નવલકથાપરિચયકોશ/ફેરફાર

From Ekatra Wiki
Revision as of 15:19, 1 January 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪૭

‘ફેરફાર’ : ઉમેશ સોલંકી

– ડૉ. રાજેશ લકુમ

દલિત લેખક, કવિ, ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી મેકર ઉમેશ સોલંકી ઉત્તર ગુજરાતના મૂળવતની છે. અનેક કૃતિઓ જેવી કે ‘ફેરફાર’ (નવલકથા), ‘માટી’ (રેખાચિત્રો), ‘ભીતર’ (પદ્યનવલ), ‘પ્રેમકાવ્યો’, ‘લોકડાઉન’ અને ‘અણસાર’ (કાવ્યસંગ્રહ) પ્રસિદ્ધ થઈ છે. ‘ફેરફાર’ નવલકથા વર્ષ ૨૦૧૭માં નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવી. નવલકથાની વિશેષતા છે કે તે Fragmented Formમાં છે છતાં વાંચનારને તૂટકતા આવતી નથી અને ‘ફેરફાર’માં Stream of Consciousnessનો ઉપયોગ કર્યો. ‘ફેરફાર’માં ભૂતકાળમાં જવાનું અને પાછું વર્તમાનમાં આવવાનું એટલે કે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના દ્વન્દ્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ફેરફાર’ નવલકથા ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી કરાર આધારિત કામ કરતા અને સંઘર્ષમય જીવન જીવતા દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગના મિત્રોને અર્પણ કરવામાં આવી છે. અનુ-આધુનિકતાવાદના સિદ્ધાંતકારો જેવા કે ફૂકો, ડેરિડા અને લ્યોતારના સિદ્ધાંતોને ‘ફેરફાર’માં ખૂબ ઉમદા રીતે સમાવી લેવામાં આવ્યા છે. બે સંસ્કૃતિ (આર્ય-અનાર્ય) વચ્ચેના સંઘર્ષની ચર્ચા કરવામાં આવી છે. આ નવલકથા દલિત સાહિત્યના પરંપરાગત ઢાંચામાં નથી. ‘ફેરફાર’માં ફ્રેડરિક નિત્શેની Beyond Good and Evil નવલકથાની જેમ જ ઘણી જગ્યાએ સૂત્રશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ફેરફાર’ નવલકથામાં પાત્રોના જીવનમાં આવેલ ફેરફારને સમગ્ર સંદર્ભે લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો જ્યારે વ્યક્તિ ઉંમરમાં મોટી થાય ત્યારે એનામાં ફેરફાર આવે છે. જ્યારે વ્યક્તિ સ્થળ બદલે ત્યારે તેનામાં ફેરફાર આવે છે. જ્યારે વ્યક્તિ અન્ય વ્યકિતઓના સંપર્કમાં આવે ત્યારે તેનામાં ફેરફાર આવે છે. જ્યારે વ્યક્તિ નવા પુસ્તકના પરિચયમાં આવે છે ત્યારે તેનામાં ફેરફાર આવે છે. એવી જ રીતે આ કૃતિમાં નાયક પ્રકાશ નાનો હોય છે ત્યારે સામાન્ય જીવન જીવતો હોય છે. જ્યારે સામાન્ય પુસ્તકો વાંચવા લાગે ત્યારે સાંકેતિક રીતે પ્રકાશમાં ફેરફાર આવે છે. તેનામાં ચેતના વિકસિત થાય છે એટલે કે તે નાસ્તિક બની જાય છે. નવલકથાના કથાનક ભારતના પ્રાચીન, મધ્ય અને આધુનિક એમ ત્રણ યુગની ચર્ચા કરે છે. પ્રથમ યુગમાં વાલ્મીકિકૃત રામાયણ મહત્ત્વનું છે, રામાયણે ભારતમાં કુટુંબ વ્યવસ્થાની સંસ્કૃતિ ઊભી કરી છે. સાંસ્કૃતિક રીતે વર્ણવ્યવસ્થાની સ્થાપના કેવી રીતે થઈ તેની ચર્ચા ‘ફેરફાર’ નવલકથામાં કરવામાં આવી છે. આ નવલકથામાં જે વૃત્તાંત (Narrative) રામાયણમાં છે એનું ખંડન કરવામાં આવે