The Prophet

From Ekatra Wiki
Revision as of 00:06, 7 November 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Prophet-title.jpg


The Prophet

Khalil Gibran

Prose Poetry Fables on the Beauty of Life and the Human Condition

વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ


જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.
ખલિલ જીબ્રાન


‘વિચારનું સૌંદર્ય, આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઈ અસર ઉપજાવે છે’ (સોક્રેટીસ) સ્પષ્ટપણે સમજવું હોય તો વાંચો ‘ધ પ્રોફેટ’!


‘ગીતાંજલિ’ પછી પૂર્વમાંથી ઊગેલો એક ઉત્કૃષ્ટ ધ્વનિ તે ‘ધ પ્રોફેટ’! -જ્યોર્જ રસલ.


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય:

Kahlil Gibran 1913 1.jpg

ખલિલ જીબ્રાન એક લેબનિઝ-અમેરિકન લેખક, કવિ અને કલાકાર છે. એમનો જન્મ ૧૮૮૩માં તે વખતના ઓટોમન સામ્રાજ્ય(હાલનું લેબેનોન)માં થયેલો. ૧૨ વર્ષની ઉંમરે માતા સાથે તેઓ અમેરિકા આવી ગયા. બાળક તરીકે ઉંમરના પ્રમાણમાં ઘણી વધારે કલાસૂઝ ધરાવતા જીબ્રાને મોટા થઈનેBroken Wings અને The Madman જેવી બે પ્રખ્યાત કૃતિની રચના કરી છે.

વિષય પ્રવેશ :

The Prophet (૧૯૨૩)

પૂરાં ૧૦૦ વર્ષ પૂર્વે પ્રકશિત આ પુસ્તક જીવન અને માનવીય પરિસ્થિતિના સૌંદર્યાત્મક અને આધ્યાત્મિક ચિંતનાત્મક પાસા ઉપર એક પયગમ્બરી સંદેશ જેવું છે. પયગંબર અલમુસ્તફા એમના કાલ્પનિક શહેર ઓર્ફેલીયસથી વિદાય લે છે ત્યારે એમના નગરજનો અને અનુયાયીઓ તેમને બંદર સુધી વિદાય આપવા જાય છે અને હાથ જોડી પ્રાર્થે છે કે, ‘પ્રભુ, આપના અગાધ જ્ઞાન અને પ્રજ્ઞાના સાગરમાંથી અમને થોડાં જીવનોપયોગી વિચાર-મોતી આપો.’ અને પછી એમના શ્રીમુખે જે જીવન-જગત અને માનવીય પરિસ્થિતિ વિશે ઊંડી આંતરદૃષ્ટિપૂર્ણ વિચારયાત્રા વહી તે આ પુસ્તક-પયગંબરનો વિદાય સંદેશ !

પ્રસ્તાવના :

આમાં મારે માટે છે - માનવજાતના સત્યનું દર્શન.

આપને નવાઈ તો એ વાતની લાગશે કે આજના અત્યાધુનિક જગત અને ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં, આજથી એક સદી પહેલાં પ્રગટેલા, જીવનવિષયક ચિંતનાત્મક વિચારો હજી આજે પણ અર્થપૂર્ણ અને પ્રસ્તુત કેવી રીતે હોઈ શકે? તો શું ખલિલ જિબ્રાનની આધ્યાત્મિક માર્ગદર્શક સલાહોની પોકેટબુક વર્તમાનમાં બિનમહત્ત્વની અને અપ્રસ્તુત, અસંગત માની લેવાની?

સત્ય તો એ છે, વાચક મિત્રો, કે The Prophet માત્ર સુસંગત જ નહિ, આપણા મનની ભૂમિભંજક પણ છે. આ(વું) પુસ્તક કયારેય ‘અપ્રાપ્ય’ ‘out of print’ના દાયરામાં નથી આવ્યું. ઉલટાનું, વરસોવરસ એનું વેચાણ અને પ્રસાર વધતાં જ ગયાં છે. એમાં એક પ્રકારની એવી પરિવર્તનકારી ઉર્જા છે જે તમે કોઈ યુવાન-યુવતીને તેના જન્મદિન, લગ્નદિન, વિવાહદિને આ પુસ્તક સ્વરૂપે પાઠવી શકો... જીવનના કોઈ ચાવીરૂપ વળાંકે આ પ્રજ્ઞાનભર્યું બ્રોશર એક સુંદર યાદગાર વિચારભેટ બની રહે તેવું છે. આવી વિચારબક્ષિસ કાલાતીત અને સદા બહાર, સર્વસુસંગત હોય છે. એમાંથી—પ્રેમ, લગ્ન, બાળપણ, દર્દ, સુખ, મૈત્રી, કાર્ય, મૃત્યુ જેવા વિષયો ઉપર ઊંડું ચિંતનાત્મક તત્ત્વજ્ઞાન સાંપડે છે. આથી જ એ આજે તો શું, આવનારી સદીઓ સુધી તાજું, સુસંગત અને પ્રસ્તુત જ રહેશે.

કાવ્યાત્મક લાવણ્ય, શાણપણસભર આ Timeless master piece પુસ્તક મૂળે તો ૧૯૨૩માં પ્રકાશિત થયેલું, ત્યારથી માંડી આજ સુધી એના પદ્યાત્મક નિબંધોએ દુનિયાભરના લોકોનાં દિલોદિમાગ કબજે કરી લીધાં છે. માનવ-અસ્તિત્વની સંકુલતાઓનું ઊંડાણ એ ઉદ્દઘાટિત કરીને, સ્નેહ, પ્રસન્નતા, સ્વાતંત્ર્ય, આધ્યાત્મિકતા, પીડા ઈત્યાદિ જીવનનાં વિવિધ પાસાંઓ ઉપર પોતાની આગવી આંતરદૃષ્ટિ આપણને આપે છે.

