણ છે?' અગ્નિ ગવર્થી કહે છે વેદ અગ્નિ છું.’ બ્રહ્મ પૂછ્યું ‘તારું સામર્થ્ય શું છે?' અગ્નિએ કહ્યું ‘હું પૃથ્વીની કોઈ પણ વસ્તુને બાળી નાખી શકું છું.’ બ્રહ્મ અગ્નિ સામે એક તરણું મૂક્યું અને કહ્યું ‘આને બાળી નાખ.' અગ્નિ ખૂબ મથ્યો. તરણું બળી ન શક્યું. અગ્નિ વીલે મોંએ પાછો ફર્યો. બરાબર એ જ રીતે વાયુ પણ જાય છે, પણ વાયુ એ તરણું ઉડાડી શકતો નથી. વીલે મોંએ પાછો ફરે છે. છેવટે દેવો ઇન્દ્રને મોકલે છે. ઇન્દ્ર જાય છે. ત્યાં બ્રહ્મ અદૃશ્ય થઈ જાય છે અને એને સ્થાને આકાશમાં અતિશોભિતા ઉમા સુવર્ણની જેમ ઝળહળી રહે છે. ઉમા ઇન્દ્રને બ્રહ્મનો પરિચય આપે છે.. અને એ દ્વારા કેનોપનિષદે આપણને પણ બ્રહ્મનો પરિચય કરાવ્યો છે. ચોથો વિભાગ દર્શાવે છે કે જબરદસ્ત વીજળીનો ઝબકાર કે અત્યંત નાનામાં નાનો પાંપણનો પલકાર પણ આ ચેતનાને કારણે શક્ય છે. ચોથો વિભાગ વિશ્વ આખાનું સંચાલન કરતી ચેતનાની, એટલે કે બ્રહ્મની નજીક આપણને લાવી મૂકે છે. આ વિશ્વમાં તમે એકલા નથી, છુટ્ટા નથી, પણ તમારો અંકોડો અંકોડો વિશ્વ સાથે જોડાયેલો છે અને વિશ્વનો પણ અંકોડો અંકોડો તમારી સાથે જોડાયેલો છે. એવો અનુભવ આપી ‘કેનોપનિષદ’ જેવું સાહિત્ય આપણને જીવન જીવવા માટે નવું બળ પ્રેરે છે. આપણા પોતાના સંકુચિત સ્વાર્થમાંથી મુક્ત કરી આખા વિશ્વને ચાહવાની જડીબુટ્ટી આપણને ધરે છે.