છે. રામાયણમાં ધર્મ અને અનીતિ વચ્ચેનો સંઘર્ષ નહિ પરંતુ બે સંસ્કૃતિ – આર્ય અને અનાર્ય (રક્ષ) વચ્ચેનો સંઘર્ષ છે. જે ‘ફેરફાર’માં રામાયણના શ્લોકો દ્વારા ખોલી આપે છે. નવલકથાકાર વાલ્મીકિના શ્લોકો દ્વારા મહાન વૃત્તાંતનું (Grand Narrative) ખંડન કરે છે. એ ફક્ત પ્રાચીન ઇતિહાસના સંદર્ભે જ નહિ. કારણ કે ઇતિહાસ મિથ પણ હોઈ શકે છે. ફેરફારમાં વાલ્મીકિકૃત રામાયણના કૃતિના સંદર્ભે ચકાસણી કરે છે. જે રેતીના સંદર્ભે ફેરફારમાં એક સંવાદ પણ મૂકવામાં આવ્યો છે. રામાયણનું ભારતીય સમાજ પરની અસરોનું વિશ્લેષણ નવલકથામાં પાત્રોની ચર્ચા દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં મહાકાવ્ય દ્વારા લોકમાનસમાં ઉતારવાની પ્રક્રિયાને વિરામ (Break) મધ્યકાલીન સમયમાં કબીર દ્વારા આપવામાં આવે છે. ભારતની હિંદીભાષા પટ્ટીમાં વર્ણવ્યવસ્થા ખૂબ જ શક્તિશાળીરૂપે બહાર આવે છે. કબીરનું મહાન વૃત્તાંત (Grand Narrative) તોડ્યું છે. ‘ખરા કબીર’નો આધાર ‘ફેરફાર’માં લેવામાં આવ્યો છે. કબીરના સર્જનનો આધાર કબીર બનારસ જાય છે ત્યાં મગહર કૂચ કે માર્ચ નામ આપવામાં આવે છે. ‘ફેરફાર’માં કબીરને અલગ રીતે મૂકવામાં આવ્યા છે. જેમાં કબીરની નરસિંહ મહેતા ઉપર થયેલ અસરની ચર્ચા કરવામાં આવે છે. પરિણામે નરસિંહ મહેતાની હત્યાને સાંકેતિક રીતે ‘ફેરફાર’માં દર્શાવવામાં આવી છે. જૂનાગઢના નાગરો પોતે શૈવભક્ત હતા. જેમણે નરસિંહની વૈષ્ણવભક્તિનો સ્વીકાર કર્યો છે. પણ સંત નરસિંહને સ્વીકારતા નથી. કારણ કે તેઓ ક્રાંતિકારી સ્વરૂપમાં આવે છે. ત્યારબાદ નરસિંહ મહેતાની હત્યા કરવામાં આવે છે. આધુનિક યુગમાં ગાંધીજી આવે છે. તેમણે રામાયણ સમયના રામ અને બ્રાહ્મણ ધર્મને જોડીને આધુનિક (Modern) સ્વરૂપે કેવી રીતે આપ્યું તેવો સમગ્ર વિમર્શ ‘ફેરફાર’ નવલકથામાં કરવામાં આવ્યો છે. અનુ-આધુનિકતાના સંદર્ભમાં ફેરફાર નવલકથાને મૂલવવામાં આવી છે. અનુ-આધુનિકતાના સિદ્ધાંતના પ્રણેતાઓ લ્યોતાર, ફૂકો અને ડેરિડાના વિચારો રજૂ કર્યા છે. નવલકથા પર કઈ કઈ ઇતિહાસની કૃતિઓની અસર જોવા મળે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. ‘ફેરફાર’ના અમુક પ્રસંગોને પણ અનુ-આધુનિકતા સંદર્ભમાં ટાંકવામાં આવ્યા છે. ‘ફેરફાર’ નવલકથામાં જ્ઞાતિ, વર્ગ અને લિંગ – એમ ત્રણે મુદ્દાઓના સંદર્ભે આવતી ચર્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાલ્મીકિ કૃત રામાયણ, કબીર અને ગાંધીજીની ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે. આ સિવાય વર્ગ અને લિંગ સાથે સંકળાયેલ પ્રસંગોની પણ ચર્ચા કરવામાં આવી છે, જેમાં ફેરફારનું હાર્દ સમાયેલું છે. ‘ફેરફાર’માં આવતા પ્રતિકારના પ્રસંગો જેવા કે બાળપણનો બૂટપોલિશ સમયનો બનાવ,‘કબીર સ્ટ્રીટ’ સમયનો બનાવ, ધર્મપરિવર્તનની ચર્ચાઓ અને અન્ય પ્રસંગો વિશેની છણાવટ કરવામાં આવી છે. નવલકથાના એક પ્રસંગ મુજબ ‘વિચાર શરીરમાંથી જન્મતો હોય છે અને શરીરમાં