આ પુસ્તક આકાર લે છે-એક કાલ્પનિક શહેર ઓર્ફેલિયસમાં, જ્યાં પયગંબર અલમુસ્તફા ૧૨ વર્ષ રહ્યા હતા અને હવે તેમની વતનભૂમિ જવા માટે જહાજની રાહ જોઈ રહ્યા છે. એમણે વિદાયની તૈયારી કરવા માંડી, ત્યારે નગરજનો, પરિજનો એમનો છેલ્લો જ્ઞાન-ઉપદેશ સાંભળવા ભેગા થયા. અલમુસ્તફાએ પણ પ્રસન્નવદને એમને માનવીય લાગણીઓ અને જીવન અનુભવોનાં વિવિધ પાસાંઓ અંગે સુંદર સંબોધન કર્યું, જે દરેકનું અલગ અલગ પ્રકરણ આ પુસ્તક રજૂ કરે છે.

The Prophet પુસ્તકનું હાર્દ જગતમાં માનવીય પરિસ્થિતિ અંગે ઊંડા ચિંતનમાં છે, જે વાચકોને આત્મખોજ અને આંતરદર્શન માટે આવકારે છે. જિબ્રાનના શબ્દોમાં આત્માના અવાજનું ગુંજન, વિચારોનું તળેટીસમું ઊંડાણ અને શાંત ઝરણા જેવો પ્રવાહ માણવા મળે છે. પ્રેમ, લગ્ન, બાળકો, કાર્ય, મૃત્યુ જેવાં માનવજીવનનાં મૂળભૂત પાસાંઓનું સુરેખ કલ્પનચિત્ર, લેખક પદ્યાત્મક પંક્તિઓ અને રૂપકાત્મક વાર્તાકથન દ્વારા પ્રસ્તુત કરે છે.

પ્રેમ ઉપરના વાર્તાલાપમાં જીબ્રાન આ તીવ્ર લાગણીના સત્ત્વ અને મર્મને ઊંડાણથી તપાસતાં સ્નેહના આશ્લેષમાં સ્વાતંત્ર્યની અનિવાર્યતા ઉપર ભાર મૂકે છે. એમની સુંદર દલીલ રહી છે કે પ્રેમનાં મૂળ આત્મામાં ઊંડાં હોય છે(આત્મા પોતે જ પ્રેમપ્રસન્નતા અને શાંતિસ્વરૂપ છે) જેને મુક્ત રીતે વિકસવા દેવાં જોઈએ, એને બંધન કે નિયંત્રણમાં રાખી ન શકાય. એને એની અંતિમ પૂર્ણતામાં પામવા સમર્પણ અને બલિદાન-ત્યાગ ખૂબ મહત્વનાં છે.

લગ્ન અંગેની સૂરાવલિમાં પયગંબર પ્રાર્થે છે કે પોતપોતાની અદ્વિતીય સ્વ-ઓળખ બરકરાર રાખીને બે આત્માઓએ નિકટ આવી એક સુદઢ સંવાદિત જોડાણ સંયોજવાનું રહે છે. જીવનમાં લગ્નની ભૂમિકા, “પરસ્પરના વિકાસ-સાથી તરીકેની હજો, એકમેકની જીવનયાત્રામાં સહાયક બનજો અને અરસપરસના સંગાથમાં શાંતિ, આશ્વાસન અને સૌહાર્દની અનુભૂતિ પામજો...” આ પ્રકારની વાત આશીર્વાદમૂલક-પ્રાર્થના સ્વરૂપ હોવાનું પયગંબર સમજાવે છે.

આગળ વધતાં જીબ્રાનવાણી, આનંદ અને દુઃખના ખ્યાલને સ્પષ્ટ કરતાં વદે છે કે ‘કભી ખુશી કભી ગમ’ વચ્ચે એક પ્રકારનો આંતરસંબંધ છે, અનુભૂતિનું પરસ્પરાવલંબન છે. આનંદના ઊંડાણને માણવા દુઃખ કે યાતનાની કસોટીઓમાંથી પસાર થવું આવશ્યક છે. જીવનમાર્ગમાં આવનારી આપત્તિઓ કે વિપરીતતાઓ આંતરપ્રકાશ અને આત્મવિકાસની કેડી બની શકે છે, તે રીતે એને જોવી જોઈએ.

જીવનમાં કવન, કાર્ય વિશે પોતાની આંતરદૃષ્ટિ શેર કરતાં તેઓ કહે છે કે મહેનત, પોતાને સોંપાયેલું કે ભાગ્યદત્ત કાર્ય, શ્રમ એ દૈવી પ્રસાદ છે, એને પૂરા પ્રયત્નથી દિલપૂર્વક કરવું જોઈએ...એ ઢસરડો કે કંટાળાજનક-વેઠઉતાર કામ નથી પણ આપણા આત્માને આકાર આપનારી કળા છે જે વ્યક્તિગત પેશનને પૂર્ણરૂપે પોષનારો સામૂહિક માનવીય પ્રયાસ બનવો જોઈએ... કેવું સરસ અર્થઘટન –આપણા રોજિંદા બોજરૂપ લાગતા કાર્યનું !

આ જીવનના અંતિમ પડાવ સમા મૃત્યુને અલમુસ્તફા અંતિમ પ્રકરણમાં સ્પર્શતાં એનાં શાંત-સ્વસ્થ-સહજ સ્વીકાર ઉપર ભાર મૂકે છે. આ ઐહિક જીવન અને મર્ત્ય અસ્તિત્વની મર્યાદાઓને ઓળંગીને, આત્માને શાશ્વત શાંતિમાં પ્રવેશવાનો અને તેને અનંત બ્રહ્માંડમાં વિહરવા માટે વિદાય આપવાનો આધ્યાત્મિક અવસર એટલે અવસાન ! મૃત્યુના સૌંદર્યનું અદ્ભુત ઉદ્ઘાટન જીબ્રાનની જબાન અહીં કરે છે.

