એકોત્તરશતી/૮. સોનાર તરી

Revision as of 01:33, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સોનાની હોડી (સોનાર તરી)


ગગનમાં મેઘ ગાજે છે, ગાઢ વૃષ્ટિ થાય છે. કાંઠા પર હું એકલો બેઠો છું, કોઈ આશા નથી. ઢગલે ઢગલા ને ભારે ભારા ધાન કાપવાનું પૂરું થયું છે. ભરી ભરી નદી અસ્ત્રાની ધાર જેવી તીક્ષ્ણ સ્પર્શવાળી છે. ધાન કાપતાં કાપતાં વરસાદ આવ્યો.

એક નાનું ખેતર છે, હું એકલો છું. ચારેકોર વાંકુંચૂકું વહેતું પાણી ખેલ્યાં કરે છે, સામે પાર શાહી ચોપડેલી વૃક્ષોની છાયા અંકાયેલી જોઉં છું. ગામ વાદળથી ઢંકાયેલું છે, પ્રભાતની વેળા છે. આ કાંઠે નાનું ખેતર છે, હું એકલો છું.

ગીત ગાતો હોડી ચલાવતો કોણ કિનારે આવી રહ્યો છે? જોઈને જાણે મનમાં થાય છે એને ઓળખું છું. ભરેલા સઢે ચાલ્યા જાય છે, કોઈ બાજુ જોતો નથી. મોજાંઓ નિરુપાય બંને બાજુ ભાગે છે. જોઈને જાણે મનમાં થાય છે એને ઓળખું છું.

અરે ઓ! તું ક્યાં જાય છે, કયા વિદેશે? એકવાર કિનારે આવી હોડી લાંગર. જ્યાં જવા ચાહે ત્યાં જજે, ખુશીમાં આવે તેને દેજે, માત્ર ક્ષણભર હસી કાંઠે આવીને તું મારું સોનાનું ધાન લઈ જા.

જેટલું ચાહે તેટલું હોડી પર લઈ લે. હજી છે?-હવે નથી, ચઢાવી દીધું. અત્યાર સુધી નદીને કિનારે જેને લઈને હું ભુલાવામાં પડેલો હતો તે બધું થપ્પી પર થપ્પી કરી ચઢાવી દીધું. હવે કરુણા કરીને મને લઈ લે.

જગા નથી, જગા નથી, એ નાની હોડી મારા સોનાના ધાનથી ભરાઈ ગઈ છે. શ્રાવણના ગગનને ઘેરીને ગાઢ વાદળાં ફરે છે. સૂની નદીને કાંઠે હું પડી રહ્યો. જે કાંઈ હતું તે સોનાની હોડી લઈ ગઈ. ફેબ્રુઆરી-માર્ચ, ૧૮૯૨ ‘સોનાર તરી’

(અનુ. ઉમાશંકર જોશી)