પહોંચતો હોય છે’ (પૃ ૭૯). એટલે કે વિચાર આંતરિક શરીરમાંથી જન્મ લે છે. કૃતિમાં નાયક કહે છે કે “વાલ્મીકિવાસથી શરૂ થઈને ચમારવાસ અને વણકરવાસમાંથી પસાર થતી વાત મને મલક મલક કરતી નાનકડી નદી જેવી લાગી. નદી ખરી પણ કુંવારી નદી. કુંવારી નદી આગવો દરિયો રચવાનો સંકલ્પ કરે અને પછી જે હામ ભીડે એવી હામ મારા લોહીમાં ભળવા લાગી, આંખમાં ઠરવા લાગી” (પૃ. ૭૯-૮૦). દલિત પેટાજ્ઞાતિ વચ્ચે એકતાની વાત નાયક કરે છે. આ કૃતિમાં બ્રાહ્મણવાદ વિરુદ્ધ સમાનતામૂલક સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય ફેરફાર નવલકથાના બીજા પ્રસંગની વાત કરીએ તો તેમાં પસંદ કરેલાં પાત્રો ભારતીય સમાજની ખૂબ ચર્ચા કરે છે. દલિત વિદ્યાર્થી જીવન કે યુવા અવસ્થામાં સંસ્કૃતિની બહુ જ ચર્ચા કરતાં હોય છે. દલિત યુવાનોમાં રહેલ આ મૂલ્યનો ખાસ કાળજીપૂર્વક ઉપયોગ નવલકથામાં કરવામાં આવ્યો છે. ‘ફેરફાર’ નવલકથા મુજબ જોઈએ તો “ગાંધીજી દલિતસમાજને પંપાળી પંપાળી વર્ણવ્યવસ્થાને જાળવી રાખવા માંગતા હતા. કારણ કે ગાંધીજી મનુના ચીલે ચાલ્યા હતા. સમય મનુનો હતો નહીં એટલે ગાંધીજીને મનુમાંથી હિંસા કાઢી નાખવી પડી. મારે મન ગાંધી એટલે પ્રચ્છ્ન્ન મનુ” (પૃ. ૧૪૩). ‘હં. પણ પ્રકાશ, પચ્છ્ન્ન મનુ કરતાં સૌમ્ય મનુ વધારે ફિટ બેસે છે. કારણ કે ગાંધીજીએ વર્ણવ્યવસ્થાનું ખુલ્લું સમર્થન કર્યું જ હતું’ (પૃ. ૧૫૯). ગાંધીજીના આંદોલન વિશે જ્યારે વિમર્શ કરીએ ત્યારે સત્ય બહાર આવે છે. જ્યારે જ્યારે સમાજ વિખંડનની સ્થિતિમાં આવે ત્યારે ત્યારે ગાંધીજીએ આંદોલન પરત પણ લીધાં છે. જમીનદારી પ્રથા કે મૂડીવાદી પ્રથામાંથી છુટકારો મેળવવા માંગતા દલિતો અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ‘દલિત સ્વરાજ’ ગાંધીજીને મંજૂર ન હતું એટલે જ તેમણે આંદોલનના બદલે ગ્રામપ્રવૃત્તિ શરૂ કરી હતી. આ કૃતિ દ્વારા નાયક કહેવા માંગે કે છે દલિત સમાજનું હિત ગાંધીવાદમાં નથી. એટલે ગાંધીવાદથી પર રહી સમતા અને સમાનતાના હિમાયતી આંબેડકરના વિચારો આધારિત સમાજ રચના માટે તત્પર રહેવું જોઈએ અને દલિતોએ પોતાનું હિત શેમાં સમાયેલું છે તે અંગે વિચારવું જોઈએ. આ કૃતિમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થા વિરુદ્ધ પ્રતિકાર કરવા આગ્રહ કરે છે. જેમાં નાયક કહે છે કે “પણ આપણે લોકોની વચ્ચે જવાનું છે અને લોકોને વિચાર ગમશે, પણ બંધાશે નહીં. આપણે લોકોને બાંધવાના છે અને લોકો બંધાશે આગવી ઓળખથી, આપણે બનાવેલી આગવી ઓળખથી. બહારથી લડાયેલી ઓળખને ઉખાડી નાખવા માટે આગવી ઓળખ જ કામમાં આવવાની છે. અને આ આગવી ઓળખમાં તમે જે કહ્યા એ બધા વિચારો પરોવાયેલા હશે” (પૃ. ૧૭૨). સમાજમાં ફેરફાર ત્યારે જ આવશે જ્યારે વિચારોમાં ફેરફાર આવશે આ ફેરફાર માટે દલિત સમાજે પોતાના ‘આગવા ઘર્મ’ સ્થાપના દ્વારા જ દલિતોની મુક્તિની આશા સેવી શકાય. મુક્તિ મેળવવા માટે પ્રતિકાર એ પૂર્વશરત છે. આ નવલકથાનો વિષય સોશિયલ મીડિયા