સમગ્ર ‘પયગંબરી વિદાય-વચન’ દરમ્યાન જીબ્રાનની વાણી, સમય-સંસ્કૃતિ-સંપ્રદાયની સીમાઓ ઓળંગીને, આપણને સૌને સમાન રીતે સાંકળનારાં વૈશ્વિક સત્યો સાથે સાંત્વનમૂલક અને જ્ઞાનમૂલક અનુસંધાન સાધનારી બની રહે છે. જ્ઞાનપિપાસુ નગરજનો અને સાધકો પયગંબર અલમુસ્તફાનાં વચનોમાંથી પ્રજ્ઞા-પ્રકાશ પામે છે તેમ વાચક વર્ગને પણ ઊંડું ચિંતનાત્મક આત્મપોષક જ્ઞાન અને સુક્ષ્મ આતંરદૃષ્ટિ લાધે છે. આ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ, માનવીની રહસ્યમય જીવનયાત્રાનો અર્થ, હેતુ અને સમજૂતી શોધનારા સાધકોને સતત માર્ગદર્શક પ્રકાશ આપતી રહી છે.

‘પ્રેમ’ ઉપરના પ્રકરણમાંથી લીધેલો આ સૌથી પ્રખ્યાત અને પ્રેરક પેરેગ્રાફ વાંચો :

“જયારે પ્રેમનો પોકાર સંભળાય તમને, સાંભળો અને અનુસરો એને... જોકે પ્રેમપંથ એ કપરાં ચઢાણ તો છે જ, તોયે તમારા ઉપર એ કૃપાની પાંખ પ્રસારે છે ત્યારે એની શરણમાં જવા વિલંબ ન કરશો... કદાચ પ્રેમપંખમાં છૂપાયેલી પ્રેમ કટારી તમને ઘાયલ કરી શકે.. આવો પ્રેમ તમને કંઈક કહી રહ્યો હોય તો એને માનવાનું વલણ રાખજો, પછી ભલે એની વાણી તમારાં સ્વપ્નોને, પાનખરમાં પડેલાં પર્ણોને પવનમાં ઉડાડી જનારી કેમ ન લાગે ! પ્રેમ તમારા શિરનો તાજ પણ બની શકે, તે જ રીતે ખભા પર લટકાવેલો/ઊઠાવેલો વધસ્થંભ પણ બની શકે... તમારા વિકાસવૃક્ષની ડાળીઓને એ વિસ્તારનારો પોષક બની શકે છે તો વળી એ ડાળીઓની છટણી-કાપણી કરનારો પણ બની શકે છે. જીવનતાપમાં ઝૂલસી જતી તમારી કોમળતમ અંકુરિત ડાળીઓને એ હેતે ઝૂલાવશે, વહાલથી એનો વૃદ્ધિ-સહાયક બનશે.. તો એ જ પ્રેમ. એ જ ડાળીઓ ને થડથી ઊતરી જમીનને જકડતાં એનાં મૂળને હચમચાવી, ઊખેડીને ફેંકી પણ દઈ શકે તેવો હોય છે... મકાઈ કે જુવારના છોડના ભારાની જેમ કાપણી પછી ખળામાં એ પહોંચે ત્યાં સુધી, તમને એકસૂત્રે બાંધી પણ રાખશે, ડૂંડામાંથી અન્ન દાણો કાઢવા એ તમને અનાવૃત-ફોતરાંમુકત-પણ કરશે અને ચાળણીમાં ચાળીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટાવશે, દળીને સફેદી બહાર લાવશે, લોટના કે માટીના લોંદાની જેમ ગૂંદશે, મસળશે.. અને પછી એને ભઠ્ઠીમાં કે તવા ઉપર અગ્નિને હવાલે કરશે જેથી તમારામાંથી સુંદર, પાવક-પાવન(અગ્નિમાં તપી પવિત્ર શુદ્ધ થયેલી ) રોટી, બ્રેડ તૈયાર થશે જેને પ્રભુચરણે પ્રસાદ માટે ધરી શકાશે...”

આ બધું જ પ્રેમ કરી શકે છે, બસ તમે તમારા હૃદયનાં ભીતરી સત્યોથી કેટલા અવગત અને જ્ઞાત છો એના ઉપર આધાર રાખે છે. અથવા પ્રેમ તમને તમારી ભીતર સુધી લઈ જઈ શકે છે. એ સ્વ-પ્રજ્ઞાની સભાનતામાં જ જીવનમર્મનો એકઅંશ છૂંપાયેલો હોય છે. પરંતુ જો તમે ડરના માર્યા પ્રેમમાં (ઈંદ્રિય)આનંદ અને શાંતિ-સંતોષ શોધશો તો તમારે માટે પ્રેમના ખળામાં (ખોળામાં નહિ) તમારી નગ્નતા ઢાંકીને પસાર થઈ જવાનું જ સારું રહેશે. આ ઋતુવિહીન(સંવેદનહીન) વિશ્વમાં તમે હસશો તો ખરા, પણ તમારા પૂર્ણ હાસ્ય-લાસ્યનું પ્રગટીકરણ નહિ કરી શકો. તમે રડી શકશો, પણ તમારા રુદનની પૂર્ણ દિલગીરી, શોકાતુરતા વ્યક્ત ન કરી શકશો. પ્રેમ પોતા સિવાય કશું આપતો નથી, પણ પોતે જ સમર્પિત થઈ જાય છે. અને પ્રેમ પોતા સિવાય બીજા કશામાંથી કશું લેતો નથી, કારણ કે પોતાનામાં જ સ્વતઃપૂર્ણ હોય છે. પ્રેમ કોઈના ઉપર માલિકીભાવ લાદતો નથી, કોઈનો તાબેદાર થતો નથી કે કોઈને તાબેદાર બનાવતો નથી, કોઈના દ્વારા માલિકીભાવના દાયરામાં આવતો પણ નથી. પ્રેમ, પ્રેમમાં જ સ્વયંપર્યાપ્ત, સ્વયંપૂર્ણ હોય છે.

આ સુખ્યાત સત્વશીલ ગદ્યખંડ પ્રેમની પરિવર્તનકારી લાક્ષણિકતા અને સંકુલતાઓને બખૂબી ઘનીભૂત કરીને, વાચકોને, સ્વ વિકાસ અને આત્મખોજ માટે જરૂરી એવા, પ્રેમજન્ય આનંદ અને આઘાત, ઉત્કટતા અને અવસાદ, પ્રસન્નતા અને પીડા જેવાં પરસ્પર વિરોધી ભાસતાં તત્ત્વોને આશ્લેષમાં લેવા પ્રેરિત કરે છે. આવી સૂક્ષ્મ આંતરદૃષ્ટિસભર આ પુસ્તક સાહિત્યનું કાલાતીત અને પ્રિયકર વાચન બની પેઢીઓ સુધી વાચકોનાં દિલોદિમાગમાં ગૂંજી રહ્યું છે.

મુખ્ય મુદ્દાઓ:

(૧) પ્રેમ, લગ્ન, અને બાળપણ :

પયગંબરની વિદાય વેળાએ બંદર ઉપર એકત્ર થયેલા ઉત્સુક નગરજનોએ એમને પ્રાર્થના કરી કે, ‘અમારાં તિમિર દ્વાર ઉઘાડો અને જન્મ અને મૃત્યુ વચ્ચે અમે જે જોઈએ, અનુભવીએ છીએ તેમાં આપનું પ્રજ્ઞાદર્શન પાથરો.’ અને અલમુસ્તફાએ પહેલો વિષય પસંદ કર્યો-પ્રેમ ! એમને મન, આ ધરીરૂપ વિષય, તેઓ જે બધા વિષયો ઉપર બોલ્યા તે બધાને સ્પર્શનારો હતો. તેઓ કહે છે, પ્રેમનો આધાર મુક્તિ ઉપર છે. પ્રેમને નિરપેક્ષ રીતે મુક્ત રીતે વહાવવો રહ્યો. આથી એનું સ્વરૂપ શુદ્ધતમ રહેશે. એ કોઈને જકડવાનું કે કોઈના ઉપર મલિકીભાવ રાખવાનું કહેતો નથી, કે તેમ માલિકીભાવમાં એ બંધાતો કે જકડાતો નથી.

ત્યાર પછી એક નાગરિકે લગ્ન અંગે એમના વિચારો જાણવાની જિજ્ઞાસા દર્શાવતાં પયગંબરે કહ્યું કે લગ્ન એ તો અનંતકાળ માટે બે આત્માઓનો અનુબંધ અને અનુસંધાન છે. સાથે જ તેમણે ચેતવણીનો પણ સૂર છેડ્યો કે એ અનુબંધ જલોભેદ્ય ન રહેતાં બંનેની વચ્ચે શ્વાસ લેવા જેટલી અને વિકસવા જેટલી જગ્યા-space-મોકળાશ પણ રહેવી જોઈએ. યાદ રહે કે પ્રેમ એ અધિકારીક –માલિકીભાવવાળો, બંધક નથી. પયગંબરે પરિણીત યુગલોને સરસ સંદેશ આપ્યો કે ‘તમારા બેની વચ્ચે સ્વર્ગની સૂરાવલિઓ સાથે વાયરાને નૃત્ય કરવાની તક આપો.’ વધુમાં જણાવ્યું કે બે વૃક્ષો (ઓક ટ્રી અને સાયપ્રૅસ) એકમેકના પડછાયા-છાયામાં વિકસી શકતાં નથી. પ્રેમ, લગ્ન, પછી આવે છે બાળપણ. એમાં પણ માલિકીભાવ ન ચાલે. ‘બાળકો, એમનાં માતા-પિતાની (માલિકીની)પ્રોપર્ટી નથી. વાસ્તવમાં તો તેઓ ‘તેમનાં’ બાળકો પણ નથી. એના બદલે, તો પુત્રો કે પુત્રીઓ તો ભવિષ્યે ભેગા થનારા આત્માઓનાં સંતાનો છે. વર્તમાન માતાપિતા તો એમને એ રસ્તો બતાવનાર અને ઉછેરનાર વાલી - guardian, caretaker છે.

(૨) આનંદ, અવસાદ, અને યાતના :

આનંદ અને અવસાદને, pleasure અને painને બે જુદી લાગણીઓ ન માનતાં એકમેકની પૂરક અને અવિભાજ્ય, પરસ્પર સંલગ્ન માનવાનું અલમુસ્તફા જણાવે છે. સુખ અને દુઃખ વિનાની જીંદગી જોઈ છે, ભલા? એ તો લાઇફમાં હોય જ ને? એ બે એકબીજા વિના પણ હોતા/રહેતા નથી. નરસિંહ મહેતા યાદ આવ્યા વિના રહે?—

‘સુખ-દુઃખ મનમાં ન આણીયે,
ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે,
રઘુનાથનાં જડિયાં!’

પયગંબર વદે છે- ‘તમારાં અંતરમાં દુખની ખીણ જેટલી ઊંડી કોતરાશે, એટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને પ્યારો લાગશે.’ આ રીતે દુઃખ, પીડા, શોકનો તીવ્ર અનુભવ જેટલો તમને વધુ હશે, તેટલો તમે સાચા સુખનો અનુભવ સમજીને માણી શકશો.

ત્યાર પછી ઓર્ફેલિયસવાસીએ પયગંબરને પીડા-pain વિશે પૂછ્યું. તેઓ બોલ્યા : ‘કોચલું તૂટવાથી પીડા પ્રગટે છે, એ કોચલામાં એક ગુપ્ત, ગર્ભિત કે અવગણાયેલું આધ્યાત્મિક સત્ય રહેલું હતું. બીજા શબ્દોમાં કહું તો, પ્રગટીકરણની, પ્રસૂતિની કે પ્રગતિની (જ) પીડા હોય છે. કોચલાનું તૂટવું પીડાકર જરૂર હોય, પરંતુ એ આત્માને અજવાળતો સૂર્યપ્રકાશ પાથરી દે છે (ત્યારે પીડાનો પડછાયો પડદા પાછળ પોઢી જાય છે ને?) પ્રસૂતાની બદનતોડ પીડા, બાળકના સ્વસ્થ પ્રસવ થતાં જ ઓસરી જાય છે. આ કોચલાંતોડ અનુભવ આપણને વધુ જ્ઞાનવાન, પરિપક્વ અને પ્રજ્ઞાવાન બનાવે છે. તો પછી પીડાની હાય...હાય ન કરતાં એનો સ્વસ્થ સ્વીકાર અને શાંતચિત્તે અનુભવ કરવો જ શ્રેયસ્કર છે. એ તો જીવનનો જાદુ છે, ચેતનાનો ચમત્કાર છે. પીડા જેટલું હંફાવે, આનંદ પછી એટલો જ ફાવે...