આવ્યા પહેલાંનો છે. એટલે આ નવલકથામાં ગ્રામીણ સમાજમાં રોજબરોજ ચાલતી ચર્ચાઓ દ્વારા સમાજમાં ફેરફાર આવે છે. આ ફેરફારનું વર્ણન નવલકથાનાં પાત્રોના જીવન સાથે જોડવામાં આવ્યું છે. સમાજમાં આવેલ ફેરફારનું ઐતિહાસિક વર્ણન જોવા મળે છે. પ્રાચીનમાં સાંસ્કૃતિક બ્રાહ્મણવાદની શરૂઆત કેવી રીતે થઈ? તેમજ તેની સામે મૂળનિવાસી દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ અને પ્રતિકાર દર્શાવ્યો છે. જેમાં કબીર દ્વારા સમાજની વાસ્તવિકતાને એક વંચિતોની ઓળખના રૂપમાં મૂકવામાં આવ્યું છે. આ નવલકથામાં આધુનિક સમયમાં દલિતોના ઇતિહાસને ઉજાગર કરવાની સાથે શક્તિશાળી રીતે મૂકવામાં આવ્યો છે. તેમજ દલિત પેટાજ્ઞાતિ વચ્ચે એકતા સ્થાપિત કરવાના અનેક રસ્તા બતાવવામાં આવ્યા છે. આ નવલકથામાં પાત્રોમાં કેવી રીતે Memories Change આવે છે તે ફેરફારમાં આવેલ બનાવો પરથી કહી શકાય છે. આ નવલકથામાં ગુજરાતી સાહિત્ય કરતાં તદ્દન અલગ ઉપેક્ષિત સમાજની વાત મૂકવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે ફેરફાર એક Alternatives Historiesની કૃતિ છે. આ કૃતિમાં ગુજરાતી દલિત સાહિત્યના વારસાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે. દલિત સાહિત્ય ફક્ત સાહિત્યક આસ્વાદ માટેનું માધ્યમ નથી. પરતું અન્યાય અને અસમાનતા વિરુદ્ધ આંદોલન ઊભું કરીને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટેની વાસ્તવિક કલ્પના કરે છે. ‘ફેરફાર’થી દલિત નવલકથામાં લેખનનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે. એટલે જ ‘ફેરફાર’ નવલકથામાં ઇતિહાસનું પુનઃવાંચન (Re-Reading History) કરવા પર ભાર મૂકે છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વિમર્શ સતત ચાલતી પ્રક્રિયા છે. ‘ફેરફાર’ નવલકથા વિશે ભરત મહેતા (૨૦૨૧) ‘બુદ્ધિપ્રકાશ’માં જણાવે છે કે ‘ફેરફાર’ના કેન્દ્રમાં દલિત શિક્ષિત યુવાન જાતિવાદને સમાજમાંથી કેવી રીતે દૂર કરી શકાય. અત્યાચારો ક્યાં સુધી સહન કરવાના રહેશે? મનુવાદમાંથી મુક્તિ લોકશાહી દેશમાં ક્યારે શક્ય બનશે વગેરે અંગે પ્રશ્નો ઊભા કરે છે. છેલ્લે ‘ફેરફાર’ નવલકથા English Penમાં પસંદગી પામી છે અને આ નવલકથાનું અંગ્રેજી અનુવાદ ગોપિકા જાડેજા કરી રહ્યા છે.

સંદર્ભસૂચિ : Chauhan, D. (૨૦૦૭). I am the Witness of My History and My Literatureઃ The Making of a Dalit Gujarati writer. Journal of Postcolonial Writing, ૪૩(૨). મહેતા, ભ. (૨૦૨૧). દલિત નવલકથાનો સબળ મુસદ્દો ‘ફેરફાર’. અમદાવાદ : બુદ્ધિપ્રકાશ. સોલંકી, ઉ. (૨૦૧૭). ફેરફાર. અમદાવાદ : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ .

ડૉ. રાજેશ લકુમ
સેન્ટ ઝેવિયર્સ નોન-ફોર્મલ એજ્યુકેશન સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કેમ્પસ,
નવરંગપુરા, અમદાવાદ
સંશોધક, સંપાદક અને વિવેચક
મો. ૮૬૯૦૪૯૯૫૮૮
Email: rajesh.cug@gmail.com