પયગંબર ઉવાચ— ‘જો તમે પીડાને આ દૃષ્ટિથી જોશો, અનુભવશો તો પીડાની પાનખર તમને પ્રજાડશે નહિ, અસુખનો શિયાળો ઠારશે નહિ. તમે શાંત, સ્વસ્થ, અવિચલિત રહી શકશો, ભલે પીડામાંથી પસાર થતા હો.

(૩) નિવાસો અને વસ્ત્રો :

પછી પયગંબરી વાણીમાં આવાસો, વસ્ત્રો, ઘરબાર, ગલીઓ, શહેરોની વાત આવી. એમણે સમજાવ્યું કે એ બધું આપણા આ ધરતી ઉપરના અસ્તિત્વ માટે જરૂરી છે જ, પરંતુ સાથોસાથ એમણે નગરજનોને અપીલ કરી કે આપણે ધરતીમાતા, જંગલો, મેદાનો, વનસ્પતિજગત, પ્રકૃતિ સાથે પણ એક પ્રકારના આધ્યાત્મિક સંબંધથી જોડાયેલા રહેવાનું છે. ખરું જુઓ તો આપણે આ જ સૃષ્ટિના એક અંશ છીએ, તેની જવાબદારી ને ગાંભીર્ય આપણે નિભાવવાનું છે. અલમુસ્તફા એવું જગત ઝંખે છે. જ્યાં ખીણો આપણી શેરીઓ અને વૃક્ષવેલી-લતાઓ એની નસનાડીઓ હોય, એટલે કે આપણી રહનસહન, જીવનશૈલી, વિહાર-વ્યવહાર પ્રકૃતિ સાથેના આધ્યાત્મિક સંબંધને હણનારા, ખેદાન-મેદાન કરનારા ન હોવાં ઘટે. (પયગંબરની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રતિબદ્ધતા !) માનવજાતે ધીમે ધીમે કરવા માંડેલું શહેરીકરણ, એ આપણા પૂર્વજોની સુખી સલામત-સગવડભર્યા જીવનની ઈચ્છા અને કલ્પનાનું સાકારરૂપ છે. આ ભૌતિક જીવન વ્યવસ્થાને આધ્યાત્મિક સ્પર્શ આપતાં તેઓ બોલ્યા કે આપણા આત્માને યાદ કરો- અસીમ આત્મા સીમિત શરીરમાં વસે છે. એ જ પરમાત્મા(જેના આપણે અંશ છીએ) આકાશી આવાસમાં વસે છે. પ્રભાતનું ધુમ્મસ જેનું દ્વાર છે અને નિશાનું સંગીત અને શાંતિ એની બારીઓ છે. વસ્ત્રો વિશે પણ આવું વલણ દાખવતાં તેઓ બોલ્યા : ‘હા, વસ્ત્રો આપણને બાહ્ય તત્ત્વોથી રક્ષણ આપવા ઉપયોગી છે, સાથે જ પશુપક્ષી જગતથી માનવીને તે જુદો દર્શાવનારી બાબત પણ છે. પરંતુ યાદ રાખો કે વસ્ત્રો આપણા (શારીરિક) સૌંદર્યને છૂપાવે પણ છે. આપણને વસ્ત્રોમાં કદાચ અંગતતા અને સ્વતંત્રતા જણાતી હોય, પણ એ તો એક ભ્રમણા છે. તેના બદલે, તેઓ ‘એક લગામ અને એક બેડી’ પણ બની શકે છે. અલમુસ્તફા આપણને વિનંતી કરે છે કે સૂર્યપ્રકાશ અને હવા-પવન આપણાં કપડાંને લાગે તેના કરતાં આપણી ત્વચાને વધારે લાગવા દો, જેથી આપણને જીવનનો વધુ મધુર સ્પર્શ અનુભવવા મળશે.

(૪) કાનૂન-નિયમ, અપરાધ અને સજા :

આપણી આધ્યાત્મિક માર્ગદર્શિકા, માનવ-નિર્મિત કાયદા-કાનૂનની ખાસ ચાહક નથી. આપણી કાનૂન વ્યવસ્થાને, સાગર કિનારે રેતીના કિલ્લા બનાવતાં ને તોડતાં બાળક જોડે સરખાવતાં અલમુસ્તફા કહે છે કે આપણે આપણી ધૂન કે તરંગ મુજબ કાયદા બનાવીએ અને તોડીએ છીએ.

પ્રથમ તો આપણે રચેલા કાનૂનની અવગણના કરીને, આપણે તેમાંથી મુક્તિ મેળવવી જોઈએ, એટલે કે કોઈને હાનિ, દુઃખ, કષ્ટ ન પહોંચાડવાની અને પ્રાણીમાત્રને ચાહવાની આપણી જવાબદારી નિભાવવી જોઈએ. આમ કરવાથી આપણે આધ્યાત્મિક શાંતિ મેળવી શકીશું. પયગંબરને મન, આવી જવાબદારી એ કુદરતનો કાનૂન છે, વૈશ્વિક-નૈતિક સત્ય છે જે ફરી પાછો આપણને પ્રેમ ઉપરના તેમના પાયાના ઉપદેશ તરફ મૂકી આપે છે. સંગીતની દુનિયાના માનવરચિત અને પ્રાકૃતિક નિયમો વચ્ચે સરસ તુલના કરતાં પયગંબર કહે છે કે, ‘તમે ધારો તો ઢોલને ઢાંકી શકો ને વીણાના તાર તોડી-તાણી શકો, પણ વાયુવિહારી પંખીડાને ગાતાં રોકી શકો ખરા ? મુક્તકંઠી પક્ષીઓને આપણે રચેલા નિયમોની શી પરવા? અપરાધ અને સજા વિશે પણ અલમુસ્તફાને ઘણું કહેવાનું છે. ઓર્ફેલીયસવાસીઓને મૂલગત ક્ષમાભાવના વિશે ઉપદેશતાં તેઓ કહે છે કે અપરાધી પણ આખરે તો કોઈના પણ જેવો માનવી જ છે. અપરાધીની તુલના એ રસ્તા પર ગડથોલું ખાતા, ઠોકર ખાતા માણસ જોડે કરે છે કે એને ઠોકર વાગી એ એની પાછળ આવતા માણસ માટે ચેતવણી સમાન છે કે જોઈને ચાલો ભાઈ, નહિ તો પેલાની જેમ મને પણ ઠોકર લાગશે, અને આગળ નીકળી/ચાલી ગયેલા માટે શરમજનક છે કે તેણે શા માટે પત્થર કે અડચણ ન હઠાવી, તો જ પેલાને ઠોકર વાગી ને પડવાનું થયું ! અંતે, અલમુસ્તફા કહે છે કે અપરાધીને સાચા દિલનો પસ્તાવો થાય એજ એની મોટામાં મોટી સજા કે ઉપચાર છે. એક રોટીચોર, અનેક ભૂખ્યા લોકોનાં પેટ ભરતો હોય અને પોતાની ચોરીનો પસ્તાવો કરતો હોય તો તમે એને શું સજા કરશો ?

(૫) વિચારશક્તિ-વિવેક-તર્ક અને લાગણી :

તાર્કિક બુદ્ધિ અને લાગણીને આપણે ઘણીવાર એકબીજાનાં વિરોધી લેખીએ છીએ. પરંતુ આપણી ભીતર એમને પ્રતિસ્પર્ધી ભાવનાઓ તરીકે જોવાને બદલે, આપણને જીવંત માનવી બનાવી રાખનાર ઉપયોગી તત્ત્વો તરીકે જોવાં જોઈએ.

અલમુસ્તફા તર્કબુદ્ધિને જહાજના રડાર તરીકે અને લાગણીને એના શઢ તરીકે કલ્પે છે. આ બંને વિના જહાજ આગળ ન વધી શકે, અરે નકામું જ થઈ જાય. દિશાસૂચન અને શઢ બંને જોઈએ, બંને સક્રિય, કાર્યરત જોઈએ તો જ જહાજ સાગર ખેડી શકે, શઢમાં હવા ભરાય ને ગતિ આપે તેમ આપણી પેશન-ઈમોશન આપણને જીવનયાત્રામાં ઊર્જા પૂરે છે. એ જ રીતે વિચાર-વિવેકશક્તિ એના રડારને-સ્ટીયરીંગને યોગ્ય ધ્યેયની દિશામાં દોરવાની શક્તિ આપે છે. આ વિચારનું સમાપન કરતાં, પયગંબર આપણા ઘરે આવેલા બે મહેમાનોનું સ્વાગત કરવાના ઉદાહરણથી કહે છે કે તમે એક અતિથિનું સ્વાગત બીજા અતિથિ કરતાં ઓછું કે વધારે ન કરી શકો. બંનેને સરખું સ્વાગત–સરભરા ને સ્વીકાર કરવાં પડે, નહિ તો એકને ખોટું લાગી શકે અને એ તમારો પ્રેમ અને વિશ્વાસ બંને ગુમાવી શકે.

(૬) મિત્રતા અને વાતચીત :

હવે આપણે મૈત્રી ઉપર સુક્ષ્મચિંતન આરંભીએ. પયગંબરના પ્રેમના સંદેશ ઉપર ભાર મૂકતો આ વિષય પણ મહત્ત્વપૂર્ણ છે. મૈત્રીમાં પણ બે હૃદયો –આત્માઓનું આધ્યાત્મિક જોડાણ પયગંબર જુએ છે. બે મિત્રો પોતાની લાગણી, સ્નેહ, સુખ-શાંતિ મુકત રીતે શેર કરી શકે છે, અને વિશ્વાસનું વાતાવરણ સર્જી વિચારોની પણ આપ-લે કરી શકે છે.

મિત્રોને તમારો વધારાનો સમય(spare time) ફાળવવા અંગે તેઓ ચેતવે છે કે એમ ન કરતાં એને તમારો ‘જીવવાનો સમય’(hours to live) આપો, hours to kill- ‘પસાર કરવાનો સમય’ નહિ. કારણ કે, મિત્રતાનો ખરો હેતુ-એકબીજાના જુસ્સા, સત્ત્વ-તત્ત્વને વધારવાનો છે. મૈત્રીનાં મૂળ પણ સ્નેહમાં જ છે. પ્રેમ એ કાંઈ પક્ષી કે માછલી પકડવાની જાળ નથી... મૈત્રીનાં માધુર્ય માણવા મુક્ત હાસ્ય ઉમેરો અને ગમતાંનો ગુલાલ કરો. કારણ કે પ્રભાતનાં ઝાકળબિંદુઓ સમી નાની નાની ખુશીઓ હૃદયને તરોતાજા રાખે છે.

પછી અલમુસ્તફા વાતચીત અંગે કહે છે કે આપણા દિલની એકલતાથી દૂર ભાગવા અથવા આપણે આપણા વિચારો સાથે ટ્યૂનિંગ ન હોય ત્યારે આપણને કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. આ ઉપરાંત, વધુ પડતી વાતચીત-વાતોડિયાપણું, આપણને ઊંડા વિચાર કરતાં અને આપણી સાચી ભીતરી ઓળખ મેળવતાં અટકાવનારું છે. એ એક સહેતુક યુક્તિ લાગે છે. જેઓ ખૂબ વાતોડિયા, બડબડિયા છે તેમને ભીતરી માનસિક શાંતિ અને સ્વ-ચિંતનનો અવકાશ બહાર પ્રગટ થઈ જવાનો ડર રહેતો હોય છે. એને બદલે પયગંબર કહે છે— “તમારું સાચું અને સારું સત્ત્વ-તત્ત્વ લયબદ્ધ શાંતિમાં રહેલું છે.”

(૭) આનંદ અને સૌંદર્ય :

જીવનનાં આધ્યાત્મિક પરિમાણોનો આટલો બધો સંસ્પર્શ પામનાર સંત, વાતચીત અને શહેરો કરતાં શાંતિ ને પ્રકૃતિનો વધુ મહિમા ગાનાર મહર્ષિ જયારે આનંદની આરતી ઉતારવાનું કહે ત્યારે નવાઈ લાગે.

પરંતુ, આનંદ એ જીવનની મહાન બક્ષિસોમાંની એક છે. આપણે વીતેલી આનંદક્ષણો તરફ દિલગીરીના નહિ, પણ દિલદારીના ભાવથી જોવું જોઈએ. આપણે આપણી જાતને ખાતર આનંદને નકારવો ન જોઈએ, કારણ કે એમ કરતાં આપણે આપણી આધ્યાત્મિક તંદુરસ્તીને હાનિ કરીશું એવી ચિંતા સેવીએ છીએ. પણ વાસ્તવમાં એવું નથી. જો આપણે આપણી જાતને આનંદ લેતાં રોકીએ છીએ તો અંદરખાને તેની તમન્ના-ઝંખના જાગે, જેનાથી એક પ્રકારનાં દબાવ અને પીડા ઉત્પન્ન થાય, જેને પાછાં બહાર નીકળવાનો માર્ગ ખોળવો પડે.

અલમુસ્તફા મધમાખી અને ફૂલનું દૃષ્ટાંત આપી કહે છે કે મધમાખી ફૂલોમાંથી મધ ભેગું કરે છે, તેમાં એને આનંદ આવે છે. એને માટે પુષ્પ એ ‘fountain of life’ છે. તો સામે પક્ષે પુષ્પને પણ મહેમાન-માખીને મધ આપવાનું ગમે છે, કારણ કે એના થકી પુષ્પની પરાગરજ પ્રસરે અને ફલીકરણમાં મદદ મળે. પુષ્પને મન મધમાખીએ પ્રેમનો સંદેશવાહક છે. પયગંબર કહે છે કે આમ આનંદની આપ-લે એ એક આપનાર-લેનારની જરૂરિયાત અને એક પરમાનંદાનુભૂતિ પણ છે.

આ એમને સૌંદર્યની ચર્ચા તરફ દોરી જાય છે. સૌંદર્ય આત્મલક્ષી છે- તેથી વ્યક્તિએ વ્યક્તિએ સુંદરતાની વિભાવના બદલાતી રહેવાની. કોઈકને એક વસ્તુ/વ્યક્તિમાં સૌંદર્ય દેખાતું હોય, તેમાં બીજાને ન પણ જણાય એમ બને. વળી, આપણાં આંખ, કાન, ત્વચા જેવી જ્ઞાનેન્દ્રિયો સૌંદર્યગ્રહણ નથી કરતી, એ તો આપણો આત્મા કરે છે. અલમુસ્તફાને મન ‘જીવન જયારે એના પાવન ચહેરાને પ્રગટ કરે છે તે પૂર્ણ-શુદ્ધ સૌંદર્ય છે.’ અહીં તેઓ જીવનના શાશ્વત લક્ષણની વાત કરે છે. -સજીવોને જીવંત-સક્રિય બનાવનાર આત્માની વાત કરે છે. જયારે આપણે સૌંદર્ય દર્શન કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં એને જીવનની બક્ષિસ તરીકે જોઈએ છીએ.

(૮) સમય અને મૃત્યુ :

અલમુસ્તફાના ચિંતનનાં આ બે મુખ્ય બિંદુઓ- સમય(કાળ)અને મૃત્યુ- છે. તેઓ કહે છે, આપણને માનવીઓને એક વિચિત્ર વળગણ છે- સમયને માપવાનું, વિભાગવાનું અને નિયંત્રિત કરવાનું ! પણ આમ કરવાથી સમયનું જે ખરું વાસ્તવિક સ્વરૂપ છે તે વિકૃત થઈ જાય છે. આપણી અંદર રહેલો આત્મા અને જીવનનું સારતત્ત્વ એ બંને સમયથી પાર- કાલાતીત છે. આપણા અસ્તિત્વનો સૌથી જીવંત અને મહત્ત્વપૂર્ણ અંશ આપણો આત્મા હોઈ આપણે પણ એક સમગ્રતામાં જોઈએ તો કાલાતીત અને શાશ્વત છીએ. આ માત્ર કહેવાની વાત નથી, જો આપણે ઊંડું ચિંતન કરીએ તો એ અનંતતા, શાશ્વતીનો આપણી ભીતર અનુભવ કરી શકીએ.

અહીં પુનઃ અલમુસ્તફા પ્રેમ તત્ત્વને યાદ કરે છે અને તેને સમયની શાશ્વતતા સાથે સરખાવે છે. અસંગ, અસીમ આત્માની જેમ પ્રેમ પણ અસંગ, બંધનમુકત છે. અને આપણા સ્વના કેંદ્ર તરફ ગતિ કરે છે... સમય જેવું જ મૃત્યુનું પણ છે. એ તો અનંતનું પ્રવેશદ્વાર છે, એનાથી ભાગવા ને શરમાવાને બદલે એને આશ્લેષમાં લેવું જોઈએ. દુઃખ અને સુખ જેમ અવિભાજ્ય છે તેમ જીવન અને મૃત્યુ પણ જુદાં પાડી શકાતાં નથી. સરિતા અને સાગરને જુદાં ન પાડી શકાય, તેવું જ જીવન અને મૃત્યુનું પણ છે.

આથી મૃત્યુનો મુકાબલો ભયથી નહિ ખુશીથી કરવો જોઈએ. આપણું શારીરિક મૃત્યુ તો આપણા આત્માનું મુક્તિદાતા છે, જે આત્માને મોક્ષગામી બનાવે છે, એને ઉદિત થવા, વિસ્તરવા અને પરમાત્માને અવિરત પામવા ઉદ્યત કરે છે.

સમાપન/ઉપસંહાર :

તમે તમારી જીવનયાત્રામાં આગળ વધો છો, ત્યારે કેવળ એટલું જ યાદ રાખો કે બે પરસ્પર વિરોધી કે પ્રતિસ્પર્ધી જણાતી વસ્તુઓ કે ભાવનાઓ, તત્ત્વો– જેમ કે આનંદ અને અવસાદ, જીવન અને મૃત્યુ- વાસ્તવમાં અવિભાજ્ય રીતે અને સુંદર રીતે એકબીજા સાથે સંલગ્ન હોય છે, એકના વિના બીજાનો અનુભવ તમને ન થઈ શકે.

પ્રેમ બધી વસ્તુઓમાં અંતર્નિહિત અને સર્વવ્યાપ્ત છે. એ આપણા જીવન અને જગતમાં એવી ભૂમિકા રચે છે કે જેના ઉપર કોઈપણ અર્થપૂર્ણ બાંધણી કે રચના કરી શકાય. ૧૯૨૩માં પ્રકાશિત, ખલિલ જીબ્રાન રચિત The Prophet, એના મુખ્યપાત્ર પયગંબર અલમુસ્તફાની વિદાય વેળાનાં ઉપદેશ વચનોનો પદ્યાત્મક અને તત્ત્વજ્ઞાન સભર સંગ્રહ છે, જેમાં ઓર્ફેલીયસવાસીઓ સમક્ષ પ્રેમ, મુક્તિ, આનંદ, અવસાદ, જીવન, મૃત્યુ જેવા ઘણા વિષયોની ગહન ચર્ચા છે. જીવનમાં બધી પ્રવૃતિઓ આનંદપૂર્વક કરવી જોઈએ, સ્વીકારનો અને ત્યાગનો બંનેનો આનંદ છે, જીવન અને પ્રકૃતિ પરસ્પરાવલંબિત અને આંતર સંબંધિત છે. પયગંબર પ્રજાને તેમની લાગણીઓ- ભાવનાત્મક પાસાંને અનુસરી, તેને સ્વવિકાસ અને સમજદારી વૃદ્ધિમાં પ્રયોજવાની પ્રેરણા આપે છે. The Prophet સ્વ-સભાનતા, આત્મચેતના, કરુણા, સ્વીકારવૃત્તિનો સંદેશ આપી વાચકોને તેમના પોતાનામાં સત્ય અને શાણપણની શોધ કરવા પ્રેરે છે. એ માનવીય અનુભવોના વૈશ્વિક વિષયો ઉપર મર્મસ્પર્શી, કાલાતીત અને પ્રેરણાત્મક પુસ્તક બની રહ્યું છે.

નોંધનીય અવતરણો :

૧. ‘તમારો આનંદ એ તમારા અનાવૃત અવસાદનું જ બીજું રૂપ છે.’ ૨. ‘પરસ્પર પ્રેમ પ્રસારો, પણ તેનું બંધન ન લાદો. એ તમારા બંનેના આત્મ-સાગરના કિનારાઓને છાલક મારતો રહેવો જોઈએ, નિર્બંધ, નિર્મળ, નિરપેક્ષ !’ ૩. ‘પ્રેમનો માર્ગ તમે નક્કી કે નિર્દેશિત ન કરશો, કારણ કે તમે જો પ્રેમને યોગ્ય હશો તો, પ્રેમ જ તમારો માર્ગ નક્કી કરશે.’ ૪. ‘સાગર અને સરિતાની જેમ જીવન અને મૃત્યુ પણ એક જ, અવિભાજ્ય છે.’ ૫. ‘તમે વાત કરવાનું ત્યારે શરૂ કરો છો, જયારે તમારું તમારા વિચારો સાથેનું ટ્યૂનીંગ તૂટે છે. ૬. ‘તમારાં બાળકો એ તમારાં(તમારી માલિકીના) બાળકો નથી. એ તો તમારી જિજીવિશાનાં પુત્ર-પુત્રીઓ છે.’ ૭. ‘કાર્ય એટલે પ્રેમની દૃશ્યાત્મક આવૃત્તિ છે.’ ૮. ‘જરૂરિયાતનો ડર એ પોતે જ એક જરૂરિયાત છે શું?’ ૯. ‘તમે તમારા સંગ્રહમાંથી કોઈકને કંઈક આપો છો તે નહિવત્ દાન છે. પરંતુ તમે તમારા સ્વને સમર્પિત કરો છો એ સાચું દાન છે.’ ૧૦. ‘જરા ભૂતકાળમાં ઝાંકીને જુઓ અને બોલો કે ‘આ જ કરવાની મારા દિલની ખાસ ઈચ્છા હતી.’ - ‘માત્ર પોતે કૃતાર્થ થવા સિવાય પ્રેમને કશી કામના હોતી નથી.’ ૧૧. ‘તમારું ઘર એ લંગર નહિ, પણ દીવાસ્તંભ હોવું જોઈએ.’ ૧૨. ‘સુખ-સગવડ-આરામની લાલસા ખરેખર, આત્માના ઉત્કટ આવેગનું ખૂન કરે છે, અને પછી તેની સ્મશાનયાત્રામાં હસાહસ કરતી ચાલે છે.’ ૧૩. ‘મને આખરી સત્ય લાધ્યું’ એમ ન કહેતાં ‘મને એક સત્ય સાંપડ્યું છે’ એમ કહો. ૧૪. ‘તમારા આંતરમનના દુઃખની ખીણ જેટલી ઊંડી કોતરાયેલી હશે, તેટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને વધુ આનંદ આપશે.’ ૧૫. ‘જયારે પ્રેમ તમને પોકારે છે, ત્યારે એને અનુસરો, જોકે એનો પંથ મુશ્કેલ ચઢાણવાળો છે.’

આવાં અનેક અવતરણક્ષમ વિધાનો, રૂપકાત્મક, અલંકારિક રીતે જીબ્રાનના શાણપણ અને ઊંડી ચિંતનદૃષ્ટિ વ્યક્ત કરી વિશ્વભરના વાચકોના મનમાં ગૂંજ્યા કરે છે.